Mumukshu Vachna | 10-04-20 | Navsari Tapovan

23 Min Read

भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति

જે વખતે જે ઘટના ઘટવાની છે એ ઘટ્યા કરે; આપણે એને જોયા કરીએ. ઘટનાના કારણે મનમાં રતિભાવની ભરતી પણ ન આવે અને અરતિભાવની ઓટ પણ ન આવે. આવી નિશ્ચલ સમુદ્ર જેવી – स्तिमितोदधिसंन्निभ: – મનની અવસ્થા, એ જ ઉદાસીનદશા.

ઉદાસીનદશામાં કોઈ ઘટનાનો સ્પર્શ નથી, કોઈ ઘટનાનું સ્મરણ નથી. ઘટના, ઘટના છે; તમે, તમે છો. આવું ઔદાસીન્ય એ જ આનંદનો પર્યાય છે. એટલે જેમ-જેમ ઉદાસીનતા તમારી વધશે, તેમ-તેમ તમારો આનંદ વધતો જશે.

ઉદાસીનદશાનો આવો આનંદ મળી જાય, પછી તમે તમારા મનને ક્યાં મુકશો, ક્યાં જોડશો?! ઘટનાઓને કારણે રતિ કે અરતિ થતી હોય, ત્યારે મનમાં ઉથલ-પાથલ થાય કે આ કેમ થયું… અને આ કોણે કર્યું… પણ તમે જો ઉદાસીનદશામાં છો, તો પછી भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति!




નવસારી તપોવન વાચના – 13 [10.4.2020]

“પ્રભુ નિર્મલ દર્શન કીજીયે” નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પદશાની પૃષ્ઠ ભૂમિકા ઉપર થયેલું દર્શન. તો વિકલ્પોને પાર, વિચારોને પાર શી રીતે જવું?
યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં એના માટે એક સરસ સાધના સૂત્ર આપ્યું:
“औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा।
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥“
ઉદાસીનદશમાં તમે આવી ગયા. તમે મનને ક્યાં મુકશો? ઘટનાઓને કારણે રતિ કે અરતિ થતી હોય, ત્યારે તમારા મનમાં ઉથલ-પાથલ જામશે. આ કેમ થયું? અને આ કોણે કર્યું? પણ તમે બિલકુલ ઉદાસીનદશામાં છો. ઘટનાઓથી સંપૂર્ણતયા અપ્રભાવિત છો. તો કયો વિચાર આવી શકે? જે વખતે જે ઘટના ઘટવાની છે, એ ઘટ્યા કરે, આપણે એને જોયા કરીએ.
ઉદાસીનદશાનો નજીકનો પર્યાય છે – આનંદ. આનંદ એટલે જ ઉદાસીન દશા. અને એ વાત જ્ઞાનસારે સ્પષ્ટ કરી; ‘पूर्णानन्दस्तु भगवान् स्तिमितोदधिसंन्निभ:’ પૂર્ણ આનંદમાં મહાલતા સિદ્ધ ભગવંતો નિશ્ચલ સમુદ્ર જેવા છે. સમુદ્રમાં ભરતી આવી તો રતિભાવ; ઓટ આવી તો અરતિભાવ. પણ, તમારા મનનો સમુદ્ર નિશ્ચલ રીતે રહી ગયો, તો એ છે ઉદાસીનદશા.
આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં નૌકા-ઉત્તરણ પ્રકરણ આવે છે. એમાં ઉદાસીનદશાની બહુ જ પ્યારી વાત છે. મુનિરાજને નદી ઉતરીને પેલે પાર જવું છે. એ યુગમાં આપણા દેશમાં મોટી-મોટી નદીઓ. પુલો તો હતા જ નહિ. પણ નદીઓ બહુ મોટી. લગભગ હોડીથી તરવી પડે એવી હતી. નાનકડી નદીઓ ઓછી હતી. મોટી નદીઓ.. વિશાળ હતી.. તો હવે એ નદીને ઓળંગીને સામે પાર જવું હોય તો હોડીમાં બેસવું પડે. તો સવાલ એ કર્યો; કે શા માટે હોડીમાં બેસવાનો અપવાદ પણ નહિ? તો ત્યાંની એ વખતની ભૌગોલિક સ્થિતિ સમજાવી. કે એ વખતે ૨૫-૫૦ કે ૬૦ કિલોમીટર નો પ્રદેશ હોય. એની ચારે બાજુ નદીઓ હોય. હવે એમાં ૮-૧૦ ગામ હોય, તમે કેટલો સમય ત્યાં રહો? માસ કલ્પ સાચવવાનો છે. ચાતુર્માસ એક જગ્યાએ કરવાનું છે. ૮ – ૧૦ ગામો જ માત્ર છે. મેં કીધું ભલે ૮ – ૧૦ ગામમાં રહીએ. પણ હોડીથી ઉતરવાનું પાપ શું કરવા કરીએ? ત્યારે કહ્યું; કે બે દોષો હોય ત્યારે ગૌણ મુખ્ય કરવાનું. હોડીથી ઉતરવું એ ગૌણ દોષ છે. તમે એક જ પ્રદેશમાં રહો.\ અને એ પ્રદેશ સાથે, એ પ્રદેશના લોકો સાથે તમારું attachment થાય, તમારી રાગદશા વધે – એ મોટામાં મોટો દોષ છે. એટલે બે દોષ જ્યારે હોય ત્યારે નાના દોષને પકડી લેવાનો.
તો હવે એ મુનિરાજને ગંગા જેવી નદી ઉતરવી છે. નદીના કાંઠે જાય છે. પોતાના માટે હોડી વાપરવી નથી. પણ કોઈ હોડી જતી હોય, એની રીતે જ તો એમાં બેસી જવાની ઈચ્છા છે. એક હોડી કિનારે લાંગરેલી. યાત્રિકો લગભગ બેસી ગયેલા. તો મુનિરાજે નાવિકને પૂછ્યું; કે મારે પણ સામે પાર જવું છે. હું બેસી શકું? બેસો ને મહારાજ. નાવ ચાલી. બહુ મોટી નદી છે વિસ્તૃત પ્રવાહવાળી. અધવચ્ચે નાવ જાય એટલે એવું બને કે નદીની અંદર તોફાન જેવું થાય. ક્યારેક છે ને નદી અને સાગરનું મિલન થતું હોય ને ત્યારે સાગરની અસર નદીમાં આવતી હોય છે. તો એવો નદીમાં ખળભળાટ થયો (કે) હોડી ડોલવા માંડી. તો બધા યાત્રિકો વિચારમાં પડ્યા. કોઈ દિવસ નહિ ને, આજે આ શું? એક જણાએ કહ્યું; આ પેલા સાધુ બેઠા છે ને, મુંડિયા; એના કારણે થયું લાગે છે. આવું સાંભળે છે મુનિરાજ. બિલકુલ ઉદાસીનદશા છે. કોઈ વિચાર નથી આવતો.
સંયોગ એવો બન્યો કે ભારત દેશમાં લગભગ લોકો શ્રદ્ધાળુ જ હોય. હિંદુ હોય કે કોઈ પણ હોય. પણ આમાં કોઈ જાણે અનાડી લોકો ભેગા થયેલા. બધા એક મત પર આવ્યા કે વાત તો સાચી છે. આ મુંડિયાને કારણે આપણે તકલીફમાં મુકાયા છીએ. મુંડિયાને નાંખો નદીની અંદર. બધાએ ભેગા થઇ વિચાર કર્યો હતો, મુનિરાજ એમને એમ સાંભળે છે. પછી નાવિકને પૂછ્યું; નાવિક પણ બિચારો સંમત થઇ ગયો. હવે લાગ્યું કે આ લોકો મને નદીમાં ફેંકશે.
એ વખતે એ મુનિરાજ એ યાત્રિકોને કહે છે; તમારે મને નદીમાં ફેંકવો છે ને? પણ એને બદલે હું મારી મેતે નદીમાં જતો રહું તો તમને વાંધો ખરો? તો પેલા કહે કે તો તો બહુ સારું તમે જતા હોવ તો! અમારે ક્યાં મુનિ ની હત્યાનું પાપ વહોરવું, કહે છે! તો એ વખતે એ મુનિરાજ પોતાની કાયાનું પ્રતિલેખન કરી સીધા જ નદીના પ્રવાહમાં જાય છે. એટલા માટે કે આ લોકો throw કરશે મારા શરીરને તો અપકાયના જીવોની વધુ કિલામણા થશે.
પછી નદીમાં ગયા પછી શું કરે? ગમે તેટલા ગ્રહસ્થપણાને તારૂ હોય, નથી હાથ હલાવવો, નથી પગ હલાવવો! હાથ-પગ હલાવો વિરાધના થાય. નદી જ્યાં લઇ જાય ત્યાં જવું છે. જીવન કે મરણનો કોઈ વિકલ્પ નથી! આ છે ને ઉદાસીનદશા..! જીવન હોય તો ય શું ફરક પડે? મૃત્યુ હોય તો ય શું ફરક પડે? જે પર્યાય ખુલવાનો એ ખુલ્યા કરશે અને જે વખતે ખુલવાનો હશે એ વખતે જ ખુલવાનો છે.!
મને એકવાર પૂછવામાં આવેલું કે પ્રભુની પુરી સાધનાને એક શબ્દમાં કહેવી હોય તમે એક શબ્દ કયો વાપરો? ત્યારે મેં કહેલું; કે ‘સર્વસ્વીકાર’ એ એક શબ્દ એવો છે કે જે શબ્દ પ્રભુની પુરી સાધનાનું પ્રતીનિધિત્વ કરે છે. ‘સર્વસ્વીકાર’.
અને આ વાત પ્રભુએ ઉત્તરાધ્યયન સુત્રના પંદરમાં અધ્યયનમાં કહી. ‘जो कसिणं अहिआसए स भिक्खू’ જે બધાનો સ્વીકાર કરે છે એ મારો ભિક્ષુ છે. અત્યાર સુધી શું થયું? અનુકૂલન આવે ત્યાં ગમો થયો. પ્રતિકૂલન આવે ત્યાં અણગમો થયો. હવે અનૂકુલન-પ્રતિકુલન કાંઈ જ નથી. બધું જ સરખું છે – ‘સર્વસ્વીકાર’. જે વખતે જે પરિસ્થિતિ આવી એનો સ્વીકાર.. હસતાં મોઢે સ્વીકાર!
ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનમાં ઉપસર્ગોની વાત આવે છે; ત્યાં લખ્યું કે કદાચ કોઈ મુનિરાજને લાકડીથી મારે, શું વિચાર આવે એમને? તો કહે કે વિચાર કંઈ ન આવે, મારું કર્મ ખરી રહ્યું છે. અચ્છા કોઈ તલવાર લઈને આવે તો? તલવાર લઈને આવ્યો છે? ગળે તલવારને અડાડે છે ત્યારે શું વિચાર આવે? ઉત્તરાધ્યયન સુત્રના શબ્દો છે, ‘नत्थि जिवस्स नासु त्ति’ ‘भिक्खू धम्मं विचिंतए’ ત્યારે એ મુનિ વિચારે છે; કે આ તો મારા શરીરનો નાશ કરે છે ને, મારો આત્મા તો અજર, અમર, અખંડ છે.
ભારતમાં એક હિંદુ સંત થયા ‘દદામી’. સિકંદર જ્યારે ભારત આવેલો ને ત્યારે સિકંદરના ગુરુએ કહેલું કે ભારતમાંથી એક સારામાં સારા સંતને તું જોડે લઈને આવજે. ભારતના સંત એટલે બસ. પણ એમાં પણ સર્વશ્રેષ્ઠ સંત હોય એને લઈને આવજે. સિકંદરે ભારત આવ્યા પછી તપાસ કરી. અને સંત દદામી નું નામ આપ્યું, એ પ્રદેશમાં. હવે સંત દદામી જંગલમાં રહેતા. છાપરું એ લોકોએ બનાવી આપેલું. એમને છપરાની ય જરૂર નહતી. ન કોઈ ખાવા-પીવાની પંચાત હતી. કોઈ આપી જાય તો ખાઈ લેવાનું નહીતર કંઈ ફરક જ નહતો પડતો.
આવા એ સંત પાસે સિકંદર જાય છે. એ સિકંદર કહે કે તમે મારા દેશમાં આવો. હવે આ સંત, મસ્ત મજાના જંગલમાં બેઠેલા.. એ કોઈ રાજાના મહેલમાં જાય? તારો મહેલ તને મુબારક હો! મારે ક્યાં મહેલ જોઈએ છે? સિકંદર કહે; આવવું જ પડશે તમારે. અને સિકંદરનું જોર શેમાં? તલવારમાં. આખી દુનિયાને તલવારથી એણે ઝુકાવેલી. તો એણે તલવાર બહાર કાઢી. કહે, “તલવાર જોઈ છે? એક તલવારનો ઝપાટો લાગશે ને, તો ધડ અને માથું છુટું પડી જશે!” દદામી હસ્યા, એમાં શું છે?! એ છુટું પડશે તો જોઈ લેશું આપણે.! લાગ્યું કે આમાં કંઈ કાર્ય ફાવે એમ નથી. તો કહે કે હું બાદશાહ છું બાદશાહ. આખી દુનિયાનો વિજેતા છું. તમે મારું કહ્યું ના માનો…? સંત હસ્યા; અચ્છા, અચ્છા! તું બાદશાહ છે એમ! આખી દુનિયાનો માલિક એમ? હા આખી દુનિયાનો માલિક. સિકંદર! મને ઓળખતા નથી તમે? તો કહે એક કામ કર ને? સાહેબ બોલો શું કામ કરવાનું છે? આ માખી છે ને મારા શરીર ઉપર આવીને બેસે છે. એને કહી દે ને જતી રહે. સાહેબ માખી તો મારું કહ્યું કેમ માને? સાલા હરામખોર! એક માખી તારું કહ્યું નથી માનતી! તું કહે છે, દુનિયાનો વિજેતા! આવા આપણા સંતો હતા! જેમને કંઈ જોઈતું જ નહતું!
અકિંચનતા એ આપણું ભૂષણ છે. હિંદુ સંતોમાં તો આ હોય છે. પણ હિંદુ ગ્રહસ્થોની અંદર પણ આ એક પરિપાટી છે. અત્યારે નથી. પહેલાં હતી. એને આકાશી વૃત્તિ કહેતાં. આકાશી વૃત્તિ જે ગ્રહસ્થ સ્વીકારે એને પોતાના જીવનનો કોઈ વિચાર કરવાનો જ નહિ. પ્રભુ વિચાર કરશે બધો. જે વખતે જે કરવાનું હશે એ થયા જ કરશે, મારે કોઈ વિચાર કરવાનો નહિ.
તમે જો ખરેખર અકિંચન હોવ. અકિંચન એટલે માત્ર પૈસા નથી જોઈતા એમ નહિ. પ્રસિદ્ધિ પણ નથી જોઈતી. દુન્યવી કોઈ ઘટના તમારે જોઈતી નથી. કયો વિચાર તમને આવશે હવે બોલો? કઈ જોઈતું જ નથી તો! એટલે વિચારની પેદાશ ‘જોઇશે’ માંથી થાય છે. આ જોઈએ.. આ કઈ રીતે મળે? જોઈતું જ નથી તો? તો પ્રભુનો મુનિ અકિંચન હોય. ‘સમલેટ્ઠું મણીકંચણે’ કહ્યું ને!
સંત કબીર હતા ને, એ તો પ્રસિદ્ધ થઇ ગયા. એમનો દીકરો હતો કમાલ. કમાલ ખરેખર કમાલનો હતો. ન એને કોઈ શિષ્યો કર્યા. ન કોઈ મઠ સ્થાપ્યો. ન કોઈ આશ્રમ. જંગલમાં રહેતો. ભક્તો એક ઝુંપડી બનાવી આપી એમાં રહે. ખાવા-પીવાનું કોઈ નિશ્ચિત નહિ. ત્યાંના પ્રદેશનો જે સમ્રાટ હતો, એને ખ્યાલ આવ્યો કે કમાલ બહુ જ ઉંચી કક્ષાના સંત છે અને એકદમ નિઃસ્પૃહી છે. રાજાને થયું કે ચાલો દર્શન માટે જઈએ. રાજા દર્શન માટે ગયો. અને એટલો પ્રભાવિત થઇ ગયો, કે પોતાની પાસે ૨૦-૨૫ કરોડનો કિંમતી હીરો હતો એ સંતના ચરણોમાં મૂકી દીધો. ગુરુપૂજનમાં શું મુકે એ તમને ખબર પડે આમ? સોનામહોરથી મારું પૂજન થયું હતું! એટલે તમારા માટે ફરક પડે છે, હજુ એમ ને? સોનું અને ધૂળ, સોનું અને ઢેખાળો સરખા નથી એમ ને..?
એક પતિ-પત્નીએ સંન્યાસ લીધેલો. અને એક ઝુંપડીમાં રહેતાં. ભગવાનનું ભજન કરતાં. એકવાર નદીએ નાહીને પતિ-પત્ની બેઉ આવી રહ્યા છે. બંને સંન્યાસી છે. આગળ પતિ ચાલે છે. પાછળ પત્ની છે. એક લાલ માણેક રસ્તા ઉપર પડેલો, ધૂળિયા રસ્તા ઉપર. પતિને એક ક્ષણ વિચાર આવી ગયો કે મારી પત્ની પાછળ આવી રહી છે. ભલે સંન્યાસીની બની ગઈ છે, આખરે સ્ત્રી છે અને સ્ત્રીનું મન અલંકારમાં અને આવા સુંદર મણીમાં તો ખેંચાવાનું છે. તો એને સહેજ પણ આકર્ષણ ન થાય એના માટે શું કર્યું…? ધૂળિયો રસ્તો હતો. ધૂળ આમ જે છે ને, ઉભા રહીને ધૂળ થોડી નાંખી દીધી. પેલો માણેક દટાઈ ગયો. પત્ની આવી ગઈ એટલામાં. પત્ની હસવા માંડી. પતિ કહે છે; કેમ હસી? તો કહે; પથરાને ધૂળમાં દાટવાની જરૂર શું હતી? હજુ પતિ એનો માણેકમાં હતો.. પથરા ઉપર ધૂળ નાંખી તમે?
તો રાજાએ હીરો મુક્યો. પછી કહે સાહેબ ક્યાં મુકું? કમાલ મનમાં કહે; મારા પથરા ઘણાય છે, નાંખી દે. પણ સમ્રાટ હતો સામે. સાહેબ ક્યાં મુકું? હવે મૂકી દેને ગમે ત્યાં તારે મુકવું હોય ત્યાં. નાંખવું હોય ત્યાં નાંખી દે ને. હંમેશા હું ઘણીવાર એક વાત કહું છું કે તમે ગુરુને પણ તમારી બુદ્ધિ દ્વારા જ જોવો છો. તમારી બુદ્ધિની ફ્રેમ નાની છે. અને ગુરુનું ચિત્ર મોટું છે. મારી ફ્રેમ નાની છે તો ચિત્ર કાપી નાંખો! તમારી અવધારણાની ફ્રેમમાં તમે સદ્ગુરુને મુકતા હોવ છો. અને એટલે જ આપણે ત્યાં કહ્યું; કે ગીતાર્થની આચરણાને બુદ્ધિની ફૂટપટ્ટીથી ક્યારે ન મપાય. નહિતર કાલિકાચાર્ય માટે શિષ્યો શું માને? આચાર્ય ભગવંત એમનાથી આવું થાય? આચાર્ય ભગવંત સૈનિકની જેમ શસ્ત્ર ઉપાડે એમ! આપણા જેવા બુદ્ધિશાળી હોય તો એમ જ કહે.
તો સમ્રાટ પણ એ જ ધારાનો માણસ હતો. કે આ કહે છે ફેંકી દો, નાંખી દો, ગમે ત્યાં. પણ એ તો હમણાંની વાત છે. બાકી હું જાઉં પછી? હીરો વેચાઈ પણ જશે અને મોટો આશ્રમ બની પણ જશે. ઝુંપડી ઉપર એક લાકડાની વડી હતી. એ વડી ઉપર એને મૂકી દીધો હીરો. ગયો. હવે મનમાં એક જ વાત છે; કે થોડો સમય જશે એટલે હીરો વેંચાઈ જ જવાનો અને 5 star આશ્રમ બની જશે.
પાંચ વર્ષે ફરી પાછો રાજા એ બાજુ આવ્યો. એ જ ઝુંપડી જોઈ! ઓહોહો! પેલા કમાલ! અહીં જ છે, ઝુંપડીમાં જ છે હજુ! બધું યાદ આવ્યું. મેં હીરો મુકેલો. સાલું ઝુંપડીમાં ને ઝુંપડીમાં છે હજુ? મને તો એમ કે તમે 5 star આશ્રમ બનાવ્યો હશે! પણ તો ય હજુ પેલી અવધારણા તો એ જ છે. હીરો મુક્યો છે ને મેં, એ વેચવાનો જોગ નહી થયો હોય. એને ઘરાક મળે બરોબર. બરોબર પૈસા આવે એમ હોય, તો વેચાય ને, એવો લાગ નહિ મળ્યો હોય. કમાલ પાસે ગયા. વંદન કર્યું. સાહેબ મેં પેલો હીરો મુક્યો હતો એ ક્યાં ગયો? એ કમાલને યાદ એ નથી! તમને યાદ હોય આવી ઘટના? સાચું કહેજો. યાદ હોય આવી ઘટના? એટલે એનું મહત્વ એ થયું, કે તમને એ ઘટનાનું મહત્વ છે. જે ઘટના નકામી હોય એ તમે ભુલી જ જાવ છો. કઈ ઘટના તમારા મનમાં રહી જાય? જેનું મહત્વ તમારે મન હોય. તો કમાલને મન કોઈ મહત્વ જ નહતું.! સાહેબ હીરો મુક્યો હતો અહીંયા? મુક્યો હશે. મુક્યો હશે કહે છે ખબર જ નથી. સાહેબ પછી કહે ઉપર આ વળીમાં મુક્યો હતો. તો જોઈ લે. કોઈ નહિ લઇ ગયું હોય તો ત્યાં જ હશે. હજુ રાજાના મનમાં વિચાર આવે છે, કોઈ નહિ લઇ ગયું હોય તો..! પોતે જ ભાઈ સાહેબે ક્યાંક છે ને જમીનમાં દાટી દીધો હશે. એણે જ્યારે હાથ મુક્યો. થોડાક બાવા બાઝી ગયેલા આજુબાજુમાં, પણ હીરો એમને એમ હતો.! અને એ હીરો નીચે ઉતાર્યો. સાહેબ આ હીરો હતો. 25 કરોડનો હતો. તો કહે કે હમારે લિયે યે ક્યાં બાત હોતી હૈ?! 25 કરોડ કા હો, યા હમારે લિયે કોઈ મહત્વ કી બાત નહિ હોતી હૈ. યે તુમ્હારે લિયે મહત્વ હોતા હૈ. લે જાઓ તુમ. હમારે લિયે કોઈ કામ કી ચીજ નહિ હૈ. આ ખુમારી.! આપણામાં પણ ખુમારી ક્યારે જાય? પ્રોજેક્ટનો ઘંટ બાંધી લો ગળે અને જોઈ લો.!
એક મહાત્માએ મને સરસ વાત કરેલી. સરસ એટલે મને ગમે નહિ પણ, મોટા આચાર્ય ભગવંત હતા. એ કહે કે; ભેરૂતારકવાળા આવેલા મારી પાસે. એ તો દેખાવ એટલો જોરદાર એનો, એટલા સરસ ભભકાદાર કપડાં પહેરેલા. મને પણ ખબર હતી કે આ તીર્થ બનાવ્યું છે અને કરોડોપતિ-અબજોપતિ. મેં પણ થોડી વાત એમની સાથે કરેલી. તો પછી એકવાર બાબુભાઈ આવી ગયા કે.પી.સંઘવીવાળા. વંદન પણ કરી ગયા. સાલું પછી મને કો’કે કહ્યું; આ બાબુભાઈ હતા. મને તો ખબર જ ના પડી! પણ તમારે ખબર પાડીને કરવું છે શું? બાબુભાઈ બાબુભાઈના ઠેકાણે, તમે તમારા ઠેકાણે છો.!
તો ‘औदसिन्यनिमग्न:’ ઉદાસીનદશા જોઇશે. તો એ મુનિરાજ નદીમાં પોતાની મેળે ઉતરી જાય, હાથ-પગ હલાવે નહિ. પછી ત્યાં લખ્યું છે; કે એવા એ નિરપેક્ષ છે કે નદી જો એમને દરિયામાં લઇ જશે તો એ રીતે જીવનનો ત્યાગ પણ કરી દેશે. અને કદાચ નદી છાલક મારે અને એમના દેહને કિનારા ઉપર પાડે તો કિનારા ઉપર ઉભા થઇ જશે. પણ કિનારા ઉપર ઉભા થયા પછી ચાલવા નહિ માંડે. કારણ કે શરીર પાણીથી ભીંજાયેલુ છે. વસ્ત્રો પાણીથી તરબતર છે. એટલે એવી રીતે ઉભા રહે છે કે શરીરમાંથી ને વસ્ત્રમાંથી જે ટીપાં ઝરે એ સીધા નદીના પ્રવાહમાં જાય. સીધા એ વખતે ચાલો રેતમાં પડે ટીપાં, અપકાયની વિરાધના થાય. કુદરતી રીતે જ્યાં સુધી કપડાં અને શરીર કોરું ન થાય ત્યાં સુધી ઉભા રહીએ અને પછી નિરપેક્ષ એવા મુનિરાજ ગંતવ્ય તરફ જાય. કેવી નિરપેક્ષ દશા! જીવન હોય કે મૃત્યુ, કોઈ તફાવત છે નહિ!
તો ઔદાસીન્ય એ જ આનંદનો પર્યાય છે. એટલે જેમ-જેમ ઉદાસીનતા તમારી વધશે ને તેમ-તેમ તમારો આનંદ વધશે; અને એ ઉદાસીનદશામાં કોઈ ઘટનાનો સ્પર્શ નથી, કોઈ ઘટનાનું સ્મરણ પણ નથી!
એક હિંદુ ગુરુ હતા. એકવાર એમને વાચનામાં કહ્યું; કે તમે નદીને ઉતરો ને ત્યારે તમારે પાણીને સ્પર્શવું નહિ. શિષ્યો સમજી ગયા કે ગુરુ શું કહેવા માંગે છે. ઘટનાની નદીને ભલે ઉતરીએ પણ એ ઘટનાની અસર થવી જોઈએ નહિ. ઘટના, ઘટના છે; આપણે, આપણે છીએ. પણ થોડાક મહેમાનો આવેલા એ દિવસે. મહેમાનોએ આ વાત સાંભળી કે નદીને ઉતરો અને પાણીને સ્પર્શ ન થવો જોઈએ! એ જમાનામાં પુલ-બુલ તો કંઈ હતા જ નહિ. મહેમાનોને ગુરુ ઉપર શ્રદ્ધા. ગુરુ ખોટું તો બોલે જ નહિ. તો વિચાર કર્યો કે ગુરુ મહારાજ છે આ તો. ચમતકારિક લબ્ધિવાળા હશે. એટલે નદીને પાર જવું હોય ને તો હવામાં ઉડે. હવામાં ઉડે એટલે પછી પાણીનો touch એમને થાય નહિ. સાંજના જ ટાઈમે ગુરુને ક્યાંક બહાર જવાનું થયું. અને આશ્રમ નદીના કિનારે જ હતો. એટલે સામે ગામ જવું હોય તો નદીને ઉતરીને જવાનું હતું. મહેમાનો જોડે હતાં કે બરોબર જોઈએ આ જ તો, કહે છે; ગુરુ મહારાજ નદીને કેમ ઉતરે છે. ગુરુ તો સામાન્ય માણસ ઉતરે એમ નદીને ઉતર્યા. તો એ લોકોને વિચાર થયો; કે આ મ.સા. બોલે કંઈ અને કરે કંઈ આવું તો એમના માટે માની જ ન શકાય. એમના બોલવામાં અને એમના કરવામાં ફરક હોય જ નહિ. બરોબર ને…? સાચી સાધુતા અહીં છે.
આપણા માટે છે ને ઘણીવાર આ ફરિયાદ ઉઠે છે. પાટ પરનું આપણું રૂપ જુદું, નીચે આવ્યા પછીનું રૂપ જુદું – આ ન થવું જોઈએ. મૈત્રીભાવની વાતો કરીએ પાટ ઉપરથી. જગત્મૈત્રીની. અને કોઈ મહાત્મા આવ્યાં હોય સામેથી તો…?
એટલે એ મહાત્મા એવા હતા હિંદુ હોવા છતાં, કે મહેમાનોને પણ શ્રદ્ધા હતી કે એમના બોલવામાં અને કરવામાં કંઈ ફરક ન હોય. તો ગરબડ આપણી સમજવામાં જ છે.
બીજા દિવસે એ જ સમયે પાછા બધા ભેગા થયા. મહેમાનોના ચહેરા ઉપર પ્રશ્ન હતો. ગુરુને પૂછવાની હિંમત ન થઇ. પણ ગુરુ એ પ્રશ્નને જોઈ ગયા. અને એમણે કહ્યું; કે ભાઈ ગઈ કાલે નદીને ઉતરવાનું થયું. ત્યારે હું પાણીને touch કરતો ન હતો. પાણી મને સ્પર્શ્યું હશે કદાચ. હું પાણીને સ્પર્શ્યો નથી. હું તો 24 કલાક પ્રભુના સ્પર્શમાં જ છું! પાણી મને સ્પર્શ્યું હશે. હું પાણીને સ્પર્શતો નથી. એટલે ઘટનાઓના સંસારમાં પણ પ્રભુનો મુનિ, માત્ર અને માત્ર આનંદમાં રહે છે. ઘટના, ઘટના છે; તમે, તમે છો. ઘટના જોડે સંબંધ બાંધ્યો; તો જ રતિ કે અરતિ આવશે.
એક વાત યાદ રાખો, કોઈ ઘટનામાં તાકાત નથી કે તમને પીડા આપી શકે. તમને પીડા આપનાર તમે પોતે જ છો, તમારા વિકલ્પો જ છે. હવે ઘટના ઘટી ગઈ અને તમે સ્વીકારી લીધું. કે અનંત કેવલજ્ઞાની ભગવંતોએ આ ઘટનાને આ વખતે ઘટિત થતી જોયેલી હતી. અને એ જ ઘટના ઘટિત થઇ છે. હવે તમે એ ઘટનાનો અસ્વીકાર કરો તો શું થયું? અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનનો તમે અસ્વીકાર કર્યો. તમારા જીવનમાં આજે આ ઘટના ઘટી. તમને ખ્યાલ નહતો. અનંત કેવલજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં આ ઘટના જોયેલી ખરી કે નહિ? હવે અનંત કેવલજ્ઞાનીઓએ જ્ઞાનમાં જે ઘટનાને જોયેલી છે, એ ઘટના તમે અસ્વીકાર કરી શકો?
શ્રીપાળ રાસના પ્રારંભમાં એ જ વાત કરી; “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ” કેમ? રૂપ-રૂપના અંબાર જેવી મયણા અને કોઢથી જેને કહેવાય છલકાઈ રહ્યો તેવો શ્રીપાળ, એનો હાથ પકડવાનો જિંદગીભર! કેટલી મોટી દુખદ ઘટના કહેવાય.! અને છતાં ‘મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ’ કેમ? ‘જ્ઞાનીએ દીઠું હુએ રે’ જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું એ બન્યું છે. બોલો ઘટના, ઘટના; તમે, તમે. Division પાડી નાંખો – ઘટના તમે નથી, તમે ઘટના નથી.
તો પહેલું ચરણ શ્લોકનું થયું; औदसिन्यनिमग्न: – ઉદાસીનદશા. એ જ વાત ચિદાનંદજીએ એક પદમાં કરી; ‘અવધૂ નિરપક્ષ વિરલા કોઈ’ જેનો કોઈ પક્ષ જ નથી – ગમાનો કે અણગમાનો, સારાનો કે નરસાનો; એવા નિષ્પક્ષ વ્યક્તિત્વ બહુ વિરલ હોય છે! ‘અવધૂ નિરપક્ષ વિરલા કોઈ’ તો સંબોધન કોને કરે છે છે? ‘અવધૂ’ અવધૂ એટલે અવધૂત. જેને કર્મને, રાગ-દ્વેષને ખંખેરી નાંખ્યા તે અવધૂત છે. તમે બધા અવધૂત છો. બોલો સમય આ બરોબર છે રોજનો કે બદલવો છે? મને કોઈ વાંધો નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *