દેહ નિર્મમ નિર્મદા
ઉદાસીનદશામાં ડૂબેલ સાધક શુદ્ધ આત્મસ્વરૂપની અંદર સતત રમણ કરતો હોય છે. તમને ત્યાં પહોંચવામાં બે અવરોધ નડે છે – એક તો છે શરીર પ્રત્યેનું તમારું મમત્વ અને એથી પણ મોટો અવરોધ છે તમારા સૂક્ષ્મ _હું_ નો.
તમારું જે કર્તૃત્વ છે, એ જ સ્વરૂપદશામાં જવા માટે બાધક બને છે. સ્વરૂપદશા શુદ્ધ being ની ઘટના છે; તમારી પાસે doing છે. _હું_ આમ કરી નાંખું ને _હું_ તેમ કરી નાંખું! પણ યાદ રાખો કે તમને પ્રભુ કશું જ કરવા માટે અહીં લાવ્યા નથી; માત્ર તમારા being ના અનુભવ માટે લાવ્યા છે.
તમે વેંતિયા માણસો; તમે કરી પણ શું શકો? તમારું કાર્ય કેવું નાનકડું હોવાનું! એના બદલે પ્રભુને પ્રગટવા દો તમારી ભીતરથી. પ્રભુ તમને નિમિત્ત બનાવશે. બસ, પ્રભુનો આભાર માની અને કાર્ય પૂરું કરી દેવાનું.
નવસારી તપોવન વાચના – 10 [7.4.2020]
“પ્રભુ નિર્મલ દરિશન કીજીયે”
નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠ ભૂમિકા ઉપર થયેલું દર્શન. અને એ નિર્વિકલ્પદશા પ્રગાઢ બને, ત્યારે શું થાય? ઉદાસીનદશા આવે. ‘औदसिन्यनिमग्न:’
યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞશ્રીએ કહ્યું;
औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा l
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥
ઉદાસીનદશામાં ડૂબેલ સાધક હોય. ચારિત્ર એટલે ઉદાસીનદશા. ચોથે ગુણઠાણે જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ. પાંચમેથી ઉદાસીનદશા શરૂ થઇ. છટ્ઠે પણ ઉદાસીનદશા. સાતમે તો પ્રગાઢ ઉદાસીનદશા. એ ઉદાસીનદશામાં આવેલો મુનિ કેવો હોય?
એનું એક મજાનું ચિત્ર દેવચંદ્રજી મહારાજે નવપદપૂજામાં આપ્યું છે;
“जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा।
काउसग्ग मुद्रा घिर आसन, ध्यान अभ्यासी सदा।। ”
ફરીથી –
“जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा।
काउसग्ग मुद्रा घिर आसन, ध्यान अभ्यासी सदा।।
तप तेज दीपे कर्म झीपे, नैव छीपे परभणी।।
मुनिराज करुणासिंधु त्रिभुवन, बंधु प्रणमुं हित भणी।। ”
શરૂઆત કરે છે – “जे रम्या शुद्ध स्वरूप रमणे” શુદ્ધ આત્મ સ્વરૂપની અંદર જે સતત રમી રહ્યા છે, એ પ્રભુના મુનિ છે. તરત જ સવાલ થયો કે મુનિત્વની પ્રાપ્તિ પહેલાં આ જ વાત મનમાં હતી; કે પરનો સંગ છોડીને પરમના સંગ માટે હું જાઉં છું. તો આ લક્ષ્યાંક દીક્ષાની પહેલાં હતું કે મારે માત્ર અને માત્ર મારી ભીતર જતાં રહેવું છે. તો એ લક્ષ્યમાંથી ચૂક કેમ થઇ…? બે કારણો આપે છે. અને એકદમ appropriate reasons છે.
“जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा” બે અવરોધ છે તમારી પાસે – એક તો શરીર પ્રત્યેનું મમત્વ, અને એથી પણ વધુ અવરોધ છે, તમારા સૂક્ષ્મ ‘હું’ નું. ‘હું’ આમ કરું! આખું જ તમારું જે કર્તૃત્વ છે, એ સ્વરૂપદશામાં જવા માટે બાધક બની જાય. સ્વરૂપદશા શુદ્ધ being ની ઘટના છે. તમારી પાસે doing ની ઘટના છે. ‘હું આમ કરી નાંખું ને.. ‘હું’ આમ કરી નાંખું.. What can you do? તમે શું કરી શકો? તમારી ભીતરથી પ્રભુને પ્રગટવા દો! તમે વેતિયા માણસો, તમારું કાર્ય પણ કેવું હોવાનું? નાનકડું! એના કરતાં પ્રભુને પ્રગટવા દો તમારી ભીતરથી.
તો “देह निर्मम निर्मदा” – દેહનું મમત્વ અવરોધ છે. પણ છતાં કદાચ આપણે એની પેલે પાર જઈ શકીએ છીએ. પણ આ સૂક્ષ્મ ‘હું’ ની પકડ છે ને એટલી બધી મજબુત છે, કે જાણે આપણને આ દુનિયામાં કંઈક કરવા માટે પ્રભુએ લાવ્યા હોય! તમને પ્રભુએ કશું જ કરવા માટે અહીં લાવ્યા નથી, માત્ર હોવાનો અનુભવ કરવા માટે લાવ્યા છે.
એક બૌદ્ધ ભિક્ષુ હતાં. એકવાર રડતાં હોય છે. તો એક ભક્તે પૂછ્યું; સાહેબ કેમ રડો છો? તો બૌદ્ધ ભિક્ષુએ કહ્યું; હું સાંજે બુદ્ધ ભગવાન પાસે જઈશ, કદાચ બુદ્ધ ભગવાન મને પૂછે; કે તું આનંદ જેવો વિરાગી સાધુ કેમ ન બન્યો? હું કહીશ, પ્રભુ તમે જેવો બનાવ્યો એવો હું બન્યો છું. કદાચ ભગવાન મને પૂછશે મુદ્ગલાયન જેવો પ્રખર જ્ઞાની સાધુ તું કેમ ન બન્યો? હું કહીશ, પ્રભુ તમે બનાવો એવો જ હું બનું ને…! પણ જો પ્રભુ મને પૂછશે, કે તારું ચિત્ત ડામાડોળ કેમ છે? તો હું શું જવાબ આપીશ? કારણ – દીક્ષા વખતે પ્રભુએ મને ‘થિરચિત્ત’ નામ આપેલું છે. તમને ખ્યાલ છે? “नामन्यास एव शक्तिपात:” ષોડશકમાં હરિભદ્રાચાર્યએ કહ્યું છે.
સદ્ગુરુ દીક્ષા વખતે તમને જે નામ આપે છે ને એ શક્તિપાત છે. ૨૦ વર્ષ સુધી કદાચ નિમિત્ત મળે અને તમને કદાચ ગુસ્સો થઇ પણ જતો હતો. ગુરુ દીક્ષા વખતે નામ આપશે. તારું નામ પ્રશમરતિવિજય. હવે ગુસ્સો કરજો હવે? કરી જ ન શકો! પણ એ ક્યારે થાય? નામન્યાસ એ શક્તિપાત ખરો પણ શક્તિપાત ઝીલાયો હોય તો…! તો શક્તિપાત ઝીલાઈ જવો જોઈએ.
તો પેલા બૌદ્ધ ભિક્ષુ કહે છે; કે ભગવાન મને પૂછશે; કે તારું ચિત્ત ડામાડોળ છે. તો હું શું જવાબ આપીશ? કારણ કે પ્રભુ મને એવો જ બનાવવા માંગે છે.
હું ઘણીવાર મારા શિષ્યોને પૂછું; કે પ્રભાવક પ્રવચનકાર બનવાથી ઇચ્છાથી મારી પાસે તમે આવેલા હોય ને, તો ખોટી જગ્યાએ આવી ગયા છો. હું પોતે જ પ્રભાવક નથી. મેં પહેલા કહેલું કે હું વિશેષણ વગરનો માણસ છું. તો ભગવાને આચાર્ય પદ આપી દીધું, પંચપરમેષ્ઠીનું ત્રીજું પદ. હવે આગળ વિશેષણની જરૂરીયાત છે જ નહિ. પણ મેં કહ્યું કદાચ શિષ્યોને અભરકો થાય, તો એક જ વિશેષણ : શાસન પ્રભાવિત. આપણે શાસનને પ્રભાવિત કરી શકીએ એ વાત છે જ નહિ. આપણે શાસનથી પ્રભાવિત થયેલા માણસો છે.
એકવાર પ્રદ્યુમ્નસૂરિ મહારાજ મારી જોડે આવેલા. મારા ટેબલ ઉપર પુસ્તકોનો ખડકલો. એ વખતે તો બહુ વાંચતો. હવે તો બહુ ઓછું થઇ ગયું વાંચવાનું. જેમ-જેમ ધ્યાન વધ્યું, એમ જ્ઞાન છૂટી જ ગયું. શબ્દો છૂટવા માંડ્યા. એટલે બહુ ઓછું વાંચું છું હવે. એ વખતે અંગ્રેજીમાં જેને book worm કહે ને, એવો હું પુસ્તકીયો કીડો હતો. એટલે ઢગલાબંધ પુસ્તકો પડેલા હોય. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ મારા ખાસ મિત્ર – closed friend. કલ્યાણમિત્ર. એમણે પુસ્તકોના titles જોયાં. એવા લેખકોના પુસ્તકો હતાં – નિત્સે, કામુ, માર્ક્સ કે જે લોકોએ કલમના ગોદે લાખો માણસોના મનને ફેરવી નાંખેલા. એમને ચિંતા થઇ, કલ્યાણમિત્ર તરીકે ચિંતા થાય જ! મને કહે તમે આટલું બધું વાંચો છો, તમારું મન તો ફરી નહિ જાય ને? અને એમને અધિકાર હતો આ કહેવાનો. મેં અનાયાસે જ એ વખતે કહેલું; કે પ્રભુએ અને પ્રભુશાસને એટલી હદે મને પ્રભાવિત કરી નાંખ્યો છે, કે દુનિયાની કોઈ વ્યક્તિ કે કોઈ ઘટના હવે પ્રભાવિત કરી શકે એમ નથી. એટલે આપણે બધાએ શાશનપ્રભાવિત બનવાનું છે. પ્રભાવક આપણે છીએ જ નહિ!
હું ઘણીવાર કહું છું; તીર્થરક્ષા માટે આપણે કાયોત્સર્ગ કરીએ. તો તીર્થની રક્ષા આવો અર્થ નહિ કરવો જોઈએ. પ્રભુનું શાસન હું નહિ હોઉં, તમે નહિ હોવ તો સાડા અઢાર હજાર વર્ષ ચાલવાનું જ છે. આપણે હોઈએ ન હોઈએ, કોઈ ફરક પડવાનો નથી. તો તીર્થરક્ષાનો કાયોત્સર્ગ એટલે શું? તીર્થદ્વારા મારી રક્ષા! આ પ્રભુના શાસન દ્વારા મારી રક્ષા!
વીરવિજય મહારાજ નવ્વાણું પ્રકારની પૂજામાં આ જ વસ્તુ લઈને આવ્યા છે. જાવડશાહે તીર્થોદ્ધાર કર્યો એમ આપણે કહીએ; પણ વ્યવહારની ભાષા છે. જાવડશાહના મનમાં શું હતું? એ વાત વીરવિજય મહારાજ નવ્વાણું પ્રકારની પૂજામાં લઈને આવ્યાં : “સંવત એક અઠલંત રે, જાવડશાહનો ઉદ્ધાર; ઉદ્ધરજો મુજ સાહિબા રે” જાવડશાહ કહે છે, પ્રભુ! તારા ચરણોમાં એક નાનકડું પુષ્પ એટલા માટે મુકું છું કે; તને યાદ રહે કે આ ભક્તનો ઉદ્ધાર કરવાનો છે. હું તીર્થોદ્ધાર નથી કરવાનો, તારે મારે ઉદ્ધાર કરવાનો છે. તો doing માટે આપણે અહીં આવ્યા નથી; આપણે માત્ર being માટે આવ્યાં છીએ. અને એટલે જ આપણી પહેલાંની પરંપરામાં ધ્યાન વધુ હતું.
તમને ઉત્તરાધ્યયન આપેલી રાત્રિની દિનચર્યાનો ખ્યાલ છે? રાત્રિની દિનચર્યા એવી છે; “पढमं पोरिसि सज्झायं बीए झाणं झियायए तइयाए निद्दमोक्खं तु” પહેલા પ્રહરમાં સ્વાધ્યાય. બીજામાં ધ્યાન. અત્યારની પરંપરાએ બીજો અને ત્રીજો બેય પ્રહર નિદ્રા માટે આપેલો છે. પણ ઉત્તરાધ્યયનની મૂળ પરંપરા જે છે એમાં પહેલા પ્રહરમાં સ્વાધ્યાય. બીજા પ્રહરમાં ધ્યાન. હવે મજાની વાત એ છે; “तइयाए निद्दमोक्खं तु” લખે છે. “तइयाए निद्दं तु” નથી લખ્યું. ત્રીજા પ્રહરમાં નિદ્રા લેવી એવું નથી કહેતાં. ‘तइयाए निद्दमोक्खं तु’ નિદ્રામોક્ષ. મતલબ એ છે; કે એક પ્રહર તમે ધ્યાન કર્યું છે, તો fresh થઇ ગયા છો તો નિદ્રા કરવાની જરૂર નથી. કારણ અત્યારે એવું નિષ્કર્ષ એવો નીકળ્યો છે કે તમે પાંચ કે છ કલાક ઘસઘસાટ સૂઈ જાવ અને તમને જે freshness મળે, એના કરતાં પણ બે કલાકના ધ્યાનથી વધુ freshness મળે. કારણ શું છે? કે નિદ્રાની અંદર જ્યારે સ્વપ્ન વિગેરે ચાલે છે ને ત્યારે તો conscious mind પણ થોડું જાગતું હોય છે. ઘસઘસાટ નિદ્રા હોય છે ત્યારે પણ અંદરનું મન તો જાગતું જ હોય છે. અને એટલે જ ‘अतरंत पमज्जए भूमिं’ કહ્યું.
ધ્યાનમાં તમે શું કરી શકો છો? મનને પેલે પાર જઈ શકો છો. ધ્યાનનો મતલબ જ આ સમજવાનો – મન ન હોય અને તમે હોવ, એનું નામ ધ્યાન. ધ્યાનની સરળમાં સરળ પરિભાષા આ – તમે ન હોવ, એટલે કે તમારું વૈભાવિક મન ન હોય, સંજ્ઞાપ્રભાવિત મન ન હોય; અને તમારું નિર્મળ આત્મ-સ્વરૂપ અથવા તમારા નિર્મળ આત્મ-ગુણો હોય, એનું નામ ધ્યાન. સમભાવમાં તમે ગયા, એટલે સમભાવમાં તમે જશો ક્યારે? નિર્વિકલ્પતા તમે પહેલાં લાવશો તો જ સમભાવમાં જઈ શકશો.
તમે પરમાં કઈ રીતે જાવ છો? વિકલ્પો દ્વારા જાવ છો. પરમાં જવાની બારી કઈ છે વિકલ્પો. શેરીમાં રહેલું રજકણ તમારા રૂમમાં ક્યારે આવે? હવાની પાંખ પર ઉડીને આવે છે. એ જ રીતે વિભાવ જે છે એ વિકલ્પની હવા ઉપર, વિકલ્પની પાંખ પર ઉડીને આવે છે. તમે વિકલ્પ જે છે એને delete કરી નાંખો તો? વિકલ્પને delete કરો એટલે શું થાય? પરમાં જતો ઉપયોગ બંધ થયો.
એ નક્કી કરો કે તમારે તમારો ઉપયોગ પરમાં રાખવો છે કે સ્વમાં રાખવો છે? નક્કી તો કરો. એના માટે જ દેવચંદ્રજી મહારાજે સરસ વાત કરી કે ગુપ્તિ ઉત્સર્ગ છે, સમિતિ અપવાદ છે. ઈર્યાપૂર્વક તમે ચાલો એ અપવાદ છે. કારણે જવું પડે છે. પણ ઉત્સર્ગમાર્ગ શું? કાયગુપ્તિ, બેસી જ રહેવાનું. ભાષાસમિતિ અપવાદ છે. કે કારણે બોલવું પડે છે, ત્યારે તમે બોલો છો. બાકી વચનગુપ્તિમાં જ તમારે રહેવાનું છે.
તો હવે આપણે શુભમાં તો કમસેકમ રહીએ. સમિતિમાં રહ્યા એટલે તમે શુભમાં રહ્યા. તમારું મન પ્રભુએ કહ્યું છે એ જ વિચારોમાં જાય છે. તમારું મન પ્રભુએ કહેલા શબ્દોના ચિંતનમાં જાય છે, બીજે ક્યાંય આડું-અવળું જતું નથી. કોઈના દોષને જોવામાં તમારું મન ક્યારે પણ વાપરી શકાય નહિ. તો સમિતિ તો basement છે. તો basement થી પણ નીચે જશો?!
આપણી યાત્રા શું તમને ખબર છે? શુભથી શુદ્ધ સુધીની આપણી યાત્રા છે. શુભ એ તળેટી. શુદ્ધ એ શિખર. તો તમે અશુભમાં જાવ તો ખીણમાં ગયા.! શુભને basement એટલા માટે કહ્યું; કે એ basement પરથી તરત ચડી જવાશે.
દા.ત. આપણે પાલીતાણામાં જ છીએ. બાજુની જ કોઈ ધર્મશાળામાં છીએ. સવારે ઉઠ્યા. નિત્ય ક્રિયા કરી. વિચાર છે આજે યાત્રા કરી આવીએ. ફટ કરતાં આગમમંદિરમાંથી નીકળ્યા અને તળેટી ચૈત્યવંદન કરીને ઉપર. પણ અહીંયા આપણે બેઠેલા હોઈએ તો? ભલે ને ચોમાસું નથી, શેષ કાળ છે પણ તળેટી જ બહુ દૂર છે. એટલે સાધકની યાત્રા પદ છે શુભથી શુદ્ધ સુધીની. શુભથી નીચે જવાનું છે જ નહિ. એટલે તમારી મન વચન કાયાની ગુપ્તિ શુભમાં તો હોવી જ જોઈએ. પછી એમાંથી શુદ્ધમાં આપણે જવું છે. એટલે પહેલા નિયંત્રણ એ રાખો કે મનમાં એક પણ અશુભ વિચાર ન આવે.
સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી ભગવંતે હિંસાની વ્યાખ્યા આપી; “આતમગુણ હિંસરતી હિંસા” ચા ટેસ્ટી હતી. તમે પીતા હતાં. આ સરસ ચા છે હો..! તો શું થયું? તમારી જાતની હિંસા તમે કરી. “આતમગુણ હિંસરતી હિંસા” નિશ્ચય હિંસા આ જ છે. તો આપણું અહિંસા મહાવ્રત કેટલું જળવાય છે બોલો?
અને આના કારણે પહેલા મહાવ્રતથી પાંચ ભાવનામાં મનોગુપ્તિ મૂકી છે.
“मनोगुप्त्येषणादानेर्याभि: समितिभि: सदा।
द्रष्टान्नपानग्रहणेनाSहिंसां भावयेत्सुधी: ॥”
તો સૌથી પહેલા મનોગુપ્તિ મૂકી. અહિંસા મહાવ્રતથી ભાવના માટે. ભાવના એટલે supporters. તો અહિંસા મહાવ્રત જે છે એને support કરનારી મનોગુપ્તિ છે. કારણ – મન જો અશુભમાં ગયું. રાગમાં, દ્વેષમાં, અહંકારમાં, ઈર્ષ્યામાં, તિરસ્કારમાં; હિંસા થઇ ગઈ, અહિંસા ના રહી. આપણે હિંસક કે અહિંસક બોલો હવે?અને એટલે જ ઉપાધ્યાયજીએ કહ્યું ને, ત્યાં જ, સવાસો ગાથાના સ્તવનમાં,
“એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે;
જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે”
ઘણીવાર છે ને આપણે સંસ્કૃત ગ્રંથો બધા ભણી જઈએ. ગુજરાતી ગ્રંથો બાજુમાં રહી જાય. અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાય મેં વાંચી; એટલો હું પ્રભાવિત બન્યો, મને એમ લાગ્યું કે કદાચ ૨૫-૫૦ ગ્રંથો મેં ગુપ્તિ ઉપરના વાંચ્યા હોય, તો પણ જેટલું ઊંડાણ મને નથી મળ્યું, માત્ર દેવચંદ્રજી મહારાજે મને આપી દીધું છે.
મેં પહેલા તમને કહેલું; કે ઉત્તરાધ્યયન મૂળમાં ગુપ્તિની વાત છે પણ ત્યાં શુભરૂપ ગુપ્તિની વાત છે. એટલે આપણે માની શકીએ કે શુદ્ધરૂપ ગુપ્તિવાળો portion જે છે એ અત્યારે આપણને મળતો નથી, એ ખંડિત થઇ ગયો છે. હશે તો ખરું જ. દેવચંદ્રજી મહારાજ કોઈ પણ સોર્સમાંથી આ શુદ્ધરૂપ ગુપ્તિની વાત લઇ આવ્યાં છે. અને એટલે શુદ્ધ મનોગુપ્તિની જે વાત કરે છે..! ત્યાં સુધી એમણે કહ્યું; કે શુક્લધ્યાનની અંદર શ્રુતનું આલંબન લેવાનું હોય છે, એ પણ નીચેની કક્ષાની વાત છે. “શુક્લધ્યાન શ્રુતાલંબના” “શુક્લધ્યાન શ્રુતાલંબના” કારણ શું? કારણ તરત આપે છે; કે ગુણ અને ગુણી પછી એક જ થઇ જાય.
અને બીજી વાત મહત્વની એ છે; કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી શું મારે મારા આત્માની પહેચાન કોઈ શબ્દો દ્વારા કરવાની છે? અજાણ્યા ગામમાં તમે ગયા. સવારે વહોરવા ગયા. પેલા કહે બપોરે જરૂર પધારજો. સાંજે ચોવિહાર પહેલા રસોઈ થાય છે. થોડું દૂર ઘર હોય, તમે સાઈન બોર્ડ બે -ચાર જોઈ લો, ક્યાં ક્યાં વળાય છે. અજાણ્યા ગામમાં અજાણ્યા ઘરે જવું હોય તો ગાઈડની જરૂર પડે. સાઈન બોર્ડની જરૂર પડે. મારા ઘરમાં મારે જવું હોય તો?
“શુક્લધ્યાન શ્રુતાલંબના, એ પણ સાધન દાવ;
વસ્તુધર્મ ઉત્સર્ગ મેં, ગુણ-ગુણી એક સ્વભાવ”
તમે વાંચો તો હલી જશો! હું તો ઘણીવાર લખું છું કે ગુજરાતી ભાષામાં આટલા શ્રેષ્ઠ સાધના સુત્રો આવ્યાં નથી હજી સુધી. એના ઉપર મારું પુસ્તક આવી ગયું છે: ‘અનુભૂતિનું આકાશ’.
તો શુભરૂપ ગુપ્તિ જે છે એને base બનાવી દો; અને શુદ્ધરૂપ ગુપ્તિમાં જવું છે તો લક્ષ્યાંક કરી નાંખો.
તો જે “जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा।”
બે વસ્તુ કીધી – દેહ પ્રત્યેની મમતા જવી જોઈએ, અને સુક્ષ્મ ‘હું’ ની પકડ છૂટી જવી જોઈએ. કંઈ કરવાનું નથી!
નિમિત્ત શબ્દ છે ને બહુ જ અનોખો શબ્દ છે. પૂર્વે પશ્ચિમને જે કેટલાક નવા શબ્દો આપ્યાં છે, એ પૈકીનો એક શબ્દ આ ‘નિમિત્ત’ છે. પ્રભુએ મને ‘નિમિત્ત’ બનાવ્યો બસ.! તમારે કંઈ કરવાનું છે જ નહિ.! પ્રભુ તમને નિમિત્ત બનાવશે. બસ.! પ્રભુનો આભાર માની અને કાર્ય પૂરું કરી દેવાનું. પ્રભુ તારો આભાર.!
અને એ જ વાત તો દશવૈકાલિક સૂત્રમાં લખી ને; ‘साहू हुज्जामि तारिओ” વૈયાવચ્ચ કરી. ખરા બપોરે વહોરીને આવ્યાં. એક જ ભાવ – આ બધા મહાત્માઓ લાભ આપે, હું તરી જાઉં. વૈયાવચ્ચમાં પણ નિર્જરા શેનાથી થાય? તમારા ભાવથી થાય. નહિતર માત્ર પુણ્યબંધ કરીને અટકી જવાના તમે. આવા બધા મહાત્માઓની સેવાનો લાભ મને મળે છે.! ભગવાને તો ત્યાં સુધી કહ્યું; “जे गिलाणं पडियरइ से मं पडिवज्जइ”
દશવૈકાલિકમાં એક સૂત્ર બહુ સરસ છે, જે આપણને આમ શુદ્ધરૂપ ગુપ્તિ તરફ લઇ જાય એવું છે.
“न य दिट्ठं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ”
કંઈક જોવાઈ ગયું. સાધુ કંઈ જોતો નથી, યાદ રાખો. એને યા તો શાસ્ત્રો જોવાના છે, પ્રભુ જોવાના છે અથવા આત્મ-સ્વરૂપ જોવાનું છે, બીજું કંઈ એને જોવાનું છે નહિ. કંઈક જોવાઈ ગયું. કંઈક સંભળાઈ ગયું. પ્રભુના શબ્દો સાંભળવા છે, બાકી કંઈ સાંભળવું પણ નથી. તમે શું સાંભળો બોલો? પ્રભુના જ શબ્દો સાંભળવાના હોય.
મીરાંએ તો કહેલું; “સુની રે મૈને પ્રભુ આવન કી આવાજ” પ્રભુના પગલાં એને સંભળાયા.! તો કંઈ જોવું પણ નથી, સાંભળવું પણ નથી. પણ કંઈક જોવાઈ ગયું, કંઈક સંભળાઈ ગયું. હવે આ સૂત્ર શરૂ થાય છે : “न य दिट्ठं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ” હજુ સુધી તમે અર્થ કર્યો પણ સાવ નીચલા સ્તર પર કર્યો છે. આખો ઊંડો અર્થ છે આનો. એક-એક શબ્દના અનંત અર્થ જે કહ્યા ને આગમના એ આ રીતે. તમે વિભાવના કરતાં જાવ, તમને નવો અર્થ મળે. એક આચાર્ય ભગવંતે કહેલું; કે આચારાંગજી આ વખતે ૫૬મી વાર વાંચું છું. અને આ સુત્રનો નવો અર્થ આ વખતે આજે મને આ મળ્યો.
તો “न य दिट्ठं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ” કોઈ પૂછે છે; કોઈ કદાચ એટલી ઉંચી કક્ષાએ પહોંચેલો નથી. અને કંઈક સાંભળ્યું, એને બરોબર સંભળાયું નહિ, અને આ મહાત્મા બાજુમાં હતાં, અહીં આવ! અહીં આવ! શું વાત કરતાં હતાં પેલાં? એ વખતે આ સૂત્ર આવશે; સાહેબજી please એ કંઈ બોલતાં હતાં ખરા પણ મારો ઉપયોગ નથી રહ્યો. કાન તો છે ને માત્ર બહારનું ઉપકરણ છે. તમારું મન સ્થિર ન હોય કે મન એમાં લાગેલું ન હોય, તો આ ઇન્દ્રિય જે છે એ કંઈ વધારે કામ આપતી નથી. તમે સુઈ ગયા હોય અને કાન પર અવાજ આવે તો તમને ખબર પણ નથી પડતી. એ કહે સાહેબજી! મારો ઉપયોગ આ અધ્યયનમાં હતો. એ કંઈક બોલતાં હતાં. શબ્દો કાને અથડાતા હતાં. પણ શું હતું મને ખબર નહતી.
હવે બહુ મજાની વાત તમને કહું. કોઈ પણ શબ્દ કાનની ડેલીએ અથડાય, પછી અંદર પ્રવેશ ક્યારે પામે છે? કંઈક તમારો રસ છે ત્યારે. ઘણીવાર છે ને આપણે લોકો સાંજના વિહારમાં, કોઈ પંચાયત ઘરમાં, કોઈ સ્કુલમાં ઉતરીએ. એક જગ્યાએ પંચાયત ઘરમાં ઉતરેલા. હવે એ ઇલેકશનનો સમય હતો. એટલે થોડી સમાચારની ઈંતેજારી રહે. અને પેલો ઓફીસ બંધ કરી દે. રેડિયો ચાલુ કરીને ગયો લાઉડ સ્પીકર. એટલે આપણી ઈચ્છા હોય કે ન હોય તો પણ સંભળાય. ગુજરાતી-હિન્દીમાં આવતાં ત્યાં સુધી બરોબર, અંગ્રેજીમાં આવે ત્યાં સુધી બરોબર. પણ તમિલમાં શરૂ થાય. હવે? હવે પ્રતિક્રમણ શરૂ કરો, વાંધો નથી. હવે મન ત્યાં જવાનું નથી. કાનની ડેલીએ શબ્દ અથડાશે પણ અંદર જશે નહિ. સમજાતું જ નથી તો.! પલ્લે જ નથી પડતું. એટલે કોઈ પણ શબ્દ કાનની ડેલીએ અથડાય છે. પછી તમારે એને અંદર લેવો કે ન લેવો એ તમારે નક્કી કરવાનું છે.
તમને કોઈ પણ રૂપનો પરમાણુ તમારી આંખ પાસે આવી ગયું પણ એને અંદર પ્રવેશ આપવો કે ન આપવો તમારા વશની વાત છે. એમ કો’કે પૂછ્યું; તમે શું જોયું હતું ત્યાં? સાહેબજી મને કંઈ ખ્યાલ નથી.
આપણે ત્યાં કહ્યું છે; કે સાધુ વહોરવા માટે જાય, કેવી training આપણને આપેલી! ઈર્યાસમિતિ પૂર્વક જાય. પહેલા તો વહોરવા જવાનું નક્કી જ નથી. એના મનમાં કંઈ ખબર જ નથી એને. અત્યારે આપણે સીસ્ટમ કરી નાંખી. પહેલા તો કોઈ સીસ્ટમ હતી નહિ. આસન ઉપર બેઠેલો હોય. કદાચ એને કહેવામાં આવે. અથવા એની ભાવનાથી જાય, આજે મારે વહોરવા જાઉં છે, લાભ લેવા. તો રત્નત્રયીની પુષ્ટિનું કારણ ન હોય ત્યાં સુધી આસન પરથી ઉભો ન થઇ શકે. પછી ગુરુ મહારાજને પૂછે છે; અને ગુરુ મહારાજ પૂછે અને ગુરુ મહારાજ હા પાડે કે તું વહોરવા જા. ત્યારે એ આવસ્સહિ કહીને બહાર વહોરવા માટે નીકળે છે.
આવશ્યક સામાચારી માં આ વાત લખી. તો પ્રશ્ન કર્યો; કે ભાઈ આવસ્સહિ બોલવું, એ આવશ્યકની સામાચારીમાં આવે. પણ ગુરુની આજ્ઞા લેવી એ તો તથાકાર સમાચારીનો વિષય છે. ઉભા ન થવું એ ઈર્યાસમિતિનો કાયગુપ્તિનો વિષય છે. એને તમે આવશ્યકી નીશેધીકામાં કેમ મુકો છો? તો જવાબ આપ્યો કે માત્ર તમે આવસ્સહિ બોલો એટલે તમારી નિર્જરા થતી નથી. તમને વધુમાં વધુ નિર્જરા થાય એના માટે આ રસ્તો છે. કે તમે પહેલા રત્નત્રયીના પુષ્ટિના કારણ માટે ઉભા થાવ. પછી ગુરુને પૂછો. પછી પાત્રા વિગેરે લઈને બહાર નીકળો. અને આવસ્સહિ બોલો તો જ તમને આવશ્યકી સમાચારીનું ફળ મળે. પછી તમે ઈર્યાસમિતિ પૂર્વક જાવ છો. તમે વહોરવા ગયા છો. પહેલા તો ટિપિકલ ઘરો હતા. પહેલા ડહેલી હોય, પછી ચોક હોય, પછી રસોડા હોય. તો રસોડામાં કોઈ અન્ય દર્શની વહોરી રહ્યા છે તો, તમે ડહેલી માં ઉભા રહો. પણ કઈ રીતે? નીચે આંખો છે. ડહેલીમાં કોઈ બેઠેલું છે તમને ખબર નથી. ડહેલીમાં કોઈ ઘટના ઘટે, તમને ખબર નથી. વહોરવા માટે ગયા ધર્મલાભ કહીને, એ વખતે જે બહેન જે છે, એ બહેનનો માત્ર આટલો હાથ જ તમને દેખાય છે. કારણ કે એ અનીસણીય આહાર ન વહોરાવી દે. કાચા પાણીમાં રહેલી ચમચી લઇ અને એના દ્વારા કંઈ વહોરાવે નહિ. એના માટે આટલા સુધીના કાંડા ઉપર ધ્યાન આપે. આ આપણો ઇન્દ્રિય ઉપરનો સંયમ. આ આપણી ગુપ્તિ હતી બોલો.!
આ training પ્રેમસૂરીદાદા આપણને આપતાં હતાં. હું ઘણીવાર કહું છું; કે પ્રેમસૂરીદાદાએ workshop ચલાવ્યું. જીવંત workshop. બધાને પોતાની જોડે જ રાખવાના. ૫૦ શિષ્યોને…વિહારમાં પણ જોડે જ રાખવાના. કારણ એક workshop – 24 કલાક નજર. રાત્રે પણ દંડાસન લઈને ફરતાં હોય. શિષ્યોના યોગક્ષેમની કેટલી ચિંતા.! પણ હું ઘણીવાર કહું છું; ગુરુ તો કદાચ આવા મળી પણ જશે. શિષ્યત્વ આપણું નિખરવું જોઇશે ને?
શાસ્ત્રમાં એક પ્રશ્ન કર્યો છે; કે ગુરુ અને શિષ્ય બે હોય તો બરોબર. પણ બે માંથી એક ન હોય ત્યારે કઈ પરિસ્થિતિ પસંદ કરવી? તો કહ્યું; કે ગુરુ ન હોય અને શિષ્ય હોય એ જ પરિસ્થિતિ પસંદ કરવી. ત્યાં એક ઉદાહરણ આપ્યું છે; એક ગુરુ હતાં. અને એમને એક શિષ્યને શ્રેષ્ઠ કક્ષાની સાધના આપવી હતી; જે ગુરુની પાસે જ હતી, બીજા કોઈની પાસે હતી નહિ. પણ એટલી ઉંચી કક્ષાની સાધના હતી કે એના માટે શિષ્ય સજ્જ બને તો જ એને આપી શકાય. એટલે ગુરુ dual action કરે છે, એને તૈયાર કરે છે. પેલાની ભવિતવ્યતા પરિપક્વ થઇ નથી. એ પરિપક્વ થતો નથી. અને ગુરુના હાથ બંધાયેલા છે. એ પરિપક્વ ન થાય ત્યાં સુધી સાધના આપી શકાય નહિ. નહિતર સાધનાનો દુરુપયોગ એ કરી શકે, એ પછી. એનામાં પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ નિષ્ઠા લાગે તો જ સાધના અપાય એવી હતી. Exit નો સમય આવી ગયો. ગુરુના કાળધર્મનો. ત્યાં સુધી એમણે રાહ જોઈ.
ગુરુનો કાળધર્મ થઇ ગયો. દેવલોકમાં ગયેલા ગુરુ શિષ્યનું ધ્યાન રાખે છે. ગુરુના ગયા પછી હવે શિષ્યને પશ્ચાતાપ બહુ થાય છે. કે ગુરુ મહારાજ મારા પર આટલી મહેનત કરતાં હતાં. હું ત્તૈયાર ન થયો. આમ ન થયો. એટલી એટલી એને ધગસ લાગી. એટલી નિષ્ઠાથી કામ કર્યું. તો પણ એને ૬ મહિના લાગ્યાં. છ મહિનાની અંદર ગુરુને જે એની અંદર સજ્જતા જોઈતી હતી એ એણે ઉભી કરી નાંખી. અને એ જ રાત્રે ગુરુ નીચે અવતરે છે અને એને એ સાધના આપી દે છે. ત્યારે ગુરુ અને શિષ્ય બે માંથી ગુરુ એકલા નહિ હોય તો ત્યાંથી કામ કરશે. પણ શિષ્ય નહિ હોય તો ગુરુ જાગૃત હશે તો ય કંઈ નહિ કરો શકે.
દિવંગત ગુરુઓ છે ને, કઈ રીતે કામ કરે એની વાત પણ તમને કહીશ. એમાં પણ ઘણી બધી pattern છે. શાંતિસૂરિ મહારાજ માંડુંલીવાળા હતા. આજે એમના ભક્તો ખાલી એમને યાદ કરે ને, પ્રત્યક્ષ થાય છે, પરચો આપે છે. એટલે એ એવી કક્ષાના ગુરુ હતા સાધુપણામાં કે થોડા અહંકારથી વીંટળાયેલા હતા. લોકેષણાથી વીંટળાયેલા હતા. એ ત્યાં ગયા એટલે પણ એમની શક્તિનો ઉપયોગ આ રીતે થયોકે મારા ભક્તો છે, એમને સહાય હું કરું.
પ્રેમસૂરી દાદા જેવા એકદમ પરમ વિરાગી જે સાધકો હતા. એ અહીંથી ગયા એટલે છેડો એમનો તૂટી ગયો. અહીંયા છેડો તૂટેલો હતો એમનો. પણ સિદ્ધિસૂરિ મ.સા. જેવા, બાપજી મ.સા. જેવા વિરલ વ્યક્તિત્વ થયા. કે જેમનો છેડો અહીં છૂટેલો હતો છતાં પાછળથી કેટલાક લોકોને અનુસંધાન એમને કરાવ્યું. આજે ઘણા લોકો એવા મળે છે કે દાદા અમને પ્રત્યક્ષ રીતે સાધના આપે છે. એટલે એ ભક્તની નિષ્ઠા પણ હોય છે. એટલે દિવંગત ગુરુઓ ઘણી-ઘણી રીતે કામ કરતાં હોય છે. એટલે તમારા ગુરુ મહારાજ પણ આ રીતે કામ કરતાં જ હશે ત્યાં. કરે જ! એમની તો શાસન નિષ્ઠા અત્યંત જોરદાર હતી. હું એમની તિથી આવે ત્યારે પ્રવચનમાં એક જ વાત કહું; કે શાસનનિષ્ઠાનો પર્યાય એટલે ચન્દ્રશેખરવિજય મહારાજ.
પ્રભુ શાસન પ્રત્યેની એમની જે નિષ્ઠા હતી, એનો કદાચ જોટો આપણા યુગમાં બીજો નહિ જડે.
