Mumukshu Vachna | 15-04-20 | Navsari Tapovan

23 Min Read

પંચાચાર

મુનિત્વ એટલે જ ઉદાસીનદશા. બધી જ વ્યવહાર સાધના આપણને ઉદાસીનદશા તરફ લઇ જાય છે; જેમ કે પંચાચારમયી સાધના. પાંચે આચારો આપણને ઉદાસીનદશા તરફ જ લઇ જાય છે. હું પાંચે આચારોને સ્થૂળ અને સૂક્ષ્મ એ બે રૂપમાં વિભાજિત કરું છું.

એક વર્ષમાં આટલા ગ્રંથો વાંચવા, આટલી ગાથાઓ કંઠસ્થ કરવી, રોજ ઓછામાં ઓછા આટલા કલાક સ્વાધ્યાય કરવો – આ બધું સ્થૂળ જ્ઞાનાચાર. અને ઊંડી અનુપ્રેક્ષા કરવી જે છેવટે અનુભૂતિને Touch થાય – એ સૂક્ષ્મ જ્ઞાનાચાર.

પ્રભુના વચનોનો શ્રદ્ધાપૂર્વકનો સ્વીકાર – _નિસ્સંકિઅ, નિક્કંખિઅ_ – આ સ્થૂળ દર્શનાચાર. અને પ્રભુના તે-તે વચનોની અનુભૂતિ કરવી – એ સૂક્ષ્મ દર્શનાચાર.




નવસારી તપોવન વાચના – 18 [15.4.2020]

મુનિત્વ એટલે જ ઉદાસીનદશા. આપણી બધી જ વ્યવહાર સાધના આપણને ઉદાસીનદશા તરફ લઇ જાય છે. જેમ કે પંચાચારમયી આપણી સાધના. પાંચે આચારો આપણને ક્યાં લઇ જાય છે? ઉદાસીનદશા તરફ જ લઇ જાય છે.

હું પાંચે આચારોને સ્થૂલ અને સુક્ષ્મ એ બે રૂપમાં વિભાજિત કરું છું. સ્થૂલ જ્ઞાનાચાર – એક વર્ષમાં આટલા ગ્રંથો વાંચવા, એક વર્ષમાં આટલી ગાથાઓ કંઠસ્થ કરવી, રોજ પણ ઓછામાં ઓછા આટલા કલાક સ્વાધ્યાય કરવો, આ બધું સ્થૂલ જ્ઞાનાચાર છે. સુક્ષ્મ જ્ઞાનાચારમાં શું આવશે? કે ઊંડી અનુપ્રેક્ષા; અને એ અનુપ્રેક્ષા અનુભૂતિને Touch થાય.

સુક્ષ્મ જ્ઞાનાચાર માટે એક વર્ષનો કોર્ષ જ્ઞાનસારનું મૌનાષ્ટકમાં હું આપું છું. એક વર્ષ. પણ એવી રીતે ઘૂંટાવું જોઈએ કે આત્મસાત્ થઇ જાય. “चारित्रमात्मचरणाद्” બીજી વાત જ નહિ! આત્મામાં, આત્મગુણોમાં, આત્મ-સ્વરૂપમાં તમે કેટલા ઊંડા ગયા? “चारित्रमात्मचरणाद्” નિશ્ચય ચારિત્રની આ વ્યાખ્યા છે.

અને એટલે જ આગળ કહ્યું:

तथा यतो न शुध्धात्म-स्वभावाचरणं भवेत्।

फलं दोषनिवृत्तिर्वा, न तद् ज्ञानं न दर्शनम्॥

એ જ્ઞાન, જ્ઞાન નથી. એ દર્શન, દર્શન નથી. કે જેના દ્વારા તમે શુદ્ધ આત્મ-સ્વરૂપનો સ્પર્શ ન કરો.

તો જ્ઞાનસારનું એક મૌનાષ્ટક, એક વર્ષ સુધી ઘૂંટવાનો. પછી ઘણીવાર હું કહું; કે પહેલો શ્લોક છે ને, એમાં આખું વર્ષ જાય તો મને વાંધો નથી. “मन्यते यो जगत्तत्वम्, स मुनि: परिकीर्तित” હું માત્ર જગતના તત્વોને જાણું છું? કે કોઈ પર્યાયોમાં હું ઉલઝી પણ જાઉં છું? કોઈ પણ પર્યાયોમાં હું ઉલઝતો હોઉં, રતિ અને અરતિમાં આવતો હોઉં, તો ‘मन्यते यो जगत्तत्वम्’ માં મારો સમાવેશ નથી. તો આ રીતે તમે અનુપ્રેક્ષા કરો, તો અનુભૂતિ થાય ‘જ’! કેમ ન થાય…?!

કારણ, ઝંખના આપણી સાચી છે. માર્ગ આપણો appropriate છે. ઘણીવાર ઝંખના હોય પણ ખોટો માર્ગ પકડાઈ ગયો. તો ઝંખના કામ નહિ આવે. મંઝિલ નહિ મળે. ઝંખના આપણી સાચી છે. માર્ગ આપણો એકદમ appropriate છે. હવે મંઝિલ કેમ ન મળે! મંઝિલ મળે ‘જ’. અને આમ જુઓ તો કેટલું સરળ છે! પર્યાયો આમેય તમારા હાથમાં નથી! ક્રમબદ્ધ પર્યાય છે, એક પછી એક પર્યાય આવ્યા કરશે. જશે. તમે એમાં જઈને પણ શું કરશો?! તો એક વર્ષ સુધી જ્ઞાનસારનું મૌનાષ્ટક ઘુંટવાનું છે.

દર્શનાચારમાં, સ્થૂળ દર્શનાચાર – પ્રભુના વચનોનો શ્રદ્ધાપૂર્વકનો સ્વીકાર. નિસ્સંકિઅ, નિક્કંખિઅ. પ્રભુના દરેક વચનોનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર, આ સ્થૂલ દર્શનાચાર. સુક્ષ્મ દર્શનાચારમાં – પ્રભુના તે-તે વચનોની અનુભૂતિ તમારે કરવી છે.

આપણે ત્યાં છે ને ત્રણ શબ્દો આવે છે; વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા. કોઈ પણ સામાન્ય માણસ છે, એનું કહ્યું આપણે માનીએ એ વિશ્વાસ. કાચા રસ્તે જતા હોઈએ, બે રસ્તા પડ્યા, તો હવે આપણી મંઝિલ કયા રસ્તે મળશે, આપણને ખબર નથી. આપણે અજાણ્યા છીએ. તો બાજુના ખેતરમાં રાઈના ખેડૂતને આપણે પૂછશું કે ભાઈ! મારે આ ગામ જવું છે, કયા માર્ગે જવાનું? મહારાજ જમણે જમણે ચાલ્યા જાવ. તો એના વચન ઉપર વિશ્વાસ રાખીએ એ વિશ્વાસ – પહેલું ચરણ. આપણા જે આપ્તપુરુષો છે. એ આપ્તપુરુષોના વચન ઉપર શ્રદ્ધા રાખીએ એ આસ્થા છે. “तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं?” અને પ્રભુની પછી પણ જે પૂર્વાચાર્યો જ્ઞાની ભગવંતોએ કહ્યું છે એ સાચું જ છે, એમાં સહેજ પણ સંદેહ નથી. આ આસ્થા છે, આ શ્રદ્ધા નથી હજુ.

તો શ્રદ્ધા ક્યારે આવે? એ જે વચન છે પ્રભુનું, એની અનુભૂતિ તમને થઇ, તો તમે માની શકો કે તમને ખરેખર શ્રદ્ધા થઇ છે. તો સ્થૂળ દર્શનાચારમાં પ્રભુના વચનો પ્રત્યેનો આદર છે. સુક્ષ્મ દર્શનાચારમાં એવી શ્રદ્ધા, એવી અનુપ્રેક્ષા ભળી છે, કે જે તમને પ્રભુના વચનોનો અનુભવ કરાવે છે. પછી એક સૂત્ર કાફી છે તમારા માટે.!

પ્રભુના આ વચનોને આત્મસાત્ કરીને અનુભૂતિમાં જવા માટે એક વર્ષના કોર્ષમાં હું દેવચંદ્રજી મહારાજનું સુવિધિનાથ ભગવાનનું સ્તવન આપું છું. એક વર્ષનો કોર્ષ. કારણ કે દેવચંદ્રજી મહારાજ જેવા જ્ઞાની પુરુષ આપણો હાથ પકડી અને આપણને અનુભૂતિ તરફ દોરી જાય એવો આભાસ આપણને ત્યાં થાય છે.

આમાં શું હોય છે, પરાવાણી છે ને આ. પરાવાણી જે છે ને એ અંત:સ્તરથી નીકળેલી હોય છે. અને એના કારણે એનામાં જે બળ હોય છે ને એ બળ બહુ જ જોરદાર હોય છે. એ શબ્દો જે છે ને, એ શબ્દોમાં એમણે શક્તિ મુકેલી છે. દેવચંદ્રજીને વાંચો. આનંદઘનજીને વાંચો. તમારી ભીતર કંઈ સળવળાટ થશે. એ સળવળાટ કેમ થાય છે? એમના દ્વારા એ શબ્દોમાં શક્તિ મુકાઈ છે. એટલે જેમ મૂર્તિ સપ્રાણ બને ને, એમ શબ્દ પણ સપ્રાણ બને. તો એવા મહાપુરુષોએ સપ્રાણ શબ્દો મુકેલા છે. અને એ સપ્રાણ શબ્દોને તમે ઘૂંટો; અનુભૂતિ આ રહી.!

એ નવમાં સ્તવનની એક કડી આજે કહું. એમાં ત્રણ સાધના આપી છે. સાધક તરીકે તમે છો. તમારે જડ જગત જોડે પણ કામ પડશે. ચેતના જગત જોડે પણ તમારે કામ પડશે. અને સ્વમાં તો તમારે જવાનું જ છે. તો ત્રણ જગત તમારી સામે થયા. જડ જગત, ચેતના જગત અને સ્વનું જગત. હવે તમે સાધક છો. તો દરેક પદાર્થો સાથે તમારો વ્યવહાર કેવી રીતનો હશે?

એના માટે પહેલી સાધના આપી:

“તુમે પ્રભુ જાણંગ રીતે, સર્વ જગ દેખતાં હો લાલ”

જ્ઞાતાભાવે પૂરા જગતને, પૂરા જગતમાં રહેલા પદાર્થોને જોવા એ જડ જગત પ્રત્યેનો સાધકનો દ્રષ્ટિકોણ. તો સામાન્ય માણસમાં અને સાધકમાં ફરક ક્યાં પડ્યો? સામાન્ય માણસ કહે છે; આ ખુરશી સારી અને આ ખુરશી ખરાબ. સાધકની પાસે ઉપયોગિતા વાત છે. હું નીચે નથી બેસી શકતો. ખુરશી જોઈએ. પણ ક્રીમ કલરની, એસ કલરની, કયા કલરની જોઈએ એવું મારા મનમાં કંઈ છે નહિ. ખુરશી ન હોય ને, પાટ હોય તો ય ચાલે. પાટ ન હોય ને, ટેબલ હોય તો ય ચાલે. બસ બેસવા માટે કંઈક જોઈએ. એ કંઈક જોઈએ એ વાત આવી ને, ત્યાં attachment તૂટ્યું. Attachment તમારી choices માં છે. મને તો આ જ ગમે. મને તો આ જ ફાવે. મને તો આના વિના ચાલે જ નહિ! આ જે choices છે આપણી, એના કારણે જડ જગત જોડે attachment થાય; અને attachment ને કારણે આપણે રાગ અને દ્વેષમાં જે છે એ ફસાઈ ગયા.

તમારા ગુરુ મહારાજના જીવનની એક ઘટના કહું; એક શહેરમાં સાહેબજી ગયેલા. અને એક ભક્તનો બંગલો હતો. ભક્તની બહુ વિનંતી હતી. સાહેબ ત્યાં ગયા. એ અનન્ય ગુરુ ભક્ત હતો. પણ, શોખીન માણસ હતો. શ્રીમંત પણ હતો. બંગલો હાઈ-ફાઈ બનાવેલો. ફર્નીચર પણ હાઈ-ફાઈ બનાવેલું. ઊંચામાં ઊંચા લાકડામાંથી એકદમ કાર્વિંગ સાથેના ફર્નીચર્સ હતાં. સાહેબ બેઠા ખુરશી ઉપર. સાહેબ આ ખુરશી આપ ઉપર બેઠા છો ને, ત્રણ કારીગરો એક મહિના સુધી સતત કામ કર્યું ને ત્યારે આ કોતરકામ થયું છે. એટલે ગુરુ ભક્ત ખરો પણ ઊંડું જ્ઞાન નહતું એની પાસે. સાહેબ તો હસતાં રહ્યાં. થોડી વાર પછી ઉભા થયાં. આમ જોવા મંડ્યા. તો કે સાહેબ બરોબર છે ને? ખુરશી સરસ થઇ છે ને…? સાહેબ કહે હું એ જોઉં છું કે તું મરીને આમાં ક્યાં જીવડાં તરીકે ઉત્પન્ન થઈશ! પછી જે લપડાક લગાવી છે. સાલા, સંસારી માણસ છે. તારે ઘરે જોઈતું હોય એ જોઈએ, પણ આટલી બધી રાગદશા છે તારી!

સંવેગ રંગશાળામાં સાધ્વીજીની વાત આવે છે. વૃદ્ધ સાધ્વીજી, અનેક એમની શિષ્યાઓ. સાધ્વીજી એકદમ પરિણત. સહેજ પણ વિરાધના કોઈ સાધ્વી કરે, શિષ્યા કરે, ચલાવી ન લે. એમાં એવું બન્યું, કે છેલ્લા સમયમાં સ્થાપનાજી મુકવા માટે એક બાજોઠીયો બહુ સારો આવ્યો. હવે એમાં તો હીરા – મોતી તો જડેલા હતા નહિ. લાકડાનો હશે અને પોલીસ સારું કર્યું હશે. એમાં એ ગુરુણીજીનું મન લાગી ગયું! આ બહુ સરસ છે!

એક વાત યાદ રાખો – રાગદશાને પોષવા માટે, attachment માટે કોઈ હાઈ-ફાઈ પદાર્થોની જરૂર નથી. ભિખારી પોતાના ઝુંપડા ઉપર પણ એટલું જ attachment રાખી શકે છે. એટલે ક્યારેય ભ્રમણામાં ન રહેવું કે સાદા વસ્ત્રો પહેર્યા છે એટલે મને રાગદશા નહિ આવે. જાગૃતિ તો પુરી રાખવાની છે.

તો એ ગુરુણીજી અસાવધાન થઇ ગયા. એ પાટલો ગમી ગયો. હવે કેટલો ફરક પડી ગયો. પહેલાં કોઈ પાટલાને એમને એમ મૂકી દે ને, તરત કહે, કેમ? પૂંજ્યા વગર મુકાય? પૂંજીને પછી મુકવાનો હોય! અને હવે એ પાટલાને કોઈ મુકે ને કેમ જોરથી પટક્યો? પાટલો ભાંગી જશે તો! એ સાધ્વીજી કાળ કરી ગયા. શિષ્યાઓને તો એમ જ હતું કે ક્યાંય ઉંચે ગયા હશે. એકાદ મહિના પછી જ્ઞાની ગુરુ પધાર્યા. તો જિજ્ઞાસા વશ પૂછ્યું; કે અમારા ગુરુદેવ ક્યાં ગયા? તો જ્ઞાની ગુરુએ કહ્યું; કે તમારા ઉપાશ્રયમાં હમણાં એક ગરોળી ફરે છે ને, અને એ સ્થાપનાજીના બાજોઠીયા પાસે જાય છે. તમે દંડાસનથી કાઢો તો ફરી પાછી ત્યાં આવે છે. તમારા ગુરુણીજી મરીને એ ગરોળીના અવતારમાં આવ્યાં છે! આટલા જ્ઞાની સાધ્વીજી! એક નાનકડા પદાર્થ પર attachment થઇ ગયું; આખો જન્મ હારી ગયા!

એટલે જડ જગત જોડેની સાધના આ – પદાર્થોનો ઉપયોગ કરવાનો. પરંતુ રાગદશા ક્યાંય ગાઢ બનવી ન જોઈએ. જરૂરી છે તમારા માટે જોઈએ. જોઈએ એનો વાંધો નથી. પણ એના પ્રત્યે અત્યંત રાગદશા ન જોઈએ.

શિબિરમાં, ધ્યાન શિબિરમાં white and white પોશાક હોય છે. તો હમણાં મેં એક શિબિરમાં બહેનોને કહેલું; કે તમને આ પોશાક જો ગમી ગયો હોય ને, તમારા કેટલા કલાકો બચી જાય. આ પહેરું કે આ પહેરું? આ કલરનું કોમ્બીનેશન કરું કે આ કલરનું કોમ્બીનેશન? બધી માથાકૂટ મટી જાય.

તો જડ જગત જોડે જ્ઞાતાભાવ.

ચેતના જગત જોડે શું? “નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતાં હો લાલ” પરમ મૈત્રીભાવ ચેતના જગત સાથે. એક-એક વ્યક્તિ તમને અનંત ગુણોથી યુક્ત લાગવો જોઈએ. “નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતાં હો લાલ” એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત છે. શ્રીપાળજીને ધવલ ઉપર જે ગુસ્સો ન થયો, એનું કારણ આ જ હતું.

બૌદ્ધ જાતકકથામાં એક સરસ પ્રસંગ આપે છે. બુદ્ધના પૂર્વ જન્મ હોય ને એને બોધિસત્વ કહેવાય છે. અને એ જન્મોમાં જે કથાઓ થઇ હોય, એને જાતકકથાઓ કહે છે. તો બુદ્ધ પૂર્વ જન્મમાં બોધિસત્વ રૂપે હતાં. પણ, પાડાના અવતારમાં હતા. પાડાનો અવતાર. પણ જ્ઞાન છે. તિર્યંચની પાસે જ્ઞાન તો હોય જ છે. અને એમાં જન્માન્તરીય જાતિસ્મરણ દ્વારા મળેલું જ્ઞાન હોય, તો તો ઘણું શ્રેષ્ઠ જ્ઞાન હોય. તો આવું જન્માન્તરીય સાધનાનું જ્ઞાન એની પાસે છે. એક શેઠને ત્યાં એ પાડો રાખેલો. ત્યાં પાણીની તકલીફ હતી. નદી દૂર હતી. પાડો રાખેલો. પખાલી સવાર ને સાંજ પખાલ ભરી આવે. પીપો ભરી કાઢે. અને પાડો જે છે એને ઝાડ નીચે બાંધી દે ચોગાનમાં. અને ખાવા-પીવાનું આપી દે. એ ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો. એ કાગડો અવળચંડો હોય જ. અને ઘણીવાર એ પેલા પાડાની પીઠ ઉપર બેસે. ચાંચ મારે. ક્યારેક તો અસાવદ્ય હોય પાડો તો એની આંખ પાસે ચાંચ મારીને જતો રહે. છતાં પાડો કોઈ reaction ન આપે. કોઈ જ reaction નહિ!

તો એ ઝાડ ઉપર એક વ્યંતરદેવ રહેતો હતો. એ વ્યંતરદેવે પાડાને એની ભાષામાં પૂછ્યું; કે આ કાગડો તને હેરાન કરે છે, એકવાર ખો ભુલાવી દે ને એને. દાણા-બાણા ચણવા માટે એ નીચે તો જમીન પર ઉભો હોય ને. એ જમીન ઉપર હોય ને, એક પાટું એવી માર ને, કે ખો ભુલી જાય.! એ વખતે એ પાડો શું કહે છે કે કાગડો મારો ઉપકારી છે. ગુરુ છે. તો ગુરુને તો કેમ પાટું મરાય? દેવ પણ નવાઈમાં પડી ગયો. કાગડો તારો ગુરુ છે! કઈ રીતે? તો કહે મારામાં સમભાવ છે કે નહિ? એની ખાતરી મને આના દ્વારા થાય છે. મારો તો કોઈ વાંક છે નહિ, એમનેમ મને હેરાન કરે છે છતાં મને સમભાવ રહે છે; એટલે મારી ભીતર સમભાવ છે, એની પરીક્ષા એ કરે છે, અને પરીક્ષક હોય, એ ગુરુ જ હોય ને.!

ગુરુ દત્તાત્રયના ૨૪ ગુરુઓ હતા. ૨૪ ગુરુ.! સૌથી પહેલો ગુરુ ચોર હતો એ. દત્તાત્રય બહુ જ શ્રીમંત કુટુંબમાં જન્મેલા. પિતા એટલા બધા શ્રીમંત હતાં, કે એને સ્કુલે પણ જવાનું કામ નહતું. મોટા-મોટા પંડિતો ઘરે ભણાવવા માટે આવતાં. ૧૫-૧૬ વર્ષની દત્તાત્રયની ઉંમર. અને એકવાર એ બારી પાસે બેઠેલો. અને ત્યાં એક સરઘસ નીકળ્યું. આગળ ફૂટેલો ઢોલ વાગે. ગધેડા ઉપર એક માણસને બેસાડેલો. મોઢું એનું કાળું કરેલું. દત્તાત્રય વિચારમાં પડી ગયા. આ કયો વરઘોડો છે? કારણ કે વ્યવહારની દુનિયાથી બિલકુલ અજ્ઞાન હતાં. પોતાના એક નોકરને બોલાવ્યો. કે આ શેનો વરઘોડો જાય છે? તો કહે સાહેબ! આ ચોર છે. ચોરી કરતાં એ પકડાઈ ગયો. અને આપણા રાજ્યનો ઓર્ડર છે કે ચોરી કરતાં પકડાઈ જાય એટલે ફાંસીની સજા આપી દેવાની. તો એને ગામ બહાર ફાંસીના માંચડે ચડાવવા માટે લઇ જવામાં આવે છે. પણ, બધા લોકોને ખ્યાલ આવે કે આને ચોરી કરી હતી. માટે એને ફાંસીની સજા મળે છે. બીજા ચોરી ન કરે એટલા માટે આ રીતે આને લઇ જાય છે. દતાત્રય ચોંકી ગયા. એક રાજાની ચોરી કરે આ માણસ, એને ફાંસી મળે, તો પ્રભુની ચોરી હું કરું તો મને શું મળે?

એક ભક્તે કહ્યું છે; “રતિ-રતિ કા અપરાધી હું મેં, તિલ-તિલકા હું મેં ચોર” મેં ચોરી ક્યાં નથી કરી? પ્રભુ આપણને અહીંયા શા માટે લાવ્યાં? આપણે એને મળીએ, એના માટે! આપણે બીજા બધામાં અટવાઈ ગયા.!

શેઠે મુનીમને કામ સોંપ્યું હોય, કે આ ભાઈના ત્યાં જા અને આટલા પૈસા ઉઘરાણીના લઈને આવ. હવે એ મુનીમ પેલાના ત્યાં જવાને બદલે થિયેટરમાં જાય, ત્રણ કલાક આરામથી પિક્ચર જોવે. પછી બીજું વળી કંઈ કામ હોય તો કામ પતાવી નાંખે, છેલ્લે પેલાને ત્યાં જાય અને પેલાનું ઘર બંધ હોય, તો ખાલી હાથે પાછો આવે. કેમ શું થયું? સાહેબ એનું ઘર બંધ હતું, કહે છે. મેં રાહ ઘણી જોઈ, વાત તો બનાવી પડે ને પછી…! ચાર કલાક બેઠો એને ત્યાં, કદાચ આવી જાય તો પણ આવ્યો જ નહિ સાહેબ! તો આ મુનિમે ચોરી કરી કે નહિ? શેઠે જેના માટે મોકલ્યો, એને બદલે બીજું એણે કર્યું તો એણે ચોરી કરી? પ્રભુએ આપણને જે આજ્ઞા આપી છે, સદ્ગુરુએ જે આપણને આજ્ઞા આપી છે, એના કરતાં બીજું આપણે કરીએ તો? આપણે ચોર થઇ ગયા.!

એટલે પ્રભુએ તમને બધાને પણ શા માટે અહીં લાવ્યા છે? તમે પ્રભુને મળી શકો એના માટે.! આ જન્મમાં પ્રભુ આપણને લઈને આવ્યા. પણ પ્રભુ એટલા માટે લાવ્યા આપણને કે આપણે એને મળી શકીએ.

હું ઘણીવાર કહું છું કે આપણે લોકોએ શું કર્યું? આપણો ultimate goal જ ભુલી ગયા આપણે! ડીસા કે પાલનપુરનો એક છોકરો હોય. એ મુંબઈ જાય. કારણ કે એને જોયું કે diamond માં કમાણી સારી છે. હું થોડું શીખી લઉં. આગળ પહોંચું. મારી કરિયરના જોરે, તો હું શ્રીમંત બની શકું. એ માણસ બોમ્બે જાય છે. બહુ પૈસા ઓછા છે એની પાસે. હવે રહેવા માટે ભાડાની રૂમ પણ મુંબઈમાં પરવડે એમ નથી. એટલે ૫-૭-૧૦ છોકરાઓ ભેગા થઇ ભાડાની રૂમ લે છે. ક્યાંક જમવાનું ગોઠવી લે છે. હવે જમવાનું બે ટાઈમ કરે જ છે એ લોકો, નથી કરતાં એમ નહિ. રાત્રે રૂમમાં રહે જ છે, નથી રહેતા એવું નહિ. પણ એ છોકરો આવ્યો શેના માટે? જમવા માટે આવ્યો? મુંબઈની ખોલીમાં રહેવા માટે આવ્યો? કે હીરાને ઘસીને પૈસા કમાવવા માટે આવ્યો? એનો goal છે ને, પૈસા કમાવવાનો છે. ખાવાનું એના ઘરે બહુ સારું હતું. એની માં એને ગરમાગરમ રોટલી-દાળ ખવડાવતી હતી. રહેવા માટે મોટું ઘર હતું દેશની અંદર. મોટા ફળિયાવાળું સરસ મજાનું ઘર હતું. એ છોડીને અહીંયા આવ્યો. કેમ? કે હવે એક જ લક્ષ્યાંક નક્કી છે એટલે એ જમતો હોય ત્યારે, રાત્રે સુઈ ગયો હોય ત્યારે લક્ષ્યાંક એનું એક જ છે, ૨૪ કલાકનું, પૈસા કઈ રીતે કમાવવા?

આપણું લક્ષ્યાંક ૨૪ કલાક શું, બોલો? ભગવાને ખાવાની ના નહિ પાડી આપણને. પીવાની ના નથી પાડી. પણ ભગવાન કહે છે, કે તારું લક્ષ્યાંક તું વિસરતો નહિ એમ. તું ખાવા માટે અહીં નથી આવ્યો. તું મોજ-મજા માટે અહીં નથી આવ્યો. તું મારા માટે આવ્યો છે. અને એટલે તમને ખબર છે? આ લક્ષ્યાંક મુનિ પાસે હોય છે. માટે પ્રભુ મુનિની ૨૪ કલાકની દિનચર્યાને સાધનામાં લખી લે છે. પ્રભુ એમ નથી કહેતાં, તું સ્વાધ્યાય કર્યો એટલો સમય સાધનાનો ગણાય. તું વૈયાવચ્ચ કરે, એને પણ હું સાધનાનો સમય ગણી દઉં છું. પણ તું ખાતો હોય, તું સુઈ ગયો હોય, તો એ સમયને હું સાધનામાં કેમ લખી શકું? – એમ ભગવાને નહિ કીધું. ભગવાને કહ્યું; તારા ખાવાનો સમય, તારો સુઈ જવાનો સમય, એ બધો સમય પણ હું સાધનામાં જ લખું છું. શું કારણ? કારણ શું? તારું લક્ષ્યાંક મારી આજ્ઞા તરફ જ છે. તું ખાય છે. અને એક જ વાત છે મારા પ્રભુએ એ રીતે કહ્યું છે એ રીતે વાપરવું છે. તું સુઈ જાય છે પણ મારા પ્રભુએ કહ્યું છે એટલા માટે સુઈ જાઉં છું. અને શરીર થાકેલું છે અને એટલે થોડો આરામ આપી દઉં અને એકદમ fresh થઇ અને પાછો સાધનામાં જોશથી લાગી જાઉં એટલા માટે હું ઊંઘું છું. ઊંઘનો ઉદ્દેશ પણ સાધના છે.

વર્ષીતપ કરે ને કોઈ ભાગ્યશાળી. અને ગ્રહસ્થ હોય. સવારે ૮-૮.૩૦-૯ વાગે પૂજા કરીને આવ્યો હોય. ઠાઠ-માઠથી જમવા બેસી જાય. રાબડી હોય ને, શીરો ય હોય ને. કોઈ આવે? અરે અત્યારે ૯ વાગે? શું માંડ્યું છે પણ? મારે વર્ષીતપ છે. ગઈકાલે ઉપવાસ હતો. સાંજે ૪-૪.૩૦ એ બેઠેલો હોય, બધું જ પૂરું, ભાખરી, શાક, આ-તે બધું જ પૂરું… અરે પણ ૪ વાગે શું માંડ્યું છે આ? મારે આવતી કાલે ઉપવાસ છે. એટલે એનું એક-એક ભોજન ભજન સાથે સંકળાઈ ગયું. ભોજન કરે છે પણ શા માટે? એટલે ખરેખર છે ને breakfast શબ્દ છે ને, વર્ષીતપવાળા માટે સાચો ગણાય. નહિતર તો આપણે શું કરીએ? રાત્રિનો fast-ઉપવાસ. અને સવારે પારણું. આ breakfast સાચો ગણાય. કે ભાઈ આખા દિવસનો fast-ઉપવાસ છે. હવે એને break કરવાનો.

તો જેમ વર્ષીતપના સાધકની એક-એક બેસણાનું લક્ષ્યાંક ઉપવાસ સાથે જોડાયેલું છે. મારે ઉપવાસ કરવો છે માટે શરીરને ટેકો આપવા માટે થોડું ખાઈ લઉં. એટલે ખાવા માટે નથી ખાતો. તપશ્ચર્યા માટે એ ખાય છે. તો તમારું ultimate goal ૨૪ કલાક માટે એક નક્કી છે…? પ્રભુની આજ્ઞા છે – કે મારે સ્વમાં જ જવાનું છે. તો ૨૪ કલાક સ્વમાં ભલે ન હોવ, પણ સ્વમાં જવાનું લક્ષ્યાંક તો છે ને? અને વાત તો એવી છે કે તમે પરનો ઉપયોગ કરતાં હોવ ત્યારે પણ સ્વમાં રહી શકો. શરીર ભોજન લેતું હોય, અને તમે તમારી સાધનામાં હોવ, યા તો કઈ મજાની અનુપ્રેક્ષા કરતાં હોવ. એટલે અત્યાર માટે એવું કંઈ કરો, કે શુભમાં તો મન ૨૪ કલાક જોઈએ. સ્વમાં જવું એટલે તો શુદ્ધમાં જવાની વાત છે. ગુણનો અનુભવ. સ્વરૂપનો અનુભવ થાય. પણ એ ભલે પછી થાય. શુભમાં તો ૨૪ કલાક રહેવું જ છે. એટલે ખાતી વખતે પણ ઉપયોગ કોઈ સ્તવનની કડીમાં હોય. કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એના પદાર્થમાં હોય. પાત્રા જે પડ્યું છે, એમાં ન હોય. આ રીતે કોઈની જોડે વાતચીત કરો છો તો પણ માત્ર વાતચીત કરી લીધી. એમાં પણ છે ને, તમારું ઉપરનું મન છે ને, વાતચીત કરી પણ લે. કારણ કે આ એક ટેવ પડી ગઈ રોજની, ક્યાં શબ્દો વાપરવાના હોય. ઉપરનું મન એ કામ કરી લે છે પણ અંદર તમે તમારું કામ કરતાં હોવ. બે track જોડે-જોડે ચાલી શકે છે. પણ મૂળ લક્ષ્યાંક નક્કી જોઈએ.!

એક સરદારજી મહેસાણાના સ્ટેશને બેઠેલા. અમદાવાદ જવું હતું. ટિકિટ લઇ લીધેલી. એમાં એક ફાસ્ટ (ટ્રેન) અમદાવાદથી દિલ્લી જઈ રહ્યો હતો. કો’કને પૂછ્યું સરદારજીએ; યે ગાડી કહાં જા રહી હૈ? તો કહે અહમદાબાદ જા રહી હૈ. પેલાએ ભૂલથી કહી દીધું બિચારાએ. સરદારજી ચડી ગયા. જગ્યા પણ સારી મળી ગઈ. આખી બર્થ ઉપર આસન જમાઈ દીધું આમ આરામથી. અમદાવાદ સુધી જવાનું છે. અચાનક ઉપર નજર ગઈ. ઉપર પણ સરદારજી હતાં. તો સરદારજીને સરદારજી મળે એટલે રાજી થઇ જાય ને! તો નીચેવાળાએ ઉપરવાળાને પૂછ્યું; અજી કહાં જા રહે હો? ગાડી તો દિલ્લી જતી હતી. અને પેલા ઉપરવાળા સરદારજી પણ દિલ્લી જ જતા હતા. તો મેં તો દિલ્લી જા રહા હું. નીચેવાળા વિચારમાં પડી ગયા. અમદાવાદ આમ અને દિલ્લી આમ. પછી નીચેવાળા સરદારજી કહે, દેખો વિજ્ઞાન કિતની તરક્કી કર ગયા હે! કી નીચેવાલી બર્થ તો અમદાવાદ જા રહી હૈ, ઓર ઉપરવાળી બર્થ દિલ્લી જા રહી હૈ! આપણે બે બર્થ નહિ રહે. આપણે એક જ રાખવાની છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *