Mumukshu Vachna | 17-06-20 | Navsari Tapovan

1 View
24 Min Read

જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે

આત્મભાવની સ્મૃતિ અને આત્મભાવમાં સ્થિતિ. પહેલા સ્મૃતિ, પછી સ્થિતિ. હું જ્ઞાયક છું… હું જ્ઞાયક છું… હું માત્ર જ્ઞાયક છું… આ સ્મરણ સતત ચાલે છે ખરું? કંઈ પણ થયું, તમારા દ્વારા કોઈ કાર્ય થયું, કોઈએ પ્રશંસા કરી… હું માત્ર જ્ઞાયક છું; કર્તા છું જ નહિ. વૈભાવિક સ્તર ઉપર કે સામાન્ય સ્તર ઉપર કોઈ પણ કાર્ય જે થયું છે, એની જોડે મારે કોઈ સંબંધ નથી; હું માત્ર જ્ઞાયક છું.

જ્ઞાયકભાવની આવી સ્મૃતિ સતત ચાલુ રહે છે? સ્મૃતિ જ નહિ હોય, તો જ્ઞાયકભાવમાં સ્થિતિ કેવી રીતે આવશે?! જ્ઞાયકભાવમાં સ્થિતિ માટે પરથી છુટ્ટા પડી જવું છે. પર તરફ ખુલતી તમામ ક્રિયાઓ તમને નિરર્થક લાગે, તો જ્ઞાયકભાવમાં સ્થિતિ આવી જાય. પર પદાર્થો એ માત્ર પરમાણુઓના જથ્થારૂપ લાગે, પુદ્દગલ બધા નશ્વર લાગે, તો જ્ઞાયકભાવમાં સ્થિતિ આવી જાય.

એવા જ્ઞાયકને કઈ રીતથી જાણશો? જ્ઞાતાને જાણવા માટે, જ્ઞાતાને અનુભવવા માટે તમારા પોતાના જ્ઞાન સિવાય બીજી કોઈ પરિસ્થિતિ છે જ નહિ, હોઈ શકે પણ નહિ. આત્માને આત્મા વડે જ જાણવો પડશે. અત્યાર સુધી તમે આત્માને જાણવા માટે શબ્દ દ્વારા, વિચાર દ્વારા કોશિશ કરી; પાયામાં જ ભૂલ થઇ ગઈ. જ્ઞાતાને જાણવા માટે તમારે અનુભૂતિની દશામાં આવવું જ પડશે.


મહામહોપાધ્યાય માનવિજય મહારાજ પરમતારક સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાતો કરે છે. પ્રભુના મૂર્તિદેહના દર્શનથી સ્વાનુભૂતિ શી રીતે મળે, એના માટેના સાત ચરણો એમણે ત્યાં બતાવ્યા છે. બીજા ચરણના પરિપ્રેક્ષ્યમાં આપણે જીવનમુક્તદશાની વાત જોઈ રહ્યા છે. બહુ મજાનો શ્લોક આવ્યો ઉપાધ્યાય ભગવંતનો – ‘जाग्रत्यात्मनी ते नित्यं’ નિશ્ચય દીક્ષાનો તમારો એક વર્ષનો પર્યાય થયો, તમે સતત આત્મભાવમાં જ હોવ.

આત્મભાવમાં સ્થિતિ અને આત્મભાવની સ્મૃતિ. પહેલા સ્મૃતિ, પછી સ્થિતિ. તો હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું. હું માત્ર જ્ઞાયક છું. આ સ્મરણ સતત ચાલે છે ખરું? કંઈ પણ થયું, તમારા દ્વારા કોઈ કાર્ય થયું, કોઈએ પ્રશંસા કરી, હું માત્ર જ્ઞાયક છું. હું કર્તા છું જ નહિ! વૈભાવિક સ્તર ઉપર કે સામાન્ય સ્તર ઉપર કોઈ પણ કૃતત્વ જે થયું છે, એની જોડે મારે કોઈ સંબંધ નથી, હું માત્ર જ્ઞાયક છું. તો આ જ્ઞાયકભાવની સ્મૃતિ સતત ચાલુ રહે છે? સ્મૃતિ જ નહિ હોય, તો જ્ઞાયકભાવની સ્થિતિ કઈ રીતે આવશે?

સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું; જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’ સુખ જોઈએ ને? આનંદ જોઈએ ને? ચપટી વગાડતા આવી જાય! બહુ જ નાનકડી સાધના –  ‘જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’ એક માત્ર જ્ઞાયકભાવને પકડી લો! ‘હું માત્ર જ્ઞાતા છું.’

ઉપનિષદમાં એક સરસ પ્રશ્ન આવે છે; ‘विज्ञातारं अरे केन विजानीयात्’ ઋષિ પૂછે છે; ‘विज्ञातारं अरे केन विजानीयात्’ તમે વિજ્ઞાતા ને શી રીતે જાણશો? જ્ઞાયકને શી રીતે જાણશો? દુનિયાના બધા પદાર્થોને તમે જાણ્યા. દુનિયાની ઘણી બધી વ્યક્તિઓને તમે જાણી, પણ એ જાણવાનો કોઈ અર્થ નહતો. જ્ઞાતા ને જાણવાનો છે.

તો સરસ પ્રશ્ન કર્યો; ‘विज्ञातारं अरे केन विजानीयात्’ કઈ રીતે વિજ્ઞાતાને જાણો? અને ત્યારે સરસ કહ્યું, વિજ્ઞાનેન. જ્ઞાતાને જાણવા માટે, જ્ઞાતાને અનુભવવા માટે તમારા પોતાના જ્ઞાન સિવાય બીજી કોઈ પરિસ્થિતિ છે જ નહિ, હોઈ શકે પણ નહિ. અને એટલે જ આખરે તો વાત એ જ આવે છે; જે જ્ઞાનસારમાં કહી; “आत्माSSत्म्न्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना” – આત્માને આત્મા વડે જ જાણવો પડશે. બહુ મજાની વાત છે, અત્યારસુધી આત્માને તમે કઈ રીતે જાણ્યો? શબ્દ દ્વારા, વિચાર દ્વારા કોશિશ કરી. તો આત્માને આત્મા વડે જાણ્યો નહિ. પાયામાં જ ભૂલ થઇ ગઈ. પાયામાં ગરબડ થઇ ગઈ. ‘विज्ञातारं अरे केन विजानीयात्’ તમારે જાણવો છે વિજ્ઞાતાને, તમે શબ્દ લઈને બેસી ગયા! તમે વિચાર લઈને બેસી ગયા! વિજ્ઞાતાને જાણવા માટે તમારે અનુભૂતિની દશામાં આવવું જ પડશે.

આત્માને આત્મા વડે ‘જ’ અનુભવી શકાય. There is no other way! બીજો કોઈ માર્ગ છે જ નહિ! પણ આ વિજ્ઞાતાને જાણવાની એક તો પ્રબળ ઝંખના તો ઉઠવી જોઈએ. હું જ્ઞાતા છું. છું જ! બોલો આનંદ ક્યાં મળે બોલો? કર્તૃત્વમાં કે જ્ઞાતાભાવમાં? કર્તૃત્વમાં રતિ અને અરતિ બે ય રહેવાના. કોઈ તમારા કાર્યની પ્રશંસા કરશે, રતિભાવ. કોઈ તમારા કાર્યની નિંદા કરશે, અરતિભાવ. એટલે તમારું સુખ કર્તૃત્વની ધારામાં પરાધીન બની ગયું. બીજાના હાથમાં. બીજો કહે, તમે સારું કર્યું તમે કહો; હા, હા, હા બહુ સારું. એ તમારું સુખ કોના પર આધારિત? બીજા પર આધારિત. જ્ઞાતાભાવમાં તમારું સુખ તમારા પર આધારિત છે. હું કર્તા છું જ નહિ. પ્રવચન અપાઈ ગયું. વૈયાવચ્ચ થઇ ગઈ. કરનાર તરીકે મારે મારા હું ને રાખવું નથી. હા, આનંદઘન હું આવે તો વાંધો નથી. પણ આ ગરબડિયા હું ને તો મારે રાખવું જ નથી કેન્દ્રમાં.

તો જ્ઞાયકભાવની સ્મૃતિ અને પછી જ્ઞાયકભાવમાં સ્થિતિ. એના માટે પરથી છુટા પડી જવું છે. અને પરમાં રહેલી તમામ પ્રક્રિયાઓ તમને નિરર્થક લાગે, એ ભૂમિકા ઉપર તમારે જવું છે. એક ગુરુએ શિષ્યને એક મજાની સાધના આપેલી. શિષ્ય ખરેખર ઊંડાણમાં જવાની ઈચ્છાવાળો હતો. અમને તો આવા શિષ્યો’ય નથી મળતાં. અમારી બાહ્ય સેવા કરે એવા શિષ્યો ઘણા મળે છે. ગુરુને ખરેખર શું જોઈએ બોલો?

હું ઘણીવાર કહું છું, કે ગુરુને રાજી કરવા અઘરામાં અઘરી બાબત છે. દુનિયાનો કોઈ પણ માણસ હોય, યા તો એને પૈસાથી ખુશ કરી શકાય. પૈસા નથી લે તો એ, તો પ્રશંસાથી તમે એને ખુશ કરી શકો. ગુરુ એવું પરિબળ છે, એવું તત્વ છે, કે જેને પૈસા નથી જોઈતા, તમારી પ્રશંસા પણ જોઈતી નથી તો ગુરુને કેમ રીઝવવા બોલો! શિષ્યત્વનો મતલબ શું બોલો? શિષ્યત્વનો મતલબ શું? માત્ર મારે મારા ગુરુને રીઝવવા છે. આવી જ ચિંતનધારા 24 કલાક જેમની ચાલતી હોય, એ શિષ્ય. તો ગુરુ રાજી કેમ થાય બોલો? તમે એમની સેવા કરશો, એથી ગુરુ રાજી થઇ જશે એવું માનતા નહિ. ક્યારે પણ સદ્ગુરુ આવી સેવાથી રાજી થતાં જ નથી. ગુરુ માત્ર અને માત્ર તમારા જીવન પરિવર્તનથી જ રાજી થાય છે. તમે કર્તૃત્વમાંથી જ્ઞાતૃત્વમાં આવ્યાં, ગુરુ ખુશ. ગુરુ રાજી.

તો આ શિષ્ય પણ એવો હતો, જેને ગુરુ પાસેથી ઊંડી સાધના જોઈતી હતી. ગુરુએ એને બહુ સરસ સાધના આપી. એક સ્થળ બતાવ્યું. નદી કાંઠાનું. બાજુમાંથી પુલ પસાર થતો હતો. નદી વહેતી હતી. એક spot ગુરુએ નક્કી કરીને આપ્યો. કે તારે આ વૃક્ષ નીચે બેસી રહેવાનું છે. થોડે દૂર એક મંદિર છે, ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા તારી થઇ જશે. બાકી તારે અહીંયા રહેવાનું છે. ક્યાં સુધી? નદી તને સ્થિર લાગે અને પુલ હાલતો-ચાલતો લાગે ત્યારે તારી સાધના પુરી. બે વર્ષ લાગે, પાંચ વર્ષ લાગે કે દસ વર્ષ લાગે ત્યાં સુધી તારે બેસી જ રહેવાનું.

તો સાધનાની ભૂખ જોઇશે. અદંમ્ય જિજ્ઞાસા. અદંમ્ય ઝંખના અને પછી ગુરુ કહે તે બધું જ કરવાની તૈયારી જોઇશે. અમે લોકો result તમને આપવા તૈયાર છીએ. હું તો ૧૦૦% resultથી પણ રાજી થનારો માણસ નથી. ૧૦૫% આવી જાવ. અમે લોકો તમને result આપી જ દઈએ. ‘જ’ કાર સાથે કહું છું. તમને પરિણામ આપી ‘જ’ દઈએ. બોલ તમારી કોર્ટમાં આવે છે. એક તીવ્ર ઝંખના જોઇશે, સાધનાના ઊંડાણની અને એના માટે સદ્ગુરુ જે પણ કહે એ બધું જ કરવાની તમારી તૈયારીઓ જોઇશે.

અનંત જન્મોની અંદર આ બે વસ્તુઓ ન હોવાના કારણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સદ્ગુરુઓના સાનિધ્યને આપણે ચુકી ગયેલા માણસો છીએ. હું પણ ભેગો છું. હરીભદ્રાચાર્ય જેવા કે હેમચંદ્રાચાર્ય જેવા સદ્ગુરુઓ મને મળેલા. એ મને પરિણામ આપવા તૈયાર હતાં. બેટા બેસી જા, કરી આપું. હું તૈયાર નહતો. તો બે સજ્જતા તમારી પાસે આવી જાય, સાધનાની અદંમ્ય ઝંખના અને એ અદંમ્ય ઝંખનાને પુરી કરવા માટે સદ્ગુરુ જે પણ કહે એ કરવાની તૈયારી.

બોલો મારી ખુલ્લી ચેલેંજ, તમારા બધા તરફથી. જે આટલું કરવા તૈયાર, એને result આપી ‘જ’ દઉં. કહું છું. ‘જ’ કાર સાથે કહું છું. બસ તમારી તૈયારી જોઈએ. એટલે જ હું ઘણીવાર કહું છું, he is ever ready. પ્રભુ હંમેશ મારે ready છે. We are also ready. અમે પણ તૈયાર છીએ But are you ready?

આ તમને તૈયાર કરવામાં ગુરુ ચેતનાને અનંતા જન્મો લાગ્યા. કોઈ દિવસ વિચાર આવે છે?અનંત જન્મોથી ગુરુચેતના તમારા ઉપર કામ કરી રહી છે. અને છતાં તમે ગુરુચેતનાને સમર્પિત ન થયાં? ગુરુચેતનાએ તમને કહ્યું; બેટા! નિમિત્ત નિમિત્ત નિમિત્ત શું કરે છે, નિમિત જેવું કંઈ છે જ નહિ. તારી ઉપાદાનની અશુદ્ધિને કારણે તું સામાન્ય નિમિત્તને પકડી લે છે. વાત સાચી પણ લાગી. મનમાં ઠસી પણ ખરી. જ્યાં ઉપાશ્રયની બહાર ગયા, નિમિત્તોની દુનિયામાં ગયા, ફરી નિમિત્તોની દુનિયામાં ફસાઈ ગયા. એટલે અનંતા જન્મોથી આ સિલસિલો ચાલ્યો છે. સદ્ગુરુ ચેતના તમારા ઉપર કામ કરે જ ગઈ. કરે જ ગઈ. કરે જ ગઈ. તમે result બિલકુલ આપેલું જ નહિ. ખરેખર ગુરુ ચેતના અકારણવત્સલ છે. તમે એને કંઈ આપો, ન આપો. એને કંઈ જરૂરિયાત નથી. એ અકારણવત્સલ ચેતના છે. બસ પ્રભુની આજ્ઞા છે તું આપ્યા જ કર. તું આપ્યા જ કર. તું આપ્યા કર.

તો અનંત સમયથી ગુરુચેતના આપણા ઉપર કામ કરી રહી છે. આપણે એ કામને ઝીલી શક્યા નથી. સ્વીકારી શક્યા નથી. પણ અનંતા જન્મની વાત ગઈ. આ જનમમાં શું કરવું છે? વાચના સાંભળી લીધી. મજા આવી ગઈ.

હું ઘણીવાર પૂછું, કે મારા પ્રવચનમાં મજા આવે માટે તમે આવો છો? હું મનોરંજનનો માણસ છું જ નહિ. હું તો મનોભંજનનો માણસ છું. તમારા મનને, તમારી ખોપરીને, તમારી બુદ્ધિને ઉડાવનારો માણસ હું છું. એ ઉડશે તો જ તમે પ્રગટ થશો ને…!

માઈકલ એન્જેલોનું એક વિશ્વ વિખ્યાત શિલ્પ છે; પીએટા. એ શિલ્પ એવું છે; કે માઁ મેરી ખુરશી ઉપર બેઠેલા છે. અને વધસ્તંભેથી ઉતારાયેલા ઈસુના મૃતદેહને એમણે ખોળામાં લીધેલો છે. માઁ મેરીના ચહેરા ઉપરના જે ભાવો અને ઈસુના ચહેરા ઉપરના જે કરુણાના ભાવો એટલી extremely માઈકલ એન્જેલોએ ઉભાર્યા છે. કે દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિલ્પ કૃતિઓમાં આ પીએટાની ગણતરી થાય છે. એટલો સરસ facial expression! માઁ મેરી એ પોતાના દીકરાને લઈને બેઠેલી છે. વધસ્તંભેથી ઉતારાયેલો દીકરો, મૃત દીકરો એને ખોળામાં લઈને બેઠેલી છે. અને એના ચહેરા ઉપર જે ભાવ છે, પોતાના દીકરા માટેના, અને ઈસુના ચહેરા ઉપર તો માત્ર કરુણાના ભાવો છે. વધસ્તંભે પોતાને લટકાવનાર ઉપર પણ ઈસુને માત્ર કરુણા હતી. તો એ જે ભાવો ઉભાર્યા છે, એ ભાવવિન્યાસની દ્રષ્ટિએ આ શિલ્પકૃતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય છે.

એકવાર માઈકલ એન્જેલોને એના મિત્રોએ પૂછ્યું; કે એટલી શ્રેષ્ઠ કૃતિ તે કઈ રીતે બનાવી? તો માઈકલ એન્જેલો કહે છે; મેં નથી બનાવી. મેં નથી બનાવી. બહુ સરસ વાત કરે છે. એ કહે છે કે મારા મનમાં આ એક વાત હતી કે આવું એક શિલ્પ બનાવવું. પણ એના માટે જેટલો મોટો આરસ જોઈએ, એવો આરસ મને મળતો નહતો. એમાં એકવાર આરસના વેપારીના ગોડાઉન પાસેથી મારે નીકળવાનું થયું. અને મારે જોઈએ એવો જ આરસ મેં બહાર પડેલો જોયો. વેપારીને પૂછ્યું; કે તમારે વેચવાનો છે? તો કહે; હા, વેચવાનો છે. મેં એને લઇ લીધો. મારા workshopમાં હું એને લઇ ગયો. હવે મારા મનમાં picture તૈયાર હતું. માઁ મેરી આ રીતે બેઠેલી છે. ઇસુ આ રીતે સુતેલા છે. અને મેરીના ચહેરા ઉપર શું ભાવ છે! ઈસુના ચહેરા ઉપર શું ભાવ છે! આ બધું જ મારા મનમાં ચિત્ર છાયેલું હતું. મારે તો એટલું જ કામ કરવાનું હતું, ટાંકણો અને હથોડો લઈને બેસી ગયો. પથ્થરનો બિનજરૂરી ભાગ કાઢી નાંખ્યો. શિલ્પ અંદરનું તૈયાર હતું. મેં શિલ્પ બનાવ્યું નથી. બિનજરૂરી ભાગ હતો એ તોડી નાંખ્યો.

ગુરુ શું કામ કરે? કોઈ પણ ગુરુ કે કોઈ પણ તીર્થંકર ભગવન તમને સ્વાનુભૂતિની દીક્ષા આપશે. તમને સ્વરૂપસ્થિતિમાં લઇ જશે. ત્યારે એ કહેશે કે બેટા! આ સ્વરૂપસ્થિતિ તારી હું તને નથી આપતો. તારી અંદર જ એ હતી. માત્ર એના ઉપરનો કચરો જે હતો એ મેં બહાર કાઢી નાંખ્યો. એટલે ગુરુનું કામ સમજી ગયા તમે. અમે લોકો ટાંકણો અને હથોડો લઈને બેઠા છીએ. અને તકલીફ શું થાય છે અમારી તમને કહું, તકલીફ શું થાય એ કહું. પેલી જે મૂર્તિ હોત ને, એનો પથ્થર આવી ગયો. શિલ્પી ટાંકણો અને હથોડો લઈને મંડી પડે. આ મૂર્તિ ગજબની છે.

આરસની મૂર્તિ પહેલાં પ્લાસ્ટરની મૂર્તિ બને. પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી. અને એના પહેલા માટીની બને.

તો માટીની મૂર્તિ આપણને બતાવે કોઈ ગુરુ મહારાજની, તો આપણે કહીએ કે ના, હજુ expression પકડાતું નથી. એ કહે શું લાગે છે તમને? એટલે માટીમાં એ બધા ફેરફાર કરી શકે. હવે માટીમાં જ્યાં સુધી એને ફેરફાર કરવાના હોય ત્યાં સુધી એ માટીને ભીની ને ભીની રાખે. વધારે પાણી ન નંખાય. વધારે પાણી નાંખો, તો આકાર જે છે એ બગડી જાય, માટીમાં. અને બિલકુલ પાણી તમે ન નાંખો તો માટીમાં તિરાડો પડી જાય. એટલે એ લોકો ૨-૪ દિવસ બહાર જવાનું હોય ને તો પણ એ માટીની મૂર્તિ ઉપર લુંઘડું ઢાંકી દે. અને નોકરને કહે કે લુંઘડાને ખાલી પલાડવાનું. એથી માટીની મૂર્તિની ભીનાશ એવી ને એવી રહે. કદાચ ૧૫ દિવસ બહાર રહ્યો. ૧૬માં દિવસે આવ્યો. મૂર્તિ હતી ને એવી ને એવી જ છે. એટલે પાછા ફેરફાર શરૂ કરે. આ મૂર્તિમાં તકલીફ આ છે. સામેની મૂર્તિઓમાં. તું ૧૫ દિવસ બહાર રહ્યો એટલે મૂર્તિ બદલાઈ જાય. હવે પુનશ્ચ હરિ ૐ! પણ આ કેમ થાય છે?

બસ બે જ વસ્તુ નથી. સાધના ની તીવ્ર ઝંખના નથી. અને એના માટે પુરેપુરા સદ્ગુરુ સમર્પણની તૈયારી નથી. કોરોના પોઝેટીવ આવે પછી માણસ શું કરે બોલો? એને એ દર્દમાંથી છટકવું છે. સારામાં સારી હોસ્પિટલમાં એ પહોંચી જાય. એ સમજે કે મ્યુનિસિપલ હોસ્પિટલમાં કામ બરોબર નથી. આપણે ચાલો private હોસ્પિટલમાં જઈએ. તો સારામાં સારી હોસ્પિટલમાં જઈએ. ભલે ને ૧૫ દિવસ તો ૧૫ દિવસ. વાંધો નથી આપણે સ્વસ્થ બની જઈએ. અને ત્યાં ગયા પછી મેડીકલ સુપરવિઝનને એણે જે કહે એ પ્રમાણે કરે. એક સામાન્ય માણસ પણ આટલું નક્કી કરી શકે છે, કે સ્વસ્થ મારે થવું છે એ એક. અને સ્વસ્થ થવા માટે મેડીકલ સુપરવિઝન મને જે કહેશે એને હું follow up કરીશ. તો આટલી નાનકડી બે વાત તમે ન કરી શકો, મારે તમને પૂછવું છે? પણ તકલીફ એ છે કે તમે તમારી જાતને અસ્વસ્થ માનતા જ નથી. કેમ ભાઈ કેમ ચાલે? બહુ સરસ. 

દરરોજ હજારનો સ્વાધ્યાય થાય,એકાસણું કરું, બેસણું કરું, રાત્રે પણ સ્વાધ્યાય કરું, ભક્તિ કરું, વૈયાવચ્ચ કરું, મતલબ કે બધું આવી ગયું. પૂરું થઇ ગયું! અલા ભાઈ શરૂ એ નથી થયું ને, તું કહે છે કે પૂરું થઇ ગયું!

તો ગુરુએ પેલા શિષ્યને સાધના આપી; નદી કાંઠે બેસી રહેવાનું. બીજું કાંઈ કરવાનું નથી બસ. નદી જ્યારે સ્થિર લાગે, અને પુલ હાલતો-ચાલતો લાગે, ત્યારે તારી સાધના પુરી. પછી મારી પાસે આવજે. આગળની સાધના હું આપીશ પછી તને. પણ foundation system ની સાધના આ છે. પેલો બેસી ગયો. ખરેખર ઊંડી કક્ષાનો સાધક હતો. મહિનો, બે મહિના, ચાર મહિના થયા, નદીને એ જોયા કરે છે. નદી તો ઝડપથી, વેગથી દોડતી હોય. પેલાને ખ્યાલ છે કે નદી આખરે ક્યાં જવાની? કાં તો રણમાં મળતી હોય છે, કાં તો દરિયામાં મળતી હોય છે. તો રણમાં મળીને શું કરવાનું? એનું પાણી ચુંસાઈ જવાનું. દરિયાને મળશે તો શું કરશે? મીઠું પાણી ખારું પાણી બનાવશે. તો જે પ્રવૃત્તિનો કોઈ મતલબ નથી, એ પ્રવૃત્તિમાં આટલા વેગથી એ દોડે છે! એટલે એ સાધકને લાગે છે, કે નદીના આ વેગનો કોઈ મહત્વ જ નથી. મતલબ વગરની આ ક્રિયા છે. અને કોઈ પણ action તમને meaningless લાગે તો તમે માનો કે આ નકામી છે. પછી આ નદી દોડે છે, એનો કોઈ મતલબ નથી. નદી દોડે કે ન દોડે સરખું જ છે. એટલે નદીની દોડ વ્યર્થ લાગવી એ સાધના હતી.

નદી સ્થિર લાગે મતલબ શું થયો? આ નદીની દોડ નકામી છે એવું એને સમજાઈ ગયું. કારણ કે હેતુ શું? મળવાનું શું? કોઈ પણ કાર્ય જે છે લક્ષ્યાંક તો હોય ને? શું મેળવવાનું છે? નદી શું મેળવશે? કાં તો પોતાની જાતને રણમાં વિસર્જિત કરશે. કાં તો દરિયાના ખારા પાણીમાં વિસર્જિત કરશે. મળશે શું એને?

તો સાધકને પોતાને થયું કે અનંતા જન્મોમાં મેં જે કાર્યો કર્યા, એ કાર્યોનો હેતુ શું હતો? અનંતા જન્મોમાં મેં જે કાર્યો કર્યા, એ કાર્યો દ્વારા માત્ર મેં નરક અને નિગોદને મેં પ્રાપ્ત કરી છે. એટલે પહેલી વાત એને સમજાઈ ગઈ કે નદીના આ વેગનો કોઈ અર્થ નથી.

હવે બીજી વાત – પુલ હાલતો-ચાલતો લાગવો જોઈએ. હવે પરમાણુને આપણે માનીએ છીએ. કે એક-એક દ્રવ્યની અંદર અગણિત પરમાણુઓ ભરેલા છે. અને દરેક પરમાણુ અલગ-અલગ છે. આપણને લાગે કે આ ટેબલ એક છે, પણ ટેબલ એક નથી. એમાં અગણિત પરમાણુઓ સમાયેલા છે. તો પુદ્ગલ દ્રવ્યની નશ્વરતા ને બરોબર જાણવા માટે શું કરવું પડે? પરમાણુ સુધી પહોંચવું પડે.

ટેબલ પણ અનિત્ય જ છે છતાં ટેબલ તમને લાગે છે કે મારા કામનું છે. સારું છે. થોડો રાગ એના ઉપર થઇ જાય છે. પણ આ એક ખાલી પુદ્ગલોનો સમૂહ જ છે એવું જ લાગે તો? પરમાણુઓનો સમૂહ જ છે એવું લાગે તો? શ્રીમદ્જી એ કહ્યુંને; ‘રજકણ ને ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો’

તો પુદ્ગલ તરફ આ દ્રષ્ટિ આવવી જોઈએ. એક કાર્ય તરફ. એક પુદ્ગલ તરફ. કાર્ય તરફ દ્રષ્ટિ એ કે કાર્યો કરીને મેં શું મેળવ્યું? ઝીરો. આમ જુઓ તો ઝીરો પણ નહિ. ઝીરોથી આગળ. કહે ને, હિમાલયમાં ગરમી કેટલી? તો કહે; માઈનસ 10, માઈનસ 20. ખાલી માઈનસ નહિ. માઈનસ 10. આપણે ઝીરો માં પણ કેટલા માઈનસથી આગળ? કારણ કે નરક અને નિગોદ આપણે આપણા કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલી. હવે એક પણ પદાર્થને જુઓ છો તો પરમાણુ દેખાય છે તમને? આમ ક્ષત-વિક્ષત થતાં? શીર્ણ-વિશીર્ણ થતાં પરમાણુઓ દેખાય છે? અને એ પરમાણુઓનો પૂંજ તમને દેખાય તો આ નોટ બહુ સારી છે એવો રાગ તમને થવાનો ખરો? આનું બાઈડિંગ બહુ સારું છે. આનો કલર સારો છે. આ રાગ તમને થશે ખરો?

આ બે સાધનામાં એ શિષ્ય એક વર્ષમાં ઉત્તીર્ણ થઇ ગયો. ગુરુ પાસે આવ્યો. સાહેબ બરોબર આ રીતે નદીના વેગનો કોઈ મતલબ મને સમજાયો જ નથી. એ નકામું લાગ્યું છે. અને એથી હું સમજ્યો કે મેં પણ અનંતા જન્મોમાં જે કાર્યો કર્યા છે એ બધા meaning less હતાં. અને પુલને જોયા પછી લાગ્યું; કે અંદર પરમાણુઓની દૌડ ચાલુ રહી છે. પરમાણુઓ સતત આમથી આમ દોડી રહ્યા છે. એટલે સ્થિર પુલને પણ પરમાણુઓની દોડવાળો મેં જોયેલો. અને પરમાણુ સુધી હું ગયો ત્યારે પદાર્થની નશ્વરતા મને પરિપૂર્ણ રીતે સમજાઈ ગઈ. ત્યારે ગુરુએ કહ્યું; બસ,  foundation થઇ ગયું, હવે બેસી જા. હવે આગળની સાધના તને આપી દઉં.

અને એ પછી ગુરુએ એને આત્મવિદ્યા આપી. ગુરુ એમનેમ આત્મ-વિદ્યા આપતાં નહતા. આત્મ-વિદ્યા આપતાં પહેલાં ઘણી બધી પરીક્ષા કરતાં. પરનો રસ એનો ઓછો થયો નથી. અને હું આત્મ-વિદ્યા એને આપીશ, તો એ આત્મ-વિદ્યાને પણ શબ્દોમાં જ અટકાવીને રાખશે એ માણસ.

આપણે પણ યોગદ્રષ્ટિ સમુચ્ચય વાંચ્યો. અધ્યાત્મસાર વાંચ્યો. અધ્યાત્મબિંદુ વાંચ્યું. બધું જ વાંચ્યું. પણ શબ્દોમાં અટકી ગયું બધું! બધા જ ગ્રંથોમાં આત્મ-વિદ્યાની જ વાતો છે. આપણા સ્વરૂપની જ વાતો છે. પણ સ્વરૂપની વાતને આપણે સ્વરૂપ સુધી ન લઇ જઈ શક્યા. સ્વરૂપની વાતને માત્ર શબ્દો સુધી લાવ્યાં. સ્વરૂપની વાતને માત્ર ચિંતન સુધી લાવ્યાં.

તો ન શબ્દો પૂરતાં છે. ન ચિંતન પુરતું છે. એની અનુભૂતિ જોઇશે. અને એ અનુભૂતિની વાત કરી : ‘जाग्रत्यात्मनी ते नित्यं’. એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થયો. એ મુનિવરો ! આત્મભાવમાં સતત જાગૃત છે. વહોરવા જવાનું હોય તો વહોરવા જઈ આવશે. ક્રિયા થઇ જશે, પણ એમની આત્મભાવની ધારા જે છે એ ક્યારેય પણ ખંડિત થવાની નથી. અને એટલે આવા સાતમા ગુણઠાણાની ટોચ પર રહેલા મહાત્માઓ માટે આવશ્યક ક્રિયાઓ વગેરે જે છે, એ પણ જરૂરી નથી માની.

અધ્યાત્મસારમાં સ્પષ્ટ લખ્યું છે કે ત્યાં માત્ર ધ્યાન છે. અને માત્ર આત્મદશામાં રહીને એ લોકો એટલી વિપુલ કર્મનિર્જરા કરે છે કે એમને આવશ્યકની પણ જરૂરિયાત નથી. આપણા માટેની વાત નથી હો! આપણે તો ક્યાં છીએ, એ જ આપણને ખબર નથી. ચોથે છીએ કે નહિ એ પણ ખબર નથી. છે ખબર? પહેલી દ્રષ્ટિમાં છીએ કે નહિ એ પણ ખબર નથી.

એટલે આવા ગ્રંથો વાંચ્યા પછી કમસેકમ આવી દશા પામવાની ઝંખના જાગે ને, તો પણ એ ગ્રંથ વાંચ્યો સાર્થક. પણ માત્ર ગ્રંથ વાંચ્યો, મેં આ ગ્રંથ વાંચ્યો ને જોઉં, ચાલ તને ભણાવું. અને કોઈ તમારી પાસે ભણે ને, આહાહા, સાહેબ શું સરસ ખોલો છો તમે, એટલે સાહેબના મનમાં આવે અહંકાર! અધ્યાત્મવિદ્યાનો ગ્રંથ, લઈને ગયો પરમાં! અહંકારના કીચડમાં મારી ડૂબકી પછી.

અનંતા જન્મોથી આ ભૂલ ચાલી રહી છે. અને આ જનમમાં શું કરવાનું છે હવે બોલો? અત્યાર સુધી આ જ થયું છે ને? અત્યાર સુધી આ જ થયું છે ને? કીચડમાં જ ગયા છે આપણે! જ્ઞાનને માત્ર અહંકાર માટે જ આપણે ખતવ્યું છે.

એટલે સમતાશતકમાં ઉપાધ્યાયજીએ કહ્યું; શ્રુતાન્ધકાર. જે શ્રુત તમને અહંકાર તરફ લઇ જાય, એ શ્રુત પ્રકાશ નહિ, એ શ્રુતાન્ધકાર છે.

આપણી પાસે શું છે? એટલે ‘जाग्रत्यात्मनी ते नित्यं’ એ દશા આપણી પાસે નથી. પણ એ દશા મળે એવી ઝંખના પણ મળી જાય તો ઘણું બધું મળી જાય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *