ઉદાસીનદશા
મોહનીયનો ક્ષય થવાથી સિદ્ધ ભગવંતો પરમ ઉદાસીનદશામાં છે. આપણે પણ એવી ઉદાસીનદશાની ધારામાં આવી જઈએ, એ રૂપાતીત ધ્યાન. અત્યારે પણ આપણને એ કક્ષાની ઉદાસીનદશા મળી શકે છે કે જ્યાં પરની પ્રતિબદ્ધતા બિલકુલ છુટેલી હોય અને એક માત્ર આત્મતત્ત્વની અનુભૂતિ જ ચાલી રહી હોય.
મોહ એટલે સ્વરૂપનું અજ્ઞાન. મોહનીય કર્મ શું કરે? તમારા સ્વરૂપનું ભાન તમને થવા ન દે અને તમને પરમાં જ અટકાવેલા રાખે. એનો ક્ષયોપશમ થાય એટલે સાચો હું જે છે એની – સ્વની – પકડ આવતી જાય. અને સ્વનો એ અનુભવ, એ આનંદ પર પ્રત્યેની ઉદાસીનદશામાં પલટાય.
પર પ્રત્યેનો ઉદાસીનભાવ તો જ આવશે, જો સ્વની આંશિક પણ અનુભૂતિ થઇ હશે. તમારા મનને, તમારા ઉપયોગને ખીંટી તો જોઇશે જ. તમે જો એને સ્વની ખીંટી નહિ આપો, તો એ પરની ખીંટી પર બેસવાનું જ છે!
નવસારી તપોવન વાચના – 53 [27.5.2020]
રૂપાતીત ધ્યાન.
સિદ્ધ ભગવંતોને………(અહીં બરોબર સંભળાતું નથી.)
અને એટલે એ ભગવંતો પરમ ઉદાસીનદશામાં છે. આપણે રૂપાતીત ધ્યાન ક્યારે કરી શકીએ? ઉદાસીનદશાની ધારામાં આવીએ ત્યારે. આપણી કક્ષાએ ક્યાં સુધી ઉદાસીનદશા આપણને મળી શકે?
ઉપાધ્યાયજી ભગવંત કહે છે કે એ કક્ષા સુધી તમે પહોંચી શકો છો કે જ્યારે પરની પ્રતિબદ્ધતા તમારી બિલકુલ છૂટી જાય.
‘न परप्रतिबन्धोSस्मिन्नल्पोSप्येकात्म वेदनात्।’
એક માત્ર આત્મતત્વની અનુભૂતિ ચાલી રહી છે એને કારણે કોઇ પણ પરપદાર્થ કે પરવ્યક્તિની પ્રતિબદ્ધતા નથી.
એટલે એક વાત તો નક્કી જ છે. પર પ્રત્યેનો ઉદાસીનભાવ ક્યારે આવે? સ્વની આંશિક પણ અનુભૂતિ થાય ત્યારે. તમારા મનને, તમારા ઉપયોગને ખીટી તો જોઇશે જ. તમે સ્વની ખીટી નહિ આપો, તો પરની ખીટી પર બેસી જશે. પણ એક સંભાવના મોટી કે સાતમાં ગુણઠાણે આ કક્ષા સુધી પહોંચી શકાય છે. અને આવા યોગીને એ જ્ઞાનયોગી કહે છે.
જ્ઞાનયોગની વ્યાખ્યા એમણે આપી:
ज्ञानयोगस्तप:शुध्धमात्मरत्येकलक्षणम्।
इन्द्रियार्थोन्मनीभावात् स मोक्षसुखसाधक: ।।
ज्ञानयोग: तप: शुध्ध्म् – શુદ્ધ તપ. અભ્યંતર તપ શું છે? જ્ઞાનયોગ. એનું લક્ષણ શું? आत्मरत्येकलक्षणम् – તમે માત્ર તમારા આત્મતત્વને વિશે આનંદને અનુભવતા હોવ તો માની શકાય કે તમે જ્ઞાનયોગી બન્યા છો.
इन्द्रियार्थोन्मनीभावात् – ઇન્દ્રિયોના વિષયો સાથેનું જે મનનું જોડાણ હતું એ નીકળી ગયું.
તો જે ક્ષણે તમે આત્મરતિ બનો છો. એ ક્ષણે તમે જ્ઞાનયોગી બનો છો. અને જ્ઞાનયોગી પાસે પરની પ્રતિબદ્ધતા બિલકુલ હોતી નથી.
અધ્યાત્મસારના એ જ યોગાધિકારમાં ભગવદ્ગીતાનો એક શ્લોક ટાંક્યો છે.
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः।
आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते।।
ત્રણ વાત કરી. यस्त्वात्मरतिरेव स्यात् – જે સાધક આત્મરતિ છે. પછી કહે છે; આત્માને વિશે સંતુષ્ટ છે અને આત્માને વિશે તૃપ્ત છે. એટલે આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસંતુષ્ટ. આ ત્રણ પ્રકાર સાધકની ઉંચી કક્ષાના પાડ્યા.
તો પહેલું આત્મરતિ. રતિ શબ્દ એટલા માટે વાપર્યો કે પરમાં જે રતિ હતી, એને બદલે આત્મતત્વમાં હવે રતિ થઈ. હકીકતમાં આત્મતત્વમાં આનંદમાં જ જવાનું છે, રતિ નહિ. રતિ અને અરતિ બે સિક્કા જ છે, સામ-સામે ખુલતાં. એટલે ભીતરની જ્યાં વાત આવે ત્યાં રતિ શબ્દ છે જ નહિ. પરની વાત આવે ત્યાં જ રતિ શબ્દ છે. એટલે આત્માનંદ: કહેવું જોઈએ. પણ એકદમ પ્રારંભિક કક્ષાનો સાધક હોય તો એને આત્મરતિ કહે છે.
પછી આત્મતૃપ્ત કહે છે. માત્ર આત્મ-ભાવને વિશે એ તૃપ્ત બનેલો છે. હવે બીજું કાંઈ જોઈતું નથી. એને ખાવાનું આપો તો પણ ખબર નથી એને. એટલો ભીતર ઉતરી ગયો છે.
દેહાધ્યાસ મુક્તિ એટલે શું? શરીરનો કોઈ બોધ તમારી પાસે ન હોય.
અને ‘आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते’
ત્રીજું ચરણ – આત્મસંતુષ્ટ. હવે એને કાંઈ કરવાનું નથી. Doing ની ધારા ખતમ થઈ ગઈ, Being ની ધારા પકડી લીધી.
તો આ ઉદાસીનદશાને આપણે જરૂર પામી શકીએ. આમ જુઓ તો પરપ્રત્યેની ઉદાસીનદશા એ જ સ્વનો આનંદ. શબ્દો બે વાપરીએ, વાત એક જ છે. તમે પર પ્રત્યે સંપૂર્ણતયા ઉદાસીન બન્યા એટલે તમે સ્વમાં જ છો. યા તો તમે પરમાં હોવ. યા તો સ્વમાં હોવ. પરમાં નથી તો સ્વમાં છો. આવો કોઈ goal આપણા જીવનમાં આવે, ખરેખર આપણે આગળ વધી જઈએ.
આપણા જે મહાપુરુષો હતા. બધા જ આ ઉદાસીનભાવના સ્વામી હતા. આપણે ત્યાં શું થયું? કે એ મહાપુરુષો પોતાનું જીવનચરિત્ર લખવાની પરવાનગી નહતા આપતા. અને એને કારણે એ મહાપુરુષોની જીવનકથાના અત્યંત રોમહર્ષક પ્રસંગો પણ આપણા ખ્યાલમાં નથી અત્યારે. બાકી એવા જ મહાત્માઓ બધા હતા જે જીવન અને મૃત્યુ માટે એક સરખી વિચારવાળા હતા. જીવન ચાલુ રહે તો પણ કંઇ ફરક નથી. મોત આવે તો પણ કંઇ ફરક નથી.
એક આચાર્ય ભગવંતની વાત આવે છે. કે સાહેબ વિહાર કરતા હોય છે ઈર્યાસમિતિ પૂર્વક, ધીરે, ધીરે, ધીરે માર્ગને જોતા ચાલે છે. પાછળથી સિંહની ગર્જના સંભળાય છે. રસ્તો પાછો એવો હતો કે થોડો રસ્તો સચિત્ત આવે. મીઠું વિગેરે, મીઠાની કણો વિગેરે પથરાયેલી હોય. વળી પાછો ચોક્ખો રસ્તો આવે. એટલે આમાંથી આમાં જવું હોય તો દંડાસણથી પગ પૂંજવા પડે. તો આવી રીતે વિહાર કરી રહ્યા છે. પાછળથી સિંહની ગર્જના સંભળાઈ છે. આપત્ત ધર્મ અત્યારે સ્વીકારી શકાય. આવી વખતે આચાર્ય ભગવંત કદાચ આપત્ત ધર્મ સ્વીકારે તો વાંધો ન આવે. પણ એ કહે ના. શું વાંધો છે? એ આરામથી એ જ રીતે, એ જ રીતે, એ જ રીતે જાય છે. એટલે કેટલી ઉદાસીનદશા! અને હું વારંવાર કહું છું કે આપણી બધી જ વ્યવહાર ક્રિયાઓ જે છે એ આ નિશ્ચય તરફ જવા માટેની જ છે.
એક વ્યવહાર ક્રિયા બતાઓ આપણી, જે નિશ્ચય તરફ ન લઇ જતી હોય? મલીન શરીર કે મલિન વસ્ત્રો તો શરીર પ્રત્યેની ઉદાસીનદશા હોય. બાહ્યતપ એ પણ શરીર પ્રત્યેની ઉદાસીનદશા તરફ જાય છે. તો બાહ્યતપ અભ્યંતરતપમાં convert થઈ ગયો ત્યારે તો સીધું જ પછી ભીતર ઘુસી જવાનું છે. તો એક વ્યવહાર ક્રિયા આપણી એવી નથી, જે નિશ્ચય ક્રિયામાં ન પલટાય. એટલે પ્રભુએ તો એ જ રીતે વ્યવહાર અનુષ્ઠાનો આપ્યા છે કે એક-એક વ્યવહાર દ્વારા નિશ્ચયમાં તમે જઈ શકો.
સાધુની વ્યવહાર ક્રિયાની વાત છોડો. એક શ્રાવકની વ્યવહાર ક્રિયા પણ એને નિશ્ચય તરફ લઇ જાય છે. એ પ્રભુની ભક્તિ કરે છે. પણ દ્રવ્ય ભક્તિ કર્યા પછી ભાવ ભક્તિ કરે છે. શ્રાવક પણ આ. આપણે ભલે માત્ર ભાવ ભક્તિ કરીએ. શ્રાવક દ્રવ્ય ભક્તિ કરે છે પણ એ પછી ભાવ ભક્તિ ખરી જ પાછી. ભાવ ભક્તિમાં શું આવશે? પ્રભુનું દર્શન, પ્રભુના ગુણોનું દર્શન, પ્રભુની નિર્મળ દશાનું દર્શન અને એ દર્શન કરીને અનુપ્રેક્ષાની ધારા ચાલે કે મારી ભીતર પણ આ બધું છે તો હું કેમ હસ્તગત ન કરું! એટલે નિશ્ચય તરફ ચાલ્યો!
સામયિકમાં બેઠો. એને ખ્યાલ નથી, અણસમજુ માણસ છે. કટાસણા પર બેસવું એનું નામ સામાયિક, આટલું સમજેલો છે તો એ વ્યવહાર ક્રિયા. સહેજ સમજણ મળે કે સમભાવની પુષ્ટી માટેની આ સાધના છે. તો શું થયું? એ વ્યવહાર ક્રિયા નિશ્ચય ક્રિયામાં ફેરવાઈ ગયી.
તો આપણી એક એવી કઈ ક્રિયા છે, જે નિશ્ચય તરફ આપણને ન લઇ જાય? હવે તો આપણે વિચારવાનું છે કે હું નિશ્ચય તરફ ગતિ કેમ નથી કરી શકતો? હું વ્યવહારનો પૂરો સમર્થક છું. વ્યવહારનું ખંડન કરનારા પણ જે છે ને માર્ગ ભૂલેલા માણસો છે. વ્યવહાર તો માર્ગ છે, નિશ્ચય મંઝીલ છે. માર્ગ વગર મંઝીલ ક્યાંથી મળવાની? પગથિયાં વગર પહેલો માળ તમને ક્યાંથી મળવાનો હતો? એટલે વ્યવહારનો અપલાપ તો ક્યારેય પણ કરી જ ન શકાય. પણ હવે આપણે લોકોએ વ્યવહાર-નિશ્ચયનું બેલેન્સીંગ કરવાનું છે. અને આપણી દેશનામાં આ વાત આવવી જોઇશે. તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણી દેશના સાંભળીને ઘણા બધા લોકો બહાર જતા રહે છે. ભલે એ નિશ્ચયાભાસવાળા હોય છે. પણ એમની વાતો સાંભળતા ઊંડાણ ભરી વાતો લાગે છે. અને એ લોકો વ્યવહારધર્મને પણ છોડી દે છે. ઉપાય એક જ છે આપણે નિશ્ચયમાં જવું જોઈએ. અને વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સીંગ કરવું જોઈએ.
હું દેવલાલીમાં હતો. અને દર્શન માટે ગયેલો દેરાસરે. ત્યારે એક ભાઈ પુજાના કપડામાં આવ્યાં. પૂજા કરી એમણે. હું બહાર નીકળ્યો. બહાર આવ્યાં. વંદન કર્યું. સાહેબ, આપ ક્યાં બિરાજમાન છો? મેં કીધું કલાપૂર્ણમમાં છું. પછી કહે વાચના ચાલે છે? મેં કીધું હા ચાલે છે. મેં એને સમય આપ્યો. એ નિયમિત વાચનામાં આવવા માંડ્યા. બે-ચાર-પાંચ દિવસ.
એકવાર સમય લઈને મારી પાસે આવ્યાં. મને કહે, સાહેબ તમારી વાચનામાં નિશ્ચયની છાંટ ખુબ સારી મળી અને ખરેખર આનંદ થયો. હું શ્વેતાંબર મૂર્તિપૂજક છું. પણ અત્યારે કાનજીસ્વામી મંદિરમાં મહોત્સવ ચાલે છે. અને દેશ-દેશના પંડિતો આવેલા છે. એમને સાંભળવા મુંબઈથી હું આવ્યો છું. એ કહે; મુંબઈમાં હું રહું છું. ત્યાં બાજુમાં જ દિગંબર મંદિર છે. અને પંડિતો આવ્યા કરતા હોય છે. હું પ્રવચનો સાંભળું છું. પછી એણે ફરિયાદ કરી કે મ.સા. આપણા મહાત્માઓ પણ જ્ઞાની છે. તો નિશ્ચયની દેશના કેમ નથી આપતા? માત્ર વ્યવહાર તો કઈ રીતે પેલે પાર લઇ જાય? માત્ર આ કરી લો, માત્ર આ કરી લો. શા માટે કરવાનું? તમે સમજાવો તો ખરા!
આવા ઘણા લોકો છે. આપણી માત્ર વ્યવહાર પ્રધાન દેશના, ઉપધાન કરાવો ને ઉજમણું કરાવો અને સંઘ કાઢો. હું પોતે સંઘનો હિમાયતી નહિ. એટલી બધી વિરાધના થાય છે. એ જે આયોજકો હોય છે જ્યારે કહે ત્યારે ખબર પડે. કે જ્યાં પડાવ નાંખવાનો હોય અને ભટ્ટા ખોદવાના હોય. સાપનું દર ક્યાંક હોય છે. ક્યાંક કીડીઓના નગરાઓ હોય છે. એટલી બધી વિરાધનાઓ હોય છે. એટલે વ્યવહાર ધર્મ પણ કયો કરાવવો એ પણ આપણે નક્કી કરવું પડશે. લાભ અને હાનિ બેનું કેલ્ક્યુલેશન મુકવું પડે. ભલે ઉપધાનની અંદર આરંભ-સમાંરભ થોડો થાય એ બરોબર છે, લાભ ઘણો છે. એ સર્વવિરતીમાં રહે છે. અને એક જ જગ્યાએ રહેવાનું છે. મકાનોમાં રહેવાનું છે. એટલે આવી કોઈ વિરાધના જંગલની નથી. એટલે આપણે પણ આ રીતે બધું કરવું પડશે. અને એમાં પણ ઉપધાન કરાવવાના નથી તમારે! નિશ્રા આપવી પડે તો આપવાની છે. આપવી પડે તો.! આ જ નિશ્ચય ધર્મને આપણે ઘૂંટીશું ને તો આપણો વ્યવહાર પણ સપ્રાણ બનશે ને?
એક સાધકે મને કહેલું. ઊંડો ઉતરેલો સાધક હતો. એ કહે; સાહેબ! આપણા ઘણા બધા સાધકોને હું જોઉં છુ. તો ચહેરા ઉપર જે સપ્રાણતા જોઈએ એ નથી દેખાતી. ચહેરો ever green, ever fresh હોવો જોઈએ. અને કંઇક મળ્યું છે એ મોઢું જોતા જ ખ્યાલ આવી જાય. તો મને કહે; સાહેબ! આપણા સાધકોના ચહેરા નિષ્પ્રાણ કેમ છે? પછી એકરાર કરવો પડે કે ભાઈ સાધના નિષ્પ્રાણ બની ગઈ છે તો ચહેરો સપ્રાણ ક્યાંથી બને? તો પ્રભુએ કહેલી સાધના વિશ્વની શ્રેષ્ઠતમ સાધના. એ આપણને મળી, પછી શું?
સાડા બાર વરસ પ્રભુએ સાધના કરી. પછી કૈવલ્યની પ્રાપ્તિ પછી સાધનાનો અમૃતકુંભ આપણને આપ્યો. આપણે કુંભની પૂજા કરીએ છીએ. એ કુંભને ખોલ્યો પણ નથી. અને ચમચી પાણી આસ્વાદિત પણ કરી નથી. કેમ ચાલશે?
દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં લખ્યું છે ઉપાધ્યાયજી ભગવંતે કે સન્મતિ આદિ ગ્રંથો તમારે ભણવા જ જોઈએ. કારણ કે નિશ્ચય-નયના એ ગ્રંથો નહિ વાંચો ત્યાં સુધી તમારી સાધનાને તમે ક્લેરીફાય નહિ કરી શકો. ત્યાં સુધી એમણે કહ્યું; કે કોઈ આચાર્ય ભગવંત એના ઉપર સરસ સમજાવી શકે એમ છે. પણ જંઘાબળ ક્ષીણ હોવાના કારણે સાહેબ એક જગ્યાએ બિરાજમાન છે. ૫-૧૦ સાધુઓ એમની સેવામાં છે. અને શ્રાવકોના ઘરો ઓછા છે. તો કદાચ ત્યાં જઈ એને આધાકર્મી ગોચરી વાપરવી પડે. તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આધાકર્મી ગોચરી વાપરીને પણ સન્મતિ આદિ ગ્રંથો ભણવા જોઈએ. નહી તો તમારી સાધના સ્પષ્ટ ક્યાં થવાની છે? પછી શું હોય છે, જે વ્યક્તિ જે ધારામાં જન્મ્યો એ પ્રમાણે ક્રિયાકાંડ કર્યા કરે. ક્રિયાકાંડ સપ્રાણ ત્યારે જ બનશે જ્યારે એમાં નિશ્ચય આવશે. એટલે આપણે આપણી સાધનાને સપ્રાણ બનાવવી છે. સાધના ઘણા જન્મોમાં મળી. એ જ રીતે ઉપરથી આરાધના કરી નાંખી. શરીરના સ્તર ઉપર. મન પણ જોડાયેલું નહિ, આત્મતત્વ તો જોડાવાની તો વાત જ ના રહી? એટલે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સીંગ તમારે શીખવું પડશે, જીવનમાં ઉતારવું પડશે અને તમારે શીખવાડવું પડશે.
એક વાર સાધુ ભગવંતોની વાચના હતી. ત્યારે મેં કહેલું; કે શિક્ષકો જ, જો અભણ હોય તો ચાલે શી રીતે? તમને ખ્યાલ છે b.a થયેલો છોકરો હોય. પણ એને શિક્ષકની નોકરી નહિ મળે. એને b.ed થવું પડે. કેમ શીખવું? શું શીખવું? એ બધું એને આવડી ગયું. How to teach, એ નથી આવડ્યું. કેમ શીખવાડવું, એ નથી આવડ્યું એટલે b.ed કરે પછી જ એને નોકરી મળશે. એમ તમારે પહેલા તો નિશ્ચય ને આત્મસાત્ કરવો છે. વ્યવહાર આટલો જ જાળવવાનો. વ્યવહાર ઉલટો શુદ્ધ બનશે. કારણ કે નિશ્ચયની ધારામાં ગયા. રાગ-દ્વેષ-અહંકાર એકદમ શિથિલ બની ગયા. હવે તો વ્યવહાર પણ કેટલો ઉજ્જવળ બની જશે? એકદમ નીચી નજરે ચાલતા હશો અને મુહપત્તિ મોઢે હશે અને બસ. વ્યવહાર પણ સપ્રાણ બની જશે. એટલે વ્યવહાર-નિશ્ચયનું બેલેન્સીંગ શીખો.
આપણે ત્યાં અધ્યાત્મબિંદુ જેવા ગ્રંથો છે. સન્મતિ છે. જે નિશ્ચય-નયના જ ગ્રંથો છે. એ ગ્રંથોને પણ વાંચી લેવાના. ભલે ગુરુની આજ્ઞા લઈને વાંચવાના, પણ વાંચવાના. અને આપણે ત્યાના નિશ્ચયના ગ્રંથોમાં વ્યવહારનું ખંડન આવવાનું જ નથી. અધ્યાત્મસારનો યોગધિકાર પણ ખાસ વાંચી લેવાનો. આ બધું વાંચશો ને તો જ સાધના સ્પષ્ટ થશે. નહીતર સાધનાને નામે સાધનાના ભ્રમમાં આપણે જીવીએ છીએ. હું સાધના કરું છું. આત્મસંતુષ્ટિ થઈ ગઈ. પણ ભાઈ રાગ-દ્વેષ-અહંકાર તારા ક્યાં ઓછા થયા એ તો બતાવ?
તો મોહનીયના ક્ષયથી સિદ્ધ ભગવંતોમાં જે પરમ ઉદાસીનદશા છે. એનું જ નાનકડું edition આપણી પાસે હોવું જોઈએ. એટલે મોહનીયનો ક્ષયોપશમ એ રીતે કરવો છે કે ઉદાસીનદશા તરફ આપણે આગળ વધી શકીએ. અને મોહનીયના ક્ષયોપશમ માટે ઘણા બધા માર્ગો છે.
તમે તમારા જ્ઞાનને સતેજ બનાવવા માટે ઘણા બધા માર્ગો વિચારી લીધા છો. આ વાંચું, આ વાંચું, આ વાંચીએ, આ વાંચીએ. મોહનીયના ક્ષયોપશમ માટે શું કર્યું તમે?
મોહ એટલે શું? સ્વરૂપનું અજ્ઞાન. મોહનીય કર્મ શું કરે? તમારા સ્વરૂપનું ભાન તમને થવા ન દે. તમને પરમાં જ અટકાવેલા રાખે એ મોહનીય કર્મ. એના ઉદયમાં આવું થાય. એનો ક્ષયોપશમ થાય એટલે શું થાય? સાચો હું જે છે એની પકડ તમને આવતી જાય.
તો હું એટલે શરીર નહિ જ! હું એટલે મન નહિ જ! હું એટલે નામ નહિ જ! આવી feeling તમારી ભીતર પેદા થઈ? એટલે બે રીતે કરવું પડશે. એક બાજુ નેતિ-નેતિ. બીજી બાજુ ઇતિ-ઇતિ. પહેલા નેતિ-નેતિ – હું આ નથી. હું આ નથી. હું આ નથી. બીજી બાજુ ઇતિ-ઇતિ – હું આ છું. હું આ છુ. હું આ છુ. તો એ રીતે ઉદાસીનદશાનું નાનકડું ઝરણું આપણી પાસે આવે તો આપણે રૂપાતીત ધ્યાનમાં જઈ શકીએ.
