અંતરાયનો ક્ષયોપશમ
અંતરાયના ક્ષયથી પ્રભુની પાસે સ્વનું સ્વને દાન છે. સ્વનો – સ્વરૂપદશાનો – જ લાભ, શુદ્ધ પર્યાયનો ભોગ, ગુણોનો ઉપભોગ અને આત્મ-શક્તિની ધારામાં જવાનું વીર્ય છે. આપણી પાસે ક્ષાયોપશમિક ભાવના અંતરાયના ક્ષયોપશમમાં (કર્મગ્રંથ મુજબ) પરનું પરને દાન, પરનો જ લાભ અને ભોગોપભોગ પણ પરનો છે. આપણે એ ક્ષયોપશમમાં પ્રભુની ધારાનું અનુસંધાન કરવું છે.
તમારા જ્ઞાતાભાવમાં ઉદાસીનભાવ ભળે એટલે એ ઉદાસીનભાવ જ્ઞાતાભાવને તીક્ષ્ણતાનું દાન કરશે; આ સ્વનું સ્વને દાન. લાભ પણ સ્વનો જ જોઈએ છે. ઉદાસીનદશા ઘેરી બને એટલે પર તો કંઈ જોઈતું જ નથી તમારે. માત્ર મને સ્વરૂપદશા કેમ પ્રાપ્ત થાય? – આ એક જ વિચારણા ચાલતી હોય.
જે વારંવાર ભોગમાં આવે, તે ઉપભોગ અને એક જ વાર ભોગમાં આવે, તે ભોગ. તો શુદ્ધ પર્યાય જે આ ક્ષણે ખુલ્યો એ બીજી ક્ષણે આવવાનો નથી એટલે એ પર્યાયનો ભોગ અને શુદ્ધ ગુણોનો ઉપભોગ. અને છેલ્લે વીર્ય. તમારું વીર્ય – આત્મશક્તિ – પણ માત્ર સ્વ તરફ જ જાય; મન, વચન, કાયાના યોગો બધા સ્વ તરફ જ જાય.
નવસારી તપોવન વાચના – 54 [29.5.2020]
માર્ગમાં ચાલતા કોઈ જ તકલીફ પડવાની નથી. કેમ? કારણ શું?
“छिनु छिनु चरन सरोज निहारी”
હું એક-એક ક્ષણે તમે આગળ હશો, હું પાછળ હોઈશ. તમારા ચરણ કમળનું ધ્યાન કરતી હોઈશ. થાક ક્યાં લાગશે? કાંટા ને કાંકરા ક્યાં હશે? પ્રભુના માર્ગમાં ચાલનારને આ જ અનુભવ થઇ શકે. તમે ચાલો ને Fresh થઇ જાવ. દોડો ને fresh થઇ જાવ.
તો આ પ્રભુના સાધનામાર્ગની યાત્રા પ્રભુ કરાવે ત્યારે થાય. તું ગતિ – પ્રભુ જ સાધનામાર્ગમાં ગતિ છે. રૂપાતીત ધ્યાન પણ કરાવે પ્રભુ જ કરાવરાવે છે. આપણે શું કરી શકીએ!
અંતરાયના ક્ષયથી પ્રભુની પાસે સ્વનું સ્વને દાન છે. સ્વનો જ લાભ છે. સ્વરૂપદશાનો જ લાભ છે. શુદ્ધ પર્યાયનો ભોગ છે. ગુણોનો ઉપભોગ છે. અને આત્મ-શક્તિની ધારામાં જવું એ એમનું વીર્ય છે. લાભ સ્વરૂપદશાનો. ભોગ અને ઉપભોગમાં તમને ખ્યાલ છે, જે વારંવાર ભોગમાં આવે એને આપણે ઉપભોગ કહીએ છીએ. એક જ વાર જે ભોગમાં આવે એને આપણે ભોગ કહીએ છીએ. તો શુદ્ધ પર્યાય જે ક્ષણે આવ્યો, બીજી ક્ષણે એ પર્યાય આવવાની નથી. એટલે શુદ્ધ પર્યાયોનો ભોગ અને પ્રભુ પોતાના શુદ્ધ ગુણોનો ઉપભોગ કરી રહ્યા છે. અને માત્ર સ્વરૂપ દશામાં સ્થિત છે.
ક્ષાયોપશમિક ભાવની અંદર, કર્મગ્રંથ પણ આપણે ભણ્યા છીએ એ રીતે, પરનું પરને દાન થાય છે. પરના જ લાભની વાત છે. ભોગ અને ઉપભોગ પણ પરનો જ છે. તો કરવું છે શું? કરવું છે એ, કે ક્ષાયોપશમિક ભાવના અંતરાયના ક્ષયોપશમની અંદર પણ પ્રભુની જે ધારા છે, એ ધારાનું અનુસંધાન કરવું છે.
એટલે દેવચંદ્રજી મહારાજે નવમાં સ્તવનમાં લખ્યું:
“દાનાદિક નિજ ભાવ હતા જે પરવશા હો લાલ”
અત્યાર સુધી દાન, લાભ, ભોગ બધું જ મારી પાસે હતું. પરવશ હતું. દાન તો પરને. લાભ તો પરનો. ભોગ તો પરનો.
“દાનાદિક નિજ ભાવ હતા જે પરવશા હો લાલ;
તે તુજ ભાવ સન્મુખ ગ્રહી, લહી તુજ દશા હો લાલ”
તારા સાનિધ્યમાં હું આવ્યો, એટલે એ બધા જ દાન વિગેરે જે છે, એ તારી ધારામાં આવી ગયા. એટલે ભલે અંતરાયનો ક્ષયોપશમ મારો અત્યારે ક્ષાયોપશમિક ભાવનો જ છે, ક્ષાયિક ભાવનો નથી. પણ એ મારા ક્ષાયોપશમિક ભાવની અંદર પણ તારા ક્ષાયિક ભાવના દાન, લાભ, ભોગ, વીર્ય વિગેરેની ઝલક મારે ઝીલવી છે.
તો દાન સ્વનું સ્વને. જ્ઞાતાભાવ છે એ તીક્ષ્ણ ક્યારે બનશે? ઉદાસીનભાવ એમાં ભળશે ત્યારે. એટલે ઉદાસીનભાવ જે છે, એ જ્ઞાતાભાવને તીક્ષ્ણતાનું દાન કરશે. એટલે સ્વનું સ્વને દાન. જેમ-જેમ તમારી ઉદાસીનદશા ઘેરી બનતી જાય તેમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બનતો જાય.
વાલ્મિકી રામાયણમાં ઉદાસીન દશાની એક બહુ સરસ વાત છે. વાલ્મિકી ઋષિ કહે છે; કે
आहूतस्याभिषेकाय विसृष्टस्य वनाय च।
न मया लक्षितस्तस्य स्वल्पोऽप्याकारविभ्रमः॥
રામચંદ્રજીને અભિષેક માટે બોલાવ્યાં, રાજ્યાભિષેક માટે. કૈકેયીના વચનને કારણે એમને વનમાં જવાનું થયું. તો અભિષેક માટે આવેલા રામ અને વનમાં જઈ રહેલા રામ; સહેજ પણ મુખ પર ફેરફાર આવતો નથી. એ જ પ્રસન્નતા.!
તુલસીદાસજીએ લખ્યું છે; કે વન જવું એ તો મારા માટે સ્વર્ગ સમાન છે, એમ રામચંદ્ર માનતા હતાં. શું એમની ભાવધારા હતી!
‘भरत प्रान प्रिय पावहि राजु। विधि सव विधि मोहि सनमुख आजू।।‘
વાહ! મારો પ્રાણ પ્રિય ભાઈ ભરત રાજા બનશે. विधि सव विधि मोहि सनमुख आजू’ – ભાગ્ય મારા ઉપર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
“जो न जाऊंवन ऐसेउ काजा। प्रथम गनिअ मोहि मूढ समाजा’
આટલું મજાનું કામ હોય, મારા ભાઈને રાજગાદી મળતી હોય, અને મારે વનમાં જવાનું હોય, અને હું વનમાં ન જાઉં, તો મૂર્ખ જ ગણાવું ને?
એથી પણ આગળ રામચંદ્રજીએ કૈકેયીને કહ્યું છે કે માઁ ! તારા ઉપરનો મારો જે ભાવ છે એ જોઇને હું ગદગદ થઇ ગયો છું. ‘અવધનું કાંટાળું તાજ’ તું ભરતને સોંપે છે અને વન વિહારની મજા તું મને આપે છે. ખરેખર તારા દીકરા ભરત કરતાં પણ તારો પ્રેમ મારા ઉપર વધારે છે!
આ ઉદાસીનદશા આવે, કેવી મજા આવે પછી! જલસો જ જલસો પછી! મજા જ મજા!
ઘણીવાર તો તત્વજ્ઞ ન લાગતા માણસો પાસે પણ જ્યારે ઉદાસીનદશાની વાત જોઈએ ત્યારે આશ્ચર્ય પણ થાય કે એના મૂળમાં તો આ વસ્તુ પડેલી હશે. ચર્ચિલ તો રાજકારણી માણસ જ ગણાય, બ્રિટનના વડાપ્રધાન. પણ એ બહુ સારા પ્રવક્તા હતાં. Star orator. ચર્ચિલ ભાષણ કરવાના છે એ સમાચાર મળે ઓડીટોરીયમ પેક. મોટા ચોગાનમાં જ એમનું ભાષણ રાખવું પડે. કાં તો ક્રિકેટના ગ્રાઉન્ડમાં.
એકવાર એવી એક જગ્યાએ ચર્ચિલનું ભાષણ હતું. માત્ર ચર્ચિલના નામને કારણે લાખો લોકો આવી ગયા. ભાષણ પૂરું થયું. એક મિત્રે ચર્ચિલને કહ્યું; જુઓ તો ખરા, તમારા વકતૃત્વનો, તમારા નામનો કેવો જાદુ છે ! આટલા બધા લોકો! તો ચર્ચિલ કહે છે વાત એવી છે, કે કાલે જો મને અહીંયા ફાંસીના માંચડે લટકાવવાનો હોય ને તો આનાથી વધારે માણસ ભેગું થાય. અહંકાર ભીતર ન આવેલો હોય એ જ માણસ આ statement આપી શકે. કાલે હું ફાંસીના માંચડે ચડું અહીંયા તો આના કરતાં વધારે લોકો જોવા માટે આવે.
આવું જ આઈનસ્ટાઇન માટે બનેલું. એમણે સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો. પુરી દુનિયામાં એ છવાઈ ગયા. અમેરિકામાં વોશિંગટનમાં ખાસ આમંત્રણથી પ્રવચન આપવા એ આવતાં હતાં. મીડિયામાં સમાચારો ફેલાઈ જતાં હતાં. આ દિવસે આઈનસ્ટાઇન આવી રહ્યા છે. એમને એરપોર્ટ પર લઇ જવા માટે ઘણા બધા લોકો આવેલા. રાજકીય અધિકારીઓ આવેલા.
એરપોર્ટથી જ્યાં એમને જવાનું હતું, ત્યાં લગભગ ૨૫ એક કિલોમીટર દુર હતું. મોટોરોલા આખો કોન્વે અને ખુલ્લી મોટરમાં આઈનસ્ટાઇન બેઠેલા. આખું વોશિંગટન જાણે કે બહાર આવી ગયું હોય, આઈનસ્ટાઇનને જોવાને માટે! ફૂટપાથો છલકાઈ ગયેલી. ઝરૂખાઓ છલકાઈ ગયેલા.
આઈનસ્ટાઇન જોડે જે પ્રોટોકોલ અધિકારી હતો, એણે કહ્યું; સાહેબ! હું તો પ્રોટોકોલ ઓફિસર છું. પછી કોઈ પણ નેતા આવે તો મારે સત્કાર માટે જવાનું જ હોય છે. આજ સુધીમાં અમેરિકામાં સેંકડો હજારો નેતાનું મેં સ્વાગત કર્યું. આટલી માનવમેદની કોઈને પણ જોવા માટે ઉમટી નથી. પણ આઈનસ્ટાઇનના મૂળિયાં ઊંડા હતાં. એ કહે છે કે આ જ રોડ પરથી જિરાફ કે હાથી નીકળે ને, તો પણ લોકો જોવા માટે ભેગા થાય જ. લોકોને નવીનતાનો મોહ હોય છે. આ કોણ કહી શકે? કહી શકે કોણ?
આઈનસ્ટાઇન એટલા પોતાનામાં ખોવાયેલા રહેતાં. અને એ જ માણસ આવી શોધો કરી શકે. નાની-નાની વાતો તો એ ભુલી પણ જાય.
એકવાર એક જગ્યાએ એમને જમવા માટે જવાનું થયું સાંજે. Dinner માટે. પેલા ભાઈનો બહુ આગ્રહ સાહેબ આવો. સાહેબ આવો. સાહેબ આવો. આઈનસ્ટાઇનને લેવા માટે પેલા ભાઈ આવ્યાં. આઈનસ્ટાઇન ત્યાં આવી ગયા. જમ્યા, થોડીક વાતચીત ચાલી.
હવે આઈનસ્ટાઇન ભુલી ગયા કે હું કો’કને ત્યાં આવેલો છું. પેલા ભાઈએ વાતચીત તો દુર ચાલુ રાખી. તો આઈનસ્ટાઇનને થયું, કે મારે સુઈ જવું છે હવે, આ ક્યારે જાય હવે? પેલો માણસ આઈનસ્ટાઇનની અકળામણ સમજી ગયો કે સાહેબ ચાલો હવે ઘરે મુકવા આવું તમને? ઓહ! આ મારું ઘર નથી એમ ને? હું ક્યારનો વિચારતો હતો કે આ માણસ કેમ જતો નથી?
એટલે ઉદાસીનદશાને તમારે જ્ઞાતાભાવમાં ભેળવવી છે. એ દાન થશે. સ્વનું સ્વને દાન. આપણે જ્ઞાનનું દાન બીજાને કરીએ. પણ એમાં પણ શું થયું? સ્વનું જ્ઞાન થયું પણ પરને પણ થયું. અને સ્વનુ દાન પણ ક્યારે કહી શકાય? તમે અહંકાર મુક્ત હોવ ત્યારે.. નહિ તો પર ભેગુ આવી ગયું એમાં! તમે બોલો છો, એમાં અહંકાર બિલકુલ નથી. તમે માત્ર શાસ્ત્રોની વાત inverted comma માં કરી રહ્યા છો. તો તમે સ્વનું દાન કરો છો, પરને કરો છો. પણ અહીં તો વાત એ છે સ્વનું દાન સ્વને કરો છો. એના માટે સતત અનુપ્રેક્ષા જોઈએ.
અનુપ્રેક્ષામાં શું થશે? તમે તમારી સાથે બેસશો. એટલે તમે તમને કંઈક આપશો. તમારા બે રૂપ પડશે. એક બાહ્ય રૂપ એક અભ્યંતર રૂપ. તો અભ્યંતર રૂપમાં રહેલો બાહ્ય રૂપવાળા જોડે વાતચીત કરશે.
ભાઈ આ કેમ ચાલે? તે શું કર્યું આખો દિવસ? આના માટે તને પ્રભુએ દિવસ આપેલો હતો? તો બાહ્ય રૂપ અને અભ્યંતર રૂપનું મિલન થવું જોઈએ. અને આના માટે રોજ સમય રાખવાનો, આંતર-નિરીક્ષણ માટે. આંતર-નિરીક્ષણ વિના દોષો પકડાશે નહિ.
પછી લાભ. સ્વનો જ લાભ જોઈએ છે. ઉદાસીનદશા ઘેરી બની. તો પર કંઈ જોઈતું જ નથી તમારે. પર કંઈ જોઈતું જ નથી ને તમારે!
જૈન શ્રમણ એટલે શું? એક મજાનું સાયુચ્ય. ભક્તો સતત વિચારતાં હોય, ગુરુદેવને શું ખપ પડી શકે? ગુરુદેવને શું ચાલી શકે? અને જિનશાસનનો શ્રમણ એ છે જેને કંઈ જોઈતું નથી.
હીરસૂરિદાદા વિહારમાં હતાં. લગભગ ૮૦-૮૧ વર્ષની ઉંમર એ વખતે. સ્વાધ્યાયનો એટલો રસ. વાચના પણ આપે. પ્રભુભક્તિમાં પણ એટલો રસ. સ્વાધ્યાયમાં પણ એટલો રસ. તો સાંજ સુધી પોથી હાથમાં હોય અને સ્વાધ્યાય કરતાં હોય. અને એમનો સ્વાધ્યાય એટલે અનુપ્રેક્ષણાત્મક જ હોય.
તો એ ગામમાં જે ઉપાશ્રય હતો, નાનું ગામ હતું. એક જ પાટ હતી, ગામની અંદર. અને વ્યાખ્યાનની પાટ હતી. સાંજના ચાર વાગ્યા પછી હોલમાં અંધારું થવા માંડ્યું. બહાર આવી પરસાળ હતી, તો ગુરુદેવ પરસાળમાં પધારી ગયા. પાટ તો એક જ હતી. એ તો પાટ ફીટ હતી. તો એ ગુરુદેવ ૮૧ વર્ષની વયે ઉભા ઉભા સ્વાધ્યાય કરે છે. એ જમાનો, સામાન્ય ગામડાઓ, ખુરશી એ ક્યાંથી મળે? અને બીજું કંઈ ક્યાંથી મળે?
એમાં એક શ્રાવક આવ્યો, ભક્તિવાળો. ઓહ! ગુરુદેવ ઉભા ઉભા સ્વાધ્યાય કરે છે. ગુરુદેવને વિનંતી કરેલી, અઠવાડિયું રોકાવાની હા પણ પાડેલી.
એ ભાઈ ભક્તિવાળો. સુથારને બોલાવીને રાતોરાત પાટ બનાવી નાંખી. અને એ પાટ બહાર પરસાળમાં મૂકી પણ દીધી. ગુરુદેવ ચાર વાગે પધાર્યા. નવી પાટ જોઈ, ત્યાં પેલા ભાઈ આવી ગયા. સાહેબજી આપના માટે જ ખાસ બનાવી છે. આપ કાલે ઉભા ઉભા સ્વાધ્યાય કરતાં હતાં. ગુરુ મહારાજ કહે : ભાઈ! અમારા માટે બનેલું અમને કામ ન આવે. તું ચિંતા નહિ કરતો. મારું શરીર એકદમ સ્વસ્થ છે. ઉભા ઉભા સ્વાધ્યાય હું કરી શકું છું. કશું જ જોઈતું નહતું એમને.!
તો લાભ સ્વરૂપદશાનો. મને માત્ર મને સ્વરૂપદશા કેમ પ્રાપ્ત થાય? એક જ વિચારણા હોય અને પછી યોગીઓ પાસે, ભક્તો પાસે જાવ, એક જ વાત મારી સ્વરૂપદશા મને કઈ રીતે મળે? કોઈ પણ આગળ વધેલા મુનિ લાગે આપણને, આપણે બેસી જવાનું એની પાસે. સાહેબ તમારા ચહેરા પરથી લાગે છે, કંઈક પ્રાપ્તિ થયેલી છે. મને જરા વાત તો કરો. બીજાના અનુભવોને એટલા માટે લેવા છે, કે એ માર્ગે ચાલીને પણ સ્વરૂપદશા પોતે મેળવવી છે.
ભોગ પણ સ્વનો. પરનો ભોગ હોઈ શકે? પરનો ભોગ હોઈ શકે?
એક ફિલોસોફરે સરસ વાત લખી છે; કે કોઈ માણસ જોડા પહેરીને જાય છે. હવે એને પૂછો, ક્યારેક ચાલતો હોય જોડાં વગર, ક્યારેક જોડાં સાથે. તમે પૂછો કે હમણાં ચાલ્યા છો તમે જોડા સાથે કે જોડા વગર? સાલું એ કંઈ યાદ નથી. પણ જોડાં પહેર્યા, એ યાદ ક્યારે આવે? જોડો ડંખતો હોય તો!
અને ફિલોસોફરે એટલી ગજબની વાત કરી, કે સ્વમાં તમે ઊંડાણમાં જશો ને, બસ તમે ખોવાઈ જશો. અનુભવ ક્યાં થશે? ક્યાંક પરમાં જશો ને વેદના થશે ત્યારે. એટલે જે લોકો સ્વરૂપદશામાં ગયેલા છે, એ એની વાત કરી શકતા નથી. તો આપણી દુનિયામાં એવા શબ્દો જ નથી કે જેમાં એની વાત કરી શકાય. કો’ક કહે કે મારી આનંદ છે. તમે કહો કે મારી પાસે આનંદ છે.
દેવચંદ્રજી મહારાજે એકવાર પરમઆનંદ શબ્દ વાપર્યો. પછી મેં ટીપ્પણી કરેલી. કે પરમઆનંદ કેમ વાપરવો પડ્યો એમને શબ્દ. એક જગ્યાએ તો પરમ મહાઆનંદ થાય એમ કહ્યું છે. આપણે સામાન્ય સુખની વાત તો એમાં આનંદ શબ્દ વાપર્યો. ચાલો આપણે એક ગ્રેડ વધારી નાંખીએ, કહે છે! એટલે એક તો વાત એ છે, કે આપણી પાસે શબ્દો નથી કે જેમાં એ વાત કહી શકાય. અને બીજું ખરેખર અનુભવ અગત્ય છે. તમે એને enjoy કરી શકો, experience કરી શકો, કહી શકો નહિ.
એક ઝેન કથા છે. કે સત્યને શબ્દમાં મૂકી શકાતું નથી. જે અનુભૂતિ છે એને તમે શબ્દોમાં નથી મૂકી શકતાં. તો શબ્દમાં મુકો તો શું ગોટાળો થાય, એના માટે એક સરસ ઝેન કથા છે. બહુ નાનકડી કથા છે.
એક લુહાર હતો. કામ ઘણું રહેતું. થોડો થાકી જતો. દીકરો હતો નહિ. એકવાર એણે ગામમાં કહ્યું; કોઈ ભાઈ! સાથીદાર તરીકે આવવું હોય કોઈને તો આટલો પગાર હું આપીશ. એક માણસ આસિસ્ટન્ટ તરીકે આવ્યો. એને લુહારીનું કોઈ જ્ઞાન નહતું. લુહારે કહ્યું; કે જો, હું છે ને જો આ લોખંડને ભટ્ઠીમાં નાંખીશ. એ એકદમ તપી જાય, એ બહાર નીકળશે. એટલે હું માથું હલાવીશ, કે બરોબર હવે ગરમ થઇ ગયું છે. તું ઘણ ઠોકી દેજે. હું લોઢાને, કારણ કે એની શક્તિ બરોબર નથી, ઘણ મારવાની શક્તિ નથી, પેલી આવડગત તો છે. હું લોઢાને ભટ્ઠીમાં નાંખીશ. બરોબર ગરમ થઇ ગયું મને ખ્યાલ આવશે એટલે માથું ધુણાવીશ. એટલે ત્યારે ઘણ ઠોકી દેવાનો. ઝેન કથાનો end એવો આવે છે, બીજે દિવસે લુહાર નહતો, અને આસિસ્ટન્ટે દુકાન ખોલી. લોઢા ઉપર હથોડો મારવાનો છે પણ માથા ઉપર ઠોકી દીધો.
ભોગ પણ સ્વનો, ઉપભોગ પણ સ્વનો. અને એક વાર અલપ-ઝલપ glimpse એની મળી જાય ને, તમે પરમાં જઈ શકતા નથી. એટલે જ પરમ ભોગી કોણ? પ્રભુનો મુનિ! ઐશ્વર્ય ક્યાં છે? એક પ્રભુની પાસે, બીજું પ્રભુના સંતો પાસે.
એટલે પરમ ભોગ તો તમારી પાસે જ છે! છે ને? પર ભોગ છે, એક ‘મ’ ને કાઢી દેવાનો!
અને વીર્ય છેલ્લે. આત્મ-શક્તિ જે છે એ સ્વ તરફ જ જાય. તમારા એક પણ યોગ હોય એ સ્વ તરફ જ જાય. મન, વચન, કાયાના યોગો બધા સ્વ તરફ જ જાય. આ ક્ષાયોપશમિક ભાવનું વીર્ય. તો આ રીતે આપણે રૂપાતીત ધ્યાન કરી શકીએ.
