Mumukshu Vachna | 14-05-20 | Navsari Tapovan

21 Min Read

વીર્યાચાર – પિંડસ્થ ધ્યાન

પિંડસ્થ ધ્યાનમાં સાધક પિંડમાં એટલે કે દેહમાં રહેલ જ્યોતિર્મય તત્ત્વનું દર્શન કરશે. અને એ માટે ભેદજ્ઞાન અંતર્ગત ધારે. આ શરીર તે હું નહિ; શરીરમાં રહેનાર આનંદઘન ચૈતન્ય હું છું – આ ભેદજ્ઞાન ભીતર જવું જોઈએ. બાકી માત્ર હું દેહ નથી – એમ જાપ કરવાથી કંઇ દેહાધ્યાસ તૂટતો નથી!

તમે બોલી રહ્યા હોવ, શબ્દોનો ઉપયોગ થતો હોય, પણ શબ્દ પણ જડ અને એનો ઉપયોગ કરનાર શરીર પણ જડ. બોલતા બોલતા એક ક્ષણ એવી આવે કે તમે બોલનાર ન હોવ, માત્ર જોનાર હોવ. માત્ર Observation. માત્ર દ્રષ્ટાભાવ. સ્વનું ખાનું અને પરનું ખાનું બંને અલગ થઇ જાય.

કદાચ એમ લાગે કે પરભાવ તો અનાદિનું અભ્યસ્ત છે અને સ્વભાવનો અભ્યાસ તો છે જ નહિ. ત્યારે અનાદિની સંજ્ઞાથી વાસિત મારું મન પરભાવમાં જતું હતું; હું તો શુદ્ધ જ છું. પરનો અભ્યાસ ભલે અનાદિનો હોય, તો પણ એને એક જન્મની સાધનાથી હું કાઢી શકું છું. – આમ શક્તિ વિચારી શાંતતા પામે.




નવસારી તપોવન વાચના – 47 [14.5.2020]

રૂપસ્થ અને પદસ્થ બે ધ્યાન આપણે જોયા. બંને ધ્યાનનો Ultimate goal શું છે? આત્મ-સ્મૃતિ અને આત્માનુભૂતિ. રૂપસ્થ ધ્યાનમાં તમે વિકારોને જોયા, વિભાવોને જોયા પણ ત્યાં તમે માત્ર જોઈ રહ્યા છો અને માત્ર જ્યાં જોઈ રહ્યાં છો ત્યાં દ્રષ્ટાભાવ આવી જાય.
આજનો માણસ છે ને કોઇ પણ ક્રિયા only તો કરતો જ નથી હોતો. કે ફક્ત આ જ કરવું. કારણ કે મન વિવરિંગ છે. જે વાતો આપણા શાસ્ત્રજ્ઞ મહાપુરુષો કહેતા હતા એ આજનો મનોવૈજ્ઞાનિક પણ કહે છે. આજનો મનોવૈજ્ઞાનિક કહે છે; કે આજનો માણસ કોઈ કામ only તો કરતો જ નથી! એ ઓફિસે જવા માટે ઘરે જમતો હોય ત્યારે જમવાની ક્રિયામાં એનું ધ્યાન નથી હોતું. ઓફિસે જવું છે. ઓફિસમાં શું કામ પતાવવું છે. ઓફિસે ગયા પછી ઘરની ફાઈલ ખોલીને બેસી જાય છે. પત્નીએ આમ કહેલું, દીકરાએ આમ કહેલું. સાંજે ઓફિસેથી ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી ઓફિસની ફાઈલ ખોલીને બેસી જાય છે. એટલે મનોવૈજ્ઞાનિક પણ કહે છે – જે વખતે તમે જે કરો, એ માત્ર ‘એ જ’ કરો, બીજું નહિ કરો. Work while you work. Play while you play. That is the way to happy and gay.
તો રૂપસ્થ ધ્યાન તમને ‘માત્ર’ જોવાની એક મજાની વિધિ આપે છે. એ માત્ર જોવાની વિધિનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો. શુભ ક્રિયા જે પણ કરો છો એમાં તલ્લીન થઈ જાવ. પ્રતિક્રમણ કરો છો ત્યારે માત્ર તમારો ઉપયોગ પ્રતિક્રમણ માં જ હોય. ભક્તિ કરો છો ત્યારે તમારો ઉપયોગ માત્ર એમાં જ હોય.
તો રૂપસ્થ ધ્યાને આત્મસ્મૃતિ કરાવી કે દર્શન તારો ગુણ છે; દ્રષ્ટાભાવ તારી પાસે હોવો જ જોઈએ. વિભાવમાં ન જાઓ, એવું રૂપસ્થ ધ્યાન નથી કહેતું. પણ વિભાવમાં ગયા તો એને જોઈ લો. બોલો આ એકદમ સરળ નથી? રાગ અને દ્વેષ કરવાની ના રૂપસ્થ ધ્યાન નથી પાડતું.! પણ એ કહે છે કે જ્યારે તને રાગ આવે, જ્યારે દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે જોઈ લે. રાગ આવ્યો. દ્વેષ આવ્યો. જોવાથી જ લગભગ ટળી જશે. આ ચોર, ચોર છે એ તમને ખબર નથી માટે ચોરી કરી જાય છે. પણ ચોર છે એ તમને ખ્યાલ આવી ગયો તો?
તો દ્રષ્ટાભાવ તમને મળ્યો; એ આત્મ-સ્મૃતિ પણ થઈ, આત્માનુભૂતિ પણ થઈ – કે આત્મગુણોની, દ્રષ્ટાભાવરૂપ ગુણની તમને અનુભૂતિ થઈ. આવું જ કાલે પદસ્થ ધ્યાનમાં આપણે જોયું. ત્યાં પણ બે જ વસ્તુ છે: આત્મ-સ્મૃતિ, આત્માનુભૂતિ.
આજે પ્રભુનું દર્શન કરતા કંઇ થયેલું? કાલે સાંજે તાજું-તાજું સાંભળીને ગયેલાં. આજે સવારનું દર્શન કેવું થયેલું? પ્રભુના ગુણો દેખાયેલાં? અને એ ગુણો જોતાંની સાથે ભીતર કંઇક સળવળાટ થયેલો? આત્મ-સ્મૃતિ. ઓહ! આ તો મારી ભીતર પણ છે.!
એક માણસ સવારે નાસ્તો કરી અને ટ્રેનમાં બેસે છે. સાંજે સાડા પાંચ-છ એ એનું ગામ આવવાનું છે. તો એ સાંજનું વાળું તો ત્યાં કરવાનો છે. બપોરે જમવા માટે ટીફીન લઇ લીધું છે. ભાખરી-શાક બધું. અને વિચારેલું બાર-સાડા બાર થાય એટલે જમી લઉં. એટલે સાંજે છ વાગે પાછું જમી લેવાય. પણ એ પેપર વાંચવામાં, મેગેઝીન જોવામાં એવો તલ્લીન થઈ ગયો. બાર- સવા બાર – સાડા બાર થયા એને ખ્યાલ ન આવ્યો. ત્યાં જ એના બાજુવાળાએ ટીફીન ખોલ્યું અને ભોજનની સોડમ નાકમાં ગઈ. તરત એને જોયું. અરે, કેટલા વાગ્યા? સાડાબાર વાગી ગયા.! ઓહો, જમવાનો ટાઈમ થઈ ગયો.!
તો પેલા માણસે શું કર્યું બોલો? એનું ભાખરી ને શાક આને જોઈતું પણ નથી. પોતાની પાસે જ છે. માત્ર તારે જમવાનું છે એની યાદ પેલાએ અપાવી.! એમ પ્રભુ તમને કંઇ યાદ અપાવે છે? મારી પાસે છે એ બધું જ તારી પાસે છે. હવે ડબ્બો ખોલીને ખાવા માંડ.! આપણે ઉપવાસી માણસો છીએ…! પ્રભુનું દર્શન કરતાં પ્રભુની વિતરાગદશા કે પ્રશમદશા ગમી ન જાય?!
શંખેશ્વરમાં મારી વાચના હતી. ચોમાસામાં શિબિર હતો. મારે ઝીંઝુવાડાથી ત્યાં અવાય એવું હતું ચોમાસામાં. તો મેં એક દિવસ પૂછ્યું; કે શંખેશ્વર દાદાનું દર્શન તમે કરો ત્યારે દાદા કંઇ બોલે છે ખરા? એ લોકોને મૌન જ હોય એટલે પ્રવચનમાં બોલી શકે નહિ. મેં જ એમના વતી કહ્યું; કે દાદાએ કહ્યું હશે કંઇક પણ તમને ખ્યાલમાં નહિ આવ્યું હોય. મેં કહ્યું; કે દાદાએ એ કહેલું કે હું સ્વમાં સ્થિર થઈ ગયેલો છું, તું પણ સ્વમાં સ્થિર થઈ જા. એક પોતાની મુદ્રા દ્વારા, ફેસિયલ એક્સપ્રેશન દ્વારા પ્રભુએ કહ્યું કે હું સ્વમાં છું, તારે પણ સ્વમાં રહેવાનું છે.
એ પુનમના ૧૦,૦૦૦ માણસ હોય શંખેશ્વરમાં, એકમના બસો માણસ પણ ન હોય. ભગવાન શું કહેવાના? ૧૦,૦૦૦ ને તારી બાજુ નાંખ, બસો ને તારી બાજુ નાંખ; મારી ભીતર તો હું જ છું.! તો આ સ્વાનુભૂતિનો આનંદ પ્રભુ પાસે જોયો તમે? પહેલા જોવો પડશે, પછી એ ગમશે, પછી ઝંખના થશે, પછી મળી જશે.! પણ ખરેખર જોવાય છે ખરો?
બુદ્ધની મૂર્તિઓમાં કરુણા ટપકતી દેખાય. આપણા પ્રભુની મૂર્તિમાં વિતરાગદશા ટપકતી દેખાય. મેં તમને વચ્ચે કહેલું કે કરુણા એ વચલી સાધના છે, ultimate સાધના નથી. તમારી પાસે કઠોર ભાવ અગણિત જન્મોથી રહેલો છે બીજાઓ પ્રત્યેનો, એ કઠોર ભાવને ટાળવા માટે કોમળ ભાવ જરૂરી છે. પણ કઠોર ભાવ બિલકુલ નષ્ટ થઈ ગયો પછી કોમળ ભાવની પણ જરૂર નથી. એટલે પ્રભુ સ્વમાં પૂર્ણ થઈને બેસી ગયા છે. એટલે કરુણા એ આત્માનો ગુણ નથી. જેમ વૈરાગ્ય નથી. વૈરાગ્ય સાધનાવસ્થામાં તમારો ગુણ ખરો, સિદ્ધાવસ્થામાં નહિ; ત્યાં વિતરાગદશા એ તમારો ગુણ છે. તો જેમ-જેમ દશા બદલાય તેમ ગુણની સ્થિતિ પણ બદલાય.
એટલે છઠ્ઠા ગુણઠાણે કોમળભાવ. દશવૈકાલિકની હારિભદ્રી ટીકામાં કહ્યું; ‘सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्’ એ છઠ્ઠા ગુણઠાણાની વાત છે. સાતમાની ટોચ ઉપર તો તમે માત્ર સ્વમાં લીન થઈ જાઓ છો. ત્યાં પછી પરમાં જવાનું રહેતું જ નથી.
એટલે તો કલાપૂર્ણસૂરી દાદા આચારાંગસૂત્રના એક સૂત્રના બે અર્થ કરતા. અને કહેતા કે એક સુત્રના અનંત અર્થો થાય હું તો ખાલી બે જ કરું છું. ‘एगे आया’ સૂત્ર છે આચારાંગજીમાં. તો પહેલો અર્થ એમણે એ કર્યો કે છઠ્ઠા ગુણઠાણાની ભૂમિકા ઉપર તમે છો ત્યારે આત્માની અંદર ઐક્ય માનવાનું. બધા જ આત્માઓ મારા જેવા છે. અને એથી કોઈને પણ પીડા કરનાર હું ન થાઉં. મને જેમ સુખ-દુઃખની અનુભૂતિ થાય છે, એવી જ સુખ-દુઃખની અનુભૂતિ બધા જ આત્માઓને થાય છે, માટે હું કોઈને પણ પીડા આપનાર ન બનું. તો ‘एगे आया’. આત્મતત્વ એક જ છે. ચૈતન્ય એક સરખું જ છે. એ કીડીમાં હોય કે હાથીમાં હોય. ચૈતન્ય એક સરખું જ છે.
અને પછી બીજો અર્થ કહેતાં કે સાતમાની ટોચ ઉપર તમે ગયા ત્યારે ‘एगे आया’ નો અર્થ એ છે – એક આત્મા હું જ છું, મારે મારી ભીતર લીન થવાનું છે. એટલે સાતમાની ટોચનું તો સપનું જ જોવાનું છે અત્યારે. પણ આપણે વાત સાંભળીએ ત્યારે એમ લાગે કે શું એ દશા હશે? માત્ર ધ્યાન.. માત્ર ધ્યાન.. માત્ર ધ્યાન..
યોગશતકમાં એક સરસ પ્રસંગ આવે છે કે આવા મુનિરાજ હોય. સતત ધ્યાનદશામાં રહેતા હોય. હવે ગુરુની આજ્ઞાથી અને ગીતાર્થ છે માટે એકાકી એ રહી શકે. કોઈ ગુફામાં રહે. કોઈ જંગલમાં રહે. તો આવા મુનિ એકાકી કોઈ ગુફામાં રહે છે. રોજ તો કંઇ વાપરવાની જરૂર નથી હોતી. ચાર-પાંચ-છ દિવસે એમને લાગે કે શરીરને ભાડું આપવું પડે એમ છે ત્યારે વહોરવા માટે નીકળે. તો એ વખતે એક સરસ પ્રશ્ન કર્યો કે નિર્દોષ ભિક્ષા લેવી જોઈએ સાધુએ. તમે ગવેષણા કરો તો તમારે બહાર આવવું પડશે. આ ઘરમાં કેટલા લોકો રહે છે? રસોઈ આટલી બધી કેમ છે? શું કારણ? સંતો માટે બનાવેલી રસોઈ છે? આવી રીતે ગવેષણા માટે બહાર આવવું પડે. તો સવાલ એક રહ્યો; કે આટલે ઊંડે પહોંચેલા મહાત્મા શું બહાર આવી શકશે? એટલો સરસ જવાબ આપ્યો છે કે એ મહાત્માને બહાર નહિ આવવું પડે અને નિર્દોષ ગોચરી વહોરાઈ જશે. બહાર નહિ આવવું પડે અને નિર્દોષ ગોચરી વહોરાઈ જશે.! કેમ? તો કહે વર્ષોનો અભ્યાસ હતો અને અભ્યાસથી ખ્યાલ આવી જાય છે. આ નિર્દોષ છે, આ દોષિત છે. નિર્દોષ લઇ લે છે અને પોતાને ત્યાં પહોંચી જાય છે. તો આવી એક દશા હોય છે કે જ્યારે એમને બહાર બિલકુલ જવું જ નથી.!
અને એ જ વાત મેં વચ્ચે કહેલી કે સંથારાપોરસીની નિસીહીમાં છે. સંથારાપોરસીમાં નિસીહી, નિસીહી, નિસીહી બોલો, ત્યાં તમે શેનો નિષેધ કરો છો? બહાર ગયા વહોરવા, ગવેષણામાં મન કદાચ બહાર ગયું, તો ઉપાશ્રયમાં આવતા નિસીહી નિસીહી બોલો બરોબર છે. પણ એક મુનિ સ્વમાં જ છે. તો હવે એ રાત્રે નિસીહી, નિસીહી, નિસીહી શા માટે બોલે છે?
તો ઉપાધ્યાય યશોવિજય મહારાજે લખ્યું કે એને ધ્યાનમાં જવાનું છે, અને ધ્યાનમાં જવા માટે પરમાંથી પોતાની ચેતનાને સંપૂર્ણતયા ખેંચી લેવી જોઈએ એટલા માટે એ નિસીહી, નિસીહી, નિસીહી શબ્દ બોલે. દિવસે પણ શું થતું? એ ઉપાશ્રયમાં હોય. સ્વાધ્યાય આદિમાં લીન હોય. પણ માંડલીનું કામ એને સોંપાયેલુ હોય કે ચોમાસામાં પહેલા કાળનું પાણી તમારે કાઢવાનું છે. તો સ્વાધ્યાયમાંથી બહાર આવવું પડે. ભાઈ ત્રણ વાગી ગયા? મારે પાણી કાઢવાનું છે. આચાર્ય ભગવંતની ગોચરી સાંજની લાવવાની છે. કેટલા વાગ્યા? પાંચ વાગ્યા. મારે ગોચરીએ જવાનું છે. આટલું પણ બહાર આવવું પડે છે. રાત્રે તો એ પણ આવવાનું નથી. એટલે રાત્રે નિસીહી, નિસીહી, નિસીહી કહી, અને totally સ્વમાં જવા માટેનું બળ મેળવે છે.
ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કહ્યું; કે સ્વમાં જવા માટેનું બળ મેળવવા માટેના એ નિસીહી, નિસીહી, નિસીહી ના શબ્દો છે. તો ધ્યાન એ તો આપણી એક જીવંત પ્રક્રિયા હતી. મુનિ ધ્યાનમાં ન હોય તો શેમાં હોય? ધ્યાન એટલે હોશ-જાગૃતિ. મુનિ બેભાન તો હોય જ નહિ.! ભગવાને કહ્યું; કે ‘मुणिणो सया जागरन्ति’ એ આ સંદર્ભમાં છે – સતત હોશમાં તમે હોવ. પરમાં જવાની, વિભાવમાં જવાની એક ક્ષણ આવે તમારી જાગૃતિ મુખરિત થઈ જવી જોઈએ.
તો પદસ્થ ધ્યાન દ્વારા પણ શું થયું? આત્મ-સ્મૃતિ, આત્માનુભૂતિ. ભગવાનનો કોઇ પણ ગુણ જોયો. ઓહ, મારી ભીતર પણ આ છે. અને મારી ભીતર આ છે. હું એનો અનુભવ કેમ ન કરું? ભલે સંપૂર્ણ એ કર્મનો ક્ષય તમારી પાસે નથી. ક્ષયોપશમ તો તમારી પાસે છે ને.? અને ક્ષયોપશમને કારણે આંશિક અનુભૂતિ તમે કરી શકો છો. તો મારી ઉદાસીનદશા જે છે એનો આંશિક અનુભવ હું કેમ ન કરું? મોહનીયનો ક્ષયોપશમ અને ઉદાસીનદશાનો અનુભવ.
મોહનો ઉદય છે – તમે પરમાં જાઓ છો; રતિ ને અરતિ માં પટકાઓ છો. મોહનો ક્ષયોપશમ છે – તમે ઉદાસીનદશામાં હોવ છે. તો આ આત્માનુભૂતિ થવી જોઈએ. એટલે રૂપસ્થ ધ્યાનમાં પ્રભુનું દર્શન કરતા પહેલા આત્મ-સ્મૃતિ થાય પછી આત્માનુભૂતિ થાય.
એક ઝેન કથા આવે છે. એક સાધક ગુરુ પાસે આવ્યો છે. દસ વરસ પહેલા એ આવેલો. ગુરુ પાસે એણે સાધના પણ લીધેલી. અને એ જ સાધનાને follow up પણ કરતો હતો. દસ વરસ પછી એ ગુરુ પાસે આવ્યો. ગુરુ ઓળખી ગયા એને. ગુરુ એને પૂછે છે; તું કોણ છે? તારું નામ શું, એમ પૂછતા નથી. તું કોણ છે? પેલો કહે; સાહેબ, હું તો જોતાન. જોતાન એનું નામ હતું. સાહેબ હું જોતાન. ગુરુ કહે છે; દસ વરસ પહેલા પણ જોતાન હતો! આજે પણ જોતાન છે? તે કર્યું શું દસ વરસમાં? દસ વરસમાં તે કર્યું શું? હજુ તું જોતાન નો જોતાન જ રહ્યો.! હું પુછુ છુ, તું કોણ છે? તું કહેતો નથી કે હું આનંદઘન આત્મા છું.!
એક મુનિનો પરિચય શું હોય આમ? હું પ્રભુનો સાધક! અને આનંદઘન ચૈતન્યનો ઉપાસક! બીજું introduction કયું હોય તમારી પાસે?
આજે પદસ્થ ધ્યાન આપણે લઈએ. પદસ્થ ધ્યાનની કડી છે; ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે; શક્તિ વિચારી શાંતતા પામે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય’. પિંડસ્થ ધ્યાન એના નામ પ્રમાણે પિંડમાં-દેહમાં રહેલ જ્યોતિના દર્શન કરશે. પિંડસ્થનું દર્શન. દેહમાં જે જ્યોતિર્મય તત્વ છે એનું દર્શન. તો એના માટે શું કરવું પડે?
પહેલી જ કડી – ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે.’ ભેદજ્ઞાનને ભીતર લઇ જાય. હું દેહ નથી. હું દેહ નથી. હું દેહ નથી. એમ જાપ કરવાથી કંઇ વળશે નહિ.! હું એટલે દેહ નહિ એવું તમે કેટલીવાર પ્રવચનમાં બોલી ગયા હશો, પણ એ બોલવાથી દેહાધ્યાસ તૂટતો નથી. દેહાધ્યાસ ક્યારે તૂટે? ભેદજ્ઞાન સ્પષ્ટ થાય ત્યારે. આ પર; આ સ્વ. શરીર તે હું નહિ.! હું શરીરમાં રહેનાર આનંદઘન ચૈતન્ય છું. તો આ વસ્તુ ભીતર જવી જોઈએ. ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે’.
અમૃતવેલની સજ્ઝાયની સરસ કડી છે: ‘દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે’. તું બધાથી અલગ છે. અને એ જ લયમાં હૃદયપ્રદીપ ષડત્રિંશીકાએ અનુભૂતિની એક સરસ વ્યાખ્યા આપી છે: ‘शब्दादिपञ्चविषयेषु विचेतनेषु, योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति’ અનુભૂતિ ક્યારે કહેવાય? બહુ જ સરસ શબ્દો.! ‘शब्दादिपञ्चविषयेषु विचेतनेषु’ – તમે બોલી રહ્યા છો. શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો. શબ્દ પણ જડ છે. એનો ઉપયોગ કરનાર શરીર પણ જડ છે. એક ક્ષણ એવી આવે કે બોલતાં – બોલતાં તમે છુટા પડી જાવ. તમે બોલનાર ન હોય, જોનાર હોય! આ જ રીતે – શરીર ખાઈ રહ્યું છે. તમે ખાનાર નથી, તમે જોનાર છો. માત્ર Observation. માત્ર દ્રષ્ટાભાવ. આ દ્રષ્ટાભાવ એટલી સરસ વસ્તુ છે કે શરીર આપણને વળગ્યું છે મોટું પુદ્ગલ. એ પુદ્ગલ માટે નાના પુદ્ગલો કદાચ જોઈએ. અને એને વાપરી પણ લઈએ. પણ એમાં ગમો-અણગમો એ નહિ થવા દે. શરીર છે તો ઢાંકવા વસ્ત્રો પહેરી લો. એટલે જ ભગવાને વસ્ત્રની કડાકૂટ આખી કાઢી નાંખી. White and white વસ્ત્રો અને એ પણ જેટલા મલીન હોય એટલું વધારે સારું.
તો તમે ખાનાર નહિ જોનાર! તમે બોલનાર નહિ જોનાર!
એક ક્ષણ એવું થાય તમે વર્ગણાથી છુટા પડી ગયા હોવ. તમે બોલનાર ન હોવ, જોનાર હોવ.! શરીર બોલી રહ્યું છે, તમે એને જોઈ રહ્યા છો. એક અલગાવ બિંદુ, બીજું કાંઈ જ નથી. હું આ નથી! ખાનાર મારું શરીર છે. બોલનાર મારું શરીર છે. ઠીક છે પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલું છું ત્યારે મારો ઉપયોગ અંદર ભળેલો છે. એ ઉપયોગ શુભ પણ હોય, અશુભ પણ હોય. પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બોલીએ તો ઉપયોગ શુભ હોય. અને હાંસી-મજાક અથવા બીજી રીતે કોઈને ઠેસ લાગે એવું બોલતા હોઈએ તો ઉપયોગ અશુભ પણ થઈ ગયો.
તો આવી ક્ષણ-ક્ષણની જાગૃતિ જોઇશે. હું આ નથી જ! વૈભાવિક કોઈ પણ ક્રિયાના કરનાર તમે નથી. તમે માત્ર જોનાર છો…! બોલો અહંકાર કેટલો ઓછો થઈ જાય? પ્રભુએ મારા કંઠનો ઉપયોગ કર્યો. પ્રભુને ધન્યવાદ આપી દઉં. વાત પૂરી થઈ ગઈ. બોલનાર હું ક્યાં હતો? એ બોલે.!
અને એક વાત મજાની કહું; એ બોલે તો જ મજા આવે સાંભળનારને. તમે જ્યાં સુધી અહંકારની દશામાં હોવ, છાકો પાડી દઉં. સભામાં જાઉં અને જોરદાર જમાઈ દઉં. જામે જ નહિ! તમે છો ને કેન્દ્રમાં? પ્રભુને લાવી દો તો જામી જાય! શબ્દો તો પ્રભુના છે ને? મારે કાંઈ બોલવું જ નથી! પ્રભુ બોલે, હું સાંભળું. હું પણ શ્રોતા હોઉં. પ્રભુના શબ્દો સાંભળવા મળે તો મજાની વાત થઈ જાય ને.! એટલે પ્રવચનકાર જ્યાં સુધી અહંકારની ધારામાં હોય છે ત્યાં સુધી એના શબ્દો શ્રોતાઓને ક્યારેય પણ અપીલ નથી કરી શક્તા.
કલાપૂર્ણસૂરી દાદાને સાંભળવા લોકો કલાકો સુધી બેસતા. પાછળવાળાને એક શબ્દ પણ સંભળાય નહિ. એટલે સાહેબનું નવ વાગે પ્રવચન હોય આઠ વાગે આવી જઉં, સાહેબના શબ્દો કાનમાં પડે. આગળ બેસીએ તો કાનમાં પડે. એ આકર્ષણ શેનું હતું? પ્રભુ બોલતા હતા. એમણે એક વાચનામાં સ્પષ્ટ કહેલું કે હું નથી બોલતો, પ્રભુ જ બોલે છે.
પાલીતાણાની વાચનામાં એમણે કહેલું કે હું ચેન્નાઇમાં હતો, સાઉથમાં. તબિયત એટલી બધી બગડી ગઈ. મેમરી પણ બહુ લુપ્ત થઈ ગઈ. મુહપત્તિના બોલ પણ મને યાદ નહતા રહેતા. અને એમાંથી આ સ્થિતિમાં પાછો આવી ગયો. પણ પ્રભુ કરે છે આ; હું નથી કરતો!
તો ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે’. ભેદજ્ઞાન – હું એટલે શરીર નહિ, હું એટલે આ નહિ, હું એટલે આ નહિ. એને ભીતર લઇ જાઓ. ‘સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે’ – સ્વનું ખાનું અલગ, પરનું ખાનું અલગ. હું આ બોલું છું. પર તરફ જાય કે સ્વ તરફ જાય? શ્રોતાઓને ખુશ કરવા હું બોલું તો પર તરફ જતું રહે. એટલે મારી એક સેકંડની ક્રિયા પણ પર તરફ ખુલનારી ન હોય એવી જાગૃતિ મારી પાસે હોવી જોઈએ.
તો ‘સ્વ-પર પરિણતિ ભિન્ન વિચાર’. સ્વની પરિણતિ અલગ છે. પરની પરિણતિ અલગ છે. સ્વની પરિણતિ મોક્ષ. પરભાવની પરિણતિ નરક અને નિગોદ. બે અલગ થઈ. પરભાવમાં ગયા તો નરક-નિગોદ આ રહ્યાં; સ્વભાવમાં ગયા તો મોક્ષ આ રહ્યો.
યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યએ કહ્યું કે અત્યારે હું મોક્ષના સુખને અનુભવી રહ્યો છું. તો ‘સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે, શક્તિ વિચારી શાંતતા પામે’. હવે થોડી મનમાં ગરબડ થઈ જાય કે સાલું પરનું જોર તો બહુ જ છે! અનાદિથી અભ્યસ્ત પર છે. અને સ્વ તો માનો કે આ જનમમાં પહેલી વાર મળ્યું. પહેલા સ્વ ઘૂંટાયુ હોત તો આપણે અહીંયા હોત નહિ સંસારમાં.
તો પરભાવ અનાદિનું અભ્યસ્ત છે; સ્વભાવ તો અભ્યસ્ત છે જ નહિ, તો કઈ રીતે સ્વમાં જવું? તો કહે; ‘શક્તિ વિચારી શાંતતા પામે’. ત્યારે આત્માની શક્તિનો વિચાર કરે છે કે પરભાવમાં જતો હોય તો જડની તાકાત હતી. મારો શુદ્ધ ઉપયોગ એ તો પરભાવમાં જઈ શકે જ નહિ. અનાદિની સંજ્ઞાથી વાસિત મારું મન હતું એ રાગ-દ્વેષમાં જતું હતું. હું ક્યાં જતો હતો? એટલે હું તો શુદ્ધ છું જ અને કદાચ આ અશુદ્ધિ લાગી છે તો એને દુર કરવાની તાકાત પણ મારામાં છે. એટલે ‘શક્તિ વિચારી શાંતતા પામે’. ભલે ને અનાદિનું અભ્યસ્ત પર હોય પણ એને એક જનમની સાધનાથી હું કાઢી શકું છું.
હું ઘણીવાર કહું છું; ભક્તના લયમાં. કે અનંત જન્મોથી આપણે પરભાવમાં ડૂબીને આવ્યા છીએ. એક જન્મ પ્રભુને આપી દો. પ્રભુ સ્વભાવમાં તમને લઇ જશે. પ્રભુ કહે છે; અનંતા જનમ ગયા એ ગયા, કંઇ વાંધો નહિ. એક જનમ મને આપી દે બસ. Totally આપી દે. મારી આજ્ઞાને સંપૂર્ણથી આધીન બની જા. તારે તારામાં સ્થિર રહેવાનું છે આ મારી આજ્ઞા; અને એમાં તું સ્થિર થઈ જા! એક જન્મ ખાલી આપો? નહિ આપી શકો?!
તો ‘શક્તિ વિચારી શાંતતા પામે, તે પિંડસ્થ ધ્યાન કહેવાય.’

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *