Mumukshu Vachna | 03-04-20 | Navsari Tapovan

25 Min Read

ઉન્મનીભાવ

નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. વિકલ્પો ખરી ગયા હોય અને તમે પ્રભુને જોતા હોવ. આવી નિર્વિકલ્પદશા માટે યૌગિક પરંપરામાં એક શબ્દ આવે છે _ઉન્મનીભાવ_. મનને પેલે પાર જવું એ ઉન્મનીભાવ. ઉન્મનીભાવ પામવા માટે બે માર્ગો – ભક્તનો અને સાધકનો.

मय्येव मन आधत्स्व। मयि बुद्धिं निवेशय। निवसिष्यसि मय्येव. ભક્ત પોતાના મનને પ્રભુની અંદર સ્થાપી દે અને અહંકારથી ખરડાયેલી બુદ્ધિને પણ પ્રભુ વિશે સમર્પિત કરી દે. પછી એને બહાર જવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. પ્રભુના ગુણોમાં, પ્રભુના સ્વરૂપમાં એ સતત રાચતો હોય છે.

ઉન્મનીભાવને પામવા માટેનો સાધકનો માર્ગ. औदासिन्यनिमग्न: प्रयत्नपरिवर्जित: सततमात्मा। भावितपरमानन्द: क्वचिदपि न मनो नियोजयति॥ તમે જ્યારે પરમ આનંદનો અનુભવ કરતા હોવ ભીતર; ત્યાં પછી મનનો અવકાશ જ ક્યાં રહ્યો!




નવસારી તપોવન વાચના – 6 [3.4.2020]
“પ્રભુ નિર્મલ દર્શન કીજીયે”
નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. વિકલ્પો ખરી ગયા હોય અને તમે પ્રભુને જોતા હોવ. નિર્વિકલ્પદશા માટે યૌગિક પરંપરામાં એક શબ્દ આવે છે ‘ઉન્મનીભાવ’. મનને પેલે પાર જવું એ ઉન્મનીભાવ. એ ઉન્મનીભાવને પામવા માટે બે માર્ગ છે: એક ભક્તનો માર્ગ છે, એક સાધકનો માર્ગ છે. ભક્તનો માર્ગ સહેલો પડે ને? સાધકના માર્ગનું composition શું છે? 99% grace અને 1% effort. પણ ભક્તિની સાધનાનું composition શું 100% grace and we are effortless persons. We have not to do anything absolutely. ૧૦૦ એ ૧૦૦ ટકા પ્રભુ કરે! કારણ? ભક્તિમાર્ગમાં તમે સમર્પિત થઈ ગયા. સમર્પિત થઈ ગયા તમે, પછી બધું જ કામ પ્રભુએ અને ગુરુએ કરવાનું છે. સાધક તરીકે તમે છો તો એક જ કામ તમારા માટે રહે છે, સમર્પિત થઈ જાઓ – અહોભાવથી યુક્ત બની જાઓ. એટલે સાધક જ્યારે સમર્પિત થયો ત્યારે ભક્ત બની જાય છે. એટલે સાધક છે ત્યાં સુધી એના માટે ૯૯ ટકા કૃપા છે, ૧ પ્રતિશત પ્રયત્ન છે. એ ભક્ત બની ગયો તો ૧૦૦ એ ૧૦૦ ટકા કૃપા જ છે, પ્રયત્ન પછી એની પાસે કંઇ છે જ નહિ.
તો ભક્તનો એક માર્ગ છે. જે માર્ગની ચર્ચા ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણએ કરી. શ્રીકૃષ્ણ અને અર્જુન બહુ જ મજાના પાત્રો છે. શ્રીકૃષ્ણ એટલે ગુરુ ચેતના. અર્જુન એટલે શિષ્ય ચેતના. કૃશ ધાતુ ખેંચવાના અર્થમાં છે. જે તમારા મનને સંપૂર્ણતયા ખેંચી લે એ કૃષ્ણ. અને જે ઋજુ-ઋજુ છે તે અર્જુન. તો શ્રીકૃષ્ણ અર્જુનને ઉન્મનીભાવનો, ભક્તિધારાનો માર્ગ બતાવે છે.
“मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।”
“मय्येव मन आधत्स्व’ – તું મનને મારી અંદર જ સ્થાપી દે.
‘मयि बुद्धिं निवेशय’ – તારી બુદ્ધિ જે અહંકારથી ખરડાયેલી છે, એને પણ મારા વિશે તું સ્થાપિત કરી દે. અર્જુન પણ ઓછી માયા નથી. અર્જુન કહે છે; ચાલો તમને સોંપી દઈએ. તમે મને શું આપશો? ત્યારે શ્રીકૃષ્ણ ચેતનાનો આ કોલ છે; निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः – જો તું આટલું કરી લે અર્જુન તો તું પછી મારી અંદર જ રહેનારો હોઈશ. મન મને આપી દીધું તે, તારો અહંકાર તે મને આપી દીધો. હવે તારે બહાર જવાનું કોઈ પ્રયોજન રહેતું જ નથી. તું માત્ર અને માત્ર મારી ભીતર એટલે કે મારા ગુણોમાં, મારા સ્વરૂપમાં સતત રાચતો હોઈશ. તો ભક્તનો આ માર્ગ થયો કે પ્રભુને બુદ્ધિ અને અહંકાર સોંપી દે. સાધકનો બીજો માર્ગ છે.
સાધકનો માર્ગ એ છે જેની ચર્ચા યોગશાસ્ત્રના ૧૨માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞએ કરી છે. આપણે લોકો છે ને યોગશાસ્ત્ર વાંચી ગયા. પહેલો પ્રકાશ, બીજો પ્રકાશ, ચોથો આવતા તો ઢળી પડીએ. વ્યાખ્યાનમાં તો ‘“नमो दुर्वाररागादि”’ એમાં જ ચોમાસું પૂરું કરી નાંખીએ. Actually છે ને ગ્રંથને વફાદાર રહીને ગ્રંથ પૂરો કરવો જોઈએ.
મને મુંબઈમાં એક બહેન મળેલા. મારી વાચના રોજ સાંભળતા. એમણે મને એક વાત કરી કે સાહેબ આપણા મહાત્માઓ છે ને કોઇ પણ ગ્રંથ પૂરો નથી કરતા. ચોમાસું શરૂ થાય એટલે આનંદ થાય કે ભાઈ આ ગ્રંથ વાંચવાના છે. અમે એમના પ્રવચનોમાં જઈએ. પણ ખાલી ભૂમિકાની અંદર, સાવ સામાન્ય વાતોમાં આખું ચોમાસું પૂરું કરી નાંખે. પછી એ બહેને કહ્યું, હું રાકેશભાઈને બરોબર સાંભળું છું. કારણ કે રાકેશભાઈ દર વર્ષે એક ગ્રંથ પૂરો કરે છે. પહેલી જાન્યુઆરી એ એક ગ્રંથ લેવાનો અને એકત્રીસ ડિસેમ્બરે એ ગ્રંથ પૂરો થયેલો જ હોય. દેવચંદ્રજી ચોવીસી ઉપર પણ એ બોલી ચુક્યા. શાંત સુધારસ ઉપર પણ બોલી ચુક્યા. બધા ય આપણા ગ્રંથો ઉપર ક્રમસર એ બોલે છે. પણ એક વરસમાં એક ગ્રંથ પૂરો કરી દેવાનો. ભલે દર અઠવાડિયે જ પ્રવચન હોય એમનું. પણ એ સાપ્તાહિક પ્રવચનોની અંદર પણ ગાથા to ગાથા, શ્લોક to શ્લોક લઈને આંખો ગ્રંથ એ પૂરો કરી દે છે. આપણે પણ આ શીખવું જોઈએ.
હવે યોગશાસ્ત્ર તમે પ્રવચનમાં શરૂ કરો. ક્યાં સુધી પહોંચાવના તમે? કાં તો એમ કરો એક જ પ્રકાશ લઇ લો અને એમાં ઊંડાણથી જાઓ. યોગશાસ્ત્ર ઘણા બધાએ વાંચેલું હશે. તમે નક્કી કરો યોગશાસ્ત્રનો આટલો પ્રકાશ વાંચવો છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થની વાતો છે. બારમો પ્રકાશ જે છે એ કદાચ પ્રવચનમાં તમે ન પણ લઇ શકો આખે આખો. થોડો લઇ શકાય એવો છે. આખો પ્રવચનમાં લઇ શકાય એવો નથી. કારણ કે એકદમ અધિકારી વર્ગ માટેનો જ એ છે. અને એમાં હેમચંદ્રાચાર્યએ અદ્ભૂત વાતો કહેલી છે. પહેલા એમણે કહ્યું કે ૧૧ પ્રકાશ સુધી મેં જે કહ્યું છે એ ગુરુ પરંપરાથી મળેલું અને સાંભળેલું એ બે લખ્યું છે. અને ૧૨માં પ્રકાશમાં જે મેં લખ્યું છે એ માત્ર અને માત્ર મેં અનુભવેલું લખ્યું છે.
તો સાધનાની ધારામાં એક ઉન્મનીભાવનો માર્ગ બતાવ્યો છે. સરસ શ્લોક છે ત્યાનો:
“औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा l
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥”
તમે મનને બહાર કેમ મુકો છો? મેં ગઈ કાલે કહ્યું હતું એમ. તમે સ્વયં સંપૂર્ણતાનો અનુભવ નથી કરતા માટે તમે બહાર જાઓ છો. “भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति” તમે જ્યારે પરમ આનંદનો અનુભવ કરતા હોવ ભીતર; મનનો અવકાશ જ ક્યાં રહ્યો પછી?
રામકૃષ્ણ પરમહંસ કહેતા; બ્રાહ્મણોની ચોરાસી હોય. બધા જમવા માટે બેસી ગયા હોય. અવાજ અવાજ અવાજ ચાલતો હોય. લાડુ-દાળ-ભજીયા-પુરી. લાડુ-દાળ. પણ પીરસાઈ ગયું અને જ્યાં હર હર મહાદેવ થયું, પછી ચુપ્પી. કારણ? પછી ભોજનનો અનુભવ શરૂ થઈ ગયો. એટલે શબ્દો ત્યાં સુધી છે જ્યાં સુધી અનુભવ તમારી પાસે નથી. જે ક્ષણે અનુભવ આવી ગયો; શબ્દો છું થવાના.
ખરેખર તો આનંદઘનજીના આટલા સ્તવનો મળ્યા એ નવાઈ છે આપણા માટે. એક વિદેશી પ્રોફેસરનો એક લેખ હું વાંચતો હતો. એમાં એમણે કલ્પના કરી કે ઉપાધ્યાય યશોવિજય જે છે એ જ પાછલી અવસ્થામાં અનુભુતિવાન બન્યા પછી આનંદઘનનું વિશેષણ પ્રાપ્ત કરે છે. અને આનંદઘનના નામે સ્તવનો લખે છે. હવે આ દલીલની પાછળ એની પાસે બહુ મોટું સમર્થન હતું. સમર્થન એ હતું કે આનંદઘનજી આટલા મોટા ગજાના સાહિત્યકાર છે. સાધક છે. તો તેમના ગ્રંથો તો બીજા મળતાં નથી. માત્ર એમના પદો અને માત્ર એમના સ્તવનો. તો આટલી મોટી ગજાનો જે સાહિત્યકાર હોય. એના ગ્રંથો કેટલા બધા હોય? એટલે એણે અનુમાન કર્યું કે ઉપાધ્યાય યશોવિજય તરીકે એમને ગ્રંથો લખ્યાં. અનુભૂતિ થઈ એટલે આનંદઘન તરીકે એમણે આગળ ચલાવી. મેં વાંચ્યું ત્યારે મને હસવું આવ્યું. મને લાગ્યું કે એ અમેરિકન પ્રોફેસર હતો. અને ત્યાંની વિચારધારા પ્રમાણે એણે બરાબર લખેલું. પણ આપણી વિચારધારા પ્રમાણે જોઈએ તો આનંદઘનજીના સ્તવનો કે પદો મળ્યા એ પણ આપણા માટે એક નવાઈની વાત છે. અનુભૂતિની દુનિયામાં ગયેલો માણસ શબ્દમાં ઉતરે કેમ? તમને ખ્યાલ છે? આનંદઘન સ્તવનો લખવામાં નથી આવ્યા. એમણે પોતે લખાવ્યા પણ નથી. એક નિર્જન જંગલમાં આવેલ મંદિરમાં આનંદઘનજી ગયેલા તો કુદરતી પરાવાણી અંદરથી નીકળવા માંડી. વૈખરી, મધ્યમા, પશ્યન્તિ અને પછી પરા. સુક્ષ્મવાણી. ભીતરથી નીકળવા લાગી. સદ્ભાગ્ય આપણું કે એ વખતે જ્ઞાનવિમલસૂરી મહારાજ ત્યાં આવેલા હતા. એ તો આ સાંભળીને ચોંકી ગયા! ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઓર ન ચાહું રે કંત.’ અરે, આ તો અદ્ભુત્ત પરાવાણી! સદ્ભાગ્ય આપણું કે નોટ-પેન લઈને આવેલા. એમણે નોટ ડાઉન કરી નાંખ્યા સ્તવનો, એટલે આપણને મળ્યા છે.
પછીની બહુ ઘટના મજાની છે. કે સ્તવનો તો લખાઈ ગયા. અને જ્ઞાનવિમલસૂરી પણ બહુ મોટા ભક્તિયોગાચાર્ય છે. એમને થયું કે આનંદઘનજીના સ્તવનોનો અર્થ સામાન્ય ભાવક નહિ કરી શકે. એટલે એના ઉપર ગુજરાતી ભાષામાં જ ટબ્બો રચીએ તો સારું પડે. એ વખતે રાંદેરમાં હતા સુરતમાં. તો વિચાર્યું કે ટબ્બો શરૂ કરું. એક સ્તવન ઉપર એમણે લખ્યું ગુજરાતી ભાષામાં. એ વખતની ગુજરાતીમાં. પણ એક સ્તવન ઉપર લખ્યા પછી પોતે વાંચે છે. એમને લાગ્યું કે આનંદઘનના શબ્દો જોડે આનો કોઈ સંબંધ આવતો નથી. આનંદઘનના શબ્દો ક્યાં? ને મારા શબ્દો ક્યાં? કંઇ મેળ પડતો નથી આમાં. તો શું કરવું જોઈએ? તરત એમને ખ્યાલ આવી ગયો કે કયાં ચૂક થાય છે. આનંદઘનજીની પરાવાણી હતી. પરાવાણી હંમેશા ધ્યાનના સ્તર ઉપર જ નીકળે. તો ધ્યાનના સ્તર ઉપર જે પરાવાણી નીકળેલી હતી એને હું માત્ર શબ્દોના સ્તર ઉપર પકડું તો ચાલે? પછીની ઘટના એ છે કે છ મહિના સુરતમાં, સુરજમંડન પાર્શ્વનાથના ભોંયરામાં એમણે ધ્યાન કર્યું. રોજ ચાર કલાક, પાંચ કલાક, છ કલાક. એ રીતે. માત્ર ધ્યાન કર્યું. લખવાનું બાજુમાં મૂકી દીધું. બસ છ મહિના ધ્યાન કર્યું. પ્રભુની પાસે બેઠો છું હવે પ્રભુ લખાવશે. અને પછી એમણે લખ્યું એમને પોતાને સંતોષ થયો હવે બરાબર છે.
તમને માતાજીનો તો ખ્યાલ હશે? અરવિંદ પછી માતાજી. અરવિંદ આજના યુગના બહુ મોટા ચિંતક. અને એમનો વારસો માતાજીએ સંભાળ્યો. અરવિંદનું પુસ્તક છે ‘સાવિત્રી’. તમે એનું ગુજરાતી અનુવાદ વાંચો ને તોયે એમાં પલ્લે પડે એમ નથી. એ સાવિત્રી ઉપર માતાજીએ પ્રવચનો આપવાના હતા. તો એ વખતે માતાજીએ એક મજાનો પ્રયોગ કર્યો. એમણે જાહેર કર્યું કે નવ વાગે બધાએ ઓડીટોરીયમમાં આવી જવાનું. બરાબર નવ વાગે દરવાજા બંધ થઈ જશે ઓડીટોરીયમના. નવ વાગે બધા આવી જાય. પોતે પણ આવી જાય. અને અડધો કલાક ધ્યાનમાં જતા રહેવાનું. પોતે પણ ધ્યાનમાં જાય. બધા જ શ્રોતાઓ ધ્યાનમાં જાય. અડધો કલાકે ધ્યાન પૂરું થાય. આંખો ખોલે માતાજી. સાવિત્રીનું પુસ્તક ટેબલ પર પડેલું છે. એમ જ પુસ્તક ખોલવાનું. જે પહેલો પેરેગ્રાફ આવે એ વાંચવાનો. અને એના ઉપર અડધો કલાક બોલવાનું. અને એ પ્રવચન થઈ ગયા પછી અડધો કલાક ધ્યાનમાં બધાએ જવાનું. પછી બધાએ બહાર નીકળવાનું.
તો માતાજીનો આશય એ હતો કે હું જે બોલું એ ધ્યાનની પૃષ્ઠ ભૂમિકા ઉપર બોલાય. સામાન્યથી હું તૈયારી કરીને જાઉં તો બુદ્ધિના સ્તર ઉપર બોલીશ. આ પેરેગ્રાફ ઉપર મારે બોલવું છે. આ પેરેગ્રાફ ઉપર હું શું-શું બોલી શકું? કે હું વિસ્તાર કરી શકું? પણ બુદ્ધિ આવશે. બુદ્ધિ તો સીમિત ઘટના છે. મારે તો અસીમમાં જવું છે. બધાને અસીમમાં લઇ જવા છે. તો એમણે આ પ્રયોગ કર્યો. અડધો કલાક ધ્યાન, અડધો કલાક પ્રવચન, ફરી અડધો કલાક ધ્યાન. એ પ્રવચનો છપાયેલા છે, ‘About The Savitri’. તમે વાંચો તો તમને લાગે કે ભાઈ human touch નથી divine touch છે. માણસની ભાષા ન હોઈ શકે.
આવું જ હમણાં એક પુસ્તક લખાયેલું છે. પ્રાર્થના વિશેનું છે. “Eileen Caddy” એ લખ્યું છે. Eileen Caddy યુરોપિયન લેખિકા છે. એમણે પુસ્તક તો બહુ સરસ લખ્યું. પ્રાર્થનાઓ બહુ સરસ લખાઈ. પણ એ પુસ્તકની પ્રસ્તાવના જે છે ને એ તો અદ્ભુત્તથી પણ અદ્ભુત્ત છે. ‘opening doors within’ આ પુસ્તક છે. અને કુંદનિકાબેને એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો: ‘ઉઘડતા દ્વાર અંતરના.’ પ્રસ્તાવનામાં Eileen Caddy લખે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી. આ પ્રાર્થનાઓ મેં લખી નથી. એવું બન્યું. ઇઝરાયેલમાં એ ગયેલા. બહુ મોટા લેખક હતા. પ્રવચનકાર હતા. એટલે જ્યાં-જ્યાં આમંત્રણો મળે ત્યાં જતા. ક્યારેક પોતાના પુસ્તક માટે નવો વિષય જોઈતો હોય તો નવી જગ્યાએ પણ જતાં. ઇઝરાયેલમાં ગયા પછી એમને ‘કીબુત્સો સંસ્કૃતિ’ વિશે વાંચ્યું.
તમને ખ્યાલ હશે? કીબુત્સો જે છે એ ઝુંપડીઓમાં રહે. અને એ વસાહત જે છે એને કીબુત્સ કહેવામાં આવે. એમાં ઈલેક્ટ્રીસીટી નહિ. કોઈ યાંત્રિક વાહનો નહિ. માત્ર પ્રકૃતિના ખોળે રહેવાનું. ગાય-ભેંસ વિગેરે હોય એનું દૂધ પીએ. ખેતી કરી લે એ પણ યાંત્રિક કોઈ પણ સાધના વિના દેશી પદ્ધત્તિથી. એટલે યંત્રનો પગપેસારો એમના જીવનમાં ક્યાંય પણ નહિ. આવા લોકોની વચ્ચે લેખિકાને રહેવું હતું. કારણ કે નવો વિષય. નવા વિષય ઉપર પુસ્તક લખી શકાય. એ ત્યાં ગયા છે. પહેલો જ દિવસ. રાત પડી. અંધારું છે ત્યાં તો. લાઈટ તો છે નહિ. અંધારામાં સુવાની તૈયારી કરે છે. અને અચાનક ઉપરથી શબ્દોનો ધસમસતું વહેણ ચાલુ થઈ જાય છે. કોઈ ખ્યાલ વગર. કોઈ કલ્પના વગર. એટલા પ્યારા શબ્દો હતા.! અંધારામાં લખવાની ટેવ તો હતી નહિ એમને. પછી એ થોડે દુર પબ્લિક ટોયલેટ હતું. કીબુત્સની પેલે પારનું. રોડ ઉપરનું. એ રોડ પરનું પબ્લિક ટોયલેટ હતું. એની બહાર લાઈટ હતી. ત્યાં એ ગયા છે. અને ત્યાના પ્રકાશમાં એમણે આ બધું લખવા માંડ્યું છે. પછી એ લખે છે કે પ્રભુએ લખાવડાવ્યું છે. મેં નથી લખ્યું. અને એ પ્રાર્થના વાંચતા આપણને પણ થાય કે ખરેખર એમાં divine touch જ છે.
આવી સરસ પ્રાર્થનાઓ આપણે ત્યાં હમણાં કુંદનિકાબહેને તો આપી જ ‘પરમ સમીપે’માં. પણ એની સાથે-સાથે સુરેશ દલાલે આપી. સુરેશ દલાલ તો કવિ. ભક્ત ન ગણાય આમ તો. હરીન્દ્ર દવે ભક્ત ખરા. મકરંદદવે તો પરમયોગી. સુરેશ દલાલ તો એવા ભક્ત પણ નહતા. અને છતાં એમણે મારી પ્રાર્થનાના જે પુસ્તિકાઓ લખી છે. અદ્ભુત્ત! આપણે ઓવારી જઈએ. સુરેશ દલાલ તમે વાંચ્યા તો હશે જ?
એકવાર સુરેશ દલાલને જયા મહેતાએ પૂછ્યું; interview માં. કે તમે બહુ મોટા લેખક છો, કવિ છો. તમે જ્યાં પણ જાવ પ્રવચન આપવા માટે લોકો તમને ઘેરી વળે, પ્રશંસકો તમારાં autograph માટે પડાપડી કરતા હોય. એ વખતે તમને શું થાય? એ વખતે તમારી feeling કઈ હોય? સુરેશ દલાલ એ વખતે કહે છે હું એવો સંત નથી કે મને અહંકાર નથી થતો એવો દાવો હું કરું. પણ આ બધું કોઠે પડી ગયું છે. નાહવા બેઠા હોઈએ અને પાણી શરીર ઉપર દદડયા કરતુ હોય અને આપણે વિચારોમાં હોઈએ. આપણને એનો ખ્યાલ પણ ન હોય. એમ આ બધો વરઘોડો ચાલ્યા જ કરે છે. પણ એની કોઈ અસર થતી નથી. એક લેખક આ કક્ષાએ યોગની ભૂમિકાએ પહોંચી શકે છે.
એકવાર છે ને એક પ્રવચનકાર મહાત્માએ કહેલું, મારી શિબિરમાં પાંચ હજાર માણસો આવે છે. મેં એમને કહ્યું કે આ ગંગાનદી છે. એ ગંગોત્રી point થી નીકળે અને 1400 માઈલની યાત્રા કરી ને ગંગાસાગરમાં મળે. ગંગાનદી તો રોજ હિસાબ કરતી હશે ને કે આજે આટલા માણસોને પાણી પાયું? હિસાબ તો કરે જ ને? તમે પ્રવચન કરતા હતા! પ્રભુને એ વખતે જોતા હતા કે લોકોના માથા ગણતા હતા? ગંગાનદી જેવી નદી હિસાબ ન કરે, તમે હિસાબ કરો છો! આટલાને આજે ને એક કલાક મેં આપ્યું! ખરેખર તો ૨૩ કલાકની અનુભૂતિ હોય અને ૧ કલાકની અભિવ્યક્તિ હોય તો જ તમે ત્યાં આપી શકો. બાકી ન આપી શકો.
એકવાર પંન્યાસજી ભગવંત લુણાવામાં હતા. અને શિષ્ય હતા કલ્યાણવિજયજી મહારાજ પ્રવચન આપવા માટે જાય. ગુરુએ કહેલું એટલે જતા હોય છે. ઉપધાન ચાલુ હતા. ૨૫૦-300 સાધકો હતા. રોજ જાય પ્રવચન માટે ત્યારે ગુરુમહારાજને વંદન કરવા આવે. સાહેબજી જાઉં છું. એક દિવસ રોજના પ્રમાણે આવ્યા. તો સાહેબજીએ પૂછ્યું કે આજે તું શું બોલવાનો? તો કહે સાહેબ વિચાર્યું નથી કાંઈ. ત્યાં જઈશ. સુઝશે એ બોલી જઈશ. સાહેબ કહે; તું એવો કયો પ્રત્યેક પલમતિ વક્તા છે? કે આમ તરત તને કલ્પનાઓ આવી જાયને બોલવા મંડી પડે. યાદ રાખ, 300 જણા તને સાંભળનારા પોતાના એક-એક કલાકનું દાન તને કરે છે. એ 300 જણા 300 કલાક તને આપે છે. એ 300 કલાકને વેડફવાનો તને અધિકાર નથી. તે મહેનત નથી કરી, એ જોડે તારી અનુભૂતિ પણ નથી. ચાલ બેસી જા, હું જાઉં છું વ્યાખ્યાન આપવા.
તો કલિકાલસર્વજ્ઞશ્રીએ ઉન્મનીભાવ માટે સૂત્ર આપ્યું,
“औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा l
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥”
પરમ આનંદ તમારી ભીતર છે. તમારે કોની જરૂર છે હવે?
હિંમતભાઈ બેડાવાળા, ચંદ્રકાંતભાઈ, શશીકાંતભાઈ, પ્રાણલાલભાઈ બધા બદ્રી જતા હોય છે. અને પંન્યાસજી મહારાજના ભક્તો બધા. એટલે કોઇ પણ સંત હોય તો ઝુકે, અકડ નહિ. હરીભદ્રસૂરી મહારાજે યોગદ્રષ્ટિ સમુચ્ચય કહીને તો અદ્ભુત્ત વાત કરી નાંખી છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી દ્રષ્ટિ સુધી મહાત્માઓ હોઈ જ શકે. તમને જે અન્યદ્રષ્ટિના મહાત્માઓ લાગે છે એ પણ ચોથી દ્રષ્ટિ સુધી કેમ ન હોય? અને ચોથી દ્રષ્ટિમાં પણ ગુણો કેટલા બધા હોઈ શકે?
એકવાર મારી જેમ જ પ્રદ્યુમ્નસૂરીજી મીરાં ઉપર બોલતા હતા. મુંબઈમાં પ્રવચનો ચાલે એમના. અને એક ભાવકે પૂછ્યું સાહેબ, મીરાં કઈ દ્રષ્ટિમાં હતી? એ વખતે આપણા એક આ અનુભૂતિવાન આચાર્યની અભિવ્યક્તિ કેવી હતી? એ કહે કે ભાઈ હું કંઇ એવો જ્ઞાની નથી કે કહી શકું કે મીરાં કઈ દ્રષ્ટિમાં હશે? પણ એની જે અભિવ્યક્તિ છે અને અભિવ્યક્તિ પ્રમાણે એની અનુભૂતિ હોય તો ચોક્કસ કહી શકું કે મારા કરતા એ આગળ હતી.
જૈન શાસનના એક આચાર્ય કહે છે કે મારા કરતા મીરાં અનુભૂતિમાં આગળ છે! મીરાંની પાસે જે અનુભૂતિ છે એ મારી પાસે નથી.
મીરાંની અનુભૂતિની વાત એક કહું. એણે પ્રભુને કહ્યું, “સદા સેવા કરતી હું, સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું; ભક્તિમાર્ગ દાસી કો દીખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ” પહેલા પોતાની અત્યારની સ્થિતિ બતાવી. સદા સેવા કરતી હું. શરીરના સ્તર ઉપર શક્ય એટલી તારી આજ્ઞાનું પાલન કરું છું. સંતોની સેવા વિગેરે કરું છું. સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું – મારું મન સતત તારા સ્મરણમાં હોય છે. એટલે સ્મરણ એકદમ ગાઢ બને. ધ્યાનદશા આવી જાય છે. ધ્યાન પાંખું પડે એટલે સ્મરણ પાછું ચાલુ થઈ જાય છે. “સુમિરન ધ્યાન મેં ચિત્ત ધરતી હું.” મન માત્ર બે જ દશામાં છે. સ્મરણમાં અને ધ્યાનમાં. આ ભૂમિકાએ પહોંચેલ છે! હવે કહે છે મીરાં: “ભક્તિમારગ દાસી કો દીખલાઓ, મીરાં કો પ્રભુ સાચી દાસી બનાઓ.” પ્રભુ! મીરાંને સાચી દાસી તમારી બનાવો. એટલે કે અસ્તિત્વના સ્તરની ભક્તિ મીરાં પ્રભુ પાસેથી માંગી રહી છે. આ ક્યારે માંગી શકાય બોલો? આટલી ભૂમિકા હોય તો જ એ માણસ આ યાચના પણ કરી શકે.
તો હિંમતભાઈ ને બધા જતાં હોય છે. અને એમનો નિયમ જ્યાં પણ સંત છે એ ખ્યાલમાં આવે ત્યાં જવાનું. ખ્યાલ આવ્યો રસ્તાની બાજુમાં એક સંત છે. ગયા. એકદમ નાનકડી ગુફા. નાનકડી એટલે કેટલી નાનકડી? એક માણસ સરખો સુઈ ન શકે એવી. ટૂંટિયું વાળીને સુવું પડે. હવે હિમાલય. ગુફાઓનો તો પાર નહતો ત્યાં. આટલી નાની ગુફામાં આ સંત હતા. સંતને શાતા પૂછી. જરા જિજ્ઞાસા થઈ. આપ ઇતની સંકરી ગુહા મેં કયું હો? તો સંત કહે છે; કયું? બડી ગુફા કા ક્યાં કામ હે? મેં ઓર મેરે ભગવાન દો તો યહા રહતે હૈ ફિર તીસરે કા યહા કામ ભી ક્યાં હે? મેં ઓર મેરે ભગવાન, દો તો યહા રહતે હે ફિર તીસરે કા ક્યાં કામ હે?
અને એવી જ એક બીજી ગુફામાં ગયા છે. રોડથી થોડે દુર હતી. તો પ્રાણલાલ ભાઈ, શશીકાંતભાઈ, ચંદ્રકાન્તભાઈ બધા પહોંચી ગયા. ગુફામાં બેઠા સંતની પાસે. હિંમતભાઈ થોડા ધીરે ધીરે ચાલે. હિંમતભાઈ પાછળથી આવે છે. પેલા લોકો ત્રણ બેઠેલા હતા. અને એમ કે હિંમતભાઈ આવે એટલે વાતો શરૂ કરીએ. ગોષ્ઠી શરૂ કરીએ. ત્યાં હિંમતભાઈ ગુફામાં એન્ટર થયા. જ્યાં હિંમતભાઈ ગુફામાં એન્ટર થયા. સંત ઉભા થઈ ગયા! સામે આવ્યા અને કહ્યું અરે, આપ ક્યું યહાં પધારે? આપ તો મુજસે ભી બડે સંત હો. આપ કયું યહા પધારે? આપ તો મુજસે ભી બડે સંત હો. એ ગુફામાં એમણે પ્રવેશ કર્યો અને એમની ઊર્જા જે મળી, એ ઊર્જા અનુભવી. ખ્યાલ આવી ગયો કે આ માણસ એકદમ પહોંચેલો છે. આજે પણ હિમાલયમાં આવા બધા યોગીઓ છે, સાધકો છે.
આમ મારી દ્રષ્ટીએ આપણી સામાચારી એટલી સરસ છે કે પ્રારંભિક કક્ષામાં આપણે શિષ્યને મૌનમાં મુકીએ. એકાંતમાં મુકીએ. બહારનું કામ ન સોંપીએ એનું કારણ એક જ છે કે બહારના કોઈ પરિચયમાં એને આવા દેવો નથી. માત્ર એ ભીતર ને ભીતર રહે.
મેઘસૂરીમહારાજ એમણે દીક્ષા લીધી. દીક્ષાનું પહેલું વરસ. રતલામમાં ચોમાસું. અને સિદ્ધિસૂરી દાદાએ આખો પ્રોગ્રામ બનાવી આપ્યો કે સવારે પડીલેહણ કરી, સજ્ઝાય કરી તરત પછી સૂત્રપોરષી માટે જતા રહેવાનું. પછી પાત્રાપોરષી ભણાવી, પાત્રા પલેવી અર્થપોરષી માટે જવાનું. બાર-સવાબારે દેરાસરે જવાનું. એક વાગે દેરાસરેથી આવીને પચ્ચક્ખાણ પારવાનું. એકાસણું કરી લેવાનું. પડીલેહણ કરી લેવાનું. ફરી સ્વાધ્યાય માટે જવાનું અને સાંજે પાછું આવી જવાનું અને પ્રતિક્રમણ માંડલીમાં પ્રતિક્રમણ વિગેરે કરવાનું. ફરી પાછુ સ્વાધ્યાય ને ધ્યાન કરવાનું. આ આખો ક્રમ આપી દીધો.
મજાની ઘટના ઘટી. કે જ્યારે દેરાસરે જાય સાડા બાર વાગે ત્યારે દેરાસરમાં કોઈ હોય નહિ. પ્રતિક્રમણ માંડલીમાં રોજ આવે. પણ એ વખતના ઉપાશ્રય, ચાર-પાંચ વાગે અંધારું ઉતારવા માંડ્યું હોય. એટલે અંધારામાં કંઇ ચહેરો દેખાય નહિ. પર્યુષણ પૂરું થયું. ચોમાસું પૂરું થયું. અને કાર્તિકી પુનમના દિવસે સાહેબે વિહાર કર્યો. અને પુનમના બધા મહાત્માઓ ભેટ બાંધીને નીકળ્યા. મેઘવિજય મહારાજ પણ નીકળ્યા. ત્યારે અગ્રણી શ્રાવકો એકબીજાને પૂછે. આ મહારાજ સાહેબ ક્યાંથી આવ્યા? કહે. કેવી સાધના ઘૂંટાઈ હશે બોલો? એક પણ વ્યક્તિનો પરિચય નહિ!
ગ્રહસ્થનો પરિચય તો આપણા માટે અંગારા જેવો કહ્યો જ છે. તમે પરિણત થાઓ પછી ગુરુ તમને છૂટ આપે પ્રવચન વિગેરેની. પણ તમારા મનમાં એ ઈચ્છા ન થવી જોઈએ કે મારે પ્રવચનકાર બનવું છે. ગુરુ તમને ફોર્સ પાડે. અને ગુરુ ક્યારે કહેવાના? તમે પરિણત થયેલા હશો તો જ કહેશે. મારી જોડે છે ને અત્યારે ૪૦-૫૦ સાધુઓ હોય જ છે કાયમ. ચોમાસામા એ ૫૦ ઠાણા હોય જ. પછી ચોમાસાનો સમય નજીક આવે ને એટલે ઘણા કહે કે સાહેબ બબ્બે મહાત્મા આપો ને? આટલા બધા છે. મેં કહ્યું ભાઈ બધા નવા છે. અભ્યાસ કરે છે. પરિણતિવાળા હોય એ બે-ચાર છે. એને હું મોકલું છું. બાકી નવાને તો હું મોકલું નહિ. પછી હું હસતાં-હસતા કહું કે આ નવો ઘડો છે ભાઈ. તમે લઇ જાઓ ને એ ઘડામાં પાણી ભરોને તમારું તો પાણી જાય, મારો ઘડો જાય! હવે ભણેલો-ગણેલો કાંઈ ન હોય. પરિણતિ ન હોય. તમે લઇ જાઓ. ખાલી જોક્સ મળશે. ખાલી ટુચકા મળશે. ઓહોહો આ તો બહુ જ્ઞાની મહારાજ સાહેબ છે. પ્રવચનકાર મહારાજ છે. પેલો કહે, લોકો મને આટલું માન આપતા હોય. તો ગુરુના ડફણા કરવાની જરૂર શું છે? મેં કીધું તમારું તો પાણી જશે, અમારો ઘડો જશે.!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *