Mumukshu Vachna | 06-05-20 | Navsari Tapovan

19 Min Read

સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો

ભક્તિ એટલે શું? ભાવનરસ. તમે પ્રભુને સ્પર્શી શકો, પ્રભુને જીવી શકો, પ્રભુને અનુપ્રાણિત કરી શકો – એ ભક્તિ. શબ્દરસ નહિ, ચિંતનરસ નહિ; ભાવનરસ. અને જ્યાં આપણી બાજુ આ ભાવનરસ આવ્યો – ભક્તિ આવી – સામે પ્રભુનો પ્રસાદ તૈયાર જ છે.

જો કે વીતરાગસ્તોત્રમાં બહુ સરસ વાત કરી. પ્રભુ! હું ભક્તિ કરું, તુ રીઝે અને તારી કૃપાથી ફરી મારી ભક્તિ આગળ વધે એમાં તો કાંઈ મેળ ખાશે નહિ. કારણ? એમાં તો શરૂઆત મારે કરવાની આવી ને! અને મારી ભક્તિ તો સાવ સામાન્ય હશે; મારી એ ભક્તિ ઉપર તો તમે કેટલા રીઝશો? એના કરતા આ અન્યોન્યાસને છોડી દો. હું ભક્તિ કરું અને તમે કૃપા વરસાવો – એમ નહિ; તમે કૃપા વરસાવી જ દો!

ભક્તિ એટલે ભાગાકાર. તમે શૂન્ય થઈ જાઓ; નામશેષ થઈ જાઓ. શૂન્ય બનીને જ તમારે પૂર્ણ બનવાનું છે. જ્યાં સુધી વિભાવશૂન્ય તમે બની ન શકો, સ્વભાવપૂર્ણતા માત્ર સ્વપ્ન બનીને જ રહી જાય છે. વિભાવશૂન્ય બનો; સ્વભાવપૂર્ણ બનો.




નવસારી તપોવન વાચના – 39 [6.5.2020]

“ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે,
નહિ અચાહ નહિ ચાહના,
ચરનન લય લીના રે,
ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે”.
ભક્તિની એક મજાની વ્યાખ્યા મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં આપી; “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં હોય રિઝોજી.” “સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો”
ભક્તિ એટલે શું? ભાવન રસ… તમે પ્રભુને સ્પર્શી શકો! પ્રભુને જીવી શકો! પ્રભુને અનુપ્રણ કરી શકો, એ ભક્તિ છે. શબ્દરસ નહિ, ચિંતનરસ નહિ, ભાવન રસ! “સાચી ભક્તિ રે ભાવનરસ કહ્યો”
પછી કહે છે, “રસ હોય તિહાં હોય રિઝોજી” જ્યાં મારી બાજુ આ ભાવનરસ આવ્યો, ભક્તિ આવી, સામે પ્રભુનો પ્રસાદ તૈયાર જ છે! “રસ હોય તિહાં હોય રિઝોજી”
આનું મૂળ વિતરાગસ્તોત્રમાં છે:
मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुन: ।
इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि ॥
બહુ મજાની વાત કરી; ‘मत्प्रसत्तेस्त्वत्प्रसाद:’ હું ભક્તિ કરું તું રિઝે. ‘त्वत् प्रसादादियं पुन:’ તારી કૃપાથી ફરી મારી ભક્તિ જે છે એ આગળ વધે. આમાં તો કાંઈ મેળ ખાય નહિ ભગવાન! કારણ? શરૂઆત મારે કરવાની રહી ને.! અને મારી ભક્તિ સાવ સામાન્ય હશે. તો એ મારી ભક્તિ ઉપર તમે કેટલા રીઝશો? એટલે સરસ વાત કરી. ‘इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि’ આ અન્યોન્યાસને છોડી દો! હું ભક્તિ કરું અને તમે વરસાવો કૃપા એ નહિ; વરસાવી જ દો!
હું ભક્તિનો એક અર્થ કરું છું. ભાગાકાર. ૧૬ની રકમ છે. તમારે ૪ વડે ભાગવી છે. એક કરણ ઉપર ૪ મુક્યા. બીજા કરણ ઉપર ૪ મુકો. નીચે શૂન્ય આવી જશે. તો ભક્ત એ ૧૬ની સંખ્યા છે. એક બાજુ પ્રભુ. બીજી બાજુ સદ્ગુરુ. ભક્ત થઈ ગયો સેન્ડવિચ. પણ આપણે કાચી માયા થોડા છીએ. હું ૧૬ની રકમ નહિ ૧૮ની રકમ છું. ચોકુ ચોકુ સોળ અને વદ્દી પડી બે. લાવો ઉપરથી બે. તો ગુરુ તમને છોડવાના નથી. એટલે ભક્તિ એટલે ભાગાકાર. તમે શૂન્ય થઈ જાઓ. નામશેષ થઈ જાઓ. અને શૂન્ય બનીને જ તમારે પૂર્ણ બનવાનું છે. જ્યાં સુધી વિભાવ શૂન્ય તમે બની ન શકો, સ્વભાવ પૂર્ણતાનું માત્ર સ્વપ્ન જ તમારી સામે છે. સ્વભાવ પૂર્ણતા ક્યારેય પણ મળી ન શકે. તો વિભાવશૂન્ય બનો. સ્વભાવ પૂર્ણ બનો.
મહારાષ્ટ્રના ત્રણ સંતો. જ્ઞાનદેવ, મુક્તાબાઈ અને નામદેવ. ત્રણેય પ્રસિદ્ધ સંતો. એકવાર ત્રણેય સંતો યાત્રાએ ગયા છે. યાત્રાથી પાછા ફરતા બીજો રૂટ લીધો. અને એમાં એક ગામ એવું આવ્યું જ્યાં ગોરો કુંભાર નામનો એક સાધક રહેતો હતો. હતો કુંભાર. માટલા જ ઘડતો હતો. પણ પૂરો સાધક હતો. તો ત્રણેય વિચાર કર્યો. આજે તો ગોરા કુંભારને ત્યાં જ જઈએ. જ્ઞાનગોષ્ઠી સારી થશે. ગયા ત્યાં. નાહ્યા. પૂજા-પાઠ કર્યો. જમ્યા. જ્ઞાનદેવ અને મુકતાબાઈ બેઉ અત્યંત પરિણત. નામદેવ થોડા અપરિપક્વ હતા. જે પરિપક્વ છે ને એને ક્યાંય કુતુહુલ, જિજ્ઞાસા કાંઈ હોય જ નહિ. જેને ભીતરનો ખજાનો મળી ગયો; બહાર ક્યારેય ઝાંખતો જ નથી.!
સમાધિશતકમાં કહ્યું છે કે જે ક્ષણે તું બહારના રૂપને જોવાનું બંધ કરે એ જ ક્ષણે તારું સ્વરૂપ તને દેખાશે. તો નામદેવ થોડા અપરિપક્વ. થોડું કુતૂહલ, જિજ્ઞાસા. કુંભારને ત્યાં બધા સાધનો પડયા હોય. એમાં એક ટપલુ હોય છે. ઘડાને આકાર આપવો હોય ને તો બહારથી ટીપવું પડે. અને એ વખતે કુંભાર અંદરથી હાથ આપે. જોશથી ટપલુ મારે તો લોંદો જ પડી જાય. એટલે અંદર હાથ રાખવો પડે. અને માત્ર અંદરનો હાથ હોય, તો બહાર ટપલુ ન હોય તો પણ ન ચાલે, આકાર ન મળે.
એટલે કહ્યું ને કબીરજીએ, “ગુરુ કુમ્હાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ; અંદર હાથ સંવાર દે, બાહિર મારે ચોટ”. ગુરુની એક આંખમાંથી વાત્સલ્ય ઝરતું હોય. બીજી આંખમાંથી કદાચ તમે લાલાશને પણ જોઈ શકો. એ જ લયમાં કબીરજીએ આગળ કહ્યું; “ગુરુ ધોબી શિશ કાપડાં, સાબુન સર્જનહાર; સુરત શિલા પર ધોઈએ, નીકશે જ્યોતિ અપાર”. ગુરુ છે ને તમારા માટે બધું બનવા માટે તૈયાર. તમે ઘડો તો ગુરુ કહે કુંભાર બને. તમે કહો સાહેબ મારા મનનું વસ્ત્ર બહુ મલીન છે, ગુરુ કહે તો ચાલ ધોબી બની જઈએ. “ગુરુ ધોબી શિશ કાપડાં.” સાબુ શું? “સાબુન સર્જનહાર” પરમાત્મા એ સાબુ છે. એની કૃપા વિના કશું જ થતું નથી. સદ્ગુરુ કોઇ પણ કાર્યનું કર્તૃત્વ પોતાના માથે ક્યારેય પણ લેતા નથી. Credit goes to the God. માત્ર અને માત્ર પ્રભુએ આ કર્યું એમજ એ કહે છે. એટલે સાબુન સર્જનહાર. પહેલાના ધોબીઓ હતા ને, બહુ મેલું કપડું હોય ને એટલે પથ્થર પર, શિલા ઉપર પટકે. એટલે ઘણો બધો મેલ નીકળી જાય. તો ગુરુ કઈ શિલા ઉપર વસ્ત્રને પટકે છે? “સુરત શિલા પર ધોઈએ.” સુરતીની શિલા – સ્મૃતિની શિલા.. નિરંતર સ્મરણ પ્રભુની પાસેનું ગુરુ પાસે છે. પ્રભુનું નિરંતર સ્મરણ ગુરુ પાસે છે. અને એ નિરંતર સ્મરણ જે છે એ જ શિલા બની જાય છે. અને એના ઉપર જ્યારે વસ્ત્ર મુકાય છે ત્યારે “નિકશે જ્યોતિ અપાર.”
“સુરત શિલા પર ધોઈએ.” બહુ સરસ વાત છે. સુરતીની શિલા. સાબુ પ્રભુ. પ્રભુની સ્મૃતિ એ શિલા. ગુરુ કશું કરતા નથી. મુખ્ય કામ પ્રભુ જ કરે છે. એ સુરતી. એ નામસ્મરણ કેવું હોય?
વિનોબાજીની એક પત્રકાર પરિષદ હતી દિલ્હીમાં. દેશના ટોચના પત્રકારો આવેલાં. આયોજકોએ પત્રકારોને નંબર આપી દીધેલા પ્રશ્નો પૂછવા માટેના. ત્રણ પ્રશ્નો પુછાઈ ગયા. ચોથો પ્રશ્ન પૂછવા માટે પત્રકાર ઉભો થયો. વિનોબાજી એટલે અત્યંત જ્ઞાની અને એકદમ સ્થિતપ્રજ્ઞ. ગમે તેવી ઘટના હોય એ પોતામાં જ રહેતા હતા. આટલી મોટી પત્રકાર પરિષદ. દેશના ટોચના અખબારોના તંત્રીઓ અને પત્રકારો આવેલા છે. સહેજ આમ-તેમ બોલાઈ જાય, બીજા દિવસના છાપા હેડલાઈનથી ઉભરાઈ જાય. પણ એકદમ સાક્ષીભાવમાં. ચોથો પત્રકાર ઉભો થયો. એણે કહ્યું; વિનોબાજી! ત્રણ પ્રશ્ન તમને પુછાઈ ગયા છે. અને ચોથો પ્રશ્ન પૂછવા માટે હું ઉભો થયો છું. પણ તમે ત્રીજાનો જવાબ આપી દીધો, હું ઉભો થયો, એની વચ્ચે જે બે-ચાર સેકન્ડ ગઈ એમાં તમે શું કર્યું? ત્યારે વિનોબાજીએ કહ્યું કે ગુરુમંત્ર મારી પાસે છે, “રામહરિ.” અને એ મંત્ર હું ગણ્યાં કરતો હોઉં છું. હજુ પણ તમે નહિ પૂછો ત્યાં સુધી મારો જાપ ચાલુ રહેવાનો છે.
એક ગુરુમંત્રની વાત કરી. મને એક ગુરુમંત્ર મળ્યો છે – રામહરિ, વિનોબાજી કહે છે. આ આપણી પ્રાચીન પરંપરા છે. સદ્ગુરુ પાસે તમારે જવાનું. અને સદ્ગુરુ તમારી જીવનવ્યાપિની સાધના માટે appropriate મંત્ર તમને આપે. તમારી સાધનાને ક્યાં લઇ જવાની છે, એ સદ્ગુરુને ખ્યાલ છે અને એટલે તમારી આખી જ સાધનાને જે બાજુ મુકવા માટે ગુરુ ચાહે છે, એ બાજુ મુકવા માટેનો જે મંત્ર હોય એ ગુરુ choose કરે છે અને એ મંત્ર તમને આપે.
ઉપધાનની જે પરંપરા છે ને. એની પાછળની વાત આ જ છે મંત્રદીક્ષાની. ઉપધાનમાં મંત્રદીક્ષા પણ છે અને સાધનાદીક્ષા પણ છે. ગુરુ એને જીવન વ્યાપિની સાધના પણ આપી શકે. અને મંત્ર તો આપે જ છે. તો સદ્ગુરુ પાસેથી લેવાયેલો મંત્ર બહુ જ મહત્વનો છે. નમસ્કાર મહામંત્ર મળેલ છે એ તમે ગણો એનો કોઈ વાંધો નથી. એ પણ ગુરુ પાસેથી લઇ લેવો જોઈએ. પણ પછી ગુરુદેવને વિનંતી કરી શકાય કે સાહેબ! મારી ધારા માટે જે મંત્ર આપને appropriate લાગતો હોય તે મને આપી દો. ગુરુ તમને મંત્ર આપશે. એટલે મંત્રદીક્ષા હોવી જ જોઈએ.
મંત્રશાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે ગુરુ મંત્ર આપે છે ત્યારે ગુરુની શક્તિ શું કામ કરે છે? કે ગુરુનો એ શબ્દ કાનમાંથી સીધો ઉપર જાય છે, સહસ્ત્રારમાં. અને સહસ્ત્રારમાં ખટાકો બોલે છે. જે સહસ્ત્રાર જન્મોથી બીડાયેલું હતું એ આ ગુરુમંત્રના કારણે ખૂલી જાય છે. તો “સુરત શિલા પર ધોઈએ, નિકશે જ્યોતિ અપાર.”
એક પટેલ ભાઈ મળેલા. એમને પણ ગુરુએ મંત્ર આપેલો, ‘રામ’. અજપાજપ જાપ કરતા એ. અજપાજપ જાપ બહુ મહત્વની વસ્તુ છે. કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ ચાલ્યા જ કરે. દા.ત. તમે કોઈ શુભ ક્રિયા કરો છો એ વખતે મંત્ર મૂકી દો. ખાવાની, પીવાની બીજી કોઇ પણ ક્રિયા થાય છે એ વખતે મંત્ર પાછો આવી જાય. એટલે તમારી ચેતના એ મંત્રમાં જ રહે, પરમાં ન જાય.
તો સંપૂર્ણ મૌનમાં રહે અને સતત જાપ ચાલ્યા કરતો હોય. એકવાર એમને પૂછવામાં આવ્યું કે દિવસે તો બરોબર છે, તમારો જાપ ચાલ્યા કરતો હોય. રાત્રે શું થાય છે? રાત્રે શું થાય? ત્યારે એમનો જવાબ હતો, સાહેબ રાત્રે બે-ચાર વાર બાથરૂમ માટે ઉઠવું પડે છે શિયાળામાં. તો જે વખતે ઉઠું છું એ વખતે જાપ ચાલુ હોય છે. જે ક્ષણે ઉઠ્યો એ ક્ષણે લાગે કે જાપ ચાલુ જ છે. એટલે કદાચ ઊંઘમાં પણ જાપ ચાલુ રહેતો હોય, બાકી તો ઉપરવાળો જાણે.
તો જ્ઞાનદેવ અને મુકતાબાઈ પરિણત છે. સ્વનિષ્ઠિત. પ્રભુનો મુનિ માત્ર અને માત્ર સ્વનિષ્ઠિત હોય. એ જે કોઇ પણ ક્રિયા કરે માત્ર સ્વમાં જવા માટેની જ હોય. અને એટલે જ પ્રભુએ ૨૪ કલાકની તમારી ક્રિયાને સાધના રૂપે લેખી. તમે વાપરો છો એ પણ સાધના છે. ઊંઘી જાઓ છો એ પણ સાધના છે. જો પ્રભુની આજ્ઞા પ્રમાણે સૂતા હોવ તો. સુવાનું એટલાં માટે છે કે શરીર એકદમ fresh થઈ જાય અને સાધનામાં વધુ વેગથી લાગી શકાય.
તો કોઈ કુતુહલ, કોઈ જિજ્ઞાસા કશું જ એની પાસે હોતું નથી. માત્ર વર્તમાનયોગ! – જે ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું છે. પણ નામદેવને તો કુતૂહલ હતું. એ ટપલુ પડેલું, હાથમાં લીધું, અને ગોરાકુંભારને પૂછ્યું કે આનાથી શું થાય? તો ગોરોકુંભાર કહે, ઘડો પણ પાક્કો બને. કાચો છે કે પાક્કો એની ખબર પણ પડી જાય અને શિષ્ય કાચો છે કે પાક્કો એ પણ ખબર પડી જાય આનાથી. શિષ્ય કાચો છે કે પાક્કો એ પણ ખબર પડી જાય. તો કહે; કઈ રીતે? ગોરો કુંભાર પરમ જ્ઞાની માણસ હતો. એમણે હાથમાં રહેલું ટપલુ મુકતાબાઈના માથા ઉપર સહેજ ટચ કર્યું. અને એકદમ નામદેવ ગુસ્સે થઈ ગયા. શું કરો છો તમે? એટલે ગોરો કુંભાર હસ્યો કે આ શિષ્ય કાચો છે! જેને ગુસ્સો આવી ગયો એ શિષ્ય કાચો.
એટલે ભક્તિનો અર્થ આ જ છે આપણે ત્યાં – પ્રભુની આજ્ઞાનું પાલન. તો સતત આજ્ઞાનું પાલન ચાલતું હોય અને આજ્ઞા પ્રત્યેનો આદર તો તીવ્ર, ક્ષણે-ક્ષણે હોય.!
એક ઝેન કથા આવે છે. બહુ મોટા ગુરુ છે. બપોરનો ભોજન પછીનો સમય છે. અને આરામ કરતા હોય છે. એવા લોકો બપોરના આરામ કેમ કરે ખબર છે? એમને રાત્રે બ્રહ્મમુહુર્તમાં, આગળની રાત્રે ધ્યાનદશામાં જોડાઈ જવું હોય અને રાતને પુરેપુરી ધ્યાનમાં પલટવી હોય તો દિવસે પણ બે-ચાર કલાક કદાચ એ ઊંઘી નાંખે. તો ઊંઘની પાછળ ઉદ્દેશ એક જ છે કે દિવસે થોડી ગરમી છે, કદાચ ધ્યાનમાં ઊંડો નથી ઉતરી શકતો, થોડી દેહાધ્યાસ છે. રાત્રે તો ઠંડક છે. રાત્રે ઉતરી જઈશ ધ્યાનમાં. એટલે દિવસે સુઈ જઈએ થોડી વાર ચાલો. એટલે સુઈ જાય છે, પણ હેતુ શું છે? ધ્યાનમાં જવા માટેનો.
હવે તમે નક્કી કરો કે તમારી એક-એક ક્રિયા શુદ્ધની વાત તો પછી, શુભની પણ ખરી? એટલું નક્કી ખરું? અશુભમાં એક ડગલું પણ આપણાથી ભરાય જ નહિ. એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કારનો વિચાર એક સેકન્ડ માટે પણ ન આવે. આ જાગૃતિ જોઈશે.
અને હું ઘણીવાર કહું છું કે મનનો વાંક ક્યારેય કાઢવાનો જ નહિ. તમારું મન તો obedient servent છે. આજ્ઞાંકિત સેવક છે. તમે મનને આજ્ઞા નથી કરતા, ભૂલ તમારી છે. પણ મજાની વાત એ છે કે મનને તમે આજ્ઞા કઈ રીતે કરશો? મજાની વાત છે. એક ગુલામ બીજા ગુલામ ને કહેશે, તારે નથી કરવાનું. તો એ માનશે? નહિ માને. બોસ કહેશે તો? માનશે. એમ તમે મનના સ્તર ઉપર રહીને મનને કહેશો તો મન માનશે? ચિત્તના સ્તર ઉપર જાઓ. અધ્યવસાયના સ્તર ઉપર જાઓ. આમ છે ને મન અને ચિત્તને એકબીજાના પર્યાય રૂપે પણ વપરાય છે. એ બે અલગ તરીકે પણ વપરાયા છે. ‘તં ચિત્તે તં મણે તં લેશે’
તો મન એટલે શું? મન ધાતુ ઉપરથી મન શબ્દ બન્યો. જે મનન કરે, વિચાર કરે તે મન.
તો ચિત્ત શું? ચિતિ શક્તિ જોડે, ચૈતન્ય જોડે સંકળાયેલી ઘટના એ ચિત્ત. એટલે અસ્તિત્વના સ્તર જોડે જે વિચારસરણી જોડાયેલી છે, એને આપણે ચિત્ત કહીએ છીએ. અને સંજ્ઞાવાસિતતા જોડે જે મન જોડાયેલું છે, એને આપણે મન કહીએ છીએ.
કારણ કે તમારું જે મન છે ને એ માત્ર પ્રવાહમાં સર્યા કરે છે, એ અટકતું નથી. ચારેય સંજ્ઞાઓ અથવા દસ સંજ્ઞાઓ. એ સંજ્ઞાઓથી એટલું અભ્યસ્ત બનેલું છે કે કોઇ પણ સંજ્ઞા મળે ને, એમાં એ ઢળી જાય છે. એટલે મનની પરિસ્થિતિ આ જ રહેવાની છે. પણ તમારે મનની ભૂમિકા ઉપર નથી રહેવું, ચિત્તની ભૂમિકા ઉપર જવું છે. ચિત્તની ભૂમિકા ઉપર બે કામ થશે – એક તો મન ઉપર નિયંત્રણ આવશે. તમે મનને કહેશો, “નહિ, ત્યાં નથી જવાનું.” નહિ જાય! અને બીજી વસ્તુ ત્યાં જે વિચાર છે એ તમારા ચૈતન્ય સાથે, તમારા શુદ્ધ સ્વરૂપ સાથે જોડાયેલું છે. એટલે ક્યાં તો તમારી વિતરાગદશા સંબંધી વિચાર છે. વિચાર છે, અનુપ્રેક્ષા છે પણ એ અનુપ્રેક્ષા કયા સંબંધમાં છે? તમારા શુદ્ધ સ્વરૂપના સંબંધમાં છે.
તો મન તો obedient servent છે, તમારે બોસ બનવું પડે. માત્ર મનની ભૂમિકા ઉપર હોય તો મન તમારું કહ્યું માનવાનું નથી.
એ ગુરુ બપોરે ભોજન પછી આરામ કરવા માંગે છે અને એટલે પોતાના રૂમનો દરવાજો એ બંધ કરે છે. બન્યું એવું કે એમનો દરવાજો બંધ કરવાની ઘટના. એક શિષ્ય આવતો હતો. એને ગુરુને મળવું હતું તાત્કાલિક. એનો હાથ બારણા ઉપર ગયેલો. ઘણી વખત suudenly કંઇક થઈ જતું હોય છે, આકસ્મિક. તો ગુરુને ખ્યાલ ન રહ્યો, બારણું વસાઈ ગયું. તરત જ ગુરુને ખ્યાલ આવી ગયો. પાછું બારણું ખોલી દીધું. પેલાની આંગળી પીલાઈ ગયેલી. લોહીની ધારા વહેતી હતી. એ આંગળી સામે જોવા માંડ્યા. ત્યારે ગુરુએ એને એક જ વાક્ય કહ્યું કે જે જોવાનું છે એ જો ને પણ! આ શું જોવે છે? જે જોવાનું છે એ જો! આમાં શું છે? એક જ ગુરુનું વાક્ય – પેલો સંબોધિ પામી જાય છે!
એટલે મજાની વાત એ છે. એ જ્યાં આત્મદર્શન તરફ વળ્યો, પીડા છે જ નહિ! કારણ – આંગળી પીલાયેલી ભલે રહી. લોહીની ધારા ભલે અંદરથી નીકળતી રહી. પણ એ પીડામાં એનો ઉપયોગ નથી. અને પીડામાં ઉપયોગ નથી એટલે પીડાનો બોધ થતો નથી. વિપશ્યના જેવામાં આ જ કરાવે છે કે તમારો પીડાનો બોધ જે છે ને એ નાબુદ કરાવી નાંખે છે. અને બહુ સરળ છે આ. તમે ક્યાંય પણ ભીતર જતા રહો. ઉપયોગને તમે ભીતર લઇ ગયા તો એ ક્ષણે બહાર રહી શકવાનો નથી. બહાર અને અંદર એક સાથે ઉપયોગ બે જગ્યાએ રહેવાનો નથી. તો બહાર આવી કોઈ ઘટના ઘટી; ઉપયોગને અંદર લઈ જાઓ.
એક અમેરિકન પ્રોફેસર હતા. અમેરિકામાં શનિ-રવિ આવે એટલે weekend. પાંચ દિવસ કામ કરે અને બે દિવસ રખડવા દોડી જાય. તો પ્રોફેસર પોતાની પત્ની જોડે કાર લઈને નીકળ્યા કે ચાલો આપણે જંગલ બાજુ જઈએ. સિંગલપટ્ટી રોડ. પ્રોફેસર સેલ્ફ ડ્રાઈવિંગ કરે છે. એમાં સહેજ ધ્યાન ચુકાઈ ગયું અને કાર બાજુમાં રહેલાં એક ઝાડ સાથે જોશથી અથડાઈ. સ્ટેરીંગ વહીલ જોશથી વાગ્યું કપાળમાં. કપાળમાંથી લોહી ઝરવા માંડ્યું. બે જણા બહાર તો નીકળી ગયા. હવે શું કરવું? મોબાઇલનો ટાવર એ પકડાતો નથી ત્યાં. તો કોઈ કાર-બાર આવે. કોઈ થોભે તો આપણે શહેરમાં પહોંચીએ. હવે એ લોકો લગભગ ફર્સ્ટ એઈડબોક્ષ તો જોડે રાખતા જ હોય, પ્રાથમિક સારવાર માટે. આજે કુદરતી એ ભુલાઈ ગયેલું. અને પ્રોફેસરને પીડા બહુ જ થાય છે. અને એ વખતે એની પત્નીએ કહ્યું કે આપણી પાસે પેઈન કીલર નથી. બીજું કોઈ સાધન નથી. પણ હું હમણાં ધ્યાન શીખીને આવેલી છે. અને ધ્યાનમાં એક જ વસ્તુ છે. ઉપયોગને આપણે આ રીતે કેન્દ્રિત કરીએ ને તો ઉપયોગ આમાંથી નીકળી જશે. તમે જરા ટ્રાય તો કરો. ચોક્કસ જો પેઈન કીલર હોત ને તો ધ્યાન ન જ કરત પેલો. પણ પેઈન કીલર નથી. કાંઈ જ નથી. શું કરે હવે? એની પત્ની બતાવતી ગઈ અને એ ધ્યાનમાં જોડાઈ ગયો. આંખો બંધ. શરીર ટટ્ટાર. અને એકદમ ધીરે-ધીરે અંદર ઉતરે છે. દુઃખાવો ગાયબ.! પછી એક ગાડી આવી ગઈ. એમાં એ લોકો પહોંચી પણ ગયા. પણ એ પ્રોફેસર પછી કોલેજનું પ્રોફેસર પણું છોડી ધ્યાનનો પ્રોફેસર બની ગયો.! ધ્યાન શીખી પણ ગયો. ધ્યાન શીખવવા મંડી પડ્યો.
તો ‘સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો’
‘ભક્તિ કી રસધાર મેં, નિશદિન ભીના રે’

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *