નિઃસંગ, નિરાકાર મન
સામાન્યતયા સામાયિકનો અર્થ આપણે એ કરીએ કે સમભાવનો લાભ જે ક્રિયા દ્વારા આપણને મળે, એ ક્રિયા, એ અનુષ્ઠાન એટલે સામાયિક. પરંતુ યોગપ્રદીપ ગ્રંથે સામાયિકની વ્યાખ્યા આપતા કહ્યું કે જે મન નિઃસંગ, નિરાભાસ, નિરાકાર, નિરાશ્રય અને પુણ્ય-પાપથી વિનિર્મુક્ત છે, એ મનને સામાયિક કહેવામાં આવે છે.
પહેલી સજ્જતા : નિઃસંગ મન. શરીર વસ્ત્રોનો સંગ કરી શકે, રોટલી અને દાળ ખાઈ શકે, પરંતુ મનની અંદર રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે એ પદાર્થોનો સંગ ન હોય. કોઈ કડવા કે પ્યારા શબ્દો કહે, એનો સંગ કાનને હોય પણ મનને ન હોય. આમ કોઈપણ ઘટના શરીર સુધી સીમિત રહે, મનની અંદર ન પહોંચે, તો એ થયું નિઃસંગ મન.
બીજી સજ્જતા : નિરાભાસ મન. આભાસ એટલે પડછાયો. સ્મરણ. પરનો સંગ પણ નહીં, અને પરનું સ્મરણ નહીં. જેનો સંગ થયેલ હોય, એનું જ સ્મરણ હોઈ શકે. સંગ જ ન હોય, તો સ્મરણ ક્યાંથી હોય?
પ્રભુનો અપાર પ્રેમ, જેના કારણે ૨૪ કલાકનું સામાયિક આપણને મળ્યું. શ્રાવક-શ્રાવિકા વર્ગને પણ સામાયિક ધર્મ મળ્યો. યોગપ્રદીપ ગ્રંથમાં સામાયિકની મજાની વ્યાખ્યા આપવામાં આવી છે. સામાયિક એટલે શું? સામાન્યતયા આપણે અર્થ કરીએ કે સમભાવનો લાભ જે ક્રિયા દ્વારા આપણને મળે, એ ક્રિયા, એ અનુષ્ઠાન એટલે સામાયિક.
યોગપ્રદીપનો બહુ જ પ્યારો શ્લોક છે:
“निस्संगं यन्निराभासम्, निराकारम् निराश्रयम्।
पुण्यपापविनिर्मुक्तम्, मन: सामायिकम् स्मृतम्।।
એ મનને સામાયિક કહેવામાં આવે છે. કેવા મનને? પાંચ વિશેષણો આપ્યા:
निस्संगं यन्निराभासम् निराकारम् निराश्रयम् पुण्यपापविनिर्मुक्तम्
મન કેવું હોવું જોઈએ?
પહેલી મનની સજ્જતા: નિસ્સંગ દશા. શરીર વસ્ત્રનો સંયોગ કરી શકે, મન નહીં. શરીર રોટલી અને દાળ ખાઈ શકે, મનની અંદર રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે એનો સંગ ન હોવો જોઈએ. અને એટલે જ એવા સાધકો થયા કે એકાસણું પૂરું થયું, પૂછવામાં આવ્યું કે આપે આજે શું વાપરેલું? ત્યારે એમને યાદ નથી હોતું. શરીરે ખાધું છે. શરીર પાસે મેમરી કાર્ડ (memory card) નથી. શરીર પાસે સ્મૃતિની કોઈ સુવિધા નથી. એ સુવિધા મન પાસે છે. અને મન અસંગ છે. મનને રોટલીનો, દાળનો, શાકનો કે ભાતનો સંગ થયો જ નથી. સ્મરણમાં એ વાત ગઈ જ નથી. તો કઈ રીતે કહી શકાય કે મેં આ ખાધેલું? ઘટના ઘટી ગઈ.
બીજા તરફ નહીં, તમારા તરફ ઘટના ખોલી. અને તમને પૂછવામાં આવે: “શું કહ્યું હતું તમારા માટે પેલી વ્યક્તિએ?” તમે કહો: “સાહેબ, મને કોઈ ખ્યાલ નથી.” રોટલી અને દાળનો સંગ જીભ કરે, મન નહીં. કોઈએ કડવા શબ્દો કીધા, કે પ્યારા શબ્દો કીધા, એનો સંગ કાનને હોય, મનને ક્યાંથી હોય? કોઈપણ ઘટના ઘટી, શરીર સુધી એને સીમિત રાખો, મનની અંદર એ ઘટનાને જવા ન દો.
એક મુનિરાજની વાત ઘણી વાર હું કહેતો હોઉં છું. વહોરીને એ પાછા આવ્યા. કોઈએ પથ્થર મારેલો ગાલ પર, તો ગાલમાંથી લોહી દદળી રહ્યું છે. લોહી પણ દદળી રહ્યું છે, અને સ્મિત પણ વરસી રહ્યું છે. ગુરુએ એના ચહેરા સામે જોયું, ખ્યાલ આવી ગયો: કોઈ અનાડી માણસે એને પથ્થર મારેલો છે. પણ અનાડી માણસે પથ્થર માર્યો, એ તો વ્યવહાર જગતની ઘટના છે. નિશ્ચયથી તો એના કર્મે જ પથ્થર મારેલો છે.
પરમદિવસથી ઓળીની આરાધના શરૂ થશે. આપણા બધાના મન નવપદમય, શ્રીપાળમય, મયણામય બની જશે. શ્રીપાળજી પાસે કેવું તો ઘટના-અપ્રભાવિત મન હતું, કેવું તો અસંગ મન હતું કે દરિયામાં ફેંકનાર ધવલ એ પણ મળે ત્યારે પ્રેમથી ધવલને એ જોઈ શકે છે. ભીતર વિદ્વેષની એક નાનકડી રેખા પણ ઊભરતી નથી. કેમ? ધવલે મને દરિયામાં નહોતો પાડ્યો, મારા કર્મે મને દરિયામાં પાડેલો હતો.
ગુરુદેવને થયું કે આજે તો મુનિ હતો, કાલે કોઈ સાધ્વીજી ભગવંત હોય, અને આવો અનાડી માણસ એમને હેરાન-પરેશાન કરે તો? શીલનો સવાલ છે. એટલે ગુરુદેવે એ મુનિને પૂછ્યું: “તું બે-ચાર શેરીમાં વહોરવા માટે ગયો હોઈશ, કઈ શેરીમાંથી, કયા ઘર પાસેથી આ પથ્થર નીકળ્યો, એ તું કહી શકીશ?” આવું બનેલું હોય તો તમને તો યાદ જ હોય ને? એ મુનિરાજ કહે છે: “ગુરુદેવ, પ્લીઝ, થોડો સમય મને આપો, હું જરા યાદ કરું.” પથ્થર લાગવાની ઘટનાથી પોતાને બેખબર રાખે, એ મસ્તી કેવી હશે? એ મુનિની મસ્તી કેવી હશે? પથ્થર પદાર્થ છે. પદાર્થનો સંયોગ પદાર્થને થયો, હું તો અસંગ છું. કોઈએ ગાળ આપી, તો એ ભાષા-વર્ગણાના પુદ્ગલો છે. પુદ્ગલોનો સંગ આ પુદ્ગલને થયો, એમાં તમારે શું?
તકલીફ ક્યાં થઈ? કે તમારી આઇડેન્ટિટી (identity) ખતમ થઈ ગઈ છે. તમે શરીરને “હું” માનો છો, “મને કીધું.” અલ્યા, તને કીધું કે તારા શરીરને કીધું?
સ્વામી રામ બહાર ગયા, આશ્રમમાં આવ્યા, હસતા હોય છે. કોકે પૂછ્યું: “કેમ હસો છો?” તો કે: “આજ તો મજા આવી.” “શું મજા આવી?” “એક જણો રામને ગાળો આપતો હતો, અને હું એને જોતો હતો.” આ શરીર માટે એ ‘રામ’ શબ્દનો ઉપયોગ કરતા, પોતાના માટે ‘હું’ શબ્દ. “એક વ્યક્તિ રામને ગાળો આપતી હતી, હું એને જોતો હતો. એક ગાળો આપનાર, એક ગાળને ખાનાર, એક ગાળને જોનાર.” તમે શેમાં આવો? તમે શેમાં આવો? તમે ગાળ ખાનાર કે ગાળને જોનાર?
મુનિરાજે કહ્યું: “ગુરુદેવ, થોડો સમય આપો, યાદ કરીને કહું.” અને એમને યાદ કરવું પડે છે કે કયા ક્ષણે આ ઘટના ઘટી, કઈ શેરીમાં, કયા ઘર પાસે.
તો પહેલી વાત આ થઈ: નિસ્સંગમ. સામાયિક માટેની પાંચ શરતો છે. મન પાંચ સજ્જતાઓથી યુક્ત બને તો સામાયિક થાય. પહેલી સજ્જતા આ: કે મન અસંગ હોવું જોઈએ. મનને પરમાત્માનો સંગ હોય, સદ્ગુરુનો સંગ હોય, પ્રભુના વચનોનો સંગ હોય. પણ કોઈપણ પદાર્થનો સંગ એક સાધકના મનને ન હોય. ફરક તો પડે ને? એક અસાધકનું મન, એક સાધકનું મન, ફરક પડશે કે નહીં? અસાધકના મનની અંદર બધો કચરો ઠલવાશે. સાધકના મનમાં કોઈપણ જાતનો કચરો ન હોય. મનને અસંગ બનાવવું છે.
બહુ સરસ વ્યાખ્યા ઉપવાસની એક તત્વજ્ઞે આપેલી. આમ આપણે વ્યાખ્યા કરીએ: ‘ઉપ’ એટલે નજીક, ‘વાસ’ એટલે રહેવું. પ્રભુની નજીક રહેવું, સદગુરુની નજીક રહેવું, એ ઉપવાસ. અથવા પોતાની જાત સાથે રહેવું, એ ઉપવાસ. પણ આ તત્વજ્ઞે બહુ મજાની વ્યાખ્યા આપે છે. એમણે કહ્યું કે ઉપવાસ એટલે શું? ખાવાની યાદ પણ તમને ન આવે, એ ઉપવાસ. તમે એવા તમારા ભીતરી આનંદમાં મશગૂલ હો, ખાવાની યાદ પણ ન આવે. મન અસંગ બન્યું. મનને ખાવાની ઈચ્છા જ નથી.
સ્વાધ્યાયમાં એવો રસ પડેલો હોય, ગોચરી આવી ગયેલી હોય, તમારું પાત્રું તૈયાર થઈ ગયેલું હોય, તમને કહેવામાં આવે: “ગોચરી આવી ગઈ છે.” તમે કહો: “હા, બે મિનિટ, પાંચ મિનિટ, જરા ચેપ્ટર પૂરું કરીને આવું.” એટલો રસ એ વાંચનમાં આવતો હોય કે એકાસણું છે, પણ ભૂખ લાગી છે, એની યાદ ન આવે. આ સ્વાધ્યાયનો આનંદ છે. એટલે હું વારંવાર કહું છું કે સ્વાધ્યાય તમે કરો છો, ભક્તિ તમે કરો છો, પણ સ્વાધ્યાયનો આનંદ, ભક્તિનો આનંદ તમારી પાસે છે? એવો ભક્તિનો આનંદ હોય કે તમે ભોંયરામાં ગયા, ચિંતામણી દાદા પાસે જવાનું તમારા હાથમાં, બહાર આવવાનું કામ ભગવાનના હાથમાં. એ તમારા હાથમાં ન હોય. તમે માત્ર જઈ શકો, પછી દાદાનું સંમોહન એવું તમને પકડી રાખે કે તમે એ સંમોહનમાંથી બહાર જઈ ન શકો.
જમ્બુવિજય મહારાજ સાહેબ શંખેશ્વરમાં હોય ત્યારે એમની ભક્તિ જોવાની ખરેખર મજા આવતી. ઘણી વાર તો એમ થાય કે પ્રભુને જોવા કે પ્રભુના ભક્તને જોવા! એ પ્રભુના દરબારમાંથી નીકળી જ ન શકતા હોય એવું તમને ફીલ (feel) થાય. અડધો કલાક થાય, કલાક થાય, દોઢ કલાક થાય. સમયનું ભાન કોને છે? માંડ-માંડ નીકળે, ઊભા થાય, અને ખમાસમણ દેવા મંડી પડે. બહાર ગયા, ચોકી પાસે ભગવાન દેખાય છે, પાછા ખમાસમણ. નીચે ચોકમાં જાય. અત્યારે તો ચોકમાં ટાઈલ્સ જડેલી છે. એ જમાનામાં ધૂળ હતી ચોકમાં. એ ધૂળિયા ચોકની અંદર ભગવાન દેખાય છે, અને ખમાસમણ દેવા મંડી ગયા. આપણને એમને જોતાં રીતસર ફીલ થાય કે એ પ્રભુના સંમોહનમાંથી બહાર નીકળી શકતા નથી.
તો સ્વાધ્યાયનો આનંદ, ભક્તિનો આનંદ, એ ક્યારે મળે? અસંગ મન હોય ત્યારે. દેરાસરમાં ગયા હોય ને, “આજ તો પેલા મહેમાન નવની ગાડીમાં આવવાના છે.” મહેમાન આવે કે જાય, તારે શું છે? તું ભગવાનના ચરણોમાં બેસ. અને ભગવાન પાસે તું હોય, અને ત્યારે તને બીજાની યાદ આવે? હું તો કહું છું, ભગવાન પાસે તમે હો ત્યારે નહીં, ૨૪ કલાકમાં બીજા કોઈની યાદ તમને આવે ખરી?
એક સમ્રાટ, સંતનો ભક્ત હતો. એક વાર સમ્રાટના બહુ આગ્રહથી એ સદગુરુ સમ્રાટની નગરીમાં આવ્યા. સમ્રાટે મોટી સ્વાગત યાત્રા કાઢી. સદ્ગુરુનું પ્રવચન થયું. પ્રવચન પૂરું થયું, લોકો વિખેરાયા. સમ્રાટ ગુરુના ચરણોમાં બેઠા. અને સમ્રાટે એક સવાલ કર્યો: “ગુરુદેવ, તમે મને ક્યારે યાદ કરતા?” એ તો સમ્રાટે પૂછ્યું, હો! તમે તો આવું પૂછો જ નહીં. તમે પૂછો એમ કે “સાહેબ, મને યાદ કરતા હતા?” સાહેબ તને યાદ કરે કે ભગવાનને યાદ કરે? તો સમ્રાટે પૂછ્યું: “ગુરુદેવ, મને ક્યારે યાદ કરતા હતા?” ત્યારે ગુરુએ કહ્યું: “કોઈક નબળી પળોમાં મને તારી યાદ આવતી.” “શિષ્યો મેં કર્યા નથી. એક પણ શિષ્ય જોઈએ જ નહીં. એક પણ આશ્રમ ક્યાંય બનાવ્યો નથી. કોક દિવસ કોક નબળી પળે વિચાર આવે કે અત્યારે તો પ્રવચનો આપું છું, લોકો મને આગ્રહ કરી કરીને પોતાને ગામ લઈ જાય છે, પણ હું વૃદ્ધ બનીશ. કાયા વૃદ્ધ બનશે, હું બોલી પણ નહીં શકું. ત્યારે હું ક્યાં રહીશ? એ વખતે મને તારી યાદ આવે કે એક સમ્રાટ મારો ભક્ત છે, અને એના ગેસ્ટ હાઉસમાં આખી જિંદગી પસાર કરીશ, તો પણ વાંધો નથી. પણ એ તારી યાદ આવ્યા પછી, પોસ-પોસ આંસુએ, ભગવાનની પાસે હું રડતો હતો કે ‘પ્રભુ, મને સમ્રાટની યાદ આવી એ ક્ષણોમાં તને તો હું ભૂલી જ ગયેલો.’ તો પ્રભુ, તને હું ભૂલી જાઉં, તારું સ્મરણ ન હોય એવી ક્ષણ તું મને કેમ આપે છે? યા તો તું હોય, યા તો તારું સ્મરણ હોય. આ બે સિવાયની ત્રીજી કોઈ પરિસ્થિતિ મારા માટે સહ્ય નથી.”
તો નિસ્સંગમ, પહેલી જ વાત. હવે આગળ ચાલો. બીજી સજ્જતા: નિરાભાસમ્!. આભાસ, પડછાયો, સ્મરણ. પરનો સંગ નહીં, તો પરનું સ્મરણ નહીં. ‘संगात् स्मृति:’. સંગ થયેલ હોય તો સ્મરણ હોય. સંગ જ ન હોય તો સ્મરણ ક્યાંથી હોય?
પ્રભુના, પ્રભુ મહાવીરદેવના સાધના જીવનની ઘણી બધી ઘટનાઓ આચારાંગ સૂત્રમાં આવે છે. એક ઘટના એવી છે કે પ્રભુ અનાર્ય દેશમાં પધારે છે, પોતાના કર્મોની નિર્જરા માટે. કે આર્ય દેશોમાં તો લોકો સંતોના પૂજક છે. અપવાદે જ કોક હેરાન કરનારા મળે. બાકી ભારત દેશ, આર્ય દેશ, ત્યાં તો લોકો સંતોના પૂજક હોય છે. મારે મારા કર્મોને ખેરવવા છે. પ્રભુ અનાર્ય દેશમાં ગયા. અનાડી માણસો પ્રભુને કેવી રીતે હેરાન કરે છે? લાકડીઓનો વરસાદ પ્રભુની પીઠ પર. શિકારી કૂતરાઓ પાછળ છોડે. અને એ શિકારી કૂતરાઓ પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી નાખે.
પ્રભુ આગળ જાય. જંગલમાં ગયા. અને પ્રભુને કાયોત્સર્ગ ધ્યાનમાં જવું છે. પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કહ્યું:
“સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા.”
પ્રભુ પલોઠી વાળીને જમીન પર સાડા બાર વર્ષમાં ક્યારેય પણ બેઠા નથી. કાયોત્સર્ગ ધ્યાને ઊભા છે, ક્યારેક બેઠા છે તો ઊભડક પગે. જીરાવલામાં મૌન સાધના શિબિર હતી. એમાં છેલ્લા દિવસે મેં કહેલું કે પ્રભુએ સાડા બાર વર્ષ લગભગ કાયોત્સર્ગ કર્યા છે. વિહાર અને પારણાની ક્ષણો, એને બાદ કરો તો બધી જ ક્ષણો કાયોત્સર્ગની ક્ષણો છે. તો મેં વાચનામાં કહ્યું કે આપણા પ્રભુ સાડા બાર વર્ષ સુધી કાયોત્સર્ગ ધ્યાન કરી શકે, તો તમે રોજ સાડા બાર મિનિટ કાયોત્સર્ગ ધ્યાન કરી શકો. એ શિબિરમાં રહેલા જેટલા પણ લગભગ આરાધકો હતા, ત્રણસો-ચારસો, એ પૈકીના લગભગ બધાએ નિયમ લીધો કે સાડા બાર મિનિટ રોજ કાયોત્સર્ગ ધ્યાને રહેવું. અને એ પૈકીના ઘણા મને અત્યારે પણ મળે ત્યારે કહેતા હોય છે, “સાહેબ, હજુ પણ કાયોત્સર્ગ ધ્યાન ચાલુ છે.”
તો પ્રભુ જંગલમાં ગયા. અને પ્રભુને કાયોત્સર્ગ ધ્યાનમાં જોવું છે. એ વખતે આચારાંગ સૂત્રમાં નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં એક સૂત્ર આવ્યું. સૂત્રની અંદર શિષ્ય પૂછે છે કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટી ગઈ, તો પ્રભુને એનું સ્મરણ હોય કે નહીં? તો કહ્યું કે નહીં, असरणाय કાયોત્સર્ગ ધ્યાનમાં પ્રભુને આનું સ્મરણ નથી હોતું. શિષ્યને નવાઈ લાગે છે કે ઠીક છે, કોઈએ ગાળ આપી હોય તો ભૂલી જવાય. કેમ? બરોબર? કોઈએ કડવા શબ્દો કીધા હોય તો ભૂલી જવાય. એકાદ તમાચ ઠોક્યો હોય તો ભૂલી જવાય. પણ હવે લાકડીઓનો વરસાદ વરસેલો હોય, કે શિકારી કૂતરાઓએ માંસના લોચે લોચા કાઢી નાખેલા હોય, એ ઘટનાને કેમ ભૂલી શકાય?
તો શિષ્ય નવાઈ સાથે ગુરુને પૂછે છે કે આપ કહો છો કે પ્રભુને આ ઘટનાનું સ્મરણ નથી હોતું, પણ આવું કેમ બને? ત્યારે બહુ સરસ વાત કરી કે જેનો સંગ થયો હોય એનું સ્મરણ હોય ને. આ ઘટનાનો સંગ પ્રભુને નહોતો, પ્રભુના શરીરને હતો. લાકડીઓનો વરસાદ શરીર પર વરસ્યો. માંસના લોચે લોચા શરીરમાંથી નીકળ્યા. તો શરીરમાં જે ઘટના ઘટી, એનાથી પ્રભુ બેખબર છે. કારણ કે મન કેવું હતું? અસંગ.
આપણે એક પ્રેક્ટિકલ આયામમાં જઈએ. ૨૪ કલાક સાધુ-સાધ્વી સામાયિકમાં રહે. હું છે ને, સાધુ-સાધ્વીજીઓને સામાયિકનું પ્રાયશ્ચિત આપું છું. સામાયિકનું. કારણ કે પ્રભુએ અપાર પ્રેમ વરસાવ્યો. સદ્ગુરુએ અપાર પ્રેમ વરસાવ્યો. અને યાવજ્જીવનનું ‘કરેમિ ભંતે’ સૂત્ર આપ્યું, પણ ઝીલાયું તો નથી. નિશ્ચયથી આપણે સામાયિકની અંદર ૨૪ કલાક હોતા નથી. તો રોજ ૪૮ મિનિટ એવી કાઢો કે જે નિશ્ચય સામાયિકની હોય.
અધ્યાત્મ ઉપનિષદ્માં ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું કે ભગવતી સૂત્રમાં લખ્યું છે કે એક વર્ષનો દીક્ષા પર્યાય થાય ત્યારે સાધુના ચિત્તની કાંતિ એટલી બધી વધી જાય છે, એનો ઉત્સાહ, એનો આનંદ એટલો બધો વધી જાય છે કે ગ્રેવેયકના જે દેવતાઓ છે, અને અનુત્તરના પણ જે દેવતાઓ છે, એના સુખ કરતાં પણ મુનિનું સુખ વધી જાય છે.
હવે એક વાત તમને સમજાવું. દેવોમાં પણ જેમ જેમ આગળ વધો એમ સુખ વધે. સુખ કેમ વધે છે? સંયોગ ઘટે છે માટે. સંગ ઘટે છે માટે. અનુત્તરમાં શું છે? એનું મન લગભગ કોઈ સંગમાં નથી. રત્નમય, પ્રભુની આજ્ઞાના જે પુસ્તકો છે, એનો સ્વાધ્યાય થયા કરે. અનુત્તર વિમાનમાં રહેલા દેવો શું કરે? માત્ર પ્રભુના વચનોનો સ્વાધ્યાય. એટલે ભૌતિક સુખ તમે જે કહો છો, એ પહેલા દેવલોકથી બારમા દેવલોકમાં ઓછું થતું જાય. ગ્રેવેયકમાં એનાથી ઓછું થાય. અને અનુત્તરમાં બિલકુલ રહેતું નથી. ભૌતિક સુખ જેમ જાય એમ આનંદ વધે.
સમજ્યા? બોલો, અમે સુખી કે તમે સુખી? સુખી કોણ? કોણ સુખી? અમે સુખી. કેમ? અમે અસંગ છીએ એ માટે. અહીંથી પૂનમના વિહાર કરશું ને? ત્યારે કહી દઈશું, “ચિરાગભાઈ, આ બધું ભળે છે તમને.” અને તમારે ક્યાંક યાત્રા કરવા જવાનું હોય તો? ઘરને લોક કર્યું. આમ, આમ, આમ. પાંચ વાર તો તાળું ખેંચે. અને એમાં સ્ટેશને પહોંચેલું હોય અને કોક પાછળથી આવે, “અરે, તમે બધા યાત્રા કરવા જાવ છો?” “હા, બધા.” “અને ઘરે કોણ છે?” “ઘરે કોઈ નથી.” “શું ઘરે કોઈ નથી? મેં તો બારી ખુલ્લી જોઈ હતી તમારા રૂમની!” સંગ વધુ તેમ દુઃખ વધુ. સંગ ઓછો તેમ દુઃખ ઓછું. અને મુનિનું મન અસંગ.
તો નિસ્સંગમ્ યન્ નિરાભાસમ્. તો આવું સામાયિક કરશો. રોજ એક સામાયિક કરવાનું. આ લોકો રોજ બે-ત્રણ સામાયિક કરે, તમારે રોજ એક સામાયિક કરવાનું. તો અધ્યાત્મ ઉપનિષદ્માં લખ્યું કે એક વર્ષના દીક્ષા પર્યાયે આ જે આનંદ વધે છે, એવું ભગવતી સૂત્રમાં લખ્યું કે વ્યવહાર દીક્ષા પર્યાયની વાત નથી, નિશ્ચય દીક્ષા પર્યાયની વાત છે. એટલે સમભાવનો સ્પર્શ છે. પંચમહાવ્રતોનો સ્પર્શ છે. તો સમભાવનો સ્પર્શ ક્યારે થાય? સામાયિક ક્યારે થાય? બે સજ્જતાઓની વાત આજ કરી. ત્રણ સજ્જતાઓની વાત આવતી કાલે. નિસ્સંગમ્ યન્નિરાભાસમ્.
આ શ્લોક તો યાદ રહી ગયો ને?
નિસ્સંગમ્ યન્નિરાભાસમ્, નિરાકારમ્, નિરાશ્રયમ્,
પુણ્યપાપવિનિર્મુક્તમ્, મનઃ સામાયિકમ.
આજે હું ખાલી એક વાર જોઈને જ આવ્યો છું. મારી નોટમાં આ શ્લોક લખેલો હતો. મેં કીધું, “શેના ઉપર બોલવું, એના ઉપર બોલવું છે.” એક વાર શ્લોક જોઈ લીધો અને બોલું છું. તમને પણ યાદ રહી ગયો. પણ અંદર ઉતરવું છે. તો સંગ નહીં, તો સ્મરણ પણ નહીં. હજુ શુભની દુનિયામાં છો. તો શુભ ક્ષણોનું ક્યારેક સ્મરણ રાખજો. અશુભ ક્ષણોનું તો નહીં જ. કોઈએ ગુસ્સો કરેલો તો દ્વેષયુક્ત ક્ષણ, અશુભ ક્ષણ. કારણ કે એ પરમાં ગયેલી ક્ષણ હોય છે. પરમાં ગયેલી ક્ષણ એ અશુભ ક્ષણ. સ્વમાં ગયેલી ક્ષણ એ શુદ્ધ ક્ષણ. અને સ્વમાં જવા માટેનું જે સાધન હોય તે શુભ ક્ષણ. બરોબર?
એટલે તમે યા તો શુભમાં હો, યા તો શુદ્ધમાં હો. તળેટી એ શુભ. શિખર એ શુદ્ધ. એટલે આપણી જર્નીનો (journey) રૂટ શું? તળેટીથી ઉપર, ઉપરથી તળેટી, તળેટીથી ઉપર. શુભથી શુદ્ધ. શુદ્ધમાં ન રહી શકાય તો શુભમાં આવી જવાનું. ફરી પાછા શુદ્ધમાં જવાનું. ગિરિરાજ પર આપણે ગયા. દાદાની ભક્તિ કરી. પણ દેહ ચિંતા થઈ. તો આપણે નીચે ઉતરી જઈએ. અને દેહ ચિંતા ટાળી પાછા ઉપર ચડીએ. એમ શુદ્ધમાં ન રહી શકાય તો શુભમાં. પણ અશુભમાં તો જવાનું છે જ નહીં. એટલે અશુભ એક પણ ક્ષણનો સંગ તમારા મનને ન હોય. અને સંગ ન હોય તો સ્મરણ પણ હોવાનું નથી. બરોબર?
તો આજે હોમવર્ક કરવાના. હું ૪૫ મિનિટ બોલું છું, બરોબર? આજે મારે ૪૫ મિનિટ બોલવાનું છે. તમે હોમવર્ક કેટલી મિનિટ કરશો? એક સામાયિક. ૪૮ મિનિટ હોમવર્ક કરો. કે મારે મારા મનને અસંગ બનાવવાનું છે. અને અસંગ બનશે એટલે સ્મરણ વગરનું પણ બની જશે. તો આવું મન એ સામાયિક છે.
શરીરને કટાસણા ઉપર બેસાડ્યું એટલે સામાયિક થઈ ગયું એમ માનો? શરીરને ઊભું થવું હોય ને તો ચરવળો જોઈએ. બરોબર? મન માટે ચરવળો રાખ્યો છે ને? સપોઝ કોઈની પાસે ચરવળો નથી. અને સામાયિક કરે છે. એ ઊભો થવાનો ખરો? ન થાય ને? ચરવળો નથી અને સામાયિક લીધું છે તો ઊભો થાય? એમ મનનો ચરવળો તમારી પાસે નથી. હવે તમે મનને અસ્થિર નહીં જ કરો. ઊભા થવાનું જ નહીં. સ્થિર બેસવું જ પડે. કારણ કે ચરવળો નથી. ચરવળો કયો? કે શરીરને કોઈ સંગ હોય, મનને સંગ ન હોય, આવી દશા આવી તો ચરવળો આવે. અસંગ મન એ ચરવળો. તો નિસ્સંગમ્ યન્નિરાભાસમ્.
આટલી વાત આપણે આજે કરી. ‘આપણે કરી’ એમ કહું કે ‘મેં કરી’ એમ કહું? ગુરુ તો તમને જોડે રાખવા જ માંગે છે. એટલે ઉપનિષદનો મંત્ર હું ઘણી વાર કહું છું:
“સહના વવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ.”
ગુરુ પ્રભુને પ્રાર્થના કરે છે. ગુરુ એમ નથી કહેતા કે પ્રભુ તું મારી રક્ષા કર, કે હું મારા શિષ્યની રક્ષા કરું. ગુરુ શું કહે છે? ‘સહના વવતુ’. મારી અને મારા શિષ્યની, બેવની રક્ષા તમે કરો. ‘સહ નૌ ભુનક્તુ’. આંતરિક ભોજન એટલે સ્વાધ્યાય. અમે સાથે સ્વાધ્યાય કરીએ. એટલે હું પ્રવચન આપું છું એમ નહીં, આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અને રોજ આપણો સ્વાધ્યાય ચાલવાનો. બરોબર? અને પછી કહ્યું, ‘સહ વીર્યં કરવાવહૈ’. અમે સાથે ચાલીએ. પ્રભુ તારી પાસે આવવું છે. હું આવું અને મારા શિષ્યને દોરી જાઉં એ વાત નહીં. હું અને મારો શિષ્ય બેવ સાથે જ ચાલીશું.
એટલે ગુરુ તમને સાથે રાખવા માંગે છે. એની બહુ મજાની વાત આવે છે. મેળામાં મા અને નાનો દીકરો ગયા. તો માએ કહ્યું કે બેટા, મારી આંગળી પકડ. દીકરો કે નહીં પકડું. કેમ? તું મારો હાથ પકડજે. હું તારી આંગળી પકડી રાખું, કોઈ સરસ દ્રશ્ય જોવાનું આવે, મારું મન ત્યાં જાય, તારી આંગળી છૂટી જાય તો? તું મારો હાથ પકડી રાખ, કે હું છૂટો નહીં થઉં.
ગુરુને હાથ આપવો છે કે પ્રભુને આપવો છે? અને પ્રભુ અને ગુરુ, તમે હાથ આપશો તો તમને છોડશે નહીં. હું તો ઘણી વાર કહું છું કે સદ્ગુરુની એક લાક્ષણિકતા છે. તમે આંગળી આપો તો પહોંચો પકડે. પહોંચો આપો તો હાથ પકડે. અને હાથ આપો તો આખાને આખા તમે ગયા. બરોબર? અને તમે ન હો એની મજા માણવી છે. મે એ મજા માણી છે. યશોવિજય ન રહ્યો. અને જે મજા મળી એ યશોવિજય હતો ત્યારે નહોતી. તો તમને બધાને પણ એ મજા ત્યારે મળે જ્યારે તમે ન હો. તો નિસ્સંગમ્ યન્નિરાભાસમ્. આજે પ્રેક્ટિકલ કરજો. કાલે આગળના ચરણો.
