Mumukshu Vachna | 30-04-20 | Navsari Tapovan

23 Min Read

સુકૃત અનુમોદના

આપણને ભારતીયોને લોહીમાં જ સંસ્કાર મળેલો છે કે વડીલો તરફ ઝૂકવું. એટલે એવું બની શકે કે એક બાજુ આપણે ઝૂકીએ પણ ખરા અને બીજી બાજુ અહંકાર પણ ટટ્ટાર રહે! એને શિથિલ કરવા માટે વિનયની સાથે વૈયાવચ્ચ આપી. હું આની સેવા કરું, તો કાલે એ મારી સેવા કરશે – આવી અપેક્ષાવાળી વૈયાવચ્ચ હોય, તો એ પ્રભુએ કહેલી વૈયાવચ્ચ નથી.

સુકૃત અનુમોદનામાં તમારા સુકૃતની અનુમોદના કરવાની વાત નથી! અત્યાર સુધી આપણે પોતાના નાનામાં નાના સારા કાર્યોને magnifying glass થી મોટા કરીને જોયા છે અને બીજાના બહુ મોટા કાર્યોને પણ આપણે જોયા નથી! બીજાના સુકૃતોની અનુમોદના કરો એનાથી તમારો અહંકાર ધોવાતો જાય. અહંકાર શિથિલ બને; નમસ્કાર ભાવ પ્રબળ બને.

શાસ્ત્રો કહે છે કે ગુણીના ચરણોમાં આપણે જઈએ અને ઝૂકીએ એટલે એ ગુણ આપણને મળે જ! આપણું ગુરુવંદન જો માત્ર formality હશે, તો કાંઈ મળવાનું નથી. પણ એક-એક સદ્ગુરુઓને વંદન કરો; એમના જે ગુણો છે એ મેળવવાની ઈચ્છા કરો… ગુરુ ઉદાર છે; તમને આપી દેશે તરત! માત્ર ઝૂક્યા અને મળ્યું!




નવસારી તપોવન વાચના – 33 [30.4.2020]

સ્થૂળતપાચારમાં બાહ્યતપના છ પ્રકાર. સુક્ષ્મતપાચારમાં અભ્યંતરતપના છ પ્રકાર. વિનય અને વૈયાવચ્ચ એટલા માટે જરૂરી છે કે સાધનામાં આગળ જવા માટેનું એક સહાયક બળ એનાથી મળે છે. સાધનામાં અવરોધ અહંકારનો છે અને એ અહંકારને તોડશે વિનય અને વૈયાવચ્ચ. વિનય – ઝૂકો, વડીલોની ભક્તિ કરો, સેવા કરો.
આપણને એમ થાય કે અહંકારને Delate કરવા માટે વિનય તો આપેલો જ હતો. વૈયાવચ્ચ કેમ આપ્યો?
બહુ જ મનોવૈજ્ઞાનિક આયામની વાત છે. આપણે બધા ભારતીયો છીએ. આપણા લોહીમાં એક સંસ્કાર છે કે વડીલો તરફ ઝૂકવું. તો એવું બની શકે કે ઝૂકવાની ક્રિયા ચાલુ રહે, અહંકાર ટટ્ટાર રહે! એટલે એ અહંકારને શિથિલ બનાવવા માટે વૈયાવચ્ચ આપી. નાનામાં નાનો છે, આજનો નવો દીક્ષિત છે, સેવા કર, ઝૂક! પેલા મુનિરાજ ગ્લાન થયા છે, જા, સેવા કર એની. તો એ વૈયાવચ્ચ દ્વારા તમારો અહંકાર શિથિલ બનવો જોઈએ. અને જે વૈયાવચ્ચ દ્વારા તમારો અહંકાર શિથિલ ન બને એ વૈયાવચ્ચ પ્રભુએ કહેલી વૈયાવચ્ચ નહિ. જો હું આની સેવા કરું, કાલે એ મારી સેવા કરશે. આ અપેક્ષાવાળી વૈયાવચ્ચ હોય તો એ પ્રભુએ કહેલી વૈયાવચ્ચ નથી. અને એ અહંકાર જશે આપણો તો જ ‘તવ્વયણસેવણા’ આવશે, તો જ ‘સુહગુરુજોગો’ આવશે.
શાસ્ત્રમાં વાત આવે છે. બે મુનિવરોને ગુરુદેવે સાંજે કહ્યું કે કાલે સવારે તૈયાર થઈ જજો. તમારે એક જગ્યાએ જવાનું છે. એક ગ્લાન મહાત્મા છે એની સેવા માટે. બીજી સવારે બંને મહાત્મા ભેટ-બેટ બાંધી, તૈયાર થઈ, ગુરુદેવ પાસે આવ્યા. વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું. પછી પૂછ્યું, સાહેબજી જઈએ અમે? તો ગુરુ કહે છે ના, ના, હવે તમારે નથી જવું. તમે બેસી જાઓ. તહત્તિ. એ લોકોએ ભેટ બાંધેલી. ભેટ છોડે છે. આસન પર બેસી જાય છે અને સ્વાધ્યાય શરૂ કરે છે. હવે એ જ વખતે ગુરુદેવ બીજા બે સાધુને બોલાવે છે. અહીંયા આવો. તમારે જવાનું છે. તૈયાર થઈ જાઓ. આ નજરે જોવા છતાં પેલા બે મુનિવરોને કોઈ વિચાર આવતો નથી..! ભાઈ, અમે શું ખોટા હતા, હેં? અમે તૈયાર થઈને આવી ગયા હતા. તો કહે; ના, ના. તમારું કામ નથી. તમે બેસી જાવ. તમે ના જાઓ. તો શું વૈયાવચ્ચ કરવામાં અમે નિપુણ નથી? અમે સેવા નથી કરતા કોઈની? કોઈ જ વિચાર નહિ…
ગુરુ નાનકના જીવનની એક ઘટના આવે છે. એકવાર એ બેઠેલા હોય છે. એક શિષ્ય આવે છે. કોઇ પણ શિષ્ય હોય કામસેવા તો માંગે જ. સાહેબજી સેવા? તો ગુરુએ કહ્યું; પેલી જગ્યા છે ને ત્યાં એક ઝુંપડી બનાવવી છે. તો મંડી પડ્યો. ખરા બપોરે ઇંટ લાવ્યો. માટી લાવ્યો. પાણી લઇ આવ્યો. ભીંત ચણવા માંડી. સાંજ સુધી ન ખાધું, ન પીધું! એક જ વાત, “મારા ગુરુ મહારાજે મને કહ્યું છે.” સાંજે લગભગ ભીંત જે છે એ ખભા સુધીની ચણાઈ ગઈ. પછી એ ગુરુ પાસે આવ્યો. સાહેબજી આટલું કામ થઈ ગયું છે. તમને ખ્યાલ છે, આપણી પરંપરા છે – કોઇ પણ કાર્ય તમને ગુરુદેવે ભળાવ્યું, એ પૂરું કર્યા પછી તમારે નિવેદન કરવા માટે આવવું પડે. પણ એ નિવેદનનો મતલબ શું થાય? ગુરુદેવ એ કાર્ય થઈ ગયું છે, આપના ચરણોમાં સમર્પિત કરું છું. એટલે એ કાર્યનું કર્તૃત્વ પછી આપણી પાસે ન રહે.
કલ્પસૂત્રમાં વાત આવે. હરિણીગમૈષીને ઈન્દ્ર મહારાજ કહે કે જાઓ ગર્ભપરાવર્તન કરી આવો. એ ક્રિયા કરીને આવીને તરત પોતાના વિમાનમાં જતા નથી. સૌધર્મેન્દ્ર પાસે આવ્યા. હાથ જોડ્યા. સાહેબજી! આપે કહ્યું એ કામ પૂરું થયું છે. તો શિષ્યએ નિવેદન કર્યું કે સાહેબજી! આટલી ભીંત ચણાઈ. એ બેઠેલો. ત્યાં બીજો એક શિષ્ય આવ્યો. કાર્યસેવા પૂછી. ગુરુ કહે; પેલી ભીંત દેખાય ને એ તોડી નાંખજે. છતાં આના મનમાં કોઈ વિચાર પણ થતો નથી. એટલે અહંકાર જ્યારે શિથિલ બને ત્યારે ‘જ’ તમે સમર્પિત બની શકો.
અને એ અહંકારને શિથિલ કરવા માટે પંચસુત્રના પહેલા સૂત્રમાં સાધનાત્રિપદી આપી. શરણસ્વીકાર, દુષ્કૃતગર્હા અને સુકૃતઅનુમોદના. દુષ્કૃત ગર્હા. અત્યાર સુધી આપણે જે નાનામાં નાના આપણને સારા લાગતા કાર્યોં કર્યા છે. એને મેગ્નીફાઈંગ ગ્લાસ મારી મારીને જોયા છે. મેં કેટલું સરસ કર્યું.. મેં કેટલું સરસ કર્યું.. મેં કેટલું સરસ કર્યું.. અને બીજાના બહુ મોટા કાર્યોને પણ આપણે જોયા નથી! એટલે પંચસુત્રમાં સ્પષ્ટ કહ્યું, ટીકામાં, સુકૃતઅનુમોદન વખતે, ‘પરિષામ્ સુકૃતાનામ્ અનુમોદના’. તમારા સુકૃતની અનુમોદના કરવાની વાત નથી ત્યાં. એ અનુમોદના કરો એટલે શું થાય? અહંકાર delate થતો જ જાય. ધોવાતો જ જાય. ધોવાતો જ જાય. આ મહાત્મા કેટલા ગુણીયલ! આ મહાત્મા કેટલા ગુણીયલ! આ મહાત્મા કેટલા ગુણીયલ! એટલે અહંકાર જેમ શિથિલ બને; નમસ્કાર ભાવ પ્રબળ બને.
હું ઉપધાનમાં જે કામ કરું છું ને. પહેલા અઢારીયામાં. એ આ કામ કરું છું. કે અહંકાર ખરેખર એ સાધકનો શિથિલ થવો જ જોઈએ. અને એ નમસ્કારની ભાવની ધારામાં આવવો જ જોઈએ. બે વાર – ત્રણ વાર વાચના આપું. પહેલું અઢારિયું છે. બરોબર મહેનત કરી લઉં. ઠીક છે પાંત્રીસા-અઠ્યાવીસાવાળા પણ છે, તો નમુત્થુણંનો પણ મને વાંધો નથી. લોગસ્સ પણ અવાંતર લઇ લઉં. કારણ કે ત્રણેય ભક્તિસુત્રો જ છે.
એ વખતે હું એક ખાસ example આપતો હોઉં છું. એ પણ જર્મનીનું જ છે. એક જર્મનીના એક મહિલા પ્રોફેસર. એ બૌદ્ધગ્રંથના બહુ મોટા વિદ્વાન. યુનિવર્સિટીમાં ભણાવતા હતા. કેટલાયે ગ્રંથો ઉપર એમના પુસ્તકો પણ બહાર પડી ગયેલાં. કેટલાયે સેમિનારોમાં બોલી ચુકેલા. એટલે બૌદ્ધધર્મ ઉપર બોલવા માટે એક અધિકૃત વ્યક્તિ તરીકે એ ગણાતા હતા. પણ એમના મનમાં એક સવાલ થયો એકવાર. કે મેં મારા પ્રોફેસરો પાસેથી આ બધા ગ્રંથો લીધા છે. એક પણ ગ્રંથ ગુરુ પાસેથી લીધો નથી. અને એમને થયું. એક ગ્રંથ તો મારે ગુરુ પાસેથી લેવો જ છે. તિબેટની અંદર બહુ જ સારા ગુરુ. થોડો પરિચય એમની જોડે હતો. એમની જોડે વાત કરી કે મારે આ રીતે એકાદ મહિનો આપના ચરણોમાં રહેવું છે. અને ગુરુદત્ત ગ્રંથ મારે એક જોઈએ છે. એની સાથે સાથે પોતાના જેટલા પુસ્તકો બહાર પડેલા એ પણ ગુરુને મોકલી આપ્યા. અને ગુરુએ કહ્યું, એ દિવસે પહોંચી ગયા તિબેટ. હોટલમાં ઉતર્યા. ગુરુ પાસે જઈ આવ્યા. ગુરુએ સમય આપ્યો. આ સમયે તારે આવવાનું.
હવે ગુરુ કયો ગ્રંથ લે? એના માટે પણ પ્રોફેસરને કોઈ અવધારણા નથી. એક જ વાત છે કે ગુરુના શ્રીમુખે એક ગ્રંથ લેવો છે. ગુરુએ એક મહિનો એમને રોકાવાનું છે એટલે, નાનકડી ૧૦ પાનાની એક text નક્કી કરી. અને એ નમસ્કાર ભાવ ઉપરની જ હતી. અને એના ઉપરનું પુસ્તક પ્રોફેસરે ગુરુને મોકલાયુ હતું. ગુરુએ વાંચીને કચરા ટોપલીમાં નાંખી દીધું. કોરા શબ્દોનો કોઈ અર્થ હોતો પણ નથી! બપોરે ત્રણ વાગે પ્રોફેસર આવી ગયા. વંદન કરીને બેઠાં. અને ગુરુએ આ નમસ્કારભાવ ઉપરનું સૂત્ર શરૂ કર્યું. હવે એ ગ્રંથ ઉપર, નહિ – નહિ તો ૧૦૦-૧૦૦ વાર એ બોલી ચુક્યા હશે. કારણ કે text book હતી એટલે એ ભણાવવી જ પડે. વર્ષોથી ભણાવતા હતા. સેમિનારોમાં પણ આ જ ગ્રંથ ઉપર એ બોલતાં. અને પુસ્તકમાં પણ આ જ એમનું ફેવરેટ હતું.
ગુરુએ કંઇ જોવાનું હોતું જ નથી. ગુરુએ તો પ્રોફેસરને જોયા. એના ચહેરાને જોયો. માણસ અકક્ડ છે હજુ. વિદ્વાન છે પણ અક્કડ છે. એના અહંકારને delate કરી નાંખો. તો ગુરુએ આ સૂત્ર લીધું. બે-ત્રણ કલાક ગુરુ ઉપદેશ આપે. ગ્રંથમાંથી તો અડધું પાનું માંડ વંચાય. એક પેરેગ્રાફ વંચાય. તો પહેલું અઠવાડિયું ગુરુએ એમાં લીધું. How to bow? કઈ રીતે ઝૂકવું? એક અઠવાડિયું એના ઉપર લેક્ચર્સ થયા. પહેલો જ પાઠ – how to bow? કેવી રીતે ઝૂકવું? ગુરુએ કહ્યું કે તું અહીંયા આવી. તે મને વંદન કર્યું પણ વંદન એ ખરેખરનું વંદન હતું?
ગુણીના ચરણોમાં આપણે જઈએ અને ઝુકીએ; શાસ્ત્રો કહે છે કે ગુણ આપણને મળે જ! એટલે હવે ગુરુવંદન જે છે, એ ફોર્માલીટી છે? આપણે જોવું પડે. માત્ર ફોર્માલીટી હશે તો કાંઈ મળવાનું નથી. નહિ તો એક-એક સદ્ગુરુઓને વંદન કરો. અને એમના જે ગુણો છે એ મેળવવાની ઈચ્છા કરો. ગુરુ ઉદાર છે. તમને આપી દેશે તરત. માત્ર ઝૂક્યા કે મળ્યું! કોઈ ગ્રંથ વાંચવાની બહુ જરૂર નથી.
હું ઘણીવાર કહું છું કે કોઇ પણ સાધકને દીક્ષા લેવી હોય તો કેટલો અભ્યાસ જોઈએ? દીક્ષા પહેલાં. દીક્ષા પછી. આવશ્યક ક્રિયાના સુત્રો એને આવડતા હોય તો વધારેનો અભ્યાસ કેટલો જોઈએ? તો શાસ્ત્રએ સ્પષ્ટ કર્યું, કે ગુરુની આજ્ઞાને decode કરતા આવડે. ગુરુની આજ્ઞાને સમજતા આવડે એટલું જ્ઞાન હોય તો પૂરતું છે, વધારાની જરૂર નથી. કારણ કે તમે ગુરુના સુપરવિઝનમાં છો ને. ગુરુ તમારી પૂરી કેર કરે છે. બેટા! તારે આમ કરવાનું, બેટા! તારે નહિ કરવાનું.
એક ડોક્ટર m.s ડોક્ટર કે m.d ડોક્ટર, અને એમાં પણ પાછો સ્પેશીયાલીસ્ટ થયેલો હોય. લગભગ ૨૦ થી ૨૨ થી ૨૩ વરસ એ ભણે છે. ત્યારે એ સ્પેશીયાલીસ્ટ બને છે. અને એનું જ્ઞાન તમને મળી જાય છે. તમે માત્ર એની પાસે જાઓ છો. તમે એની ફી ચૂકવો છો. ૨૩ વરસમાં એને જે મેળવ્યું છે. એ જ્ઞાન તમને 5 મીનીટમાં આપી દે છે. તમારું આ દર્દ છે. તમારે આ દવા લેવાની છે. અઠવાડિયે મને મળજો. તમે ok થયેલા જ હશો. આપણે મેડિકલ બુલેટીન્સ વાંચી વાંચીને કેટલા વાંચશું? તો અહીંયા પણ જે સદ્ગુરુ જે છે. જે ગીતાર્થ છે.. એ ગીતાર્થ સદ્ગુરુઓના ચરણોમાં આપણે સમર્પિત થઈ ગયા. ગુરુ કહે તે કરવું છે. હવે તમારી પાસે કેટલું જ્ઞાન હોય એ જરૂરી નથી.
માષતુષમુનિ જ્ઞાની બની જ ગયા. અવધિજ્ઞાની બની ગયા. તો એટલે જ મહત્વની વાત એ પકડવાની છે કે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ કરતા મોહનીયના ક્ષયોપશમ ઉપર મદાર આપો. મોહનીયનો ક્ષયોપશમ શી રીતે થાય? પ્રભુના વચનો પ્રત્યેનો તીવ્ર આદર. અને પ્રભુ આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. આ બે વસ્તુઓ તમને જો મળી જાય તો મોહનીયનો ક્ષયોપશમ તમે ધારો એટલો કરી શકો. કારણ? પ્રભુની આજ્ઞા પ્રત્યે તમે ઝુક્યા, અને પ્રભુની આજ્ઞાના પાલકો પ્રત્યે તમે ઝૂક્યાં. બસ ઝૂકવું, એ જ મોહનીયનો ક્ષયોપશમ!
આમ કેટલી નાનકડી વાત છે? જે મોહનીયે અનંતા જન્મોથી આપણને નરક અને નિગોદની સફર કરાવી છે. એ જ મોહનીયનો ભુક્કો ખાલી આટલાથી બોલી શકે એમ છે! તો પ્રભુ આજ્ઞા પ્રત્યે તીવ્ર આદર અને પ્રભુ આજ્ઞાના પાલકો પ્રત્યે તીવ્ર આદર. તો મોહનીયનો ક્ષયોપશમ જેમ-જેમ થશે. અહંકાર શિથિલ બન્યો. તમે નમ્ર બની ગયા. ઝૂકી ગયા.
તો એક અઠવાડિયું ગુરુએ માત્ર આ વાત સમજાવી. How to bow? મતલબ, ખાલી કેમ થઈ જવું? માથું ઝૂક્યું એટલે બધું જ ઝુકી જવું જોઈએ. બધું ખરી પડે. આપણે ત્યાં બે વાત છે – તમે ખાલી થઈને આવો તો ગુરુ તમને ભરી આપે. અને તમને ખાલી થતા પણ ન આવડતું હોય તો ગુરુને કોરો ચેક આપી દો, ગુરુ તમને ખાલી કરી આપશે. બેઉ સર્વિસ છે. ખાલી થયેલા છો, ગુરુ તમને ભરી દેશે. ખાલી નથી થઈ શકતા તોય વાંધો નથી. સદ્ગુરુ એના માટે જ બેઠા છે. સદ્ગુરુ પ્રોપર્લી અને પરફેકટલી કામ કરશે, તમને દોષમુક્ત બનાવવાનું, પણ એ ક્યારે થઈ શકશે? તમે totally surrender હોવ ત્યારે. નિષ્ણાંત ડોકટર ઓપરેશન કરે. પણ પેલો હોસ્પિટલમાં એડમીટ જ ન થાય તો ડોકટર શું કરે?
આમ મને છે ને એક નવાઈ લાગે કે સમર્પણ અઘરું કેમ પડે છે? કે બધે તમે સમર્પણ તો કરતાં જ આવ્યા છો. હોસ્પિટલ ગયા તો ડોક્ટરનું સમર્પણ. એ કહે એટલું જ ખાવાનું. એ કહે, એ દવા લેવાની. તો આવી બધી જગ્યાએ તમે surrender થઈ શકો છો તો સદ્ગુરુને surrender કેમ નથી થઈ શકતા?
હવે બીજી વાત છે – મને ઘણીવાર પૂછવામાં આવે. સાહેબ તમે તો આમ હસતા-હસતા બોલો છો. સમર્પિત થઈ જાઓ. સમર્પણ શી રીતે કરવું? બહુ અઘરું છે? Its so hard? Its so tough. સાહેબ બહુ અઘરું પડે. હું એમને કહું કે તમારી પાસે છે શું કે તમારે સમર્પણ કરવાનું, એ મને કહો? તમારી સંપત્તિ બતાવો. એક ગ્રહસ્થ હોય તો એની પાસે સંપત્તિ હોય કે પૈસો છે. પૈસા પુણ્યના ઉદયથી મળ્યા છે. માલિક પુણ્ય છે અને પ્રભુ છે. તારી પાસે શું છે? એક ગંદુ શરીર અને બીજું ગંદુ મન. લક્ષ અને લીરીલથી ન્હવડાવી ન્હવડાવીને સાફ કરે તોયે પરસેવાની બદબૂ વહાવે એવું શરીર છે. ને રાગ-દ્વેષ-અહંકારથી ખદબદતું મન છે. હવે આ ગંદુ શરીર અને આ ગંદુ મન. આ બે જ તો તમારી માલિકીની વસ્તુ છે. આ બે સદ્ગુરુને આપી દો. ગુરુ તમને મોક્ષ આપશે! બોલો આવી grand exchange offer કોઈએ કરી હોય? કચરો લાવ અને તને સોનું આપી દઉં.
મને એ સમજાતું નથી કે તમે ક્યાં અચકાવો છો, સમર્પિત થવામાં? તમારો અહંકાર પણ તમને મૂલ્યવાન લાગે છે. ઊંડાણમાં જાઓ તો આ જ વસ્તુ છે. તમારો ‘હું’ તમને બહુ જ મુલ્યવાન લાગે છે. You have no reason. પણ ઊંડા ઉતરો તો ખ્યાલ આવે કે કારણ કોઈ નથી આનું. પણ આ જ મોહનીયનો ઉદય. તમે એક જાગૃત સાધક હોય ને તો એક માર્ક કરીને જુઓ. અહીંયા તો આપણે શાંતિ છે લોકો આવતા નથી. પણ વ્યસ્ત શહેરમાં હોવ ત્યારે ખાસ માર્ક કરીને જુઓ રાતના સમયે કે વહેલી સવારે તમે ઉઠ્યા. મોડી રાત્રે તમે ઊંઘ્યા. સુવાની તૈયારી કરી રહ્યા છો. હવે સવારથી અત્યાર સુધીમાં જે વિચારો આવેલા તમને. એની ટેપને રીટેક કરો. કેસેટ આખી રીટેક કરો. ફરીથી ઉથલાવો. દર ૧૦-૧૫ મીનીટે ‘હું’ આવશે. મેં પેલાને આમ કહ્યું હતું, પેલો impress થયો. અલ્યા, પેલો થયો કે ન થયો તું થઈ ગયો એનું શું? તે નોંધ લીધી એટલે તું પણ impress થઈ ગયો.
એક ફિલોસોફરે બહુ સરસ લખેલું. કે રીસેપ્શન હોય ને ત્યારે દરેક વ્યક્તિ સારા કપડાં પહેરીને જાય. પણ હરામ બરોબર જો એના કપડાને એના સિવાય બીજું કોઈ જોતું હોય તો! કારણ કે બધાને પોતાના કપડાં દેખાડવા હોય. કોઈ દેખવા આવ્યું નથી! અને આ જ વાત સંગોષ્ઠીમાં મળે. સાત જણા હોય અને બોલવાનું હોય, તો હવે ખરેખરમાં શ્રોતા એકેય નથી હોતો. પેલો બોલે એટલે બીજો વિચાર કરે કે મારે આના પછી બોલવાનું છે. એવું બોલું ને કે આની વાત કપાઈ જાય. એટલે પેલાનું ભાષણ સાંભળતો ન હોય. માત્ર point જોતો હોય અને point વિચારતો હોય.
એકવાર છે ને બહુ મજાની વાત થઈ. એક બહુ પ્રસિદ્ધ સંતે સંગોષ્ઠી રાખી. અને એમાં દેશના ઉચ્ચ વિદ્વાનોને બોલાવેલાં. મોરારજીભાઈ દેસાઈ પણ હતાં. હવે પ્રવચન જુદી વસ્તુ અને સંગોષ્ઠી જુદી વસ્તુ. પ્રવચનમાં એક કે બે પ્રવક્તા છે અને બીજા બધા ઓડીટોરીયમમાં સામે બેસનાર છે. સંગોષ્ઠીમાં તો બધાયે એકસરખી રીતે મંચ પર બેઠેલાં હોય. એક પછી એક…! પેલા સંત જે છે ને એ ઊંચા બેઠેલાં. એમનું સ્ટેજ બહુ ઊંચું. અને આ બધા લોકોનું સ્ટેજ નીચું. મોરારજીભાઈ તો સ્પષ્ટભાસી માણસ. એ કહે ચાલો સંગોષ્ઠીની શરૂઆત કરવાની છે. હું જ સંગોષ્ઠીની શરૂઆત કરું. આયોજકોને મારો પ્રશ્ન છે કે આ સંગોષ્ઠી છે કે પ્રવચન છે? તમે શેના માટે અમને લાવ્યા છે? જો સંગોષ્ઠી હોય તો બધાનું સ્થાન સરખું જ હોય. કોઈ ઊંચું ને કોઈ નીચું એવું ન હોય. આયોજકોને લહેમીલ થઈ ગઈ. એ કહે; સાહેબ! એ તો ગુરુ છે. એ કહે; ગુરુ હોય તો તમારા. અમારે શું છે? અને મોરારજીભાઈ એટલે, લીધા પછી છોડે નહિ. તમારા સંત. કયા કપડા પહેર્યા છે બોલો? મીલના કપડાં. કેટલી હિંસા થાય એમાં ખબર છે? હું ખાદીને જાતે વણું છું અને જાતે વણેલી ખાદીના કપડાં પહેરું છુ. હું વિલાયતી દવા એકેય લેતો નથી. અને સંતને પૂછો કે કેટલી લે છે? અમુક દેશમાં જવું હોય ને તો તમે એરપોર્ટ પર ઉતરો અને ત્યાં જ તમારે રસી લેવી પડે. એના પહેલા દેશમાં દાખલ ના થવા દે. મોરારજીભાઈને ઘણા દેશોથી, વડાપ્રધાન હતા, ત્યારે નિમંત્રણ આવેલું. સ્પષ્ટ કહી દે હું કાંઈ રસી-બસી લેનારો માણસ નથી. હું બિલકુલ એના માટે જે છે નિષેધવાળો માણસ છું. તમારે બોલાવો હોય તો બોલાવો. આ નહિ થાય. મોરારજીભાઈ એક પછી એક વસ્તુ બોલતા ગયા. તમારો સંત, હું, તમારો સંત અને ‘હું’. સંગોષ્ઠી જે છે. આખી ખતમ થઈ ગઈ!
હું મુંબઈ વાલકેશ્વર હતો. ચોમાસું. તો હેંગિંગગાર્ડન તરફ જાઉં. Morning walk માં. એક ભાઈ મારી જોડે આવતાં. મને કહે સાહેબ મહારાષ્ટ્ર સરકારના બધા જ મીનીસ્ટરો આ વાલકેશ્વરની ટેકરી ઉપર જ છે. બધા એના બંગલા અહીંયા જ છે. મારે બધાની જોડે આમ close contact છે. તમે કહો એ મંત્રીને તમારી સભામાં લઈને આવું. મેં કીધું; મારે એકેય મંત્રી જોઈએ જ નહિ. એને શ્રોતા તરીકે આવીને જાજમ ઉપર બેસવું હોય તો આવી જાય. બાકી ફૂલહાર કરાવવા કે મંત્રીઓનું સન્માન કરાવવું, એ મારી dictionery માં નથી. અને આજના મીનીસ્ટરો, એમની કોઈ શક્તિ જ નથી આમ જુઓ તો. એમની કોઈ તાકાત જ નથી કોઈ. એ લોકો કોઈ નિર્ણય લઇ શકતા જ નથી. એટલે સીધી જ વોટ્સ ઉપર નજર જાય છે. અમુક કોમને દુભવી ન શકાય. અમુકને રાજી રાખવા પડે. એટલે કોઈ જ વાસ્તવિક નિર્ણયો એ લોકો લઇ શકતા નથી હોતા.
એક અઠવાડિયા સુધી ગુરુએ કેમ ઝૂકવું એ શીખવાડ્યું. હવે બોલો સમજી ગયા ને? કંઇ આપવાનું છે નહિ! મૂડી છે નહિ. સુદામાએ તાંદુલ આપવાના છે અને કૃષ્ણ સોનું આપવાના છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક સરસ કથા લખી છે. અદ્ભુત્ત કથા છે. સ્વપ્ન ચાલતું હતું. એક ભિખારી હતો. અને રોજ થોડા-થોડા દાણા માંગી આવતો. અને એમાંથી જ એનું જીવન ચાલતું હતું. દાણા માંગીને ઘરે આવ્યો ભિખારી. ભિખારીનું સ્વપ્નું ચાલે છે. અને દાણા ભરેલી થેલી હતી. ખીંટીએ લટકાવી છે. ત્યાં જ સોનાનો એક રથ એના દ્વાર પાસે આવે છે. આ તો આભો થઈ ગયો. કોણ આવ્યુ હશે? ઉઠ્યો. નીચે ઉતર્યો કોઈ માણસ. પેલો કહે ઓહો, ભગવાન કહે છે એ આ તો નહિ હોય. સોનાનો રથ છે. બહુ તેજસ્વી રૂપ છે. તો એ ભગવાન કહે છે, મને થોડા દાણા આપને? તારી ઝોળીમાંથી થોડા દાણા આપને? આ તો ભિખારી. દાણા આપતા જીવ કેમ ચાલે? છતાંયે ગણીને પંદરેક દાણા ચોખાના આપી દીધા. પેલાએ કીધું બસ? બસ, હવે વધારે નહિ. હું તો રખડી રખડીને તો લાવું છું. રથ પસાર થઈ ગયો. પછી પેલાએ ઝોળી ઉતારી તો પંદર સોનાના ચોખા અંદર હતા. હવે એને કેટલો પસ્તાવો? પંદર ચોખાના દાણા આપ્યા અને પંદર સોનાના દાણા મળ્યાં. બધું આપી દીધું હોત તો? હું ઝુંપડીમાંથી મહેલમાં પહોંચી જાત. એટલે અનંત જન્મોથી આપણે પણ બચી બચીને ચાલ્યા છીએ.
પરમચેતનાના સમુદ્રના કિનારે ગયા પણ ખરા. એક છલાંગ જ લગાવવાની હતી. એક જ વાત. પછી મારું ‘હું’ નહિ રહે તો? પરમચેતનામાં, ગુરુચેતનામાં ‘હું’ વિલીન થઈ જાઉં પછી મારા ‘હું’ નું શું? અરે ભાઈ! તારો ‘હું’ બિંદુ જેવું છે. તું સમુદ્રમાં ભળીશ તો બિંદુ સમુદ્રપણાને પામશે.
તો આ પ્રોફેસર એટલી સજ્જતા સાથે આવ્યા છે. કાલે આપણે વાત આગળ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે એક મહિનાની અંદર એ પ્રોફેસર કેટલા તો સમર્પિત બનીને જાય છે! અત્યાર સુધી જેના માથે કોઈ ગુરુ ન હતા. જર્મન કલ્ચરમાં ઉછરેલી બાઈ. માત્ર એક ધંધા તરીકે પ્રોફેસરી લીધેલી. લેકચરર બનેલાં. અને એક ધંધો હતો. પ્રોફેસર હતા. કોઈ ભક્તિભાવ પણ એટલો બધો હતો નહિ. માત્ર એક ઈચ્છા થઇ. ગુરુ પાસેથી ગ્રંથ લઉં. અને એને કારણે ગુરુએ જે અમૃત આપ્યું છે ને, અદ્ભુત્ત! પણ દરેક ગુરુઓ અમૃત વરસાવતા જ હોય છે. લેનાર ક્યાં છે?
હું ઘણીવાર કહું છું. શક્તિપાત કરનારા ગુરુઓ તો ઘણા છે. એને ઝીલનારો ક્યાં છે? ઝીલનાર જોઇશે ને! તો આ વાત હમણાં જ બનેલી છે. બહુ અદ્ભુત્ત છે. કે એક મહિનામાં ગુરુ કઈ કઈ રીતે શીખવાડે છે? ગુરુની શીખવવાની પણ ટેકનીક કઈ છે? તમને પણ ખ્યાલ આવે કે તમારે ઝૂકવું હોય તો કઈ રીતે ઝુકી શકો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *