Mumukshu Vachna | 12-05-20 | Navsari Tapovan

1 View
19 Min Read

વીર્યાચાર – રૂપસ્થ ધ્યાન

જે પણ અનુષ્ઠાનો જે રીતે કરવાના છે, એ જ રીતે કરવા માટે ઉપયોગ રાખવો અને પ્રમાદ ક્યારેય પોષાય નહિ એનો ખ્યાલ રાખવો – આવી ક્રિયાની અપ્રમત્તતા એ સ્થૂળ વીર્યાચાર. અને સૂક્ષ્મ વીર્યાચાર એ છે કે ઉપયોગ સ્વ તરફ જ જવો જોઈએ; ઉપયોગ પરમાં જાય એ ચાલે જ નહિ. સૂક્ષ્મ વીર્યાચારમાં જવા માટે ધ્યાનદશાને પ્રગાઢ બનાવવી પડે.

રૂપસ્થ ધ્યાન માટે ચિદાનંદજી મહારાજે કહ્યું: રહત વિકાર સ્વરૂપ નિહારી. તારી ભીતર રાગ-દ્વેષ-અહંકાર ઊઠે એને તું જોઈ શકીશ? એ ના નથી પાડતા કે તું કેમ રાગદશામાં જાય છે! કારણ? રાગ સત્તામાં પડેલો છે, ઉદયમાં આવ્યો અને તમે જાગૃત નથી, તો ભળી જ જવાના છો. એટલે એ જાગૃતિની વાત પણ પછી કરે છે. પહેલા તો આટલું જ કહે છે કે તું તારા વિકારોને જો!

તમે મનમાં ઊઠતા રાગને જો જોવા લાગો, તો રાગનો વિચાર એ દ્રશ્ય બની જશે અને તમે એને જોનાર દ્રષ્ટા બની જશો. આ દ્રષ્ટાભાવ એ જ તમારા દર્શનગુણનો અનુભવ. તમે શેના દ્રષ્ટા બનો છો – એ મહત્વનું છે જ નહિ! રાગના દ્રષ્ટા બનો તો પણ કોઈ વાંધો નથી. આવું રૂપસ્થ ધ્યાન બહુ જ સરળ છે કારણ કે તમે જ્યાં છો એ ભૂમિકા પરથી એ શરૂ થાય છે.




નવસારી તપોવન વાચના – 45 [12.5.2020]

પંચાચારમાં ચારિત્રાચાર આપણે જોયું. હવે વીર્યાચાર.
વીર્યાચારમાં સ્થૂળ વીર્યાચારમાં ક્રિયાની અપ્રમત્તતા. જે પણ અનુષ્ઠાનો જે રીતે કરવાના છે, એ જ રીતે કરવા માટે ઉપયોગ રાખવો અને પ્રમાદ ક્યારેય પોષાય નહિ એનો ખ્યાલ રાખવો – આ સ્થૂળ વીર્યાચાર.
સુક્ષ્મ વીર્યાચાર એ છે કે ઉપયોગ સ્વ તરફ જ જવો જોઈએ. ઉપયોગ પરમાં જાય એ તો ચાલે જ નહિ. એટલે સ્થૂળ વીર્યાચારમાં આપણે શું કહ્યું કે ઉપયોગ શુભમાં રહે. મારે આ ક્રિયા કરવાની છે, આ સમયે કરવાની છે, આ રીતે કરવાની છે. એટલે શુભમાં ઉપયોગ રહે એ સ્થૂળ વીર્યાચાર. અને શુદ્ધમાં ઉપયોગ રહે એ સુક્ષ્મ વીર્યાચાર. એટલે કે સુક્ષ્મ વીર્યાચારમાં જવા માટે ધ્યાનદશાને પ્રગાઢ બનાવવી પડે.
આચારાંગસૂત્રમાં પ્રભુની સાડા બાર વરસની જે સાધના આપી એમાં ધ્યાનના બહુ મજાના સુત્રો છે. એક સૂત્ર છે: ‘मीसीभावं पहाय से झाइ’. પ્રભુ ધ્યાન કરે છે. શી રીતે કરે છે? ‘मीसीभावं पहाय से झाइ’. પૃષ્ઠ ભૂમિકા એવી છે કે પ્રભુ ક્યાંક વિહારમાં છે. વરસાદ ચાલુ થયો. બાજુમાં એક મુસાફરખાનું હતું. પ્રભુ ત્યાં પધારે છે. અને એ મુસાફરખાનામાં સેંકડો લોકો બેઠેલાં. કો’કને ગામમાં જવું હતું. કો’ક ગામથી બહાર નીકળેલા હતા. બધા જ ત્યાં અટવાઈ ગયા હતા. પ્રભુ એ મુસાફરખાનામાં પહોંચ્યા. આટલો બધા લોકોનો ઘોંઘાટ ચાલી રહ્યો છે. પ્રભુ ઈરિયાવહીયા કરી સીધા જ ધ્યાનદશામાં જતા રહે છે. બહાર આટલો બધો કોલાહલ છે; પ્રભુ અંતર્મુખ બની જાય છે.
આ સૂત્ર છે ને મને બહુ કામમાં આવ્યું. નાનપણથી ધ્યાનનો રસ. પણ ઘોંઘાટમાં ધ્યાન કરી શકું નહિ. શાંતિ જોઈએ. હવે શિયાળામાં તો ગમે ત્યાં રૂમ મળી જાય, વાંધો ના આવે. ઉનાળામાં એવી રૂમ મળે બધે એવું શક્ય ન બને કે રૂમનું બારણું બંધ કરીએ અને ઠંડક રહે. ત્યારે હોલમાં પણ બેસવું પડે અને હોલનો ઘોંઘાટ નડે. આ સૂત્ર પર સ્વાધ્યાય થયો અને ત્યારે મને સહસા પ્રભુએ જ વિચાર આવ્યો કે તું શાંતિને ફાઉન્ડેશન ગણી અને ધ્યાન શરૂ કરે છે. તો ફાઉન્ડેશન બદલી નાંખ! ઘોંઘાટને જ ફાઉન્ડેશન કરી નાંખ! શું ફરક પડે છે? અને મને પણ લાગ્યું કે મારે આમાં જવું જ પડશે. આપણા દેશમાં ૧૦ મહિના ગરમી પડે અને હોલમાં જ બેસવું પડે કે બહાર લોબીમાં બેસવું પડે. અવાજોની વચ્ચે બેસવું પડે અને ધ્યાન ન થાય તો ચાલે નહિ.!
એવી પ્રભુની કૃપા ઉતરી કે ગમે તેવો ઘોંઘાટ હોય ભીતર ઉતરી જવાય. એમાં મારું ચોમાસું વાલકેશ્વર બાબુ અમીચંદ પનાલાલમાં. ત્યાંના ઉપરના હોલની situation એવી છે કે પૂર્વદિશા બાજુ દરિયો છે. પશ્ચિમમાં રાજમાર્ગ. એટલે પૂર્વ બાજુ હવા આવતી નહતી. હવાનો સોર્સ માત્ર પશ્ચિમમાં. હું પશ્ચિમના બારણે જ બેઠેલો. હવે એ વાલકેશ્વરનો એરિયા. રાતના અઢી-ત્રણ વાગે ઘોંઘાટ શરૂ થઈ જાય ગાડીઓના ધમધમાટનો. રાતના બાર સુધી ચાલે. જેટલા લોકો આવે એટલા પૂછે, આટલો ઘોંઘાટ? તમે શી રીતે રહી શકો છો? મેં કહ્યું; હવે ઘોંઘાટમાં વાંધો નથી આવતો. ધ્યાન કરવું જ છે! Anyhow કરવું જ છે!
બીજું એક સૂત્ર છે પ્રભુની ધ્યાનદશાનું: “विसोगे अदक्खु”. આચારાંગસુત્રનું પહેલા સૂત્રસ્કંધનું આ નવમું અધ્યયન ખાસ વાંચવા જેવું છે. એટલા બધા ધ્યાનના સુત્રો છે ને કે તમે કોઇ પણ સુત્રને લઈને તમારી ભીતર ઉતરી શકો એમ છો.. તો “विसोगे अदक्खु”. એ જ મુસાફરખાનામાં પ્રભુ છે. ધ્યાન પૂરું થઈ ગયું છે. પ્રભુ બેઠા છે. બધું દેખાઈ રહ્યું છે. સેંકડો માણસો અને ભારતના માણસો.! આપણો મોટામાં મોટો ઉદ્યમ ગપ્પા મારવાનો.! બધા અરસ-પરસ ગપ્પા મારી રહ્યા છે. પ્રભુ એ દ્રશ્યને જુવે છે, “अदक्खु”. પણ કેવી રીતે? “विसोगे” એકદમ મધ્યસ્થભાવથી. સહેજ પણ તિરસ્કાર નથી આવતો.! જુઓ ને આ લોકો નવરા બેઠા ગપ્પા માર્યા કરે છે. ભગવાનનું નામ પણ લેતા નથી.! કેવો મધ્યસ્થભાવ ઘૂંટાઈ ગયેલો કે કોઈની કોઇ પણ જાતની ક્રિયા જોતા એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર પ્રભુને થતો નથી.!
આપણે ત્યાં ધ્યાનના પ્રસિદ્ધ ચાર પ્રકાર તો છે જ. આર્ત્ત, રૌદ્ર, ધર્મ, શુક્લ. એવા જ બીજા ચાર પ્રકારો – પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. શબ્દ બધી જ વિભાવનાઓમાં સરખા છે. પણ એનાં ત્રણેક સ્ત્રોતો પડે છે. યોગશાસ્ત્રમાં પિંડસ્થ, પદસ્થ નો જે અર્થ છે એ માનવિજય ચોવીસીમાં નથી. અને માનવિજય ચોવીસીમાં છે એ ચિદાનંદજીના સ્વરોદયવિજ્ઞાનમાં નથી.
આજે આપણે ચિદાનંદજીના સ્વરોદય વિજ્ઞાનમાંથી ચાર ધ્યાનને જોઈએ. એમણે ક્રમ જુદો આપ્યો છે. આમ ક્રમ આ છે: પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત. એમણે ક્રમ આપ્યો – રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત. પહેલી કડીમાં કહે છે; ‘ચાર ધ્યાન ભગવંત બતાયે, તે મોરે મન અધિકે ભાયે; રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ, ધ્યાવે, રૂપાતીત ધ્યાવી શિવસુખ પામે’. ‘ધ્યાન ચાર ભગવંત બતાયે, એ મોરે અધિકે ભાવે’ – આ ધ્યાન એની હું વાત કરી રહ્યો છું પણ આ ધ્યાન મારા ભગવાને બતાવેલા છે. મારા ઘરની વાત મારે કહેવાની નથી અને ભગવાને કહ્યા છે માટે મને બહુ ગમે છે. ‘તે મોરે મન અધિકે ભાવે.’
બીજી કડીમાં રૂપસ્થ ધ્યાનનું વર્ણન આપે છે. ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય’. રૂપસ્થ ધ્યાન એટલું સરસ છે. સામાન્યતયા પ્રભુના દર્શનથી આપણે ધ્યાનનો પ્રારંભ કરીએ કે પ્રભુના રૂપનું દર્શન, પછી પ્રભુના ગુણનું દર્શન કરીએ, અને એ ગુણોનું દર્શન કરતાં કરતાં એ ગુણ મારામાં છે એ રીતે અનુપ્રેક્ષણ કરી, અને અનુભૂતિમાં જઈએ. પણ અહિયાં તો એકદમ સરલીકરણ આવ્યું – total easiation. ‘રહત વિકાર સ્વરૂપ નિહારી’.
હવે પ્રભુનું દર્શન તું કેવું કરે છે, મને ખબર જ છે. પણ તારી ભીતર રાગ-દ્વેષ કે અહંકાર ઉઠે એને તું જોઈ શકીશ? ના નથી પાડતા (કે) કેમ રાગદશામાં જાય છે? ના નથી પાડતાં.! કેમ કે રાગ સત્તામાં પડેલો છે, ઉદયમાં આવ્યો; તમે જાગૃતિમાં નથી, તો ભળી જવાના છો. એટલે એ જાગૃતિની વાત પણ પાછળથી કરશે. અત્યારે તો એટલું જ કહે છે: ‘રહત વિકાર સ્વરૂપ નિહારી’. તું તારા વિકારોને જો.!
ચા પી રહ્યા છો. ટેસ્ટી ચા છે. મનમાં સહેજ રાગ થઈ ગયો. તો રાગને જુઓ.! મજાની ઘટના શું થશે? એ રાગનો વિચાર એ દ્રશ્ય બનશે અને એને જોનાર દ્રષ્ટા તમે બનશો. એટલે આખું division પડી જશે. રાગમાં તમે નથી, તમારું મન છે. ચા સારી છે એવું કોણ કહે છે? તમારું મન કહે છે.! તો આ એક પ્રેક્ટીસ પાડો. કદાચ ક્યાંક મનનો ગમો થઈ ગયો તો ગમા ને જુઓ! કે હા મન રાગમાં ગયું! મનનું પગેરું પકડો! અને આ તમે સહેલાઈથી કરી શકો છો. દૂધપાક-પૂરી આવ્યા. તમે ખાઈ રહ્યા છો. મનમાં સહેજ આસક્તિ જાગી. તમને ખ્યાલ તો આવી જ જાય છે! ખ્યાલ આવી ગયો; તમે જુઓ હવે.! તો રૂપસ્થ ધ્યાન બહુ જ સરળ છે. સરળ એટલા માટે કે તમે જ્યાં છો એ ભૂમિકા પરથી એ શરૂ થાય છે.
તો ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી’. હવે એ જે તમે જોઈ રહ્યા છો ને એ જોવાની વાતને બરોબર પકડી રાખો હવે. તમે દ્રષ્ટા છો, દ્રષ્ટા છો, દ્રષ્ટા છો. આ વાતનો લય એક ચલાવો. ચા માં આસક્તિ કરનારું મન એ પણ દ્રશ્ય છે. કારણ કે મન હું નથી.! દ્રષ્ટા માત્ર હું છું, બાકીનું બધું જ દ્રશ્ય છે, મારાથી ભિન્ન છે. તો ‘રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી’. હવે એ દ્રષ્ટાભાવના લયને મનમાં વિસ્તારો. તો શું થશે? ‘નિજ ગુણ અંશ લહે જબ કોય’. તમે તમારા ગુણનો એક અંશ પ્રાપ્ત કરી શકશો. કયા ગુણનો? દર્શન ગુણનો. તમે માત્ર દ્રષ્ટા બન્યા. કોના બન્યા, એ મહત્વનું છે જ નહિ! રાગના બન્યા, કોઈ વાંધો નથી! પણ એને કારણે શું થયું? દ્રષ્ટાભાવ આવ્યો.
અને દ્રષ્ટાભાવ એ સમ્યગ્દર્શન. ‘નિજ ગુણ અંશ લહે જબ કોય’. તમે તમારો જે દ્રષ્ટાભાવ છે, એ દ્રષ્ટાભાવને સ્પર્શી ગયા. ‘પ્રથમ ભેદ તિણે અવસર જોય’. આ રૂપસ્થ ધ્યાન. બોલો કેટલું સરળ છે? બોલો.
અત્યારે શું થયું તકલીફ? સેક્રેટરી મન. બોસ તમે. પણ એ બોસ એવો નશામાં ચકચૂર રહે છે, સેક્રેટરી જે પેપર આપે એના ઉપર સહી કર્યા કરે છે! અને એ સેક્રેટરી ક્યાંક ફૂટી ગયેલી હોય અને એવું પેપર લઈને આવે કે કંપની આખી ફડચામાં જાય એવી હોય; અને પેલો ભાઈ સિગ્નેચર કરી નાંખે, જુઓ પછી.! તમારી હાલત એક જનમમાં નહિ, અનંતા જન્મોમાં આવી થઈ. પાપો કેમ થયા બોલો? મન કહે આ સારું છે એટલે બસ.! આ ટેસ્ટી છે ખાવું જોઈએ, ખાઈ લો.! અત્યાર સુધી માત્ર મને કહ્યું તેમ જ તમે કર્યું છે; હવે પ્રભુએ કહ્યું એમ કરવું છે! આમ પણ છે ને મન તમારા કબજામાં ખરું? તો પછી શું કરવું જોઈએ?
પેલા ગામડામાં માજી હતા. ઝુંપડામાં રહેતાં. દીકરો એટલો હોંશિયાર નીકળ્યો. શહેરમાં એના સંબંધી હતા. ત્યાં એ રહ્યો. ભણ્યો. અને કરોડોપતિ બની ગયો. માઁ ને કહ્યું; માઁ હવે તું મારી જોડે શહેરમાં આવ. માઁ કહે; ના હું આ ધરતીને છોડવાની નથી. મારા અંતિમ સંસ્કાર આ જ ધરતી ઉપર થવાના છે. હવે શું કરવું? તો દીકરાને થયું કે ઝુંપડામાં માઁ રહે એ તો ચાલે નહિ. સરસ મજાનું મકાન પાકું બાજુમાં બનાવી નાંખ્યું. માજી ત્યાં રહેવા એ જતા રહ્યાં. એ ઝુંપડાનો કોઈ ઉપયોગ હતો નહિ. એમાં એક દિવસ ઝુંપડામાં આગ લાગી. કો’કે કંઇક દીવાસળી-બીવાસળી ફેંકી હશે, તો ઘાસની ઝુંપડી, આગ લાગી. હવે ગામડામાં બંબાવાળા રહેતા નથી. અને ઝુંપડીમાં કંઇ સાજુ ય નહતું. માજીને યાદ આવ્યું કે કૃષ્ણભગવાનની હું ભક્ત છું. ભગવાન પાસે હું રોજ જાઉં છું. પણ ભગવાનને મેં કંઇ અર્પણ તો કર્યું નથી. આજે ઝુંપડી પ્રભુને અર્પણ કરી દઉં.! હે કૃષ્ણ ભગવાન! આ ઝુંપડી તમારી.! એટલે આપણે ત્યાં કહેવત પડી; ‘બળતું ઘર કનૈયાનું!’ ડોશીમાં જેટલીય બુદ્ધિ આપણામાં નથી.! એ મારું છે નહિ, મારું રહેવાનું નથી તો પ્રભુને આપી દઉં.! તો ‘નિજ ગુણ અંશ લહે જબ કોય’.
દ્રષ્ટાભાવ. દ્રષ્ટાભાવનો મતલબ શું થયો? તમે બધું જ જુઓ છો, કદાચ આંશિકરૂપે રાગ અને દ્વેષની ધારામાં લપેટાઈ જાવ છો પણ તમને સ્પષ્ટ ખ્યાલ છે કે હું માત્ર દ્રષ્ટા છું, હું સંપૂર્ણતયા અલિપ્ત છું.! ક્ષાયિક સમકિતી આત્મા હોય. શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહારાજા. એ ભોગોમાં ન લપેટાય એવું માનવાનું નથી. ચારિત્ર મોહનીયનો ઉદય છે. એ લોકો અંત:પૂરમાં ભોગો ભોગવે છે. લડાઈઓ પણ કરે છે. પણ એ કરતી વખતે એક મનમાં સતત બેઠેલું હોય કે આ નકામું છે. નકામું છે. નકામું છે. આનો કોઈ અર્થ નથી. આ સમ્યગ્દર્શન.
પછી દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્ત ગુણસ્થાનક મળશે. ત્યાં બિલકુલ જે છે એ સર્વવિરતિમાનું હશે. પછી ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થઈ ગયો. પછી મોહમાં પણ જવાનું રહેશે નહિ. અત્યારે ભલે ચારિત્ર મોહનીયના ઉદયે ક્ષાયિક સમકિતી આત્મા પણ મોહમાં જાય છે. પણ સ્પષ્ટ ખ્યાલ છે કે આ બરોબર નથી. અને આ મારું સ્વરૂપ તો નથી જ! કર્મના ઉદયે હું કરી રહ્યો છું અને મારા મન ઉપર મારો અધિકાર નથી, મન કહે છે માટે હું કરી પણ લઉં છું, મને એમાં તૃપ્તિ પણ થાય છે, સહેજ સુખનો અનુભવ પણ થાય છે – પણ આ ખોટું છે.
કમસેકમ બે મન ઉભા કરો – એક અનાદિની સંજ્ઞાથી વાસિત મન, બીજું આજ્ઞાવાસિત મન. એક ભગવાનના મુનિ પાસે કયું મન હોય? ભગવાનના મુનિ પાસે કયું મન હોય બોલો? સંજ્ઞાવાસિત મન હોઈ શકે ખરું? આજ્ઞાવાસિત મન જ હોય. તમારી પાસે પણ કયું હોય? સંજ્ઞાઓમાં તો અનંતા જન્મો તમે રખડ્યા અને પરિણામે માત્ર નરક અને નિગોદ તમને મળ્યું. પ્રભુની આજ્ઞામાં તમે આવી જાવ; સ્વર્ગ અને મોક્ષ આ રહ્યો.!
બુદ્ધના જીવનની એક સરસ ઘટના છે કે બુદ્ધ જંગલમાં ધ્યાન કરવા ગયેલા છે. ધ્યાન પૂરું થયું, ખાલી બેઠા છે. પણ એમની ભૂમિકા દ્રષ્ટાભાવની હતી. એટલે દ્રશ્યો જોડે સંબંધ રચાતો નથી. આ એક મહત્વની વાત યાદ રાખો. આપણે દ્રષ્ટાભાવ એવો મેળવવો છે કે દ્રશ્યો જોડે, ઘટનાઓ જોડે તમારો સંબંધ ન રચાય. દ્રશ્ય, દ્રશ્ય છે; તમે, તમે છો. ટેબલ, ટેબલ છે; તમે, તમે છો. ખુરશી, ખુરશી છે; તમે, તમે છો. તમે અને ખુરશી એક કઈ રીતના થયા?
સમાધિશતકમાં એક સરસ કડી આવે છે. ‘જ્યું કપડે ત્યું દેહ’. ‘જ્યું કપડે ત્યું દેહ’ – વસ્ત્રને તમે વારંવાર ઉતારો છો, પહેરો છો, ઉતારો છો, પહેરો છો. તો વસ્ત્ર એટલે ‘હું’- આ બુદ્ધિ તમારામાં નથી. તો પછી દેહ એ ‘હું’ છું, આ બુદ્ધિ ક્યાંથી આવી તમારામાં?
મેં એકવાર એક સંગોષ્ઠીમાં પૂછેલું, કે આપણે અગણિત જન્મોમાં ભિન્ન-ભિન્ન શરીરોને પામી ચુક્યા છીએ. કીડીનું શરીર પણ મળ્યું ક્યારેક, હાથીનું શરીર પણ મળ્યું. આ શરીરોની બદલાહટ વચ્ચેનો એક પડાવ છે. તો આ જન્મની અંદર શરીર પર રાગ કેમ થાય છે? પ્રશ્ન તો એ લોકોને ગમી ગયો કે વાત તો બરોબર છે. શરીરો બદલાઈ જ રહ્યા છે અને અમને ખ્યાલ છે. તો પછી રાગ કેમ રહે છે? દેહાધ્યાસ કેમ રહે છે? તો મેં કહ્યું; next to soul body છે. આત્મા પછીનું તરત સ્થાન શરીરનું છે. આત્મતત્વ પકડાયું નથી તો તમારે તમારા ‘હું’ ના કોટને ક્યાંક ખીટી ઉપર ટાંગવો તો પડે ને? એટલે આ બોડીના ખીટી ઉપર ટાંગી દીધી.!
હું તો ઘણીવાર કહું; કે તમારા ‘હું’ નું સ્ટેટસ ખરું કાંઈ? તમારા ‘હું’ નું સ્ટેટસ ખરું? આ ગંદા શરીરને તમે ‘હું’ કહો.! આ ગંદા મનને તમે ‘હું’ કહો.! કે આનંદઘન ચૈતન્યને તમે ‘હું’ કહો?
તો બુદ્ધ બેઠેલા છે. એટલે એવું બન્યું નજીકના ગામમાં એક બહેન હતી. યુવાન. પાગલ થઈ ગયેલી. ભાઈઓ બહુ સારા હતા. એક રૂમમાં એને રાખતાં. ખાવાનું-પીવાનું બધું જ વ્યવસ્થિત કરતાં. અમારે એને પાગલખાનામાં મોકલવી નથી. અમે અહીંયા જ સેવા કરશું. ખ્યાલ એ રાખવો પડે કે જો રૂમનું બારણું ખુલ્લુ રહી ગયું. અને કોઈને ખ્યાલ ન આવ્યો તો બહાર ભાગી જાય. સતત ખ્યાલ રાખતા. એકવાર બારણું ખુલ્લુ રહી ગયું. પણ ભાઈઓ સૌ-સૌ ના કામે ગયેલાં. ઘરવાળા પણ બધા કામમાં લાગેલા હતા. બારણું ખુલ્લુ. પાછળની બાજુથી બહેન ભાગી ગઈ. જંગલમાં ગયી. બપોરનો ટાઈમ થયો ભોજનનો સમય. જાય. બહેન રો છે નહિ.! તરત જ એ ભાઈઓ એટલા પ્રેમાળ.. બહેનને શોધવા માટે નીકળે છે.! ગામડા ગામમાં તો રેતાળ રસ્તો હોય ને.? પગલાં દેખાય બહેનના અને પગલે-પગલે ચાલ્યા જાય. એમ કરતાં કરતાં બુદ્ધ બેઠા હતા ત્યાં આવ્યા. તો ત્યાં રેતાળ પ્રદેશ પૂરો થઈ ગયો. અને પથરાળ પ્રદેશ શરૂ થઈ ગયેલો.
બુદ્ધ એક શિલા ઉપર બેઠેલા હતા. હવે પગલાં તો દેખાય એમ છે નહિ. બહેન ક્યાં ગઈ હશે? બુદ્ધની આંખો ખુલ્લી હતી. એ લોકો આવ્યાં. સંત છે એટલે પગે લાગ્યાં. સાહેબ! એક સવાલ પૂછવો હતો? અમારી બહેન, આવા કપડાં એને પહેરેલાં હતા અને એ અહીંથી નીકળેલી ખરી? નીકળી તો કઈ બાજુ ગઈ, આપને ખ્યાલ ખરો? બુદ્ધનો જવાબ શું હતો ખબર છે? એ કહે; છે હા, પરમાણુનો એક જથ્થો આમથી આમ ગયો એટલો ખ્યાલ છે. પરમાણુનો જથ્થો..! શરીર, પણ દેખવાનું કામ ક્યાં છે? દ્રશ્ય છે. દ્રશ્ય જોડે કાંઈ કામ છે જ નહિ.! કંઇક ઘટના આમ ઘટેલી ખરી. તો ‘નિજ ગુણ અંશ લહે જબ કોય’. રૂપસ્થ ધ્યાન એ છે કે તમે દ્રષ્ટાભાવને એકદમ સઘન બનાવો.
તમે જ્ઞાતા અને દ્રષ્ટા જ છો. સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું; ‘જ્ઞાયકભાવ જે એકલો, ગ્રહે તે સુખ સાધે’. માત્ર જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ તમારી પાસે આવી ગયો; સુખ જ સુખ છે. કોઇ પણ વ્યક્તિનું સુખ છિનવાય કેમ, બોલો? છીનવાય કેમ? ઘટનામાં involve થાય ત્યારે.! હું ઘણીવાર હસતા-હસતા કહું; ભાઈ માથું પછાડો તો વાગે જ ને તને.! માથું મારવા શું કરવા ગયો હતો? દ્રષ્ટાભાવ… કોઇ પણ ઘટનામાં involve નથી થવું.. ઘટના, ઘટના છે; હું, હું છું. અને એટલે જ પ્રભુનો સાધક ઘટના અપ્રભાવિત છે.
જો પ્રભુનો સાધક ઘટના પ્રભાવિત હોય તો પ્રભુના સાધકની વિશેષતા કઈ?! સામાન્ય માણસ પણ ઘટનાથી પ્રભાવિત છે. એને કોઈ સારા શબ્દો કહે તો રાજી થાય છે. ગાળો આપે તો નારાજ થાય છે, ગુસ્સે થાય છે. તો પ્રભુના સાધક પાસે પણ આ જ behavior હોય તો પ્રભુના સાધક તરીકેની વિશેષતા કઈ એની પાસે આવી?
તો દ્રષ્ટાભાવ જોઇશે. જ્ઞાતાભાવ જોઇશે. જાણી લો. ઘટના જણાઈ ગઈ. ઘટનામાં જવાનું નથી. ઘટના જોવાઈ ગઈ. એમાં તમારે જવાનું નથી. ઘટના, ઘટના છે; તમે, તમે છો. આ રૂપસ્થ ધ્યાન છે. એટલે practice કાલ સવારથી શરૂ કરી દેવાની, વાપરવા બેસો ત્યારે. ‘રહત વિકાર સ્વરૂપ નિહારી’.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *