Mumukshu Vachna | 08-04-20 | Navsari Tapovan

26 Min Read

અભ્યંતર તપ

અભ્યંતર તપના છ ચરણો. પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ એ સાધન ત્રિપદી. આ સાધન ત્રિપદીથી તમારા રાગ-દ્વેષ-અહંકાર શિથિલ થાય એટલે તમારી ચેતનાને પરમાં જવાનો અવકાશ ઓછો થાય. પરમાંથી ચેતના છૂટી પડે પછી સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ – આ સાધ્ય ત્રિપદીમાં જઈ શકે.

રાગ અને દ્વેષને વશ કોઈ અકાર્ય થઈ ગયું, તો તેના પ્રાયશ્ચિત સમયે તમારી આંખોના આંસુ દ્વારા એ રાગ અને દ્વેષ થોડા શિથિલ બને. અને વડીલોના વિનય તથા વૈયાવચ્ચ દ્વારા જે ઝૂકવાનું ઘટિત થાય, તે દ્વારા અહંકાર શિથિલ બને.

સ્વનું અધ્યયન, સ્વનું દર્શન તે સ્વાધ્યાય. સ્વાધ્યાય એક એવી પૃષ્ઠભૂમિકા બનાવે જેનાથી તમે સ્વની અનુભૂતિમાં જઈ શકો. ધ્યાન અને કાયોત્સર્ગ એટલે સ્વની અનુભૂતિ. _તપ તે એ હી જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે_




નવસારી તપોવન વાચના – 11 [8.4.2020]

ગઈ કાલની કડી અધૂરી છે. “जे रम्या शुद्ध स्वरूप रमणे, देह निर्मम निर्मदा।” પછી કહે છે; “काउसग्ग मुद्रा घिर आसन, ध्यान अभ्यासी सदा।।” ત્યાં એમણે બાહ્યતપ અને અભ્યંતર તપ બેઉ લઇ લીધા. આસન જય એ બાહ્ય તપમાં આવે છે અને ધ્યાન અને કાયોત્સર્ગ અભ્યંતર તપમાં આવે છે.
જ્ઞાનસારે બહુ સરસ કહ્યું, ‘बाह्यं तदुपब्रुंहकम्’ બાહ્ય તપ જે છે એ અભ્યંતર તપનું ઉપભૃંગત, ઉદ્દીપક છે. કઈ રીતે? જેમ કે ઉણોદરી. એકાસણું છે તમારે. બે રોટલીની ભૂખ હતી અને તમે ઉભા થઈ ગયા. પછી પા-અડધો કલાક પછી તમે સ્વાધ્યાય માટે બેસશો. સરસ રીતે સ્વાધ્યાય તમે કરી શકશો. પણ ઉણોદરીને બદલે અત્યોદરી થઈ ગઈ. પછી તમે ચોપડી લઈને બેસો. આંખો બંધ થઈ જવાની. એનું કારણ ખ્યાલ છે? તમે ઓછુ વાપરેલું છે ને, તમારી જઠરાગ્નીને પણ થોડું Blood supply કરવાનું હોય છે શરીરના તંત્રે અને મગજમાં પણ blood supply કરવાનું હોય છે. એટલે બેઉ જગ્યાએ blood supply થતું રહે છે. હવે જયારે તમે વધારે પડતું ખાઈ લીધું. તો એને પચાવવા માટે જઠરાગ્ની તરફ blood supply વધારવો પડશે, એટલે અહીંનું blood supply બંધ કરી નાંખે શરીરનું તંત્ર, એટલે તમે સુઈ જાઓ. એટલે ઉણોદરી એ સાધના માટે બહુ જ ઉપકારી છે.
આજની internationally spread out સાધના વિપશ્યના. એમાં ખોરાકના બિલકુલ ચુસ્ત ધોરણો છે. સવારે દૂધ-ચા અને પૌંઆ જ. બીજું કશું જ નહિ. બપોરે રોટલી પણ આછી જ ચોપડેલી. દાળ-શાક-ભાત. સાંજે કશું જ નહિ, લીંબુ-પાણી. અને એનું કારણ એ છે કે ૧૦-૧૦ કલાક ધ્યાન એ લોકોને કરવાનું હોય છે. સહેજ પણ જો વધારે ખાશે ને ધ્યાનમાં ઊંઘ આવી જવાની. એટલે સતત એ લોકો કહેતા રહે. ઓછું ખાઓ. ઓછું ખાઓ. ઓછું ખાઓ. અને સાયં ભોજન તો બિલકુલ નહિ. સાંજે તમે ખાધેલું હોય. તમે સવારે ૪ વાગે ઉઠો. પેટ થોડું ભારે લાગશે. પણ બપોરે જ જો ખાધેલું છે. તો બપોરનું ખાધેલું રાતના ૧૨ સુધીમાં પચી જશે. એટલે તમે સવારે ૪ વાગે ઉઠશો ત્યારે fresh હશો. એટલે ઉણોદરી, અનશન આ બધું જ જે છે ને એ અભ્યંતર તપમાં ઉપકારક છે.
કાયક્લેશ જે છે ને એમાં લોચાદિક કષ્ટો તો છે જ, એની સાથે આસનજય છે, કાયકલેશમાં. આસનજય પણ બહુ જ મહત્વનું છે. જેમ કે તમે વિરાસને કે અર્ધ વિરાસને બેસો. ચૈત્યવંદન કરવા બેસો ત્યારે. એ વખતે શું થશે? તમારા પગની પિંડી ઉપર શરીરનું વજન આવશે. આ એટલા માટે કે તમારી પિંડીમાં અમુક glands છે – ગ્રંથિ છે, જે દબાય તો અહોભાવની ધારા ભીતર ચાલુ થાય.
ગૌદોહાસન એકદમ બહુ સરસ આસન છે. તમે ૧૦ કિલોમીટર ચાલો. તળિયા ઉપર દબાણ આવશે પગના. આંગળી કે અંગુઠા ઉપર દબાણ નહિ આવે. પગની આંગળીઓ અને પગના બે અંગુઠા, એમાં જે glands છે, એ glands દબાયને તો વૈરાગ્યભાવ વધુ મજબુત થાય છે. એના માટે ગૌદોહાસન છે. ભરવાડ જે રીતના ગાય દોહવા માટે બેસે ને. પગને પાણીથી અધ્ધર કરી નાંખે અને આખા શરીરનો ભાર પગની આંગળીઓ અને અંગુઠા ઉપર મુકી દે. એટલે ત્યાં રહેલી glands જે છે એ સક્રિય બનશે. આસનો બહુ જ મહત્વની વસ્તુ છે.
મુદ્રાઓ પણ એટલી જ મહત્વની વસ્તુ છે. જયવીયરાય વખતે આપણે આ મુદ્રા કરીએ. મુક્તાસુક્તિ. એકદમ ઊંડાણની વાત છે. પીરામીડ નો તમને ખ્યાલ છે. ઈજીપ્તના પિરામીડો. બહુ જ ઊંચા. અને એમાં શું કરતા? રાજાના શબને મુકતા. હવે ૫-૫ હજાર વરસો પહેલાના એ શબો છે ત્યાં, જે બહુ સડયા નથી. અને તમે વિચાર કરો કે આ કારણ શું? રસાયણોનું કારણ પણ એમને ન લાગ્યું. ડઝનબંધ પુસ્તકો એમના માટે લખાયા છે. અને એમાંથી નિષ્કર્ષ એ આવ્યો – આ જે આકૃતિ છે ને એ જ મહત્વની છે. અને એ આકૃતિમાં અમુક એંગલે તમે વસ્તુને રાખો એટલે કાળની અસર એના પર ઓછામાં ઓછી થાય. આપણા દેરાસરના શિખરની વાત આ જ છે. કે ત્યાં કાળની અસર બહુ ઓછી થવાની. બહારના દુષિત પરમાણુની અસર પણ બહુ ઓછી થવાની. આપણા ઘરો જે છે એ પણ પહેલા છાપરાના ઢોળાવ વાળા જ હતા. એનું કારણ પણ આ જ હતું કે આ જે મુદ્રા હોયને ત્યાં પેલા vibrations સીધા attack કરી શકતા નથી. એટલે તમે વિચારો દેરાસરમાં ગભારો આટલો નાનો છે, શિખર આટલું ઊંચું કરવાનું કારણ શું?
એટલે ઘુમ્મટ જે છે ને એ પણ બહુ મહત્વની ઘટના છે. તમે પ્રાર્થના કરો મંડપમાં બેસીને. સહેજ loudly તમે બોલો તો ઘુમ્મટે અથડાઈને તમારો શબ્દ પાછો આવશે. એટલે એક ધ્વનિનું વર્તુળ થશે. અને ધ્વનિનું વર્તુળ થયું એટલે electricity આવી ગઈ. આપણી પૂર્વની માન્યતાઓ એ છે કે electricity અને ધ્વનિ બેઉ એક જ છે. અને વિજ્ઞાન અત્યારે પણ ત્યાં સુધી જવા માંગે છે.
હમણાં-હમણાં આઇન્સ્ટાઇને એક નવો શબ્દ આપણને આપ્યો. ‘Spaciotime.’ Space એટલે અવકાશ. Time એટલે સમય. આપણે અવકાશ અને સમય બેને અલગ માનીએ છીએ. આઇન્સ્ટાઇને એ વાત કરી કે અવકાશ અને સમય બંને એકબીજામાં ગૂંથાયેલા છે. અને એટલે એમને એક નવો શબ્દ આપ્યો, ‘spaciotime’. એના માટે ઘણા ઘણા પુસ્તકો લખાયા છે. અત્યારે એમ કહેવાય છે કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ પુરેપુરો સમજનારા આંગળીના વેઢે ગણીએ એટલાં જ હોય છે. તો આ મુદ્રા આખી મહત્વની થઈ ગઈ.
તો આસનો- મુદ્રાઓ આ બધું બહુ જ મહત્વનું છે. કારણ કે એના કારણે તમે ભીતર જઈ શકો છે.
હવે અભ્યંતર તપ જે છે ને એમાં છ ચરણો. ત્રણ ચરણ જે છે એ સાધન-ત્રિપદી. છેલ્લાં ત્રણ છે એ સાધ્ય-ત્રિપદી. તમારે ધ્યાનમાં જવું છે. કે સ્વાધ્યાય દ્વારા સ્વનું ઊંડું અનુપ્રેક્ષણ તમારે કરવું છે. પણ એના માટેની પૂર્વભૂમિકા શું જોઈએ? પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવચ્ચ. કેમ? સ્વનું અધ્યયન તમે ક્યારે કરી શકશો બોલો? પરમાં તમારી ચેતના નહિ હોય ત્યારે! અને તમે ચોવીસ કલાક પરમાં જ હશો તો સ્વાધ્યાય નહિ થાય, શબ્દાધ્યાય થશે!
હું ઘણીવાર કહું છું કે તમે લોકો સ્વાધ્યાય જે કરો છો. મન તો તમારું ક્યાંય બહાર ફરતું હોય છે. સ્વાધ્યાય કરી લો છો – 500 ગાથાનો. 1000 ગાથાનો. મેં કહ્યું જે પુણ્ય કે નિર્જરા મળે એ તમારા હોઠને મળે. તમને શું મળે? ડીંગો.! એટલે સ્વાધ્યાય ક્યારે થાય? પરમાંથી તમારી ચેતના તમે છૂટી પાડો ત્યારે.
એટલે પરની અંદર તમારી ચેતના ક્યાં જાય છે? મુખ્યતયા રાગ દ્વેષ અને અહંકારમાં. આ વાત પંચસુત્રે ટીકાએ બરોબર પકડી છે. રાગ-દ્વેષ-મોહ. રાગ-દ્વેષ-મોહ. જે રાગ અને દ્વેષની વાત આપણે ત્યાં ચાલતી હતી ને, બેની, એમાં મોહનો ઉમેરો કર્યો છે. મોહ એટલે અહંકાર. જેના દ્વારા તમારા શુદ્ધ સ્વરૂપ જવામાં તમને મૂંઝવણ થાય તે મોહ. જેમ કે અહંકાર.
તો સાધનામાં અવરોધક તત્વ ત્રણ: રાગ દ્વેષ અને અહંકાર. તો તમારી ચેતના એમાં સતત જાય છે. તમારી ચેતનાને પ્રત્યાવર્ત કરવી છે તો શું કરવું પડે? એ ત્રણને શિથિલ બનાવવા પડે.
પહેલું પ્રાયશ્ચિત. રાગ અને દ્વેષ દ્વારા કોઈ અકાર્ય થઈ પણ ગયું. તમે ગુરુદેવ પાસે આવો. આંખમ આંસુ હોય. તમે પાપોનું પ્રાયશ્ચિત માંગો. ત્યારે બની શકે કે પ્રાયશ્ચિત આપવા દ્વારા, તમારી આંખોના આંસુ દ્વારા રાગ અને દ્વેષ થોડા શિથિલ બને.
પણ અહંકારનું શું? વિલન તો મોટો એ જ છે! એના માટે પહેલું તો વિનય આવ્યું. વિનય. વડીલોની ભક્તિ કરો, વડીલોની સેવા કરો. પણ પછી લાગ્યું કે આ ભારતીય માણસ છે. એના લોહીમાં સંસ્કાર છે. વડીલોને ઝૂકવું. બહારથી ઝુકી જશે અને આમ અહંકાર ટટ્ટાર રાખશે. એક ટેવ પડેલી છે એટલે ઝુકી જશે. એટલે વૈયાવચ્ચ આપ્યું. એટલે અહંકારને કાઢવા માટે બે ચરણો આપ્યા – વિનય અને વૈયાવચ્ચ. વૈયાવચ્ચ – ઝૂકો.. ઝૂકો.. ઝૂકો… આજનો નવદીક્ષિત સાધુ છે, ઝૂકો! ગ્લાન છે, ઝૂકો! સેવા કરો.. સેવા કરો.. સેવા કરો.. તો રાગ દ્વેષ અને અહંકાર ત્રણ શિથિલ થયાં એટલે તમારી ચેતનાને પરમાં જવાનો અવકાશ ઓછો થયો. તો આ સાધન ત્રિપદી થઈ.
હવે તમારે સાધ્ય ત્રિપદીમાં જવું છે. પહેલું સ્વાધ્યાય. સ્વનું અધ્યયન. શરૂઆતમાં છે ને આપણે બધું ભણવું જોઈતું હોય છે. પણ પછી જો તમે એની એક ઊંડી મનોવૃત્તિ હોય ને તો સદ્ગુરુ તમને એક ધારા આપશે. અને એ ધારાના ગ્રંથો જ તમારે વાંચવાના હોય છે. જેમ કે એક શિષ્યને પહેલા ગુરુ ભક્તિની ધારા આપતા. કેટલું કામ સરસ ચાલતું તમને આમ નવાઈ લાગશે. Workshop ચાલતું આપણું. એ શિષ્ય જન્માન્તરીય ભક્તિની ધારામાં વહીને આવ્યો છે તો એને ભક્તિની ધારા આપવામાં આવતી. પછી કહેવામાં આવતું તારે લલિતવિસ્તરા, પંચસૂત્ર, એની ટીકા, આટલા-આટલા ગ્રંથો વાંચવાના, બીજા કોઈ ગ્રંથોમાં તારે જવાનું નથી. Even આચાર્ય ભગવંતની ૨-3-૪ વાચના ચાલતી હોય. કોઈ આચાર ગ્રંથ ઉપર હોય, કોઈ સાધના ગ્રંથ ઉપર હોય. ના પાડી દે. મારી એ વાચનામાં તારે નહિ આવવાનું. ભક્તિ પર જ જે વાચના હોય એમાં જ તારે આવવાનું. તારી ધારા ભક્તિની છે. તો તારે માત્ર આ જ ગ્રંથો લેવાના. આ જ સાંભળવાનું. અને આના ઊંડાણમાં જવાનું.
એમ તમારી ધારા નક્કી થઈ જાય. પછી એ ધારાના ઊંડાણમાં કેવી રીતે જઈ શકાય? એનું તમે ગુરુની પાસે માર્ગદર્શન માંગી શકો, કે સાહેબજી આના માટે હવે શું કરું? પછી તમને અધ્યાત્મસાર, અધ્યાત્મબિંદુ, અધ્યાત્મ ઉપનિષદ આ જ બધા ગ્રંથો વાંચવાનું કહેશે. અને પછી તો શું હોય છે કે એક ગ્રંથ કે અથવા એનો નાનકડો પોર્શન, બસ એને ઘૂંટ્યા કરો પછી. આખરે તો પ્રેક્ટીકલ જ કરવાનું હોય છે. જેટલું આત્મસાત્ થયું એટલું જ કામનું.
તો સ્વાધ્યાય એક પૃષ્ઠ ભૂમિકા એવી બનાવે ને કે તમે સીધા જ સ્વની અનુભૂતિમાં જઈ શકો. તો સ્વાધ્યાય એટલે સ્વનું દર્શન.
ધ્યાન અને કાયોત્સર્ગ એટલે સ્વની અનુભૂતિ. હવે ધ્યાન અને કાયોત્સર્ગ શું છે? ત્રિગુપ્તિ સાધના જ છે આપણી.
ઘણા લોકો કહે; અત્યારે ધ્યાન શેનું હોય? મેં કહ્યું અષ્ટપ્રવચનમાતાનું પાલન અત્યારે હોય કે ન હોય? તમને એક વાત ખબર છે? આપણા અતિચારમાં તો આવે જ છે. શ્રાવકના અતિચારમાં પણ આવે છે. ધર્મધ્યાન-શુકલધ્યાન ધ્યાયા નહિ. ક્યારેય વિચાર આવ્યો? મને કે તમને ય શુક્લધ્યાન ધ્યાવવાનો અધિકાર નથી. શ્રાવકને ક્યાંથી આવ્યો? અને જો અધિકાર ન હોય તો અતિચારમાં કેમ આવે? આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાયા એ અતિચાર છે. એમ ધર્મ-શુક્લ ધ્યાન ન ધ્યાયું એ અતિચાર છે. અતિચાર ક્યારે આવે? આચાર હોય, ઉલ્લંઘન કરો એટલે આવે. તો ત્યાં ધર્મધ્યાન એટલે સાલંબન ધ્યાન, શુક્લધ્યાન એટલે નિરાલંબન ધ્યાન – આ વાત છે. તો પ્રભુની મૂર્તિનું, પ્રભુના પ્યારા શબ્દોનું આલંબન લઇ તમે અંદર જાઓ એ સાલંબન ધ્યાન. અને એ ધ્યાન બહુ જ ઘૂંટાઈ ગયું. બહુ જ ઘૂંટાઈ ગયું. બહુ જ ઘૂંટાઈ ગયું. તમે ખાલી ઈરિયાવહિયા કરીને બેસો છો. આમ હાથ હોય છે તમારા. સીધા તમે ભીતર ઉતરી જાઓ છો. તમારે આલંબનની-સહાયની જરૂર રહેતી નથી. તો અનાલંબન ધ્યાન. તો મુખ્ય અનાલંબન તો તમને ખબર છે, શ્રેણીમાં છે. નાનું edition કદાચ સાતમે ગુણઠાણે. આ તો શ્રાવકની વાત થઈ ગઈ! ધર્મધ્યાન-શુક્લધ્યાન ધ્યાયા નહિ!
એટલે ત્યાં સાલંબન ધ્યાન અને અનાલંબન ધ્યાન. એટલે તમારે પણ સાલંબન ધ્યાનને ઘૂંટીને અનાલંબનમાં જવાનું જ છે. તો સાલંબન ધ્યાન વધુ ઘૂંટાશે, વધુ ઘૂંટાશે, વધુ ઘૂંટાશે. પછી એવું બનશે કે તમે આમ બેસશો અને અંદર તમારી ભીતર છો. કારણ કે અંદરનો રસ એકવાર લાગી ગયો અને અંદરનો આનંદ પકડાઈ ગયો. પછી બહાર તો કંઇ છે જ નહિ! બહાર કુચા જ છે!
તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે; ‘रसो वै स:’ રસ એ જ છે તમારી નિર્મલ આત્મદશા જ! બાકી રસ ક્યાંય છે જ નહિ, કુચા જ છે બધે!
તો હવે ધ્યાન અને કાયોત્સર્ગ શું છે? ત્રિગુપ્તિ સાધના છે. અન્નત્થમાં બોલીએ, ‘ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામી.’ બહિરાત્મ ભાવને હું વોસિરાવું છું.
હવે ગુપ્તિના બે પ્રકારો તમારા ખ્યાલમાં આવી ગયા. શુભરૂપ ગુપ્તિ, અને શુદ્ધરૂપ ગુપ્તિ. તમારી કાયા ઈર્યાસમિતિ પુર્વક ચાલે છે કે તમે પુંજી પ્રમાર્જીને બેસો-ઉઠો છો તો શુભરૂપ કાયગુપ્તિ થશે. તમે એકદમ મુહપત્તિના ઉપયોગ સાથે, અને એકદમ ઉપયોગી હોય એવું કંઈક બોલી રહ્યા છો તો શુભ વચનગુપ્તિ આવશે. અને એ જ રીતે શુભ વિચાર કરી રહયા છો, તો શુભ મનોગુપ્તિ આવશે. પણ વિચારો નહિ હોય ત્યારે શુદ્ધ મનોગુપ્તિ. બિલકુલ બોલવાનું નથી અને મૌનમાં જ રહ્યા છો તમે તો શુદ્ધ વચનગુપ્તિ. અને કાયા કશું જ કરતી નથી, અડોળ, નિષ્પ્રકંપ ઉભી છે તો એ શુદ્ધ કાયગુપ્તિ.
હવે આપણે જે કાયોત્સર્ગ કરીએ છીએ, એને ચેષ્ટા કાયોત્સર્ગ કહેવામાં આવે છે. એટલે કાયોત્સર્ગ નિર્યુક્તિમાં બે જાતના કાયોત્સર્ગ બતાવ્યા – એક ચેષ્ટા કાયોત્સર્ગ, બીજો અભિભવ કાયોત્સર્ગ. ચેષ્ટા કાયોત્સર્ગ છે આપણો, એમાં આપણે શું કરીએ છીએ કે ત્રણ ગુપ્તિનું પાલન તો કરીએ છીએ. રેસીયો કેવો છે એમાં? કે કાયગુપ્તિ શુદ્ધની છે. કારણ કે હલન-ચલન કરવું નથી. કાયગુપ્તિ શુદ્ધની છે. પણ મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભની છે. તમે લોગ્ગસનું કે નવકારમંત્રનું ચેટિંગ કરો છો. એની ઉપર તમારો ઉપયોગ પણ છે. એટલે વચનગુપ્તિ અને મનોગુપ્તિ શુભના છે.
અભિભવ કાયોત્સર્ગ જે છે એમાં ત્રણેય ગુપ્તિ શુદ્ધની હોઈ શકે. ત્યાં નવકારમંત્રનું ચેટિંગ નથી. લોગ્ગસનું ચેટિંગ નથી. માત્ર સ્વરૂપદશામાં જવાની વાત છે. એટલે કંઈક અનુપ્રેક્ષા પકડી, તમે અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા. હવે તો વિચાર નથી, અનુભૂતિ છે એટલે. બોલવાનું કંઇ છે નહિ. એટલે કાયા અડોળ છે. એ જે કાયોત્સર્ગ થયો. એમાં ત્રણેય ગુપ્તિ શુદ્ધની છે.
હવે ધ્યાનમાં શું છે? કે ધ્યાનમાં તમે એકદમ બેસીને, અથવા ઉભા ઉભા કરો. કાયોત્સર્ગ માટે ત્રણેય મુદ્રા સ્વીકારી છે – મૂર્છિત મુદ્રા, આશિત મુદ્રા, શૈત મુદ્રા. મતલબ એ થયો કે શરીર એકદમ થકી ગયું છે ત્યારે સંથારામાં સૂતા-સૂતા પણ કાયોત્સર્ગ કરવાનો છે.
તો ધ્યાનમાં શું છે? આમ તમે બેઠેલા છો. આંખો બંધ છે. માત્ર સ્વગુણનું વેદન ચાલી રહ્યું છે. સ્વભાવની ધારામાં તમે છો તો, વિચારવાનું કંઇ છે જ નહિ, ત્યાં માત્ર અનુભવ છે. સમભાવ કેવો છે – આવો વિચાર ક્યારે કરશો? અનુભવ નથી ત્યારે. અનુભવ હશે ત્યારે? રસોડામાં જતા પહેલા માણસ વિચાર કરે શું હશે? શું નહિ? ખાવા બેઠા પછી? અનુભવ છે.
તો ધ્યાન જે છે, બેઠા કે ઉભા કરો સ્થિર મુદ્રાએ તો ત્યાં ત્રણેય ગુપ્તિઓ શુદ્ધની થઇ. પણ ઈર્યાપૂર્વક તમે ચાલી રહ્યા છો; કશું વિચારતા નથી, કશું બોલતા નથી, એટલે મનોગુપ્તિ શુદ્ધની છે. કારણ કે વિકલ્પ કંઇ કરવાનો જ નથી ને! મનોગુપ્તિ શુદ્ધની છે, વચનગુપ્તિ પણ શુદ્ધની છે પણ તમે ચાલી રહ્યા છો, અને ઈરિયાસમિતિ પૂર્વક ચાલો છો, કાયગુપ્તિ શુભની થઈ. એટલે આપણું ધ્યાન અને આપનો કાયોત્સર્ગ ત્રિગુપ્તિ બહારની ચીજ છે જ નહિ. હવે અષ્ટપ્રવચન માતાનું પાલન તો સતત કરવાનું જ છે આપણે.
પંચસૂત્રમાં એક પ્રશ્ન કર્યો કે બાળક હોય ને માતાની આંગળી પકડીને ચાલે. મોટો થાય પછી માતાની આંગળી છોડી દે ને? એમ અષ્ટપ્રવચન માતા ખરી અમારી. એની આંગળી પકડીને ક્યાં સુધી ચાલવાનું? ત્યાં કહ્યું, ‘विअत्ते इत्थ केवली’. બાળક મોટો થાય ત્યારે માની આંગળી છોડી દે એમ તમે પુખ્ત થાવ એટલે અષ્ટપ્રવચનમાતાની તમારે જરૂર નહિ પણ ક્યારે? ‘विअत्ते इत्थ केवली’ કેવળજ્ઞાન મળી જાય ત્યારે.
તો બાહ્યતપ, અભ્યંતરતપ. તપની એક બહુ સરસ વ્યાખ્યા નવપદ પૂજામાં ઉપાધ્યાયજી એ આપી. Actually નવપદપૂજા રચી જ નથી એમણે. શ્રીપાળ રાસમાંથી કોઈએ સંકલન કર્યું છે. શ્રીપાળરાસમાંથી ઉપાધ્યાય યશોવિજયજીની ઢાળ વિગેરેથી એનું સંકલન કર્યું. પ્રાકૃત જે ગાથા આવે છે એ ‘सिरिसिरिवाल कहा’ની આવે છે. અને વચ્ચે એ જો ઉલાળો ને એ આવે છે ને એક જ્ઞાનવિમલ સુરીનો છે અને એક દેવચંદ્રજીનો છે. એટલે ચાર દિગ્ગજ મહાત્માઓ એ નવપદ પૂજામાં ભેગા થયેલા.
તો તપની વ્યાખ્યા આપતા એમણે કહ્યું, ‘તપ તે એ હી જ આતમા વર્તે નિજગુણ ભોગે રે’. તપ એટલે શું? નિજગુણ ભોગમાં ડૂબી જાવ! તમને ખાવાનું યાદ ન આવે એ તપ! “તપ તે એ હી જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે’. તમે ભીતર આનંદમાં ડૂબી ગયા હોવ, શરીરનો તમને ખ્યાલ પણ ક્યાંથી આવે!
સ્વામી રામે એક સરસ પ્રસંગ લખ્યો છે. આજના યુગના એક સંત નિમકરોલી બાબા. એમની જોડે સ્વામી રામ થોડો સમય રહ્યા. એકવાર બપોરના સમયે બંને જણાએ સાથે ભોજન કરી લીધું. બાબાએ અને સ્વામી રામે. દસેક મિનીટ પછી કોઈ ભક્ત આવ્યો ટીફીન લઈને. જમવાનું બધુ લઈને આવ્યો છું. બાબા મને લાભ આપો. બાબાએ સ્વામી રામને પૂછ્યું; કેમ? જમી લઈશું આપણે? દસ મિનીટ નથી થઈ! અને જમી લઈશું આપણે? સાહેબ, આપણે દસ મિનીટ પહેલા જ જમી લીધું. અચ્છા, અચ્છા એવું છે? જમી લીધું છે? એ પરમહંસ કક્ષાના જે વ્યક્તિત્વ હોયને, એમનો દેહનો બોધ નીકળી ગયેલો હોય છે. દિવસમાં સાત વાર ખાવાનું હોય ને, સાત વાર ખાઈ લે! પાંચ દિવસ કંઇ ખાવાનું ના આપો તો કંઇ ખબર નથી પડતી એમને!
પાલનપુરમાં એક સંત આવેલા. જુના ડીસાના એક ભાઈને બહુ શોખ. કોઇ પણ સંતનો સત્સંગ હોય ત્યાં પહોંચી જાય. એ ભાઈ એ સત્સંગમાં ગયેલા. તો હિંદુ સંતે પરમહંસની આખી વાતો કરી કે પરમહંસ કેવા હોય છે? એ વખતે પેલા ભાઈએ પૂછ્યું; જુના ડીસા વાળાએ. કે સાહેબ અમારી નજીકમાં હમણાં કોઈ પરમહંસ થઈ ગયેલા? સંતે સામેથી પૂછ્યું, કે તમે ક્યાંના છો? સાહેબ હું જુના ડીસાનો છું. અચ્છા, ત્યાં એક શકીનાબીબી હતા, એમને તમે જાણો છો? સાહેબ એ તો જાણીતા જ હોય. ત્યારે એ સંતે કહ્યું કે એ પરમહંસ હતી. મને એ ભાઈએ વાત કરી, મને કહે કે સાહેબ, તમે જુના ડીસા બહુ રહ્યા છો. નાનપણમાં. શકીનાબીબી ને તમે જોયેલી? હા, જોયેલી. શકીનાબીબી એનું નામ, ક્યાંથી લોકો લઇ આવ્યા એ પણ ખબર નથી! એ બિલકુલ બોલતી નહતી બાઈ! રહેવાનું ક્યાં? દુકાનોના ઓટલા ઉપર.! શિયાળો હોય કે ભર ચોમાસું.! ખાવાનું કંઈ જ નહિ.! રોટલી-શાક કશું ન ખાય. હોટલવાળા ચા આપે, ચા નો કપ લઇ લે. લોકો એને શકીના ગાંડી કહેતાં. અને આ સંતે કહ્યું, એ પરમહંસ હતી.!
અને એટલે સમાધિશતકમાં ઉપાધ્યાયજીએ કહ્યું; લોકોને તો પરમહંસ પાગલ જ લાગે.
“જગ જાણે ઉન્મત્ત આ, આ જાણે જગ અંધ;
જ્ઞાની કો જગમે રહ્યો, યું નહિ કોઈ સંબંધ”.
‘જગ જાણે ઉન્મત્ત આ!’ આનંદઘનજી અત્યારે આવી જાય તો? કપડાંનું ઠેકાણું ન હોય ને, કામળીનો ડૂચો મારેલો હોય ને. ‘જગ જાણે ઉન્મત્ત આ..’ પણ લોકોના સર્ટિફિકેટની જરૂરિયાત છે જ નહિ અહીં. ‘આ જાણે જગ અંધ’ અહીં લોકો પાસે દ્રષ્ટિ નથી બિચારા શું કરે? “જ્ઞાની કો જગમે રહ્યો, યું નહિ કોઈ સંબંધ”
અને પછી કહે છે:
‘દેખે-ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ;
વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચયે થિર થંભ.’
‘દેખે ભાખે ઓર કરે’ – સાહેબ આવો માણસ હોય ને, તમારે જોવું જોઈએ સામે, જોઈ લઈએ ચાલો! એક-બે શબ્દ બોલવા જોઈએ, બોલી નાંખીએ હાલો ને.! વાસક્ષેપ કરવો છે, કરી લઈએ હાલો ને.! લપ છોડો.
‘દેખે-ભાખે ઓર કરે, જ્ઞાની સબહિ અચંભ’ આશ્ચર્ય થાય છે! આવું બોલવું પડે?! એ મારું મોઢું જોવે જ છે હું શાતામાં છું. તારું મોઢું મેં જોઈ લીધું. હવે મજામાં છો ને, નથી મજામાં, પૂછવાનું શું? આ તો Formalities છે બધી.. ‘જ્ઞાની સબહિ અચંભ.’ આશ્ચર્ય સાથે કરે છે.
‘વ્યવહારે વ્યવહારશું, નિશ્ચય મેં થિર થંભ.’ વ્યવહારમાં છે તો વ્યવહારનું પાલન બરોબર કરે છે પણ એ નિશ્ચયમાં સ્થિર સ્તંભની જેમ અંદર ખોડાયેલો છે. થાંભલો હોય ને એને અંદર નાંખવો જ પડે. આ મકાન બને છે. કેટલા પાયા ઊંડા કરવા પડ્યા? બસ Pillars જે છે એ લઇ લો પછી તમે બધું પૂરી નાંખો. Pillars – ‘નિશ્ચય મેં થિર થંભ.’ આ સુત્રને આપણે યાદ રાખવાનું. ‘વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચયે થિર થંભ’ વ્યવહાર જે છે એનું પાલન કરવાનું જ છે આપણે. હું વ્યવહારનો બહુ જ પક્ષપાતી માણસ છું. પણ માત્ર વ્યવહાર હશે અને નિશ્ચય નથી તમારી પાસે તો વ્યવહાર સપ્રાણ નહિ રહે.
મને એક ઊંડા પહોંચેલા સાધકે એકવાર પૂછ્યું, કે આપણા આટલા બધા સાધકો છે, નિસ્તેજ કેમ દેખાય છે? સાધનામાર્ગમાં – ધ્યાનમાં ઊંડો ગયેલો સાધક હતો. એટલે એને આવો ખ્યાલ હતો કે ધ્યાનમાં જાઓ તમે એટલે સતત આનંદ તમારા ચહેરા ઉપર રમતો જ હોય.! તો એને આ પ્રશ્ન મને કર્યો કે કોઈના ચહેરા ઉપર એટલી તાજગી, એટલી સપ્રાણતા, એટલો આનંદ દેખાતો નથી.
આ આપણે વિચારવાની વાત છે. માત્ર વ્યવહારમાં રહ્યાં! નિશ્ચય ગયો તો વ્યવહારમાં બળ ક્યાંથી આવશે? માણસ દુકાને જાય, ઓફીસ ખોલે, ધંધો કરે. વ્યવહાર. તો Profit શું થયો એ જોવે – એ નિશ્ચય. હવે profit જોવાનો જ ન હોય. તો ૧૦૦ ના ૬૦ કરે ને, વકરો ઘણો લાગે, નફો હોય જ નહિ! ખોટ! નિશ્ચય ન હોય તો આવું થઈ જાય. તમને લાગે કે ઘણી કમાણી કરી. કમાણી કરી કે ખોટ કરી? બોલો ૧૦૦ ના ૬૦ કરીને વેચે તો શું થાય? કેટલી ઘરાકી જામે? તમારી ઘરાકી કેટલી જામી બોલો?
આપણા ભદ્રંકરસૂરી મહારાજ સાહેબ હતા ને, બહુ ચુસ્ત હતા, તમને ખબર છે. કોઈ આચાર્ય ભગવંતને લાગે કે પોતાનો શિષ્ય બરોબર નથી રહેતો તો એમની પાસે મોકલે. એવા એક સાધુને સાહેબ પાસે મોકલવામાં આવ્યો. ગુરુ મહારાજે ચિઠ્ઠી લખેલી સાહેબ ઉપર કે સાહેબજી આને આપને અનુકુળતા હોય એ પ્રમાણે ચાર મહિના, છ મહિના, બાર મહિના આપની પાસે રાખજો. એને ઘડતરની જરૂરિયાત છે. સાહેબજીએ કહ્યું સારું. વિદ્યાશાળાના હોલમાં સાહેબજી બેઠેલાં. અને સાહેબજીએ કહ્યું કે પેલી જગ્યા તારી. ત્યાં તું બેસી જા. બેસવાનું કહ્યું. પેલા મહાત્માને તો આમ બહારનો શોખ બહુ. એટલે આસન પાથર્યું કેવું? આચાર્ય ભગવંત જેવું આમ! બ્લેન્કેટની ઉપર આસન ને ઉપર આમ ઉત્તરપટ્ટો પાથર્યો ને બરોબર જમાઈ દીધું. સાહેબ બધું જોયા કરે. પછી મેજ લઇ આવ્યા ઢળતું. પાંચ-સાત-દસ ચોપડી લઇ આવ્યા. આટલો મોટો ઉપાશ્રય, પુસ્તકોનો તોટો હોય નહિ. દસ પુસ્તકો લઇ આવ્યાં. વાસક્ષેપનો વટવો રાખી દીધો પાછો. સાહેબજી જોયા કરતાં. સાંજે વંદન કરવા આવ્યા મહાત્મા. બીજું હતું નહિ કોઈ. તો સાહેબે પૂછ્યું, ભાઈ દુકાન તો બહુ મોટી જમાઈ નાંખી આજે.! દુકાન તો મોટી જમાઈ તે, કહે છે! કેટલો નફો કર્યો? સાહેબે કડક આંખ કરી, આ બ્લેન્કેટ-મ્લેન્કેટ મૂકી દે બધું. આસન ઉપર બેસવાનું, ઉત્તરપટ્ટો પણ નહિ. મેજ કેમ લાવ્યો છે? મેજ મૂકી દે. ચોપડા કેમ ભેગા કર્યા છે? તારું એક સ્વાધ્યાયનું પુસ્તક રાખવાનું. સાપડા ઉપર એને મુકવાનું. બટવો શેના માટે? તારે વળી કોને વાસક્ષેપ કરવાનો? તું કયો મોટો ગુરુ થઈ ગયો? મૂકી દે બધું ચલ.!
એટલે “વ્યવહારે વ્યવહાર શું, નિશ્ચય મેં સ્થિર થંભ” એકલો વ્યવહાર તમારી પાસે હશે. દેખાય છે આમ? સપ્રાણતા.. તાજગી… જ્યાં પણ થોડી તાજગી દેખાય ત્યાં અંદરનો આનંદ હોય છે, અને એ નિશ્ચયનો જ આનંદ હોય છે. કંઇક પ્રાપ્તિ થઈ. દરેક દીક્ષા તિથીએ એક ચિંતન કરો. What’s my achievement? એક વરસમાં મેં શું મેળવ્યું? ક્યાં ખોયા? ક્યાં પાયા? ખોયા માં ઘણું દેખાશે. પાયામાં કંઇ નહિ દેખાય!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *