Mumukshu Vachna | 21-04-20 | Navsari Tapovan

22 Min Read

ચારિત્રાચાર – શુભ મનોગુપ્તિ

સાધકની આસપાસ એવા કોઈ જ પદાર્થો ન હોવા જોઈએ કે જેના કારણે રાગ-દ્વેષમાં જઈ શકાય. અને જે વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું થાય, એમના માટે પણ સાધકની એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે બધા સિદ્ધના આત્માઓ જ છે. આ રીતે જો જાગૃતિ રાખવામાં આવે, તો પછી શુભ મનોગુપ્તિનું પાલન અઘરું નથી.

સાધક માટે પદાર્થોનો સંસાર લગભગ 98% છૂટી ગયેલો હોય. 2% પણ એટલા માટે રહે કારણ કે શરીરયાત્રા ચલાવવાની છે. પણ સાધકની એ જાગૃતિ હોય કે શરીરયાત્રા ચલાવવા માટે જે પણ પદાર્થનો ઉપયોગ થાય એમાં ગમો કે અણગમો ન હોય.

વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં જાગૃતિ રાખવામાં અનાદિથી ભીતર પડેલો જીવદ્વેષ બાધક બને છે. કોઈની પાસેથી અપેક્ષા હોય અને એ અપેક્ષાની પૂર્તિ ન થાય, એટલે સીધો જ જીવદ્વેષ થઈ જાય છે. મોટા ભાગના સાધકોને પદાર્થોનો કે શરીરનો રાગ એટલો નથી નડતો જેટલો આ જીવદ્વેષ નડે છે.




નવસારી તપોવન વાચના – 24 [21.4.2020]

સ્થૂળ ચારિત્રાચાર એટલે પાંચ સમિતિ અને ત્રણ શુભ ગુપ્તિનું પાલન. અને સુક્ષ્મ ચારિત્રાચાર એટલે ત્રણેય શુદ્ધ ગુપ્તિઓનું પાલન. શુભ મનોગુપ્તિનું પાલન અઘરું નથી. માત્ર જાગૃતિ ચુકાઈ જાય છે, એને કારણે અશુભમાં મન જતું રહે છે. બાકી પ્રભુએ system એ આપી છે કે આપણું મન અશુભમાં જઈ શકે જ નહિ. આપણી આજુબાજુમાં એવા કોઈ જ પદાર્થો નથી કે જે પદાર્થોને કારણે આપણે રાગમાં કે દ્વેષમાં જઈ શકીએ.
એટલે બે વસ્તુ થઈ – રાગ અને દ્વેષ જેના ઉપર થઈ શકે છે એ પદાર્થોનો સમૂહ જે હતો એમાં એકદમ સંક્ષેપ થઈ ગયો. આવા સાદા કપડાં, સાદુ આસન. એટલે પદાર્થોના સંસારમાં લગભગ ૯૮% સંસાર છુટી ગયો. 2% સંસાર રહ્યો એટલાં માટે કે શરીરયાત્રા ચલાવવાની છે માટે. તો હવે એ જાગૃતિ હોય કે શરીરયાત્રા ચલાવવા માટે જે પણ પદાર્થનો ઉપયોગ હું કરું એમાં મારો ગમો પણ ન હોય, અણગમો પણ ન હોય. આ પદાર્થની વાત આવી. વ્યક્તિઓ પ્રત્યે તો સીધી વાત છે કે બધા સિદ્ધના આત્માઓ જ છે. સેંકડો અલોચનાઓ હું વાંચું છું. અને એના પરથી એક મેં માર્ક કર્યું કે લગભગ સાધકો જીવદ્વેષમાં ફસાઈ જાય છે. કોઈ જ કારણ વિના એક જીવદ્વેષની અનાદિની ધારાને કારણે એ લોકો એ બાજુ જતા રહે છે.
એક મજાની ઘટના યાદ આવે છે. લીચી નામના સંત થયા. બૌધ ભિક્ષુ છે. એકવાર સવારે નદીના કિનારે જાય છે ધ્યાન કરવા માટે. બૌદ્ધોની પાસે આજે ધ્યાનની પરંપરા જીવંત છે. આપણી પાસેની પરંપરા પણ છેલ્લાં 300-૪૦૦ વર્ષોમાં જ ગઈ એવું લાગે છે. ૪૦૦ વરસ પહેલાનો સમય અને એ પછીનો સમય ઘણું અંતર પડી ગયું. અને અંતર પડી ગયું એનું એક કારણ છે. હિરસૂરી દાદા સુધી તપાગચ્છાધિપતિ એક જ રહેતાં. આચાર્યો હોય ૨૫-૫૦. પણ એ ગચ્છાધિપતિની નિશ્રામાં. એમની ચિર વિદાય પછી આખું જ વિઘટન શરૂ થયું. તો હીરસુરીદાદાને ઉનામાં છેલ્લાં ચાતુર્માસમાં ખ્યાલ આવી ગયો કે હવે મારું આયુષ્ય વધારે નથી. પોતાની પાસે જે ગુહ્ય આમનાય હતો, એ પોતાના પટ્ટધર સેનસુરીને આપવો હતો અને વિજયસેન સૂરી ચોમાસું હતા આગ્રા. ચોમાસાની અંદર હીરસુરીદાદાએ પત્ર લખ્યો. ઝડપીમાં ઝડપી એ વખતે સાંઢણીઓ હતી. રોજના ૨૫-૨૫, ૩૦-૩૦ જોજન અંતર કાપે એવી. એના ઉપર એક માણસ ગયો ચિઠ્ઠી આપી, વિજયસેન સૂરી મહારાજને. ગુરુદેવની ચિઠ્ઠી, વિચાર તો કરવાનો છે જ નહિ. તરત જ સંઘને ભેગો કર્યો. ગુરુદેવની ચિઠ્ઠી છે, હું જાઉં છું. સંઘની આરાધના માટે થોડા સાધુઓને મુકતો જાઉં છું.
એ જ ક્ષણે વિહાર શરૂ થઈ ગયો. રોજના ૨૫-૩૦-૪૦ કિલોમીટર કાપે. ચલાય એટલું ચાલે. એમાં પાટણ આવ્યા. અને દસેક વાગે આવ્યા હશે. અને સંઘ આખો દેવવંદન માટે ભેગો થયો. ધ્રાસકો પડ્યો. આજે શેનું દેવવંદન? પૂછ્યું તો સમાચાર મળ્યા કે હિરસૂરીદાદા ગયા. એટલે પછી જવાનો કોઈ અર્થ નહતો. એટલે પાટણમાં જ ચોમાસું એમણે પૂરું કર્યું. પણ હિરસૂરીદાદા જે આપવા માંગતા હતા ને એ આપી ન શક્યા. એક ગેપ પડી ગયો. પરંપરાથી જે ગુરુ પાસે આવેલું હતું. એ ગુરુ પોતાના પટ્ટધરને જ આપતા. અને કદાચ ઉપયોગ મુક્યો હોત ને તો ચોમાસા પહેલા પણ એમને ખ્યાલ આવી જાત કે હું ચોમાસામાં જવાનો છું અને તો ન મોકલત. પણ આ મહાપુરુષો નિષ્ક્રિય હોય. પોતાના આયુષ્ય માટે ક્યાં એમને ચિંતા હોય જ છે! તો એમની સાથે ઘણી બધી વાતો જતી રહી.
જ્યારે હું ઉનામાં ગયો. અને એમના સમાધિ તીર્થમાં અમે ધ્યાન કર્યું ત્યારે મને લાગ્યું કે સ્થાન એકદમ જીવંત છે. અને હિરસૂરીદાદાના vibrations ત્યાં આપણને મળી શકે. થોડું વધુ પ્રયત્ન ત્યાં કરીએ તો કદાચ દાદા જોડે આપણો સંપર્ક પણ થઈ શકે. અને યોગ્ય લાગે તો આપણને એ ગુહ્ય આમનાય આપી પણ શકે. પણ તમે માર્ક કરીને જુઓ. હીરસુરીદાદા સુધીનો સમય superb સમય. અને એ પછી ગચ્છના ભેદો, પક્ષના ભેદો, ખુબ પડી ગયા.
તો ગુરુની પાસે એક પરંપરા હોય છે. તમને ખ્યાલ છે? પ્રભાવસ્વામી કહે પોતાના પટ્ટધરને નીમવા છે. હવે એમની પાસે કેટલા સાધુઓ હશે? સેંકડો, હજારો. તપસ્વી હોય, જ્ઞાની હોય, સાધક હોય. છતાં પોતાના ઉત્તરાધિકારી તરીકે એમને એકને પણ પસંદ નહિ કર્યા! તમે જુઓ. સુધર્માસ્વામી. પાટે જંબુસ્વામી. એમની પાટે. એ રીતે આખી પરંપરા ચાલી. પટ્ટ ઉપર એક જ વ્યક્તિ આવે અને એ જ એનું શાસન ચલાવે. જે વાત અત્યારે તેરાપંથમાં છે. આચાર્ય તુલસીના શિષ્યો હતા. એ બધા જ આચાર્ય મહાપ્રજ્ઞના થયા. અને મહાપ્રજ્ઞજીના હતા એ મહાશ્રમણજીના થયા. મહાશ્રમણથી બમણી ઉમરના સાધુઓ હોય. એટલે બમણા દીક્ષાપર્યાયવાળા હોય તો પણ એ આ આચાર્યના શિષ્ય હોય. એક જ ગુરુ. ગુરુ એક જ.
તો પ્રભવસ્વામી પાસે આટલા બધા શિષ્યો હતાં. શ્રુતનો ઉપયોગ મુક્યો. અને એમને લાગ્યું કે પેલો શયંભવબ્રાહ્મણ જે છે એ જ મારી પટ્ટપરંપરાને વહન કરી શકશે. કથા આપણા ખ્યાલમાં છે. પણ વિચાર એ આવે કે શું જોઈતું હતું એમને? જ્ઞાની શિષ્યો હતા, તપસ્વી શિષ્યો હતા, ધ્યાની શિષ્યો હતા. બસ, પરંપરા ચલાવવા માટે જે આંતરિક શક્તિ અને બાહ્ય પ્રભાવ બેનું સંમેલન જોઈએ એ એમને ત્યાં દેખાયું. એક પરંપરા ચલાવવી છે. પ્રભવસ્વામી પોતાનો પટ્ટ એમને સોંપી દેશે. પટ્ટ સોંપશે એટલે પેલો પટ્ટધર બનશે. બધા શિષ્યો એમના થઈ જશે. હવે બાહ્યપ્રભાવ એવો જોઈએ કે બધાને અનુશાસિત પોતે કરી શકે. કાળનું બળ તો ત્યારે પણ રહ્યું જ છે. અને કાળના બળે નબળા વ્યક્તિઓ પણ આવી જ જતા હોય છે. પણ બાહ્ય પ્રભાવ એવો જોઈએ કે બધા ઉપર એમનું અનુશાસન ચાલે. ભીમકાંત ગુણવાળા હોય. અને આંતરિક શક્તિ એમની બહુ powerful હોય. આંતરિક શક્તિ વિના તો કામ ચાલે જ નહિ.
અને એટલે જ આપણી પરંપરા એ છે કે ગુરુ પોતાના પટ્ટધરને પોતાની શક્તિ આપી દે. શક્તિપાત કરે. અત્યારે આચાર્ય પદવીમાં જે પરંપરા છે ને એ પહેલા પટ્ટધરમાં હતી. માત્ર પોતાના પટ્ટધરને ગુરુ પોતાની શક્તિ આપે. અને એ શક્તિ આપી દીધી છે એની ખાત્રી કરાવવા માટે ગુરુ પોતે શિષ્યને વંદન કરે. તમે આચાર્ય થશો ને ગુરુ તમને વંદન કરશે. ગુરુ એમ કહેવા માંગે છે કે હું ખાલી થઈ ગયો, મારી પાસે હતું બધું મેં એને આપી દીધુ છે. આ આખી શક્તિપાતની પરંપરા હતી. એટલે આમાં માત્ર જ્ઞાની કે ધ્યાની જોવાનું નથી. હું જે શક્તિપાત કરવા માંગું છું એ શક્તિપાતને ઝીલી શકે એવો કોણ છે, એ જોવાનું છે. અને એમાં એમને શય્યંભાવ બ્રાહ્મણ યોગ્ય લાગ્યાં. સાધુઓને મોકલ્યા. એમને પ્રતિબુદ્ધ કર્યા. અને દીક્ષિત કર્યા.
તો ૪૦૦ વરસ પહેલા ધ્યાનની પરંપરા હતી. જીવંત પરંપરા હતી. તો બૌદ્ધોમાં આજે પણ એ પરંપરા જળવાઈ રહી છે. ઝેન પંથમાં તો માત્ર ધ્યાન જ છે. બીજું કાંઈ છે જ નહિ. સતત ધ્યાન, સતત જાગૃતિ. વિપશ્યના આવી ને, એ બૌદ્ધ સાધના જ છે. ગોયંકાજીને ગુરુએ આપી. અને એ ગોયંકાજી ભારતમાં લઇને આવ્યા.
તો લીચી નદીના કિનારે ગયા. ધ્યાન માટે. ત્યાં એમણે જોયું. એક હોડી એ લંગર છુટી ગયેલું, નાનકડી હોડી, ધીરે ધીરે ધીરે સરતી આવતી હોય છે. તો વિચાર કર્યો કે નાવમાં જ બેસી જઈએ. અડધો કલાક – કલાક – બે કલાક. માત્ર ધ્યાન જ કરવું છે. નાવમાં બેસી જઈએ, પ્રવાહમાં નાવ ચાલ્યા કરશે. અને પછી પાછા અહીંયા આવી જઈશું. નાવમાં બેસી ગયા. આંખો બંધ છે. ધ્યાન ચાલુ છે. અડધો – પોણો કલાક થયો હશે. અને એમની નાનકડી નાવને એક મોટી નાવે જોશથી ધક્કો માર્યો. ધક્કો એવો હતો કે નાવ ઉથલી પડે અને સંત પાણીમાં જતા રહે પણ સદ્ભાગ્યે નાવ થોડી હલી, પાછી સ્થિર થઈ ગઈ. બેલેન્સ જળવાઈ રહ્યું. સંતની આંખો બંધ છે. ધ્યાનદશામાં હતા. છતાં જાગૃતિ સહેજ ઓછી આવી તરત જ ક્રોધ આવી ગયો. અરે, મારી આંખો તો બધ છે. સામેથી જે આવતો હશે એની પણ આંખો બંધ હશે? મારી હોડી જોડે પોતાની હોડીને ટકરાવી. તરત આંખ ખોલી. તો આંખ ખોલી અને જે દ્રશ્ય જોયું એથી હસવા માંડ્યા પોતે. સામેથી કોઈ નાવ નહોતી આવી. એક મોટી નાવ એનું પણ લંગર છૂટી ગયેલુ અને પાછળથી આવતી હતી. મોટી નાવ હતી જરા વેગથી ચાલતી હતી. અને એનો છેડો આ નાવને અડી ગયો. પણ નાવમાં કોઈ નાવિક હતો જ નહિ. એ વખતે આ સંતને એ પકડાયું કે આ નાવમાં કોઈ નાવિક હોત તો મને જરૂર ગુસ્સો આવ્યો હોત. મેં એને કહ્યું પણ હોત કે તું ધ્યાન નથી રાખતો. બેવકૂફ. શું કરે છે આ? પણ નાવિક વગરની નાવ. ખાલી નાવ, શું કરવાનું? ગુસ્સો આવે? એમણે પકડી પાડ્યું કે મને ક્રોધ આવ્યો એનું કારણ જીવદ્વેષ છે. સામે માણસ હોત તો મને ગુસ્સો આવવાનો જ હતો. ખાલી નાવ છે. ગુસ્સો કોના ઉપર કરું?
પછીની મજાની ઘટના એ છે કે એ સંતે ખાલી નાવનો એક પ્રતિક તરીકે ઉપયોગ કર્યો. કોઈ માણસ ક્રોધ કરતો હોય ને તો મનમાં કહે ખાલી નાવ છે. નાવિક ઊંઘી ગયો છે. ગુસ્સો ક્યાંથી આવે? તો એ કહેતા; આ ખાલી નાવ છે. તો જીવદ્વેષ અનાદિથી આપણી ભીતર પડેલો છે. અને એમાં આપણી અપેક્ષા વિગેરે ભળતી હોય છે. અને એ અપેક્ષાની પૂર્તિ ન થાય સીધો જ જીવદ્વેષ આપણને થઈ જાય છે.
હમણાંની એક ઘટના કહું. એક તીર્થની અંદર એક ભાઈ આવ્યા. નીચે એક રૂમ લીધી. બે કલાક પછી એનો ભાઈબંધ આવ્યો. એ અને એની પત્ની બે જણા હતા. નીચેની રૂમ ભરાઈ ગયેલી. એ ઉપર ગયો. ઉપરની રૂમમાં ઉતરેલો. થોડી વાર પછી ઉપર વાળાનો નીચે વાળા ઉપર ફોન આવ્યો કે આપણે એક ફોન ઉપર કોન્ફરન્સ કરવી છે આપણા વેપાર માટેની. તો તું આવી જા. પેલો પોતાની રૂમ બંધ કરી ઉપર જાય છે. અને ધર્મશાળાની રૂમો, આગળ પરસાળ, અને સીડી જે હતી એ વચ્ચે હતી. થોડી ખુણામાં. પેલો માણસ દોડતો જાય છે. ઉપર જવા માટે. એ વખતે બીજો એક માણસ દોડતો નીચે ઉતરી રહ્યો છે. દાદરના નુક્કડ ઉપર બેઉ જણા ભટકાઈ ગયા. આમ જુઓ તો વાંક એકેયનો નથી. દેખાય એવું તો હતું જ નહિ. ધીમે ધીમે ચાલતા હોત તો કોઈ પ્રશ્ન પણ ન હતા. બેઉ જણા જોશથી દોડતા હતા. પણ નીચે વાળાને એટલો બધો ગુસ્સો આવ્યો! જોતા નથી, આંખો નથી, શું કરો છો? પેલો ય ગુસ્સો થયો અને વાત પૂરી થઈ. પેલો ઉપર ગયો. એની કોન્ફરન્સ મીટીંગ પતાવીને પાછો નીચે આવ્યો. ભોજનશાળામાં જમ્યો. રાતનો સમય દસેક વાગે. અને એના રૂમમાં ટોયલેટ નહિ. ટોયલેટ બહાર હતું. એને ખબર પણ હતી. દિવસે ગયો હતો. રાત્રે બહાર નીકળ્યો દસ વાગે. અધૂરામાં પૂરું. વીજળી ગુલ. દિવસે ગયેલો ખબર હતી કે આ બાજુ છે. એ જાય છે. એમાં એક થાંભલો હતો. એને ખબર નહતી. અને થાંભલા સાથે જોશથી અથડાયો.
હું ઘણીવાર મારી વાચનાઓમાં પૂછું કે સવારે પેલાની જોડે અથડાયોને ત્યારે ઓછું વાગ્યું હતું. થાંભલા સાથે અથડાયો ત્યારે વધારે વાગ્યું. ગુસ્સો વધારે ક્યા આવે? થાંભલાને સોટી લગાવે કે નહિ લગાવે?
તો જીવદ્વેષ અનાદિથી આપણી ભીતર ઘૂંટાયેલો છે. એટલે સાધનાનો મોટામાં મોટો અવરોધ આ છે. એટલે જ પ્રણિધાનની વ્યાખ્યામાં હીનગુણ દ્વેષાભાવ મૂકી દીધો. અને હરિભદ્રસૂરી મહારાજે યોગદ્રષ્ટિમાં, મિત્રાદ્રષ્ટિમાં માત્ર મિત્રતાની વાત કરી છે. કારણ કે એમને ખ્યાલ હતો કે કદાચ આ સાધકને પદાર્થોનો રાગ નહિ પણ નડે. કદાચ એના શરીરનો રાગ પણ ઓછો હશે એની પાસે. પણ આનું શું? આ જીવદ્વેષ એની અંદર પડેલો છે અંગારા રૂપે. સહેજ હવા મળશે એટલે ભડકો થઈ જવાનો.
હું ઘણીવાર મારી વાચનામાં પૂછું, એવું એક આદર્શ સાધુવૃંદ મને આપો. દસનું કે પંદરનું. કે જેમાં એ પંદરનું વૃંદ છે. તમે કોઇ પણ એકની પાસે બેસો તો ચૌદના ગુણ તમને સાંભળવા મળે. તમે કોઈની પણ પાસે બેસો. અરે કેટલા બધા મહાત્માઓ ગુણિયલ છે. આ સ્વાધ્યાયમાં. આ આમાં. આ આમાં. હવે તમને સમજાવું. કુટુંબમાં, સંસારમાં સિસ્ટમ શું છે અત્યારે? દસનું ફેમીલી હોય ને તો કોઇ પણ એકને પોતાના સિવાયના નવના માઈનસ પોઈન્ટ ની ખબર છે. રહેતા હોય એક ઘરમાં જ. એ બહેનને દેરાણી હોય, ને જેઠાણી હોય ને સાસુ હોય, બધા જ હોય. પણ એને પૂછો ને આ. અરે, વાત મૂકો ને, કહે છે! એનામાં શું બળ્યું છે, કહે છે! ના-ના સાધના સારી કરે છે. એ તો દેખાવનું છે બધું! માઈના ગુણ મહાદેવ જાણે.
તો સંસારમાં આ ઘટના ઘટે કે દસનું કુટુંબ છે. કોઇ પણ એક વ્યક્તિ પાસે નવના માઈનસ પોઈન્ટ હશે, પોતાના માટેના પ્લસ પોઈન્ટ હશે. અને ફરિયાદ હશે બધાના માટે. હું આટલું કરું બધા માટે. ઘસાઈને મરું, મારી કોઈ કદર જ નથી. અને આ જ વાત. મુનિવૃંદમાં રહી શકે ખરી? આખું શીર્ષાસન થઈ જાય! તમારા સિવાયના તમારા વૃન્દના બધાના પ્લસ પોઈન્ટ તમને ખ્યાલમાં હોય અને તમારા માઈનસ પોઈન્ટ તમને ખ્યાલમાં હોય. માઈનસ પોઈન્ટ તમારા ખ્યાલમાં છે તમને. એટલે અહંકાર આવશે જ નહિ. બધાના પ્લસ પોઈન્ટ દેખાય. જીવદ્વેષ ક્યાં આવશે?
વિનોબાજીના જીવનની એક ઘટના કહું; કે પ્રભુ પરાયણ સંત કેટલો આગળ વધેલો હોય છે. વિનોબાજી એક ગામમાં ગયેલા. ત્યાં એમનો ભુનાલ આશ્રમ પણ હતો. આશ્રમના સત્તા વાળાઓએ નક્કી કર્યું કે હરિજનોને સમુહમાં ત્યાંનું એક મોટું મંદિર હતું ત્યાં લઇ જવા. પ્રસિદ્ધ મંદિર હતું. પણ હરિજનોને પ્રવેશ એ જમાનામાં નિષેધ હતો. તો આશ્રમના સત્તા વાળાઓએ નક્કી કર્યું કે હરિજનોનો પ્રવેશ કરાવવો. ટ્રસ્ટીઓ જોડે વાત થઈ. ૧૧ ટ્રસ્ટી હતા. પાંચે હા પાડી. ૬ વિરોધમાં હતાં. એમાં વિનોબાજીને આવવાનું થયું આશ્રમમાં. તો આશ્રમના સત્તા વાળાઓએ કહ્યું કે સાહેબ અમારો આ કાર્યક્રમ છે આવતી કાલનો. તમે પધારી રહ્યા છો. તો તમારી આગેવાની હેઠળ જ બધા હરિજનોને એ મોટું મંદિર છે ત્યાં લઇ જઈએ. તો વિનોબાજીએ પહેલા પૂછ્યું કે ત્યાંના ટ્રસ્ટીઓની સંમતિ ખરી? કારણ કે હું જીદમાં માનતો નથી. ભગવાન તો બધે છે. મોટા મંદિરમાં છે તો નાના મંદિરમાં ય છે. અને એક નાનકડી દેરી બનાવી હોય ત્યાં ય ભગવાન છે. આપણે જીદને માટે મોટા મંદિરમાં જવું નથી. અને તમારી પાસે ભક્તિ હોય તો અહીં બેઠા-બેઠા પ્રભુનું દર્શન કરી શકો છે. એટલે જીદનો મામલો થવો ન જોઈએ. એ લોકોની પરવાનગી છે ટ્રસ્ટીઓની તો આપણે જઈએ. હું પોતે માનું છું કે હરિજનો એ પણ પ્રભુના જન છે. અને એમને પણ મંદિરમાં જવાનો અધિકાર છે. પણ જીદનો મામલો મને જોઈતો નથી. દુરાગ્રહ ન જોઈએ. પેલાએ કીધું કે સાહેબ ૫ ટ્રસ્ટીઓની હા આવી ગઈ છે.
હવે વિનોબાજીને થોડી ખબર હોય કે ૧૧ ટ્રસ્ટીઓ છે અને પાંચની હા આવી છે. એમણે માન્યું કે ટ્રસ્ટીઓની હા આવી છે. બીજા દિવસે તો સરઘસ ઉપડ્યું. ૫૦૦ થી ૭૦૦ હરિજન. આગળ વિનોબાજી. પાછળ આશ્રમના થોડા કાર્યકરો. સૌથી પહેલા વિનોબાજી. જ્યાં પેલા લોકોને સમાચાર મળ્યાં. છ જણાને. આ લોકો તો આવે છે કહે છે. નહિ કોઈ હિસાબે મંદિરમાં પ્રવેશવા ન દઈએ, કહે છે. એ છ જણા પણ જીદ્દી હતા. એમણે ગુંડા રાખેલાં. કે સરઘસ ઉપર તૂટી પડવાનું. પાછળ જે થશે એ જોઈ લઈશું. અને આ બધા નબળા માણસો છે. બે-ચાર ને લાકડી મારશું તો બધા ભાગી જવાના છે. પહેલી જ લાકડી વિનોબાજીને લાગી. વિનોબાજીનું શરીર એકદમ સૂકલકડી. લાકડી વાગી અહીંયા. નાક ઊપર. નાકમાંથી નસકોરી છૂટી. લોહીનો પ્રવાહ. બેભાન જેવા થઈ ગયા.
હવે તો પહેલું કામ એ જ હતું કે એમને આશ્રમમાં પહોંચાડવા. એક ખુરશી જેવું મળ્યું. એમાં બેસાડ્યા. ઊંચકીને એમને આશ્રમમાં લઇ ગયા. પાટાપિંડી કરી. ડોકટરે દવા આપી. સ્વસ્થ થઈ ગયા. સ્વસ્થ થયા પછીનું એમનું વચન શું હતું એ મારે કહેવું છે. સામાન્યતયા શું હોય? સાલુ. ટ્રસ્ટીઓની હા આવી હતી અને આ લોકોએ આવું કર્યું? ગુંડાઓ રોકેલાં. આમ કર્યું! વિનોબાજીનું ભાનમાં આવ્યા પછીનું. સ્વસ્થ બન્યા પછીનું પહેલું વચન હતું કે હું તો પ્રભુના દર્શન માટે જતો હતો. પ્રભુએ સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. ગુંડાની જે લાકડી પડી એ વખતે પણ માત્ર સમભાવ રહ્યો, એ સમભાવનો સ્પર્શ – એ પ્રભુનો સ્પર્શ.
જીવદ્વેષથી કેટલા એ દુર હટી ગયેલા હશે બોલો? મને ઘણીવાર લોકો પૂછે કે તમે હિંદુ સંતોના અને એ બધાના દાખલા કેમ આપો છો? તો મેં કહ્યું, હું એટલાં માટે આપું છું કે તમે કદાચ એમ માનતા હોવ કે શ્રાવક તરીકે તમે પાંચમી દ્રષ્ટિમાં છો કે સાધુ તરીકે તમે છઠ્ઠી દ્રષ્ટિમાં છો. એ તમારો ભ્રમ નીકળી જાય, એના માટે આ વાત કરું છું – કે બીજી-ત્રીજી કે ચોથી દ્રષ્ટિમાં રહેલાં સંતો એ પણ જો આટલે ઉંચે ગયેલા હોય તો તમે કેટલે ઉંચે ગયેલા હોવ?
વિનોબાજી ઇન્ટર પાસ થયેલાં. એ જમાનામાં ઇન્ટર પાસ થવું એટલે બહુ મોટી વસ્તુ ગણાતી. બહુ-બહુ તો ગ્રેજ્યુએશન કરવાનું હોય. એમાં ગાંધીજીની આ આખી સ્વાતંત્ર્ય માટેની ચળવળ ચાલુ થઈ. વિનોબાજીને થયું કે ગ્રેજ્યુએશન તો ઠીક છે મારા ભાઈ. પણ દેશ માટે મારે કંઇ કરવું જ જોઈએ. હવે ગાંધીજી જેવા માણસે સ્વાતંત્ર્ય માટેની ચળવળ ઉપાડી છે. મારે એમાં જોડાઈ જવું જોઈએ. નક્કી કર્યું. નક્કી કર્યા પછી પહેલું કામ શું કર્યું? ઇન્ટર પાસ થયાનું સર્ટિફિકેટ મળ્યું ને એને ફાડી નાંખ્યું. વિનોબાજીના બા એ એમને પૂછ્યું; વિન્યા! તે કેમ ફાડી નાંખ્યું? તો વિનોબાજી કહે છે કે અત્યારે મારો નિર્ધાર છે કે મારે ગાંધીજીની સાથે જ રહેવું. અને એમને ચળવળ ઉપાડેલી છે, દેશને આઝાદ બનાવવાની. એમના માટે જ મારું આખું જીવન વિતાવી દેવું છે. પણ મને ખબર નથી કે ત્યાં મારે કેવી અનુકુળતા રહેશે કે પ્રતિકુળતા રહેશે. પણ કદાચ પ્રતિકુળતા મળે તો પણ આ બાજુની દિશાને હું એકદમ block કરીને જાઉં છું. વિચાર જ ન આવે કે ઇન્ટર પાસ થયેલો છું. ચાલો પાંચ કોલેજ ભેગા ગ્રેજ્યુએશન કરી નાંખીએ. મારે માત્ર એ દિશામાં જવાનું છે. આ દિશાને સંપૂર્ણતયા મેં બંધ કરી નાંખી છે. માટે સર્ટિફિકેટ ફાડી નાંખ્યું. એમને તો ખ્યાલ પણ નહતો કે ત્યાં કેવું વાતાવરણ મળશે? સાવ નવો સમૂહ હતો.
તમને તો બધાને ખ્યાલ હતો પહેલેથી. દીક્ષામાં કઈ મજા છે. ક્યાં નથી. મારે એક જ વાત કહેવી છે. સર્ટિફિકેટ દુનિયાનું ફાડીને આવ્યા છો કે લઈને આવ્યાં છો? જે દિશામાં જવું નથી, એ દિશાના દરવાજા ખુલ્લાં રાખ્યા છે. પછી કહે આ દિશામાં મારે જવાતું નથી. ક્યાંથી જવાય પણ! તમે દરવાજા જ બંધ ન કરો! તમારે માત્ર પ્રભુમાં ડૂબવું છે અને લોકસંપર્ક તમારો ચાલુ જ છે. તો પ્રભુમાં શી રીતે ડૂબવાના તમે? સવાલ જ નથી.! એટલે ખરેખર તો તમારા લક્ષ્યમાં જ ચૂક છે. એટલે એક મનને મનાવી લીધું છે કે મારું લક્ષ્ય ઓછું છે. એ મન જોડે તમારી ચીટીંગ છે.
લક્ષ્ય જો સાફ હોય તો રસ્તો સાફ છે. જો બે દિશા ચાલુ રાખવી છે. આ એ દિશામાં જવું છે. જવું છે આ દિશામાં તો આ દિશા ચાલુ રાખવાની છે. એ ચાલુ રાખશું તો શું થશે? તારું મન તો એ બાજુ રહેવાનું છે પછી. શરીર આ બાજુ રહેશે કદાચ. મન આ બાજુ રહેશે તારું. સાધના કેમ થશે? લક્ષ્યાંક મજબુત કરી નાંખો કે આ જ લક્ષ્ય છે. સ્વની જ અનુભૂતિ મારે કરવાની છે. મારે ત્યાં જ જવાનું છે. એ લક્ષ્યાનુંસંધાન હશે. તો માર્ગ મજાનો છે. દોડે જાઓ બસ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *