Mumukshu Vachna | 19-04-20 | Navsari Tapovan

21 Min Read

ચારિત્રાચાર

સ્થૂળ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને શુભરૂપ ત્રણ ગુપ્તિ આવે. સુક્ષ્મ ચારિત્રાચારમાં શુદ્ધરૂપ ત્રણ ગુપ્તિ આવે. સમિતિ અને ગુપ્તિઓના ઊંડાણમાં જવા માટે પૂ. દેવચંદ્રજી ભગવંતની _અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાય_ એકદમ appropriate છે.

નિક્ષેપણા સમિતિ વિરાધનાથી પણ બચાવે અને પ્રભુની આજ્ઞા પણ પળાવે. પણ સાથે એ તમારી જાગૃતિને અત્યંત સૂક્ષ્મ બનાવે છે. વસ્તુ લેવી છે, તો વસ્તુનો ઉપરનો ભાગ અને તમારી હથેળી પ્રમાર્જો; પછી વસ્તુ લો. વસ્તુ મુકવી છે, તો વસ્તુનો નીચલો ભાગ અને મુકવાની જગ્યાને પૂંજો; પછી વસ્તુને મુકો. આમ ક્યાંય પણ કંઈક કરવું છે, તો તરત જ નિક્ષેપણા સમિતિના પાલન માટે જાગૃતિ મુખરિત થઇ જાય.

પારિષ્ઠાપનિકા સમિતિના પૂ. દેવચંદ્રજી મહારાજે દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારો પાડ્યા. દ્રવ્યથી પારિષ્ઠાપનિકા આપણા ખ્યાલમાં છે. ભાવ પારિષ્ઠાપનિકા એટલે? તમારા રાગ અને દ્વેષને પરઠવી દેવા – વોસિરાવી દેવા – એ ભાવ પારિષ્ઠાપનિકા!




નવસારી તપોવન વાચના – 22 [19.4.2020]

સુક્ષ્મ દર્શનાચારને આપણે જોતાં હતાં. પ્રભુના વચનોની અનુભૂતિ થવી જોઈએ. “ભોગ્યપણે નિજ શક્તિ અનંત ગવેષતાં હો લાલ” અને આ જ વાત એમણે ચોથા સ્તવનમાં કરી. “આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો” તમે જ્યારે સ્વયં સંપૂર્ણ બની જાવ છો. ત્યારે કોઈ પરની તમારે જરૂર રહેતી નથી. સાધુ મજામાં, પરમ શાતામાં એનું કારણ શું? એને કોઈની અપેક્ષા નથી. જ્યાં અપેક્ષા આવી; તમે મર્યા. પણ નિરપેક્ષદશા છે. આનંદ જ આનંદ. ક્યાં સુધી? પોતાના શરીરમાં કોઈ ઘટના ઘટે, તો પણ નિરપેક્ષ દશા.
મારું સદ્ભાગ્ય રહ્યું, કે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના ચરણોમાં મારી આખી જ કિશોરાવસ્થા પસાર થઇ ભદ્રસૂરિદાદાના ચરણોમાં. સાહેબને એક આંખે મીઠો ઝામરો ઉતરી ગયો. ખ્યાલ નહિ આવ્યો, ઝામરો ઉતરી ગયો. ક્યારેક ડોક્ટર તપાસ કરી, એક આંખ બંધ કરીને જોવડાવ્યું, ત્યારે ખ્યાલ આવ્યો કે એક આંખ તો બિલકુલ ગયેલી છે, બીજી આંખમાં મોતિયો હતો. સાહેબ પાટણમાં હતાં. પણ ભક્તોને થયું કે હવે એક જ આંખ છે. આપણે સાવધાનીથી કામ લેવું જોઈએ. અને મુંબઈથી આઈ-સ્પેશીયાલીસ્ટને બોલાવ્યાં. ઓપરેશન થયું. અત્યારે થાય છે એ ઓપરેશન ત્યારે નહતું થતું. અત્યારે તો નાસ્તો કરીને ગયાં, અને તમારે જમવાનું ઘરે હોય! મોતિયો ઉતરાવીને આવ્યાં. એ જમાનામાં તો અઠવાડિયું-અઠવાડિયું સુધી પાટા બાંધીને સુઈ રહેવું પડતું. હલન-ચલન પણ ન થાય. ઓપરેશન કરીને બોમ્બેના ડોક્ટર જતાં રહ્યાં. સ્થાનિક ડોક્ટરે પાટો ખોલ્યો ત્યારે ખબર પડી કે બિલકુલ ઓપરેશન નિષ્ફળ ગયું છે. બીજી આંખ પણ ગઈ! આંગળા પણ ન દેખાય એવી હાલત થઇ. પણ સ્થિતપ્રજ્ઞતા કોને કહે છે! જે ઘટના ઘટી એનો સ્વીકાર!
તો દાદા ગુરુદેવે એ વખતે કહેલું; કે આ તો પ્રભુનો સંકેત છે, અત્યાર સુધી હું સ્વાધ્યાય કરતો હતો. હવે પ્રભુને લાગ્યું કે મારે ધ્યાનમાં જવાનું છે, જાપમાં જવાનું છે. હસતાં હસતાં..! ઘટનાની કોઈ જ અસર એમના ઉપર નહતી.! અને એ પછી પણ એટલી જ પ્રસન્નતા સાહેબની જોયેલી છે. એ વહેલી સવારે ઉઠેલા હોય, રાત્રે પ્રતિક્રમણ થઇ જાય, સંથારાપોરસી થઇ જાય. સાહેબ હવે તો સુઈ જાવ. મારે હજુ આટલી માળા બાકી છે. પછી થોડું ધ્યાન કરીશ. પછી સુઈ જઈશ. આંખો નહતી પણ ટાઈમ કેમ પસાર કરવો એ સમસ્યા નહતી એમની, એમને ટાઈમ ઓછો પડતો હતો. આવી સાધનાને કારણે ઘણી બધી શક્તિઓ મળતી હોય છે. વચનસિદ્ધિ… ઘટનાનો પૂર્વાભાસ એમને મળી જાય..
એકવાર એવું થયું; અમે લોકો અમદાવાદથી રાધનપુર જતાં હતાં. શંખેશ્વર થઈને રાધનપુર જવાનું હતું. તો ભોયણી થઈને નીકળેલા. વણોદ આવ્યાં. વણોદ આવ્યા ને વિચાર થયો, કે કાલે પંચાસર જઈએ. પરમદિવસે શંખેશ્વર. એને બદલે આજે સાંજે થોડું ખેંચી કાઢીએ તો કાલે સવારે શંખેશ્વર પહોંચી જઈએ. તો શંખેશ્વરમાં બે દિવસ રોકાવાનું થાય. સાહેબ તો સ્થિતપ્રજ્ઞ હતાં. એમની માળામાં અને એમના ધ્યાનમાં મશગુલ. એમણે સ્પષ્ટ કહેલું; કે મારું શરીર મેં તમને ભળાવ્યું છે. સ્પષ્ટ શબ્દોમાં. એટલે જે ખવડાવવું હોય એ ખવડાવી દેજો. દવા આપવી હોય દવા આપી દેજો. હું ક્યાંય ના પાડવાનો નથી. પણ મારી આરાધનામાં તમે ક્યાંય disturbance ઉભું નહિ કરતાં.
તો અમે લોકોએ નક્કી કર્યું. કાફલો મોટો હતો. તો સાંજે જ્યાં જવું હતું ત્યાં સમાચાર મોકલાવ્યા. એ વખતે તો લેન્ડ લાઈન ફોન પણ નહતા ગામડામાં. એક માણસ ગયો, પંચાયત, ઘર, સ્કુલ, આ બધું ત્યાં સાફ કરાવ્યું. માણસ પાછો આવી ગયો. ઉનાળાનો દિવસ હતો. સાડા પાંચ આસપાસ નીકળીએ, તો સાડા સાત આસપાસ પહોંચી જઈએ, સુર્યાસ્ત વખતે. એટલે પાંચ વાગે હું વહોરવા ગયો. અને સાહેબને કહ્યું; સાહેબ! ગોચરી વાપરો. ઘડિયાળનો ખ્યાલ એમને રહેતો. કેટલા વાગ્યા? તો કહે પાંચ. કેમ? પાંચ વાગે ગોચરી? રોજ તો છ વાગે આવે છે. તો કહે સાહેબ આજે સાંજે વિહાર છે. સાત-આઠ કિલોમીટર જવું છે. કાલે શંખેશ્વર પહોંચી જઈએ. એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા – નહિ, આજે સાંજે વિહાર નથી કરવાનો! ક્યારે પણ અમારી કોઈ વાતમાં માથું મારે જ નહિ! આજે સ્પષ્ટ કહ્યું; “આજે સાંજે વિહાર નહિ.” અમારા માટે તો સાહેબ બોલ્યા એટલે મંત્ર; પછી બીજો કોઈ સવાલ હતો નહિ. પણ એક મહાત્મા અમારી જોડે અમદાવાદથી આવેલા. અને એમને શંખેશ્વરમાં એક મહાત્માને ભેગા થવાનું હતું. તો એ મહાત્માની બહુ ઈચ્છા કે સાંજે વિહાર કરીએ, સવારે શંખેશ્વર પહોંચી જઈએ. જ્યારે ખબર પડી કે ગુરુદેવે તો ના પાડી છે કે સાંજનો વિહાર નહિ.
તો એ મહાત્માને થયું કે હું સાહેબને સમજાવું જરા. એ મહાત્મા ગયા. સાહેબ! આજે સાંજે બહુ સારું છે, આપણે નીકળી જઈએ ઠંડકમાં, કાલે સવારે શંખેશ્વર પહોંચી જઈએ. સાહેબે સીધો જવાબ આપ્યો. કાલે સવારે શંખેશ્વર પહોંચવું છે તમારે, તો પહોંચજો. કાલે વધારે વિહાર કરી લેજો. પણ સાંજે વિહાર નહિ થાય. તમારે કાલે પહોંચવું હોય તો વાંધો નથી. વધારે વિહાર કરજો. આજે સાંજે નહિ. અને મને બરોબર ખ્યાલ છે, પછી તો એ ગોચરી સાહેબને વપરાવવાની હતી નહિ. છ વાગે ફરીથી ગોચરી લઈને આવ્યો. પ્રવાહી જેવું વાપરતાં. હું વહોરીને આવ્યો ઉપાશ્રયમાં. અત્યારે પણ મને યાદ આવે છે. એ વણોદનો જુનો ઉપાશ્રય. નળિયાવાળો ઉપાશ્રય. નીચે કંતાનની આખી સીલીંગ. એવી આંધી ઉપડી કે નળિયા સોંસરવી અને પેલી સીલીંગ સોંસરવી ધૂળ નીચે પાડવા માંડી. ધૂળના ગોટે-ગોટા. સાહેબને કેમ વપરાવવું, એ સમસ્યા થઇ ગઈ. પછી જાડી સાલ બે જણા સામ-સામે લઈને ઉભા રહ્યા, સાહેબના ઉપર અને સાહેબને વપરાવ્યું. એ વખતે વિચાર થયો, કે સાહેબને લઈને નીકળ્યા હોત તો શું થાત.! અને ઉપાશ્રયની બહાર જોઈએ, શેરીમાં આમ, ધૂળ, ધૂળના ગોટા, અને હવા જોરદાર. મેં કીધું થાત શું આજે? અને પણ વઢિયારનો પ્રદેશ. એ વખતે ચોમાસું, ખેતી જ હતી. નહેર-બહેર કશું નહતું. એટલે ઉનાળામાં તો બિલકુલ ઉજ્જડ પ્રદેશ.
પછી ગાંઠ મારી કે રાધનપુર જ જવાનું છે. આગળ તો જવું નથી. સાંજનો વિહાર ક્યારેય કરવો નહિ. શંખેશ્વર ગયા. પછી ચંદૂર આવે. ચંદૂર ગયા. પછી બાસ્પા આવે. બાસ્પામાં બપોરે ગુરુદેવે પૂછ્યું; કે આપણે રાધનપુર ક્યારે પહોંચવાનું છે? તો મેં કહ્યું સાહેબ પરમદિવસે. કાલે સવારે આપણે ગોચરાજ જઈશું. પરમદિવસે રાધનપુર. એટલે એ કહે, ના – ના આપણે કાલે સવારે રાધનપુર પહોંચવાનું છે, અને આજે સાંજે ગોચરાજ જવાનું છે. ચોમાસું ત્યાં હતું. પણ ચોમાસાનો પ્રવેશ તો બહુ મોડા હતો. સામાન્ય પ્રવેશ હતો પણ સાહેબે કહ્યું કે કાલે આપણે સ્કુલમાં રોકાઈશું, હાઈ-સ્કુલમાં અને પરમદિવસે આપણે પ્રવેશ કરવાનો. હવે? સાહેબ બોલ્યા એટલે વિશ્વાસ પાછો. પણ રોજ જોયેલું માર્ક કરીને, દિવસે કાંઈ જ ન હોય અને સાંજે છ વાગે એટલે જોરદાર આંધી….! શંખેશ્વરમાં પણ એવી હતી, ચંદૂરમાં એવી હતી. સાહેબ કહે જવાનું જ છે! મેં કીધું સાહેબ સવારે રાધનપુર પહોંચી જઈએ, આપ કહેતાં હોય તો…! નહિ સાંજે જવાનું છે! અને એ સાંજે અમે નીકળ્યા, ન આંધી, ન ધૂળ, ઠંડો પવન વાય અને અમે પહોંચી ગયા.!
કાલિદાસે લખ્યું છે; “ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति” આપણે લોકો આપણને જેવો અર્થ અભિપ્રેત હોય, એવા શબ્દો વાપરીએ. ઋષિઓ ખાલી શબ્દો વાપરી લેતાં, અર્થ પછી એની પાછળ પાછળ ઉગતો આવે. પ્રકૃતિના પરિબળો જે છે, એ અર્થને સાકાર બનાવી નાંખે. “ऋषीणां पुनराद्यानां वाचमर्थोऽनुधावति”
હિંદુ સંતોમાં ઘણા બધા થઇ ગયા. આપણે ત્યાં એક લોકકથા આવે છે. નારદજી ફરતા રામ. એક જગ્યાએ ગયેલા. ગામમાં પટેલ હતા ભગત. એના ત્યાં જમ્યા. પટેલને પૂછ્યું; કેમ મજામાં છો? સાહેબ બધું મજામાં છે. ખેતીવાડી જોરદાર. પૈસા જોરદાર. ગામમાં પતિષ્ઠા જોરદાર. બધું જોરદાર. પણ સંતાન નથી. પણ નારદઋષિનું કામ કેવું, ગૌતમસ્વામી જેવું. પોતે કંઈ જવાબ આપે નહિ. વિષ્ણુ ભગવાનને પૂછી આવે. નારદજી ગયા વિષ્ણુ ભગવાન પાસે. ભગવાન, આ ગામના પટેલ ભગત છે. એમને દીકરો જોઈએ. ભગવાને કહ્યું; એના નસીબમાં નથી. “એના નસીબમાં નથી!” નારદજી ફરી આવ્યાં. કે ભાઈ જો ભગવાનને પૂછ્યું; પણ ભગવાન કહે છે કે તારા નસીબમાં નથી. સારું મહારાજ, મારા નસીબમાં ન હોય તો તમે શું કરો.
પાંચ વર્ષ પછી ફરી નારદજી ફરતાં ફરતાં ત્યાં આવ્યાં. એ જ પટેલના ત્યાં. ઘોડિયામાં બાળક સુતેલું. અને પટલાણી એને હીંચોળે. નારદજી વિચારમાં પડી ગયા. કોઈનું દત્તક લઇ આવ્યાં કે શું? આના નસીબમાં તો છે જ નહિ. તો કહે; પટેલ કોનો દીકરો? મારો દીકરો કહે છે. તમે ના પાડી ને મન તો વાળી નાંખેલું. પ્રભુની દયા થઇ ગઈ; અને થઇ ગયું! નારદજી તો અકળાયા. સાલો હું ખોટો પડ્યો! ગયા ભગવાન પાસે. ભગવાન તમે કહ્યું હતું ને, એના નસીબમાં નથી ને આ તો છોકરો થઇ ગયો. ભગવાન કહે કે ભાઈ! એના નસીબમાં નહતું જ. પણ એના ત્યાં એવા એક સંત આવ્યાં, વચનસિદ્ધ મહાપુરુષ. અને એની પાસે એણે વચન નાખ્યું; બાપજી એક સંતાન જોઈએ. “જા, હો જાયેગા.” અને એ સંતના વચનની ખાતર એનું નસીબ હતું એ આમથી તેમ ફરી ગયું. તો “આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો” પછી પરના સંગની કોઈ જરૂરિયાત જ નથી રહેતી આમ.
બદ્રીમાં એક સંત રહે છે. એમને તાટવાલા બાબા કહે છે. બદ્રીમાં તો કેટલી ઠંડી હોય! એ ઠંડીમાં પણ એ માત્ર કંતાનનું લંગોટી જેવું પહેરે. આખું શરીર ખુલ્લું. બદ્રીની ઠંડીમાં.! આપણા જંબુવિજય મ.સા. ત્યાં ગયેલા ને, બદ્રી. ત્યારે એક દિવસ સવારે પુંડરીકરત્ન વિજય બહાર નીકળ્યા. ત્યાં જ આ તાટવાલા બાબા morning walk માટે નીકળેલા. મળી ગયા. ખ્યાલ આવી ગયો કે આ જ તાટવાલા બાબા છે. પુંડરીકરત્ન વિજય મને કહે; ચોમાસામાં જોડે હતા ને આ વખતે, એ કહે મેં બ્લેન્કેટ પર બ્લેન્કેટ ઓઢેલા, તો ય હું ધ્રુજતો હતો. અને એ માણસે શરીર ઉપર કોઈ વસ્ત્ર નહિ, અને મજાથી ફરવા નીકળ્યા! મેં પૂછ્યું; બાબા ઠંડ નહિ લગતી આપકો? તો બાબાએ શું કહ્યું; કી દેખો ભાઈ, ચોર કહાં જાતા હૈ? પૈસેવાલે કે ઘર પે જાતા હૈ. ભિખારી કી ઝુંપડી પે નહિ જાયેગા. એમ ઠંડ કહાં જાયેગી? તુમ્હારે પાસ.! બ્લેન્કેટ વાલો કે પાસ.! તો હમારે પાસ આકર ક્યાં કરેગી? આ મસ્તી.!
બદ્રી-કેદારનાથમાં તમને ખ્યાલ છે, છ મહિના મંદિરો બંધ થઇ જાય. એટલી ઠંડી હોય કે પુજારી પણ રહી ન શકે. મનુષ્ય માત્ર ન રહે, બધા નીચે ઋષિકેશ-હરિદ્વાર આવી જાય. પણ એ તાટવાલા બાબા બારેમાસ બદ્રીમાં જ રહે. એક ભક્તે એમને પૂછેલું કે; બાબા! છ મહીને તક તો યહાં કોઈ મનુષ્ય હોતા હી નહિ હૈ. આપ અકેલે હોતે હો, કોઈ મનુષ્ય નહિ હોતા હૈ. તો ફિર આપકી ભિક્ષા કા પ્રબંધ કૈસે હોતા હૈ? તો બાબા હસ્યા. એમણે કહ્યું; ક્યાં સંતો કો ભિક્ષા દેનેવાલે તુમ હોતે હો? કભી એસા સોચના નહિ, કી હમ સંતો કો ભિક્ષા દેતે હૈ, ભોજન દેતે હૈ. દેનેવાલા તો ઉપરવાલા હી હૈ. આ જે ખુમારી છે ને, એ ખુમારી જોઈએ છે. “આત્મવિભુતે પરિણમ્યો, ન કરે તે પરસંગ હો” મારે કોઈની જરૂરિયાત નથી બસ. કારણ હું સ્વયં સંપૂર્ણ છું.!
એટલે જ આપણે બોલીએ છીએ; “एवं अदीणमणसो अप्पाणमणुसासइ” ‘एगोSहं नत्थि मे कोइ’ પણ એ કોઈ દીન વચન નથી, ખુમારીવાળું! હું એકલો છું! એકલા હોવાનો જે આનંદ છે ને, જબરદસ્ત આનંદ છે. કારણ કે એ વખતે તમે તમને મળો છો. અંગ્રેજીમાં એક કહેવત છે : ‘Two is the company. Three is the crowd.’ પણ આપણા ભારતમાં કહેવત શું છે : ‘One is the company. And two is the crowd.’ આ તો કોરોનાએ બધાને isolate કરી નાંખ્યા. એકલા રહો! તો આ થયો દર્શનાચાર.
હવે દર્શનાચારમાં તમે એક સ્તવન લો. અથવા એક કડી લો, તો’ય વાંધો નહિ. પણ એક વર્ષમાં એ આત્મસાત્ત થઇ જવી જોઈએ.
પછી ચારિત્રાચાર. સ્થૂળ અને સુક્ષ્મ. સ્થૂળની અંદર પાંચ સમિતિ અને શુભ રૂપ ત્રણ ગુપ્તિ. અને સુક્ષ્મમાં શુદ્ધરૂપ ત્રણ ગુપ્તિ.
સમિતિ શબ્દનો અર્થ તમારા ખ્યાલમાં છે. “સમ્યગ ઈતિ: પ્રવૃત્તિ: ઇતિ સમિતિ. Good action જેને આપણે કહીએ ને, મજાનું કાર્ય. તમારે કેમ ચાલવું? કેમ ખાવું? એ તમને શીખવાડે એ સમિતિ. એમાં પણ નિક્ષેપણા સમિતિ બહુ જ મજાની છે. નિક્ષેપણા સમિતિ તમારા ઉપયોગને એકદમ જાગૃત બનાવે. આપણે તો એ ટેવવાળા નથી. એક ઘડિયાળ લેવી છે. ઉપરનો ભાગ પ્રમાર્જો, હથેળી પ્રમાર્જો. પછી લો. મુકવી છે. નીચેની જગ્યા ઓઘાથી પૂંજો. એનો નીચેલો ભાગ પૂજો. પછી એને મુકો. આ નિક્ષેપણા સમિતિ શું કરે છે, વિરાધનાથી બચાવે એ તો બરોબર. પ્રભુની આજ્ઞા પળાવે એ પણ બરોબર. અને ત્રીજી વાત એ છે કે એ તમારી જાગૃતિને એકદમ સુક્ષ્મ બનાવે છે. ક્યાંય કંઈક કરવું છે, તરત જ જાગૃતિ.
એક સાધકની વાત આવે છે. કે એ રૂમમાં બેઠેલા. અને એક સાધક આવ્યો બહારથી બીજો. તો રૂમમાં બેઠેલા સાધક હતા ને, મુહપત્તિ લઈને ખભાને પુંજતા હતાં. તો પેલો નવો આવેલો વિચારમાં પડી ગયો મુમુક્ષુ. કે મુહપત્તિ પડીલેહીએ ત્યારે તો ખભાને પુંજીએ. અત્યારે તો કોઈ વિધિ નથી તો આ સાધક આમ-આમ કેમ કરે છે? અને સાધક બહુ ઊંચા હતા, એટલે મુમુક્ષુને પણ થયું, પૂછવા દે કંઈ જાણવાનું મળશે. એ કહે; સાહેબ એક પ્રશ્ન પૂછું? પૂછો. તો અત્યારે કેમ મુહપત્તિ આમ-આમ કરતાં હતાં? તો કહે બેટા, તું તો હમણાં આવ્યો. પાંચ મિનિટ પહેલાં એવું બન્યું, એક માખી ખભા ઉપર આવી ગઈ. બેસી ગઈ. હવે એ માખીને ઉડાડવા માટે મારો હાથ સહસા આમ ગયો. માખી તો ઉડી ગઈ. મને પશ્ચાતાપ થયો. કે મેં આ ખભો પ્રતિલેખિત નહતો. મારી આંગળી પ્રતિલેખિત નહતી અને touch કરી લીધો. એટલે હવે મારા હાથને હું શિક્ષા આપું છું. એટલે નિક્ષેપણા સમિતિ જે છે, બહુ જ અદ્ભુત છે.
પારિષ્ઠાપનિકામાં દેવચંદ્રજી મહારાજે દ્રવ્ય અને ભાવ બે પ્રકારો પાડ્યા. દ્રવ્યથી પારિષ્ઠાપનિકા આપણા ખ્યાલમાં છે. ભાવ પારિષ્ઠાપનિકા શું? તમારા રાગ અને દ્વેષને પરઠવી દેવા – વોસિરાવી દેવા, એ ભાવ પારિષ્ઠાપનિકા. ગુસ્સો કેમ આવે બોલો? ગુસ્સો કેમ આવે અને ક્યારે આવે? યાદ રાખો; બેહોશીમાં જ ગુસ્સો આવે. હોંશમાં ગુસ્સો આવે જ નહિ. કારણ ગુસ્સામાં એને કહેશો, એથી શું થવાનું! સાંભળી લેશે. તમને છે ને કદાચ તકલીફ થઇ જાય.
એક જગ્યાએ એક ભાઈ પેયિન્ગ ગેસ્ટ તરીકે જતાં શહેરમાં. એ એક ફ્લેટમાં ઉતરતા. એમ પેલાને ભાડું મળે અને આમને બીજી જગ્યાએ જવું ન પડે. એક રૂમ એમના માટે રાખેલો. તો પેયિન્ગ ગેસ્ટ તરીકે જ્યારે પણ આવે ને, ત્યારે બાજુના ફ્લેટમાં પતિ-પત્ની જે છે, એમનો વરઘોડો ચાલુ જ હોય. ગ્લાસ આમ કેમ મુક્યો, આમ કેમ નહિ મુક્યો, એના ઉપર અડધો કલાક લેક્ચર ચાલે.! એટલે સવારથી સાંજ સુધી વરઘોડો ચાલતો હોય. આ માણસ ટેવાઇ ગયેલો. એમાં એકવાર એ બહારથી આવ્યો, પડોશમાં એકદમ શાંતિ. એને પોતાના ઘર માલિકને પૂછ્યું; કે આ લોકો ઘર બદલીને ગયા કે શું બીજે. તો કહે કે ના, ના, બદલીને નથી ગયા. ત્યાં જ છે. એટલે એ કહે આઈટમ બોમ્બ ફૂટ્યો નહિ અત્યાર સુધી, એ કહે..! તો કહે ભાઈ, “ભાઈને સિવિયર હાર્ટ એટેક આવેલો. એ તો શહેરમાં હતા. ફટાફટ ૧૦૮ બોલાવી. હોસ્પિટલમાં એડમીટ કર્યા. સ્ટેન્ડ મુકાયો. સાજા થઈને આવી પણ ગયા. હવે બેનને હાઈપર ટેન્શન થઇ ગયેલું. ૨૦૦ ઉપર BP થઇ ગયેલું. આ તો માંડ માંડ એમને સાજા કરીને લાવ્યા. પણ ડોક્ટરે બે ને ચેતવણી આપી છે; કે જો ગુસ્સો કર્યો તો મર્યા. પછી અમારા હાથમાં નહિ રહે. હમણાં ડોક્ટરની આજ્ઞામાં છે બે જણા.!”
એટલે ક્રોધ ક્યારે થાય? બેહોશીમાં જ થાય. તમે હોંશમાં હોવ. કો’કે તમને કહ્યું. પહેલી વાત તો એ, કે એને નથી કહ્યું, તમારા કર્મે કહ્યું છે. ચાલો એ વાત ખ્યાલ ના આવ્યો. એણે કહ્યું છે, તો ફરક શું પડ્યો? કોઈ તમારી ખોટી પ્રશંસા કરે, કે ખોટી નિંદા કરે એથી ફરક શું પડ્યો! કોઈ માણસ હોય, ગામડામાં રહેતો હોય. દાઢી-બાઢી ટ્રીમ કરેલી હોય. નરેન્દ્ર મોદીની જેમ. દેખાવ પણ એવો હોય. પછી મિત્રોની મેક્રેમ આવે ને, ઓહોહો આપણા PM આવી ગયા. કહે છે. પેલો માણસ જરાય ખુશ થાય એનાથી? ઓહો ભારતના વડાપ્રધાન…! એમ કોઈના કહેવાથી તું વડાપ્રધાન થવાનો છે? એમ કોઈના કહેવાથી તું કંઈ થઇ જવાનો છે! (અહીં અવાજ સ્પષ્ટ નથી, જેથી સ્પષ્ટ સંભળાયું નથી)
ગુર્જિએફ આજના યુગના યોગાચાર્ય. એકવાર એમના એક શિષ્યએ ગુર્જિએફને કહ્યું; કે મિસ્ટર એક્સ તમારી બહુ જ નિંદા કરતાં હતા. એવી નિંદા કે આપણે સાંભળી ન શકીએ. ગુર્જિએફ પ્રેમથી સાંભળે છે. તો કહે, અચ્છા, અચ્છા એવું હશે. મિસ્ટર એક્સને મેં તો સાંભળ્યા નથી. પણ, મારી ટીકા, મારી નિંદા, એકદમ લિજ્જતથી સાંભળવી હોય ને તો મિસ્ટર વાય પાસે જાવ. પછી ગુર્જિએફ કહે છે, એકવાર હું કોફી હાઉસમાં બેઠેલો. ચિંતન કરતો હતો. કોફી sip કરતો હતો, ચિંતન કરતો હતો. અંધારા ખૂણામાં બેઠેલો. ત્યાં આગળના ભાગમાં મિસ્ટર વાય અને એમના મિત્રો આવ્યા. એમને કોફી મંગાવી. કેક મંગાવી. અને પછી મિસ્ટર વાય બે કલાક સુધી જે મારી ટીકા કરી છે, અદ્ભુત…! શું એની અભિવ્યક્તિ.! તમને એમ કે અભિવ્યક્તિ દેખાય! એટલા સરસ શબ્દો..! તો કોઈ તમને કહે કે તમે વડપ્રધાન બન્યા તો રાજી થતાં નથી. તો કોઈ કહે તમે આવા છો તો નારાજ કેમ થવાનું? એના શબ્દોથી આપણે રાજી ન થઈએ, તો નારાજ કેમ થઈએ? એના શબ્દોમાં તાકાત નથી કે તમને વડાપ્રધાન બનાવી દે. એના શબ્દોમાં એ તાકાત નથી કે તમને એ ખરાબ બનાવી દે. તમે ખરાબ તમારા કૃત્યોથી જ બનો છો, કોઈના કહેવાથી નહિ.
એક ફિલોસોફરે બહુ સરસ લખ્યું છે, કે આજનો માણસ સારો કહેવડાવવા માટે જેટલી મહેનત કરે છે. એનાથી દસમાં ભાગની મહેનત સારા થવા માટે કરે તો ખરેખર સારું થઇ જાય. લોકો મને સારો કહે એના માટેની મહેનત ચાલે છે. એટલે અહંકારનો આખો નાદ ચાલે છે.
મીરાંએ બહુ સરસ વાત કહેલી. મીરાં કહે છે : “કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી” “હું તો ‘સ્વ-સ્થ’ છું.” હું મારી સાધનાયાત્રામાં બરોબર ચાલુ છું. “કોઈ નિંદે, કોઈ બંદે” મને શો ફરક પડે! અને આ જ વાત ચિદાનંદજી મહારાજે કરી. “નિંદા સ્તુતિ શ્રવણે સુણીને, હર્ષ શોક નવિ આણે; તે જગમે જોગીશ્વર પુરા, નિત્ય ચઢતે ગુણઠાણે”
તો સમિતિની અંદર આ રીતે ઊંડાણમાં જવું છે. એક-એક સમિતિના ઊંડાણમાં તમે જાવ. અને એના માટે અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાય એકદમ appropriate ગ્રંથ છેએ ગ્રંથને વાંચો. તમને લાગે કે આ સમિતિ આટલી અદ્ભુત છે અમારી.! તો ગુપ્તિની તો વાત જ શું થાય.! તો સ્થૂળ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને શુભરૂપ ત્રણ ગુપ્તિનું પાલન. અને સુક્ષ્મ ચારિત્રાચારમાં શુદ્ધરૂપ ત્રણ ગુપ્તિનું પાલન.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *