Mumukshu Vachna | 10-06-20 | Navsari Tapovan

22 Min Read

જાગૃતિ

જાગૃતિના બે પ્રકાર : તથાકથિત જાગૃતિ અને વાસ્તવિક જાગૃતિ. વાસ્તવિક જાગૃતિમાં વિકલ્પો, બેહોશી ન જોઈએ; પૂરેપૂરું તમારું નિયંત્રણ હોય. સાતમે અપ્રમત્ત ગુણસ્થાનકે જ્યાં પ્રમાદ બિલકુલ નથી, બેહોશી બિલકુલ નથી, ત્યારે જ તમારી પાસે વાસ્તવિક જાગૃતિ હોય છે.

અત્યારે તમારી નિદ્રામાં સંપૂર્ણ બેહોશી હોય છે. સ્વપ્નમાં થોડી બેહોશી હોય છે. સ્વપ્નમાં બધું ચાલ્યા કરે છે પણ તમારી પાસે એ પક્ડ નથી હોતી કે ખરાબ સ્વપ્નને રોકી દઉં; આ જ બેહોશી છે. તમારી તથાકથિત જાગૃત અવસ્થામાં પણ વિકલ્પો આમથી તેમ આવ્યા જ કરે અને તમારું એના ઉપર નિયંત્રણ ન હોય – એ પણ બેહોશી જ થઈ ગઈ ને!

અત્યારે ભલે એ વાસ્તવિક જાગૃતિ આપણી પાસે નથી પણ એનું નાનકડું edition આપણે લાવી શકીએ; વિચારો, વિકલ્પો વગરની થોડી ક્ષણોને લાવી શકીએ. યા તો કોઈ વિચાર જ ન આવે અથવા વિચાર આવી પણ જાય, તો એને જોવાના; એમાં ભળવાનું નહિ. ચિત્તસ્થૈર્યનો મૂળ અર્થ આટલો જ છે – જાગૃતિ. તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ હોવું જોઈએ.


પિંડસ્થ ધ્યાનની વાત પરમતારક સુમતિનાથ ભગવાનના સ્તવનમાં મહોપાધ્યાય માનવિજય મહારાજે કરી છે. પ્રભુના મૂર્તિદેહના દર્શનથી સ્વરૂપાનુભૂતિ કઈ રીતે મળે, એની એમણે વિગતવાર ચર્ચા કરી છે. સાત ચરણો જે આપ્યા છે. એ પૈકીનું બીજું ચરણ છે. ચિત્તસ્થૈર્ય.

ગુર્જિએફ હમણાંના યોગાચાર્ય હતા. એમણે એક પ્રયોગ કરાવેલો શિષ્યો ઉપર. એક જ વાત કરેલી. સૂતા પહેલાં દસ થી પંદર મિનીટ એક suggestion મનને આપવાનું કે સ્વપ્ન ભ્રમણા છે, સ્વપ્ન મિથ્યા છે. પાંચથી-છ મહિના સુધી લગાતાર આ suggestion ચાલુ રાખવામાં આવ્યું. છ મહિના પછી એવું બન્યું કે સ્વપ્ન ચાલુ થયું; ખ્યાલ આવી ગયો ભ્રમણા છે, સ્વપ્ન પૂરું થઈ ગયું. એટલે વિચારો ઉપર, અજ્ઞાત મનના વિચારો ઉપર, પક્કડ મેળવવા માટે ઘણી બધી વિધિઓ આપણે ત્યાં છે.

આ જે વિધિ ગુર્જિએફે બતાવી એ આપણા પ્રાચીન શિવસૂત્રમાં પણ છે. શિવસૂત્રનું એક મજાનું સૂત્ર છે; ‘त्रिषु चतुर्थं तैलवत् आसेच्यम्’ (त्रिषु चतुर्थं तैलवदासेच्यम्’) સ્વપ્ન, નિદ્રા અને જાગૃતિમાં ઉજાગરને ભેળવવાની એ વાત કરે છે. બહુ મજાની વાત તમને કરું. કે આપણી પરંપરા સાતમાં ગુણઠાણે જ જાગૃતિને કહે છે. તેરમે ગુણઠાણે ઉજાગર. અને સાતમે અપ્રમત્ત ગુણઠાણે જાગૃતિ. એટલે જાગૃતિના બે પ્રકાર થશે. એક તથાકથિત – so called  જાગૃતિ અને બીજી વાસ્તવિક જાગૃતિ.

તો આપણી જાગૃતિ જે છે એ સાચી નથી. કેમ સાચી નથી? એનું માપદંડ શું?

એ માપદંડ જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી ભગવંતે આપ્યું:

न सुषुप्तिर्मोहत्वात् नापि च स्वापजागरौ ।

कल्पना शिल्पविश्रान्ते: तुर्यैवानु भवे दशा ॥

(न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पना शिल्पविश्रान्तेस्तुर्यैवानु भवे दशा ॥ )

એમણે કહ્યું કે સ્વપ્નની અંદર માત્ર બેહોશી હોય છે. નિદ્રામાં બિલકુલ બેહોશી. સ્વપ્નમાં થોડી બેહોશી કે બધું ચાલ્યા કરે છે, તમારા મનનો વશ નથી. તો નિદ્રામાં સંપૂર્ણ બેહોશી છે. તો તમારા સ્વપ્નની અંદર પણ સામાન્ય બેહોશી છે. કારણ કે એ વખતે તમારી જોડે પક્કડ નથી હોતી કે ખરાબ સ્વપ્ન છે ને રોકી દઉં. તો એ જે બેહોશી છે એવી જ બેહોશી તમારી જાગૃતિમાં ખરી કે નહિ? વિકલ્પો આમથી તેમ આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને તમારું એના ઉપર નિયંત્રણ ન હોય તો બેહોશી જ થઈ ગઈ ને!

નિદ્રામાં આપણે કહીએ સંપૂર્ણ બેહોશી, સ્વપ્નમાં થોડી ઓછી બેહોશી, અને તથાકથિત જાગૃતિમાં એનાથી પણ થોડી ઓછી બેહોશી પણ પૂરી જાગૃતિ તો નહિ જ. અને અહિયાં બે ધારા અલગ પડે છે. હિંદુ ધારા અને જૈન ધારા. આપણી ધારા એ છે કે સાતમે ગુણઠાણે તમે ન પહોંચો ત્યાં સુધી તમારી પાસે જાગૃતિ છે જ નહિ! કારણ? લક્ષણ એ આપ્યું કે જાગૃતિમાં વિકલ્પો ન જોઈએ, બેહોશી ન જોઈએ. જાગૃતિમાં પૂરેપૂરું તમારું નિયંત્રણ હોવું જોઈએ. અને એટલે અપ્રમત્ત ગુણસ્થાનક છે, જ્યારે પ્રમાદ બિલકુલ નથી, બેહોશી બિલકુલ નથી. ત્યારે એની પાસે જાગૃતિ હોય છે. આપણે છઠ્ઠે ગુણઠાણે છીએ વ્યવહારથી સમજી લઈએ.

તો આપણે જાગૃતિ જોઈએ છે તો શું કરવાનું? કે ભલે એ મૂળ જાગૃતિ આપણી પાસે નથી પણ એ જાગૃતિનું નાનકડું એડીશન આપણે રાખીએ. એટલે કે વિચાર વગરની, વિકલ્પો વગરની થોડી ક્ષણોને લાવીએ. એ ક્ષણોને એ રીતે લાવી શકાય, યા તો વિચાર ન આવે અથવા વિચાર આવી પણ જાય, પણ એ વિચારોને જોવાના, એમાં ભળવાનું નહિ. તો આ રીતે તમે સાતમાં ગુણઠાણે નથી તો પણ તમારી જાગૃતિ જે છે એને થોડીક સમ્યક્ બનાવવા કોશિશ કરી શકો છો. અને ઉજાગર જે છે એ તેરમાં ગુણઠાણે છે.

હવે હિંદુ પદ્ધતિ શું છે તમને બતાવું. હિંદુ પદ્ધતિ એ છે કે ઉજાગર એટલે તુરિયા. મેં પહેલા પણ કહેલું કે ઉજાગર યોગીઓની લાડકી બેટી છે. અને લાડકી બેટીને ક્યારેય નામથી બોલાવાતી નથી. તુરિયા, તુરીયા, ચતુર્થી, the forth આ રીતે એને બોલાવવામાં આવે છે.

તો હિંદુ પદ્ધતિ એ છે કે ઉજાગર પણ તમને અત્યારે મળી શકે પણ એ ક્યારે? તમારું સંતત્વ, તમારી સાધના પુરેપુરી નીખરેલી હોય ત્યારે. પણ એ નથી તો પણ શું? તો પણ તમારે એ ઉજાગરનું – ચતુર્થીનું નાનકડું એડીશન તમારી ત્રણેય અવસ્થામાં ઉતારવું જોઈએ. પહેલા જાગૃતિમાં ઉતારો.

અત્યારે જાગો છો. વાસ્તવિક જાગૃતિ ક્યારે કહેવાશે? દેરાસરમાં ગયા. પ્રભુના ગુણમાં તમે તન્મય બની ગયા. સ્વાધ્યાયમાં એકદમ તમે તન્મય બની ગયા. ભલે શુભયોગ છે અને તમે એકદમ તન્મય થઈ ગયા. અને વિકલ્પો બિલકુલ નથી તો માની શકાય કે તમારી જાગૃતિ કંઇક અંશે સાચી છે. એ જાગૃતિમાં ઉજાગરનો નાનકડો અંશ આવી ગયો. હવે જાગૃતિ જો બરોબર પકડાઈ જાય. જાગૃતિના ગાળામાં તમે એટલા સાવધાન બની શકો કે જ્યારે તમે ઈચ્છો ત્યારે વિકલ્પોને કાઢી શકો. વિકલ્પોને મોકળું મેદાન મળવું ન જોઈએ. એ ધારે ત્યારે આવી જાય!

એક ખેડૂત છે ને એ પણ એને અનાજ વાવેલુ હોય ને તો પાક્કી વાડ બનાવી નાંખે છે ખેતરની આસપાસ. કેમ? કે બીજા ઢોરો અંદર આવી ન જાય. આપણે પણ વાડ નહિ બનાવવી પડે? આ વિકલ્પોના ઢોર એમનેમ આવી ન જાય. અને આપણું આત્મધન ખાઈ ન જાય. તો તમારી પાસે એવું એક નિયંત્રણ જોઈએ જાગૃતિના સમયમાં, કે વિકલ્પો આવ્યા; આવી પણ ગયા, હજુ એટલી જાગૃતિ નથી, આવી જશે વિકલ્પો, બે મિનીટ, ચાર મિનીટ; અને જ્યાં તમને ખ્યાલ આવ્યો, ત્યાં એ વિકલ્પોને તમે દુર કરી શકો એટલી જાગૃતિ તમારી પાસે જોઈએ. બોલો આમાં અઘરું છે કાંઈ?

ભગવાને જે કહ્યું; ‘मुणिणो सया जागरन्ति ’ એ આ જાગૃતિના સંદર્ભ માટેનું છે. હવે જાગૃતિનો ગાળો પકડાયો તો સ્વપ્નનો ગાળો પણ પકડાઈ જશે. કારણ? જાગૃતિમાં જો તમને વિકલ્પ નથી તો સ્વપ્ન આવશે ક્યાંથી? એક દેવદત્ત સ્વપ્ન હોય કે એવા કોઈ સ્વપ્ન હોય એને બાજુમાં તમે રાખો. બાકી સામાન્ય સ્વપ્ન જે છે એ તમારા વિકલ્પોની જ ફળશ્રુતિ છે. દિવસ દરમ્યાન જોયું, સાંભળ્યું, વિચાર્યું. એ બધાની ટેપ આડી ને અવળી ઉથલી પડી એનું નામ સ્વપ્ન. પણ જાગૃતિમાં દિવસે વિચારો જ નથી. તો રાત્રે સ્વપ્ન ક્યાંથી આવશે? એટલે સ્વપ્નમાં પણ ઉજાગર થવું પડે.

અને પછી નિદ્રાની અંદર પણ ઉજાગરને ભેળવવું છે. તમારી નિદ્રા કેવી હોય? યોગનિદ્રા. યોગનિદ્રાનો અત્યારે અનુવાદ થયો એક શબ્દ દ્વારા – consious sleep. જાગૃત નિદ્રા. શરીર થાકી ગયું છે એ સુઈ જાય છે તમે જાગતા છો. તમે એટલે ચૈતન્ય. નિત્ય નુતન ચૈતન્ય. તમારે ક્યાં સુવાનું છે? તમે જાગતાં છો. અને એટલે જ ‘अतरंत पमज्जए भूमिं’ કહ્યું સંથારાપોરસી સૂત્રમાં. પડખું બદલવાનું છે. શરીર ભલે સુતેલું છે. તમે જાગતા છો. એટલે ઓઘો હાથમાં આવી જાય. પડખાની જમીન અને સંથારાની જમીન પુંજાઈ જાય અને પછી પડખું બદલાય. તો શું થયું – જાગૃતિમાં ઉજાગર ભળ્યું, પછી સ્વપ્નમાં ભળ્યું, પછી નિદ્રામાં પણ ભળ્યું. એટલે સૂત્ર એ આવ્યું; ‘त्रिषु चतुर्थं तैलवत् आसेच्यम्’

અને એટલે જ બહુ મોટા હિંદુ ગુરુઓ કે બૌદ્ધ ગુરુઓ પણ સ્વપ્ન જેને આવે છે એને દીક્ષા આપવા તૈયાર નથી હોતા. તને સ્વપ્ન આવે છે કેમ? વિકલ્પોમાં છે માટે! તું વિકલ્પોમાં જઈશ તો અહીંયા આવીને કરવાનો છે શું તું? ‘विचारमुक्ति: मुक्तिरेव’ વિકલ્પોમાંથી મુક્તિ એ જ મુક્તિ છે પહેલા તો.

એક ઝેન કથા છે. સવારના છ વાગેલા. ગુરુ ઊઠેલા છે. એક શિષ્ય આવ્યો. ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું, આજે મને એક સ્વપ્ન આવ્યું હતું. આજે મને એક સ્વપ્ન આવ્યું હતું. શિષ્ય એ પૂછતો નથી કે સાહેબ શેનું સ્વપ્ન આવ્યું હતું? સાહેબ! પાંચ મિનિટ, હું આવું. એ રસોડામાં ગયો. ગરમ પાણીની બાલ્ટી, નેપકીન બધું લઈને આવ્યો. ગુરુના હાથ ધોવડાવ્યા, પગ ધોવડાવ્યા, મોઢું ધોવડાવ્યું. સાફ કરી આપ્યું.

ત્યાં બીજો શિષ્ય આવ્યો. ગુરુએ એને પણ કહ્યું; કે આજે મને સ્વપ્ન આવ્યું હતું. પેલો કહે, સાહેબ પાંચ મિનિટ. એ રસોડામાં ગયો. ગરમા – ગરમ ચા નો જગ ભરીને લાવ્યો અને ગુરુને ચા કપમાં કાઢીને આપી. ગુરુએ બેઉને પાસ કરી દીધા. કારણ કે શિષ્યને ખ્યાલ હતો કે અમને પણ જો સ્વપ્ન નથી આવતા તો ગુરુને સ્વપ્ન આવે જ ક્યાંથી? આ તો ગુરુ અમારી પરીક્ષા લઇ રહ્યા છે કે મને સ્વપ્ન આવ્યું હતું. આ ગુરુ એ કક્ષાએ પહોંચેલા છે કે એમને સ્વપ્ન આવે જ નહિ. તો આ રીતે ધીરે-ધીરે-ધીરે જાગૃતિ તરફ આપણે જવું છે.

સ્થિરચિત્તતા નો મૂળ અર્થ આટલો જ છે જાગૃતિ. કે તમારા વિચારો ઉપર તમારું નિયંત્રણ હોવું જોઈએ. ભગવદ્ગીતાએ એક સરસ પદ્ધતિ એના માટે બતાવી છે. અને આ ભગવદ્દ ગીતાનો શ્લોક મને અધ્યાત્મસારમાંથી મળ્યો. એમણે આગળના સ્તંભમાં લખ્યું; अन्नै: अपि अद: स्मृतम् (यत्परैरप्यद: स्मृतम्)

પછી ભગવદ્ગીતામાં જોયું એટલે ખ્યાલ આવ્યો કે ઓહો, અધ્યાત્મસારમાં આનું જ કોટેશન છે.

તો અધ્યાત્મસારમાં યોગાધિકારમાં જ્યાં સાતમાં ગુણઠાણાની ટોચની વાત કરી રહ્યા છે ત્યાં એમણે આ શ્લોક મુકેલો છે, ભગવદ્ ગીતાનો છે;

शनै: शनै: उपमेद् बुध्या धृति गृहितया ।

आत्म-संस्थं मनः कृत्वा न किंचिद अपि चिन्तयेत्

(शनै: शनैरूपमेद्बुद्ध्या धृतिगृहितया । आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥)

એકદમ મજાની વિધિ બતાવી છે:  

शनै: शनैरूपमेद्बुद्ध्या धृतिगृहितया । आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥

ધૈર્ય સાથેની બુદ્ધિ હોવી જોઈએ. તમારું મન, તમારી બુદ્ધિ ચંચળ છે, એ કામ નહિ આવે. એ ચંચળ મન છે ને તરત થાકી જવાનું છે. આટલું કર્યું ને તરત થયું, મુકો હવે. એટલે વિશેષણ આપ્યું – धृति गृहितया. ધૈર્ય સાથેની બુદ્ધિ. એ માણસ છે ને પછી મંડી પડે છે. આજ નહિ તો કાલ. કાલ નહિ તો પરમદિવસે. પરમદિવસ નહિ તો પેલા દિવસે. Result મળવું જ જોઈએ. કેમ ન મળે? 

હસન નામના એક સુફી સંત થયા. એક ગામમાં ગયેલા સાંજના સમયે. ગામની બાજુમાં એક મેળો ભરાયેલો હતો. એટલે આખું ગામ ભરાયેલું હતું. લોકો બહારગામથી પણ આવેલા. ધરમશાળાઓ પણ ભરાયેલી. સાંજના સમયે સુફી સંત બજારમાં ટહેલી રહ્યા છે. એક માણસ આવી ગયો. એણે જોયું કે સંતને કોઈ જગ્યાની જરૂરત લાગે છે. સાહેબ આપને જગ્યા જોઈએ છે? મારે ત્યાં આવશો તમે? એક સરસ રૂમ છે. તમને એકદમ ગમી જાય એવો. બારોબાર એનું બારણું છે. અમારા ઘર જોડે કોઈ એનો સંપર્ક નથી. ટોયલેટ એટેચ્ડ છે. બધી જ વ્યવસ્થા છે. સંત કહે; આવું. તારે ત્યાં આવું.

પેલો અધવચ્ચે ગયો એને યાદ આવ્યું. સાહેબ એક વાત કહેવાનું ભૂલી ગયો હું. હું ચોર છું, તો મારે ત્યાં આવવામાં તમને વાંધો નથી ને પાછો? આ તો ઉંચી કક્ષાના સંત હતા. એ કહે, તારી અસર મને ક્યાં થવાની છે? હું તને સંત બનાવી દઉં એ બરોબર છે. તું કંઇ મને ચોર બનાવી શકવાનો નથી.

તો શું છે, નિમિત્તોની અસર થાય ત્યાં સુધી તમારે નિમિત્તોની પડખે નથી રહેવાનું, એ સ્પષ્ટ કહ્યું છે. બ્રહ્મચર્યની નવ વાડોની વાત એટલા માટે જ કરી છે. કે તમારે નિમિત્તવાસિતા હોવાના કારણે બરોબર નિમિત્તોથી દુર જ રહેવું જોઈએ.

આ સૂફી સંત હતા. ઉંચી કક્ષાએ પહોંચેલા હતા. એ કહે; મને શું વાંધો? તું જે હોય તે. એના ઘરે ગયા. ખરેખર જગ્યા ગમી ગઈ. હવા-પાણીવાળો રૂમ. બાથરૂમ જોડે. બધું જ જોડે. પેલો પણ ભાવિક માણસ. સાહેબ જમવાનું લઇ આવું. થાળી લઈને આવ્યો. સંતે જમી લીધું. રાતના બાર-સાડા બાર થયા. ત્યારે પેલો ચોર બહાર નીકળ્યો ચોરી કરવા માટે. ત્યાં આગળ સંતના બારણા સામે જોયું. સંત જાગતા હતા. ધ્યાન કરતા હતા. આવ્યો. પગે લાગ્યો. હું જાઉં છું ચોરી કરવા. હવે  સંત તો કાંઈ આશીર્વાદ આપવાના નહતા!

પેલો ગયો. ચાર-સાડાચારે પાછો આવ્યો. ફરી સંત પાસે આવ્યો! તો સંતે પૂછ્યું કે શું મળ્યું? તો કંઇ નહિ આજ તો કંઇ નહિ મળ્યું. મેળાના કારણે વસ્તી બહુ છે. લાઈટો પણ એટલી બધી છે. પોલીસ પણ છે. આમ મારી ધારણા હતી કે એક ગલી અંધારી ગલી છે. અને અંધારી ગલીમાં પાછળથી હું ખાતર પાડી દઈશ. એટલાં માટે ગયેલો. એ અંધારી ગલીમાં આમતેમ આમતેમ બહુ ફર્યો. પણ જ્યાં હું એ ઘર પાસે જાઉં ને પોલી-બોલીસ કો’ક આવી જાય. એટલે આજે કંઇ મેળ ખાધો નહિ. પણ કહે, કઈ નહિ કાલે વાત.

બીજી રાતે એ જ વાત. પાછો ફર્યો. શું મળ્યું? કાંઈ નહિ. કાલે વાત. એટલી જ મસ્તીથી બોલે છે. અને સંતને કહ્યું; સાહેબ! જુઓ તમે અઠવાડિયું રહો અહિયાં કે મહિનો રહો. મને કોઈ વાંધો નથી. મને ખરેખર આનંદ છે. તમે આરામથી રહો અહીંયા. સંત અઠવાડિયું રહ્યાં. અઠવાડિયા સુધી રોજ રાતે પેલો આવે ચોરી કરીને. શું મળ્યું? કાંઈ નથી મળ્યું, કાલે મળશે.

સંતને થોડીક અધૃતિ હતી. ભગવાન કેમ મળતાં નથી? સાધનાનું result કેમ મળતું નથી? અધૃતિ દુર થઈ ગઈ એમની! એ સંતે કહ્યું કે તું મારો ગુરુ થઈ ગયો ચાલ!

તો અહીં કહે છે; ‘बुद्ध्या धृति गृहितया’ ધૈર્ય સાથેની બુદ્ધિ સાથે શું કરવાનું? ‘शनै: शनै: उपमेद्’ ધીરે-ધીરે ઇન્દ્રિયોના વિષયોમાંથી તમારે ચેતનાને બહાર કાઢો. ‘शनै: शनै:’ ઉતાવળ નહિ કરતાં. અનાદિનો અભ્યાસ પડેલો છે તો થાકતા પણ નહિ. આજે તમે વૈરાગ્યદશામાં બે કલાક રહ્યાં. નિમિત્ત મળ્યું અને રાગમાં પટકાયા. વાંધો નહિ. ખ્યાલ આવી ગયો કે હજુ વૈરાગ્ય મારી પાસે એવો નથી કે નિમિત્ત મળતાં મને રાગદશા ન આવે. મારો વૈરાગ્ય કાચો છે, તમને ખ્યાલ આવી ગયો.

એક નિમિત્ત એટલે એક ગુરુ. એક નિમિત્ત એટલે તમારો પરિક્ષક. તમને કોઈ રફલી બોલે એ તમારો ગુરુ! તમે સાધુ છો. ‘કરેમિ ભંતે’ તમે યાવજ્જીવનું ઉચ્ચરેલું છે. તમે સમભાવમાં છો જ બરોબર. કોઈ રફલી બોલે. તમારાં મનમાં સહેજપણ ગુસ્સો ન આવે, વચનથી નીકળવાની વાત જ નહિ. પણ એ વખતે તમને લાગે કે મારામાં ખરેખર સમભાવ છે એની પરીક્ષા આણે કરી માટે એ મારો ગુરુ છે. બોલો કેટલા ગુરુ થાય તમારા?

શ્રીપાળ મહારાજે ધવલશેઠને ગુરુ તરીકે કલ્પ્યા. સમ્યગ્દર્શન મને પ્રાપ્ત થયેલું છે કે નહિ એ તો કોઈ જ્ઞાની મને કહી શકે. પણ એના જે પાંચ લક્ષણો છે. એમાં સમભાવ મુખ્ય છે. તો સમભાવ મારામાં છે કે નહિ એ તો કોઈ પરીક્ષા કરે તો ખબર પડે. અને ધવલશેઠે દરિયામાં પાડ્યા. શ્રીપાળજી કિનારે ગયા. રાજાને ત્યાં અધિકારી થઈને ગોઠવાઈ પણ ગયા. ધવલશેઠ ફરતા ફરતા ત્યાં આવ્યાં. ધવલશેઠે શ્રીપાળને જોયા. અને પેટમાં તેલ રેડાયું. આ માણસ? પણ એ વખતે શ્રીપાળજીને ધવળને જોતા એક આંખમાં લલાશનો ટીસીયો પણ ફૂટતો નથી! ત્યારે એમણે નક્કી કર્યું કે આ ધવળજી એ મારા ગુરુ છે. અને એટલે ક્યારેક રાજસેવકો; ક્યાંક દાણચોરી કરી હોય, ધવળશેઠ તો બધામાં પારંગત હતા કે રાજ્યનો ટેક્સ ન ભરેલો હોય; અને રાજાના સેવકો પકડીને લઇ જતા હોય તો શ્રીપાળજી કહેતા, “અરે! નહિ નહિ એમને છોડી દો, એ મારા ગુરુ છે!”

તો बुध्या धृति गृहितया शनै: शनै: उपमेद् – ધીરે, ધીરે, ધીરે તમારી ચેતનાને પરમાંથી ખેંચો. એને જ યોગના અષ્ટાંગમાં પ્રત્યાહાર કહ્યું. અશુભમાં જે મન ગયેલું છે એને તમે પાછું ખેંચી લો. હવે એ મનને ક્યાં મુકવું છે? એ મનને કહો, એ ઉપયોગને કહો, ત્યાંથી હટાવી દો. Option તો આપવો પડશે ને કંઇ.

‘आत्म-संस्थं मनः कृत्वा’ એટલે મનને તમારા ચૈતન્યમાં મૂકી દો. તમારા નિત્યનૂતન આનંદમાં મૂકી દો. અને એ આનંદનો સ્પર્શ થશે તો વિષયોમાં જશે ખરો એ? જ્યાં આભાસી સુખ છે, વાસ્તવિક સુખ જેવું કાંઈ છે નહિ, આનંદ નામની તો ઘટના પણ નથી. હવે તમે આનંદનો અનુભવ કરી દીધો. તો સુખમાં કે સુખાભાસમાં તમે જવાના શી રીતે?

એટલે ‘आत्म-संस्थं मनः कृत्वा’ પણ એના માટેની વિધિ શું? ‘शनै: शनै: उपमेद्’ મનને ત્યાંથી ખેંચો તો એ જોડશે ને? ત્યાંથી તોડો, અહીંથી જોડો. તોડ અને જોડ. આખી સાધના પૂરી! પરમાંથી મનને તોડી નાંખો; સ્વમાં મનને જોડી દો. ક્યારેય વિચાર કરો છો કે પરનું આકર્ષણ કેમ છે? કારણ શું?

ઉપમિતિમાં સિદ્ધર્ષીએ બહુ સરસ વાત કરી. વિમલસ્તુતિમાં એ કહે છે પ્રભુને. પ્રભુ! આ વિષય-કષાયમાં કોઈ આકર્ષણ નથી. છતાંય હું કેમ જાઉં છું? ત્યાં એમણે કહ્યું:

अनाध्यभ्यासयोगेन, विषयाशुचिकदर्मे ।

गर्ते सूकरसंकाशं, याति मे चटुलं मन: ॥  

અનાદ્યભ્યાસ યોગેન – માત્ર અનાદિના અભ્યાસ યોગને કારણે આ વિષય-કષાયના કીચડમાં હું જાઉં છું. કોઈ આકર્ષણ નથી ત્યાં! પણ તમને આકર્ષણ કેમ લાગે છે? એ પણ સમજવું જોઈએ. લોકો મને આ જ પ્રશ્ન કરે છે કે આકર્ષણ નથી એમ તમે કહો છો, તો અમને તો આનંદ આવે છે! સારું ખાધું- સારું પીધું અમને સુખ થાય જ છે. ત્યારે હું કહું છું કે આનંદની ઝલક નથી મળી તો તમે ક્યાં જવાના પછી?

એક માણસ છે. ઝુંપડી જ છે એની પાસે. નળિયાવાળું ઘર પણ નથી એની પાસે. એની પાસે એટલી કોઈ સંપત્તિ પણ નથી. કોઈ option નથી એની પાસે. તો ઝુંપડીમાં જ રહેશે એ. પણ એ જ માણસને બંગલો મળે એમ હોય તો? એના કોઈ સગા ગુજરી ગયા. અને વિલમાં લખી ગયા કે મારું જે કંઇ છે એ આને આપવાનું છે. અને વસિયતનામું ખોલવામાં આવ્યું. સીધું જ ઝુંપડીમાંથી બંગલામાં પહોંચી જાય એકવાર, પછી ઝુંપડીમાં આવે ખરો પાછો? હવે જરૂરિયાત એટલી છે કે તમને એકવાર બંગલામાં પહોંચાડી દઈએ. બરાબર?

એકવાર સ્વનો આનંદ મળી જાય, પરમાં તમે જઈ શકવાના નથી. પછી પરપદાર્થોનો ઉપયોગ થશે; ગમો-અણગમો નહિ હોય, અહંકાર નહિ હોય. કારણ કે પર હશે, પરભાવ નહિ હોય. તો આ ભૂમિકાએ પ્રભુનો સાધુ અને પ્રભુની સાધ્વી તો પહોંચેલ જ હોય. નવીનતા ક્યાં છે આમાં? સમભાવનો આનંદ તમારી પાસે છે. તમે ગુસ્સામાં કેમ જઈ શકો? Possible જ નથી! તમારા માટે બિલકુલ અશક્ય છે. તમે ક્રોધમાં જાઓ? ક્રોધમાં પીડા જ છે. અડધો કલાક nonstop ક્રોધ કરો તો, જુઓ! માથું દુખવા આવશે.

એક જણો વારંવાર ક્રોધ કરનારો માણસ. એકવાર શાંત થઈ ગયો. પાડોશીને નવાઈ લાગ્યું કે શું થયું? પછી પગેરું શોધ્યું તો ખબર પડી. કે ભયંકર ક્રોધ એ કરતો. Bp તો ઊંચું જાય જ. એકવાર bp એટલું બધું ઉછળી ગયું. ઉપરનું જે છે ૨૦૦ ઉપર પહોંચી ગયું. સારું થયું શહેરમાં હતો. Hospitalaized તરત થઈ ગયો. યોગ્ય ઉપચાર મળી ગયા. Bp કંટ્રોલમાં આવી ગયું. પણ ડોકટરે કહ્યું કે જો હવે ગુસ્સો કર્યો તો મર્યા. પછી એણે ડોક્ટર વચન તહત્તિ કર્યું અને ગુસ્સો કરવાનું બંધ કર્યું. આપણે ગુરુવચન તહત્તિ કરવાનું બરાબર ને?

એકવાર અનુભવ થવો જોઈએ. વાતો તમે પણ સ્વની ઘણી કરી. ઓછી કરી છે? કેટલાય ગ્રંથો ઉપર પ્રવચનો આપી દીધા. એથી શું? એ ગ્રંથો આત્મસાત ક્યાં થયા છે? હું કહું છું એક જ ગ્રંથ આત્મસાત્ થઇ જવો જોઈએ. એ હૃદયસ્પર્શી બનવો જોઈએ.

હું તો એક ગ્રંથની પણ ના પાડું છું. એક જ્ઞાનસરનો એક અષ્ટક લો. ક્યારેક એનો એક શ્લોક લઇ લો. આત્મસાત કરો; તમે આનંદ ભરપુર બની ગયા! જ્ઞાનસારે કહ્યું; ‘कर्तुत्त्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते’ સાધક પાસે શું હોય છે? ‘कर्तुत्त्वं नान्यभावानां’ કોઇ પણ પદાર્થોનું કર્તૃત્વ નથી હોતું. માત્ર તમે સાક્ષી છો અને સાક્ષી છો માટે આનંદમાં છો.

તો आत्म-संस्थं मनः कृत्वा न किंचिद अपि चिन्तयेत् –  હવે એની પાસે ચિત્ત-સ્થિરતા આવી ગઈ. જ્યારે વિચારવું હોય ત્યારે જ વિચારે, બાકી વિચારે નહિ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *