ચારિત્રાચાર – ધ્યાન
સૂક્ષ્મ ચારિત્રાચાર એટલે શુદ્ધરૂપ ત્રણ ગુપ્તિ. આપણું ધ્યાન એટલે ત્રિગુપ્તિની સાધના. એનો ક્રમ પૂ. દેવચંદ્રજી મહારાજે સુબાહુ જિન સ્તવનામાં બતાવ્યો. અશુભ વિચારોનો નિષેધ – એ પહેલું ચરણ. ધ્યેયરૂપે વીતરાગ પરમાત્માનું આલંબન લેવું – એ બીજું ચરણ. ધ્યાન ત્રીજું ચરણ અને સમાધિ ચોથું ચરણ.
પહેલું ચરણ – _દુર્ધ્યાતા પરિણતિ વારી રે_. મનની અશુભ પરિણતિઓને રોકવી છે. એ માટે ખાસ આપણે વૃત્તિશોધન તરફ જવું પડશે; વૃત્તિઓને એકદમ શુદ્ધ બનાવવી પડશે. તમારા એક-એક વિચારનું શોધન કરો. તમારી જાગૃતિ એવી પ્રબળ હોય કે એક પણ અશુભ વિચાર તમારી ભીતર આવી ન શકે.
મોહનો ઉદય થયો અને સાધક જો જાગૃત નથી, તો કદાચ ઊંઘતો ઝડપાઈ જાય અને રાગ કે અહંકારની ધારામાં જતો પણ રહે. પણ થોડી જ ક્ષણોમાં એની જાગૃતિ મુખરિત થાય અને એ દુર્વિચારમાંથી તરત પાછો ફરી જાય; દુર્ભાવમાં ન જાય. સાધક માટે કદાચ દુર્વિચાર હોઈ શકે; દુર્ભાવ તો ન જ હોઈ શકે.
નવસારી તપોવન વાચના – 26 [23.4.2020]
સ્થૂળ ચારિત્રાચારમાં – પાંચ સમિતિ અને શુભ રૂપ ત્રણ ગુપ્તિ. સુક્ષ્મ ચારિત્રાચારમાં – શુદ્ધ રૂપ ત્રણ ગુપ્તિ. આપણું જે ધ્યાન છે એ માત્ર અને માત્ર ત્રિગુપ્તિ સાધના છે.
બહુ મજાનો ક્રમ એનો સુબાહુ જિન સ્તવનામાં દેવચંદ્રજી મહારાજે બતાવ્યો છે:
‘ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી,
દુર્ધ્યાતા પરિણતિ વારી રે;
ભાસન વીર્ય એકતાકારી,
ધ્યાન સહજ સંભારી રે’.
ફરીથી બોલી જાઉં – ‘ધ્યેય સ્વભાવે પ્રભુ અવધારી, દુર્ધ્યાતા પરિણતિ વારી રે; ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે’
પછી બીજી કડી છે:
‘ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે,
પરપરિણતિ વિચ્છેદે રે;
ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે,
ધ્યેય સિદ્ધાંત વેદે રે’.
આમાં ચાર ચરણો આપ્યા. અશુભ વિચારોનો નિષેધ – એ પહેલું ચરણ. ધ્યેય રૂપે વિતરાગ પરમાત્માનું આલંબન લેવું – એ બીજું ચરણ. ધ્યાન ત્રીજું ચરણ અને સમાધિ ચોથું ચરણ.
પહેલા ચરણમાં – ‘દુર્ધ્યાતા પરિણતિ વારી રે’. મનની જે અશુભ પરિણતિઓ છે એને રોકવી છે. વૃત્તિ અને પ્રવૃત્તિ. ખાસ આપણે વૃત્તિશોધન તરફ જવું પડશે. અને આપણી વૃત્તિઓને એકદમ શુદ્ધ બનાવવી પડશે.
કલાપૂર્ણ સૂરી દાદા કહેતા; કે નિર્મળ હૃદય વિના ધ્યાન છે જ નહિ! ત્યાં સુધી માત્ર Exercise છે. પ્રાણાયામ. નિર્મળ હૃદય તમને મળે તો જ ધ્યાન આવી શકે. એટલે પહેલું જ ચરણ એ આપ્યું કે વૃત્તિશોધનનું. કે તમારા એક-એક વિચારને શોધી લો. એવી તમારી જાગૃતિ થઈ જાય. એક પણ અશુભ વિચાર તમારી ભીતર આવી ન શકે. આમ તો આપણને ખ્યાલ છે. વિચારોનું પણ બહુ પ્રયોજન નથી કોઈ. એકદમ અહોભાવની પ્રગાઢતા હોય અને શુભ ભાવ આવે તો બરોબર છે કે આપણને શુદ્ધમાં લઇ જાય. સામાન્ય વિચારોનું કોઈ પ્રયોજન જ નથી. એમાં પણ અશુભ વિચારો, એ તો કાંઈ કામ જ નથી!
તો અશુભ વિચાર આવે છે કેમ? કારણ એક જ છે તમારી જાગૃતિ ચુકાઈ જાય છે માટે. તમારી જાગૃતિ અકબંધ હોય તો એક પણ ખરાબ વિચાર તમારી ભીતર આવી ન શકે. એટલે જ વચ્ચે મેં તમને કહેલું કે સાધકની પરિભાષામાં બે શબ્દો છે. દુર્વિચાર, દુર્ભાવ. સાધક ક્યારેક ઊંઘતો ઝડપાઈ જાય. મોહનો ઉદય થયો. જાગૃતિ નથી. એ જ ક્ષણે ઝડપાઈ ગયો. રાગની કે અહંકારની ધારામાં જતો રહ્યો. પણ એ કેટલી સેકન્ડ? ૫ સેકન્ડ, ૧૦ સેકન્ડ. ૧૧મી સેકન્ડે એની ચેતના પ્રબળ બનવી જ જોઈએ. એની જાગૃતિ મુખરિત થવી જ જોઈએ. અને ૧૧મી સેકન્ડે એ દુર્વિચારમાંથી પાછો ફરી જાય. એટલે દસ સેકન્ડ સુધી જે અશુભ વિચાર આવ્યો એને આપણે દુર્વિચાર કહીએ છીએ. પણ પછી તમે એ વિચારને તમે પંપાળો, એને ઉત્તેજિત કરો અને એ ધારામાં તમે વહો તો તમે મિનિટો સુધી, કલાકો સુધી દુર્ભાવમાં રહી શકો છો. એટલે સાધક માટે કદાચ દુર્વિચાર હોઈ શકે. દુર્ભાવ તો ન જ હોઈ શકે! કારણ કે જાગૃતિ એની પાસે છે જ. ૧૦ સેકન્ડમાં તો એની જાગૃતિ મુખરિત થવી જ જોઈએ નહીતર એ સાધક નહિ.
મેં હમણાં એક વાચનામાં કહેલું સાધ્વીજીઓને કે મારા તરફથી એક શિષ્યા તમને ભેટ આપી દઉં. એ લોકો મહેનત તો ઘણી કરતા હોય બિચારા. મેં કહ્યું, હું આપી દઉં. જાગૃતિ નામની શિષ્યા. અને એને જોડે અને જોડે જ રાખવાની. એટલે સાધુ ભગવંતો કહે કે કેમ અમે ગુનો કર્યો? મેં કહ્યું; તમને શિષ્ય આપી દઈએ. જાગરણ નામનો શિષ્ય.
જાગૃતિ ન હોય તો કેમ ચાલી શકે? ક્ષણ-ક્ષણ ની જાગૃતિ જેની પાસે છે – એ જ તો સાધક છે. પરભાવમાં નથી જવાનું આ એક ડેડલાઈન છે. જે ક્ષણે પરભાવ ખુલે એ સેકન્ડે ભીતર કોલ મળી જવો જોઈએ કે ભાઈ પરભાવમાં જવાનું ચાલુ થયું છે. એટલે જ હું વારંવાર કહું છું. પરનો ઉપયોગ તમે કરી શકો છો, પરભાવમાં તમારે બિલકુલ જવાનું નથી. એટલે પહેલું ચરણ આ – ‘દુર્ધ્યાતા પરિણતિ વારી રે’.
વૃત્તિશોધન – એક પણ અશુભ વિચાર તમારી ભીતર ન હોવો જોઈએ. અને એટલે જ ભગવાને મનનું પડીલેહણ કરવાનું કહ્યું છે કે ભાઈ વસ્તુઓનું પ્રતિલેખન તો તું કરે છે. મનનું પ્રતિલેખન કર્યું?
એક ઝેન કથા છે. એક શિષ્ય ને કોઈ કાર્ય પ્રસંગે ગુરુએ કોઈ ગામ જવા માટેનો આદેશ આપ્યો. ગુરુનો આદેશ શિષ્યએ સ્વીકારી લીધો. પછી ગુરુએ કહ્યું કે તું સવાર-સાંજ ચાલીશ, ત્રીજી સાંજે એક રેલ્વે સ્ટેશન ઉપર તારો પડાવ રહેશે. રેલ્વે સ્ટેશનની બાજુમાં નાનકડી ધર્મશાળા છે. તારે પણ એમાં જ ઉતરવાનું રહેશે. એ ધર્મશાળાનો જે મુનીમ છે બહુ જ પહોંચેલો સાધક છે. એટલે તું એના ક્રિયા-કલાપ ને બરોબર જોજે.
સુફી સંતોમાં તો એવું હોય છે. એકદમ ઉંચે પહોંચેલા ગુરુ હોય. અને જૂત્તા સાંધવાનું કામ લઈને બેસી ગયા હોય. પછી કોઈ ગુરુ કહે કે તું આમની પાસે જા. જા એમની પાસે. સામું જ ન જોવે. અહીં કેમ આવ્યો છે? ભાગી જા. પેલો જો ધૈર્યવાળો હોય, મહિનો- બે મહિનો સુધી બસ માત્ર ગુરુ પાસે રહેવાનું. જે પણ કામ લાગે કર્યા કરવાનું મૌનમાં. અને એ રીતે મહિનો-બે મહિનો રહે. પછી કદાચ એ સંત એના ઉપર પ્રસન્ન થાય. અને પછી વિદ્યા આપે.
તો ગુરુએ કહ્યું; કે ધર્મશાળાના મુનીમને તું બરોબર જોજે. બરોબર ત્રીજી સાંજે પેલા રેલ્વે સ્ટેશને પહોંચ્યો. બાજુમાં ધર્મશાળા. ધર્મશાળામાં ગયો. મુનીમે આવકાર આપ્યો. પધારો. શું લેશો? દૂધ વિગેરે કંઇ લેશો? નાસ્તો લેશો? તો કહે નહિ, હું તો એક જ ટાઈમ જમું છું. બપોરે જમી લીધું. સાંજે કંઇ પીતો નથી. સારું. એક રૂમ ખોલી આપી. રૂમમાં એ ભિક્ષુ જતો રહ્યો. એટલે રૂમ પણ એવી સરસ રીતે મળેલી કે મુનીમ ગાદી પર બેઠેલો હોય, સતત દેખાયા કરે. એટલે હવે એની સાધના એક જ હતી કે કાલે સવારે અહીંથી ન નીકળું ત્યાં સુધી માત્ર મુનીમના ક્રિયા-કલાપને મારે જોવાના છે. એમાં આઠ-સાડા આઠ થયા. છેલ્લી ગાડી આવી. મુસાફરો આવ્યા. એમને બધાને રૂમ આપી દીધી મુનીમે. એ કામ પતી ગયું. પછી ખીચડી પકાવેલી. ખાઈ લીધી એણે. તપેલું સાફ કરી નાંખ્યું. અને બિલકુલ સાફ કરી અને કબાટમાં મૂકી દીધું.
સવારે ચાર વાગે ભિક્ષુ ઉઠી ગયો, રોજના નિયમ પ્રમાણે. રાત્રે તો કંઇ જોવા મળ્યું નહતું. બધાને રૂમો આપી. ખીચડી ખાઈને સુઈ ગયો હતો મુનીમ. સવારે જોઈએ, શું થાય છે? ચાર વાગે ભિક્ષુ ઉઠી ગયો. મુનીમ પાંચ-સવા પાંચે ઉઠ્યો. દૂધવાળાની બુમ આવી. એટલે મુનીમે એ જ તપેલી લીધી. એક જ તપેલી રાખતો હતો. એ તપેલી લીધી. ફરીથી એને ધોઈ. સાફ કરી. એમાં દૂધ લીધું. દૂધ ગરમ કર્યું. ભિક્ષુને પૂછ્યું; દૂધ લેશો ગરમ? ના, હું તો બપોરે જ જમું લઉં છું. છ – સાડા છ થયા. એટલે ભિક્ષુ તો પછી નીકળી ગયા ત્યાંથી. પોતાને ગામ જઈ આવ્યાં. કામ પતાવી આવ્યાં. ગુરુ પાસે આવ્યા.
ગુરુએ તરત યાદ કર્યું કે તે પેલા મુનીમને જોયો હતો બરોબર? તો કહે, સાહેબ મેં જોયો હતો. આપે કહ્યું હોય પછી તો હું બાકી રાખું જ નહિ. તો સાહેબ! સાંજે આ રીતે મેં જોયું. સવારે આ જોયું. તપેલું સાફ કર્યું, દૂધ લીધું, ગરમ કર્યું અને દૂધ પીધું એણે, અને હું રવાના થયો. એટલે એમાં સાધનાનો કોઈ clue મને મળી નહિ. ગુરુ કહે; કે જો, તને જોતા નહિ આવડ્યું. તને જોતા નહિ આવડ્યું! સાધનાની મજાની clue તને મળે એવી હતી. સાહેબ શી રીતે? તો કહે બોલ, તપેલીને એને રાત્રે બરાબર ધોયેલી? સાફ કરેલી એકદમ? કબાટમાં મુકેલી? ફરી તપેલી હાથમાં લઇ પહેલું કામ એણે તપેલીને સાફ કરવાનું કર્યું. તું સમજ્યો એમાં કંઇ? તપેલીને લાકડાના કબાટમાં મુકેલી. એ વખતે લાકડાના કબાટો હતા. તો લાકડાના કબાટમાં ક્યાંક-ક્યાંક તિરાડો હોય. તિરાડથી રજકણ અંદર જઈ પણ શકે. એટલે એ રજકણવાળી તપેલીમાં દૂધ લઇ ન શકાય. એટલે પાણીથી એને સાફ કરી નાંખી. આ મનની તારી તપેલી છે ને એ આવી જ છે. એને સતત સાફ કર્યા કરવી પડે. રાત્રે પ્રાર્થના કરી એટલે સવારે નહિ કરવાની એવું નહિ! તો મનને સતત જોયા કરો. વૃત્તિશોધન.
બીજું ચરણ આપે છે – ‘ધ્યેય સ્વરૂપે પ્રભુ અવધારે’. ધ્યેય રૂપે પ્રભુને નક્કી કર્યા છે કે વિતરાગ પરમાત્મા એક મારા આલંબન રૂપ છે. અને એમનું આલંબન કરી અને મારે ધ્યાનમાં જવું છે.
ત્રીજું ચરણ છે – ધ્યાન. ધ્યાનની વ્યાખ્યા બહુ સરસ છે. ‘ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે’. બહુ અદભુત વાત આવી. ધ્યાન એટલે શું? એક તો વાત લખી સહજ. ધ્યાન સહજદશા છે. સંસાર એ અસહજદશા છે. ધ્યાન સહજદશા છે. ધ્યાનમાં ખરેખર તમે હોવ છો. એટલે ‘being’ એ સહજદશા. ‘doing’ એ અસહજદશા.
તકલીફ શું થઈ કે અનંત જન્મોથી અસહજદશામાં તમે રહ્યા છો ને એટલે એ કોઠે પડી ગયું છે તમને. રસ્તો તો એક જ છે એના માટેનો. સહજદશાના આનંદને તમે મેળવો. અને એ આનંદને આત્મસાત્ તમે કરો; અસહજદશાને છોડવાની નથી; છૂટી જવાની છે! લોકો ઘણીવાર પૂછે સાહેબ શી રીતે છૂટે પણ એ? આટલા જન્મોથી એ ધારામાં વહીને આવ્યા હોઈએ.
ત્યારે હું એક example આપું છું. એક ગામડામાં એક શેઠ રહેતા હતા. નાનકડુ ઘર. નાનકડી દુકાન. દીકરાને s.s.c નું બાજુના ગામમાં ભણાવ્યું. સાઇકલ ઉપર અપ-ડાઉન કરે. પછી શહેરમાં પોતાના એક સંબંધી હતા, ત્યાં દીકરાને મોકલ્યો. દીકરો ગ્રેજ્યુએટ થયો. એથી પણ આગળ વધ્યો. અને એને સારી જોબ મળી ગઈ. પછી ધંધાની પણ સરસ મજાની પેટર્ન પકડાઈ ગઈ. તો લાખો-કરોડો રૂપિયા એને બનાવી નાંખ્યા. શહેરમાં પણ બહુ મોટો બંગલો ફર્સ્ટ-ક્લાસ લઇ લીધો. હવે એને થયું; મારા પિતા ગામડામાં રહે બરોબર નહિ. એ કહે, પિતાજી તમે હવે શહેરમાં આવી જાઓ. “બિલકુલ નહિ. શહેરમાં મને ફાવે જ નહિ. હું મરી જાઉં. મારે તો આ જ ગામડું. આ જ જગ્યા. હું અહીં જ મરવાનો છું. ત્યાં આવવાનો નથી તારે ત્યાં.”
છોકરાને થયું, ચાલો બાપુજી ના આવે તો કાંઈ નહિ. પણ હું આટલું સુખી થયો અને આ ઝુંપડી જેવા ઘરમાં રહે એ થોડુ ચાલે? એટલે બાજુમાં એક પ્લોટ ખરીદ્યો. ઓર્ડર આપી દીધો આર્કિટેકને. આર્કિટેકે જગ્યા ખરીદી. કોન્ટ્રાક્ટરને કામ સોંપી દીધું. અને મોટો બંગલો બનવા લાગ્યો. પેલા ભાઈ વિચાર કરે. આ ગામડા ગામમાં આટલો મોટો બંગલો બનાવે છે કોણ? એટલે એણે કોન્ટ્રાકટરને પૂછ્યું; હવે કોન્ટ્રાક્ટર એ પેટા કોન્ટ્રાક્ટર હતો. મૂળ કોન્ટ્રાક્ટર શહેરમાં હતો. સાહેબ અમારે તો કોન્ટ્રાક્ટર જોડે કામ છે. કોન્ટ્રાક્ટર અમને પૈસા આપે માલ-સમાન પ્રમાણે અને અમારું કામ થાય એ પ્રમાણે. બાકી મને કંઇ ખબર નથી, કોણ બનાવે છે. બંગલો બની ગયો. છોકરો, એની વહુ, એનો પરિવાર એ દિવસે ત્યાં આવ્યાં. બાપુજી ને કહ્યું; બાપુજી! આ બંગલો આપણો છે. આજે વાસ્તુ કરવાનું છે, ચાલો ત્યાં. બાપને ત્યાં લઇ ગયો. હવે દીકરો તો ત્યાં રહેવાનો છે નહિ. આટલો મોટો બંગલો બાપ માટે જ છે. ૬૦ વરસ સુધી એ વૃદ્ધ ઝુંપડીમાં રહેલાં છે. એમને ઝુંપડી છોડતાં કેટલા વરસ લાગે હવે? કેટલા વરસ લાગે? છુટી જાય ને? એમ વિભાવની ઝુંપડી છે તમારી પાસે; અને સ્વભાવનો મજાનો મહેલ છે. તમે ઝુંપડીને કેમ ન છોડો?
તો ‘ધ્યાન સહજ સંભારી રે.’ ધ્યાનદશા સહજદશા છે. પછી શું થાય છે? કે બહાર આવવાનું ગમતું નથી હોતું. સતત તમે ધ્યાનમાં જ હોવ. પણ એ ધ્યાન એટલે આંખો બંધ કરીને થતું ધ્યાન નથી. તમે જે પણ પ્રવુત્તિ કરતા હોવ એમાં ધ્યાનની સુગંધ ઉમેરાય છે. ધ્યાન એટલે નિર્મળ વૃત્તિ.
ત્યાં આપણને કહ્યુંને જ્ઞાનસાર માં:
मणाविव प्रतिच्छाया, समापत्ति: परात्मन: ।
क्षीणवृत्तौ भवेद् ध्याना-दन्तरात्मनि निर्मले ॥
ક્ષીણવૃત્તિદશા તમારી પાસે જોઈએ. નિર્મલ અંત:કરણ તમારી પાસે જોઈએ. તો ધ્યાન આવી ગયું. કારણ કે જાગૃતિ એ તો તમારી રોજની સાથે રહેનારી વ્યક્તિ છે. એ છૂટી પડવા તૈયાર પણ નથી. તમે બસ માત્ર મોહનું જે છે એ પી લો મજાનું. અમૃત કહો કે શરાબ કહો જે કહો. અને ઘેનમાં જતા રહો. બાકી જાગૃતિ એ તમારો સ્વભાવ છે. એટલે આ ધ્યાનદશા આવે છે ને ત્યારે ૨૪ કલાક સતત તમે એમાં જ રહો છો પછી. પછી બહાર આવવાનું મન થતું જ નથી અને બહાર આવવાનું થતું પણ નથી. બહારનો ક્રિયા-કલાપ સંભાળી લેવાય છે. પણ બહાર આવવાની જરુર નથી પડતી. એટલે પરભાવમાં તો એક ક્ષણ પણ તમારે આવવાની જરૂર રહેતી નથી.
એક સરસ ઘટના હમણાની જ કહું. એક બહુ મોટા યોગી હતા. અને ધ્યાનની પ્રગાઢદશામાં અંદર ઉતરેલા હતા. અને આવા ધ્યાનની પ્રગાઢદશામાં અંદર ઉતરેલા સાધક હોય એને જોઈએ શું? જંગલમાં એક ઝુંપડી હતી. બે-ચાર શિષ્યો આજુ બાજુની ઝુંપડીમાં રહેતા. મજાથી રહે છે. કશું જ જોઈતું નથી. પચાસેક કિલોમીટર દુર એક શહેર છે. શહેરમાં એક અબજોપતિ માણસ છે. એ જમાનાનો. આ સો-એક વરસ પહેલાની ઘટના છે. એ જમાનાનો અબજોપતિ માણસ. આખો દિવસ ધંધામાં રચ્યો-પચ્યો રહેનારો. ઉઠે ત્યાંથી કે ઊંઘે ત્યાં સુધી. રાત્રે સપનામાંએ બિઝનેસ જ હોય. એને એકવાર એના મિત્રએ કહ્યુ; કે એકવાર તું આ યોગીને મળવા માટે જા. એમનો સત્સંગ કર. તું ઉપાધિમાં સતત રચ્યો-પચ્યો રહે છે. એકવાર એમનો સત્સંગ માટે તું જા. હા જાઉં છુ કહે છે. સાલા ને રવિવારે એ ટાઇમ ન મળે. જાય ક્યાંથી?
એકવાર તો મિત્ર એ બહુ જ કીધું તું જો નહિ જઈ આવે ને તો કાલથી તારા ઘરે આવવાનું બંધ કરી દઈશ. એટલે ભાઈસાબ કાર લઈને ઉપડ્યા. જગ્યા મળી ગઈ. સંત એક ઝુપડીમાં હતા. યોગી. એટલે બહાર શિષ્યને પૂછ્યું; તો કહે, તમે અંદર જઈ શકો છો ઝુંપડીમાં. પણ ગુરુજી ધ્યાનમાં હશે. અને એમનું ધ્યાન ક્યારે પૂરું થશે, એ કોઈ કાંઈ કહી શકે નહિ. પેલા ભાઈ ગયા ત્યાં. હવે મિનિટ-મિનિટ ના હિસાબવાળો માણસ. પાંચ-દસ મિનિટ દર્શન કરી અને બે-ચાર વાક્યો સાંભળીને રવામાં થવું હતું એને. બેઠો અંદર. સંત બિલકુલ મૌનમાં. આંખો બંધ. હવે? એણે નક્કી કર્યું કે ચાલો પા કલાક તો બેસી જાઉં. એ પંદર મિનિટમાં. નાનકડી ઝુંપડી. બે જ જણા બેઠેલાં. યોગી અને આ અબજોપતિ. યોગીના શરીરમાંથી જે ઊર્જા નીકળતી હતી. એટલી પવિત્ર ઊર્જા! આ માણસ ચોંકી ગયો! આવી ઊર્જાનો અનુભવ એને ક્યારેય થયો નથી.
આપણે જેને લેશ્યા કહીએ છીએ ને, એ જ ઊર્જા છે. તમે નિર્મળહૃદયમાં એકદમ જાઓ; તમારી લેશ્યા એકદમ શુભ-શુભતર થવા જ લાગે. અને એ લેશ્યા જે છે એના કારણે તમારી બોડીમાંથી એ જે પુદ્ગલો વહે છે લેશ્યાના એની અંદર આ સુગંધ, એની અંદર આ એક અનુભવ હોય છે.
તો આ ઊર્જા મેળવી. નવાઈમાં ડૂબી ગયો. આમ વિદ્વાન માણસ હતો પાછો. હવે એને થયું બેસી જઈએ થોડી વાર. અડધો કલાક, કલાક બેઠો. જવાનું મન જ ન થાય હવે એને! એક કલાક બેઠો છે. જવાનું મન નથી થતું. એ માણસ એટલા નિર્ધારમાં આવે છે કે જો આ ગુરુ મને શિષ્ય તરીકે સ્વીકારે તો હું તૈયાર છું. કારણ કે આ ઊર્જા મળે; બસ જીવનનું કલ્યાણ થઈ જાય. ‘ગુરુણાં .…..’ જે લખ્યું છે ને એ આ કારણે લખ્યું છે. કલાક-સવા કલાક થયો. ગુરુએ આંખ ખોલી. જોયું, એને તરત જ વંદન કર્યું. પોતાની જાતને સમર્પિત કરી. કહે ગુરુદેવ! તમે જો મને તમારા શિષ્ય તરીકે સ્વીકારતા હોવ. તો કૃપા કરીને મને શિષ્ય બનાવો. ગુરુએ એટલું જ કહ્યું. બધું છોડીને આવી જા. બધું છોડીને આવી જા.
એ માણસ ઘરે ગયો. આ બનેલી ઘટના છે. પત્ની expired થયેલી છે. દીકરો છે નહિ. ફટાફટ વહીવટ પતાવવા લાગ્યો. આ ચેરીટેબલ ટ્રસ્ટને આટલા લાખ. આ ચેરીટેબલને આટલા. વિકલાંગો માટે કામ કરે છે એને આટલા લાખ. છેવટે પોતાનું જે હવેલી જેવું ઘર હતું એ પણ એક ચેરીટેબલ સંસ્થાને આપી દીધું. સાંજના સમયે માત્ર લેંઘો અને ઝભ્ભો બે એની પાસે હતા. એક રૂપિયો પણ એની પાસે હતો નહિ. હવે એને થયું કે હું ખાલી થઈ ગયો છું. ગુરુ પાસે જવાનું છે.
એ સાંજના છ-સાડા છ વાગે ગુરુની પાસે જાય છે. ગુરુએ એને જોયો. ગુરુ face reading ના master. ગુરુએ એટલું જ કહ્યું; get out. જતો રહે અહીંથી. અબ જાયે તો જાયે કહા? બધું જ છોડીને આવી ગયા છે. એ રાત એ માણસ રેલવેના સ્ટેશન ઉપર બાકડા ઉપર કાઢે છે. એક રૂપિયો પણ નથી કે બિસ્કીટ કે ચણા મમરા ફાકી શકાય. પણ છતાં એની જે શ્રદ્ધા છે એ ડગતી નથી. એ કહે છે કે મારામાં ક્યાંક ભૂલ છે, મારે શોધી કાઢવી જોઈએ. આ જન્માન્તરીય સાધના વિના ન બને. નહિતર એમ જ થાય. આવવા ગુરુ હોય? બધું છોડીને આવી જા. અને બધું છોડીને આવ્યા તો કહે, get out. આ કંઇ ગુરુ છે!
આપણે ત્યાં બીજી પરંપરાઓની ગુરુ-શિષ્યની પરંપરાની વાત જાણીએ ને તો પણ એમ થાય કે આપણે કેટલા પાછળ છીએ. લોકોત્તર શાસન આપણને મળ્યું, લોકોત્તર સદ્ગુરુ મળ્યા આપણને. છતાં આપણે સમર્પણમાં કેટલા કાચા હોઈએ છીએ!
આની શ્રદ્ધા ડગતી નથી. કેમ? એક કલાક એવી ઊર્જા મળી છે કે આ ગુરુ પ્રાણાંતે પણ ખોટું બોલી શકે નહિ. એ કોઈ જ અસત્ય કાર્ય કરી શકે નહિ. એ અસત્ય વચન બોલી શકે નહિ. એમની કાયા દ્વારા, એમના વચન દ્વારા, એમના મન દ્વારા કોઈ અશુભ પ્રવૃત્તિ ક્યારે પણ થઈ શકે નહિ. કારણ કે એમની ઊર્જા અત્યંત પવિત્ર છે. તો હવે એ શોધે છે where is my fault? ભૂલ ત્યાં નથી એ નક્કી છે. હું કંઇક ગુરુને સમજવામાં અધુરો રહ્યો છું.
તો ફરીથી વચન યાદ કરે છે. ગુરુએ શું કહેલું? બધું છોડીને આવી જા. ઓહો! બધું છોડીને આવી જા, એમ કહેલું ને? મેં તો માત્ર પૈસા અને ઘર છોડ્યું. અહંકાર એક સુક્ષ્મ મનમાં હતો. અહંકારી હતો કે ગુરુના લક્ષાધિપતિ ભક્તો પણ હતા બહાર. કોઈ કરોડપતિ ભક્ત પણ હતા. અબજોપતિ ભક્ત હું પહેલો જ છું. એટલે આ એક સુક્ષ્મ અહંકાર રહી ગયેલો. સવારે ચાર-સાડા ચાર – પાંચ વાગે ચિંતનમાં આ વાત પકડાઈ. અહંકારનું વિસર્જન કર્યું ત્યાં. જાય છે ગુરુના આશ્રમે ફરી. ગુરુ ઝુંપડીની બહાર બેઠેલાં. જ્યાં એને આવતો જોયો. એનો ચહેરો જોઈ લીધો. ગુરુ ઉભા થયા, સામે ગયા, એને બાહોમાં લઇ લીધો. વાહ હવે બરોબર. ધ્યાન એ વ્યક્તિને તો ઘણુ બધું આપે પણ સામી વ્યક્તિને કેટલું બધું આપી શકે છે! તો “ધ્યાન સહજ સંભારી રે”. સહજદશા છે ધ્યાનની અંદર.
