Mumukshu Vachna | 05-05-20 | Navsari Tapovan

22 Min Read

ભક્તિ કી રસધાર મેં, નિશદિન ભીના રે

આ ભીનાશ ક્યાંથી આવે છે? ઉપકારના સ્મરણમાંથી. _પ્રભુ! અગણિત જન્મોની અંદર નરક અને નિગોદની સફર ઘણીવાર વેઠી. એમાંથી મને મનુષ્યત્વની સપાટી ઉપર લાવનાર તું જ છે. સાધનાની પગથાર ઉપર લાવનાર તું જ છે. ત્રણે લોકની અંદર હે નાથ! તારા સિવાય કોઈ આધાર, કોઈ આશ્રય મારા માટે નથી._

આપણને ભક્તિની આ ધારા ગળથુથીમાંથી મળી છે અને આ ભક્તિની રસધારમાં વહેવું બહુ જ મજાનું છે. પ્રભુ જ ગમે છે, બીજું કંઈ ગમતું નથી. તમે અહોભાવના સ્તરમાં ઝુમતા હોવ છો, નાચતા હોવ છો. મારા ભગવાન… મારા ભગવાન…

આગળ જતા આ ભક્તિની ધારાનું development થાય. ભક્તિથી અહોભાવ. પછી અહોભાવનું extreme point અને પછી સીધું જ શુદ્ધમાં. પ્રભુના મુખને જુઓ અને એમનો પ્રશમરસ દેખાય, એમની વીતરાગદશા દેખાય – આ શુદ્ધનો લય.




નવસારી તપોવન વાચના – 38 [5.5.2020]

કબીરજીનું પદ છે; “ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે” અને પછી કહે છે; ‘ભક્તિ કી રસધાર મેં, નિશદિન ભીના રે’ આ ભીનાશ ક્યાંથી આવે છે? આ ભીનાશ ઉપકારના સ્મરણમાંથી આવે છે. પ્રભુ અગણિત જન્મોની અંદર નરક અને નિગોદની સફર ઘણીવાર વેઠી. પણ એમાંથી મનુષ્યત્વની સપાટી ઉપર મને લાવનાર તું જ છે પ્રભુ. સાધનાની પગથાર ઉપર લાવનાર તું જ છે. અને એટલે એ ભીનાશ એ કામ કરશે કે પ્રભુ સિવાય હવે કોઈ આધાર એના માટે રહેશે નહિ.
હું શ્રદ્ધાની વ્યાખ્યા એવી કરું છું, કે તમારી જાત પરનો વિશ્વાસ ગયો, પછી શ્રદ્ધાની સરહદની શરૂ થઇ. તો પ્રભુ હું કાંઈ પણ કરી શકું એમ નથી. જે પણ કરે છે એ તું જ કરે છે. ભક્ત હરિદાસનું એક પદ છે; વ્રજ ભાષામાં છે; ‘તિનકા બુયારી કે બસ’ વ્રજ ભાષામાં છે; ‘તિનકા બુયારી કે બસ’ એક તણખલું વાળનારીને અધીન હોય છે. વાળનારી જ્યાં લઇ જાય ત્યાં એ જાય છે. એમ પ્રભુ હું તારે અધીન છું. ભક્ત ગૌરાંગ એથી પણ એક ડગ આગળ વધ્યા. “તૃણાદપિસુનિચેન ભવિતવ્યમ્” તણખલું પણ ક્યારેક હવાના ઝોકામાં ઉડી જાય. મારે તો પ્રભુ કોઈને પણ અધીન થવાનું નથી, માત્ર અને માત્ર તને જ મારે મારું જીવન સમર્પિત કરવાનું છે.
કબીરજીનું જ એક પદ છે બીજું. બહુ પ્યારું પદ છે: ‘મેરા મન અનત કહાં ઉડ જાવે’ અનત એટલે અન્યત્ર. ‘મેરા મન અનત કહાં ઉડ જાવે’ પ્રભુ તને છોડીને મારું મન બીજે ક્યાં જઈ શકે? ઉપમા આપે છે; ‘જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે.’
જુના કાળમાં વહાણો હતાં. દિશાસૂચક યંત્રો ન હતા. કોઠા સુજથી જ નાવિકો આ પારથી પેલે પાર જતાં. હવે એમાં એક વહાણ દિશા ભુલી જાય. વાદળાંથી ઢંકાયેલો દિવસ હોય, અને આમ પણ મધ્યાહ્ન થાય સુરજ મધ્ય આકાશમાં હોય, દિશાનો તો ખબર પડવાનો નથી. એ વહાણ દિશા ભુલી જાય. પછી ખબર જ ન પડે ક્યાં જઈ રહ્યું છે. એવું બને પછી કે અઠવાડિયું દસ દિવસ થાય ખ્યાલ નથી આવતો પોતે ક્યાં છે! કોઈ મોબાઈલ નથી. કોઈ સાધનો નથી. એ વખતે પાણી પણ કદાચ ખતમ થવા આવ્યું હોય. તો એમ થાય કે ચાલો કમસેકમ એક બેટ મળી જાય તો સારું. બેટમાં જઈએ તો મીઠું પાણી મળે. ફળ-ફળાદિ મળે. એટલે એ લોકો શું કરતાં? વહાણમાં પાંજરામાં કબુતરને રાખતાં. રોજ દાણા-પાણી આપે. બધું વ્યવસ્થિત કરે. આવો પ્રસંગ આવે ને ત્યારે શું કરે? કબૂતરને પાંજરામાંથી છોડે. માણસને તો છે ને ચારે બાજુ પાણી જ દેખાય છે. કબુતર ઊંચું ઉડશે અને પાંજરામાં એમે કંટાળી ગયેલું હોય. જો એને બેટ દેખાય, આમ ઉડે, આમ ઉડે, આમ ઉડે. ક્યાંય બેટ દેખાય તો બેટ તરફ એ જતું રહે. અને આ લોકો બરોબર જુએ કઈ દિશામાં ગયું? પણ, ચારે બાજુ પાણી જ પાણી છે. મધદરિયે વહાણ છે. ક્યાંય બેટ દેખાતું જ નથી. તો પંખી શું કરે, ફરી પાછું વહાણ ઉપર આવી જાય. તો “જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે, મેરા મન અનત કહાં ઉડ જાવે” ત્રણે લોકની અંદર તારા સિવાય કોઈ આશ્રય સ્થાન મારા માટે નથી.
મીરાંએ કહેલું; “ઔર આશરો નહિ કોઈ મેરો, તીન લોક મન્ઝાર” ત્રણે લોકની અંદર તારા સિવાય કોઈ આધાર, કોઈ આશ્રય મારા માટે નથી. આ ભક્તિની રસધાર માં વહેવું, બહુ જ મજાનું છે. ભલે પહેલાં તમે અહોભાવના સ્તરમાં ઝુમશો. નાચશો. પણ પછી પ્રભુ તમને ત્યાં રહેવા નહી દે. પ્રભુ તમને ઊંચકશે અને શુદ્ધની ધારામાં લઇ જશે. આપણને ભક્તિ ધારા ગળથુંથીમાંથી મળી છે. નાનો દીકરો હોય તરત જ દેરાસરે લઇ જવાનો. ભગવાનનું દર્શન કરવા. તો ભક્તિની પરંપરા આપણને ગળથુંથીમાંથી મળી છે. પણ એના ઉપર આપણું development કેટલું?
હું ઘણીવાર પ્રવચનમાં એક પ્રશ્ન કરું; કે અહિંસાની વિચારસરણી ગળથુંથીમાંથી આપણને મળી છે. આપણે સ્કુલમાં ભણતા હતાં. ત્યાં પાટલીમાં માંકડ દેખાય અને આપણો કલીગ કદાચ એને પેન્સિલની અણીથી દબાવવા જાય, આપણે ના પાડતા. નહિ, નહિ, નહિ એને પણ જીવ છે. આ દયા આપણી પાસે હતી. હું હવે લોકોને પૂછું કે તમે સાત વર્ષના કે આઠ વર્ષના હતાં, ત્યારે આ અહિંસા, આ કોમળભાવ તમારી પાસે હતો. હવે તમે એ કોમળભાવનો વિસ્તાર કેટલો કર્યો? તમે તમારા ઘરમાં પણ જો પ્રેમથી ન રહી શકતાં હોય તો તમારી પાસે કોમળભાવ છે એવું કેવી રીતે માની શકાય?
એક વખત મેં પ્રવચનમાં બહેનોને કહેલું. ખાસ તો માતાઓને. કે સાસુઓ હોય ને, એ નિયમ લઇ લે કે પાંચ તિથી લીલું શાક ન ખવાય, કે દસ તિથી લીલું શાક ન ખવાય. તો બધા કહે; હા સાહેબ! એ તો નિયમ અમારે છે જ. મેં કહ્યું; બરોબર. એટલે તમારી કોમળતા કેટલી બધી મજાની થઇ, મેં કીધું! કે વનસ્પતિના આત્માને પણ તમે દુભવવા માટે તૈયાર નથી. હવે નક્કી કરો કે, કે દસ તિથી તો કમસેકમ કોઈની જોડે ઘરમાં ઝઘડો નહિ કરવાનો. એટલે આઠમ ને ચૌદસ આવશે ને બહુ રાજી થશે. આજે માજી ઝઘડો નહી કરે.
તો જે કોમળભાવ ગળથુંથીમાંથી મળ્યો. Development નથી આપણી પાસે!
બીજી વાત કરું; કદાચ તમારે – એક સાધુને વનસ્પતિ પર થોડા ડગલાં ચાલવા પડે. તમે તમારી આલોચનાની નોંધમાં લખી લો છો કે આટલાં ડગ લીલા ઘાસ મારે ચાલવું પડ્યું. મારો એક સવાલ છે; કે એ વખતે તમને વેદના કેટલી થઇ? There was no other way. બીજો કોઈ રસ્તો જ હતો નહી! તમે ખોટા માર્ગે ચડી ગયા, અને હવે આ જ રસ્તો છે. તમારે એ લીલા ઘાસ પર ડગલા ભરવા જ પડે એવું હતું. તમે ભરી પણ લીધા. આલોચનામાં લખી પણ લીધું. તમને દર્દ કેટલું થયું મારે પૂછવું છે? એટલે એવું તો નથી કે તમે સ્વાર્થી બની ગયા હોવ? મને અતિચાર લાગ્યો એના માટે પ્રાયશ્ચિત્ત કરી લઉં. અરે ભાઈ! એના જીવનનું શું થયું, એ તો કહે પહેલાં? તારી પાસે જો સંવેદના જ નથી તો આલોચના લઈને પણ તું શું કરીશ! પહેલા છે ને જ્યારે મોઢે આલોચના લેવાની ને ત્યારે ગુરુઓ, ગીતાર્થ ગુરુઓ એક જ પાપનું પ્રાયશ્ચિત્ત અલગ-અલગ આપે. એક પાપ કૃત્યનું પ્રાયશ્ચિત્ત એકાસણું પણ આપે, ને અટ્ઠમ પણ આપે.
એક વ્યક્તિ આવે કે સાહેબ! બારણું બંધ કરતો હતો અને ગરોળી આવી ગઈ અને ખબર ન પડી, એની પૂંછડી કપાઈ ગઈ, એ થોડીવાર તરફડતી હતી. એકદમ પ્લેન રીતે એ બોલી નાંખે છે..! અને બીજી વ્યક્તિ આવે છે, એ બોલી નથી શકતી આમ. આંખમાં આંસુ છે. ગળે ડુંસકા છે. બોલી શકતી નથી. માંડ માંડ કહે છે, ગુરુદેવ! મારો ખ્યાલ ન રહ્યો, બારણાં ઉપર ગરોળી હતી. મેં બારણું વાસ્યું, એની પૂંછડી કપાઈ ગઈ, એને શું સાહેબ વેદના થઇ હશે..! હું તો સાહેબ ત્રણ દિવસથી તમને કહ્યું નથી. ખાઈ શકતી નથી. પી શકતી નથી. કેટલી પીડા એને થઇ હશે.! મેં એનો તરફડાટ નજરે જોયો. સાહેબ મારાથી હજુ પણ એ તરફડાટ જે છે એ જ નજરમાં આવે છે. તો આ પાછળની આલોચનાનું પ્રાયશ્ચિત્ત ઓછું આવવાનું. આગળની આલોચનાનું પ્રાયશ્ચિત્ત વધારે આવવાનું.
એટલે જ પ્રાયશ્ચિત્ત કોને કેટલું આપવું, એ ગીતાર્થ ગુરુના હાથમાં છે. પણ ગીતાર્થ ગુરુ નક્કી કઈ રીતે કરે છે? તમારી સંવેદનાને આધારિત, તમારી પરિણતિને આધારે. એ પાપ થઇ પણ ગયું. વિરાધના થઇ પણ ગઈ. પણ વિરાધનાનો પશ્ચાતાપ કેટલો છે તમારી પાસે? એના ઉપર ગીતાર્થ ગુરુ તમને પ્રાયશ્ચિત્ત આપતાં હોય છે. તો ઘાસ પર પગ આવી ગયો, વેદના કેટલી થયેલી, મારે તમને એ પૂછવું છે?
હું ઘણીવાર કહું છું, કે સૌથી મોટો અકાળ પડ્યો હોય ને, તો સંવેદનાનો અકાળ પડ્યો છે. આજનો માણસ સવારની ચા ની ચુસ્કી ટી.વી. પરના સમાચાર જોતો જોતો લઇ શકે છે. કદાચ ક્યાંક ધરતીકંપ થયો છે. હજારો મકાનો તૂટી પડ્યા છે. એમ્બ્યુલન્સની સાઇરનો વાગી રહી છે. લોકોએ સ્ટ્રેચરોમાં બહાર કાઢી રખાયા છે અને આ માણસ ચા ની ચુસ્કી પીતો પીતો એને જોઈ રહ્યો છે.
તો આપણી વાત એ હતી, કે ભક્તિ આપણને ગળથુંથીમાંથી મળી છે. એનું development આપણે કેમ ન કરી શક્યા? ભક્તિ અહોભાવમાં. પછી અહોભાવની extreme point ઉપર, પછી સીધું જે શુદ્ધમાં.! પ્રભુ જ ગમે છે, બીજું કંઈ ગમતું નથી.! તો અહોભાવની ધારા છે ત્યાં સુધી મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. આ વસ્તુ છે. પણ પછી શુદ્ધનો લય પકડાય જ છે, મારા ભગવાનના મુખને જોઉં છું, એટલે પ્રશમરસ દેખાય છે. મારા ભગવાનના ચહેરા ઉપર વિતરાગદશા દેખાય છે.
હું તો ઘણીવાર કહું; કે પંડિત હરીભદ્રે પ્રભુનું દર્શન કરેલું ને, થોડુક વાસ્તવિક હતું. હરીભદ્રાચાર્ય તો મહાન ભક્ત. પંડિત હરીભદ્ર. એ વખતે કહેવાતું, કે “હસ્તિના તાઢય માનોપિ, ન ગચ્છેત્ જૈન મંદિરે” સામેથી હાથી આવતો હોય, બીજો કોઈ રસ્તો ન હોય, માત્ર જૈન મંદિર ખુલ્લું હોય, તો હાથીના પગ નીચે ચગદાઈ જવું, કચડાઈ જવું, પણ જૈન મંદિરમાં ન જવું. આવો જ અવસર આવ્યો, એટલે હરીભદ્ર બિવાઈ ગયા. જૈન મંદિરમાં પહોંચી ગયા. એટલે ભગવાન પ્રત્યે પણ કોઈ ભાવ તો નથી. અને પહેલી જ વાર દેરાસરમાં ગયા છે. પણ ભગવાનને જોઇને શું કહે છે; ‘वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्न भोजनम्’ એને પણ પ્રભુની પ્રસન્નતા, પ્રભુની સ્વસ્થતા દેખાઈ. ‘वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्न भोजनम्’ વાણિયાના ભગવાન છો. માલ-મરી તો બહુ મળે છે. એટલે શરીર તો બરોબર છે. સારું જ છે. દુબળું પાતળું નથી. અને મુનિ હરીભદ્ર બન્યા પછી દર્શન માટે ગયા, ત્યારે આ જ શ્લોક બોલ્યાં; સહેજ ફેરફાર સાથે, ” वपुरेव तवाचष्टे भगवन् वितरागताम्:” તારું મુખ જ કહે છે કે તું વિતરાગ છે…
તો માત્ર થોડો મહેનત તમે કરો ને, તો ગળથુંથીમાંથી મળેલી આ ભક્તિની ધારા તમને આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ લઇ જાય. એટલે સદ્ગુરુનું કામ આ જ છે. સદ્ગુરુ તમારા દોષને જોશે. Pin point કરીને તમને બતાવશે. અને એ દોષમાંથી તમને બહાર લાવવાનું કામ પણ સદ્ગુરુ કરી આપશે. માત્ર સદ્ગુરુને કોરો ચેક તમે આપ્યો છે ખરો? સાહેબ મારો જે પણ દોષ હોય, બેધડક કહી દેજો, અને મને સજા આપી દેજો. મને દોષમાંથી મુક્ત બનાવી દેજો. આપણે સદ્ગુરુને કહેલું ખરું?
તિબેટમાં એક મોટો વિદ્વાન. મિલારેપા એનું નામ. એટલો મોટો વિદ્વાન કે એ જમાનાની યુનીવર્સીટીઓમાં એના લખેલા પુસ્તકો જે છે એ ચાલતાં. એમાં એને સાધનાની ભૂખ જાગી. કારણ કે પ્રતિષ્ઠાની ટોચ પર પહોંચી ગયો. હજારો, લાખો લોકો એણે ઓળખવા માંડ્યા. વિદ્વાન તરીકે. પણ એને જોયું; કે આમાંથી કંઈ મળતું તો છે નહિ. અને કદાચ હજારો, લાખો લોકો મારી પ્રશંસા કરે એથી મને શું મળે? અને એક સાધનાની અદમ્ય ઝંખના એને જાગી. એ વખતે પુરા તિબેટમાં બહુ જ મોટા ગુરુ તરીકે નારોપા નામના ગુરુ પ્રસિદ્ધ હતા. તો મીલારેપા એકવાર નારોપા ગુરુ પાસે જાય છે. સીધો જ ચરણોમાં પડી જાય છે. ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. શિષ્ય તરીકે મારો સ્વીકાર કરો. આટલો વિદ્વાન. આટલો પ્રતિષ્ઠિત માણસ. એ શિષ્યત્વની પ્રાર્થના કરે છે, ગુરુ સ્વીકારવા તૈયાર નથી. ગુરુ તમને ક્યારે લે? તમારા ઉપર કામ કરી શકાય તો લે!
મારી પાસે જે મુમુક્ષુઓ છે ને, બધાને હું વારંવાર કહું, કે દીક્ષા પહેલાં એટલા તૈયાર થઈ જાવ કે દીક્ષાના પહેલાં દિવસથી, from the very first day, તમારા ઉપર કામ શરૂ થઇ જાય. એ વૈરાગ્ય, એ ભક્તિ, એ સાધનાની અદમ્ય ઝંખના આ બધું જ એવું લઈને આવો, કે દિક્ષાના પહેલા દિવસથી તમારા ઉપર કામ શરૂ થઇ જાય. તો કોઈ પણ સદ્ગુરુ શિષ્યને ત્યારે જ સ્વીકારે કે જ્યારે એ એના ઉપર કામ કરી શકે એમ હોય.
ગુરુએ જોયું; વિદ્વાન માણસ છે. પણ અહંકાર તો છે જ. અને અહંકાર ન જાય ત્યાં સુધી સાધના આપી કેમ શકાય? એટલે ગુરુએ કહ્યું; સાધનાની વાત તો પછી. પણ એક કામ કર. આશ્રમમાં એક કુટીર બનાવવાની છે. પથ્થર જોઈએ છે. બાજુમાં જ પહાડ છે. ગાડું, બળદ, ત્રિકમ, કોદાળી, પાવડો, તારે જે જોઈએ એ આશ્રમના સ્ટોલમાંથી લઇ લેજે. અને ગાડું ભરીને પથ્થર લઇ આવજે. એટલી બધી સાધનાની ઝંખના! અને નક્કી કર્યું કે એકદમ પ્રતિષ્ઠિત ગુરુ આ જ છે. તો આમની પાસે જ મારે શિષ્ય તરીકે રહેવું. ગુરુ કહે એ શરતે તૈયાર થઇ ગયો.
ગાડું બળદ લઈને પહાડ ઉપર જાય. હવે એને હજારો માણસો સામે ભાષણ આપવાની જે છે એ પ્રેક્ટીસ હતી. પણ પથ્થર તોડવાની પ્રેક્ટીસ ન હતી. બાવડાં રહી જાય. સવારથી સાંજ સુધી મહેનત કરી. અડધું ગાડું ભરાય પથ્થર થયાં. એ લઈને આશ્રમમાં આવ્યો. ગુરુને કહ્યું સાહેબ! આટલા પથ્થર લાવ્યો છું. ગુરુ કહે; પેલી જગ્યાએ મૂકી દેજે. અને કાલે ફરી મને મળજે. ગુરુ એ પણ નથી પૂછતાં કે બેટા ભૂખ્યો થયો હોઈશ. તું રસોડે જમી લેજે. એ ગુરુનું કામ જ નથી.! તમારા શરીરની સંભાળ રાખવી એ ગુરુનું કામ છે?
એક બાલમુનિએ દીક્ષા લીધી. યોગ વિગેરે આવે. થોડા ગરમીના વિહારો હોય. થોડું શરીર સુકાણું હશે. તો એના મમ્મી-પપ્પા આવ્યાં. મ.સા. અમારા મ.સા. તો સુકાઈ ગયાં અહીંયા. હું મનમાં હસું કે તમારા દીકરાને ઘેટું બનાવવા થોડું અહીં લાવ્યા છીએ!
તો આ ગુરુ એના શરીરની ચિંતા કરવા તૈયાર નથી. હોશિયાર માણસ છે, ફોડી નાંખશે. મારે તો માત્ર એના અહંકારને દૂર કરવો છે. બીજી સવારે ફરી આવ્યો મીલારેપા. ગુરુએ કહ્યું; હા, એ જ કામ કરવાનું છે. પથ્થર તોડી લાવ. સારું. બીજી સાંજે પથ્થર લઈને આવ્યો. સાહેબ આટલા પથ્થર આવ્યા. સારું કાલે સવારે મળજે. ફરી ત્રીજી સવારે એ જ વાત, “પથ્થર તોડી લાવ.” સાતમા દિવસે પણ એ જ ઘટના.! “પથ્થર તોડી લાવ.” સાતમા દિવસે પથ્થરોને તોડ્યા પછી, ગાડામાં મુક્યા પછી એ ગાડું લઈને આવે છે ત્યારે એના મગજમાં એક વિચાર આવ્યો કે ગુરુ શું કરે છે મારા ઉપર? ગુરુ ખરેખર શું કરી રહ્યા છે મારા ઉપર? આ પથ્થરોને તોડાવવાને અને મારી સાધનાને સંબંધ કયો હોય? તરત એને ટ્યુબ લાઈટ થઇ કે ગુરુ પથ્થરો તોડાવતા નથી, મારા અહંકારને તોડી રહ્યા છે. તરત એને સમજાઈ ગયું, ઓહો! હું વિદ્વાન છું, એ અહંકાર તો મને છે જ. એટલે અહંકાર હોય તો સાધના કેમ મળી શકે! આ ખ્યાલ આવ્યો એનો અહંકાર એકદમ નીતરી ગયો.
એટલે સાતની સાંજે ગુરુ પાસે ગયો. ગુરુ તો face reading ના master હતાં. ચહેરો જોઇને ખ્યાલ આવી ગયો. અહંકાર છૂં થઇ ગયો છે હવે. બેટા! બેસ. ગોધુની સમય છે. બહુ મજાનો સમય છે, તને સાધના દીક્ષા આપી દઉં.!
આપણે ત્યાં પણ આ જ રીતે કામ થતું હતું. તમને ખ્યાલ છે? દીક્ષા આપ્યા પછી વડી દીક્ષા ક્યારે અપાતી? એ નૂતન દીક્ષિતની પરિણતી બરોબર થયેલી હોય ત્યારે.! અત્યારે જેમ આપણે ૧૪ દિવસના જોગ થયા ને દશવૈકાલિક ભણ્યો, કે ન ભણ્યો, વડી દીક્ષા કરી નાંખો. એવું નથી. છ મહિના પણ થાય. બાર મહિના પણ થાય.
એક નૂતન દીક્ષિતની વાત આવે છે. કે ગુરુએ એને દશવૈકાલિકના ચાર અધ્યયન અર્થ સાથે કરાવી દીધા. એટલે આખો જ એને ખ્યાલ આવ્યો કે સંયમ જીવનમાં શું નથી કરવાનું. વિરાધના ક્યાં ક્યાં થાય છે. એને ખ્યાલ આવી ગયો. હવે એને વડી દીક્ષા આપતાં પહેલાં ગુરુ એની પરીક્ષા કરે છે. એક પરિણત શ્રાવકને ગુરુએ ખાનગીમાં કહ્યું; કે પેલું નેળિયું છે ને, બે બાજુ થોર હોય અને વચ્ચે રસ્તો હોય, એ નેળિયું કહેવાય. એ નેળિયામાં થોડા ઘઉંના દાણા, થોડાક બાજરીના દાણા, થોડું લીલું ઘાસ, શરૂઆતમાં થોડું વેરી નાંખજો. આપણે છે ને પરિણત શ્રાવકને જ કહેવાય. એટલે સમર્પિત શ્રાવક. એ સમજે કે ગુરુ કહે છે કંઈક હેતુ હશે. નહીતર ગુરુ આવું કહે નહિ. એ પ્રમાણે પેલાએ નાંખ્યું.
બીજી સવારે ગુરુ કહે છે પેલા નૂતન દીક્ષિતને કે ભાઈ ચાલ આપણે આજે ચૌદસ છે. ચૈત્યપરિપાર્ટી માટે જઈએ. બાજુમાં પેલું ગામ છે ને ત્યાં એક કિલોમીટર દૂર, ત્યાં આપણે જઈ આવીએ, ચાલ મારી જોડે. લઈને નીકળ્યા. પેલું નેળિયું આવે. એ ગામ જવાના બે રસ્તા હતાં. એક તો બાય રોડ બહુ ફરીને જવાતું. રાજમાર્ગ દ્વારા. બીજું નેળિયું શોર્ટકટનું હતું. પેલામાં ત્રણ-ચાર ઘણું વધી જતું હતું, મોટા રસ્તે. હવે નેળિયા પાસે આવ્યાં. શિષ્યએ જોયું; ઘઉંના દાણા. બાજરીના દાણા. ઘાસ. અને હવે ધૂળિયા રસ્તા પર શું થાય, તમારો પગ પડે એટલે આમથી આમ દાણો જાય. આમથી આમ દાણો જાય. રોડ ઉપર કદાચ છુટા છવાયા વેરાયેલા હોય ને તો તમે આસ્તે આસ્તે ડગ મુકીને પણ જઈ શકો. આમાં ક્યાં જઈ શકો તમે? ગુરુ શિષ્યના મુખ સામે જોઈ રહે છે કે શું વિચારે છે? સાહેબજી! આપે જ તો મને શીખવાડ્યું છે કે આ બધા જીવો છે. અને આપણને જેવી વેદના થાય એવી જ વેદના એમને થાય છે. તો ગુરુદેવ એમની વિરાધના કેમ થાય! ગુરુ ખાલી પાછું પૂછે છે, પરીક્ષા તો પુરી કરવી ને! પણ આપણે આ મોટા રસ્તે જઈશું તો બહુ લાંબુ થશે ને? એમ કરતાં સપડાઈ જાય! હા, સાહેબ હા, હા એમ કહી દે કદાચ. મોટા રસ્તે બહુ લાંબુ છે સાહેબ હો, ત્રણ-ચાર ગણું લાંબુ થઇ જાય. આપણે ક્યારે પહોંચીએ ત્યાં? દર્શન કરીને ક્યારે પાછા અહીંયા આવીએ?! એણે કહ્યું; ગુરુદેવ! મોટા રસ્તે આપણે જઈએ કોઈ વાંધો નથી. આપ કદાચ ઉંમરલાયક છો. આપને ઉપાડવાનો લાભ પણ મને આપજો. પણ આપણે એ રસ્તે જઈએ તો સારું. મારી આવી ઈચ્છા છે. બાકી આપની આજ્ઞા. ‘आणाए धम्मो’ એ તો શીખેલું જ હતું. ગુરુની આજ્ઞા હોય તો આ રસ્તે ચાલવામાં ય વાંધો નથી. પણ જો આપ આજ્ઞા આપો તો આપણે પેલા રસ્તે જઈએ. પછી પેલા રસ્તે જ ગયા ગુરુ. હવે ગુરુએ શિષ્યને યોગ્ય ઠેરવ્યો. કે તને વડી દીક્ષા અમે આપીશું.
પરિણતી. તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી. પરિણતી તમારી કેટલી પરિપક્વ છે? વૈરાગ્ય કેટલો તમારી પાસે આવ્યો? તીવ્ર વૈરાગ્ય.. તીવ્ર પર પ્રત્યેની અનાસક્તિ.
હું ઘણીવાર કહું છું. એક સાધુની આંખમાં શું દેખાય? પરમ અનાસક્ત દશા. આપણે લાગે કે દુનિયાનો કોઈ પદાર્થ, દુનિયાની કોઈ વ્યક્તિ એને આકર્ષિત ન કરી શકે. એટલે આમ પણ પરમાત્માનું રૂપ જેણે જોયું હોય એને બીજું બધું કેવું લાગે? સાવ નકામું.! તુચ્છ! એટલે તીવ્ર અનાસક્ત દશા જોઇશે. પર સાથે ક્યાંય સંપર્ક નહિ. અને સંપર્ક હોય તો પણ ભીતરી સંપર્ક તો નહિ જ.
હું ઘણીવાર કહું; કલાપૂર્ણસૂરિ દાદા હતાં. હજારો માણસો એમની સામે બેઠેલા હોય. પણ દાદાની સામે હજારો લોકો હતાં નહિ. દાદાની સામે માત્ર ભગવાન જ હતાં. એ તો કાંઈ ન કહે. ૫૦૦ આવ્યાં, કે ૧૦૦૦ આવ્યાં કે ૨૦૦૦ આવ્યાં. સંભળાય કે ન સંભળાય. હું તો મારી રીતે બોલું છું. ન સંભળાય તો જોશે બધા. એમનું જે હાસ્ય હતું ને, આપણને લાગે કે એક પરિણતી દ્વારા આવેલું હાસ્ય હતું. પ્રભું મળે ને પછી જ, એ સ્મિત, એ હાસ્ય આવે. તો “ભક્તિ કી રસધાર મેં, નિશદિન ભીના રે”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *