Mumukshu Vachna | 26-04-20 | Navsari Tapovan

22 Min Read

શુભ, શુભનો વેગ અને શુદ્ધ

સ્વાધ્યાય, જાપ, ભક્તિ – આ બધા શુભયોગો છે. તે-તે શુભયોગમાં જો તમારી તન્મયતા આવી જાય – શુભનો વેગ આવી જાય – તો તેના દ્વારા તમે શુદ્ધને touch કરી શકો છો. શુભમાં માત્ર conscious mind હાજર હોય. શુભના વેગમાં unconscious mind પણ પકડાઈ જાય. અને શુદ્ધમાં તમારું મૂળભૂત સ્વરૂપ પકડાઈ જાય.

તમે પ્રભુનું સામાન્ય દર્શન કરી આવો, એ માત્ર શુભની ઘટના. પણ પ્રભુને જુઓ અને આંખોમાંથી અહોભાવના આંસુ વહે… પ્રભુની વીતરાગદશા, પ્રશમરસ વગેરે ગુણો દેખાય અને મારામાં પણ એ ગુણો છે એવી અનુપ્રેક્ષા થાય – આ શુભનો વેગ. અને એ અનુપ્રેક્ષા એ ગુણોની આંશિક અનુભૂતિમાં પલટાય – એ શુદ્ધ.

એ જ રીતે સ્વાધ્યાય માટે. पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम्. સ્વાધ્યાયમાં પહેલા આનો સામાન્ય શબ્દાર્થ કરશો કે _બહિર્ભાવમાં ન જવું એ મુનિત્વ_. પછી ઊંડી અનુપ્રેક્ષા કરશો કે મારે બહિર્ભાવમાં ક્યાં-ક્યાં અને ક્યારે-ક્યારે જવાનું થાય છે. અને પછી એ અનુપ્રેક્ષાના આધારે તમે બહિર્ભાવમાં જવાના દ્વાર બંધ કરો, એટલે સીધી જ મુનિત્વની અનુભૂતિ! શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ..




નવસારી તપોવન વાચના – 29 [26.4.2020]

સ્થૂળ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને ત્રણ શુભગુપ્તિ. સુક્ષ્મ ચારિત્રાચારમાં ત્રણ શુદ્ધગુપ્તિ.
વચનગુપ્તિની જે સજ્ઝાય છે, અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાયમાં. એની એક સરસ કડી છે. મારી દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ સાધનાસૂત્ર એ છે: ‘અનુભવ રસ આસ્વાદતા, કરતાં આતમ ધ્યાન; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન.’ અનિદાન – જેને કોઈ આશંસા નથી તેવો મુનિ બોલે નહિ. કારણ – જો તમે આત્માનુભૂતિમાં ગયા તો બોલી શકશો જ નહિ. શબ્દો તો તળેટી છે, અનુભૂતિ શિખર છે. શિખર પર એટલી ઠંડક હોય. ઠંડી-ઠંડી હવા વાતી હોય કે નીચે ગરમ-ગરમ તળેટીમાં આવવાનું મન થાય જ નહિ.
અનુભૂતિમાં તમે જો ગયેલા હોવ; તમારા માટે શબ્દ બાધક બની જશે. માત્ર સદ્ગુરુઓ બેલેન્સીંગ કરી શકે છે કે અનુભૂતિના શિખર ઉપર રહેવાનું પણ ચાલુ રહે અને શબ્દોનો ઉપયોગ પણ ચાલુ રહે. એમને તળેટી આવવાનું રહેતું નથી. પણ એ શિખર ઉપર બેઠા-બેઠા શબ્દોનો ઉપયોગ કરી દે છે. આપણી તકલીફ એ છે કે શબ્દોનો ઉપયોગ કરીએ ત્યારે તળેટીએ આવી ગયા. પણ એકવાર અનુભૂતિ તો કરવી જ છે. એનો જે આનંદ છે. ‘Beyond the words’… ‘Beyond the expectation.’.. શબ્દોની પેલે પારનો.. કલ્પનાની પેલે પારનો…
તો આ કડીને આપણે આજે જોઈ લઈએ. પહેલું ચરણ – ‘અનુભવરસ આસ્વાદતા’ પ્રભુનો મુનિ કે પ્રભુની સાધ્વી કેવી હોય? એક જ વાત અનુભૂતિના રસનો આસ્વાદ સતત એને મળ્યા કરતો હોય. તમે સ્વાધ્યાયમાં હોવ, જાપમાં હોવ, ભક્તિમાં હોવ. ભલે શુભયોગો છે પણ એ શુભયોગોમાં તમારી તન્મયતાને મુકીને; તમે શુદ્ધને touch કરવાની કોશિશ કરશો. એટલે તે-તે શુભયોગોમાં તમારી જો તન્મયતા આવી ગઈ તો એ તન્મયતા દ્વારા જ તમે શુદ્ધને touch કરી શકો છો.
આપણી પરંપરા એ છે. શુભ, શુભનો વેગ અને શુદ્ધ. સમાધિશતકની એક સરસ કડી છે: “આતમજ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવથી જોડ” ઉત્તરાર્ધમાં શું કહ્યું? “તો પ્રગટે શુભવાસના; ગુણ અનુભવ કી જોડ.” શુભવાસના એટલે શુભનો વેગ. તમારું મન પૂરેપૂરું એ શુભની અંદર ડૂબેલું હોય અને એમાંથી તમે શુદ્ધમાં જશો એટલે ગુણાનુભૂતિ કરશો. “તો પ્રગટે શુભવાસના; ગુણ અનુભવ કી જોડ.” ‘તો પ્રગટે’ લખે છે. શું કરીએ તો પ્રગટે? ‘આતમ જ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડ’. વચનરતિને છોડવી છે, કાયરતિને છોડવી છે, અને મનને આત્માનુભૂતિ તરફ લઇ જવું છે. બે શબ્દો આવશે અહીંયા – વચનરતિ, વચનાનંદ; કાયરતિ, કાયાનંદ. તમે કંઇક બોલી રહ્યા છો. અને એ શબ્દો દ્વારા તમારી ભીતર અહંકાર સર્જાય છે તો એ વચનરતિ. એ વચનરતિને છોડી દેવાની છે. પણ તમે પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો સાંભળો. અને એ વખતે હૃદયમાં એક ઓચ્છવ, એક જલસો ચાલતો હોય તો વચનાનંદ થઈ ગયો. વાંધો વચનરતિ જોડે છે, વચનાનંદ જોડે નથી. કારણ કે વચનરતિ તમને પરમાં લઇ જશે, વચનાનંદ તમને સ્વમાં લઇ જશે.
એક બહુ મજાની વાત કરું છું. તમારી પાસે પ્રભુના વચનો છે પણ વચનાનંદ નથી! એક આચારાંગસૂત્ર વાંચો. આમ કેફમાં ડૂબી જાઓ.. બીજું સૂત્ર વાંચી ન શકાય! એવો પ્રભુની કરુણાનો સ્પર્શ થાય; તો ડૂબી જાવ પ્રભુના શબ્દના આનંદમાં. એટલે વચન છે વચનાનંદ નથી. એ જ રીતે કાયરતિને છોડવાની વાત કરી છે. ટેસ્ટી ચા પીધી. ટેસ્ટી ભોજન ખાધું. કાયાને રતિભાવ થયો. એ રતિભાવ તમને પરમાં લઇ જશે. એટલે કાયરતિ છોડી દેવાની છે. કાયાનંદ ને વાંધો નથી. તમારી આ જ આંખો દ્વારા તમે પ્રભુનું દર્શન કરો કોઈ વાંધો નથી. તમારું આ જ શરીર પ્રભુએ કહેલી સાધનામાં વ્યાપૃત હોય તો વાંધો નથી. આમાં પણ એ જ છે કે તમારું શરીર પ્રભુએ કહેલી સાધનામાં પરોવાય છે. વ્યાપૃત થાય છે. પણ એ વખતે કાયાનંદ નથી હોતો. કાયરતિ ફટ કરતી થઈ જાય આમ. એક ઠંડી હવાની લહેરકી આવી અને કાયરતિ. તૈયાર જ બેઠી છે. અને કાયાનંદ આવતો નથી. પ્રભુનું દર્શન કર્યું; તો એ જે આનંદ આવવો જોઈએ, એ જે કેફ આવવો જોઈએ. એ કેફ ક્યાં છે?
તો ‘વચન કાયરતિ છોડ’. એટલે એની સામે કહે છે; ‘આતમ જ્ઞાને મન ધરે’. મનને આત્માનુભૂતિ તરફ લઇ જાઓ. ‘તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ’. એટલે શું થયું? વચનાનંદ અને કાયાનંદ એ તમને શુભના વેગમાં લઇ જાય. પ્રભુના વચનો સાંભળતા હતા – એ શુભ. આદરપૂર્વક તમે બેઠાં છો એ રીતે. વંદન કરીને બેઠાં છો અહોભાવપૂર્વક બેઠાં છો. અને પ્રભુના વચનોને સાંભળો છો તો શુભ. પણ એમાં એક તન્મયતા પ્રગટી. ઓહો! મારા ભગવાને આવું કહ્યું છે! ઓહો! મારા ભગવાન સિવાય કોણ આવું કહી શકે? આ એક-એક પ્રભુના શબ્દે-શબ્દે આશ્ચર્ય ઝલકે. આનંદ ઝલકે. તો શુભનો વેગ થઈ ગયો. એ જ રીતે કાયા દ્વારા પ્રભુનું કહેલું કોઇ પણ અનુષ્ઠાન કરો અને એ વખતે મારા પ્રભુએ કહ્યું છે અને હું કરું છું, એ ભાવ આવે. પ્રીતિ અનુષ્ઠાન કે ભક્તિ અનુષ્ઠાન એ થઈ જાય. તો શું થયુ? કાયાનંદ પ્રગટ્યો. તો વચનાનંદ અને કાયાનંદ એ શુભનો વેગ પ્રગટાવે.
અને “આતમ જ્ઞાને મન ધરે” – શુદ્ધમાં પહોંચી ગયા. એટલે શુભ, શુભનો વેગ અને શુદ્ધ આ આપણી આખી પરંપરા છે. માત્ર તમે conscious mind ના સ્તર પર અહોભાવને ભરો છો ને એ શુભ છે, શુભનો વેગ નથી. શુભના વેગ માટે અસ્તિત્વના સ્તરે આનંદ પહોંચવો જોઇશે. આપણે ત્યાં કહ્યું;
“येषामभिषेक-कर्म कृत्वा,
मत्ता हर्ष-भरात् सुखं सुरेन्द्रा: ।
तृणमपि गणयन्ति नैव नाकं”
તો અભિષેકનો આનંદ એટલો અંદર હિલોળા મારતો હોય કે અભિષેકનું કાર્ય પૂરું થઈ ગયું અને એ દેવેન્દ્રો પોતાના વિમાનમાં પહોંચી પણ ગયા પણ ત્યાં એમને પોતાની બધી જ દૈવિક વૃદ્ધિ તણખલાં જેવી લાગે છે! ‘तृणमपि गणयन्ति नैव नाकं’.
હું ઘણીવાર કહું છું મારા પ્રવચનમાં. કે પ્રભુને જોયા અને આવો જ અનુભવ તમને થઈ ગયો. પ્રભુ ગમી ગયા આ હદે. પેલા તો ઈન્દ્ર મહારાજ છે. એમને અવિરતિનો ઉદય છે. હું પ્રવચનમાં કહું; આવો ભાવ આવે તો અમારી પાસે આવી જવાનું, ઓઘો આપી દઈશ. પછી ભગવાનનો સાથ ક્યારેય છૂટે જ નહિ!
તો આ ‘અનુભવ રસ આસ્વાદ’. અનુભૂતિના રસનો એક આસ્વાદ…. વચનાનંદની પણ અનુભૂતિ.. કાયાનંદની પણ અનુભૂતિ.. અને એમાંથી પછી આપણે જવું છે આત્મગુણોની અનુભૂતિમાં – ક્રમ આ છે. પહેલા ભલે પ્રભુના શબ્દોની અંદર આનંદ કરો વાંધો નથી. શુભના વેગ માટે વાંધો નથી. શબ્દો છે એટલે પૌદ્ગલિક ઘટના છે યાદ રાખો. શુદ્ધ ક્યારે મળે? તમે તમારામાં હોવ ત્યારે જ. નહીતર નહિ. તો ભલે વચનાનંદમાં શુદ્ધ નથી, શુભનો વેગ પકડાઈ જાય. ઓહ! મારા ભગવાનના વચનો! મારા પ્રભુએ આવું કહ્યું છે! એકદમ અહોભાવ ઉછળતો હોય. આંખમાંથી આંસુ ઝરતા હોય. ત્યારે શું થયું? તમારો એ આનંદ conscious mind ના લેવલને વટાવી unconscious સુધી પહોંચી જાય. એટલે શુભના વેગની અંદર આનંદ જે છે એ માત્ર conscious mind ના લેવલ ઉપર રહેવો ન જોઈએ, શુભમાં conscious mind, શુભના વેગની અંદર તમારું unconscious mind પણ પકડાઈ જાય. અને શુદ્ધના વેગમાં તમારું મૂળભૂત સ્વરૂપ પકડાઈ જાય.
હવે આપણને ખ્યાલ છે. કોઇ પણ શુભ, શુભ ક્યારે રહે? શુદ્ધ તરફ તમને લઇ જાય તો. એટલે તમારી જાતને તમારે પૂછવાનું કે હું ક્યાં છું? શુભમાં છું? શુભના વેગમાં છું? કે શુદ્ધમાં છું? અને શુદ્ધ તરફની ગતિ ચાલુ ન થઈ હોય તો માનવું પડે કે શુભાભાસમાં છીએ. શુભ એટલે પણ અપેક્ષાએ શુદ્ધ તરફની યાત્રાનો પ્રારંભ તો થઈ જ ગયો. ભલે પગથિયું જ છે. પહેલું પગથિયું. ત્રીજા પગથિયે શુદ્ધ છે. પહેલા પગથિયે શુભ, બીજા પગથિયે શુભનો વેગ, ત્રીજા પગથિયે શુદ્ધ.
તો શુભમાં ગયા એટલે શુદ્ધ તરફની યાત્રા ચાલુ થઈ ગઈ. શુભના વેગમાં ગયા એટલે અધવચ્ચે પહોંચી ગયા. પછી શુદ્ધમાં. તો મને તો પ્રભુની આ સાધનાપદ્ધતિ ઉપર એટલો બધો અહોભાવ આવે છે કે આટલી સરસ પરંપરા બીજે ક્યાંય જોવા ન મળે. અહોભાવને વધારે એવી સિસ્ટમ કેટલી બધી આપણે ત્યાં છે? પ્રભુનું દર્શન કરો, ભક્તિ કરો, સ્તવના કરો, ભક્તિની ધારામાં જાવ. સંતોની સેવા કરો; ભક્તિની ધારામાં જાવ. તો એ રીતે ભક્તિની ધારા આપણને આપીને શુભ એવું પકડાવી દીધું. હવે તો તમારે એને ઘૂંટવાનું. ઘૂંટો એટલે શુભનો વેગ. આગળ ગયા એટલે શુદ્ધ.
એટલે પ્રભુના દર્શનમાં; અત્યારે આપણે દર્શન કરીએ છીએ એ શુભની ઘટના છે. જઈ આવ્યા. દર્શન કરી આવ્યા. બહુ હોય તો કદાચ conscious mind હાજર હોય. એ એ લાગ આવે તો ન હોય ક્યારેક. હમણાં સારું છે, કોઈ આવતું જતું નથી એટલે. નહીતર સવારે ફોન આવ્યો હોય કે હું આવવાનો છું નવ વાગે, તો જાય દેરાસરે અને મનમાં પેલું હોય, નવ વાગે પેલો આવવાનો છે. અત્યારે કરો છો એ દર્શનમાં કદાચ શુભ પકડાય. શુભનો વેગ ક્યારે પકડાય? પ્રભુને જુઓને આંખમાંથી આંસુની ધારા વહે. મારા ભગવાન છે? મારા ભગવાન આટલા સરસ છે! મને વિતરાગદશાનો ખ્યાલ નથી આવ્યો. તો ખ્યાલ આવ્યો; તો વિતરાગદશાની અનુપ્રેક્ષા કરે છે. તો શુભના વેગમાં અહોભાવ superb બને છે. અને કદાચ તમે વિતરાગદશાની કે પ્રશમરસની અનુપ્રેક્ષા પણ કરી શકો છો. એ અનુપ્રેક્ષા અનુભૂતિમાં પલટાય એ શુદ્ધ. અનુપ્રેક્ષા સુધી શુભનો વેગ માની શકાય. સામાન્ય સ્વાધ્યાય કરો એ શુભ. અનુપ્રેક્ષા કરો એ શુભનો વેગ. અને એ શબ્દોમાં જે કહ્યું છે એની અનુભૂતિ તમે કરો એ શુદ્ધ.
એટલે આપણે ત્યાં સ્વાધ્યાયનો ક્રમ આ જ છે. શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. પહેલા સામાન્ય શબ્દોનો અર્થ કરી લો. ‘पुद्गलेष्व प्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम्’. સામાન્ય શબ્દાર્થ કર્યો – બહિર્ભાવમાં ન જવું એ મુનિત્વ. હવે અર્થાનુપ્રેક્ષા ચાલુ થશે. અર્થાનુપ્રેક્ષા જે છે ને, એ અનુભૂતિની પૂર્વભૂમિકા છે. એટલે મારે આ મુનિત્વનો અનુભવ કરવો હોય તો મારે શું કરવું જોઈએ? એની અનુપ્રેક્ષા ત્યાં ચાલે છે. આપણે અત્યાર સુધી અનુપ્રેક્ષા એ જ કરી. શાસ્ત્રોનું વચન છે. અનુભૂતિમાં જવું નથી, અનુપ્રેક્ષા કરો; પણ એવી અનુપ્રેક્ષા કરી કે જેના કારણે લોકો સામે આપણે presentation કરી શકીએ અનુપ્રેક્ષાનું! અત્યાર સુધી અનુપ્રેક્ષાઓ presentation માટે જ થઇ છે! અનુભૂતિ માટે નથી થઇ!
તો હવે અર્થાનુપ્રેક્ષામાં એ આવશે કે મારે બહિર્ભાવની અપ્રવૃત્તિમાં જવું છે. તો એના માટે મારે શું કરવું જોઈએ? તો બહિર્ભાવમાં ક્યાં-ક્યાં જાઉં છું? ક્યારે-ક્યારે જાઉં છું? બારી-બારણા બધા બંધ કરી દઈએ. બહિર્ભાવમાં હું જાઉં છું ક્યાં ક્યાં? ખાવાનું-પીવાનું કંઇ વાંધો નથી. રાગ-દ્વેષ-અહંકાર એ બહિર્ભાવ છે / પરભાવ છે, એમાં તમારે જવાનું નથી.
જેમ દાખલા તરીકે, ભગવાને આ white and white આપણને કપડાં આપી દીધા એટલે શું થયું કે વસ્ત્રોના વિષયમાં પરભાવમાં જવાનું દ્વાર બંધ થઈ ગયું. એમ કોઈ મહાત્મા આયંબિલ કરે છે, આયંબિલમાં બે જ દ્રવ્યો વાપરવા છે. અને એ પણ નિર્દોષ રોટલી લઇ આવવાની. ચણા મળે તો ચણા. રોટલી અને ચણા બે ખાઈ લેવાનું. બીજું કોઈ મળે તો પણ વાપરવાનું નહિ. તો આવી રીતે એ આયંબિલ કરે તો શું થઈ જાય કે ભોજનની આસક્તિમાં પણ પરભાવમાં જવાનું બંધ થઈ ગયું.
તો આ રીતે તમે નક્કી કરો કે ક્યાં-ક્યાં હું પરભાવમાં જાઉં છું. તમે કોઈને મળો છો. અને એ તમને બહુ સારા માને છે. અને એના કારણે તમારા મનમાં અહંકાર આવતો હોય, તમે એને પણ બંધ કરી શકો. એટલે અનુપ્રેક્ષા એ કરો કે બહિર્ભાવમાં તમે ક્યાં-ક્યાં અને ક્યારે-ક્યારે જાવ છો. અને એના દ્વાર તમે બંધ કરવાનું નક્કી કરો તો સીધું જ તમે મુનિત્વમાં આવી જાઓ. મુનિત્વની અનુભૂતિ. અનુભૂતિ કોઈ દૂરની ઘટના નથી. તમારે તમારો જ અનુભવ કરવાનો છે.
બોલો પોતાનો અનુભવ સહેલો કે પરનો અનુભવ સહેલો? પોતાના ઘરમાં રહેવું સારું કે બીજાના ઘરમાં રહેવું? મહેમાન તરીકે કેટલા દિવસ રોકાવાય? આપણે ત્યાં ભાષામાં દુહો છે. પહેલા દિવસે પરોણો. મહેમાન આવે ને, પહેલા દિવસે પરોણો. બીજા દિવસે પાઈ. પછી એની કિંમત પાઈ જેટલી થઈ ગઈ. ત્રીજા દિવસે રહે એની અક્કલ ગઈ. મારવાડીમાં એક સરસ કહેવત છે. સાંજનો ટાઈમ હોય અને પેલો કહે હવે હું જાઉં છું ઘરે. બપોરના જમી લીધું હોય એના ત્યાં. જજમાનના ત્યાં. મહેમાન કહે જાઉં છે. તો શું કહે? રહે તો થારો ઘર હે, નહિ તો દાડો પોર હે. રહે તો થારો ઘર હે. જવું હોય તોય વાંધો નહિ. નહિ તો દાડો પોર હે. તારા ગામ પહોંચી જઈશ સુર્યાસ્ત પહેલા.
આપણે પરના ઘરમાં કેટલો સમય રહીશું? તો ‘અનુભવ રસ આસ્વાદતા’. આ અનુભૂતિ. આ મુનિત્વની પણ અનુભૂતિ. પછી તમારા ચહેરા ઉપર એક સપ્રાણતા દેખાય. અને ભગવતીસૂત્રમાં એક વરસના દીક્ષા પર્યાયે ચિત્તની કાંતિની વાત કરી ને એ તમારા ચહેરા ઉપર પ્રતિબિંબિત થાય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સરસ પદ આપ્યું છે. ચિત્તઋજુતા અને કાયઋજુતા. તો પહેલી વાર વાંચ્યું તો વિચારમાં પડી ગયો. ચિત્તની ઋજુતા તો બરોબર છે. કોઈનું ચિત્ત એકદમ સરળ છે તો ચિત્તની ઋજુતા મળી. કાયાની ઋજુતા શું? તમારું ચિત્ત જ્યારે ઋજુ હોય છે ત્યારે તમારી કાયા જે છે એમાં ફેરફાર થઈ જાય છે. તમારું ફેસિયલ એક્સપ્રેશન જે છે એ બદલાઈ જાય છે આખું. તમારા મનમાં દંભ છે. તમે ચહેરો એ બતાવવા માંગો છો કે તમે નમ્ર માણસ છો. પણ છતાં માસ્કને, બુરખાને કાયમ રાખી શકાતો નથી. બુદ્ધિશાળી માણસ તમારા માસ્કને ચીરીને તમારો અસલ ચહેરો જોઈ લેશે. એટલે ચિત્તની ઋજુતા આવી તો કાયાની ઋજુતા આવી. પછી એકદમ સરળતા તમને લાગે. ગુરુઓ જે ફેસ રીડિંગ કરે એ આ જ કરતા હોય છે. તમારો ચહેરો જોઇને ખ્યાલ આવી જાય, તમે ક્યાં છો.
ઝેન ગુરુઓ તો એમની પાસે સાધક આવે અને પૂછે; what’s your original face? What’s your original face? આ નમ્રતાનો બુરખો પહેરીને તું આવ્યો છે તું મારી જોડે. આમ-આમ કરે છે.. What’s your original face? તારો મૂળભૂત ચહેરો શું છે બતાવ?
ગુરુ પાસે ઘણીવાર ગયા. કદાચ નિરપેક્ષ ભાવે ક્યારેય પણ નથી ગયા. એટલે જ પંચસૂત્રમાં ગુરુની સસંગ પ્રતિપત્તિની ના પાડી. સાપેક્ષ સેવા. હું ગુરુની સેવા કરું ને, ગુરુ મને આમ કરે. Even એક સ્મિતની પણ અપેક્ષા રાખો, તો પણ સમર્પણ નથી! ગુરુએ શું કરવું, એ ગુરુ તરફ ખુલતી વાત છે. તમારે શું કરવું? તમારે સમર્પિત થઈ જવાનું છે.
એક ઝેન કથા છે. એક શિષ્ય આવ્યો ગુરુ પાસે. ગુરુએ ત્રણ દિવસ તો એની સામે જોયું પણ નહિ. સાધક હતો. ગુરુ પાસે આવ્યો છે. ત્રણ દિવસ સુધી સામે જોયું નથી! પેલો અકળાઈ ગયો. સાહેબ! ત્રણ-ત્રણ દિવસથી તમારી જોડે આવ્યો છું. તમે કંઇ ધ્યાન પણ નથી આપતા મારા ઉપર? જોતા પણ નથી મને? ગુરુ કહે; જો મારી વાત કહું પહેલા. સાંભળ પહેલાં. હું મારા ગુરુ પાસે આવ્યો ને, મને એમણે દીક્ષા આપી. પછી ત્રણ વરસ સુધી ગુરુએ મારી સામે જોયું નહતું. ચોથું વરસ મારું દીક્ષાનું શરૂ થયું. ત્યારે મારી સામે જોયું. સહેજ સ્મિત આપ્યું. બસ, પછી બીજા ત્રણ વરસ ગયા. એટલે છ વરસ પુરા થયા મારા દીક્ષા પર્યાયને ત્યારે એક વખત બોલાવ્યો, બેટા કેમ છે તું? શિષ્ય થવું બહુ અઘરું છે હો!
પેલા ભરવાડને પૂછ્યું હતું ને કે ગુરુ થવું છે કે શિષ્ય? તો કહે કે શિષ્ય થવામાં શું કરવાનું? તો કહે; કામકાજ કરે, બધા ભણે-ગણે. અને ગુરુને? ગુરુએ ગાદી ઉપર બેસી રહેવાનું. તો આપણે ગુરુ જ થવું છે. Actually ગુરુ થવું પણ અઘરું છે. શિષ્ય થવું પણ અઘરું છે. ગુરુની એક જવાબદારી આવી જાય છે. યોગ અને ક્ષેમની. એ તમારા ઉપર યોગ અને ક્ષેમ કરી શકે એમ હોય તો જ તમને સ્વીકારે નહિતર સ્વીકારે નહિ. અને શિષ્યની પાસે જોઈએ સંપૂર્ણ સમર્પણ. સાધના ગુર્વાયત છે. પૂરી સાધના ગુરુને અધીન છે. હવે સાધના તમને ક્યારે મળે? તમે ગુરુને અધીન થાઓ ત્યારે. તમે તમારા મનને અધીન હોય તો સાધના નહિ મળે. આ જ પ્રભુની સાધના કેટલા જન્મોમાં કરી? રીઝલ્ટ નહિ મળ્યું. કેમ નહિ મળ્યું? સદ્ગુરુ કહે એ રીતે સાધના કરી નહિ. સદ્ગુરુને પૂર્ણતયા સમર્પિત થયા નહિ. એટલે બે વસ્તુ જય વીયરાયમાં લખી. સુહગુરુજોગો, તવ્વયણ સેવણા. સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછી એમનું જે વચન નીકળે એ જ તમારી સાધના.
શિષ્યની વાત આવે છે. ગુરુએ એને સાધના આપી. અને એને કહ્યું; કે ગામથી દુર કોઈ જંગલમાં મંદિર જેવુ હોય ત્યાં તારે રહેવાનું. જ્યાં કોઈ આવતું જતું ન હોય. એક ટાઈમના જમવાની વ્યવસ્થા તારે કરાવી દેવાની. બાકી ૨૪ કલાક આ સાધનાને તારે ઘૂંટવાની. દસ વરસ સુધી એ સાધકે એકાંતમાં, નીકાંત-એકાંતમાં સાધનાને ઘૂંટી. હવે એને થયું કે મારી સાધના કદાચ બરોબર થઈ ગઈ છે. એટલે ગુરુ પાસે આવે છે. સાધના જગતમાં છે ને મોટામાં મોટું ભયસ્થાન આ છે કે તમે તમારી સાધનાનું અતિમૂલ્યાંકન કરો, હોય એના કરતા વધારે ચડિયાતી તમે મૂકી દો. ગુરુ પાસે આવે છે. ગુરુએ એનો ચહેરો જોયો. બે વાત ગુરુ પામી ગયા કે હજુ એ પામ્યો નથી પણ પોતે એવું માને છે કે હું પામી ગયો છું. બે વાત દેખાઈ ગઈ – એ પામ્યો નથી એ વાત પણ ખ્યાલ આવી ગયો, અને એને પોતાને એક ભ્રમ થઈ ગયો છે કે હું પામી ગયો છું, એ પણ ખ્યાલ આવી ગયો.
શિષ્ય ગુરુના ચરણોમાં પડ્યો. ત્યારે ગુરુએ કહ્યું; તું એમ માને છે કે સાધના મારી પૂરી થઈ ગઈ. અરે, પૂરી નથી થઈ. એક ઝરણુંએ ચાલુ થયું નથી. નાનકડી હોડીએ અંદર વહી શકે એમ નથી. જા પાછો. બીજા ૧૦ વરસ સાધના કરી. હવે લાગ્યું હવે તો બરોબર હોઈશ જ. ગુરુ પાસે આવ્યો. ગુરુએ એના ચહેરાને જોયો. અને કહી દીધું. ઝરણું તૈયાર થયું છે, નાની હોડી એમાં વહી શકશે. પણ તું એમ માને છે કે સ્ટીમર તરે એવો દરિયો થઈ ગયો છે. એ વાત ખોટી છે. દરિયો નથી થયો હજી. આત્માનુભૂતિનું એક ઝરણું ચાલુ થયું છે. પણ આત્માનુભૂતિનો જે વિરાટ સમંદર જોઈએ તારી ભીતર એ હજુ નથી. જા પાછો. ફરી ૧૦ વરસ! અને ૩૦ વરસની સાધનાને અંતે જ્યારે ગુરુની પાસે આવે છે ત્યારે ગુરુ આસન પરથી ઉભા થાય છે, અને એને બાહોમાં સમાવી લે છે.
સાધના ગુરુને અધીન છે. અને શિષ્ય ગુરુને અધીન ન હોય તો એને સાધના ક્યાંથી મળે બોલો? આપણે છે ને સાધના કરી પણ કેવી કરી? આપણા મનને ગમતી હતી એ. સાધના કઈ કરી? તમે કઈ રીતે યોગ નક્કી કરો? કે સ્વાધ્યાય મારો યોગ છે. કે આ જ મારો યોગ છે?
હું ઘણીવાર કહું છું કે એક સાધક નક્કી કરે કે સ્વાધ્યાય એ મારો યોગ છે. અને સ્વાધ્યાયમાં હું જાઉં છું. નહિ ખોટી વાત છે. એણે સદ્ગુરુને પૂછવું જોઈએ. કારણ? એના મનમાં બીજી વાત બેઠેલી હોય તો? સ્વાધ્યાય શીલ સાધુ હોય, વિદ્વાન સાધુ હોય એની સમાજમાં બહુ કદર થાય છે. માટે હું બહુ ભણી જાઉં, બહુ ગણી જાઉં, વિદ્વાન બની જાઉં. આમાં કર્યું શું એણે? આ સ્વાધ્યાય યોગ એના માટે નકામો છે. ગુરુ એને આપે તો એ યોગ સાચો.
એટલે સાધના ગુરુને અધીન છે. તમારે ગુરુને અધીન રહેવાનું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *