Mumukshu Vachna | 24-05-20 | Navsari Tapovan

16 Min Read

વીર્યાચાર – રૂપાતીત ધ્યાન

રૂપાતીત ધ્યાન એટલે સિદ્ધાવસ્થામાં બિરાજમાન પરમાત્માનું ધ્યાન. ત્યાં કોઈ રૂપની વાત નથી; માત્ર ગુણો અને આત્માનુ નિર્મલ ચૈતન્ય પકડવું છે. તાકું ધ્યાવત તિહાં સમાવે – એ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તમે કરો, તો થોડીક ક્ષણો માટે તમારી ચેતના સિદ્ધ ભગવંતની ચેતના જોડે અભેદાનુભૂતિવાળી થાય.

અરિહંત પ્રભુ કે સિદ્ધ પ્રભુની સાથે અભેદાનુભૂતિનો માર્ગ એક જ છે કે એમની પાસે જે ગુણ છે એની આંશિક અનુભૂતિ તમારી પાસે આવે. તમારી પાસે એ ગુણની અનુભૂતિનું ઝરણું હોય અને પ્રભુ એ ગુણનો દરિયો છે. ઝરણું દરિયામાં મળી જાય; મિલન થઇ જાય!

આપણે ચાર ઘાતી કર્મો ના ક્ષયોપશમથી / ક્ષયથી ઉત્પન્ન થતા અનંત જ્ઞાન, અનંત દર્શન વગેરે ગુણોને લઈશું. એ ગુણોનો માત્ર સ્વાધ્યાય કે વિચાર એ તો અનુપ્રેક્ષા ગણાય. પણ અનુપ્રેક્ષાની પૃષ્ઠભૂમિકા ઉપર એ ગુણોની આંશિક ઝલક, આંશિક અનુભૂતિ આપણામાં આવે, તો રૂપાતીત ધ્યાન થયું કહેવાય..




નવસારી તપોવન વાચના – 51 [24.5.2020]

રૂપસ્થ, પદસ્થ અને પિંડસ્થ ત્રણ ધ્યાન આપણે જોયા, કે મેં જોયા? ઉપનિષદનો મંત્ર છે ને, ‘सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ।’ ‘सह नौ भुनक्तु ।’ – આપણે સાથે સ્વાધ્યાય કરીએ. ‘सह वीर्यं करवावहै’ – ગુરુ અને શિષ્ય સાધનામાર્ગમાં સાથે ચાલે.
છેલ્લું ધ્યાન છે રૂપાતીત ધ્યાન. સિદ્ધાવસ્થામાં બિરાજમાન પરમાત્માનું ધ્યાન. ત્યાં રૂપ નથી, માત્ર ગુણો અને આત્માનુ નિર્મલ ચૈતન્ય પકડાવવું જોઈએ. એટલે એની કડી આવી; ‘રૂપ રેખ જામે નવિ કોઈ, અષ્ટગુણા કરી શિવસુખ સોઈ; તાકું ધ્યાવત તિહાં સમાવે, તે રૂપાતીત ધ્યાન કહેવાય’ સિદ્ધ ભગવંતોનું ધ્યાન. શું કહે છે ઉત્તરાર્ધમાં? તાકું ધ્યાવત તિહાં સમાવે – એ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તમે કરો તો, થોડીક ક્ષણો માટે તમારી ચેતના સિદ્ધ ભગવંતની ચેતના જોડે અભેદાનુભૂતિવાળી થાય.
આપણે ત્યાં બે જાતની અભેદાનુભૂતિ બતાવી. એક શાશ્વતકાળ માટેની અને બીજી થોડાક સમય માટેની. અત્યારે આપણે અભેદાનુભૂતિ થોડો સમય માટે ધ્યાનમાં જઈને કરી શકીએ. તમારા ગુરુ મહારાજે પણ એક પ્રવચનમાં, એક પુસ્તકમાં પણ સરસ વાત લખી છે; ‘હું જ અરિહંત, હું જ સિદ્ધ, હું જ આચાર્ય. હું જ ઉપાધ્યાય, હું જ મુનિ – આ ધ્યાન અવસ્થા છે.
એક ગ્રહસ્થ પણ ભાવદીક્ષિત હોય જ. અને એ મુનિત્વના ધ્યાનમાં આવી જાય તો, મુનિત્વના આનંદની આંશિક ઝલક એને મળી શકે. એમ રૂપાતીત ધ્યાનમાં સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરવું છે.
તો ધ્યાન કઈ રીતે કરશો? ભગવાન અરૂપી છે, સિદ્ધ ભગવાન. ‘રૂપ રેખ જામે નવિ કોઈ, અષ્ટગુણા કરી શિવસુખ સોઈ’ – આઠ ગુણ એમાં જ્યારે ઉમેરાય છે ત્યારે મુક્તિનું સુખ પ્રાપ્ત થાય છે. હવે કડી આટલી જ છે, ‘તાકું ધ્યાવત તિહાં સમાવે’ – એ ગુણોનું ધ્યાન કરતાં કરતાં તમે એ ગુણની અનુભૂતિની ધારામાં જોડાઈને સિદ્ધ ભગવંતો સાથે અભેદાનુભૂતિ કરી શકો. એટલે અરિહંત પ્રભુ કે સિદ્ધ પ્રભુની સાથે અભેદાનુભૂતિનો માર્ગ એક જ છે કે એમની પાસે જે ગુણ છે એની આંશિક અનુભૂતિ તમારી પાસે આવે. એ ગુણની અનુભૂતિનું ઝરણું તમારી પાસે છે. દરિયો પ્રભુ છે. ઝરણું દરિયામાં મળી જાય; મિલન થઇ જાય. પણ ઝરણું કે નદી જ દરિયામાં મળે.અને મળે એટલે વિલીન થઇ જાય. પથરાને અંદર નાંખો તો?
એટલે શબ્દ પથ્થર છે. વિચાર પથ્થર છે. પરમચેતનામાં એ ઓગળશે નહિ જ. પરમચેતનાની અંદર ઓગળવું હોય તો, માત્ર તમે only you જોઈએ. Not your words. Not your thoughts. માત્ર તમે. તમે અનુભૂતિ રૂપ જ છો! શબ્દ તમારું સ્વરૂપ નથી. વિચાર તમારું સ્વરૂપ નથી. રૂપસ્થ ધ્યાનમાં આપણે ક્રોધ વિગેરેને જોઈએ ને ત્યારે પણ વાત એ જ વિચારવાની કે આ મારો સ્વભાવ નથી. વિભાવ છે. અને વિભાવના પાંજરામાંથી છૂટીને, સ્વભાવના મુક્ત ગગનમાં મારે ઉડવું છે. એટલે વિભાવ, વિભાવરૂપે લાગવો જોઈએ. હા, મને ક્રોધ આવી ગયો, એમ ન ચાલે. ક્રોધ ખરેખર વિભાવ છે એમ લાગ્યું?
એક શિષ્યએ ગુરને કહેલું; સાહેબ! શું કરું? મારો સ્વાભવ ક્રોધીલો છે. ગુરુ મજાના હતા. અચ્છા, અચ્છા, અચ્છા તારો સ્વભાવ ક્રોધીલો છે એમ? તો એક કામ કરીએ આપણે, હું બોલું છું; વન, ટુ, થ્રી, એ થ્રી બોલું ને ત્યારે તારો ગુસ્સો ચાલુ થઇ જવો જોઈએ. સાહેબ એમ તો કેમ ચાલુ થાય? કેમ સ્વભાવ છે ને તારો! પાણીનો સ્વભાવ ઠંડું – ઠંડું રહેવાનો છે. એ ચુલા ઉપર મુકો તો ગરમ થશે. પાછું નીચે ઉતારશો તો ઠંડું થવા માંડશે. કારણ કે સ્વભાવ છે. અને તારો સ્વભાવ ક્રોધ હોય તો સ્વભાવ ક્યાં જાય એ તો કહે મને. ગુરુએ કહ્યું; એ સ્વભાવ નથી, વિભાવ છે.
એટલે ઊંડાણથી આપણે સાધના કરશું ને, તો વિભાવને કાઢવા એ મોટી વાત નથી. અને નહિતર વિભાવો અનંતા જન્મોથી તમારા ઘરનો કબજો કરીને બેઠેલા છે અને હજી કેટલા જન્મ સુધી કબજો કરીને રાખશે ખબર નહિ પડે.
એક પાદરી મહાશય હતાં. રસ્તામાં ચાલતા હતા. એક માણસ ગામમાં એ પાદરીનો વિરોધી. જ્યાં જોયું કે પાદરી છે અને એકલા છે. એક તમાચ ડાબા ગાલ ઉપટ ઠોકી દીધી પેલાએ. હવે? બાઈબલમાં તો લખ્યું છે; કે તારા ડાબા ગાળ ઉપર કોઈ તમાચ મારે, તો જમણું ગાલ ધરજે. એટલે હવે બીજું તો શું કરી શકાય? પેલાએ જમણા ગાલ ઉપર પણ ઠોકી દીધી. અને પછી પાદરીએ કોટ-બોટ કાઢી નાંખ્યો. આવી જા હવે, કહે છે! હવે બાઈબલમાં લખેલું જ યાદ રાખવું છે. ડાબા ગાલ પર તમાચો ઠોકયો પણ શું કરું? ઈશુ ભગવાનનું વચન હતું, જમણો ગાલ ધરજે. તો બેય પતી ગયા. બાઈબલ પૂરું થઇ ગયું. હવે આવી જા.!
કેટલી વાર રવિવારના પ્રવચનોમાં આ પાદરી આ વાત બોલેલા પણ હશે. બોલવાથી શું થાય પણ? ક્રોધ ખરેખર ખરાબ લાગતો નથી. તો તમાચ ખાધી તો મળ્યું શું એણે ? તમાચ ખાધા પછી જો એને ક્ષમાભાવ મળ્યો હોત તો આપણે માનત કે ખરેખર એને કંઈક મળ્યું.
ઈશુની વાત આપણે કરીએ તો, વધસ્તંભ ઉપર જ્યારે એમને જડવામાં આવેલા છે. કેટલી કરુણા છે! “પ્રભુ! આ લોકોને ખ્યાલ નથી શું કરી રહ્યા છે. તું એમને માફ કરજે.” ક્યારેક ક્યારેક વિચારીએ તો લાગે કે where are we? આપણે ક્યાં છીએ? કરુણા હોય, મૈત્રીભાવ હોય, કોઈ પણ બાબત હોય આપણે ક્યાં છીએ? આટલું અદ્ભુત પ્રભુનું શાસન મળ્યું. અને પ્રભુની સાધના માટે તો હું વારંવાર કહું છું કે આવી સાધના દુનિયામાં ક્યાંય નથી. આવી શ્રેષ્ઠતમ સાધના મળ્યા પછી પણ આપણે અટવાઈ કેમ ગયા?
અનુપ્રેક્ષા મૂળગામિની નથી. અને મૂળગામિની અનુપ્રેક્ષા ન થાય ત્યાં સુધી અનુભૂતિનો સવાલ આવતો જ નથી. એટલે મૂળગામિની અનુપ્રેક્ષા તમારે કરવી છે ને? તો પહેલો જ point એક – કે વિભાવને શાસ્ત્રોએ મારું સ્વરૂપ નથી કહ્યું. સ્વભાવને મારું સ્વરૂપ કહ્યું છે. પણ ફરક શું પડે છે? હું વિભાવમાં રહું તો મને પીડાનો અનુભવ થાય છે? આનંદ દરેક વ્યક્તિને જોઈએ જ છે. તો વિભાવની પીડા તમને જ્યાં સુધી નહિ સમજાય, તમે વિભાવને છોડવાના નથી.
એટલે વિભાવ દ્વારા તમને પીડા થાય છે એવો ખ્યાલ તમને ક્યારેય આવ્યો છે? અને એ પણ આગલા જનમની વાત નથી કરતો, કર્મબંધની વાત પણ નથી કરતો. સંક્લેશ જે પેદા થાય છે મનમાં એની વાત કરું છું. કોઈ વ્યક્તિ છે. એ એની રીતે ચાલે છે. તમને એનામાં દોષો દેખાય છે. તમે બળો છો. એનું પુણ્ય એવું છે કે તમે એને કહી શકતા નથી. કહો તો તમારી વાત માને એમ નથી. તમારું પુણ્ય નથી. અને એ વખતે તમે મનમાં બળો છો. આ સાલો આવો છે. આ સાલો આવો છે. આ સાલો આવો છે. હવે એ વિચારવાથી, આ ક્રોધમાં જવાથી તમને શું મળ્યું એ કહો? ચાલો સુખ તો નથી મળતું. પીડા મળે છે ખરી? પીડા દેખાય છે? પીડા દેખાય તો ક્રોધ છૂટી જાય. સીધી વાત છે.
એ જ રીતે રાગમાં પીડા ખ્યાલ આવે છે? એક વસ્તુ તમને ગમી. મળી પણ ગઈ કદાચ. એને સાચવવાની ચિંતા. ક્યાંક કોઈ ઉઠાવી ગયું, તો પીડાનો પાર નહી. અને એકદમ સંસારી માણસ હોય એને મનગમતી બધી વસ્તુઓ મળવાની પણ નથી. હવે બીજાની પાસે રહેલ સમૃદ્ધિ જોઇને બળવાનો છે. તો રાગદશા પણ પીડા જ આપે છે.
અહંકાર દ્વારા પણ પીડા જ મળે છે. કારણ સમજાવું. અહંકાર છે ને બે ધારી તલવાર છે. પેન્ડુલમ જેમ આમથી આમ જાય ને, એમ અહંકારનું પેન્ડુલમ રતિભાવ અને અરતિભાવમાં સરકતું હોય છે. હવે શું થાય – કો;કે કહ્યું; તમે બહુ સરસ બોલ્યા. રતિભાવ તરફ પેન્ડુલમ ગયું. કો;કે કહ્યું; આજે તો મજા જ નહિ આવી કંઈ. શું તમારું પ્રવચન હતું, ધડ-માથું કંઈ સમજાય નહિ. હવે તો વિચાર એ કરો, કે તમારા અહંકારનું કોઈ સ્ટેટસ ખરું એમ? સામાન્ય માણસ એ તમારા અહંકારનો કચ્ચરઘાણ વાળી નાંખે છે. એ અહંકારનું મૂલ્ય શું?
તો વિભાવની પીડા જે છે એ સમજાય છે? ને વિભાવની પીડા સમજાઈ હોય તો વિભાવને જતાં વાર લાગે નહિ! એના માટે શું થાય પછી? ઘટના અપ્રભાવિતતા… ઘટી ગઈ તો ઘટી ગઈ. જવા દો. એ પર્યાય વીતી ગયો.
અમદાવાદમાં ટાઉન હોલમાં એક સંગીતનો કાર્યક્રમ હતો. સાંજના સાતેક આજુબાજુ. સંગીતકાર બહુ જ ઉંચી કક્ષાના હતા. અને સાંભળનારાઓ પણ સોબર ઓડિઅન્સ તરીકે આવેલાં. તો ટાઉન હોલ હતો, ભાડે વારંવાર અપાયા કરતો હતો. સાત વાગ્યાનો ટાઈમ હતો આ લોકોનો. સંગીતકાર આવી ગયા. આર્ટીસ્ટો આવી ગયા મંચ ઉપર, એમને ટુનટુન શરૂ પણ કરી નાંખી. પણ આગળનો કાર્યક્રમ જે હતો ને, એ કોઈ સમાજનો હતો, બખાળીયા લોકોનો. એટલે એ લોકો ખુરશી ખાલી ન કરે. ખાલી કરતાં કરતાં એટલા જોર – જોરથી બરાડા પાડતાં હોય. પા કલાક સુધી એમનું બરાડા-તોફાન રહ્યું. પા કલાકે શાંતિ થઇ. પણ હવે થયું એવું કે બધા શ્રોતાઓનું મન થોડું અપસેટ થઇ ગયું. એકદમ શાંતિથી સાંભળવા આવેલા. આ ઘોંઘાટ, ઘોંઘાટ, ઘોંઘાટ. પણ સંગીતકાર બહુ સૂઝવાળા હતાં. એમણે કહ્યું; ‘જબ હમારે મન મેં ગ્લાની પેદા હોતી હૈ તબ હમ રાગ સોહિની કે આરોહ મેં જાતે હૈ. તો અભી હમ રાગ સોહિની મેં જાયેંગે.’ એટલે સોહિની રાગ શરૂ કર્યો. Audience આખું પ્રસન્ન.
ઘટનાઓ ઉપર તમારો અધિકાર નથી. પણ ઘટનામાંથી બહાર કેમ નીકળવું, એના ઉપર તમારો અધિકાર છે ને. સાધકને કોઈ પણ ઘટના ક્યારે પણ પ્રભાવિત ન કરી શકે. અને કોઈ પણ ઘટના ક્યારેય પણ પ્રભાવિત કરતી હોય તો એ સાધક નથી. હા, એકમાત્ર કોરોનાના લયની ઘટના પ્રભાવિત કરી શકે. આપણું હૃદય સંવેદનશીલ છે. તો અત્યારે આપણે પેપર વાંચીએ તો આપણું હ્રદય બળી ઉઠે. આપણું હૃદય ભીનું પણ થઇ જાય. એ ઘટનાથી કદાચ પ્રભાવિત થઈએ આપણે, પણ એ સિવાયની કોઈ પણ ઘટનાથી આપણે પ્રભાવિત થવાનું નથી.
તો ‘તાકું ધ્યાવત તિહાં સમાવે’ આ બહુ મજાની કડી છે. અમુક અમુક તો ધ્યાનના સુત્રો એટલા મજાના હોય છે. જેમ કે ‘પ્રીતલડી બંધાણી’ સ્તવન બધાને આવડે છે. એમાં એક સરસ ધ્યાનનું સૂત્ર છે; “ધ્યાનની તારી રે, લાગી નેહશું” અદ્ભુત! કોઈ મને કહે; કે ધ્યાનનું નાનામાં ના નું સૂત્ર કયું અમારી ભાષામાં? તો આ બતાવું “ધ્યાનની તારી રે, લાગી નેહશું” પેલો સાધક પૂછે છે; કે ગુરુદેવ મારે ધ્યાનની તન્મયતામાં જવું છે. ધ્યાનના ઊંડાણમાં જવું છે હું શું કરું? તો કહે કે બસ, પ્રભુ જોડે પ્રીત કરી દે. શરૂઆતમાં પ્રભુ પ્રત્યેની પ્રીત, પ્રભુના રૂપ ઉપર હશે. બાહ્ય આકાર ઉપર હશે. પણ જેમ-જેમ આગળ વધાશે તેમ ગુણાત્મક પ્રીતિ શરૂ થઇ જશે. અને એ ગુણાત્મક પ્રીતિ ગુણાત્મક અનુભૂતિમાં બદલાય એટલે ધ્યાન આવી ગયું. ધ્યાનનો બીજો કોઈ જ અર્થ નથી, સિવાય કે અનુભૂતિ. ધ્યાન એટલે અનુભૂતિ. બાકી બધું પ્રાણાયામ. બીજું બધું કસરત. બે કલાક બેસો કે ચાર કલાક બેસો. વિચારોનો વરઘોડો પાછો ચાલ્યા કરતો હોય. આમ બેઠો હોય પાછો.
એક સાધક ગુરુ પાસે આવેલો. એ કહે; સાહેબ! મને સાધના આપો. હવે ગુરુ તો સાધના આપવા તૈયાર હોય. હવે ગુરુ ક્યારે સાધના આપી શકે? પેલો લઇ શકે એમ હોય ત્યારે. હવે પેલાને ધ્યાનની સાધના શીખવી છે. ગુરુએ જોયું; કે વિકલ્પોથી ભરેલો માણસ છે. નાની નાની વાતમાં વિકલ્પો કર્યા કરે છે. આને ધ્યાન શીખવવું કેમ? ગુરુ મજાના માણસ હતા. ગુરુએ કીધું; એક કામ કર. હું કુવા પર જાઉં છું સ્નાન માટે. મારી જોડે તું આવ. પણ ત્યાં જે થાય એ માત્ર તારે જોવાનું, બોલવાનું નહિ બિલકુલ.
ગુરુ ગયા કૂવાના કાંઠે. અને એક ખાસ બાલટી આવા લોકો માટે રાખેલી. તળિયા વગરની. બાલટી અંદર નાંખી. બાલટી ભરાઈ ગઈ. ઉપર શું આવે? બીજી વાર પાછી નાંખી. પાછી ખાલી બાલટી ઉપર આવે. પેલો વિચારમાં પડી ગયો કે આ ગુરુ છે? આટલી બુદ્ધિ એમનામાં નથી એમ? તળિયા વગરની ડોલ. પણ ગુરુએ ના પાડી હતી, બોલવાનું નહિ.
તો ગુરુએ કીધું કંઈક સમજ્યો તું? આ ડોલ છે ને મારા સ્નાન માટે નથી. એના માટે અલગ ડોલ છે તળિયાવાળી. આ તારા માટે છે. બોલ, તળિયા વગરની ડોલ હોય એમાં પાણી રહે ખરું? સાહેબ ના, રહે. તો તારા મનને કોઈ તળિયું છે? તારા મનને કોઈ આધાર સેતુ છે? ઉલટ-પલટ. દિલ્હીથી મુંબઈ અને મુંબઈથી કલકત્તા. “સાપ ખાય ને મુખડું થોથું.” વિચાર કર્યા જ કરે. કર્યા જ કરે, કર્યા જ કરે.
એટલે ગુરુએ કહ્યું; પહેલા તારા મનને તું નિર્વિકલ્પ બનાવ. પછી જ હું એમાં સાધના મૂકી શકીશ. આ તળિયા વગરની ડોલ. તારું મન છે તળિયા વગરનું. તળિયા વગરની ડોલમાં પાણી ન રહે. તળિયા વગરના મનમાં સાધના ન રહે. એટલે ધ્યાનનો મતલબ માત્ર અનુભૂતિ છે.
તો હવે આપણે એ જોઈએ કે સિદ્ધ ભગવંતોના ગુણોની અનુભૂતિ આપણે કઈ રીતે કરીએ? અને એમાં આપણે ચાર ઘાતી કર્મોને જ લઈશું અને એનાથી ઉત્પન્ન થયેલા ગુણોને લઈશું. તો જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમથી, ક્ષયથી, દર્શનાવરણીયના ક્ષયથી, મોહનીયના ક્ષયથી અને અંતરાયના ક્ષયથી જે ગુણની અનુભૂતિ પ્રભુને પ્રાપ્ત થઇ, એ ગુણની આંશિક ઝલક આપણામાં આવે, તો રૂપાતીત ધ્યાન થયું કહેવાય.
ઘણા લોકો મને પૂછે કે સાહેબ! ધ્યાનમાં બેસીએ તો શું વિચારવાનું? ભાઈ ! વિચારીશ તો સ્વાધ્યાય થશે. તમે વિચાર કરો તો અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય તો અનુભૂતિની, ધ્યાનની પૃષ્ઠભૂ છે – પૂર્વ ભૂમિકા છે. એ અનુપ્રેક્ષા બરોબર થાય તમે સીધા અનુભૂતિમાં જંપલાવી દો. તો હવે આપણે જોવું છે, કે સિદ્ધ ભગવંતોના એ જે ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન એ બધાની સાથે આપણે અભેદાનુભૂતિ કેમ કરી શકીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *