ભક્તિ કા મારગ ઝીના ઝીના રે
સમર્પણથી જ પ્રભુની સાધનાનો પ્રારંભ થાય અને સમર્પણ એ જ પ્રભુની સાધનાની શિખરાનુભૂતિ છે. શરૂઆતમાં તમે તમારી ભુમિકા અનુસાર પ્રભુની વ્યવહાર આજ્ઞાને સમર્પિત થાઓ, એ પ્રારંભિક કક્ષાનું સમર્પણ. અને છેલ્લે તમે પ્રભુની નિશ્ચય આજ્ઞા – _તું તારામાં સ્થિર થા_ – ને follow કરો અને સ્વાનુભૂતિની ટોચ પર પહોંચી જાઓ, એ અંતિમ સમર્પણ.
આમ ભલે આપણે કહીએ કે જ્ઞાનયોગ અને કર્મયોગ કરતા ભક્તિયોગ, સમર્પણ સરળ છે, પણ ખરેખર ભક્તિયોગ અત્યંત અઘરો છે. ભક્તિના માર્ગમાં પહેલું ડગલું – the very first step – તમે ત્યારે જ ભરી શકો છો, જો તમારી પાસે સમર્પણ હોય.
અનંત જન્મો સુધી તમે રાગ, દ્વેષ અને અહંકારમાં રહ્યા છો. _મને_ આ ગમે, _મને_ આ ન ગમે. કેન્દ્રમાં _તમે_ રહ્યા. હવે શું કરવાનું? _ચરનન લયલીના રે_. કેન્દ્રમાં પ્રભુને લાવી દેવાના; એની આજ્ઞાને આત્મસાત્ કરી દેવાની. પછી _નહિ અચાહ નહિ ચાહના_ – નથી દ્વેષ, નથી રાગ.
નવસારી તપોવન વાચના – 36 [3.5.2020]
સુક્ષ્મ તપાચારમાં અભ્યંતરતપના છ પ્રકારો. વિનય અને વૈયાવચ્ચ એક Foundation તૈયાર કરે છે. હરીભદ્રસૂરિ મ.સા. નું પ્રસિદ્ધ વચન છે; “धर्मं प्रति मूलभूता वन्दना” સમર્પણથી જ પ્રભુની સાધનાનો પ્રારંભ થાય અને સમર્પણ એ જ પ્રભુની સાધનાની શિખરાનુભૂતિ છે. સાધનાનો પ્રારંભ પણ સમર્પણથી છે અને એનું અંતિમ શિખર એ પણ સમર્પણથી જ છે.
શરૂઆતમાં તમારી ભૂમિકા પ્રમાણે પ્રભુની વ્યવહાર કે નિશ્ચય આજ્ઞાને પ્રતિ તમે સમર્પિત થાવ એ પ્રારંભિક કક્ષાનું સમર્પણ છે. છેલ્લું સમર્પણ એ છે કે જ્યાં તમે સ્વની અનુભૂતિ કરી રહ્યા છો. પ્રભુએ છેલ્લી નિશ્ચય આજ્ઞા આપી – ‘તું તારામાં સ્થિર થા’. પરમાં તું અનંત જન્મોથી રહ્યો. હવે તું તારામાં સ્થિર થા. એટલે સ્વાનુભૂતિની ટોચ પર તમે પહોંચી જાવ તો એ પણ સમર્પણ જ છે. કારણ કે પ્રભુની નિશ્ચય આજ્ઞાને તમે follow up કરી છે.
સમર્પિતતાની આ ધારા ઉપર સંત કબીરજીનું એક સરસ પદ છે. પહેલાં લખી લેજો, પછી એના ઉપર આપણે વિવેચના કરશું.
ભક્તિ કા માર્ગ ઝીણા ઝીણા રે,
નહિ અચાહ નહિ ચાહના,
ચરનન લયલીના રે;
ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે,
ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે,
સાંઈ સેવન મેં દેઈ શિર કછુ વિલયન કીના રે.
શરૂઆત – “ભક્તિ કા માર્ગ ઝીણા ઝીણા રે.” ભક્તિનો માર્ગ સુક્ષ્મ માર્ગ છે. આમ ભલે આપણે કહીએ કે જ્ઞાનયોગ અને કર્મયોગ કરતાં ભક્તિયોગ સરળ છે, પણ ખરેખર ભક્તિયોગ અઘરો છે.
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ યોગીઓ કરતાં પણ ભક્તને ઉંચી કક્ષાનો માન્યો છે. કારણ – યોગિની પાસે કદાચ પ્રભુ પાસેનું સમર્પણ ન હોય તો પણ એ થોડોક વધારે નહિ તો પ્રાણાયામ અને પ્રત્યાહાર સુધી તો જઈ શકશે. ભક્તિના માર્ગમાં પહેલું ડગલું તમારે ભરવું છે ને? સમર્પિતતા વિના તમે એક ડગલું ભરી શકતા નથી! તો કહે છે કે ચાલો અમને માર્ગ બતાવો. તો માર્ગ બતાવે છે – “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે.” અનંત જન્મો સુધી તમે રાગ, દ્વેષ અને અહંકારમાં રહ્યા છો. આ ગમે, આ ન ગમે. અને કેન્દ્રમાં તમે, મને આ ગમે અને મને આ ન ગમે.
તો હવે શું કરવાનું? “નહિ અચાહ નહિ ચાહના” – નથી દ્વેષ, નથી રાગ.
કરવાનું શું? “ચરનન લયલીના રે” – પ્રભુના ચરણોની અંદર લીન બની જવાનું… એની આજ્ઞાને આત્મસાત્ કરી દેવાની..
રામાયણનો એક પ્રસંગ છે કે રામચંદ્રજી વનવાસમાં. એક સરસ જગ્યા આવી. પ્રાકૃતિક સૌંદર્ય મજાનું હતું. તળાવ પણ બાજુમાં હતું. ફળવાળા વૃક્ષો પણ બહુ હતા. તો રામચંદ્રજીને થયું; અહીંયા મહિનો, બે મહિના, ત્રણ મહિના રોકાય શકાય. એ ફરવા માટે જઈ રહ્યા છે અને હનુમાનને કહ્યું; હનુમાન બેટા! તને ગમે ને ત્યાં એક ઝુંપડી બનાવી નાંખ. આપણે બે-ચાર મહિના અહીંયા રહી જઈશું. સારી જગ્યા છે. તને જે પણ જગ્યા ઠીક લાગે ને, ઝુંપડી બનાવી નાંખ. જંગલમાં તો ઝાડના ઠોઠા લાવો ને, પાંદડા લાવો ને, તૈયાર કરી નાંખો ઝુંપડી, અને હનુમાન તો પુરેપુરો ભક્ત.
રામચંદ્રજી ફરવા માટે ગયા. અને હનુમાનજી લમણે હાથ દઈને બેસી ગયાં. ત્યાં સીતા માતા આવ્યાં. બેટા શું થયું હનુમાન? આજે જીંદગીમાં પહેલો એવો અવસર આવ્યો છે, કે મારા ભગવાને કીધું હોય, અને એ આજ્ઞાને પાળવામાં મારી લાચારી હોય. Very first time! બાકી ભગવાનની આજ્ઞા અને મારું કર્તવ્ય. કેમ શું આજ્ઞા આપી છે એવી? મને કહ્યું છે કે બેટા! તને ઠીક લાગે એ જગ્યાએ ઝુંપડી બનાવી નાંખ. એટલે મને ગમે એવી જગ્યા કઈ હોય? હું જ નથી તો? હું જ નથી તો મને ગમે એવું શું હોઈ શકે! એટલે સીતામાતાએ કહ્યું; ચાલ, તારો problem હું solve કરી દઉં. આ જગ્યાએ બનાવી દે. અને એણે કામ શરૂ કર્યું. એક સમર્પિતતા તમારી પાસે આવી ગઈ ને? બધું જ મળી ગયું તમને!
૧૦૦ એક વર્ષ પહેલાની એક ઘટના. ભરૂચમાં અનુપચંદભાઈ હતાં. બહુ જ વિદ્વાન શ્રાવક. એમના પુસ્તકો પણ બહાર પડેલા છે. હવે મહાત્મા ન હોય ત્યારે અનુપચંદભાઈ ગ્રંથોમાંથી બધું સમજાવે. તો ૨૫-૫૦ સ્વાધ્યાયીઓ તૈયાર થઇ ગયેલા. અને રોજ સ્વાધ્યાય ચાલે. પણ મહાત્મા આવે ત્યારે સ્વાધ્યાય બંધ. પછી મહાત્માની જોડે કરવાનો. એક મહાત્મા પધાર્યા. જ્ઞાની હતાં. અનુપચંદભાઈએ વિનંતી કરી કે સાહેબજી વાચના આપો. અને એ વખતે લગભગ ગ્રંથો ઉપર જ બોલવાનું થતું. મહાત્માએ કહ્યું; કે સારું. કાલથી આપણે આ ટાઈમે વાચના શરૂ કરીશું. એક ગ્રંથ લીધો. અને બહુ જ સરસ રીતે એને સમજાવી રહ્યા છે. અઠવાડિયા પછી એક ઘટના ઘટી. એક પંક્તિનો અર્થ મ.સા.એ કર્યો. અનુપચંદભાઈએ આ જ ગ્રંથ બીજા આચાર્ય ભગવંત જોડે સાંભળેલો. Memory એટલી તીક્ષ્ણ કે એમણે એવું લાગેલું; કે આનો અર્થ જુદો થાય છે. એમણે બહુ જ વિનંતી સાથે કહ્યું; કે સાહેબજી! પાંચેક વર્ષ પહેલાં આ ગ્રંથ સાંભળેલો. અને મારા સાંભરણમાં એવું છે, કે એ વખતે એનો અર્થ આવો થયેલો. મહાત્માએ કહ્યું કે નહિ, હું જે અર્થ કરું છું એ બરોબર છે. તહત્તિ સાહેબ. જ્ઞાન ક્યારેય પણ વાદ-વિવાદમાં જઈ શકે નહિ. વાદ-વિવાદ એ અહંકારને કારણે થાય. હું મોટો પ્રસિદ્ધ કરી દઉં, સ્થાપિત કરી દઉં. જ્ઞાન છે ત્યાં વાદ-વિવાદ છે જ નહિ! ત્યાં તો બીજાને મોટા કરવાની વાત છે.
ચીનમાં મોટા દાર્શનિકો બે, એ યુગમાં. કન્ફયુશિયસ અને ચાંગ-ત્સો. બંને દિગ્ગજ દાર્શનિકો. ચિંતકો. સમ્રાટ પણ એમણે બહુમાન આપતો. એક વખત રાજાની સભામાં દૂર દેશથી એક વિદ્વાન આવ્યાં. એ વિદ્વાન પણ પ્રસિદ્ધ હતાં. બીજા દેશમાંથી આવ્યાં. એમણે વાત-વાતમાં કહ્યું; કે ચીનમાં બે મોટા પંડિતો છે. પણ એમાં પણ ચાંગ-ત્સો કરતાં કન્ફયુશિયસ વધારે મોટા વિદ્વાન છે. એક કન્ફયુશિયસનો વિદ્યાર્થી ત્યાં બેઠેલો. સીધો દોડતો આવ્યો, “આટલી મોટી સભા ભરાયેલી. એમાં આટલો મોટો વિદ્વાન આવ્યો. અને એણે પોતે હજારો લોકોની વચ્ચે કહ્યું; કે ચાંગ-ત્સો કરતાં કન્ફયુશિયસ બહુ મોટા વિદ્વાન છે.” પણ ખરેખર કન્ફયુશિયસ જ્ઞાની હતાં. એમણે કહ્યું; બેટા! તને એક વસ્તુ ખ્યાલ છે? કોઈ માણસના ઘરની કમ્પાઉન્ડ વોલ નીચી હોય એકદમ. આપણે ત્યાંથી પસાર થઈએ તો એનું ઘર, એનું હવેલી જે પણ હોય એને આપણે જોઈ શકીએ ને? કમ્પાઉન્ડમાં વોલ નીચી છે એકદમ. આપણે ત્યાંથી પસાર થયા. તો આપણે એના બંગલાને જોઈ શકીએ. પણ કોઈની કમ્પાઉન્ડ વોલ બહુ જ ઉંચી હોય, બે માઠુડા જેટલી, તમે એની બાજુમાંથી પસાર થાવ, તમને ખબર પડી શકે કે અંદર મહેલ કેવો છે? એમ એ વિદ્વાને કહ્યું; એને નિરપેક્ષ સત્ય રૂપે સ્વીકારવાનું નહિ. મારી કમ્પાઉન્ડ વોલ નીચી છે. એટલે મારું ઘર એને દેખાઈ ગયું. પણ ચાંગ-ત્સોની કમ્પાઉન્ડ વોલ બહુ ઉંચી છે. અને ખરેખર મારા કરતાં એ મોટા વિદ્વાન છે.
આવું જ આપણે ત્યાં બનેલું. ખંભાતમાં માનવિજય મહારાજ અને ઉપાધ્યાય યશોવિજય મહારાજ બે ભેગા થયેલા. બંને અલગ ઉપાશ્રયમાં. અને ખુબ પ્રેમાળ. એકબીજા મળતાં રોજ. ચર્ચા કરતાં. જ્ઞાનગોષ્ઠી કરતાં. હવે લોકોની ઈચ્છા. શ્રવણ રસિક લોકો કે આટલા મોટા દિગ્ગજ વિદ્વાનો બે આવ્યા છે. તો બે નો લાભ રોજ લેવો છે અમારે. એટલે પ્રવચનનો સમય અલગ-અલગ બેઉનો રાખી દીધો. એટલે એ સભા જે અહીંયા હોય એ આખી ત્યાં જાય પછી. અને ખુબ પ્રેમથી બધા સાંભળે. એક વખત માનવિજય મહારાજ પાસે એક ભક્ત આવ્યો. એને કહ્યું; સાહેબ ! બે પ્રવચન રોજ અટેન્ડ કરું છું. પણ તમારું પ્રવચન ખરેખર અદ્ભુત. માનવિજય મહારાજ કથારસની જમાવટ કરતાં. રાસની કડીઓ વચ્ચે – વચ્ચે ટાંકે. થોડું ગાય. તો સામાન્ય લોકોને એમાં મજા આવે. અને મહોપાધ્યાય યશોવિજયજીની આખી તર્કપુત વાણી. સમજાય એને જ સમજાય, બાકી તો ઉપરથી જાય. તો આ માણસ કહે છે હું બે પ્રવચન રોજ અટેન્ડ કરું છું પણ તમારું પ્રવચન એટલે ટોપ મોસ્ટ.. એક્સ્ટ્રા ઓડીનરી.!
મારે છે ને શરૂઆતમાં આવો અનુભવ થયેલો. મેં બહુ વાંચેલું. હજારો પુસ્તકો વાંચી કાઢેલા. પછી સુધર્મા પીઠ ઉપર બેઠેલો. ૩૦-૩૨ વર્ષની ઉંમર પછી. એટલે જ્ઞાન તો હતું જ. ગુજરાતી ભાષાનું પ્રભુત્વ હતું. સોફીસ્ટીકેટેડ લેગ્વેજ હતી. એટલે પ્રવચન પૂરું થયું ને, ઘણા બધા લોકો આવ્યાં હો! સાહેબ આવું પ્રવચન તો ક્યારે સાંભળ્યું જ નથી! અહંકારનો ફુગ્ગો ફૂલાવ્યો.. પણ પછી ખબર પડી કે આ લોકો બધાને આમ કહેતાં હતા.! એટલે આમાં કંઈ મોહ રાખવા જેવો નથી..
તો માનવિજય મહારાજ કહે છે; ભાઈ! મારું પ્રવચન તમારા જેવા લોકો માટે છે. મહોપાધ્યાયજી એટલા મોટા વિદ્વાન છે કે એમનું પ્રવચન મારા જેવા લોકો માટે છે. ખરેખર જ્ઞાની હોય એની પાસે અહંકાર હોય જ નહિ.
તો અનુપચંદભાઈ પાસે પણ સહેજ પણ અહંકાર નહિ. ચર્ચાની કોઈ વાત નહિ! બીજા દિવસે મહાત્માને પોતાને થયું, વિચારતાં, સાલું મેં વિચારેલું અર્થ પણ ફીટ થાય છે. અને અનુપચંદભાઈએ વિચારેલો અર્થ પણ ફીટ થાય એવો જ છે. ખરેખર શું અર્થ હશે? એટલે બીજા દિવસે વાચના શરૂ થઇ. ત્યારે એમણે કહ્યું; કે મારી એક ઈચ્છા છે. કે અહીંના અધિષ્ઠાયક દેવ જાગૃત છે. ભરૂચના. અહીંયા જે લોકો આવે છે વાચનામાં. આવતીકાલથી શક્ય હોય એ અટ્ઠમ કરો, ન કરી શકો હોય તો ત્રણ આયંબિલ કરો, નહિતર ત્રણ એકાસણા કરો. અને ત્રણેય દિવસ મુનિસુવ્રત દાદાના નામનો જાપ કરવાનો છે. મેં પૂર્વ પુરુષો પાસેથી એવું સાંભળેલું છે, કે ત્રીજી રાત્રે એ અધિષ્ઠાયક દેવ સ્વપ્નની અંદર આવે છે. તો આપણે સંકલ્પ એ મુકવાનો કે બે અર્થમાંથી કયો અર્થ સાચો? એ અમને તમે બતાવો. એ અધિષ્ઠાયક દેવ પ્રભુને અથવા કોઈ પણ જ્ઞાનીને પૂછીને જવાબ આપી દેશે.
બધા લોકોએ શરૂઆત કરી. મ.સા. પોતે પણ અટ્ઠમ કર્યો. અને સંકલ્પ મૂકી દીધો કે બે અર્થમાંથી કયો અર્થ સાચો? મારે જાણવું છે. ત્રીજા દિવસે રાત્રે સ્પષ્ટ સંકેત મળ્યો. જે અર્થ હતો ને અનુપચંદભાઈએ કરેલો, એના ઉપર right લખાઈને આવી.
સવારે બધા દેરાસરે ભેગા થયા. આજે તો પારણું કરવાનું હતું. અનુપચંદભાઈ પણ આવ્યાં. બધા શ્રેષ્ઠીઓ આવ્યા. બધા કહે છે; અનુપચંદભાઈ તમારો અર્થ સાચો નીકળ્યો. અમને સ્વપનમાં દેખાણું. તો અનુપચંદભાઈ શું કહે છે; આપણે દર્શન કરીને ગુરુદેવ પાસે જઈશું. વંદન કરશું. પચ્ચક્ખાણ લઈશું. આપણામાંથી કોઈએ કહેવાનું નથી કે સ્વપ્નમાં અમને આ દેખાણું. વિચાર તો કરો. એક જ્ઞાની મહાપુરુષ છે એની સામે પોતાનો અર્થ સાચો ઠર્યો એવું અધિષ્ઠાયક દેવ કહે છે છતાં પણ રજમાત્ર અહંકાર સ્પર્શતો નથી. વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું. એ વખતે મહાત્માએ કહ્યું; અનુપચંદભાઈ! તમારો અર્થ સાચો છે. મને પણ સ્વપ્નમાં સંકેત મળી ગયો. આવી ખેલદિલી હોય, આવું સમર્પણ હોય, ત્યારે જ્ઞાન પણ શોભે.
તો “નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે” – કેટલો સરસ રસ્તો છે! ન ક્યાંય ચાહત કરવાની છે, ન ક્યાંય અચાહત કરવાની છે; બસ, પ્રભુના ચરણોમાં ઝુકી જાવ! Actually તમે જો બૌદ્ધિક માણસ હોવ ને, તો વિચાર કરી શકો કે આ રાગ અને આ દ્વેષ દ્વારા તમને શું મળ્યું? રાગ તમે કર્યો. એથી થયું શું? પદાર્થ તો આ જ છે. એ સારો પણ નથી ખરાબ પણ નથી. આનાથી સરસ ઘડિયાળ કોઈની પાસે હોય, તો એને આ ઘડિયાળ નકામી લાગે. કોઈની પાસે બિલકુલ ન હોય એને આ સારી લાગે. ઘડિયાળ તો ઘડિયાળ છે. એ સારી નથી, ખરાબ નથી. એ સારી છે કે ખરાબ છે એ તમારા મનનું પ્રત્યારોપણ છે. હવે એ પ્રત્યારોપણ દ્વારા તમે કર્યું શું? કર્મબંધ કર્યો એની વાત જવા દો. તમે સુખમાં રહી શક્યા? આનંદમાં રહી શક્યા? કે રતિ અને અરતિમાં જ ગયા? આ બધા છે ને, રતિ અને અરતિ, સુખ અને દુઃખ આ બે ને સિક્કાના બે પાસાં કહેવાયા છે. સુખ હોય ત્યાં દુઃખ હોવાનું જ છે. રતિ હોય ત્યાં અરતિ આવવાની જ છે. પણ આનંદ દ્વન્દ્વાતિત ઘટના છે.
એટલે જ પહેલા સ્તવનમાં કહ્યું; મહોપાધ્યાયજીએ, “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહી આનંદ લાલ રે” બહુ વાત મજાની એમણે કરી; કે સુખ પણ પદાર્થોમાંથી ન મળે! તમારી ઇન્દ્રિયો અને તમારું મન પ્રભુ સાથે જોડાય તો જ સુખ નામની સંઘટનાનો જન્મ થાય. અને એમણે સ્તવનામાં બે સંઘટના મૂકી – સુખ અને આનંદ. અશબ્દ વાત ત્રીજી સંઘટના છે – સુખાભાસ. તમારી ઇન્દ્રિયો અને તમારું મન. કોઈ પણ પદાર્થ જોડે, કોઈ પણ વ્યક્તિ જોડે સંબદ્ધ બને તો સુખાભાસ સર્જાય.
‘મુખ દીઠે સુખ ઉપજે’ આ એક પ્રતિક છે. તમે આંખ દ્વારા પ્રભુને જુઓ. કાન દ્વારા પ્રભુને સાંભળો કે હાથ દ્વારા પ્રભુને સ્પર્શો. તમારી ઇન્દ્રિયો અને તમારું મન પ્રભુ જોડે સંબદ્ધ થાય એટલે સુખ નામની સંઘટના જનમ લે, આનંદ નહિ. કારણ – આનંદ ઇન્દ્રિયાતિત ઘટના છે. આનંદ મનને પેલે પારની ઘટના છે. મનની ક્ષમતા આનંદની છે જ નહિ. મનની ક્ષમતા માત્ર સુખની જ છે. ઘડીકમાં સુખ. ઘડીકમાં દુઃખ. આમેય વિવરિંગ માઈન્ડ છે ને. ઘડીક આમ, ઘડીક આમ ફરતું રહેવાનું.
તો આનંદ દ્વન્દ્વાતિત ઘટના છે. તો ‘દરિશન અતિહી આનંદ લાલ રે’ એ જે દર્શનની વાત છે એ આંખોના સ્તરના દર્શનની વાત નથી. અસ્તિત્વના સ્તરનું, અનુભૂતિના સ્તરનું દર્શન. એ પ્રભુનો પ્રશમરસ એનું દર્શન થઇ જાય, તમારી ભીતર એ જ પ્રશમરસ છે તમને ખ્યાલ આવી ગયો. માત્ર ખ્યાલ આવ્યો. સહેજ પ્રભુને પ્રાર્થના કરી, પ્રશમરસનું ઝરણું ચાલુ થઇ ગયું. હવે આનંદ જ આનંદ. તો ‘દરિશન અતિહી આનંદ લાલ રે’.
એકવાર હું આ સ્તવના ઉપર બોલતો હતો. ‘દરિશન અતિહી આનંદ લાલ રે’ એક સરસ પ્રશ્ન એક ભાવકનો આવ્યો. કે સાહેબ! પ્રભુનું આ રીતનું દર્શન થાય ને, તો આપણે પણ કહીએ ખુબ ખુબ ખુબ આનંદ આવ્યો. તો એને બદલે ઉપાધ્યાયજી ભગવંતે એક જ વાર અતિ શબ્દનો ઉપયોગ કેમ કર્યો? ‘દરિશન અતિહી આનંદ લાલ રે’ અતિ અતિ અતિ અતિ આનંદ થાય. ત્યારે મેં કહ્યું; કે ભાઈ! અતિ નું એન્જિન કરો અને પાછળ ૯૯ ડબ્બા તમે જોડી દો, ‘અતિ’ ના, તો ય એ જે આનંદ છે એને તમે વ્યાખ્યાયિત કરી શકતાં નથી. એટલે શબ્દની અસમર્થતા બતાવવા માટે ઉપાધ્યાયજીએ એક જ વાર ‘અતિ’ શબ્દ વાપરી દીધો. કહે દસ વાર વાપરીશ તો કંઈ કામ થવાનું નથી. સો વાર વાપરીશ તો કામ થવાનું નથી. એક જ ભલે રહ્યો પછી.
હકીકતમાં તો રાગમાં કેમ જવાય છે? એ પરમપ્રિયનો રાગ આપણે અનુભવ્યો નથી માટે. એકવાર અલપ-ઝલપ પણ એના રાગમાં તમે પડી ગયા, બસ દુનિયાથી છૂટી ગયા પછી. પછી દુનિયા તમારા માટે નથી. તમે દુનિયામાં રહેશો, દુનિયા તમારામાં નહિ રહે. આપણે આ કક્ષાએ પહોંચવું છે. ભલે હું દુનિયામાં રહું વાંધો નહિ. દુનિયા મારામાં ન રહે. કોઈ વ્યક્તિ મારા મનનો કોઈ હિસ્સો કબજો કરી લે! કોઈ પદાર્થ મારા મનના નાનકડા હિસ્સાને પણ કબજે કરી શકે? મારું મન totally પ્રભુને સમર્પિત થવું જોઈએ.
અને એટલે મહોપાધ્યાયજીએ સરસ વાત કરી. “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરન રાગ” પછીની કડી બહુ મજાની છે. મને પ્રભુથી પરમપ્રેમ થયો, એમાં કારણ હું નથી; કારણ પ્રભુ છે. પ્રભુના ગુણો જ એટલા બધા સરસ છે કે તમે પ્રભુને ચાહ્યા વગર રહી શકો જ નહિ. “જિનગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ” સહજ સમુદ્ર – તમારી ભીતર એક સહજનો સમુદ્ર છે. અત્યાર સુધી આપણે અસહજતામાં જ જીવ્યા છીએ. રાગ એટલે અસહજતા. દ્વેષ એટલે અસહજતા. અહંકાર એટલે અસહજતા. તમે સમભાવમાં આવ્યા, પ્રશમરસની ધારામાં આવ્યાં એટલે સહજદશામાં આવ્યાં. તો સહજ સમુદ્ર અથાગ – જે સહજ સમુદ્ર મારી ભીતર છે. અથાગ – જેનો તાલ લઇ શકાય એવો નથી, એટલો ઊંડો છે! એ ઉમટ્યો.. એમાં ભરતી આવી. કોના કારણે? ‘જિનગુણ ચંદ્ર કિરણ શું’ ચંદ્રમાં જેમ-જેમ ખીલે ને, એમ સમુદ્રમાં ભરતી આવે. એટલે પૌરાણિક કથા પ્રમાણે સમુદ્રનો દીકરો ચંદ્ર છે. એટલે પોતાના દીકરાને જોઇને આને હર્ષ થાય છે.
તો “જિનગુણ ચંદ્ર કિરણ શું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ” પ્રભુના ગુણ જ એવા છે કે તમારી ઈચ્છા ન હોય તો ય પરાણે પ્રેમ થઇ જાય. કોઈ વસ્તુ એવી tasty હોય ને, તમને ખવાની ઈચ્છા નથી પણ એવું tasty હતું કે ખવાઈ ગયું. એમાં તમારું પેટ જવાબદાર નથી, એ વાનગી જવાબદાર છે. એમ પ્રભુના ગુણો એટલા બધા ગમી ગયા, એટલા બધા ગમી ગયા કે મારું મન પ્રભુને સમર્પિત થઇ ગયું.
એક ફિલોસોફરે લખ્યું છે; કે તમે પ્રભુને તો શું, કોઈ સંતને પણ ચાહો છો, એમાં તમારી કોઈ મહત્તા નથી. સંતના ગુણ જ એવા છે કે તમે ચાહ્યા વગર રહી ન શકો. કહેવાતાં તથાકથિત કોઈ દુર્જનને ગુંડાને તમે ચાહી શકો તો માનજો તમારી પાસે કોઈ ગુણવત્તા નિષ્ઠ છે. બાકી સંતને ચાહો તો એમાં તમારું શું? એ તો સંતના ગુણોની કરામત છે.
તો “ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લયલીના રે”
