Mumukshu Vachna | 05-06-20 | Navsari Tapovan

20 Min Read

સ્થાપના નિક્ષેપે પિંડસ્થ ધ્યાન

માનવિજયજી મહારાજે પિંડસ્થ આદિ ચાર ધ્યાનને ચાર નિક્ષેપા સાથે જોડ્યા. પિંડ એટલે કે પ્રભુના મૂર્તિ દેહના દર્શન થકી પિંડસ્થ ધ્યાન. પદ એટલે કે પ્રભુના નામ થકી પદસ્થ ધ્યાન. સમવસરણમાં તીર્થંકર રૂપે બિરાજમાન ભાવ અરિહંતના દર્શન થકી રૂપસ્થ ધ્યાન. અને સિદ્ધાવસ્થાની અંદર રહેલા પ્રભુના દ્રવ્ય નિક્ષેપને લઈને રૂપાતીત ધ્યાન થાય છે.

પિંડસ્થ ધ્યાનમાં દેરાસરમાં રહેલા પ્રભુના રૂપને જોતા જોતા આપણે સ્વાનુભૂતિમાં કેવી રીતે પહોંચી શકીએ એના સાત ચરણો આપ્યાં : પ્રભુ રૂપનું દર્શન, ચિત્તસ્થૈર્ય, ચિત્તની પ્રસન્નતા, પ્રભુ સ્વરૂપપ્રાપ્તિની ઝંખના, તીવ્ર ઝંખના, ધ્યાનાભ્યાસ અને સ્વાનુભૂતિ.

પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન. દર્શન થતાં એક આશ્ચર્ય થાય: “આ મારા ભગવાન! સમવસરણમાં કદાચ આ પ્રભુને મેં જોયેલાં. પણ પ્રભુને નિહાળવાની દ્રષ્ટિ મારી પાસે નહતી. આજે એ જ પ્રભુ મારા દેરાસરમાં આવી ગયા છે!” આવા આશ્ચર્યના ભાવ સાથે જ્યારે પ્રભુનું દર્શન થાય, ત્યારે બીજું ચરણ મળે – ચિત્તસ્થૈર્ય. ચિત્ત સ્થિર થઇ જાય


નવસારી તપોવન વાચના – 57 [5.6.2020]

પિંડસ્થ આદિ ચાર ધ્યાનની એક વિભાવના આપણે જોઈ. એ વિભાવના ચિદાનંદજી મહારાજે સ્વરોદય વિજ્ઞાનમાં આપેલી છે.

બીજી એક વિભાવના મહોપાધ્યાય માનવિજય મહારાજે પોતાના સ્તવન ચોવીસીમાં આપેલી છે. ત્યાં એમણે ધ્યાનને નિક્ષેપ સાથે જોડ્યા છે. પિંડસ્થ ધ્યાન. પિંડ એટલે પ્રભુની મૂર્તિ. તો એ મૂર્તિ દેહનું દર્શન કરીને તમે સ્વાનુભૂતિ સુધી શી રીતે જાવ, એ જે ધ્યાનદશા છે, એને એ પિંડસ્થ ધ્યાન કહે છે.

પદસ્થ ધ્યાન નામ-નિક્ષેપને લઈને ચાલે છે. પદ એટલે પ્રભુનું નામ. એટલે નામ લેતાં, લેતાં, લેતાં, તમારું અસ્તિત્વ પ્રભુમય બની જાય એ પદસ્થ ધ્યાન. રૂપસ્થ ધ્યાનમાં ભાવ નિક્ષેપ લીધેલો છે. પરમાત્મા સમવસરણમાં ભાવ તીર્થંકર રૂપે, ભાવ અરિહંત રૂપે બિરાજમાન છે અને એમનું દર્શન કરીને ભાવક સ્વાનુભૂતિ સુધી પહોંચે એ રૂપસ્થ ધ્યાન. અને રૂપાતીત જે ધ્યાન છે એ દ્રવ્ય નિક્ષેપને લઈને છે. સિદ્ધાવસ્થાની અંદર અરિહંત ભગવાન ભાવ નિક્ષેપે નથી, દ્રવ્ય નિક્ષેપે છે. એમના એ દ્રવ્ય નિક્ષેપને જોઈને પણ આપણે સ્વાનુભૂતિ કરીએ, એને રૂપાતીત ધ્યાન કહેવાય.

તો પહેલું પિંડસ્થ ધ્યાન. પાંચમું સ્તવન આખું એમણે પિંડસ્થ ધ્યાન માટે લીધું છે. એમાં એમણે મજાની વાત એ કરી, કે આપણે પ્રભુની સામે બેઠા છીએ. સમવસરણમાં નહિ, દેરાસરમાં. એ પ્રભુના રૂપને આપણે જોઈ રહ્યા છીએ. એ રૂપને જોતાં, જોતાં, જોતાં આપણે સ્વાનુભૂતિમાં કઈ રીતે પહોંચી શકીએ? સાત ચરણ એમણે આપ્યાં છે. પ્રભુની મૂર્તિનું દર્શન કરતાં કરતાં તમે સ્વાનુભૂતિ સુધી કેમ પહોચો, એના માટે સાત ચરણો આપ્યાં. પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન. બીજું ચરણ – ચિત્તસ્થૈર્ય. ત્રીજું ચરણ – ચિત્તની પ્રસન્નતા. ચોથું ચરણ – પ્રભુ સ્વરૂપપ્રાપ્તિની ઝંખના. પાંચમું ચરણ – એ માટેની તીવ્ર ઝંખના. છઠ્ઠું ચરણ – ધ્યાનાભ્યાસ. અને સાતમું ચરણ – સ્વાનુભૂતિ.

તો હવે આપણે ક્રમસર આ ચરણોને જોવાનાં અને સ્વાનુભૂતિ કરી લેવાની. બરોબર…! આખરે તો એ જ કરવું છે ને? પરની અનુભૂતિ અનંતા જન્મોમાં કરી, શું મળ્યું? શું મળી શકે? સિવાય કે પીડા. હવે માત્ર પરમના દર્શન દ્વારા સ્વની અનુભૂતિ સુધી જવું છે.

તો પહેલું ચરણ છે : પ્રભુ રૂપનું દર્શન. પણ એ દર્શન કેવી રીતે થવું જોઈએ? આશ્ચર્ય સાથેનું. ઓહ! આ મારા ભગવાન ! અને એ ભગવાનનું દર્શન ખરેખર હું કરું છું. ‘विस्मयो योगभूमिकाः’ શિવસુત્રમાં પાર્વતીજીએ પૂછ્યું કે જ્યારે પણ યોગ, સાધના શરૂ કરવા હોય ત્યારે પ્રારંભ દ્વાર કયું? અને ત્યારે મહાદેવજીએ કહ્યું; કે ‘विस्मयो योगभूमिकाः’ વિસ્મય, આશ્ચર્ય એ જ ભીતર પ્રવેશવાનું દ્વાર છે.

નમુત્થુણં બોલો ને આમ, આશ્ચર્ય થાય છે ક્યાંય? લગભગ 2600 વર્ષ પહેલાં ગણધર ભગવંતે બનાવેલું આ સૂત્ર મારા સુધી આવી ગયું.! અને એ જ સ્વરૂપમાં.! આપણે ત્યાં જે જ્ઞાનાચારની વાત છે, અને જ્ઞાન અતિચારમાં ન જવું એની વાત છે, એના કારણે એકાદ અક્ષર કે એકાદ માત્રાનો પણ ફરક પડ્યો નથી. એટલે જે સ્વરૂપમાં ગણધર ભગવંતોએ રચેલું એ જ સ્વરૂપમાં આપણી પાસે આવ્યું છે. તો આશ્ચર્ય ન થાય? કે 2600 વર્ષ પહેલાંની રચના, એ ને એ મૂળ સ્વરૂપમાં મને મળી ગઈ?! એક ગણધર ભગવંતનું દાન મને મળી ગયું.! નમસ્કાર મહામંત્ર તમે ગણો, તમને આશ્ચર્ય ન થાય? કે 14 પૂર્વના સારરૂપ જે મહામંત્ર કહેવાયો છે, એ મહામંત્ર મને મળી ગયો! તકલીફ ક્યાં છે – આશ્ચર્ય ક્યાંય થતું જ નથી. દર્શન કર્યા, એમને એમ.! નવકારવાળી ગણી, એમને એમ! આશ્ચર્ય ક્યાં છે? અમેરિકા કે લંડન રહેતો કોઈ માણસ હોય અને તમને ખબર પણ ન હોય અને તમને વંદન કરવા આવે. ઓહ! તું? તું અહીં ક્યાંથી? જ્યાં આશ્ચર્ય કરવાનું છે ત્યાં આશ્ચર્ય કરતાં નથી. અને જે પર્યાયને ઉદાસીનભાવે જોવાનો છે ત્યાં આશ્ચર્ય કરો છો.! સંસારી માણસ છે, ગુરુ પાસે જાય. એમાં શું છે!

હું ઘણીવાર કહું છું. શ્રાવકની નજર સદ્ગુરુ સામે હોય એ બરોબર જ છે. પણ સદ્ગુરુની નજર પ્રભુની સામે જ હોય, પેલાની સામે નહિ પાછી.! શ્રાવકને માટે તરવાનું માધ્યમ તમે છો. તો શ્રાવકની નજર તમારા ઉપર હોય એમાં કંઈ વાંધો નથી. પણ તમારી નજર એના ઉપર ગઈ તો…! એક કરોડપતિને જોઈએ તમને ક્યારે દયા આવે છે ક્યારેય? આમ વંદન કરીને જાય ને, બીજાને કહીએ આ ખબર કોણ હતું? આ મોટો મિલ માલિક હતો. મિલ માલિકનો મોટો ઘા છે ને પાછો. કેમ? ઓઈલ મિલ નો માલિક હોય એટલે શું થયું? મોટો ઘા છે. તમે એમાં ગૌરવ લો છો? તમે તો એને એ જ કહો, કે આટલા પૈસા ભેગા કર્યા કોના માટે તે? અને આરંભ-સમારંભ કોના માટે કરે છે?

હું ઘણીવાર કહું છું; એક ફેમીલી ગુરુ હોવા જ જોઈએ. પરંપરાથી આવેલા એક ગુરુ હોવા જ જોઈએ. એ ગુરુ શ્રાવકોની બરોબર care રાખે. પેલાને નવી ફેક્ટરી શરૂ કરવી છે તો ગુરુની પાસે આવીને વાત કરે. સાહેબ આ વિચાર છે. અને ગુરુ લાલ આંખ કરે. હરામખોર! પેટ ભરાતું નથી? પેટ ભરાઈ ગયું. પટારો ભરાઈ ગયો. અને નવી ફેક્ટરી ખોલવી છે. શેના માટે? આરંભ-સમારંભ કોના માટે? બોલ? જો તારે એ પૈસા કમાઈને મારી પાસે ખર્ચવા હોય ને તો હું ના પાડું છું તને. એવા પૈસા મારે ખર્ચાવવા નથી. તું પાપ કરે અને પછી કહે કે મારે પૈસા ખરચવા છે. એવા તારા પૈસાની અમારે જરૂરિયાત નથી. તમે એને સ્પષ્ટ સમજાવી દો, કે કાદવમાં પગ ખરડી પછી ધોવાની ચેષ્ટા કરાય જ નહિ. અને તમે સામી બાજુ એવા નિઃસ્પૃહ બની જાવ, કે કરોડપતિ હોય કે અબજોપતિ હોય, તમારે કંઈ જોઈતું જ નથી, ખાખી બંગાળી છો તમે. ના કોઈ પ્રોજેક્ટ છે, ન કોઈ દેરાસર છે, ન ઉપાશ્રય છે. એક પૈસો તમારે જોઈતો નથી. ખાખી બંગાળી. સાહેબ સેવા? આરાધના કરજે! બીજું શું? સેવા આટલી…!

તો પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન. એ દર્શન થતાં એક આશ્ચર્ય થાય, આ પ્રભુ.! સમવસરણમાં કદાચ આ પ્રભુને મેં જોયેલાં પણ પ્રભુને નિહાળવાની દ્રષ્ટિ મારી પાસે નહતી. આજે એ જ પ્રભુ મારા દેરાસરમાં આવી ગયા છે.! સિદ્ધશિલા પર હતા એ દાદા. સમવસરણમાં બિરાજમાન દાદા, મારા દેરાસરમાં આવી ગયા છે.! એવું એક આશ્ચર્ય થાય, અને આશ્ચર્યના ભાવ સાથે એ જ્યારે દર્શન કરે ત્યારે શું થાય? બીજું ચરણ મળે – ચિત્તસ્થૈર્ય. એનું ચિત્ત સ્થિર થઇ જાય…

ભગવદ્દગીતાએ તો બીજો અધ્યાય આખો સ્થિતપ્રજ્ઞ અધ્યાય તરીકે આપ્યો છે. એક સાધક, એક મુનિ કેવો હોવો જોઈએ? સ્થિતપ્રજ્ઞ. જેની પ્રજ્ઞા સ્થિર થઇ ગઈ છે. જેનું ચિત્ત સ્થિર થઇ ગયું છે.

પછી અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે; કે સ્થિતપ્રજ્ઞની તમારી વ્યાખ્યા શું? સ્થિતપ્રજ્ઞની પરિભાષા શું? અને એ વખતે શ્રીકૃષ્ણ કહે છે:

‘प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान्।

आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते॥.’

 ‘प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान्।‘ – પાર્થ ! હે અર્જુન! જ્યારે સાધક મનમાં રહેલી બધી જ ઈચ્છાઓને, બધા જ વિચારોને છોડી દે છે. પણ, એટલા માત્રથી સ્થિતપ્રજ્ઞ બનાતું નથી. આ તો foundation કર્યું. તમારા મનમાં રહેલી બધી જ ઇચ્છાઓ, તમારા મનમાં રહેલા બધા જ વિચારો એનો ત્યાગ – આ foundation.

અને એ foundation ઉપર શું થવું જોઈએ? ‘आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते’ – આત્મના આત્મની સંતુષ્ટ: આત્મા વડે જ, આત્માને વિશે, તમે જ્યારે સંતુષ્ટ બનો ત્યારે તમે સ્થિતપ્રજ્ઞ બનો. એટલે એકબાહુ મજાની વાત એ કરે છે; કે તમારે સ્થિતપ્રજ્ઞ બનવું છે, ચિત્તસ્થૈર્યવાળા બનવું છે, તો એના માટે પરની કોઈ સહાય લેવાની નથી. आत्मना एव संतुष्ट:

હવે આત્માને આપણે બે રીતે જોઈએ છીએ – ગુણો રૂપે, ગુણી રૂપે. આપણે ગુણ અને ગુણીમાં કથંચિત અભેદ પણ કરીએ છીએ. કથંચિત ભેદ પણ કરીએ છીએ.

आत्मना – જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, વિતરાગદશા, ઉદાસીનદશા વગેરે ગુણો દ્વારા જે પોતાની ભીતર ઉતરી ગયેલો હોય, અને અત્યંત આનંદમય બની ગયેલો હોય – એ સ્થિતપ્રજ્ઞ છે. એટલે आत्मना પદ બહુ જ મહત્વનું છે. તમે જ્યારે તમારી ભીતર સ્થિર થાવ ત્યારે કોઈની બીજાની સહાય કામ આવી શકે નહિ.

દેવચંદ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં કહે છે; ‘પર સહાય ગુણ વર્તના, સાધુને ન સુહાય; સાધ્ય રસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય’ એ હસે છે. પર સહાય ગુણ વર્તના? તારે તારા ગુણમાં જવું છે, તારે તારા સ્વરૂપમાં જવું છે, એના માટે તું પરની સહાય લઈશ?

યાદ રાખો. જ્ઞાન પણ માહિતી સ્વરૂપનું હોય તો પર છે. એટલે એના દ્વારા તમે તમારી ભીતર નહિ ઉતરી શકો. એ જ્ઞાન પરિણત બનેલું હશે, તો જ તમારી ભીતર ઉતરવામાં તમને એ મદદગાર બની શકશે. ન શબ્દો, ન વિચારો. શબ્દ પણ પર, વિચાર પણ પર.

તો કહે છે – પર સહાય ગુણ વર્તના! તું પરની સહાયથી તારા ઘરમાં જઈશ? સુરતમાં એક માણસ રહેતો હોય વર્ષોથી. બહાર ગયો. બહાર ગયા પછી સુરત આવ્યો. ભલે બે વર્ષ વિદેશમાં રહીને આવ્યો. પણ 25 વર્ષ તો સુરતમાં એના ઘરમાં રહેલો છે. તો બસ સ્ટેન્ડ પર આવ્યાં પછી એને પૂછવું પડે કે મારું ઘર ક્યાં આવ્યું? મારી શેરી ક્યાં આવી? એમ તમારે તમારી ભીતર જવું છે. તમે પરની સહાય લેશો? કોઈ ગાઈડ તમારે જોઇશે?

‘પર સહાય ગુણ વર્તના, સાધુને ન સુહાય;

સાધ્ય રસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય’ 

તમારે તમારા સાધ્યમાં આત્મ-સ્વરૂપમાં ઉતરી જવું છે, અને ચિત્ત સહાય શું જરૂર પડે? વિચારોની ક્યાં જરૂરિયાત છે એમાં? જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે. જ્ઞાન જ્યાં સુધી વિચારાત્મક છે. ત્યાં સુધી તમારી ભીતર જવામાં એક કામમાં આવી શકતું નથી.

એટલે आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते 

ભગવાને આ જ વાત આચારાંગ સૂત્રમાં કહી છે;

“अणेग चित्ते खलु अयं पुरिसे, से केयणं अरिहइ पूरइत्तए”

अणेग चित्ते खलु अयं पुरिसे – આ માણસ, સાધક નહિ હો! ‘પુરિસે’ શબ્દ વાપર્યો છે. આ માણસ અનેક ચિત્તવાળો છે. અને એ અનેક ચિત્તવાળો માણસ શાંતિને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. તો ભગવાને કહ્યું; એ કોના જેવી ચેષ્ટા કરે છે? से केयणं अरिहइ पूरइत्तए’ – જે ચાળણી હોય ને ઘઉં ચાળવાની, છિદ્રો જ છિદ્રો છે જેમાં, એને પાણીથી ભરવાની કોશિશ કરે છે. ભરાય ખરી ચાળણી ક્યારેય ?

તો ‘अणेग चित्ते खलु अयं पुरिसे’ – જે જે વખતે તમે જે વિભાવમાં ડૂબો છો, તમે તન્મય બનો છો. જેમ તમે સ્વભાવની ધારામાં જાવ તો સ્વભાવ જોડે તન્મય બનો. પણ વિભાવમાં તન્મય બનવાની તમારી અભ્યાસદશા અનંતા જન્મોની છે. સહેજ વિભાવદશા ખુલી તમે એમાં તરત ડૂબી જાવ છો.

તો હવે કેટલી બધી વિભાવદશા પર તમારું ચિત્ત જાય છે. ઘડીકમાં રાગમાં ગયું તો એ ચિત્તદશા અલગ થઇ. દ્વેષમાં ગયું તો એ ચિત્તદશા અલગ થઇ. તો ‘अणेग चित्ते खलु अयं पुरिसे’ એટલે જ્યાં સુધી ચિત્તની સ્થિરતા ન આવે, ત્યાં સુધી ત્રીજું ચરણ ચિત્તની શાંતિ ન મળી શકે.

યુરોપમાં એક પ્રસિદ્ધ ચિંતક થયા. Mark Twain. Humorist પણ બહુ સારા હતાં – વિનોદી. એકવાર સવારના પહોરમાં એમને ક્યાંક ભાષણ કરવા માટે જવાનું હતું. નવ વાગે ત્યાં પહોંચવાનું હતું ઓડીટોરીયમમાં. છ-સાડા છ એ ઉઠી ગયા. નાહ્યા-ધોયા, breakfast લીધો. એક મિત્ર રાત્રે એના ઘરે આવેલો. મિત્રે પણ જોડે જ breakfast કર્યો. તૈયાર થઇ ગયા. Mark Twain એ કીધું મારે એક ભાષણ આપવા જવાનું છે. તારે આવવું હોય તો આવ સાથે. ચાલુ ને સાથે, આજે રવિવાર છે આમેય. બેય ગાડીમાં બેસી ગયા. કાર ચાલી. પોણા નવે એ લોકો ત્યાં પહોંચી ગયા. બધા ઓડીટોરીયમમાં પહોંચી ગયા. દોઢ કલાક ભાષણ આપ્યું. સાડા દસે ભાષણ પૂરું થયું. બે જણા નીકળ્યા. આભાર વિધિ ને બધું થઇ ગયું. કારમાં પાછા બેસી ગયા. કાર ઘર તરફ જઈ રહી છે.

એ વખતે મિત્રે Mark Twain ને કહ્યું; કે તમારું ભાષણ બહુ સરસ રહ્યું હો. એટલે Mark Twain પૂછે છે; કયું ભાષણ? કયું ભાષણ? પેલો વિચારમાં પડી ગયો. બે-ચાર ભાષણ અપાયેલા હોય ને તો પૂછે કે કયું ભાષણ બહુ સારું રહ્યું. એક જ તો ભાષણ આપ્યું છે આજે! સવારથી એની જોડે જ છું. તો કહે કે કેમ તમે પૂછો કયું ભાષણ, એક જ તમે ભાષણ આપ્યું છે. તો કહે; ના, ત્રણ ભાષણ થયા કહે છે. ત્રણ થઇ ગયા કહે છે. તો ત્રણ ક્યારે કર્યા તમે પણ? તો કહે કે જો, એક ભાષણ આપતાં પહેલા ભાષણ ચાલતું. ભાષણ તો દોઢ કલાક આપ્યું. પણ ભાષણ આપતાં પહેલાનું ભાષણ ચાર કલાક ચાલે. સવારે ઉઠ્યો. બાથરૂમમાં ગયો પણ ભાષણ ચાલતું હતું અંદર. કે કયા point પર મારે શું બોલવાનું. એટલે એક ભાષણ, ભાષણ પહેલાનું હતું. બીજું ભાષણ, ભાષણ આપ્યું ત્યારનું. અને ત્રીજું ભાષણ ચાલી રહ્યું છે પાછું. આજે તો ભાષણ સારું ગયું. લોકોએ બધાએ enjoy કર્યું લેક્ચરને. મજા આવી ગઈ. અને ત્રીજું ભાષણ હવે ચાલે છે.

તો એ વિદેશી ચિંતક છે. એ પણ એમ માને છે કે આ બરોબર નથી. જે વખતે ભાષણ આપવાનું તમે આપી દો. ભાષણ પૂરું થયું, અંદરથી પૂરું થઇ જવું જોઈએ. અંદર રેકોડીંગ કેમ ચાલ્યા કરે છે? એ અહંકારદશા છે. એટલે ઘણીવાર કહેવામાં આવે ને, સિદ્ધિ કરી, વિનિયોગ કરો, પ્રવચન આપો. વાત બરોબર. પણ કોના માટે? કોના માટે યાદ રાખો. ખાલી તમારે દસ-પંદર મિનિટ ફાળવવાની હોય, notes બનાવી નાંખી. પ્રવચનમાં માંગલિક કરો ત્યાં સુધી વિચારવાનું નથી, શું બોલવું છે. માંગલિક કરી લીધું. Points જોઈ લીધા. બોલી લો. તો પ્રવચન પૂરું થયું. એ બધું ભુલી જવાનું અને આસન ઉપર બેસીને સ્વાધ્યાય શરૂ કરવાનો. ભાષણ સારું ગયું કે ફ્લોપ ગયું એ વિચારવાનું તમારે નથી હોતું.

મારે તો છે ને મેમરી બહુ ઓછી છે. તમને ભલે લાગે કે એક પછી એક શાસ્ત્રપાઠ આવે છે. પણ એ તો હમણાં બોલતો હોઉં તો. થોડો સમય બોલવાનું બંધ કરી દઉં ને તો, મેમરી મારી બહુ ઓછી છે. અને actually મેમરીને મેં લુપ્ત કરી છે. કારણ – હું મારા મન ઉપર નકામો બોજ કોઈ લાદવા નથી માંગતો. આ ડાયરી જો ૧૦૦ પ્રવચનનો ભાર ઉપાડી લેતી હોય, તો હું શા માટે ભાર ઉપાડું? એક સારું વાંચ્યું. Note કરી લો. ડાયરી ભાર ઉપાડે. મારે શું કરવા ભાર ઉપાડવાનો? એટલે મેમરી મેં બહુ લુપ્ત કરી નાંખી છે.

ઘણીવાર એકદમ નજીકનો ભક્ત આવે. અને દીકરો હોય. વંદન પણ કરી લે. ઘણીવાર આવેલો હોય આ રીતે જોડે. પણ હું એ રીતે એને યાદ ન કરી શકું. નામ પણ એનું ખ્યાલ ન આવે. ગામ પણ ખ્યાલ ન આવે. એકદમ એ પૂછે, સાહેબ મને ઓળખ્યો? પાંચ-દસ મિનિટ થાય ને ત્યારે ઓળખી લઉં. કારણ – એના વાર્તાલાપ ઉપરથી. મારા પપ્પાએ આપને વંદના કહેવડાવી છે. મારા પપ્પા આ રીતે આમ છે. એ એમાં ય ગામનું નામ બોલે, એ રીતે બધું કરે એટલે એના પરથી અનુમાન લાગે કે આનું આમ છે. પણ જો સીધું પહેલું પેપર પૂછી લે, સાહેબ ઓળખ્યો મને? શું મારું નામ? હું કહું ભાઈ! તારી પરીક્ષામાં હું નાપાસ છું.

એટલે સાધનામાર્ગમાં આવ્યો ત્યારથી મેં નક્કી કર્યું, કે મન ઉપર મારે કોઈ ભારણ રાખવાનું જ નથી. મારી બુદ્ધિ, પ્રજ્ઞા, મેધા જે પણ હોય એનો ઉપયોગ મારે માત્ર ભીતર જવા માટે કરવાનો છે. બહાર મારે રહેવું પડે છે. તો રહેવું પડે તો રહી પણ જાઉં. કંઈ વાંધો નથી મને. ડ્યુટી perform કરી પણ લઉં.

મારે ડોક્ટર વોરા છે. મને ઘણીવાર કહે; સાહેબ! તમે તો બદ્રીમાં જ હોવ, હિમાલયમાં જ હોવ. અમારી જોડે છો અમારું સદ્ભાગ્ય છે. મેં કહ્યું; વાંધો નહિ, મારે બદ્રી અહીં જ છે મેં કીધું. મેં કીધું હું હિમાલયમાં જ છું અહીં. હમણાં જ વેસુમાં મળ્યા હતા. મારે બદ્રી-હિમાલય જ છે, કીધું.

એટલે તમે પણ આ શીખી શકો. કે મન ઉપર પરનું કોઈ ભારણ ન જોઈએ. આવ્યો – ગયો. આવ્યો – ગયો. Touch and go. દર્પણ જેવું રાખવાનું. પ્રતિબિંબ પડ્યું. પેલો ગયો એટલે ભૂંસાઈ ગયું. એનો વળી મન ઉપર ભાર રાખવાનો? આ ભાઈ આવ્યા હતા ને આ ભાઈ આવ્યા હતાં. એ ભાર કોણ રાખે છે? અહંકાર રાખે છે. એટલે પ્રવચન આપો ત્યારે તમે અહંકાર શૂન્ય બનેલા હોવા જ જોઈએ. મારા પ્રભુએ જે કહ્યું છે, એ જ મારે બોલવાનું છે.

હું ઘણીવાર કહું છું, આપણે પ્રવચનની અંદર બોલીએ, જિનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. એનો સ્પષ્ટ અર્થ તમારા ખ્યાલમાં છે. બીજો અર્થ એ છે કે હું જો પ્રભુની આજ્ઞા પૂર્વક અને પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે બોલેલો હોઉં, એ સરસ જ બોલાય અને બરોબર જ હોય. પણ મેં મારી બુદ્ધિનું ડહાપણ વચ્ચે ડોળેલું હોય, અને એના કારણે કોઈ પદાર્થની પ્રરૂપણામાં ભ્રમણા થઇ ગઈ હોય તો મિચ્છામી દુક્કડમ્.

એક ગૃહિણી હોય. મહેમાન આવ્યાં. સફરજન પડેલા છે. છાલ ઉતારીને કકડા કરીને આપી દીધા. એ સફરજન સારું જ છે તો સારું જ લાગવાનું છે. એમાં એની કોઈ મહત્તા નથી. જેવું હતું એવું આપી દીધું છે. જો તુરિયા કે કાકડીનું કોઈ શાક કરશે, અને વઘારમાં ભૂલચૂક થશે તો એનું ડહાપણ આવી ગયું વચ્ચે. એમ પ્રભુએ કહ્યું એ રીતે અને પ્રભુએ કહ્યું એ આપણે બોલીએ તો તો વાંધો ન આવે. પણ જો વચ્ચે આપણો અહંકાર આવી જાય તો પાછો ઘાટ બગડી જાય. એટલે મારી બુદ્ધિ વચ્ચે આવી ગઈ હોય તો મિચ્છામી દુક્કડમ્, આ વસ્તુ છે.

તો પહેલું ચરણ પ્રભુ રૂપનું દર્શન. બીજું ચરણ ચિત્તસ્થૈર્ય.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *