વાર્ષિક ૧૧ કર્તવ્યો
આખા વર્ષ દરમિયાન અહોભાવની, ભક્તિની, સમર્પણની ધારા આપણી ચાલતી રહે, તો પ્રભુની કૃપાને આપણે સતત ઝીલી શકીએ. એ માટે વાર્ષિક ૧૧ કર્તવ્યો બતાવ્યા. વર્ષ દરમિયાન આ કર્તવ્યો તમે કરતા જ રહો, કરતા જ રહો, જેથી તમારો અહોભાવ સશક્ત બન્યા જ કરે.
સાધર્મિકની ભક્તિ કરવાનો લાભ મળે ત્યારે તમારી આંખોમાંથી અહોભાવના આંસુ ટપકે, તો એ સાધર્મિક ભક્તિ સાચી. એક વાત યાદ રાખો, પૈસાની કોઈ અસર નથી; થઈ શકે પણ નહીં. પણ તમારા પ્રેમની અસર બહુ મોટી છે. તમે આપેલી ૧૦૦ રૂપિયાની નોટની કિંમત નથી; પણ તમારી આંખોના આંસુની કિંમત છે.
વાર્ષિક કૃત્યોમાં એક મુખ્ય કૃત્ય છે આલોચના. ભવ-આલોચના અને વાર્ષિક આલોચના. ભવ-આલોચના એટલે જન્મથી અત્યાર સુધીમાં થયેલા પાપોની નોંધ તમે ગુરુદેવને આપો અને ગુરુદેવ તમને પ્રાયશ્ચિત્ત આપે. એ ભવ-આલોચના લીધા પછી પણ દર વર્ષે વાર્ષિક આલોચનાનું પ્રાયશ્ચિત્ત કરી લેવાનું. પ્રાયશ્ચિત્ત દ્વારા થતું શુદ્ધિકરણ એ પણ પાત્રતા માટેનો એક આયામ છે.
કૃપા અને ભક્તિનું એક વર્તુળ છે. પરમાત્માની કૃપા સતત આપણા ઉપર વરસી રહી છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય! પ્રભુની કૃપા સતત વરસી રહી છે, પણ એ કૃપાને ઝીલવા માટેની આપણી જે પાત્રતા છે, એનું નામ છે ભક્તિ, એનું નામ છે સમર્પણ, એનું નામ છે અહોભાવ. ભક્તિ, સમર્પણ અને અહોભાવ આપણી પાસે આવ્યા એટલે પ્રભુની કૃપાને આપણે ઝીલી શકીએ, અને એ પ્રભુની ઝીલાયેલી કૃપા આપણને સાધના માર્ગમાં આગળ ને આગળ લઈ જાય.
પવિત્ર ‘કલ્પસૂત્ર’નું શ્રવણ તો પરમ દિવસથી ચાલુ થશે. એ પહેલાં આ ‘કલ્પસૂત્ર’ને સાંભળવા માટેની એક ભૂમિકાની વાત શરૂ થઈ છે કે ‘કલ્પસૂત્ર’માં, એના એક-એક શબ્દમાં, એના એક-એક અક્ષરમાં પ્રભુની કૃપા વણાયેલી છે. એ કૃપા આપણા ઉપર વરસશે ત્યારે આપણે એને કેવી રીતે ઝીલશું?
એક ભાઈએ મને સવાલ કરેલો. એણે પૂછેલું કે: “ગુરુદેવ, દર વર્ષે અમને ‘કલ્પસૂત્ર’ સંભળાવવામાં કેમ આવે છે? દર વર્ષે એની એ જ ટેક્સ્ટ (Text)?” મેં એને કહ્યું: “ભઈલા, તારો પ્રશ્ન જ ખોટો છે, જવાબ શી રીતે આપું?” મેં એને કહ્યું કે: “પ્રશ્ન તો એ હોવો જોઈએ કે, ગુરુદેવ, દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ નહીં? પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર આપે અમને સંભળાવ્યું. એ પછી બીજું અઠવાડિયું ફરી કલ્પસૂત્ર સંભળાવો. ત્રીજું અઠવાડિયું ફરી કલ્પસૂત્ર સંભળાવો! મેં કહ્યું કે તારો પ્રશ્ન આ હોવો જોઈતો હતો કે દર અઠવાડિયે કલ્પસૂત્રનું શ્રવણ કેમ નહીં?”
પરમાત્માની જીવનકથા સાંભળીએ અને આંખો ભીની થાય. પ્રભુના જીવનની એક-એક ઘટના અને આપણી પાત્રતા સજ્જ થાય. આપણને અહોભાવનું એક સશક્તિકરણ મળે કે: “આવા પરમાત્મા મને મળ્યા છે! અનંત ઇન્દ્રો કરતાં વધારે એમનું બળ! અને એક અનાડી માણસ એમના કાનમાં ખીલા ઠોકે અને પ્રભુની આંખો ભીની બને? કાનમાં ખીલા ઠોકનાર ઉપર પણ આપણા પ્રભુએ પ્રેમ વરસાવ્યો છે. આ મારો ઉપકારી છે.”
તો કલ્પસૂત્રના એક-એક પ્રસંગની અંદર એવી વાતો છે કે આપણો અહોભાવ સશક્ત બન્યા વગર રહે નહીં. પૂરા વર્ષ દરમિયાન અહોભાવની ધારા, ભક્તિની ધારા, સમર્પણની ધારા આપણી ચાલતી રહે તો પ્રભુની કૃપાને આપણે ૩૬૦ દિવસ ઝીલી શકીએ. એ પ્રભુની કૃપાને, એ પ્રભુના પ્રેમને ઝીલવા માટે વાર્ષિક ૧૧ કર્તવ્યો બતાવ્યા. વર્ષ દરમિયાન આ કર્તવ્યો તમે કરતા જ રહો, કરતા જ રહો, જેથી તમારો અહોભાવ સશક્ત બન્યા જ કરે.
સાધર્મિક ભક્તિની એક બહુ જ મજાની ઘટના કહું. પરમ પાવન પાલીતાણામાં પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદસૂરીશ્વરજી દાદાની નિશ્રામાં અમે લોકો ચાતુર્માસ હતા. આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી પણ અમારી સાથે હતા. પર્યુષણમાં સાધારણનું અને સાધર્મિકનું બહુ જ મોટું ફંડ (Fund) થયું. અને આયોજકોએ લોકોને કૉલ (Call) આપેલો કે કાર્તિકી પૂનમ પહેલાં આ બધું જ ફંડ વપરાઈ જશે અને એનો હિસાબ તમને આપી દેવામાં આવશે.
ફટાફટ વાપરી નાખવાનું હતું. કુમારપાળભાઈ વી. શાહને સલાહ માટે બોલાવવામાં આવ્યા. એમણે સરસ વાત કરી. એમણે કહ્યું કે: “સાહેબ, આપણે પહેલાં વિહાર ક્ષેત્રોને લઈએ. પાલીતાણા-અમદાવાદ, પાલીતાણા-શંખેશ્વર, શંખેશ્વર-ગિરનાર, એ રૂટને (Routes) આપણે પહેલા લઈએ. જ્યાં થોડાક પણ સાધર્મિકો રહેલા છે, એ ટકી જાય. તો સાધર્મિક ભક્તિનો પણ લાભ મળે. અને વિહાર ક્ષેત્ર ચાલુ રહે, એટલે સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિનો લાભ પણ મળે.”
કુમારપાળભાઈને જવાબદારી સોંપી. એમની સાથે આયોજકોમાંથી જયંતીભાઈ વડેચા. બે જણા નીકળ્યા. સૌથી પહેલા એમણે અમદાવાદ-પાલીતાણા રૂટ પકડ્યો. ધંધુકા ગયા. ધંધુકા ગામમાં જઈ આગેવાનોને ભેગા કર્યા. અને કુમારપાળભાઈએ આગેવાનોને પૂછ્યું કે: “ગામમાં સાધર્મિકો કેટલા? અમારે ભક્તિ કરવી છે.” જવાબ મળ્યો કે: “સૌથી શ્રેષ્ઠ સાધર્મિક પેલા મેડા ઉપરના બહેન છે. પતિ એક્સપાયર (Expire) થયેલા છે, સંતાન છે નહીં. વ્યાજની આવકમાંથી ગુજારો કરે છે. પણ એટલા ધાર્મિક વૃત્તિના અને એટલા જ્ઞાની છે, અને એથી એટલી ખુમારીવાળા છે કે જેની કોઈ હદ ન હોય!”
અગ્રણીઓએ કહ્યું કે: “પર્યુષણ પછીના આ સમયમાં એમને સિદ્ધિતપ ચાલે છે. અમારા બધાની ઈચ્છા કે અમારે ત્યાં પારણું કરવા માટે એ બહેન પધારે. અમે લોકો આમંત્રણ આપીએ, પણ એ કોઈનું પણ આમંત્રણ ક્યારેય પણ સ્વીકારતા નથી. અમારા ગામના શ્રેષ્ઠ સાધર્મિક હોય તો એ બહેન છે.”
સાંજના સાડા ચાર વાગેલા હતા. કુમારપાળભાઈ અને જયંતીભાઈ બેઉ એ બહેનના ત્યાં ગયા. બહેનને આજે બેસણું હતું. બેસણું કરવા બેઠેલા. કુમારપાળભાઈને જોયા, બહેને હાથ જોડ્યા: “સાહેબ બેસો, હું બેસણું કરીને ઊભી થાઉં.” ભાણા ઉપર નજર ગઈ, બે જ દ્રવ્ય: રોટલી અને દાળ.
બહેન બેસણું કરી કુમારપાળભાઈની જોડે આવીને બેઠા. કુમારપાળભાઈએ પૂછ્યું: “તમારે સિદ્ધિતપ ચાલે છે?” “હા.” “આવતીકાલે કઈ બારી ચાલુ થશે?” “છઠ્ઠી બારી ચાલુ થશે.” “અચ્છા, અત્યારે તમે શું વાપર્યું?” “રોટલી અને મગની દાળ.” “સવારે બેસણામાં શું લીધેલું?” ત્યારે એમણે કહ્યું: “ચા અને ખાખરા.” કુમારપાળભાઈ કહે છે: “ચા અને ખાખરાથી, રોટલી અને દાળથી સિદ્ધિતપ થાય?”
એ બહેન જ્ઞાની હતા. એમણે કહ્યું: “કુમારપાળભાઈ, તમે તો ગુરુદેવ ભુવનભાનુસૂરિ મહારાજ સાહેબના ચરણોમાં આળોટેલા છો, શું ગુંદરપાકથી સિદ્ધિતપ થાય? દેવ-ગુરુની કૃપાથી સિદ્ધિતપ થાય છે. ન રોટલી-દાળથી થાય, કે ન ગુંદરપાકથી થાય. સિદ્ધિતપ થાય પ્રભુ અને સદ્ગુરુની કૃપાથી! અને એ કૃપા મારા ઉપર ઉતરેલી છે. અને એ કૃપાથી હું સિદ્ધિતપ કરું છું.” જવાબ નહોતો કોઈ!
પૂછ્યું: “બહેન, નિખાલસતાથી કહેજો, તમારું કેમ ચાલે છે?” “અરે, કેમ ચાલે છે? આખા આ ગામમાં મારા જેવું સુખી કોઈ નહીં હોય. આ પ્રભુનું શાસન જેને મળેલું હોય, એ પરમ સુખી હોય. હું સુખી નહીં, પરમ સુખી છું. મારે જોઈએ એના કરતાં વધુ મને મળે છે. અને મારે બીજું કંઈ જોઈતું પણ નથી. આ પ્રભુનું શાસન મળ્યું, સંતોની સેવા મળી, પ્રભુની ભક્તિ મળી, આથી વધારે જોઈએ શું?”
કુમારપાળભાઈની આંખમાં આંસુ આવ્યા કે, “આવી પણ શ્રાવિકાઓ અમારા જિનશાસનમાં છે!” બધા સાધર્મિકોને તમે રેંજીપેંજી નહીં માનતા, આવા પણ ખુમારીવાળા સાધર્મિકો ઘણા છે. ક્યારેક તમે પણ નીકળી જાઓ આવા રૂટ પર.
હમણાંની વાત કરું, અમે સંગમનેર થઈને આવ્યા. સંગમનેરનો સંઘ ચારથી પાંચ જગ્યાએ ભક્તિ કરે છે. ૭૦-૮૦ કિલોમીટરના પટ્ટામાં એક પણ જૈનનું ઘર નથી. તો સંગમનેરની આ બાજુ બે મુકામ, આ બાજુ બે મુકામ. એક પણ જૈનનું ઘર નથી! એ ચારેય ચાર પડાવોની અંદર સવાર, બપોર અને સાંજની ગોચરી વહોરાવવાનું કામ સંગમનેરનો સંઘ કરે છે. અને એમાં પણ સંગમનેરમાં કોઈ રસોડું રાખ્યું નથી કે રસોડામાંથી બધી વાનગી લઈ જવાની હોય. બહેનો પોતે જાતે ભક્તિ માટે બધું તૈયાર કરીને આપે અને એ ટિફિનો (Tiffins) લઈને જવાનું. એ સંગમનેર અમે ગયા ત્યારે મેં કહેલું કે: “તમારી ભક્તિનું હું અભિવાદન કરું છું, આટલી સરસ ભક્તિ તમારી!” અને ભાવ પાછો એ કે: “ગુરુદેવ, અમને આટલો લાભ મળે છે. અમારે કરવું પડે છે એ વાત નહીં, અમને આટલો લાભ મળે છે!”
કુમારપાળભાઈની આંખમાં આંસુ. એ બહેને કહ્યું: “કુમારપાળભાઈ, તમે અને આ બીજા સાધર્મિક મારે ત્યાં પધાર્યા છો. મારે ત્યાં તમારા પગલાં ક્યાંથી હોય? પણ તમને એમને એમ જવા નહીં દઉં. હું અંદર જઈ તમારી ભક્તિ માટે થોડુંક લઈને આવું, એ સ્વીકારી અને પછી જ તમારે જવાનું છે.” એ બહેન અંદર ગયા કે સાકરનું પાણી કે એવું કંઈક કરીને લાવું.
કુમારપાળભાઈ અને જયંતીભાઈ વિચારણા કરે છે કે: “આ બહેન આવી ગયા, એક પૈસો આપણો લેનાર નથી. અને આમના જેવું પાત્ર આપણને ક્યાંય મળવાનું નથી. આ એક પૈસો લે એવા નથી. તો શું કરવું?” જેટલા પૈસા ખિસ્સામાં હતા બે જણાના, બધાનો ઢગલો કર્યો ત્યાં. અને બેય નીચે ઉતરી ગયા. અને ડ્રાઈવરને (Driver) કીધું: “સીધી ગાડી ચલાવ. નહિતર બહેનને ખબર પડી તો પાછું આપવા આવશે.”
આવા શ્રાવકો, આવા સાધર્મિકો આપણે ત્યાં હોય છે. એવા સાધર્મિકોની ભક્તિ કરવાનો લાભ મળે ત્યારે તમારું હૈયું ગજગજ ઉછળવું જોઈએ. કે આવા સાધર્મિકોની ભક્તિ… ગઈસાલ પાલમાં અને આ સાલ પણ સુરત-પાલમાં આયંબિલ શાળાનો આખો લાભ અમુક લોકોએ લીધો. અહીંયા પણ એક જ ભાઈ દર સાલ ચોમાસામાં ચારેય મહિનાના આયંબિલનો લાભ લે છે. આ વખતે પણ એમનો જ લાભ છે. તો આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધર્મિક ભક્તિ છે કે આયંબિલની મોટી-મોટી ઓળી કરનાર તપસ્વીઓ આયંબિલ શાળામાં પધારે અને તમને એમનો લાભ મળે. તો સાધર્મિક ભક્તિ તમે કરો અને તમારી આંખોમાંથી આંસુ ટપકે તો એ સાધર્મિક ભક્તિ સાચી છે.
ઘણી વાર તો છે ને ૫૦ રૂપિયા કે ૧૦૦ રૂપિયા આપીએ. અને પાછું પૂછીએ: “નવકાર આવડે છે? “નવકાર બોલ.” એક ગાથા આવડે છે? “અરે ભાઈ! તારે આખરે ૧૦૦ રૂપિયા આપવા છે, માણસ તરીકે આપી દે ને?” જો તારે આપવા જ છે તો પ્રેમથી આપી દે. પછી એમાં પરીક્ષા કરવા ના રહે. અને તારો પ્રેમ જે છે ને, એ પ્રેમની અસર ત્યાં થશે.
એક વાત યાદ રાખો, પૈસાની અસર કોઈ નથી, કોઈ થઈ શકે પણ નહીં. પણ તમારા પ્રેમની અસર બહુ મોટી છે. તમે ૧૦૦ રૂપિયાની નોટ આપો, પણ તમારી આંખમાં આંસુ છે તો આંસુની કિંમત વધારે છે. ૧૦૦ ની નોટની કોઈ કિંમત નથી.
એક શ્રીમંત માણસ મૉર્નિંગ વૉક (Morning walk) માટે નીકળેલો. અને મૉર્નિંગ વૉક માટે નીકળે એટલે એના કપડાં પણ અલગ હોય. હવે એ કપડાં પહેરીને નીકળેલો. હતો શ્રીમંત, આમ એના પાકીટમાં હજારો રૂપિયા હોય. મૉર્નિંગ વૉક માટે નીકળેલો એટલે પાકીટ-બાકીટ હતું નહીં. એમાં એક મંદિર આવ્યું. મંદિરમાં એ જવા જાય છે ત્યાં બહાર એક ભિખારી હતો. પગ બિચારાના કપાઈ ગયેલા. આને થયું કે: “હું કંઈક આપું.” એ ભૂલી ગયો કે હું મૉર્નિંગ વૉકના ટ્રેકમાં (Track) નીકળેલો છું. એણે પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો, આ બાજુ હાથ નાખ્યો, શર્ટના ખિસ્સામાં હાથ નાખ્યો. પણ પાકીટ જ નહોતું.
પેલો ભિખારી એ શ્રીમંતના ચહેરાને જોતો હતો કે: “સાહેબની ઈચ્છા ખૂબ આપવાની છે પણ પાકીટ જ ન મળ્યું.” ત્યારે શ્રીમંતે કહ્યું: “સોરી (Sorry), હું મૉર્નિંગ વૉકના ટ્રેકમાં નીકળેલો છું એટલે પાકીટ ઘરે રહી ગયું છે. હું અત્યારે તને આપી શકતો નથી કંઈ.” એ વખતે ભિખારીએ કહ્યું: “સાહેબ, તમે મને ખૂબ આપ્યું. તમારો આ જે પ્રેમ છે ને, એ પ્રેમ મને મળ્યો. તમારી આપવાની ઈચ્છા!” બાકી કેટલાક લોકો આપે છે, રૂપિયો આપે અને ઘા કરે આમ. એ અમારા હૈયામાં વાગતો હોય છે, રૂપિયો! “તમે એક પૈસો નથી આપ્યો, પણ તમારો ભાવ જે છે, તમારો પ્રેમ જે છે એ મને સ્પર્શી ગયો છે.”
વાર્ષિક કર્તવ્યમાં ત્રીજું કર્તવ્ય છે: યાત્રા-ત્રિક. સંઘ યાત્રા, રથ યાત્રા, અષ્ટાનિકા યાત્રા, આ બધું શેના માટે છે? કે જે પ્રભુની કૃપાએ મને આ શાસન મળ્યું, એ પ્રભુના ઋણમાંથી હું મુક્ત કેમ થાઉં? હું ઘણી વાર કહું છું કે અમારી અને તમારી બધી જ સાધના એકમાત્ર ઋણમુક્તિ માટેનો એક નાનકડો આયામ છે. પ્રભુએ એટલું બધું અમને આપ્યું, તમને પણ એટલું બધું આપ્યું કે આપણને વિચાર એ થાય કે પ્રભુના ઋણમાંથી મુક્ત કેમ થાવું?
પ્રભુએ અમને અપાર આનંદ આપ્યો. એવો આનંદ પ્રભુએ આપ્યો છે કે એક ક્ષણ, એક સેકન્ડ અમારી, પીડામાં – વિષાદમાં જતી નથી. શરીર છે, રોગ આવી શકે. અમારું શરીર પણ પછડાઈ શકે, અમે પણ ચાલતા પડી જઈએ, અમારા શરીરને ફ્રેક્ચર (Fracture) થઈ શકે. પણ હાડકું તૂટે, મનની પ્રસન્નતા ન તૂટે. ફ્રેક્ચર શરીરમાં હોય, મનમાં ફ્રેક્ચર ન હોય. તો પ્રભુએ અમને અપાર આનંદ આપ્યો છે.
તમને પણ એ જ આપ્યો છે! ‘ચિત્તપ્રસન્ને પૂજનફળ કહ્યું’. પ્રભુની આજ્ઞાનું પાલન જેમ જેમ થાય તેમ ચિત્તની પ્રસન્નતા વધે. તો અમારી અને તમારી ચિત્તની પ્રસન્નતા પ્રભુએ આપી છે. લાખો અને કરોડો રૂપિયા હોય, પણ આજે લોકોનું ચિત્ત પ્રસન્ન નથી. પ્રભુએ ક્યાંયથી ન મળે એવી પ્રસન્નતા આપણને આપી. એ પ્રભુના ઋણમાંથી મુક્ત કેમ થાવું? પ્રભુની ભક્તિ કરીને. તો સંઘ યાત્રા કરાવવી. એવા યાત્રિકો છે જે પોતાના દ્રવ્યથી યાત્રા કરી શકે એમ નથી. એમને આપણે સંઘમાં સાથે લઈ જઈએ. કુટુંબની સાથે પણ તીર્થયાત્રાએ જઈએ. ક્યારેક મહોત્સવ વગેરે કરીએ. અને એ રીતે પ્રભુના ઋણમાંથી મુક્ત થવાની એક નાનકડી કોશિશ કરવી. વિશિષ્ટ જાતનો સ્નાત્ર મહોત્સવ પણ ઉજવી શકાય.
દેવદ્રવ્યની વૃદ્ધિ. આજે આપણી કમ્યુનિટી બહુ જ નાનકડી, આપણા સ્થાપત્યો વિરાટ! શત્રુંજય અને ગિરનારને બાદ કરો, તો પણ કેટલા મોટા તીર્થો આપણી પાસે છે! રાણકપુર, તારંગાજી, દિયાણાજી… કેટલા મોટા તીર્થો આપણી પાસે છે! રાજસ્થાનમાં તો તમે જાઓ, મોટા-મોટા તીર્થોની યાત્રાઓ કરો, પણ ત્યાં એક-એક ગામમાં જે દેરાસરો હોય છે, અદ્ભુત! સિરોહી જિલ્લો, જાલોર જિલ્લો અને પાલી જિલ્લો. આ ત્રણ જિલ્લાની અંદર જે જિનાલયો છે, અદ્ભુત! બબ્બે કિલોમીટરે, ત્રણ-ત્રણ કિલોમીટરે ગામ આવે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ૩૦૦ ઘરનું જૈનોનું ગામ, ત્રણ ઘર ખુલ્લા ન હોય પણ દેરાસર ત્રણ હોય! અને એક-એક દેરાસર એટલે ૨૫-૫૦ કરોડ રૂપિયાથી પણ આજે ન બની શકે એવું દેરાસર. એવો સંગેમરમર, એવી કળા, એવી કાષ્ટકળા, આપણે જોતાં જ રહી જઈએ.! કઈ એ ભાવના હશે, બોલો!
હું પાટણ ગયેલો. અઠવાડિયાનો ટાઈમ. તો વિચાર્યું કે પાટણના જિનાલયોને જુહારીએ. એક ભાઈએ કહ્યું: “સાહેબ, સવારે હું આવી જઈશ અને આપની જોડે આવીશ.” સવારે એ ભાઈ આવી ગયા. અમે દર્શન માટે નીકળ્યા. પહેલા જ એક પોળમાં ગયા. એ પોળમાં પહેલાં ૫૦-૧૦૦ ઘર હતા. અત્યારે બે-ચાર ઘર પણ નહોતા ખુલ્લા. બધા બંધ. પણ પોળનું દેરાસર અદ્ભુત! અને પાટણમાં એક વિશેષતા જોવા મળે. પાટણ મહામંડળ જે મુંબઈમાં ચાલે છે, એના દ્વારા એટલો સરસ પ્રબંધ પાટણમાં છે કે ધર્મશાળાઓ એટલી, ભોજનશાળાઓ એટલી, અને દેરાસરોનો પ્રબંધ પણ એટલો સરસ. તો દેરાસર અદ્ભુત, પરમાત્મા તો અદ્ભુત હોય જ!
દર્શન કરીને બહાર નીકળ્યા તો કહે: “સાહેબ, સામે ખાંચામાં દેરાસર છે.” નાનકડી પોળ, એમાં એક ખાંચો. ખાંચામાં દેરાસર! ખાંચામાં એ જમાનામાં ત્રણ-ચાર ઘર હશે એટલો નાનકડો ખાંચો, પણ દેરાસર મોટું! ત્યાં પણ દર્શન કર્યા.
બહાર નીકળ્યા તો કહે: “સાહેબ, બાજુના ઘરમાં ઘર દેરાસર છે!” એ ઘરવાળા મુંબઈ રહેતા હતા. ચાવી દેરાસરમાં લટકે. એ ચાવીથી એમનું ઘર ખોલ્યું, દેરાસર જોયું. સ્ફટિકના પરમાત્મા, ચાંદી અને સોનાનું સિંહાસન! એ દિવસે વિચાર આવ્યો કે આ શું હતું? પોળમાં દેરાસર છે અને ખાંચાવાળા દેરાસર બનાવે! ખાંચામાં દેરાસર છે, પોતાની ભીંતને અડીને જ દેરાસર છે ઘરને! અને છતાં એ ઘરવાળો દેરાસર બનાવે! આ શું હતું? મારા ભગવાન! પહેલા તો પોળવાળાના ભગવાન, અમારા ખાંચાવાળાના ભગવાન કયા? આ તો ખાંચાવાળાના ભગવાન, મારા ભગવાન! અને મારી દૃષ્ટિએ આ શોર્ટેસ્ટ કટ (Shortest cut) છે. મોક્ષ માટેનો શોર્ટેસ્ટ કટ આ છે. અત્યાર સુધી “મારી ઑફિસ, મારો પરિવાર, મારું ઘર”, અહીંયા મમત્વને ફિટ (Fit) કરેલું. હવે “મારા ભગવાન, મારા પ્રભુનું શાસન, મારા સદ્ગુરુ”, મમત્વને ફેરવી નાખો, મોક્ષ આ રહ્યો!
તો દેવદ્રવ્યની વૃદ્ધિ દ્વારા આપણે આપણા જિનાલયોને ચમકતા અને દમકતા રાખી શકીએ છીએ. આજે સાધારણની અરજી ક્યાંયથી આવતી નથી અને આવે તો કોઈ સંઘ આપે નહીં. પણ દેવદ્રવ્યની અરજી બધેથી આવ્યા કરે અને લોકો આપ્યા કરે. કારણ કે ભગવાનના પૈસા છે, ભગવાનને આપવાના છે.
ધાનેરાની બાજુમાં ધાખા ગામ. ધાખામાં પ્રતિષ્ઠા થઈ. બહુ મોટી ઉપજ થઈ ૧૮ કરોડની. એ લોકોએ નક્કી કર્યું કે સ્થળ ઉપર જઈ અને આપણે પૈસા આપવા. તો કોઈ પણ અરજી આવે ત્યાં પહોંચી જાય. સમજો કે ૩૦ લાખનું કામ બાકી છે અને ૩૦ લાખ માટે દેરાસરનું કામ અટકી ગયું છે, ૩૦ લાખ આપી દેવા. ક્યાંક ૫૦ લાખ માટે કામ અટક્યું છે, ૫૦ લાખ આપી દે. હવે એકી કલમે ૫૦ લાખ રૂપિયા આપે, એટલે પેલા સંઘવાળા તો પ્રસન્ન થઈ જાય. એટલે એ સંઘવાળા કહે કે: “અમારે તમારું સન્માન કરવું છે.” આ લોકો સ્પષ્ટ ના પાડે કે: “ભાઈ, આમાં સન્માન શેનું? ભગવાનના પૈસા ભગવાનને આપ્યા, આમાં અમે વચ્ચે ક્યાં છીએ?” તો પણ સંઘની સોગંદ આપીને તિલક તો કરે જ!
એવી વખતે ધાખા સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા. મને કહે: “સાહેબ, મારે રાજીનામું આપવું છે.” મેં કહ્યું: “કેમ? શું થયું?” મને કહે: “ભગવાનના પૈસા ભગવાનને આપવાના, ને લોકો અમારું સન્માન કરે! હું પાપમાં પડું. મારે આ જોઈએ નહીં!”
કેવી ઉદાત્ત ભાવના! તો મૂળ વાત આ છે કે અહોભાવ, સમર્પણ, ભક્તિ એ વધે એટલે આપણી પાત્રતા નિખરે. અને પાત્રતા નિખરી તો પ્રભુનું દાન તો ચાલુ જ છે, પ્રભુ તો વરસી જ રહ્યા છે!
આજે વાર્ષિક કૃત્યો છે, એમાં મુખ્ય છે આલોચના. એક તો ભવ-આલોચના અને એક વાર્ષિક આલોચના. ભવ-આલોચના એટલે જન્મથી અત્યાર સુધીમાં જે પાપ આપણાથી થયા છે, જેની આપણને ખબર છે, એની નોંધ તમે ગુરુદેવને આપો. અને ગુરુદેવ એના ઉપર તમને પ્રાયશ્ચિત્ત આપે. એ ભવ-આલોચના લીધા પછી દર વર્ષે પણ આલોચના લઈ લેવાની. કોઈ ખાસ વિશેષ પાપ ન થયું હોય તો પણ સંસારમાં છો, સાધનોનો ઉપયોગ કર્યો છે, આરંભ-સમારંભ થયો છે. એ બધાને કારણે જે તમને પ્રાયશ્ચિત્ત આવે, એ પ્રાયશ્ચિત્ત તમારે કરવું જોઈએ. એ પ્રાયશ્ચિત્ત દ્વારા શું થાય? શુદ્ધિકરણ થાય. અને શુદ્ધિકરણ એ પણ પાત્રતા માટેનો એક આયામ છે.
બીજા ઘણા પણ પ્રકારો છે. થોડી વાતો આવતી કાલે પણ કરીશું. કેટલીક મહત્વની બાબતો છે. શ્રુતપૂજા વગેરે. એની વાત આવતી કાલે કરીશું. કારણ કે શ્રુત માટે આપણે લોકો ઉદાસીન બની ગયા છીએ. તો એ ઉદાસીનતા નહીં ચાલે. તો એના માટે શું કરી શકાય? એ બધી વાતો આવતી કાલે આપણે કરીશું.
