Mumukshu Vachna | 22-04-20 | Navsari Tapovan

23 Min Read

શુદ્ધ મનોગુપ્તિ

વર્તમાનયોગ જો તમને મળી જાય, તો શુદ્ધ મનોગુપ્તિ દૂરની ઘટના નથી. વર્તમાનયોગ માટે કહ્યું: _अतिताSननुसन्धानं भविष्यदविचारणम् औदासिन्यमपिप्राप्ते_. ત્યાં ભૂતકાળનું કોઈ અનુસંધાન નથી, ભવિષ્યનો કોઈ વિચાર નથી અને વર્તમાન ક્ષણમાં પણ ઉદાસીનતા છે.

ભૂતકાળમાં અગણિત જન્મો રખડીને આવ્યા; એમાં યાદ કરવા જેવું છે જ શું? આપણે તો પરાજિત યોદ્ધા છીએ. પરાજિત યોદ્ધો શું યાદ કરે? અહીં હું હારેલો; અહીં પણ હારેલો! શું યાદ કરશો તમે, એ તો મને કહો! અને ભવિષ્યકાળ તમારા હાથમાં છે જ નહીં. ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ રીતે ખુલવાના છે; તમારો એમાં કોઈ અધિકાર ચાલવાનો પણ નથી તો પછી એનો પણ શું વિચાર કરવો!

ભૂતકાળ અને ભવિષ્યકાળથી તમે છૂટ્યા, તો પછી વર્તમાનની એક ક્ષણ રહેશે. એને ઉદાસીનતાથી ભરી દેવી છે. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર. માત્ર દ્રષ્ટાભાવ. ઘટના ઘટી રહી છે; તમે એના માત્ર સાક્ષી છો. વર્તમાનક્ષણમાં જો આવી ઉદાસીનદશા જાય, તો વર્તમાનયોગ આવી ગયો..




નવસારી તપોવન વાચના – 25 [22.4.2020]

સ્થૂળ ચારિત્રાચારમાં પાંચ સમિતિ અને ત્રણ શુભરૂપ ગુપ્તિ. સુક્ષ્મ ચારિત્રાચારમાં શુદ્ધ ત્રણ ગુપ્તિ. શુદ્ધ મનોગુપ્તિ માટે થોડીક જ મહેનત કરવાની છે.
વર્તમાનયોગની સાધના જો તમને મળી જાય; શુદ્ધ મનોગુપ્તિ દૂરની ઘટના નથી. વર્તમાનયોગમાં બે રીતે કામ કરવાનું છે. પહેલા તો ભૂતકાળની સ્મૃતિ જે છે એને તોડી નાંખવી છે. ભૂતકાળ ગયો! ગયો, એ ગયો. હવે એની યાદ સુદ્ધા નહિ! ભવિષ્યનો વિચાર નહિ – આ પહેલો સ્ટેજ. હવે એક ક્ષણ વર્તમાનની રહેશે. એમાં પણ રાગ ભળેલો હોય તો વર્તમાનયોગ નથી એ. ચા કોઈ પીતો હોય. ટેસ્ટી ચા લાગે છે. એમ આસક્તિ સાથે પીતો હોય તો વર્તમાનયોગ નથી. કારણ, વર્તમાનયોગની શરત આ છે: “अतिताSननुसन्धानं भविष्यदविचारणम्, औदासिन्यमपि प्राप्ते” ભૂતકાળનું અનુસંધાન નથી. કેટલું યાદ રાખશો? ગયા જનમનું યાદ છે? અગણિત જન્મો ફરીને, રખડીને આવ્યાં. અને યાદ કરવા જેવું છે પણ શું?
ઓશોએ એક બહુ સરસ વાત કરી હતી. એણે કહ્યું કે પૂર્વમાં અને પશ્ચિમમાં કેટલો બધો ફરક છે? પશ્ચિમવાળા ઈતિહાસની અંદર નામો ગોખાવી-ગોખાવીને થકવી નાંખે. એડવર્ડ પહેલો આવે ને, એડવર્ડ બીજો આવે ને એડવર્ડ ત્રીજો આવે ને. પૂર્વે મજાની વાત choose કરી પુરાણો દ્વારા. એક પુરાણ ૧૦૦-૨૦૦ વ્યક્તિત્વને ટચ કરતુ હોય. એક યયાતિ વૃદ્ધાવસ્થામાં પણ એની વાસના ખતમ થતી નથી. તો એક પાત્ર એવું મૂકી દે કે સેંકડો વ્યક્તિત્વનો પરિચય તમને એક પાત્ર દ્વારા થઈ જાય. એટલે તમારો ભૂતકાળ જે છે એ કાંઈ યાદ કરવા જેવો નથી! એવા કોઈ પરાક્રમો કર્યા નથી તમે કે એની સ્મૃતિ આવે! કારણ કે આપણે તો પરાજિત યોદ્ધા જ છીએ. તો પરાજિત યોદ્ધો હોય શેને યાદ કરે? અહિયાં હું હારેલો. અહિયાં પણ હારેલો! શું યાદ કરશો તમે, એ તો મને કહો?
ભવિષ્યકાળ જે છે એ તમારા હાથમાં છે નહી. ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ રીતે ખુલવાના છે. તમારો એમાં કોઈ અધિકાર ચાલવાનો પણ નથી તો એના તરફ વિચાર નહિ કરવાનો.
એના પછી શું કરવું છે – કે વર્તમાનની જે એક ક્ષણ છે એને ઉદાસીનતાથી ભરી દેવી છે. ન રાગ, ન દ્વેષ, ન અહંકાર. તમે માત્ર દ્રષ્ટાભાવમાં છો. ઘટના ઘટી રહી છે – તમે એના માત્ર સાક્ષી છો. તો ભૂતકાળની સ્મૃતિ નથી, ભવિષ્યકાળનો વિચાર નથી, અને વર્તમાનક્ષણમાં ઉદાસીનદશા જો આવી જાય તો વર્તમાનયોગ આવી ગયો.
એક ભાઈએ ઘરે ફોન કર્યો બપોરે સાડા ત્રણ વાગે. કંઇ કામ હશે. તો સામેથી શ્રાવિકાએ કહ્યું કે આજે તો સાંજના ભોજનમાં તમારી ફેવરેટ આઈટમ બનાવી છે, હાંડવો. અને એકદમ દેશી તપેલામાં બનાવેલો હાંડવો. પેલા ભાઈએ સાડા ત્રણ વાગે સાંભળ્યું. ચકકર ચાલુ થઈ ગયું અંદર. મજા આવશે. મજા આવશે. સાડા છ એ જમવા બેશે. ૧૦ મિનીટ-૧૫ મિનીટ એને ખાતા થાય. પણ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઊંઘે નહિ ત્યાં સુધી ફરી પાછો હાંડવાને યાદ કરતો રહે. બહુ મજા આવી ગઈ હો! બહુ ટેસ્ટી હતો! એ માણસ જો જાગૃત સાધક હોય ને તો એણે પોતાની શ્રાવિકાને કહી દેવું જોઈએ. આજે સવારે-બપોરે કે સાંજે ભોજનમાં મેનુ શું છે એની ખબર તારે મને પહેલેથી આપવાની નહિ. એટલે પહેલાથી જે રાગદશા થાય એને તોડી નાંખીએ.
હવે જમતી વખતે શરીર ભોજન લઇ રહ્યું હોય અને એ પોતાના મનને ક્યાંક શુભવિચારોમાં ડાયવર્ટ કરી દે તો એટલો બધો રસ પણ નહિ રહે. અને એ જો રસ નહિ રહે તો ભવિષ્યમાં પાછળ એની સ્મૃતિ પણ રહેવાની નથી. બંબાવાળા શું કરે ખબર છે? આગબંબાવાળા. આગ કયાંક લાગી છે. મોટી ચાલ છે મુંબઈની. ૫૦-૬૦ રૂમ એક લાઈનમાં છે. વચલી એક રૂમમાં આગ લાગી છે. તો એ લોકો શું કરે? પહેલા તો એ જે રૂમમાં આગ લાગી છે ને એની બાજુની રૂમ તોડી નાંખે. આ બાજુની અને આ બાજુની બેય. કારણ કે ભડકો એટલો જોશથી છે કે ઓલવતા વાર લાગે એવું છે. પણ આગ જો ફેલાઈ ગઈ તો પછી કાબુમાં નહિ આવે. એટલે આ બાજુનું એક ઘર તોડી નાંખે. પેલી બાજુનું એક ઘર તોડી નાંખે. અને પછી વચલી આગને પાણીથી બુઝાવી નાંખે. આપણે પણ આ જ રીતે કરવાનું.
ભૂતકાળને ડિલીટ કરી નાંખો. સાલું મોબાઇલમાં સગવડ છે આજે હો! કેટલા લોકોનું ડિલીટ કરતા હોય. આ મોબાઇલ જેવાય તમે નહિ? સાચું કહેજો. મોબાઇલ તો જડ છે. જડની પાસે જે શક્તિ છે એ ચેતન પાસે નથી બોલો? શું કરવાનું બોલો હવે? શું કરશું હવે?
મારા ટેબલ ઉપર દસ પુસ્તક હોય ને તો હું તરત જોઈ લઉં કે આમાંથી કેટલાં જોવાઈ ગયા અને કેટલા હવે જોવાના છે. તરત કહી દઉં કે આ મૂકી દો પાછા હવે. એમ તમે જોઈ લો, મનનું પડીલેહણ કરી લો. નકામું કેટલું છે? નકામું હોય એને ખતમ કરી નાંખો. ડીલીટ કરી નાંખો.
એક મજાની ઝેન કથા છે. એક વિદ્યાર્થી ઝેન સ્કુલમાં ભણવા માટે ગયો. ત્યાં એને ૫-૭ વરસ સુધી બૌધ ગ્રંથોનો અભ્યાસ ગુરુની નિશ્રામાં કર્યો. છેલ્લું જે વિઝન આપવાનું હોય. દ્રષ્ટિ. એ ગુરુ આપે. તમને ખ્યાલ છે? આચાર્ય ભગવંત મૂળગ્રંથ તમને આપે ને, તમને પ્રાયશ્ચિત આવે છે. કારણ કે એ ઉપાધ્યાયનો વિષય છે, આચાર્યનો વિષય નથી. ઉપાધ્યાયજી ગ્રંથો ભણાવશે તમને. પણ એ ગ્રંથમાંથી તમારાં જીવનને લગતું કોઈ મજાનું વિઝન હશે ને, એ સદ્ગુરુ જે છે એ કરી આપશે.
જેમ કે યોગશતકનો પદાર્થ ‘तीर्थे श्रवणम्’. ગુરુ સમજાવશે કે તે શ્રવણ તો કર્યું. આ ગ્રંથનું ઉપાધ્યાયજી પાસે શ્રવણ કર્યું. તે તારી મેતે પણ બે-ચાર વાર વાંચ્યું. પણ તીર્થ-શ્રવણ નહિ થાય, ત્યાં સુધી આ ગ્રંથ ક્વોલીફાઈડ નહિ ગણાય. તીર્થ એટલે શું? અનુભૂતિવાન સદ્ગુરુ. એટલે એક અનુભૂતિવાન સદ્ગુરુના ચરણોમાં બેસવું પડે અને એમની પાસે એ ગ્રંથનું શ્રવણ કરવું પડે. તો એ શું કરશે? શબ્દ-શબ્દ વચ્ચેનાં. પંક્તિ-પંક્તિ વચ્ચેનાં અશબ્દને ખોલી આપશે. તો સદ્ગુરુ વિઝન આપે છે. જ્ઞાન જુદું અને વિઝન જુદું. તમે અત્યારે ભણો છો એ માહિતીજ્ઞાન છે. એ તમારા માહિતીજ્ઞાનને આત્મજ્ઞાનમાં ફેરવવાનું કામ સદ્ગુરુ કરે છે.
તો પેલો સ્ટુડન્ટ પાંચ-છ વરસ સુધી ભણ્યો. પછી નીચેના ગુરુને લાગ્યું કે હવે મોટા ગુરુ પાસે મોકલી શકાય એમ છે. તો એણે કહ્યું; કે તું મોટા ગુરુ પાસે જા. મોટા ગુરુની ચેમ્બર અલગ હતી થોડી. પેલો સ્ટુડન્ટ ત્યાં ગયો. વંદન કર્યું. કે સાહેબ મને મોકલવામાં આવ્યો છે આપની પાસે. એ વખતે ગુરુ એના જ્ઞાનને ચકાસે છે. એ લોકોની જ્ઞાન આપવાની કળા આખી અલગ હોય છે. અને દરેક પરંપરામાં અલગ-અલગ વસ્તુ હોય જ. તો ગુરુએ એ સાધકને પૂછ્યું કે આ બારી બાજુ તને શું દેખાય છે? સામે પહાડ હતો, ઝરણું વહેતું હતું, વૃક્ષો આવા ઘટાટોપ હતા. ગુરુ પૂછે છે તને શું દેખાય છે? તો કહે કે સાહેબ પહાડ, ઝરણું, વૃક્ષો દેખાય છે. ગુરુએ એને કહ્યું બે વરસ પછી મારી પાસે આવજે. આજે તું જા. બે વરસ પછી મારી પાસે આવજે. ગુરુ એ પણ નથી કહેતા કે તારી ભૂલ ક્યાં થઈ? શોધજે તું તારી મેળે!
પેલો વિદ્યાર્થી પાછો ગયો. ધીરજવાળો હતો. હિંમતવાળો હતો. એટલે પલોઠી બાંધીને બેસી ગયેલો. પેલા બિહારી પંડિતો ભણાવવા આવતા હતા ને આપણને. એક પંડિત મને કહે, મહારાજ સાહેબ! તુમ કો તો કિતની સુવિધા મિલતી હે! ફિર ભી તુમ અચ્છે રૂપ સે પાઠ નહિ કરતે હો! મેરી તો દસ વરસકી ઉમ્રથી ઓર ગુરુજી કે પાસ મુજે ભેજા ગયા થા. ઓર ગુરુજી ઇતને કડક થે. મેરી ચોટી સે દોરી બાંધ દેતે ઉપર. સહેજ નીંદ આ જાતી. ચોટી ખીંચ જાતી. હમ તો ઇતને પરિશ્રમ સે વિદ્યા કો પ્રાપ્ત કરકે આયે હે.
એ લોકોમાં પણ એક વિઝન હોય છે. પંડિતોમાં પણ. દરેક પાસે એક પરંપરા હોય છે. એકવાર મારે તર્કસંગ્રહ ભણવાનો હતો પાલીતાણામાં. તો પંડિતજીએ કહ્યું કે આપણે કાલથી શરૂ કરીશું. હું બે ચોપડી લઈને આવ્યો. એક એમના માટે અને એક મારા માટે. મેં જઈને પંડિતજીને ચોપડી આપી. એ કહે; ક્યાં હમ ગધે હે? ક્યાં હમ ગધે હે? મેં કહ્યું; મારી નાંખ્યા. ‘પ્રથમેં ગ્રાસે મક્ષિકા’. મેં પૂછ્યું શું થયું? એ કહે; ક્યાં! પુસ્તક દેખકર હમ પઢાયેંગે ક્યાં? તો ફિર હમ ગધે હિ હે ના. પછી એ ઉનાળામાં મેં શરૂ કરેલું. ચોમાસું પાલીતાણામાં હતું. નવ્વાણું હતું તો પાછું રોકાવાનું થયું. એ ૮-૧૦ મહિનામાં તર્કસંગ્રહ, વ્યાપ્તિપંચક, મુક્તાવલી, સિદ્ધાંતલક્ષણ બધું જ થયું. ક્યાંય પુસ્તકની જરૂરિયાત નહિ. બધું જ મોઢે. પછી તર્કસંગ્રહ ભણતો હતો. છેલ્લું સૂત્ર આવ્યું. અબ રહને દો. અબ શેષં શ્રી ગણેશાય. હું તો બુદ્ધિશાળી ને, કયું? રહને કયું દે? ગ્રંથ તો પુરા કરના ચાહિયે ના…! તો કહે, દેખો હમારી પરંપરા કહેતી હે કી કિસી ભી ગ્રંથ કો પુરા નહિ કરને કા. એક સૂત્ર શેષ રખને કા! યદિ તુમ ગ્રંથ પુરા પઢ લોગે તો અહંકારી હો જાઓગે. કી મૈને ઇતને સારે ગ્રંથ પઢ લીયે! કેટલી મજાની વાત આવી! શેષં શ્રી ગણેશાય.
તો ગુરુએ કહ્યું; બે વરસ પછી આવજે. તો પેલો પાછો ગયો. વિદ્યાર્થી હતો. સાધક હતો. પણ એની સાધના ખરેખર ઊંડાણમાં હતી. કે કોઇ પણ હિસાબે ગુરુ પાસેથી વિઝન મારે મેળવવું છે. તો મારી ભૂલ ક્યાં થઈ ગઈ? પછી એણે બૌદ્ધ ફિલોસોફીને ઊંડાણથી વાંચી. હવે આપણને ખ્યાલ છે. બૌદ્ધ ફિલોસોફી બધું જ ક્ષણસ્થાયી માને છે. ક્ષણે-ક્ષણે બધું વિનષ્ટ થઈ રહ્યું છે.
યોગદ્રષ્ટિ સમુચ્ચય તમે વાંચેલો હશે. એમાં એક સરસ પ્રશ્ન થયો છે કે બુદ્ધ માત્ર ક્ષણિક વાદ ઉપર બોલ્યા. કપિલ અને એ બધા નિત્ય કુટસ્થ આત્મતત્વ ઉપર બોલ્યા. શું કારણ હતું? એટલું મજાનું કારણ આપ્યું છે. આપણને લાગે કે શું હરીભદ્રાચાર્યનું વિઝન છે! ત્યાં એ કહે છે: “चित्रा तु देशनैतेषां, स्याद् विनेयानुगुण्यत:” એ લોકોની દેશનામાં ફરક પડ્યો એનું કારણ – શિષ્યો, સભા. જેવી સભા હોય એવું પ્રવચન તમે આપો.
બુદ્ધ માસના-સમૂહના ગુરુ હતા. ૧૦-૧૦ હજાર રાજકુમારો-રાજકુમારીઓ એમની પાછળ ફરતી હતી. એક પરમસંમોહન હતું એ વખતે. હજારો ભિક્ષુઓ એમના હતા. પણ હવે આટલા બધાને વૈરાગ્યની ધારામાં લઇ જવા હોય તો સમુહ માટે તો છીછરી વાતો જ કરવી પડે! તો બુદ્ધ કહેતા કે તમે શેના ઉપર રાગ કરો છો, મને સમજાવો. જે છે-છે અને નથી! એના પર તમે રાગ કેમ કરી શકો? બુદ્ધ સમજાવતા તમે નદીના કાંઠે ગયા છો તો વૃક્ષો સારા હોય તો તમને કદાચ રાગ થઈ જાય. લોન હરિયાળી છે તો તમને રાગ થઈ જાય કદાચ. પણ નદીનું પાણી જે ક્ષણે-ક્ષણે-ક્ષણે બદલાઈ જ રહ્યું છે. તમે જુઓ છો ને એ નથી. જુઓ છો ને એ નથી. જુઓ છો ને એ નથી. એના ઉપર રાગ તમે કેમ કરશો? જે છે જ નહી, એના ઉપર રાગ તમે કેમ કરી શકશો?
હેરાક્લાઈટસ હમણાના ફિલોસોફર થયાં. એમનું એક સરસ સ્ટેટમેન્ટ છે આ સંદર્ભમાં કે You can’t step twice in the same river. You can’t step same river. એક જ નદી જે છે એમાં બીજી વાર (twice) તમે પગ જ ન મૂકી શકો. કારણ કે પ્રવાહ તો ચાલી રહ્યો છે.
તો બુદ્ધની પાસે સમૂહ હોવાના કારણે બુદ્ધ વૈરાગ્ય તરફ લોકોને જવા માટે આ ક્ષણિકવાદની વાત કરતા. કપિલ અને એમની પાસે, કણાદની પાસે, ક્લાસના સાધકો આવતાં. અત્યંત પ્રબુદ્ધ સાધકો.. તો એ કહેતા બંધ જ નથી, મુક્તિ ક્યાંથી? તમે બંધાયા છો એ તો ભ્રમ છે. તમે મુક્ત જ છો!
અષ્ટાવક્રસંહિતામાં જનક રાજાએ પૂછ્યું અષ્ટાવક્ર ઋષિને કે હું ખરેખર મુક્ત છું એમ તમે કહો છો. તો મને કર્મબંધ કેમ થાય છે? ત્યારે એમણે કહ્યું; ‘अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम्’. ‘अयमेव हि ते बन्धो दृष्टारं पश्यसीतरम्’. તારા માટે કર્મબંધ એટલાં માટે છે કે દ્રષ્ટા તરીકે તું બીજાને જોવે છે. દ્રષ્ટા તું પોતે છે. નિર્મળ ચેતના. તું કહે છે મારી આંખે જોયું. મારા મને જોયું. આંખ એટલે હું. મન એટલે હું. શરીર એટલે હું. તું જો દ્રષ્ટા તરીકે બીજાને કલ્પે છે. એટલાં માટે જ તને કર્મબંધ થાય છે. જે ક્ષણે તું દ્રષ્ટા હોઈશ; કર્મબંધ છે જ નહિ!
અને એના પછી આ જ વસ્તુને થોડી હાઇટમાં લઇ ગયા છે. ‘अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठसि’. તારો કર્મબંધ એટલાં માટે થાય છે કે તું સમાધિ કરે છે, ધ્યાન કરે છે માટે. ‘अयमेव हि ते बन्धः समाधिमनुतिष्ठसि’. કારણ? ધ્યાન કે સમાધિ being ની ઘટના છે. કરવાનું ક્યાં છે આપણે કંઇ? કરવાના ચક્કરમાં પડયા એટલે ઉંધા ચકકરમાં ગયા. ધ્યાન કરવાની વસ્તુ છે જ નહિ! તમારું તમારા સ્વરૂપમાં હોવું એનું નામ ધ્યાન.
ધ્યાન અને સમાધિમાં ફરક શું પાડ્યો છે? ધ્યાતા ધ્યેય સામે નજર રાખે; અને ધ્યેયની સાથે પોતાની ચેતનાને એકાકાર કરવાની કોશિશ કરે એ ધ્યાન દ્વારા. ત્યારે ધ્યાતા છે, ધ્યાન છે અને ધ્યેય છે. ત્રણેય છે – એ ધ્યાન કહેવાય. તો જે ક્ષણે ધ્યાતા પોતાની ચેતનાને ધ્યેયમાં ડુબાડી દે, એ વખતે સમાધિ થઈ ગઈ.
દેવચંદ્રજી મહારાજે સુબાહુ જિન સ્તવનામાં આખી વાત ખોલી છે. કાલે તમને સમજાવીશ. બહુ મજાની વાત છે. ધ્યાનમાં કઈ રીતે જવું? પછી સમાધિમાં કઈ રીતે જવું? આખી વાત એમણે લખી છે. તો અષ્ટાવક્ર ઋષિ કહે છે કે તું ધ્યાન કરે છે. તું સમાધિ કરે છે. એ જ તારો કર્મબંધ છે.
કરવાનું શું છે, ખબર છે? વિભાવમાં તમે ગયા છો, પરભાવમાં તમે ગયા છો. ત્યાંથી તમારી ચેતનાને રિકોલ કરવી – એ સાધના છે. ત્યાં કરવું છે. જ્યાં પ્રત્યાહાર સુધી કરવાની વાત છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પછી પ્રત્યાહાર. આઠ અંગોમાં. તો પ્રત્યાહાર એ કરવાની વસ્તુ છે. ધારણા છઠ્ઠું જે છે એ પણ કરી શકાય. ધ્યાન અને સમાધિ માત્ર હોવાની ઘટના છે.
તો કપિલ અને કણાદ જે કહે છે એ જ આપણો નિશ્ચયનય છે. આપણો શુદ્ધ નિશ્ચયનય એ જ કહે છે કે તમે મુક્ત જ છો. તમે બંધ છો જ નહિ. બંધ છો જ નહિ તમે. તમે અધ્યાત્મબિંદુમાં વાંચો, અધ્યાત્મસાર વાંચો. અધ્યાત્મઉપનિષદ વાંચો. કોઇ પણ ગ્રંથ વાંચો. તમે મુક્ત જ છો. નિશ્ચયનયની દ્રષ્ટિએ. અને હું મુક્ત છું એ રીતે વિભાવન કરીને જ, તમારે આલંબનમાંથી અનાલંબનમાં જવાનું છે. રાગ છે દ્વેષ છે બધું જ છે. પણ એનું ઉદય ક્યાં સુધી? મન સુધી, ચિત્ત સુધી, લેશ્યા સુધી. મારા શુદ્ધ સ્વરૂપમાં ઉદયની કોઈ શક્યતા છે જ નહિ. સીધી વાત છે. અશાતાનો ઉદય છે. તમે એમાં તમારાં મનને મુકતા નથી.
આપણે પરિષહો સહન કરીએ છીએ તેનું કારણ આ જ છે. ક્યારેક કોઈ રોગ આવી જશે, ક્યારેક કોઈ ઘટના ઘટી જશે. ત્યારે આપણે સાધનામાંથી વિચલિત ન થઈએ માટે પરિષહો છે. અશાતાનો ઉદય આવી ગયો – તમે એને જોઈ શકશો. તમે હાય-બાપલા નહિ કરો. તો શું થયું? અશાતાનો ઉદય શરીર સુધી છે, હું તો પૂર્ણ આનંદથી ભરપુર છું.
ગજસુકુમાલમુનિના માથે ખેરના અંગારા હતા. પણ એ અશાતાનો ઉદય ક્યાં હતો? શરીરમાં હતો. એ પોતે પોતાના પૂર્ણ આનંદમાં હતા. આમ સામાન્ય તયા આપણે શું કહીએ ખબર છે? એમણે સહન કર્યું એટલે શુદ્ધ થયા ને સિદ્ધ થયા. સહન કરવાને અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સહન કરવું એ વ્યવહાર સાધના છે. નિજગુણમાં જવું એ નિશ્ચયસાધના છે.
તો પરિષહ ક્યારેક ક્યારેક તમને ઉંચે સાધનામાં જવામાં સહાયરૂપ થઈ શકે. કે રોગ અભ્યસ્ત છે. ઠંડી અને ગરમી અભ્યસ્ત છે. થોડી ગરમી તો આવવાની જ છે. ઠંડી આવવાની જ છે. સાધનામાં વાંધો ના આવે. કે શરીર ટેવાઈ ગયું છે. તમારું મન પણ ટેવાઈ ગયેલું છે. એટલે પરિષહ સહન એ વ્યવહાર સાધના, નિજગુણ સ્થિરતા એ નિશ્ચય સાધના. ‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હી વ્યવહારા; નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા’. પદ્મવિજય મહારાજની આ પંક્તિ.
તો ગજસુકુમાલ મુનિએ શું કર્યું છે? શરીરથી અલગ થઈ ગયા છે. દેહાધ્યાસથી બિલકુલ મુક્ત થઈ ગયા છે એ વખતે અને એ પોતાના પૂર્ણઆનંદની અંદર આવી ગયા છે. એ પરમધ્યાનમાં છે અને ધ્યાનની અંદર એ પોતાના આનંદને માણી રહ્યા છે. પરિષહ સહનને અને ક્ષપકશ્રેણી માંડવાને કોઈ સંબંધ નથી. જ્યાં સુધી તમે આત્માનુભુતિ કે તમારા ગુણોની અનુભૂતિ ન કરો ત્યાં સુધી ક્ષપકશ્રેણી માંડવાનો કોઈ ચાન્સ જ નથી. એટલે સાતમાના ટોચ ઉપર તીવ્ર આત્માનુભૂતિ થાય.
એટલે વ્યવહાર દ્રષ્ટિએ સમ્યગ્દર્શન ચોથા ગુણઠાણે. નિશ્ચય દ્રષ્ટિએ સાતમાં ગુણઠાણે. એટલે ચોથા ગુણઠાણે થાય એ સમ્યગ્દર્શન પણ અવિરતિની હાજરી છે. એટલે એકબાજુ ખ્યાલ હોય કે હું આ નથી. મારે આ કરવાનું નથી. મોહનો ઉછાળો આવે એ વ્યક્તિ એ બાજુ જતી પણ રહે. તો સાતમે ગુણઠાણે જ્યાં પહોંચી ગયા ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ છે. પછી આત્માનુભૂતિમાં જ રહેવાનું છે પછી. એને પરમાં જવાનું કોઈ કામ જ નથી પછી. કારણ કે દર્શનમોહનીયનો ક્ષયોપશમ ચોથે થયો. ધીરે ધીરે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થવા માંડ્યો. સાતમે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ બહુ સરસ થયેલો છે. એકદમ અપ્રમતદશા છે. પરમ જાગૃતિ છે. એના કારણે પરભાવમાં જવાનું બિલકુલ થતું નથી. એ એકત્વાનુભૂતિ-આત્માનુભૂતિ તમને મળે પછી જ ક્ષપકશ્રેણી ચાલુ થાય. એટલે પરિષહ સહનને અને ક્ષપકશ્રેણીને કોઈ સંબંધ નથી. આત્માનુભુતિ સાતમા ગુણઠાણે પ્રબળ થઈ – એના કારણે જ તમે ક્ષપકશ્રેણી કરી શકો છો.
તો આપણે આ રીતે આપણી સાધનાને જોવી પડશે કે મારી વ્યવહાર સાધના નિશ્ચય સાધનાને ક્યાં સપોર્ટ કરે છે?
પેલાએ બે વરસ અભ્યાસ કર્યો. કહે કે; બૌદ્ધ ગ્રંથો તો એમ કહે છે કે કંઇ છે જ નહિ. ક્ષણે-ક્ષણે વસ્તુ નષ્ટ થાય છે. બૌદ્ધદર્શન સમજવું બહુ જટિલ છે. તમે ભારતીય દર્શનોનો અભ્યાસ કરો ને, બીજા બધા જ દર્શનોનો અભ્યાસ સરળ છે. બૌદ્ધ દર્શનનો અભ્યાસ બહુ જ જટિલ છે. આપણને લાગે કે ક્ષણસ્થાયી માની લે છે પણ બહુ ઊંડી વાતો કરે છે. સંધાન તો ચલાવે જ છે પાછું. કારણ કે વ્યવહારનો લોપ તો થાય જ નહિ ને! ટેબલ દેખાય છે ને, ટેબલ નથી એમ તમે કેમ કહો! પહેલી ક્ષણે ટેબલ હતું, હવે નથી! ટેબલ નથી, એનું સંધાન છે. એટલે સંધાનક્ષણ લાવી દે છે.
તો પેલાને થયું કે બૌદ્ધ ફિલોસોફી પ્રમાણે તો વસ્તુ ક્ષણસ્થાયી છે. મેં ગુરુને કહ્યું; કે આ બધું છે. તો ગુરુને બરોબર નહિ લાગ્યું હોય. બરોબર. ok. હવે મારી ભૂલ ખ્યાલમાં આવી. બે વરસ પછી પાછો ગયો. હવે એ પણ ખ્યાલ નથી કે ગુરુ એ જ પ્રશ્ન પૂછશે કે બીજો પૂછશે. પણ ગુરુએ એ જ પ્રશ્ન પૂછ્યો, શું દેખાય છે? સાહેબ, કંઇ નથી. કંઇ છે જ નહિ! તો ગુરુ કહે છે; બે વરસ પછી આવજે. બે વરસ પછી આવજે.!
આપણને જે વર્તમાનયોગની સાધના આપવામાં આવે છે ને, એ વર્તમાનયોગની સાધના માટે ગુરુ આ મહેનત કરી રહ્યા છે. બીજા બે વરસમાં એને આખી વાત પકડાઈ ગઈ. પૂરી વાત પકડાઈ ગઈ. હવે એનો આત્મવિશ્વાસ હતો કે ગુરુ જો આ જ પ્રશ્ન પૂછશે તો મારા ઉત્તરથી જરૂર ગુરુ સંતુષ્ટ બની જવાના. ગયો. એ જ પ્રશ્ન પૂછાયો, શું દેખાય છે? એને પહેલી વાર આપેલો એ જ જવાબ આપ્યો – પહાડ, ઝરણાં, વૃક્ષો દેખાય છે. ગુરુ કહે; ok, તું પાસ. બેસી જા અહીં. તમને સમજાયું આ?
પહેલી વખતે જ્યાંરે એણે કહેલું ને કે પહાડ છે, વૃક્ષ છે, ત્યારે ખરેખર એ ઘટનાને વાસ્તવિક રૂપે માનતો હતો. અને એ ઘટના આનંદદાયીની ઘટના છે. એવો ભાવ પણ એના ચહેરા ઉપર હતો. બીજી વાર એણે કહ્યું કે નથી. નથી નો કોઈ મતલબ જ ન હતો. દેખાય છે તો નથી કેમ કહેવાય? એ તો વાસ્તવનો અપલાપ હતો. તો ત્રીજી વખતે એણે જ્યારે કહ્યું ને તો ગુરુ એના ચહેરા સામે જુવે છે. બસ, એટલો પરમ ઉદાસીનભાવમાં છે. છે તો છે! – એની જોડે મારે કોઈ સંબંધ નથી, એનો ભાવ એના ચહેરા ઉપર હતો. પહાડ છે, વૃક્ષ છે, ઝરણા છે, બધું છે. પણ એ પરમઉદાસીનદશાને કારણે મારો એ બધાની સાથે સંબંધ રચાતો નથી. શબ્દોમાં એ નથી કહેતો. માત્ર એના ચહેરા ઉપર આ બધું દેખાય છે. છે! આ ટેબલ છે તમે કહો. તમારી રાગદશા ભળેલી હોય તો અલગ વસ્તુ છે. ટેબલ છે. છે તો છે! તો ઉદાસીનદશા છે. તો માત્ર ચાર વરસમાં એને વર્તમાનયોગ મળી ગયો. તમને? કેટલા વરસ જોઈએ છે બોલો? કેટલા વરસ જોઈએ? તો શુદ્ધ વર્તમાનયોગ જે છે એના દ્વારા આપણે શુદ્ધ મનોગુપ્તિ તરફ હવે જઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *