Mumukshu Vachna | 17-04-20 | Navsari Tapovan

21 Min Read

દર્શનાચાર

જડ જગત જોડે જ્ઞાતાભાવ અને ચૈતન્ય જગત જોડે મૈત્રીભાવ તથા અદ્વેષપૂર્ણ ઉપેક્ષા. અને સ્વના જગતમાં? ત્યાં માત્ર ભીતર જ જવાનું છે; બહાર જવાનું છે જ નહિ. બહાર અનંતા જન્મોમાં ભટક્યા; શું મળ્યું? પરથી શું મળે, બોલો? પરથી સુખ મળી શકે?

પર પદાર્થો કેટલા જરૂરી છે? જેટલું સામે દુઃખ છે, તેનો અભાવ કરવા પૂરતા જ પદાર્થો જરૂરી છે. દુઃખાભાવ અલગ ઘટના છે, સુખ અલગ ઘટના છે. પર દ્વારા સુખ મળી શકે જ નહિ; સુખ માત્ર સ્વમાં છે. આ બધું તમે ઘણીવાર સાંભળ્યું છે છતાં પર તરફ જ નજર જાય છે. કારણ શું?

કારણ એ છે કે પરની તમને _અનુભૂતિ_ છે. ભલે દુઃખાભાવરૂપ હોય કે સુખાભાસરૂપ હોય; પણ પરની અનુભૂતિ તો છે જ. અને સ્વની જે વાત છે, એમાં અનુભૂતિ નથી; માત્ર _શ્રવણ_ છે. જોર તો અનુભૂતિનું જ વધુ ચાલવાનું. એટલે સ્વની અનુભૂતિ થાય, સ્વના આનંદને તમે અનુભવો, તો જ તમે પરની ચુંગાલમાંથી નીકળી શકવાના.




નવસારી તપોવન વાચના – 20 [17.4.2020]

સૂક્ષ્મ દર્શનાચારમાં સુવિધિનાથ ભગવાનના સ્તવનની એક કડી આપણે જોતાં હતાં. એમાં ત્રણ સાધના આપી. જડ જગત જોડે સાધક જ્ઞાતાભાવથી રહે. ‘જલ કમલવત્ નિર્લેપ’… ઘટના ઘટી રહી છે, તમે તમારામાં છો. ઘટના, અને તમારે, કોઈ Connection નહિ. કોઈએ કંઈક કહ્યું; શબ્દો પૌદ્ગલિક ઘટના છે; તમારે કોઈ પણ પૌદ્ગલિક ઘટના જોડે કામ છે જ નહિ. એટલે જડ જગત જોડે જ્ઞાતાભાવ. ચેતના જગત જોડે મૈત્રીભાવ. અને એમાં એક સરસ વાત ઉમેરેલી. ‘પર પરિણતી અદ્વેષપણે ઉવેખતાં હો લાલ’ તમે જો બધા જ આત્માને સિદ્ધના સાધર્મિક તરીકે ગણી શકો, તો તો કોઈ સવાલ જ નથી. પણ ક્યારેક એવું બને કોઈ વ્યક્તિ તમારા ઉપર attack કરે છે, ગુસ્સો કરે છે, અને એ વખતે તમને એનો દોષ દેખાય છે તો પણ એ દોષને જોવાની તમારી રીત કઈ હોય? તો બહુ સરસ શબ્દ વાપર્યો છે; અદ્વેષપૂર્ણ ઉપેક્ષા. ઉપેક્ષા ખરી પણ દ્વેષ નથી ક્યાંય. ધારો કે સાધનામાં અવરોધક કોઈ નિમિત્ત મળી ગયું. તો પણ એ નિમિત્તનો ત્યાગ થઇ શકે પણ નિમિત્ત ઉપર દ્વેષ કરવાનો નથી.
ધારો કે કોઈ મુનિ ભગવંતો કો’ક town માં ચાતુર્માસ માટે ગયા. ચાતુર્માસ પ્રવેશ પહેલા બહાર કોલોનીમાં ઉતરેલા. અને પ્રવેશના સમયે ગામમાં ગયા. સરસ આરાધના ચાલી. પર્યુષણા સરસ થયા. પણ, નવરાત્રીની શરૂઆત થઇ. અને આજુબાજુમાં જોરજોરથી લાઉડ સ્પીકરો મુકેલા. આખી રાત ગર્જ્યા કરે. નાનકડું ટાઉન એટલે પોલીસનો એટલો કઈ પ્રભાવ ત્યાં નહિ. પોલીસ પણ મળેલી હોય. આખી રાત ઘોંઘાટ – disturbance ચાલ્યું. પણ એ મહાત્માઓને સહેજ પણ દ્વેષ આ લોકો ઉપર આવતો નથી. એમની રીતે એ લોકો કરે છે.
બીજી સવારે શ્રાવકોને એમણે પૂછ્યું; કે અમે કોલોનીમાં પહેલા હતા, ત્યાં પણ ઉપાશ્રય સારો છે, દેરાસર સરસ છે, ઘરો પણ છે. તો ત્યાં આ નવરાત્રીના ગરબા ખરી? તો કહે; ના સાહેબ. સોસાયટીની આજુબાજુમાં ક્યાંય ગરબા નથી. તો મુનિ ભગવંતોએ કહ્યું; અમે વ્યાખ્યાન વિગેરે અહીંયા કરી પછી ત્યાં જઈએ તો વાંધો નહિ ને? પોતે એક કિલોમીટર દૂર રોજ જતા. પણ એ ઘોંઘાટ કરનારા ઉપર સહેજ પણ ગુસ્સો એમને આવ્યો નથી. એટલે બહુ સરસ શબ્દો વાપર્યા; ‘પર પરિણતી અદ્વેષપણે ઉવેખતાં હો લાલ’ ઉપેક્ષા ખરી, પણ તિરસ્કાર સાથે નથી. “આ લોકો કંઈ સમજતા જ નથી!”, નહિ..!
એટલે કોઈ પણ વ્યક્તિમાં રાગ જુઓ, દ્વેષ જુઓ, અહંકાર જુઓ. ક્યાંય તમને એ વ્યક્તિ ઉપર દ્વેષ આવવો ન જોઈએ. બોલો ખરાબ કોણ? એ વ્યક્તિ કે એના દોષો? ખરાબ કોણ? દોષો. દોષોને તમે પંપાળીને તમારી જોડે રાખો છો. આવો ભઈલા! હું ઉદાર માણસ છું, બેસી જા જોડે! એ જ દોષ તમારી ભીતર છે અને બીજામાં એ દોષ જોયો! આનામાં આ દોષ છે – આ જે અનાદિની સંજ્ઞા છે ને, એને તોડવી છે.
નવપદના એક સ્તવનમાં સરસ ધ્રુવ પંક્તિ આવે છે. ‘અવર અનાદિની ચાલ નિત-નિત ત્યજીએ છીએ.’ આ અનાદિની જે સંજ્ઞા છે એને તમે એકવાર દૂર કરી નાંખો એટલે દૂર થઇ જાય એવું માનતા નહિ. ફરી પાછી આવવાની જ છે. ‘અવર અનાદિની ચાલ નિત-નિત ત્યજીએ છીએ.’ સતત જાગૃતિ એના માટે જોઇશે. આખરે સાધક કોણ? જેની પાસે ક્ષણ-ક્ષણની જાગૃતિ છે, એ સાધુ. અને જેની પાસે ક્ષણ-ક્ષણનું પ્રભુનું સ્મરણ છે એ ભક્ત. તમે શેમાં એવો આમ?
બીજી પણ એક વ્યાખ્યા હું આપું છું. ભક્ત અને સાધકની. સાધક જે હોય છે એને લગભગ પ્રશ્નો મનમાં ઉઠતાં જ નથી. સદ્ગુરુએ જે આજ્ઞા આપી છે, એ આજ્ઞા પ્રમાણે એ સતત ચાલતો રહે છે. કદાચ એને પ્રશ્ન થાય તો પણ કયો પ્રશ્ન હોય? પોતે સાધનાના જે પડાવ ઉપર છે એ પડાવ પરથી આગળના પડાવે કઈ રીતે જઈ શકાય એનો જ પ્રશ્ન ક્યારેક કદાચ થાય તો. બાકી બીજો કોઈ પ્રશ્ન એને ક્યારે પણ થતો નથી.
તમે નવસારી જવા નીકળો. Highway પર પહોંચ્યા. આ બાજુ મુંબઈ જાય. આ બાજુ અમદાવાદ જાય. બીજા કેટલાય ફાટીયા પડતા હોય. તો પૂછ્યા કરો પછી કે આ રોડ ક્યાં જાય છે? આ ક્યાં જાય છે? નવસારીનો રોડ કયો? એ રોડે મારે જવાનું. તો સાધકની વાત એ જ છે – મારો સાધનાનો માર્ગ આ છે. એ માર્ગ પર ચાલુ. કદાચ મનમાં પ્રશ્ન જાગે તો એ જાગે કે હું આ પડાવ ઉપર પહોંચું છું કે નહિ? હું પહેલી દ્રષ્ટિમાં પણ છું કે નહિ? તો ગુરુદેવને પૂછી લેવાનું કે સાહેબજી હું કઈ દ્રષ્ટિમાં હોઈશ? તો પોતાની સાધનાના સંદર્ભમાં જ કદાચ સાધકને પ્રશ્ન જાગે, બીજો કોઈ પ્રશ્ન સાધકને ક્યારેય પણ થતો નથી! અને ભક્ત એ છે કે જેને ક્યારે કોઈ સવાલ થતો નથી! એ સંપૂર્ણતયા સમર્પિત છે. ગુરુદેવે કહ્યું; ગુરુદેવ મારું યોગક્ષેમ કરી રહ્યા છે. I have not to think absolutely. I have not to do anything absolutely. I have not to speak anything absolutely. મારે કશું જ કરવાનું નથી. જે પણ કરવાનું છે, એ સદ્ગુરુ કરશે.
વિતરાગસ્તોત્રમાં બે statement છે. એક statement તો એ છે: “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી જ હું અહીં સુધી આવ્યો છું. બીજું statement એકદમ વિરુદ્ધનું લાગે. બીજું statement એ છે; “रत्नत्रयं मे ह्रियते” પ્રભુ સાધનાની પગથાર ઉપર આવ્યો. શ્રામણ્યની પગથાર ઉપર આવ્યો. અને છતાં આ રાગ-દ્વેષનો પિછોરો મારી રત્નત્રયનું હરણ કરી રહ્યા છે. એક બાજુ કહે છે: “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” પ્રભુ તારી કૃપાથી જ આ સાધનાના સ્તર ઉપર હું આવ્યો છું, આ ભક્તિના પડાવ ઉપર હું આવ્યો છું, તું જ મને ઊંચકી-ઊંચકીને લઈને આવેલો છે. નરક અને નીગોદમાંથી પ્રભુનો કૃપા રૂપી હાથ આપણને ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો છે.
તો હેમચંદ્રાચાર્ય કહે છે; પ્રભુ! હું શ્રામણ્યમાં આવ્યો. એ આપણા માટે કહે છે, હું શ્રામણ્યમાં આવ્યો અને છતાં ક્યારેક રાગ અને દ્વેષને વશ થઇ જાઉં છું તો પ્રભુ એ વખતે તારો એ કૃપામય હાથ અદ્રશ્ય કેમ થઇ જાય છે?! આખા વિતરાગસ્તોત્રમાં શબ્દના સ્તર પર આનો જવાબ નથી. અને એટલે જ હું કહું છું; કે કોઈ પણ શાસ્ત્રની અશબ્દ વાચના મહત્વની હોય છે. તો અશબ્દ વાચનામાં એ વાત નીકળે છે કે બેટા! તું તારી જાતને અસહાય માનતો હતો. તું માનતો હતો કે હું કશું જ કરી શકું એમ નથી. ત્યારે મારી કૃપાનો હાથ તારા સુધી લંબાઈ શક્યો. પણ આ સાધનાની પગથાર ઉપર આવ્યા પછી તારા મનમાં એ ભાવ આવ્યો, હું સાધના કરું છું. હું આમ કરું છું. મેં આટલી તપશ્ચર્યા કરી. મેં આટલો જપ કર્યો. આ જે અહંકાર તારા મનમાં આવી ગયો. એના કારણે મારો કૃપાનો હાથ છૂટી ગયો છે.
અને એટલે જ સંત કબીરજીએ પણ કહ્યું; ‘નિરાધાર ભયે પાર’ ‘નિરાધાર ભયે પાર’ જે લોકોએ પોતાની જાત પર આધાર નહિ રાખ્યો, એ બધા તરી ગયા. સુલસાજી તરી ગયા. ચંદનાજી તરી ગયા. કારણ સંપૂર્ણ સમર્પણ એમની પાસે હતું. Total surrender. હું ઘણીવાર કહું છું કે ભગવાન પાસે આપણે જઈએ, અને પ્રભુને કહીએ કે પ્રભુ ૯૯% હું obedient છું. તારી આજ્ઞા પ્રમાણે ચાલીશ. ૯૯% તને surrender. પણ ૧% મારી જાતને સમર્પણ. ૯૯% તારી આજ્ઞાથી કામ કરીશ, ૧% મારી ઈચ્છાથી કામ કરીશ. તો ભગવાન કહી દે, get out – દરવાજો પેલી બાજુ છે. મને અત્યારે ફુરસદ નથી! ૧૦૦% surrender થવા તૈયાર હોય તો મારી પાસે આવજે. અને જે સાધક, આપણે ધ્રુજી જઈએ એવું વચન છે આ, ઉપદેશમાળાનું – જે સાધક ૯૦%, ૯૫%, કદાચ ૯૯% પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતો હોય, પણ ૧૦%, ૫% કે ૧% પોતાની ઈચ્છા પ્રમાણે કરતો હોય, તો ધર્મદાસ ગણિએ ઉપદેશમાલામાં એને આજ્ઞા બાહ્ય કહ્યો છે. ત્યાં એમણે લાકડી ઉગામી છે કે “कस्साएसा कुणइ सेसं” જો તું ૨% કે ૫% તારી ઇચ્છાથી કરે છે તો બધું જ તું તારી ઈચ્છાથી કરે છે, પ્રભુની આજ્ઞાથી કરે છે એમ કેમ માની શકાય?
એટલે total surrender હોય એ ભક્ત. અને ૯૯% સમર્પિત હોય પણ ૧% અહંકારવાળો નથી પરંતુ અહોભાવવાળો છે કે હું મારા તરફથી થોડો પ્રયત્ન કરું. એટલે ૯૯% grace, ૧% effort – એ સાધકનું સાધનાનું composition. એટલે ભક્તની ભક્તિનું composition શું? ૧૦૦% grace, and i am effortless person. મારે કશું જ કરવાનું નથી, જે પણ કરવાનું છે, એ કરે! હું શા માટે કરું? બાળક છે, ચાલી ન શકે તો મમ્મી ઊચકશે.
એક માઁ બાળક સાથે મહેમાનગતિએ ગયેલી. શિયાળાનો સમય. પેલા જજમાને તો કાજુ ને દ્રાક્ષ ને અખરોટની ડીશ પર ડીશ કાઢી. બાબાભાઈને તો બહુ ભાવી ગયી. બરોબર દબાઈ દીધું. હવે જવાનું છે મમ્મીને. બસ સ્ટેન્ડ પર જવું છે અને પછી બસમાં બેસીને ઘરે જવું છે. અને મમ્મી ઉભી થઇ, કે ચાલ બેટા આપણે હવે જઈએ હવે. અને બાળક ૩-૪ વર્ષનું, ચાલી શકે એવું જ છે. આમ આંગળી બતાવી, કે ચાલ બેટા. પેલાનું પેટ થઇ ગયું છે ફૂલ. ચાલવાની ઈચ્છા નથી, એ કહે છે, આમ. માઁ કહે, આમ. બાળક કહે, આમ. માઁ શું કરે? બાળકને ઊંચકીને લઈને જતી રહે.
એમ આપણે જો સમર્પિત થઇ ગયા ને તો મોક્ષની પણ આપણે ચિંતા કરવાની નથી. મોક્ષ પ્રભુ આપશે. મારે ક્યાં મોક્ષ માંગવા જવો છે! “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મનવસી” મારે તો બસ તારી ભક્તિ કરવી છે. તું મોક્ષ આપે તો પણ સ્વીકાર છે. અને સંસારમાં રાખે તો પણ સ્વીકાર છે. મારા તરફથી પ્રભુ તું જે પણ આપે એમાં સ્વીકાર જ છે. આ સમર્પણની ભૂમિકા એ ભક્તની ભૂમિકા.
તો સાધક તરીકે જીવજગત જોડે, ચેતનાજગત જોડે આ વ્યવહાર કરવાનો. કદાચ કોઈનામાં દોષ દેખાઈ જાય, પહેલા તો છે ને દોષ આપણે જોઈએ ને એ જ પહેલો ગુનો છે. કારણ કે તમને દોષ જોવાનો કોઈ અધિકાર આપ્યો જ નથી. દોષ બીજાનો જુઓ એ પહેલો ગુનો. એ દોષ જોઇને એના ઉપર ગુસ્સો કરો કે મનમાં દ્વેષ કરો, તિરસ્કાર કરો એ બીજો ગુનો. તો દોષ જોવો જ નથી કોઈનો. પણ કદાચ દોષ દેખાઈ જાય, તો પણ તરત જ વિચારી લેવાનું; ‘પર પરિણતી’. કર્મના ઉદયને કારણે એ વ્યક્તિમાં આ પરિણતી આવેલી છે એમાં એ બિચારો શું કરે? એનો કોઈ વાંક નથી.!
તાવ આવ્યો હોય કોઈને, તો તાવ ખરાબ કે તાવ જેને આવ્યો હોય એ માણસ ખરાબ? કાઢવાનો કોને? ડોક્ટર કોને કાઢે? તાવને કાઢે. તો “પર પરિણતી અદ્વેષપણે ઉવેખતાં હો લાલ” ક્યારેય પણ કોઈના દોષને જોઇને એ વ્યક્તિ પર તિરસ્કાર ન જ થવો જોઈએ. અને જો તિરસ્કાર થયો, તો પ્રભુની પરીક્ષામાં તમે નાપાસ. દોષ ન જુઓ તો first rank માં. દોષ જોવાઈ જાય અને એના ઉપર તિરસ્કાર ન થાય તો passing marks મળે. બરોબર! હવે શું કરવું છે બોલો…? Passing marks મેળવવા છે? કે first rank માં જવું છે? શું કરવું છે બોલો? તો “પર પરિણતી અદ્વેષપણે ઉવેખતાં હો લાલ”
અને પછી ત્રીજી સાધના આપે છે. જડ જગત જોડે જ્ઞાતાભાવની આપી. ચેતનાજગત જોડે મૈત્રીભાવની અને અદ્વેષપૂર્ણ ઉપેક્ષાની સાધના આપી. હવે સ્વના જગતમાં એણે શું કરવાનું છે? આખરે તો ભીતર જ જવાનું છે. બહાર તો જવાનું છે જ નહિ. બહાર તો અનંતા જન્મોમાં ભટક્યા. શું મળ્યું બોલો..? પરથી શું મળે, બોલો? સુખ મળે? ભૂખ લાગી છે, ગરમાગરમ રોટલી શાક કોઈ ખાય, એને એમ થાય કે મને સુખ મળ્યું. ખરેખર રોટલી અને શાકથી સુખ મળી શકે? મળે તો છ રોટલી ખાધી ત્યાં સુધી મજા આવી. અને સાતમી ખાઓ, આઠમી ખાઓ, નવમી ખાઓ, ખાઓ ..! કેમ? રોટલીથી સુખ મળે ને? જેમ વધારે ખાઓ એમ વધારે સુખ મળે.! રોટલીથી સુખ નથી મળતું, ભૂખનું જે દુઃખ હતું એ ટળે છે. દુઃખાભાવ છે, સુખ નથી. દુઃખાભાવ અલગ ઘટના છે, સુખ અલગ ઘટના છે.
પેલો નાનો બાબો હતો ને, એને માથાનો દુઃખાવો હતો. એ ક્યાં જાય? મમ્મા પાસે. મમ્મા, હેડેક થયો. એક સારીડોન ની ટેબલેટ આપી. એકદમ સરસ લાગ્યો હો. માથાનો દુઃખાવો ગાયબ. એટલે ભોળા બચ્ચાએ માઁ ને પૂછ્યું; માઁ આ એક ટેબલેટ લીધી આટલી મજા આવી ગઈ. ૫-૧૦ લઈએ તો કેવી મજા આવે? તો માઁ એ કીધું, બેટા! આ ટીકડીથી સુખ ન મળે. આ તો દુઃખાવો હતો એ જે એણે ગાયબ કર્યો. અને ખરેખર તો દુઃખાવો પણ ગાયબ નથી કર્યો. પણ, દુઃખાવાને પકડનાર જે જ્ઞાનતંતુઓ હતાં, નર્વસ સીસ્ટમ એને નબળી પાડી. વેદના શામક એ ઔષધ છે. એટલે વેદનાને વહી જતી જે નર્વસ સીસ્ટમ હતી એમાં એણે ભંગાણ પાડ્યો. એટલે કોઈ પણ પદાર્થથી સુખ મળે ખરું? ઠંડી લાગી, એક બ્લેન્કેટ ઓઢો સારું લાગે. બહુ ઠંડી હોય, બે બ્લેન્કેટ ઓઢો સારું લાગે. દસ ઓઢાડે તો કોઈ? ન સારું લાગે. ત્યાં શું થયું? પદાર્થો કેટલા જરૂરી છે? જેટલું સામે દુઃખ છે, ઠંડીનું દુઃખ છે એને ઉડાડવા માટે જરૂરી હોય એટલું. ઓછી ઠંડી હોય તો માત્ર સાલ જોઈએ. અને ઉનાળો હોય તો સાલ પણ ન જોઈએ. તો પર દ્વારા સુખ મળી શકે જ નહિ. સુખ માત્ર સ્વમાં છે.
હવે આ વસ્તુ તમે સાંભળેલી પણ છે. ઘણીવાર સાંભળેલી હશે. પણ છતાં પર તરફ જ નજર જાય છે. કારણ શું? કારણ એ કે સ્વમાં આનંદ છે એ સાંભળેલી વાત છે. અને પરમાં સુખાભાસ થાય છે પણ એ અનુભૂતિના સ્તરની વાત છે. ખાધું તો કંઈ સારું લાગ્યું. તરસ લાગી છે પાણી પીધું તો થોડું સારું લાગ્યું. વળી ઠંડું પાણી હતું, સારું લાગ્યું. અને આ કેવું પાછું શિયાળો હોય ને તો પાણી ઠંડું જોઈએ. અને ઉનાળામાં ય ચા ગરમ જોઈએ! આવું કેવું…! આ કોણે નક્કી કર્યું? આ સારું ખોટું એ સોસાયટી નક્કી કરે છે. તમે જે સોસાયટીમાં જન્મ્યા એ સોસાયટી જેને સારું કહે એને તમે સારું કહો છો. ખરાબ કહે એને તમે ખરાબ કહો છો. ચા ગરમ જ પીવાની. ભડભડતી ગરમી હોય, તોય ચા ગરમ જ જોઈએ.
તો હવે તકલીફ શું થઇ? કે પરની અનુભૂતિ છે. ભલે દુઃખાભાવ રૂપ હોય, સુખાભાસ રૂપ; તો પરની અનુભૂતિ છે. અને સ્વની જે વાત છે, એમાં અનુભૂતિ નથી, માત્ર શ્રવણ છે. તો હવે જોર કોનું ચાલે? અનુભૂતિનું જ જોર ચાલે. એટલે સ્વની અનુભૂતિ તમને થાય, સ્વના આનંદને તમે અનુભવેલો હોય, તો જ તમે પરની ચુંગાલમાંથી નીકળવાના. આપણે પણ પરમાંથી બિલકુલ ક્યારે નીકળી શકીએ? એ પરમ ઉદાસીનભાવમાં ક્યારે આવી શકીએ? જ્યારે ભીતરનો આનંદ મળેલો હોય ત્યારે. માત્ર શરીર માટે રોટલી-શાક, કપડાં. બાકી એક પણ વ્યક્તિનું તમારે કોઈ કામ નથી. તમે તમારી આજુબાજુમાં થોડાક વ્યક્તિઓને ઈચ્છો, શા માટે? એક તો અહંકાર માટે. એ બધા કહે તમે સરસ છો. તમે સારું બોલ્યા. તમને લાગે, હું સારો છું! ખરેખર છે ને તમારી સારપની અનુભૂતિ તમારી પાસે નથી. બીજો કહે તો જ તમને ખ્યાલ આવે. દસ-પંદર જણા જોઈએ જે કહે તમે બહુ સારા છો. અને કા તો વ્યક્તિ-રાગ, રાગદશાને કારણે હોય. હવે જ્યાં સ્વનો આનંદ પકડાઈ ગયો. ઉદાસીનદશા પકડાઈ ગઈ. રાગ ક્યાં છે! દ્વેષ ક્યાં છે! અહંકાર ક્યાં છે! કંઈ જ નથી!
એટલે જ બે માર્ગ બતાવ્યા. જોડ-તોડ, અને તોડ-જોડ. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે એ જોડે એહ” એક માર્ગ આ છે: તોડ-જોડ. પરની પ્રીત બિલકુલ છોડી દો; અને સ્વની અનુભૂતિમાં આવો. પણ આ માર્ગ કઠિન છે. આ પરની પ્રીત છોડી. આ પરની પ્રીત છોડી. અને એક પરની પ્રીત પાછી રહી ગઈ તો પાછી એ ની એ મોકાણ. બધા જ પરની પ્રીતિથી મુક્ત થઇ જાવ, તો સ્વની અંદર તમે પહોંચી જ ગયા છો. પરમાં નથી તો સ્વમાં છો તમે! એટલે એ થોડોક કઠિન માર્ગ છે.
જોડ-તોડ એ સરળ માર્ગ છે. તમે સ્વની સાથે જોડાઈ જાવ, સ્વના આનંદને માણી લો, પરથી તમે છુટા થઇ જાવ. આપણે ત્યાં ભક્તિની જે ધારા આવી ને, બહુ સરસ મજાની આવી. કારણ? હું નિર્મલ છું. મારી આંતરદશા એકદમ સ્વચ્છ છે. આવું બોલવાથી જે છે ને, કદાચ result આપણને નથી મળતું. પણ પ્રશમરસથી છલકાતા પ્રભુને જ્યારે જોઈએ છીએ, પછી આપણને ખ્યાલ છે, કે સત્તાગતે હું અને પ્રભુ બંને સરખા જ છીએ. તો એ જ પ્રશમરસ મારી ભીતર છે. તો પછી મારા પ્રશમરસનો હું અનુભવ કેમ ન કરું?
એટલે જિનગુણદર્શનથી નિજગુણ અનુભૂતિ થાય છે. પણ દર્શન એટલે જિનગુણ-દર્શન થવું જોઈએ. રોજે રોજ પ્રભુના એક ગુણનું દર્શન કરવું. વીતરાગતાનું દર્શન કર્યું. એકદમ જે શાંત રસ પ્રભુમાં છે. ભક્તામરમાં કહ્યું ને, “यै: शान्तराग ! रुचिभि: परमाणुभिस्त्वं” પ્રભુ પ્રશમરસના જે પરમાણુઓ વડે આ તારી મૂર્તિ બની છે, મને લાગે છે કે દુનિયામાં આટલા જ પ્રશમરસના પરમાણુઓ હશે. કારણ, આવું પ્રશમરસથી મંડિત રૂપ બીજે ક્યાંય છે નહિ! હવે એ પ્રશમરસને આપણે જોયો? એ જિનગુણ-દર્શન થયું?
લલિત વિસ્તરામાં ચૈત્યવંદનની શરૂઆતમાં એક સરસ વાત લખી છે; “भुवनगुरौ विनिवेशितनयनमानसो” “भुवनगुरौ विनिवेशितनयनमानसो” માત્ર આંખ પ્રભુ પર હોય તો ચાલશે એમ નહિ. આંખ અને મન totally પ્રભુ પર focus થઇ જવા જોઈએ; એ વખતે એક પણ વિચાર તમારી પાસે બીજો હોઈ ન શકે, માત્ર અને માત્ર તમે પ્રભુને જોતા હોવ! નહીતર આંખ તો માત્ર જે છે એ તો લેન્સ છે, અંદર દ્રશ્ય મુકશે, તમારું મન બીજે છે. આ cctv હોય ને, એનો screen હોય, એમાં સેકંડે સેકંડે આવ્યા જ કરે ફોટા, પણ કોઈ જોનાર જ ન હોય, એવું થઇ જાય તમારે પણ. એટલે આંખનું cctv કેમેરા જે છે, અંદર ફોટા આપે, તમે બહાર હોવ! હવે પ્રભુની સામે બેઠા હોવ, અને ફોટો ક્યાંનો? કોઈ ભક્તનો.
તો જોડ-તોડ સહેલો માર્ગ છે. પ્રભુ સાથે જોડાઈ જાવ. પ્રભુના ગુણો સાથે જોડાઈ જાવ. ભલે પહેલા અનુપ્રેક્ષા કરો, અનુપ્રેક્ષા એવી કરો કે અનુભૂતિ સુધી તમને લઇ જાય.
તો એ રીતે જિનગુણ-દર્શન દ્વારા સ્વગુણની અનુભૂતિ આપણે કરીએ તો આપણે સ્વના જગતમાં પહોંચી શકીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *