लीयन्ते स्वगुणामृते
જીવનમુક્ત દશામાં રહેલા સાધકો સતત આત્મભાવમાં જ વિહરતા હોય છે. जाग्रत्यात्मनि ते नित्यं. શરીર એટલે હું નહિ જ. હું એટલે મારી સ્વરૂપદશા જ; આ વાત અનુભૂતિના સ્તર પર ત્યાં પકડાયેલી હોય છે.
बहिर्भावेषु शेरते – બાહ્યભાવમાં એ સાધકો સૂતેલા હોય છે. શરીરના સ્તર પર કંઈક બની રહ્યું છે તો એની નોંધ લેવા પણ એ લોકો તૈયાર હોતા નથી. કારણ કે પર્યાયોની દુનિયામાં બદલાહટ સતત ચાલુ જ રહેવાની; એક-એક પર્યાયમાં ઊંડાણમાં જવાનો શો અર્થ! પર્યાય માત્ર પર્યાય છે; એને જોઈ લો અને જવા દો.
આવા સાધકને પણ શરીર છે ત્યાં સુધી ભોજન જોઇશે, વસ્ત્રો જોઈશે. બહિર્ભાવમાં તો એ સૂતેલો છે પણ બાહ્ય પદાર્થોમાં? પદાર્થોને વિશે ઉદાસીનદશા – उदासते परद्रव्ये. ન ગમો ન અણગમો. પદાર્થ માત્ર પદાર્થ છે. કોઈ પણ પદાર્થ સારો નથી, કોઈ પણ પદાર્થ ખરાબ નથી.
નવસારી તપોવન વાચના – 12 [9.4.2020]
“जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा।
काउसग्ग मुद्रा घिर आसन, ध्यान अभ्यासी सदा।।”
પછી કહે છે;
“तप तेज दीपे कर्म झीपे, नैव छीपे परभणी” તપનું તેજ પ્રભુના મુનિ પાસે હોય છે. અભ્યંતર તપમાં જ્યારે તમે ભીતર ઉતરો. સાક્ષીભાવ તમારી પાસે છે. પ્રગાઢ ધ્યાનદશા તમારી પાસે છે. એના કારણે ચહેરો આનંદમય બની જાય છે. પ્રભુનો મુનિ, પ્રભુની સાધ્વી સતત આનંદમાં હોય.
હું ઘણીવાર પૂછું કે શાતામાં છો કે પરમ શાતામાં? કારણ કે દશવૈકાલિકમાં શય્યંભવસૂરિ ભગવાને કહ્યું; “संजया सुसमाहिया” “संजया समाहिया” નથી કહ્યું. “संजया सुसमाहिया” તો આ જે તપના તેજની વાત કરે છે ને એ જ વાત ભગવતી સૂત્રમાં છે કે એક વર્ષનો દીક્ષા પર્યાય મુનિનો થાય, ત્યારે અનુત્તરસુરની જે ચિત્ત શાંતિ છે એને પણ એ વટાવી જાય છે.
પંચવિંશતિકામાં અને પછી અધ્યાત્મ ઉપનિષદમાં ઉપાધ્યાયજી મહારાજે સ્પષ્ટ કર્યું કે આ જે એક વર્ષના દીક્ષા પર્યાયની વાત છે એ નિશ્ચય દીક્ષા પર્યાય સમજવાનો, વ્યવહાર દીક્ષા પર્યાય નહિ. બે મુનિ વૃંદ ભેગા થાય ને રસ્તામાં અને આપણે સાંભોભિક હોઈએ, વંદન વ્યવહાર આપણે હોય. પૂછીએ આપણે, કે તમારી દીક્ષા ક્યારે થયેલી? ૨૦૪૦માં. અચ્છા, અચ્છા, મારી પણ ૪૦માં થયેલી. તમારી વડી દીક્ષા ક્યારે થયેલી? ફાગણ મહિને. ઓહો! મારી પણ ફાગણ મહિને! તમારી ક્યારે થયેલી આમ? કયા દિવસે? તો ફાગણ વદ બીજ. ઓહો! મારી પણ ફાગણ બીજ! પછી છેલ્લો પ્રશ્ન પૂછે, તમને મહાવ્રત કેટલા સમયે ઉચરાવવામાં આવ્યાં હતા? પેલા કહે, વિજય મુહુર્તે. અચ્છા મને તો ૮ વાગે સવારે ઉચરાવવામાં આવ્યાં હતાં.
નિશ્ચય દીક્ષા પર્યાય કેટલો? તમે ‘કરેમિ ભંતે’ માં જ હોવ એવો સમય કેટલો?
જિનવિજય મહારાજની એક સ્તવના છે અનંતવિજય ભગવાનની, એમાં એ લખે છે:
‘એક દિનમાં નવ વાર કરેમિ ભંતે કરું,
ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ ક્ષણ એક નવિ ધરું’
એક દિવસમાં નવ વાર કરેમિ ભંતે સૂત્ર હું રિપીટ કરું છું પણ ત્રિવિધે ત્રિવિધે મારા સ્વમાં રહેવાનું કામ એક ક્ષણ પણ હું કરતો નથી! તો એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય થાય ત્યારે જીવનમુક્તદશા મળે એમ ઉપાધ્યાયજી મહારાજ પંચવિંશતિકામાં કહે છે. આમ હિંદુ પરંપરામાં જીવનમુક્તિ શબ્દ હતો જ. આપણી પરંપરાની અંદર સૌથી પહેલા લીટરલી જીવનમુક્તિ શબ્દ ઉપાધ્યાયજી મહારાજે વાપર્યો. આમ અર્થથી ઉમાસ્વાતિ ભગવંતે પણ વાપર્યો. “इहैव मोक्ष: सुविहितानाम्” એ જીવનમુક્ત દશાની જ વાત છે. પણ એમને લીટરલી જીવનમુક્ત દશા શબ્દ જે છે એ મુક્યો નથી. એટલે આપણી પરંપરામાં સૌથી પહેલા ઉપાધ્યાય યશોવિજય મહારાજ જીવનમુક્તિ શબ્દ લઈને આવ્યાં. ‘આનંદ કી ઘડી આઈ’ માં પણ એમને કહ્યું; ‘જીવનમુક્તિ દિલાઈ’
તો પંચવિંશતિકામાં સવાલ કર્યો છે; કે નિશ્ચય દીક્ષા પર્યાય એક વર્ષનો થયો, જીવનમુક્ત દશા મળી. પણ એવો જે જીવન મુક્ત સાધક હોય, એની સજ્જતા કેવી હોય? ત્યારે ત્યાં શ્લોક આપ્યો છે;
“जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भावेषु शेरते।
उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥”
जाग्रत्यात्मनी ते नित्यं – એ જીવન મુક્ત દશામાં રહેલા સાધકો સતત આત્મભાવમાં જ વિહરતા હોય છે. મજાનો શબ્દ છે ‘नित्यं’. ‘जाग्रत्यात्मनी’ એટલું નથી લખ્યું. ‘जाग्रत्यात्मनी ते नित्यं’ – એ જીવન મુક્ત દશામાં આવેલા સાધકો સતત આત્મજાગૃતિમાં ‘જ’ હોય છે. શરીર એટલે હું નહિ ‘જ’. હું એટલે મારી ‘સ્વરૂપદશા જ’, આ વાત અનુભૂતિના સ્તર પર પકડાયેલી હોય છે.
એકવાર અમે લોકો સુરતમાં હતાં. અને જીતેન્દ્રસૂરિ મ.સા. પણ સુરતમાં હતાં. ભટ્ટારમાં હતા એ વખતે સાહેબ. અચાનક ખ્યાલ આવ્યો કે સાહેબને તાવ આવતો હતો. એ તો ખાખી ગરમ બંગાળી માણસ. બહુ બહુ તો સુદર્શન ઘનવટી ફાકી લે. પણ બહુ આગ્રહ થયો. Test કરાવ્યા. છેલ્લે કેન્સર detect થયું. અને એ પણ third stage નું. અમે એ વખતે સુરતમાં. બપોરે અઢી વાગે સમાચાર મળ્યાં. તરત અમે લોકો શાતા પૂછવા માટે ત્યાં ગયા ભટ્ટાર. આપણી માન્યતા શું હોય? કદાચ સાહેબજીને hospitalize નહિ કર્યા હોય આગ્રહ ના કારણે એમના, પણ તો પણ ઉપાશ્રયના રૂમમાં હોસ્પિટલ જેવું થઇ ગયું હશે. બાટલા-બાટલા ચડતા હશે. ડોકટરો આવી ગયેલા હશે. આવી આપણી કલ્પના હોય. અમે ત્યાં ગયા. સાહેબ આમ બેઠેલા ટટ્ટાર. સાહેબ પાંચ-સાત લોકો બેઠેલા. અને મજાથી વાર્તાલાપ કરતાં હતા. અમે ગયા ઈર્યાવહિયા કર્યું. વંદન કર્યું. શાતા પૂછી. ઓહો બહુ શાતામાં. પરમ શાતામાં છું. પછી મેં કહ્યું; સાહેબ! આપનું ચાલતું હોય તો ચાલવા દો. તો એમને વાર્તાલાપ ચાલુ કર્યો પાછો. સામે વેપારીઓ બેઠેલા. તમે વેપારીઓ છો ને બધા? દુકાન ખોલો તો ઘરાક આવે કે ન આવે? લેણીદાર પણ આવે ને? પૈસા આપવા પડે ને? મેં પણ દુકાન ખોલી શરીરની. લેણીયાત આવી ગયા તો આપી દઈએ!
जाग्रत्यात्मनी ते नित्यं – આત્મભાવમાં સતત જાગૃતિ. અને તમને નવાઈ લાગે કે મુનિપણાના એક વર્ષના પર્યાય પછી જે આ નિત્ય આત્મજાગૃતિ મળે છે એનો પ્રારંભ બીજી-ત્રીજી કે ચોથી દ્રષ્ટિમાં થઇ જાય છે. તમે દેહાધ્યાસ તોડેલો ન હોય તો તમે કઈ દ્રષ્ટિમાં તમારે વિચારવું પડે.! ત્રીજી કે ચોથી દ્રષ્ટિમાં રહેલા એવા સંતો ને જોયા છે, દેહાધ્યાસ એમનો બિલકુલ દૂર થઇ ગયેલો.
ઋષભદાસજી નું નામ તો તમે સાંભળેલું છે. પંન્યાસજી ભગવંતના ચુસ્ત ગ્રહસ્થ શિષ્ય. ચેન્નાઈમાં રહેતાં. એકવાર એ ઘરેથી ઓફિસે જાય છે કારમાં, રસ્તામાં એક વૃક્ષ નીચે એક સંત બેઠેલા હતા. ઋષભદાસજી પંન્યાસજી ભગવંતના શિષ્ય. એટલે પંન્યાસજી ભગવંતે શીખવેલું, બધાને ઝૂકવાનું. આપણે તો તકલીફ કેવી થઇ? પહેલી દ્રષ્ટિનું ઠેકાણું ન હોય અને ચોથી દ્રષ્ટિવાળાને ઝૂકવા આપણે તૈયાર ન હોય! મિથ્યાદ્રષ્ટિ છે! ભલે વ્યવહાર ખાતર આપણે ન ઝુકીએ. ગ્રહસ્થો તો ઝુકે. કોઈ પણ ગ્રહસ્થ હોય, ગુણવાન હોય તો ઝુકે જ, કોઈ પણ ગ્રહસ્થ! આ તો સંત છે.
ઋષભદાસજી ત્યાં ગયા. પ્રણામ કર્યા. પૂછ્યું; શાતામાં? એ સંત કોઈ જોડે નહિ. એકલા અટુલા પોતે. સામાનમાં શું? એક પાત્ર હતું લાકડાનું. એક કમંડલ હતું પાણી પીવા માટે રાખેલું. બાકી કપડાં પહેર્યા હતાં એ. કોઈ સાધન સરંજામ નહિ. ચહેરા ઉપર એ મસ્તી! એ આનંદ! બહુત મજા મે.. બહુત મજા મે… બડી ખુશી મે… પછી ઋષભદાસજી રોજ ત્યાં આવતાં હોય. પછી ટીફીન લઈને જતાં હોય. ખુબ ભાવથી એમને વહોરાવે પણ ખરા. એકવાર ઋષભદાસજીને બહાર જવું પડ્યું 15 એક દિવસ. બહારથી એ આવ્યાં. જ્યાં ઓફિસે એ જાય છે પેલા વૃક્ષ નીચે જોયું; સંત તો એ જ હતાં. પણ એમને રક્ત પિત્તનો રોગ લાગુ પડી ગયેલો. કોઢ. ઋષભદાસજી ગયાં. પ્રણામ કર્યા. એ જ ચહેરા ઉપર મસ્તી! શરીર આખું ધોળું-ધબ થઇ ગયું છે. ઠેકઠેકાણેથી લોહી નીકળી રહ્યું છે. પરું નીકળી રહ્યું છે. ક્યાંક ક્યાંક માખીઓ બણબણી રહી છે. ચહેરા ઉપર એક અપાર શાંતિ… સાહેબ આનંદ મેં? અરે બહોત આનંદ મેં.! ઋષભદાસ! બહુત પ્રભુ કી કૃપા ઉતર ગઈ આજ તો! ઋષભદાસ બેસી ગયા. શું વાત કરે છે આ! આ જ પ્રભુ કી કૃપા બહુત ઉતર ગઈ! પ્રસાદ મિલ ગયા પ્રભુ કા! ક્યાં હુઆ બાપજી? તો કહે કે દેખ ઋષભદાસ! મૈને ભી ગ્રંથ પઢે હે. મૈ ભી લેકચર તો પહેલે દેતાં થા. અબ સબ છોડ દિયા હૈ. તો મેં ભી લેક્ચર મેં કહતા થા, કિ શરીર મેં ક્યા હૈ? શરીર મેં સિર્ફ ગંદકી ભરી હુઈ હૈ. મેં લેક્ચર ભી બોલતાં થા, ફિર ભી મેરા દેહ કા જો અધ્યાસ થા વો બિલકુલ તૂટા નહિ થા. શરીર પર થોડા રાગ મેરા રહ ગયા થા. આ જ પ્રભુને કિતની કૃપા કર દી, જો ભીતર થા વો બાહર આ ગયા. મેં મેરે પ્રવચન મેં કહતા થા, “દેખો તુમ્હારે ભીતર ક્યા હૈ? લહું હૈ. માંસ હૈ. ચરબી હૈ, કુછ નહિ હૈ દુસરા. લેકિન મેરા દેહાધ્યાસ તૂટતા નહિ થા. આજ પ્રભુને કૃપા કી. જો ભીતર થા વો બાહર લા દિયા. અબ દેહાધ્યાસ તૂટ ગયા.” ઋષભદાસજી ભાવવિભોર બની ગયા. શું આમની કક્ષા છે, કહે છે!
પછી બીજા દિવસે સંત દેખાયા નહિ. હવે એ તો રમતાં રામ. આજુબાજુમાં પૂછ્યું; પણ એ તો કહે કે હવે એ તો રાત્રે નીકળી ગયા છે. એટલે અમને કંઈ ખબર નથી, કે ક્યાં ગયા છે. બે મહિના વીતી ગયા. સંતનો કોઈ પતો જ નહિ. એમાં એકવાર ઋષભદાસજીને ચેન્નાઈથી મુંબઈ જવાનું હતું, અને express train માં જ બેસે કોઈ, super fast હતી, જે બે કે ત્રણ સ્ટેશને જ ઉભી રહેવાની હતી. ઋષભદાસજી એમાં બેસી ગયા. Journey ચાલુ થઇ ગઈ. અધવચ્ચે એક નાનકડા સ્ટેશન ઉપર ગાડી ઉભી રહી ગઈ. બધા ઉતારુઓ નવાઈમાં પડી ગયા. શું છે કહે છે? ઋષભદાસજી પણ નીચે ઉતર્યા. આ ગાડી આ સ્ટેશને થોભે જ નહિ. સાવ નાનકડું flag station જેવું સ્ટેશન. ત્યાં અચાનક ઋષભદાસજીની નજર પડી. સ્ટેશનના છેડે એક ઝાડ હતું. ઝાડની નીચે પેલા સંત બેઠેલા હતા.
ઋષભદાસજી દોડતા ત્યાં ગયા. સંતને વંદન કર્યું. સંતે કહ્યું; “ઋષભદાસ! તું આ ગયા ના, અચ્છા હો ગયા. આજ મૈ ઇસ ચોલે કો ફૈંક દેનેવાલા હું. આજ મૈ ઇસ ચોલે કો ફૈંક દેનેવાલા હું. લેકિન મનમેં થા કી ઋષભદાસ કા ઇસ ચોલે પર થોડા ઉપકાર તો હૈ. ઋષભદાસને ભોજન દિયા ઇસ ચોલે કો, તો ઋષભદાસજી મિલ જાયે તો અચ્છા. અચ્છા તું મિલ ગયા. બસ મેં મજા મેં હું, અબ જા રહા હું. તું ભી જા. તેરી ગાડી અબ ઉપડને વાલી હૈ. અબ તું જા. ભાગ.” ઋષભદાસજી દોડતા ગયા. ગાડી ઉપડી. પાછળથી એમણે બરોબર તપાસ કરી. ડ્રાઈવરને પૂછ્યું; સાહેબ કશું થયું નથી, મશીનો બધા એમને-એમ હતાં. બસ ગાડીના પૈડા હતાં ત્યાં એકદમ થંભી ગયા બસ. મશીનો ok. હું બધું જ કરું છું. પણ ગાડી ચાલતી જ નથી. અને પાંચ મિનિટ થઇ અને ગાડી ચાલવા માંડી. ત્યારે ઋષભદાસજીને ખ્યાલ આવ્યો; કે આ ગાડી થોભી હતી કેમ? આ સંતની ખાલી નાનકડી ઈચ્છાને કારણે! આવી ઈચ્છાસિદ્ધિ એમની પાસે હતી પણ રોગ દૂર થાય એવી ઈચ્છા એમણે કરેલી નહિ હો!
તો जाग्रत्यात्मनी ते नित्यं – એ લોકો આત્મભાવમાં સતત જાગૃત હોય છે. અને એટલે बहिर्भावेषु शेरते– બાહ્યભાવમાં સુતેલા હોય છે. શરીરના સ્તર પર કંઈક બની રહ્યું છે. હો રહા હૈ, હોને દો. એની નોંધ લેવા પણ એ લોકો તૈયાર હોતા નથી. એ લોકોને પૂછીએ ને તો કહે કે; તરત જ કહી દે, કે પર્યાયોની દુનિયા છે, બદલાહટ સતત ચાલુ જ છે. તમે એક-એક પર્યાયમાં ઊંડાણમાં જવાના? આ કેમ થયું ને, આ કેમ થયું? પર્યાય, પર્યાય છે. પર્યાયને જોઈ લો, એને જવા દો.
હું ઘણીવાર કહું છું, કે એક વ્યક્તિ હોય, સવારના દસ વાગેલા છે. એ વ્યક્તિને બીજી કોઈ વ્યક્તિએ કડવા શબ્દો કહ્યા. પાંચ-દસ-પંદર-વીસ. દસ મિનિટ બરોબર એને શરૂઆત કરી. દસને એક મિનિટ પહેલા તો ઘટના પુરી થઇ ગઈ. પાંચ-સાત-દસ ગાળ ચોપડાઈ નાંખી. તું નાલાયક છે ને, હરામખોર ને, સુવારનો બચ્ચો છે ને, આમ છે.. હવે દસ ને એક મિનિટે એ પર્યાય પૂરો થઇ ગયો. એ ઘટના પુરી થઇ ગઈ. એટલે ઘટનાનું મડદું રહ્યું ને..? દસ વાગે ઘટના હતી. દસ ને એકે ઘટનાનું મડદું છે. હવે એ મડદાને ઊંચકીને પેલો માણસ કેટલો સમય ચાલશે..? ભાઈ મડદું થઇ ગયું! હવે શું છે પણ? દસ ને એક મિનિટે ઘટના ઘટી હતી, વાત પુરી થઇ ગઈ! હવે દસ ને બે મિનિટ થઇ ગઈ, હવે એની જોડે તારે સંબંધ શું છે?
‘मन्यते यो जगत्तत्वम्’ નો આ જ અર્થ કર્યો છે. તમે જો પર્યાયોને પર્યાય રૂપે અને દ્રવ્યને દ્રવ્ય રૂપે સ્વીકારો નહિ, તો મુનિપણું તમારી પાસે નથી. ‘मन्यते यो जगत्तत्वम्, स मुनि: परिकीर्तित’
તો “जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भावेषु शेरते” પછી કહ્યું, ચાલો બાહ્યભાવમાં ન જઈએ, રાગમાં, દ્વેષમાં, અહંકારમાં પણ પદાર્થોને તો વાપરશે ને? વસ્ત્ર વિગેરે તો સંયમની મર્યાદા માટે પણ જરૂરી છે. “तं पि संजमलज्जट्ठा, धारंति परिहरंति अ” તો વસ્ત્રો પણ રાખવા પડશે. શરીર છે તો ભોજન પણ જોઇશે. તો પદાર્થો તો જોઇશે ને? બહિર્ભાવમાં સૂઇ જવાનું બરોબર. પણ બાહ્ય પદાર્થોમાં શું કરવાનું?
તો ત્રીજી સાધના આપી. उदासते परद्रव्ये – પરદ્રવ્યને વિશે ઉદાસીનદશા. ન ગમો ન અણગમો. પદાર્થ પદાર્થ છે. કોઈ પણ પદાર્થ સારો નથી. કોઈ પણ પદાર્થ ખરાબ નથી. બોલો કોઈ પદાર્થ ટેસ્ટી છે કે અનટેસ્ટી છે એ નક્કી કોણ કરે સાચું કહેજો? તમે ક્યાં નક્કી કરો છો? સોસાયટી નક્કી કરે છે! તમે ભારતમાં જન્મ્યા છો અને નાનપણથી તમને આ ચા પીવડાવવામાં આવી છે, કડક મીઠી. તમે કહો છો આ ચા સારી કહેવાય. કોઈ તિબેટમાં કે જાપાનમાં હોય, તો મીઠું નાંખેલી. લીંબુ નીચોવેલી ચા પીએ.
રમણલાલચી સાહેબ પાસપોર્ટની પાંખોમાં લખ્યું છે; કે જાપાનમાં ગયેલા. ત્યાં એમનું સન્માન કર્યું. એ સન્માનમાં બધા બેઠેલા હતાં. Tea ceremony. એટલે ચા આવી. રમણલાલચી શાહ લખે છે કે લીંબુ નીચોવેલી, મીઠું નાંખેલી ચા! શિષ્ટાચાર એવો હતો કે પીવી જ પડે. દવાના ઘૂંટડા ઉતારે એમ ઉતારવી પડે. તો ચા સારી કઈ? તમે નક્કી નથી કરતાં, સોસાયટી નક્કી કરે છે!
એકવાર હું હસ્તગીરીમાં હતો. અને રાજસ્થાનના એક ભક્ત પાલીતાણા આવેલા. પાલીતાણા યાત્રા કરી લીધી. પછી એમને ખબર પડી કે સાહેબ હસ્તગીરી છે. એટલે હસ્તગીરી આવ્યાં. ૧૧-૧૧.૩૦ નો ટાઈમ. આવી ગયા. વંદન કર્યું. બેઠા. એ વખતે કાંતિભાઈ પટણી બધું સાંભળતા હતાં. એમને ખબર પડી કે કોઈ સાધર્મિક મહેમાન આવ્યા છે. દોડતાં આવ્યાં. એને કહ્યું; સાહેબ! ભોજનશાળામાં જમવા માટે પધારો. તો આ લોકોએ કહ્યું; ના ના અમે લોકો તો પાલીતાણા ઉતર્યા છીએ. તખતગઢ ધર્મશાળામાં. ત્યાં કહીને આવ્યા છીએ. સાહેબ જોડે બેસીશું. ઉપર યાત્રા કરીને જતા રહીશું. ત્યાં જ જમીશું અમે. ત્યાં અમે જમવાનું કહીને આવ્યા છીએ. કાંતિભાઈ ગયા.
થોડીવાર થઇ ને મારી ગોચરી આવી. મેં એમને કહ્યું; પણ તમારે જમી આવવું હતું ને મારી ગોચરી પતી જાત. સાહેબ આપ ગોચરી કરી આવો. આપની જેટલી અનુકુળતા હોય એટલો અમારે આપનો લાભ લેવો છે. પછી ઉપર પણ જવું છે. અને છેલ્લે સાંજ સુધીમાં અમે પાલીતાણા પહોંચી જઈશું. મેં કીધું તો જમવાની ના કેમ પાડી? મને કહે કે સાહેબ વાત એવી છે, કે આ ગુજરાતી ટેસ્ટની ભોજનશાળા છે. દાળ હશે તુવેરની એમાં ગોળ નાંખેલો. અને ટામેટા-બમાટાનું શાક હોય તો એમાં ય ગોળ ઠોકેલો હોય. અમે રહ્યા રાજસ્થાની. રોટલીનો ટુકડો ય દાળમાં ડબોળીએ ને, એ રોટલી મોઢામાં જાય નહિ પછી. મીઠી દાળ! દાળ તો સરખું જોઈએ. શાક સરખું જોઈએ, તીખું જોઈએ. આ નક્કી કોણ કરે? સોસાયટી નક્કી કરે, તમે નક્કી નથી કરતાં! મતલબ એ થયો, કે તમે જો ટેસ્ટી-અનટેસ્ટી નક્કી નથી કર્યું ને, તો હવે ટેસ્ટી-અનટેસ્ટીના ચક્કરમાંથી બહાર નીકળી જાવ.
‘उदासते परद्रव्ये’ – એટલે આપણે ત્યાં ગોચરીની પ્રથા શું હતી? કેટલુ લાવવાનો? એક જુંભો – દોઢ જુંભો – બે જુંભો. પછી રોટલી મળે તો રોટલી લાવે. રોટલા મળે તો રોટલા લાવે. ભાખરી મળે તો ભાખરી લાવે. જે મળે એ લેતા આવે. મૂળ તો પેટનો ખાડો આટલો છે એને પૂરવાનો છે. એ ખાડાને પૂરવા માટે પછી એકદમ સરસ મજાની આમ ધોળી સિમેન્ટ જ લાવવી પડે એવું નક્કી નથી. રેડ પણ ચાલે.
આ શરીર છે ને એનું તંત્ર છે. જઠરાગ્નિ જે છે એમાં અગ્નિ જે છે ને એ પણ એક શક્તિ આપે છે. એટલે જઠરાગ્નિ જે છે ઉદીપ્ત રહેવો જોઈએ.
હવે હું ઘણીવાર મારા પ્રવચનમાં પણ કહું; કે પહેલાના લોકો ચૂલો રાખતાં. ચૂલામાં લાકડા નાંખતા. પણ લાકડાને બદલે કોઈ એકદમ કિંમતી ખુરશી હોય, એને તોડીને એના પાયા નાંખે ખરું? એમ જઠરાગ્નિ ચલાવવાની છે આપણે. આયંબિલનું ભોજન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભોજન. એમાં દૂધપાક-પુરી એને આપીએ થાય શું? ભસ્મની ઉતપ.
તો ‘उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते’ પછી એ સ્વગુણોને આસ્વાદની ધારામાં આગળ વધે છે.
તો “તપ તેજ દીપે કર્મ જિપે” – કર્મને જીતી લે છે. “નૈવ છીપે પર ભણી” – પર તરફ જવાનું હવે કોઈ દ્વાર ખુલ્લું જ નથી. “મુનિરાજ કરુણા સિંધુ, ત્રિભુવન બંધુ પ્રણમું હિત ભણી” એ મુનિરાજ કરુણાના સાગર છે એટલે પ્રેમના સાગર છે.
આપણે ત્યાં છે ને બે સૂત્ર સામ-સામે આવ્યાં છે; દશવૈકાલિકની હરીભદ્રની ટીકામાં સાધુત્વની વ્યાખ્યા આ આપી; ‘सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्’ અને ઉત્તરાધ્યયનના પંદરમાં સૂત્રના છેલ્લા ગાથા સુત્રમાં ભગવાને કહ્યું; “असिप्पजीवी अगिहे अमित्ते” એક બાજુ કહે; ‘सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्’ બીજી બાજુ પ્રભુ પોતે કહે છે ઉત્તરાધ્યયનમાં – ‘अमित्ते.’ મારા મુનિને કોઈ પણ મિત્ર ન જોઈએ! દેખીતી રીતે આમ પરસ્પર વિરોધી statement લાગે. પણ ના. એકદમ સરસ વાત છે. ભગવાન કહે છે કે મારા મુનિને કે મારી સાધ્વીને રાગાધારિત friendship નહિ ચાલે. સ્વાર્થાંધારિત friendship નહિ ચાલે. માત્ર આજ્ઞા આધારિત મૈત્રીભાવ જોઇશે. મારા ભગવાને કહ્યું છે અને બધા જીવો અનંત ગુણોથી યુક્ત છે, બધા જ જીવો ભવિષ્યના સિદ્ધ આત્માઓ છે, માટે હું બધા આત્માઓને વંદન પણ કરું અને એમને હું પ્રણામ પણ કરું.
હું છે ને ચાર ભાવનામાં એક નવો એંગલ આપું છું. આમ આપણે ત્યાં શું છે; ‘सत्वेषु मैत्रीं गुणीषु प्रमोदम्’ દરેક પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક પ્રત્યે પ્રમોદભાવ.
મને પોતાને એવું લાગે છે; કે જે તમારા પરિચિત સાધકો હોય, એ બધા પ્રત્યે પ્રમોદભાવ તમને આવી જવો જોઈએ. અપરિચિત છે એના પ્રત્યે ભલે તમે કદાચ મૈત્રીભાવ રાખી દો. ‘सत्वेषु मैत्रीं गुणीषु प्रमोदम्’ તમને બધા જ તમારાથી ગુણાધિક લાગવા જોઈએ.
હિંમતભાઈ બેડાવાલા જેવો શ્રાવક હોય, તો તમને પોતાને પણ લાગે કે આ મારા કરતાં એમની સાધના ઉંચી છે. તો તમારા પરિચિત જેટલા પણ સાધકો હોય, એમની સાધનાને અનુમોદનાના લયમાં તમે જોયેલી છે તો એ દરેક સાધકો પ્રત્યે તમને પ્રમોદભાવ થવો જોઈએ.
અને એ પ્રમોદભાવને એનાથી પણ વિસ્તારવો હોય, તો શાસ્ત્રોએ એક સરસ વાત કરી કે કીડી હોય કે વૃક્ષ હોય એ પણ ભવિષ્યનો સિદ્ધાત્મા છે. અને ખબર નથી કે આપણા કરતાં એ વહેલો મોક્ષે નહિ જાય. તો ‘નમો સિદ્ધાણં’ માં આપણે એને પણ ઝુકી શકીએ છીએ.
અને આપણો માધ્યસ્થભાવ તો કેટલો સરસ છે. તમારી પાસે જો આવે ને માધ્યસ્થભાવ આવે ને તો દ્વેષ નામની વસ્તુ તમારી પાસે રહે જ નહિ. માત્ર કરુણા રહે. માધ્યસ્થભાવનો અર્થ હું એવો કરું છું. એક મુનિરાજ હોય. જતાં હોય જંગલમાં. કોઈ સામે શિકારી મળે. એ જાય છે શિકાર કરવા. મુનિએ કહ્યું; ભાઈ! શા માટે તું શિકાર કરે છે? ચાલ મારી જોડે તને પૈસા અપાવી દઉં. મારા શોખ માટે શિકાર કરું છું. હરણાં તરફડે એમાં મને મજા આવે છે. આવા વ્યક્તિત્વ પ્રત્યે મુનિ શું કરશે? ત્યાં પણ માધ્યસ્થભાવ કહ્યો. અને એ માધ્યસ્થભાવનો અર્થ હું એ કરું છું, કે પ્રભુ મારી કરુણાનો અવકાશ અહીંયા છે નહિ, તારી કરુણા તું અહીંયા મૂકી દે.
શાંત સુધારસની એ ભાવનાની ઢાળ બહુ સરસ છે; ‘सूत्रमपास्य जड़ा भासन्ते, केचन मतमुत्सूत्रं रे” સુત્રને છોડીને ઉત્સુત્ર પ્રરૂપણા કરશે. તમે સાંભળી રહ્યા છો. What can you do? તમે શું કરશો? એ પ્રજ્ઞાપ્રિય હોવ તમે એને ખાલી સમજાવો કે ભાઈ તમે આ શું બોલો છો? સૂત્રની વાત આ છે ને તમે ક્યાં ફેકાફેક કરો છો..! એ કહે બેસો બેસો, તમારા કરતાં વધુ ભણેલો છું. તમને શું ખબર હવે! એ અપ્રજ્ઞાપ્રિય હોવ તો શું કરો?
તો ‘सूत्रमपास्य जड़ा भासन्ते, केचन मतमुत्सूत्रं रे’ તમે શું કરો ત્યાં? તમારે કંઈ નથી કરવાનું. ત્યાં ઉદાહરણ આપ્યું કે સ્વચ્છ જળને છોડીને કોઈ ગંદા જળને પીએ તો તમે શું કરશો? તમે શું કરશો? એટલે સમજો કે તમને કોઈના ઉપર પણ દ્વેષ કરવાનો અધિકાર આપ્યો જ નથી. જ્યાં જ્યાં દ્વેષની શક્યતા છે ત્યાં માધ્યસ્થભાવ. હવે આવા વ્યક્તિત્વ પ્રત્યે પણ તિરસ્કાર કરવાની ના પાડી છે. તો આપણા સાધર્મિકો પ્રત્યે આપણને ક્યારે થવાનું? થવાનું જ નથી. સવાલ જ નથી. ભાવનાઓને પણ સતત ભાવિત કરવી જોઈએ.
તો આ આખી કડી જે છે ને એમાં વ્યવહાર-નિશ્ચય બેઉ સાધના છે. ‘जे रम्या शुद्ध स्वरूप रमणे’ એ આખી નિશ્ચયદશાની વાત છે. અને એના માટે ‘मुनिराज करुणासिंधु त्रिभुवन बंधु …’ એ બધી જ વ્યવહાર સાધનાની વાત છે. એટલે આપણી કોઈ પણ સાધના હશે, એમાં વ્યવહાર અને નિશ્ચયનું balancing હોવાનું, હોવાનું અને હોવાનું.
તમારે આત્મનિરીક્ષણ એ રીતે કરવું છે કે પ્રભુની સાધના હું કરું છું, અને આ પ્રભુની વ્યવહાર સાધના મને નિશ્ચય સુધી લઈને જ જાય. તો કયો નિશ્ચય મને આપ્યો અત્યાર સુધીમાં વ્યવહાર સાધનાએ? આત્મ-પ્રેક્ષણ તમારે કરવું પડશે.!
મુલ્લાજી હતા ને એક પાર્ટીમાં ગયેલા. Reception માં. અબજોપતિને ત્યાં reception હતું. અને મુલ્લાજી પણ કરોડોપતિ હતા. એમને આમંત્રણ હતું, ગયા. જમવાનું પૂરું થયું. ચાંદીની થાળી, સોનાની ચમચીઓ. જમવાનું પૂરું થયું પછી એક સોનાની ચમચી નેપકીનથી લુછીને મુલ્લાજીએ કોર્ટના ખિસ્સામાં મૂકી દીધી. બાજુવાળો જોતો જ રહી ગયો. આટલી હિંમત..! આટલા બધાની વચ્ચે! એણે પૂછ્યું મુલ્લાજીને શું કર્યું..? એકદમ ભોળો ભાવ, માયુસ ચહેરો.. કેમ? ચમચી લીધી, કહે છે.. અરે, આમ ચમચી લેવાય કોઈની? હા તમારી વાત તો ખરી? પણ ડોકટરનું શું કરવું કહે છે; પણ આમાં ડોકટર ક્યાંથી આવ્યો, કહે છે! તો થોડી શરદી થઇ ગયેલી. હમણાં કલાક પહેલા ડોકટર પાસે ગયેલો. તો ડોકટરે સાલાએ કંઈક લખ્યું છે કાગળમાં, હવે અંગ્રેજીમાં લખ્યું છે એ એનો ભા વાંચે. તો ગુજરાતીમાં લખ્યું છે કે જમ્યા પછી એક ચમચી લેવી. દવા રહી કેમીસ્ટને ત્યાં! ચમચી લઇ લીધી! આ વ્યવહારની ચમચી અને નિશ્ચયની દવા. ખાલી ચમચી રાખો છો તમે!
