વીર્યાચાર – પદસ્થ ધ્યાન
રૂપસ્થ ધ્યાનમાં વાત એ હતી કે મનમાં ઊઠતા રાગ-દ્વેષ-અહંકાર ને તમે જુઓ. વિકલ્પો કરીને આ વિભાવમાં હું ભળીશ, તો એનાથી કર્મબંધ જ થશે; શા માટે હું કર્મબંધમાં જાઉં? – આવી તમારી જાગૃતિ હશે, તો તમે એ વિભાવને માત્ર જોઈ લેશો અને તરત એ વિભાવની ધારા disconnect થઇ જશે.
પદસ્થ ધ્યાન માટે કહ્યું: ગુણ વિચાર નિજ ગુણ જે લહે. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પ્રભુના અનંત ગુણો છે એ ગુણોની અનુપ્રેક્ષા એ રીતે કરવી છે કે મારી પાસે પણ આ જ ગુણ છે. આવી અનુપ્રેક્ષા પોતાના એ ગુણની આંશિક અનુભૂતિ કરાવે. પહેલા અનુપ્રેક્ષા અને પછી અનુભૂતિ – આ આપણો ક્રમ છે.
ભલે તમારા કર્મો પ્રભુની જેમ ક્ષીણ નથી થયેલા, પણ ક્ષયોપશમ તો તમારી પાસે પણ છે જ. મોહનીયના ક્ષયોપશમ દ્વારા તમે પણ એવી ભૂમિકા ઉપર આવી શકો છો કે જ્યાં પ્રભુના એ ગુણોનો તમને તમારામાં આંશિક અનુભવ થઇ શકે.
નવસારી તપોવન વાચના – 46 [13.5.2020]
ગઈકાલે રૂપસ્થ ધ્યાનની વાત કરેલી. મુખ્યતયા એમાં શું છે કે મનમાં રાગ-દ્વેષ અહંકાર ઉઠવાના તો ખરા જ, પણ એ ઉઠે ત્યારે તમારી જાગૃતિ જોઈએ. જેમ-જેમ જાગૃતિ વધતી જાય, તેમ-તેમ એ વિકલ્પો ઓછા થતાં જાય.
બીજી વાત – ઘટનાઓના સંસારમાં છીએ. એક-એક ઘટના મનમાં અસર મૂકી જાય છે અને વિકલ્પોની ધારા ચાલે છે. કોશિશ એ થવી જોઈએ કે ઘટનાઓની અસર જેમ બને એમ ઓછી થાય. અને મેં પહેલાં કહેલું; કોઈ પણ ઘટના તમને ક્યારે પણ પીડા આપી શકતી નથી. ઘટના અંગેના તમારા વિકલ્પો જે છે ને, એ જ તમને પીડા આપે છે. એટલે વિકલ્પોને Delete કરવા, નષ્ટ કરવા એ અત્યારના તબક્કે શક્ય ન હોય, તો પણ વિકલ્પ ઉઠ્યો તમે જોઈ લો. જોયો, એટલે વિકલ્પથી તમે અળગા થઇ ગયા.
ઘણાને એમ થાય કે સાહેબ જોયું એટલે શું? શું ફરક પડ્યો? ફરક બહુ મોટો પડે! તમે પેલી ધારામાં એ જે ચાલતાં હતાં ને, એ ધારા disconnect થઇ જાય; જોવાને કારણે. એટલે વારંવાર આ રીતે ધારાને disconnect કરતાં જાવ. અને એના માટે તમારી જાગૃતિ એ મુખ્ય પરિબળ છે. કે આનો કોઈ મતલબ નથી. માત્ર કર્મબંધ જ છે. વિકલ્પો રાગ-દ્વેષ કે અહંકારમાં લઇ જવાના; અને એના દ્વારા માત્ર કર્મબંધ છે. તો શા માટે હું કર્મબંધમાં જાઉં? એટલે સતત જાગૃતિ જોઇશે. જાગૃતિ ન હોય તો શું થાય? એક નાનકડી ઘટના તમારા મનનો કબજો લઇ લે છે. તમને ખ્યાલ નથી આવતો કે કેટલા કલાક એ નાનકડી ઘટના તમારું ખાઈ જાય છે.
મુલ્લાજી સવારે બેઠેલા નાસ્તો કરીને. અને બે-ચાર જાણીતા અધિકારીઓને મળવા જવાનું હતું. ત્યાં જ એમનો close friend ગામડેથી આવ્યો. એને પણ ચા-નાસ્તો કરાવ્યો. અને મુલ્લાજીએ કહ્યું; તને સમય હોય તો મારી જોડે આવ. ઓફિસરો જોડે જાઉં છું. મારે તો બધા પરિચિત છે. પણ તને પણ પરિચય થઇ જાય તો કામ આવશે. પેલો કહે; વાત તો ખરી. સમયનો વાંધો નથી. પણ તારે ઘરે જ આવવાનું હતું. એટલે શર્ટ જો ને કેવો પહેરીને આવ્યો છું! હવે આવું શર્ટ પહેરીને થોડું જવાય? મુલ્લાજી કહે; એમાં શું છે, મારો નવો ઝબ્ભો તને આપી દઉં. આપણા બે નું શરીર તો સરખું છે. પોતાનો નવો ઝબ્ભો મિત્રને આપી દીધો. એકદમ રેશમી સરસ મજાનો નવો ઝબ્ભો.
પહેલા ઓફિસરને ત્યાં ગયા. ઓફિસર મુલ્લાજીને તો ઓળખતા હતા. મિત્રને introduce કરાવવાનો હતો. તો મુલ્લાજીએ કહ્યું; આ મારા મિત્ર છે. ગામડે રહે છે. બહુ મોટી જમીન એમની છે. બહુ સુખી માણસ છે. અને અમે બંને એકદમ close friend છીએ. અને એટલે જ એમણે ઝબ્ભો પહેર્યો છે એ મારો છે..! થોડીવાર પછી બહાર નીકળ્યા. પેલો મિત્ર બગડ્યો. કે યાર તું મને introduce કરતો હતો કે તારા ઝબ્ભાને? નહિ, નહિ, નહિ ભૂલ થઇ ગઈ, હવે નહિ કરું. બીજી જગ્યાએ ગયા. એ જ રીતે પરિચય આપ્યો. પણ ઝબ્ભો મનમાંથી ન નીકળે એનું કરવાનું શું? ઝબ્ભો હતો મિત્રના શરીર ઉપર. અને મુલ્લાજીના મનમાં ઘુસી ગયો છે. બધો પરિચય આપીને પછી કહે છે; આ ઝબ્ભો પણ એમનો જ છે, મારો નથી.! બહાર નીકળ્યા, પેલો બગડ્યો પાછો. આ શું તું કરે છે? કોઈ માણસ કોઈ વ્યક્તિનો પરિચય આપે, ઝબ્ભાનો પરિચય તું આપવા માંગે છે.! નહિ, નહિ, નહિ, હવે ખુદા કી કસમ. હવે ઝબ્ભાની વાત જ નહિ કરું. ત્રીજી જગ્યાએ ગયા. બધું introduction પૂરું થઇ ગયું. તો પછી કહ્યું મુલ્લાજીએ; વાત રહી ઝબ્ભાની બાકી. વાત ઝબ્ભાની બાકી રહી ગઈ. પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે ઝબ્ભો એમનો છે કે મારો, એ મારે કહેવાનું નથી.
આવું ઘણીવાર બનતું હોય, મનમાં એક ઘટના ઘુસી ગઈ, એને કાઢવી શી રીતે? આપણી પાસે તો શુભ યોગો એટલા બધા છે ને, કે અશુભ ઘટના તમારા મનનો કબજો જ ન લઇ શકે.! ઘટના જોવાઈ ગઈ; delete થઇ ગઈ. તમને તો ઘટનાને જોવાનો પણ અવકાશ ક્યાંથી હોય? સતત તમે તમારા સ્વાધ્યાયમાં, ધ્યાનમાં, જાપમાં, ભક્તિમાં રહેતા હોવ, તમને એક મિનિટ સમય ક્યાં છે! કોઈ પૂછે કે હમણાં કોણ આવ્યું હતું? કંઈ ખ્યાલ નથી મને. હોલમાં બેઠેલો હોય તો ય કહી દે, મને ખ્યાલ નથી. મારું કોઈ ખ્યાલ જ નહતું, લક્ષ્ય જ ન હતું.
તો રૂપસ્થ ધ્યાન એટલા માટે છે કે વિચારો ઉપર એ નિયંત્રણ લાવે છે; અને વિચારો લગભગ બિનજરૂરી હોય છે.
એક ઝેન કથા છે. બે ભિક્ષુઓ જઈ રહ્યા છે. એક મંદિરની ધજા ફરકે છે. તો એક ભિક્ષુએ કહ્યું; કે ધજા ફરકે છે. આપણા મનનું એક minus point શું હોય છે, અહંકાર ને કારણે, કે કો’કે વાત કરી હોય ને, એના કરતાં તમે નવું કંઈક જાણો છો, એ આપણે જણાવવું હોય છે, અને એટલે ટપકું મુક્યા વગર આપણે રહીએ નહિ. કાશ્મીરની વાત ચાલતી હોય, અને કાશ્મીર જે હમણાં જઈને આવેલો હોય, એ મૂંગો રહી જ શકે.! એને બતાવવું છે કે હું જઈને આવ્યો છું.!
તો પેલા ભિક્ષુએ કહ્યું; ધજા ફરકે છે. ધજા હલે છે. બીજા ભિક્ષુએ કહ્યું; ધજા ક્યાં હલે છે? પવન હલે છે, હવા હલે છે. ધજા તો સ્થિર છે, જડ છે; હવા હલે છે. પણ એ બંનેને ખ્યાલ નહિ અને એમના ગુરુ પાછળ આવતાં હતાં. ગુરુ બંનેનો વાર્તાલાપ સાંભળતા હતાં. અને ગુરુએ કહ્યું; ધજા પણ ચાલતી નથી કે હવા પણ ચાલતી નથી; તમારા બે ના મન ચાલી રહ્યા છે. નીચી નજરે ચાલ્યા કરો.! ધજા ફરકે છે તો ફરકે છે.! હવે ધજા ફરકે છે. તું જોવે છે તો બાજુવાળો નથી જોતો.? તારે કહેવાની જરૂર શું પડી?
તો રૂપસ્થ ધ્યાન જો તમારી પાસે જાગૃતિ હશે તો વિચારો ઉપર નિયંત્રણ તમને આપશે. એક પણ વિચાર આવી ગયો, તમે જોઈ લો. શુભ છે, અશુભ છે? શુભ હોય તો રાખી લો, અશુભ હોય તો ફેંકી દો.
કબીરજીએ તો શબ્દના પણ આ વિવેકની વાત કરી છે. એમણે કહ્યું; ‘શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે.’ એક શબ્દ ને બીજો શબ્દ, ઘણો બધો ફરક છે. પણ તમારી પાસે સૂઝ હોવી જોઈએ કે સાર શબ્દ હોય એને પકડી લો, અસાર શબ્દને ફેંકી દો. તો જિજ્ઞાસુએ પૂછ્યું કે સાર શબ્દની વ્યાખ્યા શું? ત્યારે એમણે કહ્યું; ‘જો શબ્દે સાહિબ મિલે’ જે શબ્દથી પ્રભુ મળે, એ સાર શબ્દ. પ્રભુ ન મળે, એ અસાર શબ્દ.
તો રૂપસ્થ ધ્યાન પછી હવે પદસ્થ ધ્યાન. એની કડી છે; ‘તીર્થંકર પદવી પ્રધાન, ગુણ અનંતકો માનું સ્થાન; ગુણ વિચાર નિજ ગુણ જે કરે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે’ ‘ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે’ ભગવાને કહેલા ધ્યાનો, એ ગુરુ ભગવંત દ્વારા મારી પાસે આવેલા છે.એટલે ‘ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે’; હું કહેતો નથી, મારા સદ્ગુરુ કહે છે.! એટલે જ આપણા જ્ઞાન પર ક્યારે પણ અહંકાર આપણને થાય જ નહિ. કારણ કે માલીકીયત આપણી છે જ નહિ.! અને માલીકીયત આપણી નથી, એ ગુરુ પણ માને છે કે આ સૂત્ર પરની, આ શાસ્ત્ર પરની માલીકીયત મારી નથી. અને એટલે યોગોદ્વહનની ક્રિયામાં શું કહે? ‘ખમાસમણાણ હત્થેણ’ હું આ સૂત્ર નથી આપતો! હું શી રીતે આપી શકું? ગણધર ભગવંતોએ કે પૂર્વાચાર્યોએ આ સૂત્ર રચ્યું, પણ ગુરુ પરંપરાએ એ સાચવીને મને આપ્યું ન હોત, તો હું તને ક્યાંથી આપી શકત?
આપણે ત્યાં મજાની વાત એક થઇ, જ્ઞાનાતિચારની. એકાદ વ્યંજન, એકાદ સૂત્રની માત્રા પણ તમે આઘી-પાછી ન કરી શકો. એના કારણે શું થયું; ગણધર ભગવંતોએ સાડા પચ્ચીસો – છવ્વીસો વર્ષ પહેલાં જે નમુત્થુણં આપેલું as it is તમારી પાસે છે. કારણ કે આ વાત હતી કે એક અક્ષરમાં પણ તમે ફેરફાર કરી શકતાં નથી. એ જ રીતે આ સુત્રો આવવા જોઈએ.
બૌદ્ધ ધર્મ ઉપર એક પુસ્તક છે; વિદુશેખર ભટ્ટાચાર્યનું. એમાં એમણે લખ્યું છે કે બૌદ્ધ ધર્મની બે મુખ્ય શાખાઓ હિરીયાન અને મહાયાન. બંનેના ગ્રંથો વાંચીએ આપણે, ખરેખર નથી ખબર પડતી કે બુદ્ધ શું બોલ્યાં હતાં.? એક શાખા આખું અલગ જ કહેશે. બીજી શાખા આખું અલગ જ કહે છે. એટલે બુદ્ધના ઉપદેશોમાં ઘણું તારતમ્ય બંને શાખામાં આવી જાય છે. અને ત્યાં એમણે નોંધ્યું છે કે સદ્ભાગ્યે મહાવીર સ્વામી ભગવાન માટે આવું બન્યું નથી. એમનો જે ઉપદેશ છે, એ લગભગ એમને એમ જળવાયેલો રહ્યો છે. મુખ્ય બે શાખા પડી – શ્વેતાંબર, દિગંબર. પછી શ્વેતાંબરમાં સ્થાનકવસી, તેરાપંથી, પણ સૈદ્ધાંતિક મતભેદ બહુ નથી. આપણે આગમ ગ્રંથો માનીએ છીએ એ જ આગમ ગ્રંથો સ્થાનકવાસી માને છે, એ જ તેરાપંથી માને છે. દિગંબરો નથી માનતા તો એ લોકોએ કુંદકુંદાચાર્યના ગ્રંથો છે એને આગમ તરીકે સ્વીકારી લીધા છે. પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ જે મૂળભૂત સિદ્ધાંતો છે, એ મૂળભૂત સિદ્ધાંતોમાં ક્યાંય compromisation નથી. કોઈએ હિંસાને સારી કહી નથી. બધાએ અહિંસાને જ સારી કહી છે.
તો એ રીતે આપણે ત્યાં બહુ વિસંવાદ નથી, સામાન્ય વિસંવાદ છે. અને એ વિસંવાદ પણ કેમ આવ્યો? અણસમજણથી જ આવેલો છે. સમજણ પુરી હોય તો કોઈ વિસંવાદ થાય એવું છે પણ નહિ! પણ અમુક અમુક પંથો નીકળ્યા, ખોટી રીતે નીકળી ગયા.
એક બીજી વાત તમને કહું, થોડોક સૈદ્ધાંતિક મતભેદ આપણે સ્થાનકવાસી જોડે, તેરાપંથ જોડે, દિગંબર જોડે હોઈ શકે. ક્રિયાઓની અંદર જે ફેરફાર છે ને, એ ફેરફાર સૈદ્ધાંતિક ફેરફાર નથી. ભગવાનના જે ગણધરો હતાં ને, એમના શિષ્યોમાં પણ સામાચારી ફરક હતો. એટલે સામાચારી ફરક હોય અને સિદ્ધાંત ફરક ન હોય, ત્યાં આપણે ઐક્ય જાળવી શકીએ. દા.ત. ખરતર ગચ્છ, પાયચંદ ગચ્છ. આવા બધામાં જો આપણને એટલે આપણા ગીતાર્થ ભગવંતોને વધુ પડતો સૈદ્ધાંતિક મતભેદ ન લાગતો હોય તો આપણે એકાકાર થવું જોઈએ.
આજે એક પ્રશ્ન પૂછવામાં આવેલો બહારથી, કે તપાગચ્છ સિવાયના બીજા જે મહાત્માઓ છે, એમના સ્તવનો બોલાય કે નહિ? મેં કીધું પ્રાચીન બધા બોલાય, કોઈ વાંધો નથી. હવે આપણે ત્યાં દેવચંદ્રજી મહારાજના સ્તવનો માટે પ્રતિબંધ ક્યાંક ક્યાંક છે, ખરતર ગચ્છના છે માટે.
જ્યારે મુનિ યશોવિજયજી છે ને અમદાવાદમાં દેવચંદ્રજી મહારાજના પ્રવચનો કરવા હતાં, તો એમને મને પૂછાવ્યું, કે દેવચંદ્રજી ઉપર બોલું? તો મેં કહ્યું; એમના ઉપર જ બોલવું જોઈએ અને કલાપૂર્ણસૂરિ દાદા તો ખાસ ભાર મુકતા કે દેવચંદ્રજી મહારાજને નહિ વાંચો ત્યાં સુધી પ્રભુ શાસનનું હાર્દ તમારી પાસે નહિ આવી શકે. એટલે આ ગીતાર્થોનો વિષય છે, આપણો વિષય નથી. પણ ગીતાર્થોએ પણ ભેગા થઈને આવું કંઈક વિચારવું જોઈએ. અને વિચારતાં શું થશે, કે આપણે કંઈક સામંજસ્ય આપણી નવી પેઢીને આપતાં જઈશું.
હું ઘણીવાર કહું, ઘણા મિત્રો હોય, મારે તો બધી બાજુ મિત્રો જ મિત્રો છે. બે તિથીવાળો એ મિત્ર, ને ત્રણ થોય વાળો એ મિત્ર. ત્રણ થોયવાળા એટલા બધા સાધુ-સાધ્વીઓ મારી વાચનામાં આવતાં હોય છે અને સતત મારા પુસ્તકોનું વાંચન કરતાં હોય છે. તો હું ઘણા બધા મિત્રોને કહું એ રીતે કે આપણે આ ક્ષુલ્લક બાબતોમાં અટવાઈ ગયા છીએ.! તિથી એ તો સામાચારી છે, સિદ્ધાંત તો છે જ નહિ, આપણને ખ્યાલ છે. શા માટે આપણે આમાં આટલા અટવાઈએ છીએ?
કાલિકાચાર્ય ભગવંત એક રાજાને લેવાને માટે પાંચમની ચોથ કરી શકે તો અત્યારના બધા ગીતાર્થોની પેનલ ભેગી થાય તો શું ન કરી શકે.! એક રાજાને એ પોતાની સાથે લેવા માટે આટલું કરી શકાય તો સંઘને આખો ભેગો કરવા માટે શું ન કરી શકાય.? એટલે હું તો ગીતાર્થ ભગવંતો મળે ત્યારે એમના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપ બધા ભેગા થઈને અમને કંઈક આપો.! અને અમુક પ્રશ્નો એવા છે જે શાસનને લગતા છે, તીર્થરક્ષાના ને એવા કોઈ. એમાં તો કોઈને વિરોધ નથી. બે તિથી હોય, ત્રણ થોય હોય, કોઈ પણ હોય, કોઈને વાંધો નથી. આપણે બધાને ભેગા લઈને ચાલીએ. પણ મને એવું લાગે આવું થશે.
તો પદસ્થ સ્થાન. ‘ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે’ હું નથી કહેતો, સદ્ગુરુઓની પરંપરા આ કહે છે. વ્યાખ્યા શું આપે છે? ‘તીર્થંકર પદવી પ્રધાન’ સમવસરણમાં પ્રભુ બિરાજમાન છે. ‘ગુણ અનંત કો માનો થાક’ ‘ગુણ વિચાર નિજ ગુણ જે લહે’ એ પ્રભુના ગુણો જે છે એની અનુપ્રેક્ષા એ રીતે કરવી છે કે મારી પાસે પણ આ જ ગુણ છે.! પહેલા અનુપ્રેક્ષા અને પછી અનુભૂતિ – આ આપણો ક્રમ છે.
તો ગુણ વિચાર – પ્રભુની આજે વિતરાગ દશા જોઈ; મારામાં વિતરાગ દશા છે એ રીતે અનુપ્રેક્ષા કરો. પ્રભુનો પ્રશમરસ જોયો, તો મારામાં પણ પ્રશમરસ છે એની અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષા કર્યા પછી વિચાર કરો કે ભલે પ્રભુના બધા જ કર્મો ક્ષીણ થયા છે, ઘાતી-અઘાતી બધા જ, અને સિદ્ધવસ્થામાં બધા જ, અને તીર્થંકર અવસ્થામાં ઘાતી કર્મો ક્ષીણ થયેલા છે. પણ મારા આટલા કર્મો ક્ષીણ નથી થયેલા, ક્ષયોપશમ જ છે. પણ શું મોહનીયના ક્ષયોપશમ દ્વારા હું એવી ભૂમિકા ઉપર ન આવી શકું કે પ્રભુના ગુણોનો આંશિક રૂપે અનુભવ હું કરી શકું? પણ આના માટે અનુપ્રેક્ષા જોઇશે. તો પ્રભુનો જે ગુણ તમે જુઓ છો. પહેલી વાત તો એ, એ ગુણ તમને ગમ્યો? કે ખાટલે મોટી ખોડ હશે તો અનુપ્રેક્ષા ક્યાંથી થવાની?!
હું ઘણીવાર પૂછું આજે પ્રભુનો કયો ગુણ જોયો? એક ગુણ જોવો. એ ગુણ ગમી ગયો? પ્રભુની વિતરાગ અવસ્થા જોવો. હું રાગને કારણે કેટલો પીડિત થાઉં છું! પદાર્થો ઉપર રાગ, વ્યક્તિઓ ઉપર રાગ, શરીર ઉપર રાગ, મારા સ્થાનો ઉપરનો રાગ, કેટલો બધો રાગ છે મારી પાસે! અને રાગને કારણે હું પીડિત છું, મારા ભગવાન વિતરાગ છે, જુઓ! કેટલા પ્રસન્ન થઈને બેઠા છે! કેટલો આનંદ એમના મુખ ઉપર ઝળકી રહ્યો છે! તો શું એવો આનંદ મને ન મળે? પણ આ પ્રાર્થના તમે કરશો ક્યારે? એ વિતરાગદશા ગમશે તો! ગમી છે? હં..?ગમી તો અનુપ્રેક્ષા થશે. અને અનુપ્રેક્ષા એ રીતે થશે, કે આ ગુણનું નાનકડું એડીશન મારા જીવનમાં હું શી રીતે ઉતારી શકું?
ભગવાનની પાસે પ્રશમરસ ભરપુર છે. કારણ કે મોહનીય એમનું ક્ષીણ થયેલું છે. મારી પાસે મોહનીયનો ક્ષયોપશમ છે પણ એથી કરીને શું હું થોડીવાર સમભાવમાં ન રહી શકું?
હું ઘણીવાર એક સવાલ પૂછું છું. કે સમભાવનો આનંદ જો ખરેખર મણાયો હોય, તો વિભાવની પીડા જે છે એ ડંખે જ, સવાલ જ નથી! વિભાવમાં જવાય છે, પીડા થતી નથી. કારણ શું? કારણ એક જ કે સમભાવનો આનંદ મળ્યો નથી. એ આનંદ મળેલો હોય, તો પેલામાં જાવ જ નહિ.! અનંતા જન્મોમાં ઠીક હતું કે આ આનંદ કદાચ નહતો મળ્યો; તમે પરમાં જતાં હતાં, વિભાવમાં જતા હતાં. પણ અહીંયા જો સમભાવનો – સ્વભાવદશાનો આનંદ મળી ગયો, તમે વિભાવમાં જઈ કેમ શકો…!
એટલે આમાં તો માત્ર સાંભળવાથી કામ નહિ ચાલે, practical કરવું પડશે. દેરાસર બહુ સરસ છે અહીંનું. હમણાં તો એકદમ એકાંત પણ છે. ચૈત્યવંદન કર્યા પછી કે દેવવંદન કર્યા પછી પ્રભુને જોતાં દસ-પંદર-વીસ મિનિટ બેસી રહો. હું હમણાં હમણાં મારી વાચનામાં ખાસ આ વાત કરું છું. કે વિધિ કરો. વિધિનો હું હિમાયતી છું. વિધિ પુરી કરો. સવારે દેરાસર ગયા. સ્તુતિ બોલ્યાં. ચૈત્યવંદન કર્યું. સાથીયો કર્યો. બધી વિધિ કરી. પણ પછી દસ મિનિટ એવી રાખો, એમાં માત્ર પ્રભુને જોવાના છે… શું દેખાય છે? એમાં આટલા મોટા ભગવાન હોય, ચહેરો એકદમ દુરથી પણ આપણને સ્પષ્ટ દેખાય છે. એમના ચહેરા ઉપર જે પ્રશમભાવ છે. એ દેખાઈ જાય તો શું થાય? એમ થાય કે સમભાવનો અલપ-ઝલપ અનુભવ મારી પાસે છે તો પણ મને આટલો બધો આનંદ આવે છે તો પ્રભુનો આનંદ તો કેવો હશે!
તમને કોઈ મુનિની ઈર્ષ્યા આવે, સાધકની ઈર્ષ્યા થઇ? એકવાર હું સુરતમાં હતો. બહુ જ વ્યસ્ત કાર્યક્રમો. શિયાળાનો સમય. અને એમાં અમદાવાદથી શીલચંદ્રસૂરિ મ.સા. નો પત્ર આવ્યો કે બે-એક મહિના માટે ભોયણીજી જઉં છું. ભક્તિ અને સ્વાધ્યાયમાં ડૂબી જઈશું. ભોયણી તીર્થ. લગભગ કોઈ યાત્રિકો આવતાં નથી. સરસ મજાની વ્યવસ્થા. મેં એમને લખેલું કે મને તમારી ઈર્ષ્યા આવે છે.! કે તમે આવા એકાંતમાં જઈ અને મજાની ભક્તિનો આનંદ માણશો.! મજાના સ્વાધ્યાયનો આનંદ માણશો.!
સાધકને ઈર્ષ્યા કોની આવે? અને સાધકને ફરિયાદ કોની આવે? એક સાધક હતા હિંમતભાઈ બેડવાલા જેવા. એક ભાઈની બહુ ઈચ્છા કે સાહેબ મારા ત્યાં પધારો. મહિનો-બે મહિના સ્થિરતા કરો. તમારી ઉર્જા અમને મળે. અમારું ઘર પવિત્ર થઇ જાય. સાધકે વાત સ્વીકારી. એકલા જ હતા પોતે. આવ્યાં એમના ત્યાં. બે-એક દિવસ રોકાયા. ત્રીજે દિવસે સવારે એમણે કહ્યું; હું જાઉં છું હવે. પેલો વિચારમાં પડી ગયો, સાહેબને શું ઓછું પડ્યું? સારામાં સારી વ્યવસ્થા એણે કરેલી. સરસ મજાનો રૂમ એમના માટે. બીજી બધી જ વ્યવસ્થા સારામાં સારી! કે સાહેબ શું તકલીફ પડી? મને તકલીફ એ જ પડી કે તમે વધુ પડતી સુવિધા મને આપો છો. આટલી બધી સુવિધાથી મારું શરીર ટેવાયેલું નથી. આવો એકદમ હવાવાળો કમરો. મચ્છર પણ એકાદ મને કરડે નહિ, એના માટે મચ્છરદાની. અને આ બધું જે છે ને, એ મારે ચાલી શકે નહિ. એટલે સાધકની ફરિયાદ એ હોય કે સુવિધા મને નહિ ચાલે. અને સાધકને ઈર્ષ્યા કોની હોય? પોતાનાથી વધુ સાધનામાં રત હોય, એવા સાધક પ્રત્યે.
તો આ પદસ્થ ધ્યાન પ્રભુના ગુણનો અનુપ્રેક્ષા કરવી. એ અનુપ્રેક્ષા એવી રીતે કરવી કે આનો આંશિક અનુભવ પણ મને કેમ થાય? અરે! અનુભવ થાય જ.! કરેમિ ભંતે એવું તમને અપાયેલું છે કે સમભાવનો અનુભવ તમને ન થાય તો કોને થશે.! અને એ અનુભવ ભીતર ઉતરે, વિભાવમાં જઈ શકાય નહિ.!
