Mumukshu Vachna | 18-04-20 | Navsari Tapovan

22 Min Read

દર્શનાચાર

સ્વના જગત માટેની સાધકની સાધના: _ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતા હો લાલ_. તમારા જે અનંત ગુણો છે, એના ભોગમાં જ તમારે રહેવાનું છે. અને જો ભીતરી આનંદનો ભોગ શરુ થઇ ગયો, તો પછી તમે બહાર જશો જ શી રીતે? પછી પરને છોડવાની વાત નથી આવતી; પર છૂટી જાય છે!

પછી વ્યવહારના સ્તર પર તમે કદાચ લોકોની જોડે વાતોચીતો કરતા પણ હોવ, પણ ભીતરમાં એની જોડે તમને કોઈ સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી! કારણ કે જે ક્ષણે ભીતરનો દિવ્ય આનંદ તમે આસ્વાદ્યો, પરમાંથી તમારો રસ ઊડી જાય છે. બહાર આનંદ છે જ નહિ, બહાર માત્ર રતિ અને અરતિ છે.

મનગમતી વ્યક્તિઓ કે પદાર્થોના સંયોગથી રતિભાવ થાય. અણગમતી વ્યક્તિઓ કે પદાર્થોના સંયોગથી અરતિભાવ થાય. આ રીતે જે સંયોગજન્ય છે, એ રતિ કે અરતિ. પણ જે તમારી ભીતરથી નિષ્પન્ન થાય, _અસંયોગજન્ય_ હોય, એ આનંદ. રતિ અને અરતિ એ તમારું સ્વરૂપ નથી; તમે _આનંદઘન_ છો.




નવસારી તપોવન વાચના – 21 [18.4.2020]

સુક્ષ્મ દર્શનાચારમાં પ્રભુના વચનની અનુભૂતિ થવી જોઈએ. આગમ શાસ્ત્રો ઘણા વાંચ્યા આપણે પણ એમાંથી આપણે આત્મસાત્ કેટલા કર્યા?

હું ઘણીવાર એક વાત કહું છું કે મારે Live editions જોઈએ છે. દશવૈકાલિકનું live editions. દશવૈકાલિકના પાંચમાં અધ્યયનના live editions ઘણા મળી જાય. મારે છટ્ઠાનું જોઈએ. ચોથાનું જોઈએ. હું તમારા ઉપર છોડી દેતો હોઉં છું પછી. તમારી જે choice હોય એ. જ્ઞાનસાર હોય તો ય વાંધો નથી. પણ તમે live edition હોવ – જીવંત સંસ્કરણ. તમને જોતાં લાગે કે આ જ્ઞાનસારનું મૌનાષ્ટક આવ્યું! આપણે ઘણા મહાપુરુષો માટે કહીએ ને, એકદમ જાણે કે મૂર્તિમંદ શાંતિ આવી ગઈ હોય. મતલબ આ – એમનું જીવન પૂરું પ્રશમરસથી ભરાઈ ગયું છે.

તો તમે જો ઉદાસીનદશાથી તમારા હૃદયને ભરી દો, તો જ્ઞાનસારનું મૌનાષ્ટક આત્મસાત્ થઇ ગયું. એના માટે આપણે દેવચંદ્રજી મહારાજની નવમાં સ્તવનની એક કડી જોતા હતાં. એમના શબ્દો પરાવાણી છે. વિનોબાજીએ એકવાર બહુ સરસ વાત કરેલી. વિનોબાજીએ વિષ્ણુ સહસ્ર નામ રટતાં હતાં – સ્વાધ્યાય કરતાં હતા. કો’કે પૂછ્યું કે તમે પોતે નવું વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર બનાવો તો કેવું બને? વિનોબા કહે કે બહેતર બને. પ્રાચીનનો અનુભવ છે, નવો ઉન્મેશ મારી પાસે છે. પણ વિનોબાજીએ કહ્યું; હું નહિ બનાવું. અને પછી એમણે એક અદ્ભુત વાત કરી; કે કાળ પુરુષ બેઠેલો છે અને એ અમુક કૃતિઓને જ કાળજયી કૃતિ તરીકે રાખે છે, બાકીનું બધું કચરા ટોપલીમાં નાંખી દે છે. અત્યારે આપણે જે જોઈએ છે શબ્દો, શબ્દો, શબ્દો ચાલ્યા છે. પણ એ શબ્દોમાંથી શાશ્વત શબ્દો કેટલા રહેશે? કોણ જાણે!

એના અનુસંધાનમાં વિનોબાજીએ કહ્યું; કે નવજીવન ટ્રસ્ટવાળા એમની પાસે આવેલા. નવજીવન ટ્રસ્ટે ગાંધીવાનભાઈના ૮૫ volumes બહાર પાડેલા છે. ગાંધીજીએ પુરા જીવનમાં જે પણ લખ્યું ચિટ્ઠી કે ચબરખી બધું જ છાપી નાંખ્યું છે. તો એ નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિનોબાજીને મળવા ગયા. કારણ કે વિનોબાજી ગાંધીજીના માનસ પુત્ર ગણાય. તો કહે સાહેબ આપે ગાંધીવાંગવે ના volumes જોયા હશે. આપણો અભિપ્રાય શું? વિનોબાજી એક ક્ષણ મૌન રહ્યા અને પછી એમણે કહ્યું; કે ગાંધીજીનું ગયા જનમનું કંઈ મળતું નથી? એ મળતું હોય તો એ’ય છાપી કાઢો ને, ૧૦૦ volume તમારા પુરા થઇ જાય! પછી વિનોબાજી એ કહ્યું; કે મોહનદાસ કરમચંદ ગાંધી નામનો માણસ મહાત્મા ગાંધી બને, ત્યાં સુધીમાં એમણે જે પણ લખ્યું, એ બધું છપાવવું એ તમારી ઘેલછા છે. કારણ કે ગાંધીજીએ પોતે કહેલું કે ગઈ કાલે મેં કહેલું એને delete કરી કાઢવું, આજે કહું છું એ સાચું છે.

વિનોબાજીની આ વાતને વિનોબાજીના એડિટરોએ બરોબર સ્વીકારી લીધી. એટલે વિનોબા સાહિત્યના 20 volume બહાર આવ્યા છે. પણ એમાં collected literature નથી. Selected literature છે. કારણ કે વિનોબાજી collected literature ના વિરોધી હતાં. બધું મેં લખ્યું એ છાપી નાંખો એમ નહિ, તમને સારું લાગે એટલું જ છાપો. એ વિનોબા સાહિત્યના ૨૦ volume ખરેખર વાંચવા જેવા છે. વેદ, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, ભગવદ્દગીતા આ બધાને એમણે આત્મસાત્ કરેલા છે. વચ્ચે તો ૩-૪ વર્ષનો પીરીયડ એમને એવો રાખેલો કે માત્ર વેદોનું જ અધ્યયન, બીજું કશું જ નહિ! અધ્યયન તો વેદનું, (પણ) બોલવાનું હોય તો? એ પણ વેદ ઉપર જ! આજે public meeting છે, ૧૦,૦૦૦ માણસો છે તો પણ વેદની પંક્તિ ઉપર બોલવાનું! કાલે કોઈ જેલમાં કેદીઓ સામે બોલવાનું છે તો પણ વેદની પંક્તિ ઉપર જ બોલવાનું! પરમદિવસે સ્કુલના બાળકો સામે બોલવાનું છે તો પણ વેદની પંક્તિ લઈને જ બોલવાનું! ત્રણ-ચાર વર્ષ સુધી માત્ર એમણે વેદોનું અધ્યયન કર્યું. એટલે ભારતીય પ્રાચીન સંસ્કૃતિના અને ભારતીય પ્રાચીન સાહિત્યના બહુ મોટા જ્ઞાની પુરુષ એ હતાં. એમને પણ કહેવું પડ્યું કે પરાવાણી! જુનું વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર છે એ પરાવાણી છે. એના શબ્દોની તાકાત બહુ છે. હું નવું કરીશ; શબ્દો સારા આવશે. પહેલાં કરતાં શબ્દો સારા આવવાના, મારી રચના સારી થવાની પણ એ જે સપ્રાણતા છે ને એ સપ્રાણતા મારી રચનામાં નહિ આવે!

તો દેવચંદ્રજી મહારાજે જે રચના આપી છે ને, એ સપ્રાણ રચના છે. તો સાધકની ત્રણ સાધના એમણે બતાવી: જડ જગત જોડે જ્ઞાતાભાવ, ચેતના જગત જોડે મૈત્રીભાવ. કદાચ તમને સામી વ્યક્તિના દોષ દેખાઈ જાય, તો પણ એ દોષ કર્મકૃત છે, એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત છે – આ રીતે જ તમારે માનવાનું છે.

અને ત્રીજી સાધના આપે છે – સ્વના જગતની. ‘ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતા હો લાલ” પછી કર્તૃત્વ વિભાવોનું રહેતું નથી અને વિભાવોનો ભોગ પણ રહેતો નથી.

આપણે પરમાત્માને પરમ ભોગી કહ્યા છે. વાસ્તવિક રીતે ભોગ એમની પાસે જ છે. આત્મગુણોનો ભોગ. પરમાં તો ભોગ જેવું કંઈ છે જ નહિ! તો કર્તાપણું પણ તમારું ક્યાં? સ્વની દુનિયામાં! પરકૃત કર્તૃત્વને ક્યારે પણ તમારે તમારા મનમાં સ્થાન આપવાનું નહિ. કાર્ય તમે કરશો. શુભ કાર્યો તમે કરવાના. વૈયાવચ્ચ કરશો. સ્વાધ્યાય કરશો. પણ એ કાર્યો કર્તૃત્વ મુક્ત હોવા જોઈએ. કાર્ય ખરું, કર્તૃત્વ પ્રભુનું અને ગુરુનું. પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા; આટલું ભણાઈ ગયું. ૧૫ ગાથા નવી થઇ શું કરશું? મેં ૧૫ ગાથા કરી, એમ અહંકાર કરશો? કે પ્રભુની કૃપા થઇ કે ૧૫ નવી ગાથા આજે થઇ ગઈ.

હવે સપોઝ કલાક તમે ભણવા માટે બેઠા. એક પણ ગાથા ચડી નહિ. એક પણ ગાથા નહિ આવડે. હવે શું કરશો? તો પણ પ્રભુનો આભાર માનવાનો. પ્રભુને thanks કહેવાનું; કે પ્રભુ! તારી કૃપા કે તે જ્ઞાનાચારનું પાલન કરાવરાવ્યું. એટલે ‘ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતાં હો લાલ’ તમારા જે અનંત ગુણો છે, એના ભોગમાં જ તમારે રહેવાનું છે. હવે એ જો ભીતરી આનંદ ચાલુ થઇ ગયો, તમે બહાર જશો શી રીતે? પછી પરને છોડવાની વાત નથી આવતી, પર છૂટી જાય છે!

વ્યવહારના સ્તર પર તમે કદાચ લોકોની જોડે વાતોચીતો કરતાં હોય, પણ તમારા ભીતરમાં એની જોડે કોઈ સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. માત્ર વ્યવહારના સ્તર પર વાત કરી લીધી. કારણ તમારો રસ ઉડી ગયો છે. જે ક્ષણે ભીતરનો દિવ્ય આનંદ તમે આસ્વાદ્યો, બહાર આનંદ છે જ નહિ, બહાર માત્ર રતિ અને અરતિ છે. બહાર શું છે? રતિ અને અરતિ, આનંદ નહિ. આનંદની વ્યાખ્યા જુદી છે.

આનંદ એટલે શું? જે તમારી ભીતરથી નિષ્પન્ન થાય એ આનંદ. એટલે આનંદની વ્યાખ્યા છે; અસંયોગજન્યતા.

અને જે સંયોગજન્ય છે, એને આપણે રતિ કે અરતિ કહીએ છીએ. મનગમતી વ્યક્તિનો, મનગમતા પદાર્થોનો સંયોગ થયો; રતિભાવ થયો. અણગમતી વ્યક્તિનો, અણગમતા પદાર્થોનો સંયોગ; અરતિભાવ થયો. તો રતિભાવ અને અરતિભાવ એ તમારું સ્વરૂપ નથી. આ સ્વરૂપ ભૂલીને અનંત જન્મોથી પીડાના સાગરમાં આપણે ડૂબી રહ્યા છે. તમે આનંદઘન છો અને તમે પીડામાં રહો છો!

૫૦ ડીગ્રી ગરમી હોય ને, એક માણસ રૂમમાં બેઠો હોય, બહુ ગરમી લાગે છે. બહુ ગરમી લાગે છે. તારે તો રૂમમાં ac છે. પંખો છે. Electricity ચાલુ છે. તારે switch જ on કરવાની છે! બહુ ગરમી છે! જૈન સાધુની વાત જુદી છે કે એ use નથી કરવાના એને. સંસારી માણસ છે. અને ગરમી ગરમી ગરમીની બુમ પાડ્યા કરે.! તો સામે જ છે switchboard! Ac ની switch દબાવ. તો હવે એ switch દબાવી નથી અને રાડો પાડવી છે; બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી.. એનો કોઈ અર્થ ખરો? તમે આનંદઘન છો જ.! તમે પરમાં જાવ તો પીડા; સ્વમાં રહો તો આનંદ.

હું ઘણીવાર કહું છું; બહાર ૫૦ ડીગ્રી ગરમી છે. ધારો કે સુરતમાં અત્યારે ૪૦ – ૪૧ ડીગ્રી છે. હવે એવું કંઈ ન થઇ શકે કે આખા સુરત ઉપર એક ડોમ કરી નાંખો. અને એને સેન્ટ્રલી એર-કંડીશન કરી નાંખો, આવું કંઈ શક્ય નથી. પણ વ્યક્તિ પોતાના બેડરૂમમાં ac જરૂર લાવી શકે છે. તો બહાર ૪૦ ડીગ્રી ગરમી છે. એના રૂમની અંદર એ ધારે એટલી ૩૦, ૨૫ જેટલી ધારે એટલી નીચે લાવી શકે છે.

તમારી પાસે પણ આ જ વાત છે. દુનિયા ખરાબ છે કે સમય ખરાબ છે એવું સાધક ક્યારે પણ ન બોલે. સમય સારો ‘જ’ છે. અને હું તો માનું છું કે છેલ્લા ૩૦૦ વર્ષના ગાળાની અંદર ગોલ્ડન પીરીયડ હોય તો આપણો પીરીયડ છે. વચ્ચે ૩૦૦ વર્ષમાં, જ્ઞાન અને ધ્યાનના ક્ષેત્રે મહત્વની ઉંચાઈઓ આવી, પણ એ વ્યક્તિગત ઉંચાઈઓ આવી. ઉપાધ્યાય યશોવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી પણ સમષ્ટિગત રીતે ધ્યાનની આટલી ઊંડાણની વાતો આપણા યુગમાં જ આવી છે. અંગ્રેજીમાં આજે best seller પુસ્તકો જે હોય છે, એ ધ્યાન ઉપરના હોય છે.

તમે ઝેન નામ તો સાંભળેલું છે. બૌદ્ધોની જ એક શાખા છે. મૂળ ધ્યાન શબ્દ છે આપણો. હવે બૌદ્ધ પરંપરામાં પાલી ભાષા છે. આપણે પ્રાકૃત હતી. ત્યાં પાલી ભાષા છે. તો પાલીમાં ધ્યાનનું ઝાણ થયું. ધ્યાનનું અપભ્રંશ ઝાણ થાય. ઝાણનું પછી ઝેન થઇ ગયું. એટલે એ ઝેન પરંપરામાં પણ માત્ર અને માત્ર ધ્યાનની જ વાતો આવે છે. અંગ્રેજીના સો best seller પુસ્તકોમાંથી બે થી ત્રણ તો ઝેન ઉપરના જ હોય છે. અને બીજા ધ્યાન ઉપરના જુદા પાછા.

એક ઝેન કથા કહું. એક ઝેન આશ્રમ હતો. હજારેક સ્ટુડન્ટ એમાં હશે. અને practically એમને ધ્યાન અને બધું શીખવાડવામાં આવે. એકવાર એ આશ્રમમાં સમારોહ હતો. અને સમારોહ માટે ગણમાન્ય અતિથીઓને બોલાવેલા. મંચ પર બધા ગણમાન્ય અતિથીઓ. ઓડીટોરીયમમાં બધા સ્ટુડન્ટ. એક અતિથિને ધ્યાનમાં બહુ રસ હતો. તો એણે જરા ધ્યાનથી જોયું, કે દરેક સ્ટુડન્ટના શર્ટ પર જે આઇકાર્ડ હતું ને એ આખું નવું જ હતું. નવી જ ટેકનીકનું હતું. કોઈ પણ સ્કુલમાં છોકરો ભણતો હોય આઇકાર્ડ શું હોય? એનું નામ હોય અને સ્કુલનું નામ હોય. આ હજારે હજાર સ્ટુડન્ટ, શર્ટ પર આઇકાર્ડ, આઇકાર્ડમાં લખેલું; nameless, bodyless, choiceless. અતિથિને થયું કે વાહ! ધ્યાનની શરૂઆત ત્યારે જ થાય ને! તમે nameless ન થાવ, choiceless ન થાવ, mindless ન થાવ, તો તમે ધ્યાનમાં કેમ જઈ શકો?

સમારોહ પૂરો થયો. બધા અતિથિઓ વિદાય લે છે. બધા સ્ટુડન્ટ ઉભા થઈને એમને માન આપે છે. અતિથિ પસાર થઇ રહ્યા છે. એમાં છેલ્લી રો માં એક ખુરશી પરથી એક સ્ટુડન્ટ ઉભો થયેલો. એના શર્ટ પર આઈકાર્ડ નહતું. તો આને એને પૂછ્યું; કે please તમારા શર્ટ પર આઈકાર્ડ કેમ નથી? તો એણે કહ્યું; સર! ગઈકાલે જ મારું આઇકાર્ડ ખોવાઈ ગયું છે. નવું આઇકાર્ડ હવે લેવાનો છું. પણ એક આઇકાર્ડ ખિસ્સામાં તો રાખેલું જ છે. આઇકાર્ડ મારું ખોવાઈ ગયું છે. નવું આઇકાર્ડ કાલે લઇ લઈશ. પણ એક આઇકાર્ડ તો ખિસ્સામાં છે. અતિથિ કહે કયું આઇકાર્ડ? એને એક પડીકી કાઢી. આપણી વાસક્ષેપની પડીકી હોય ને એવી પડીકી કાઢી. પછી ખોલી, અંદર હતી રખિયા. અતિથિને ખ્યાલ નહિ આવ્યો કે એ શું હશે? તો કહે સ્મશાનમાં ગયેલો. ત્યાં એક માણસના અગ્નિસંસ્કાર થઇ ગયેલા. એની રખિયા લઇ લીધી. તો મને પણ ખ્યાલ રહે કે હું પણ રાખમાં જવાનો છું. Bodyless, mindless તો થવાના જ છો.

આવી જ વાત એક સંતની આવે છે. બહુ મજાની વાત છે. કે સંત જ્ઞાની હતા. ૨૦-૨૫ શિષ્યો એમના. અને હિંદુ પરંપરા હોય કે જૈન પરંપરા હોય કે બૌદ્ધ પરંપરા. શિષ્ય એટલે આજ્ઞાંકિત વ્યક્તિત્વ. “આણાએ ધમ્મો” તો ગુરુ પાસે એક ઝોળી હતી. ઝોળીને એ બંધ રાખતાં. શિષ્યોને કહી દીધું; મારું આસન, મારો સામાન તમે ઉપાડ્યો એનો વાંધો નથી. આ ઝોળી કોઈએ ઉપાડવાની નહિ. અને આ ઝોળી ખોલીને કોઈએ જોવાની પણ નહિ. તહત્તિ. બીજો કોઈ વિચાર જ ન આવે ને!

એક વખત એવું બન્યું કે એક વિહારમાં થોડાક ભક્તો પણ જોડાયા. ભક્તો તો આજ્ઞાંકિત હતા નહિ. એટલે એકવાર એક ભક્તે એક શિષ્યને પૂછ્યું; કે ગુરુ મહારાજની પેલી ઝોળી ઉપાડવા હું ગયો ને, ગુરુ મહારાજે ના પાડી. બિલકુલ નહિ. આ ઝોળી નહિ ઉપાડવાની. આ ઝોળીને હાથ પણ નહિ લગાડવાનો. કેમ? શિષ્ય કહે છે; કે કેમનો સવાલ તો મારા માટે ઉઠતો જ નથી. “आज्ञा गुरूणां ह्यविचारणीया।” ગુરુની આજ્ઞાથી વિચાર કરવાનો હોય જ નહિ! એટલે ગુરુએ અમને પણ કહેલું છે કે ઝોળીને અડકવાનું પણ નહિ. ઝોળી ખોલીને જોવાનું નહિ. અમે કહ્યું ; તહત્તિ. હવે તમે પૂછો છો કેમ? કેમ તો ગુરુ જાણે, અમે શું જાણીએ? અમને એકેયને ખ્યાલ નથી. હવે પેલાને ચટપટી થઇ. કે ઝોળીમાં છે શું? એટલામાં વિહાર કરીને ગુરુ આવી ગયા. પછી ક્યાંક એમના મંદિરે જવાનું હતું.

તો બધા શિષ્યો સાથે ગુરુ મંદિરે ગયા. ભક્તો પણ થોડા જોડાયા. પેલો ભક્ત પાછળ રહી ગયો. હજી એક-બે ભક્તો બાકી હતા એ જાય એટલે ધીરે ધીરે આપણે ખોલીએ. પેલા કહે, તારે નથી આવવું? ના હું આવું જ છું ને, તમે જાવ. બધા ગયા, છેલ્લે આ એકલો રહ્યો. ગુરુના આસન પાસે ગયો. ઝોળી ખોલી! એ ઝોળીમાં માણસની ખોપરી હતી! મરી ગયેલા માણસની ખોપરી હતી! એ તો હેબતાઈ ગયો! સાહેબ આપણે ત્યાં વામમાર્ગી હોય, તાંત્રિકો હોય, એ આવું રાખે. ગુરુ તો એકદમ સાત્વિક આચાર્ય છે. તો આ મરેલા માણસની ખોપરી, ગુરુ રાખે? એટલે પહેલી વાર તો એને ગુરુ ઉપર અભાવ થઇ ગયો. એટલે બહારથી જ બધું સારું છે, અંદર બધું પોલંપોલ જ છે એમ ને! હું ઘણીવાર કહું છું તમે તમારી બુદ્ધિના ચશ્માથી જ ગુરુને જોયા છે. ગુરુ બહાર જુદું કહે, અને અંદર જુદું કહે.

એ તો જોતો હતો. ત્યાં જ ગુરુને આવવાનું થાય છે. ગુરુ પાછા ફરે છે. ગુરુએ જોયું; પેલો માણસ ઝોળી ખોલીને ખોપરી પાસે બેઠો છે. જેવા ગુરુ અંદર ગયા, પેલો ચમક્યો. પણ ઝોળી બંધ કરવાનો ટાઈમ ન રહ્યો. બધા શિષ્યની નજર પણ પડી. ત્યારે ગુરુએ બધાને બેસાડ્યા. શિષ્યોને અને ભક્તોને. શિષ્યોને કહેવાની જરૂર પણ નહતી ખરેખર, એટલા સુશીલ હતા! તો ય બેસાડ્યા બધાને. તો કહે કે જુઓ ભાઈ, આ માણસની ખોપરી હું રાખું છું, શા માટે? હું ગુરુ છું. હું સાધક છું, ભક્ત પણ છું. છતાં હું માણસ પણ છું જ. અને માણસ તરીકેની નબળાઈ ક્યારેક મારામાં આવી જાય એવું બની શકે. એટલે ગુસ્સો મને આવતો નથી. રાગની શક્યતા મારામાં છે નહિ. પણ મને લાગે છે કે અહંકાર ક્યારેક ક્યારેક મારામાં આવી જાય છે. હવે એનો ઉપાય શું કરવો?

એમાં એક રાત્રે હું ધ્યાન કરવા ગયેલો. ધ્યાન કરીને પાછો આવતો હતો, સ્મશાનમાં થઈને, ગુરુને બીક-બીક તો હતી જ નહિ. મધરાત્રે સ્મશાનમાંથી નીકળી રહ્યા છે. ત્યાં એ જ દિવસે એક માણસનો અગ્નિ સંસ્કાર થયો હશે. એટલે ખોપરી છૂટી પડી ગયેલી. રસ્તા ઉપર. એ પગમાં આવી. અંધારું હતું. જોઈ લીધું. શું છે? તરત વિચાર આવ્યો કે આને હું રાખું તો કામ આવશે. જ્યારે પણ અહંકાર આવે ને, આને જોઈ લેવાનું. કે ભાઈ જો, તારી દશા આખરે આ જ છે. તું કહે છે હું જ્ઞાની, હું વિદ્વાન, હું આમ ને, હું આમ.! આખરે તો આ જ થવાનું છે.! એટલે એ ખોપરી મેં લઇ લીધી. ઝોળીમાં મૂકી દીધી. અને તમને કહી દીધું શિષ્યોને કે તમારે ઝોળીને ખોલવાની નહિ. અડવાનું નહિ. આજે આણે ખોલી નાંખી. તો વાત આટલી જ છે કે અહંકાર ન આવે માટે આ ખોપરી મેં રાખેલી છે. કેટલી જાગૃતિ બોલો?!

એટલે જ. કોઈ પણ સાધનાના પડાવે તમે પહોંચો, તમે જાગ્રત નહિ રહો તો નહિ ચાલે.! અગિયારમે ગુણઠાણે જઈને સીધું પડવાનું છે પાછું. જાગ્રત ન રહ્યા તો પડવાનું જ છે. જાગૃતિ સતત જોઈએ. એક-એક ક્ષણે તમને તમારા લક્ષ્યનો ખ્યાલ આવવો જોઈએ. અને એ લક્ષ્ય પ્રમાણે તમારી ક્રિયા થાય છે કે તમે જોઈ લો. જાઉં છે કોઈને સુરત અને નવસારીનો માર્ગ પકડે તો થોડું ચાલશે? તમારું લક્ષ્ય નક્કી છે, માર્ગ પણ નક્કી છે. હવે એ માર્ગ પર તમે છો કે નહિ એ જોઈ લો.

ઉદાસીનદશા. બહુ જ મજાની દશા છે. તો “ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતાં હો લાલ” એટલો બધો આનંદ તમારી ભીતર છે, કે બહાર તમે ક્યારેય જઈ શકો નહિ. હું ઘણીવાર કહું, કે માઁ ઘરે નમકીન, હલવો, પુડિંગ્સ બધું બનાવી આપતી હોય, છોકરો લારી-ગલ્લે જાય ખાવા? એમ તમારી ભીતર અનંત આનંદ સમારોહ ને તમે જુઓ, અને તમે બહાર જાવ ખરા!

નીમ કરોલી બાબા હમણાં જ થયા. એમનો એક પ્રસંગ વાંચેલો. એ માત્ર એકાદ નીચેલું વસ્ત્ર અને એક કામળો રાખતાં બસ. બીજું પરિગ્રહમાં કશું જ નહિ! પણ લોકોની શ્રદ્ધા એમના પર એટલી બધી કે લોકો માનતા કે વચનસિદ્ધ પુરુષ છે. એકવાર એ બેઠેલા. આશ્રમ પણ નહિ, ફરતાં રહેવાનું! એકવાર એ બેઠેલા, અને એક શ્રીમંત આવે છે હજારોની નોટ લઈને. આખી બેગ ભરેલી નોટોની! એણે અર્પણ કરી ગુરુને. આ તો ફકીર બાબા – પરમ ઉદાસીન દશામાં. એ પેલા શ્રીમંતને કહે; આ નોટોનું શું થાય? શું કરવાનું આનું? નોટોને પાથરી, સાલું બેસવા માટે આ સીટ કંઈ બરોબર નથી! એના માટે મારી ગાદી ઠીક છે. આ તો કડક કડક પડે. હું તો તાપણું ય રાખતો નથી, નહિતર સાલું આમ નાંખવા ય કામ આવે. બાબા આ તો પૈસા છે. આનાથી ઘણું બધું મળે. એમ ઘણું બધું મળે! ચલો આટલી બધી નોટ છે ને તારી પાસે, તો થોડું ફ્રુટ લઇ આવ ચાલ મારા માટે. બાબા જંગલમાં તો ક્યાંથી મળે? તારા પૈસા શું કરવાના!

એમ લાગે કે આવી ઉદાસીનદશા બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિમાં હોય છે! કારણ કે બીજી દ્રષ્ટિમાં ઈશ્વર પ્રણિધાન, સ્વાધ્યાય, અને ભક્તિ. અને ભક્તિ અને સ્વાધ્યાયની જુગલબંધી ચાલુ થઇ જાય છે. અને સ્વાધ્યાયમાં અનુપ્રેક્ષા પણ આવી જાય. અને અનુપ્રેક્ષાને કારણે આ ગુણોની ઝલક પણ મળતી જાય. આ બીજી દ્રષ્ટિમાં! તમે તો પરમ ભાગ્યશાળી છો કે આટલી મજાની વ્યવહાર સાધના મળી ગઈ છે. તમારે ક્યાંય પરમાં જવાનું કામ રહે આમ…? કશું જ નહિ! સંસારી માણસને એની જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી કરવા માટે પણ કામ કરવું પડશે. આપણા પંડિતો હોય છે ને, દસ-દસ કલાક ટ્યુશન કરે છે! કુટુંબને ચલાવવા માટે દસ-દસ કલાક ટ્યુશન કરે છે.! એમાં પણ અમદાવાદમાં હોય તો એક સાબરમતીમાં હોય, એક પાલડીમાં હોય. બાઈક પર આમથી આમ ફરતો હોય. દસ કલાક ટ્યુશન કરે. એક-બે કલાક આમ જાય. એ ખાવાનો શું ટાઈમ રાખે? ઊંઘવાનો શું ટાઈમ રાખે? એ માત્ર પેટ ભરવા માટે આટલા બધા કલાક આપી શકે નહિ, તમે આત્મા માટે કેટલા કલાક આપો?

ઉત્તરાધ્યયન સૂત્રે તો પંદર/નવનો રેસીયો આપ્યો છે. પંદર કલાક તમારી સાધના માટેના. નવ કલાકમાં ત્રણ કલાક દિવસના, આહાર, વિહાર, નિહાર બધું જ. અને રાત્રિના બે પ્રહર – છ કલાક ઊંઘ માટેના. પંદર / નવનો રેસીયો આપ્યો છે. જો આપણી ઊંઘ ઘટે તો સ્વાધ્યાય વધારી દેવાનો. ધ્યાન વધારી દેવાનું.

તો લક્ષ્ય હવે આપણું નક્કી છે. “ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતાં હો લાલ” એ ભોક્તા માત્ર અને માત્ર સ્વના છે, પરનો ભોગ એમની પાસે છે જ નહિ!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *