औदासिन्यनिमग्न:
ઉન્મનીભાવ એટલે મનને પેલે પાર જવું; જ્યાં _તમે_ છો. વિચાર એ તમારું સ્વરૂપ નથી. શબ્દો એ તમારું સ્વરૂપ નથી. શબ્દ અને વિચાર એ જ કામના જે તમને તમારા સ્વરૂપ સુધી લઇ જાય.
औदासिन्यनिमग्न: – તમે ઉદાસીન દશામાં ડૂબેલા હોવ. ઘટના, ઘટના છે; તમે, તમે છો. ઉદાસીન… બેપરવાહ… એવી ઉદાસીનદશાનો આનંદ હોય છે. જીવન અને મરણ પ્રત્યે પણ ઉદાસીનદશા. ઘટનાઓ પ્રત્યે પણ ઉદાસીનદશા.
સામાન્ય સાધકની misunderstanding શું છે? એ એમ માને છે કે ઘટનાને કારણે હું પીડિત થયો. પણ કોઇ પણ ઘટના ક્યારેય પણ તમને પીડિત કરી શકતી જ નથી. માત્ર ઘટના અંગેના તમારા વિકલ્પો જ તમને દુઃખી કરે છે.
નવસારી તપોવન વાચના – 8 [5.4.2020]
નિર્વિકલ્પદશા એટલે ઉન્મનીભાવ; મનને પેલે પાર જવું, જ્યાં તમે છો. વિચાર એ તમારું સ્વરૂપ નથી. શબ્દો એ તમારું સ્વરૂપ નથી. શબ્દ અને વિચાર એ જ કામના જે તમને તમારા સ્વરૂપ સુધી લઇ જાય. એટલે જ આપણે ત્યાં મિથ્યાશ્રુત અને સમ્યક્શ્રુતની વ્યાખ્યા આપી.
જે શ્રુત દ્વારા તમે પ્રભુએ પ્રબોધેલાં પદાર્થોને બરાબર પામી શકો છો, એ જ સમ્યક્શ્રુત. બાકીનું મિથ્યાશ્રુત છે. તો અત્યારે આપણી પાસે જે શ્રુત છે એ શ્રુત આપણને આ પડાવથી આગળના પડાવે મોકલી શકે એમ છે? હું ઘણીવાર કહેતો હોઉં વાચનામાં. કે હું જયારે પૂછું ને ત્યારે સાવધાન થઈ જવું. હું પૂછું, બેટા! શું ભણે છે? પ્રશમરતિ. ઓહો પ્રશમરતિ! મોઢા ઉપર તો દેખાતી નથી.!
તો ઉન્મનીભાવની વ્યાખ્યા યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞશ્રીએ આપી:
औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा L
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥
પહેલી જ વાત “औदसिन्यनिमग्न:”- તમે ઉદાસીન દશામાં ડૂબેલા હોવ. ઘટના, ઘટના છે; તમે, તમે છો. હું ઘણીવાર કહું છું કે સામાન્ય સાધકની misunderstanding શું છે? એ એમ માને છે કે ઘટનાને કારણે હું પીડિત થયો. કોઇ પણ ઘટના ક્યારેય પણ તમને પીડિત કરી શકતી જ નથી. ઘટના અંગેના તમારા વિકલ્પો તમને દુઃખી કરે છે. એ જ ઘટના મહાપુરુષોમાં ઘટી ગઈ. એમણે એ ઘટનાને મજાથી જોયેલી! તો ઘટના જોડેનો સંબંધ જે છે ને, એ તૂટી જવો જોઈએ.
ભગવાનની સાધનાની વાત આવે છે ને આચારાંગજીમાં. પ્રભુ અનાર્ય દેશમાં પધાર્યા. અનાડી લોકોએ ભગવાનના પરમ પાવન શરીર ઉપર લાકડીઓનો વરસાદ વરસાવ્યો. શિકારી કુતરાઓ પાછળ છોડ્યા. પ્રભુ આગળ જાય છે જંગલમાં. ત્યાં પ્રભુને ધ્યાનમાં જોડાવવું છે. એ વખતે આચારાંગસૂત્રમાં એક પ્રશ્ન કરવામાં આવ્યો કે આટલી મોટી ઘટના ઘટી ગઈ છે. તો એનું સ્મરણ પ્રભુને હોય કે નહિ? તો કહે ના, સ્મરણ નથી હોતું. કેમ નથી હોતું? તો કહે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં ન હતા, સ્વમાં હતા. ભગવાનનો મુનિ શેમાં હોય? બોલો? સ્વમાં હોય.!
દેવચંદ્રજી મહારાજના જીવનની એક ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર એ મહાવિદેહમાં સીમંધર પ્રભુને પૂછ્યું કે ભરતક્ષેત્રમાં અત્યારે જ્ઞાની પુરુષ કોણ? પ્રભુએ દેવચંદ્રજીનું નામ આપ્યું. સૌધર્મેન્દ્ર એમના દર્શન માટે આવે છે. બ્રાહ્મણનું રૂપ ધરીને આવી ગયા છે. એ વખતે સાહેબ પ્રવચન આપી રહ્યાં હોય છે. અને ઈન્દ્ર બ્રાહ્મણના રૂપમાં પાછળ આવીને બેસી જાય છે. પોતાના વિશિષ્ટ શ્રુત દ્વારા સાહેબને ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવેલ છે. પણ જે રીતે પ્રવચન આપતા હતા એ રીતે પ્રવચન આપવાનું ચાલુ રાખ્યું. ઈન્દ્રને પ્રભાવિત કરવો આ વાત એમના મનમાં નથી. જે દધણથી બોલતા હતા, એ જ દધણથી ચાલુ રાખ્યું. આપણે ઘણીવાર એવું પણ કરીએ. અડધી વાત જતી રહી હોય. અને કોઈ મોટો માણસ આવે ને. એનું અનુસંધાન સાંધી દઈએ. એને ખ્યાલ આવી જાય કે આગળની આ વાત ચાલુ કરું છું.
ઉદાસીન… બેપરવાહ… અને એ જે ઉદાસીનદશાનો આનંદ હોય છે. જીવન અને મરણ પ્રત્યે પણ ઉદાસીનદશા.! ઘટનાઓ પ્રત્યે પણ ઉદાસીનદશા.!
અમે લોકો ત્રણેક વરસ પહેલા આબુ ગયેલા. એ વખતે અરવિંદસૂરી દાદાનું વય ૮૯. અમે લોકો દેલવાડામાં બ્લોકમાં ઉતરેલા. વાચના પણ ચાલતી હતી. એક સવારે દર્શન કરીને હું આવ્યો. સાહેબના રૂમમાં ગયો. વંદન કર્યું. સાહેબે પચ્ચક્ખાણ આપ્યું. બેઠો પાંચ મિનીટ. સાહેબ એકદમ મુડમાં હતા. હું શાતા પૂછીને ગયો. હું મારા રૂમમાં ગયો. અને મારો એક શિષ્ય આવ્યો. સાહેબજી આપ દર્શને ગયેલાં. અને સાહેબજીને કોણ જાણે પણ પગમાંથી બ્લીડિંગ ચાલુ થઈ ગયું. એકદમ કોમળ ચામડી છે. ક્યાંકથી દબાણ આવ્યું કે શું થયું અમને કંઇ ખબર ન પડી. પણ આખો એમનો ઉત્તરપટ્ટો લોહીથી રંગાઈ ગયેલો. અમે જોઇને ઝબકી ગયા. પછી કપડાં બદલાઈ નાંખ્યા. ડ્રેસિંગ કરી નાંખ્યું. હું તો ચમકી ગયો. આટલું બધું બ્લીડિંગ થઈ ગયું સાહેબને? હું દોડતો ગયો સાહેબની રૂમમાં. સાહેબ શું થયું આ? આટલું બધું બ્લીડિંગ થઈ ગયું? મને કહે હોય એ તો, શરીર છે તો ચાલ્યા કરે! આ જ શબ્દો – “હોય એ તો”, કહે છે. “શરીર છે તો ચાલ્યા જ કરે બધું આવું.” હવે એમાં મનને ક્યાં લઇ જવું?
ઘણીવાર એક સવાલ મારી વાચનામાં કરું. કે તમે જે વિકલ્પો કરો છો. એમાંથી ૯૯% નકામા કે ૧૦૦% નકામા? જાગૃત સાધકનો જવાબ એક જ હોય કે સાહેબ ૧૦૦% વિકલ્પો નકામા જ છે. ત્યારે હું એમને કહું કે ૧૦૦% નકામા એ વિકલ્પો તમારી કેટલી એનર્જી ખાઈ જાય? તમારો કેટલો સમય ખાઈ જાય?
મેં એકવાર વાચનામાં કહેલું શ્રાવકોને. તમે કોઇપણ ફેક્ટરીવાળા માણસો હોય. તો તમારી ફેક્ટરી જે છે એ માલ પ્રોડ્યુસ તો કરશે. કેટલું પ્રોડક્શન કરશો તમે? સેલ થતું હશે એ પ્રમાણે ને? સેલ થતું જ ન હોય, પ્રોડ્યુસ કરે જ જાય એવું કોઈ માણસ હોય? મને કહે; સાહેબ ન હોય. મેં કીધું તમારા વિચારોની ફેક્ટરી ૨૪ કલાક ધમધમાટ ચાલે છે. લેવાવાળું કોણ એ તો મને કહો? તો “औदसिन्यनिमग्न:”
હીરવિજયસૂરી દાદાના જીવનની ઘટના છે. આમ પ્રસિદ્ધ ઘટના છે. સાહેબ પુનામાં હતા. અને તબિયત લથડી. શિષ્યો વૈદ્યને બોલાવી લાવ્યાં. વૈદ્યે કહ્યું, આ દવા સવારે દૂધ સાથે લેવાની છે. બીજી સવારે સાહેબજીને દૂધ સાથે દવા આપવાની હતી. અને એક શિષ્ય પાત્ર પ્રતિલેખન કરી અને વહોરવા માટે નીકળવાની તૈયારી કરે છે. સાહેબ એ જોઈ ગયા. ઉંમર મોટી થયેલી છે. શરીર એકદમ નાદુરસ્ત બનેલું છે. પણ જાગૃતિ તીવ્ર છે. ઇશારાથી એ મુનિને બોલાવ્યાં. ધીરેથી કહી દીધું; “દૂધ લાવવાનું નથી. મારે દવા લેવી નથી.” એક મજાનો એંગલ એમની પાસે હતો. કે દવા શા માટે લેવાની? કે આ શરીરની નાવ છુટી રહી છે. ધીરે-ધીરે છૂટવા દો. હા, મને કોઈ પીડા થતી હોય. અસમાધિમાં હું હોઉં તો દવા લઉં. એવું તો કંઇ છે નહિ. આ શરીરની નૌકા પેલા કાંઠે જઈ રહી છે. જવા દો.
પણ શિષ્યનો એંગલ એ હતો કે સાહેબ રહેવા જોઈએ. ભલે સાહેબ માંગલિક પણ ન સંભળાવી શકે. વ્યાખ્યાનની તો વાત જ હતી નહિ. કદાચ સાહેબ હાથ ઉંચો કરીને વાસક્ષેપ પણ ન આપી શકે. કોઈ વાંધો નથી. માત્ર સાહેબનું અસ્તિત્વ જરૂરી છે. એમના એ પાવન દેહમાંથી જે ઊર્જા નીકળે છે ને, એ ઊર્જાનો સ્પર્શ અમને purify બનાવી નાંખે.
આ ઊર્જાનું શાસ્ત્ર છે ને આપણે ત્યાં બહુ જ પ્રાચીનકાલથી ચાલ્યું આવે છે. હમણાં-હમણાંના સમયમાં જ આપણે લોકો એને ભૂલી ગયા છીએ. પહેલાના ઉપાશ્રયો તમે જોયેલા હોય ને, એક જ બારણું હોય, બારીઓ હોય જ નહિ. વચ્ચે ચોગાન હોય. અને ચોગાનમાં ઉપર આકાશ હોય. એ આકાશમાંથી હવા આવે. ઉદ્દેશ એ હતો કે જે મહાપુરુષો અંદર રહેલાં હોય એમની એનર્જી ત્યાં ને ત્યાં રહે.
ભોંયરાવાળા મંદિરો શા માટે? આના માટે જ. કે પ્રભુના દેહમાંથી જે ઊર્જા ક્રિએટ થઈ રહી છે અને જે ઊર્જા નિરંતર વહી રહી છે, એ ત્યાં ને ત્યાં ઘૂમ્યા કરે. ૧૦૦ વરસ પહેલાનું એક દેરાસર તમે બતાવો, જેમાં બારીઓ હોય. બારીવાળું દેરાસર એ ૧૦૦ વરસની અંદરની નીપજ છે. કારણ? મંદિરનું તંત્ર તમારી પાસેથી ખોવાઈ ગયું.
ગર્ભગૃહ. There should be only one door. ગભારાને એક જ દરવાજો હોય. પ્રાચીન જે મંદિરો છે. કોઈ ત્રણ ગભારા અને પાંચ ગભારા ન હોય. એક જ ગભારો. પાલીતાણાનો જુઓ. શંખેશ્વરનો જુઓ. અને there should be only one door. એક જ દ્વાર હોય. તમે વેન્ટીલેશન મૂકી ન શકો અંદર. શું કારણ શું હતું? કારણ એ હતું કે ઊર્જા જે ક્રિએટ થઈને વહી રહી છે ને; તમે દર્શન કરવા માટે દ્વાર પાસે ઉભા રહો, સીધી ઊર્જા તમને મળે. એટલે એ ઊર્જા ફંટાઈ જવી ન જોઈએ.
અમદાવાદમાં હું ગયેલો. ઝવેરીવાડના એક દેરાસરમાં. વાઘણપોળના એક દેરાસરમાં હું નીચે ઉતર્યો ભોંયરામાં, મેં માર્ક કર્યું. ચાલીસ પગથિયા નીચે ઉતર્યો ત્યારે ફરસ આવી. એટલું નીચું હતું. અને પગથિયા પણ છ-છ ઇંચના નહિ. આઠ-આઠ ઇંચના. નવ-નવ ઇંચના. ફટ ઊર્જા પકડાવા માંડી. પછી મેં આખું નિરીક્ષણ કર્યું. ભીંતો બહુ જ જાડી હતી. ચાર ફૂટ- પાંચ ફૂટની. પહેલાં ગરમી કેમ નથી લાગતી? એનું કારણ આ હતું. ચૂનો હોય, પથ્થર હોય અને ભીંત હોય જાડી. એટલે બહારની ગરમી અંદર આવે જ નહિ. તો પાંચ-પાંચ ફૂટ જાડી ભીંતો. વેન્ટીલેશન હતા. પણ વેન્ટીલેશન ખુબીથી મુકાયેલાં. સીડી તરફ જે ખુલતું વેન્ટીલેશન હતું ને એ ભીંતમાં જ ખુલે. ભીંતના પડો હતા વચ્ચે-વચ્ચે. પછી એ ભીંતમાંથી જ હવા નીકળે બહાર. અને પછી દસ ફૂટ પછી બીજા વેન્ટીલેશનમાંથી નીકળે. બીજું વેન્ટીલેશન પાછુ સીધું ભોંયરામાં નહિ મળતું હોય. બીજું વેન્ટીલેશનની હવા આગળ જાય. ત્રીજા વેન્ટીલેશનમાંથી હવા અંદર આવે. એટલે આશય એ હતો કે જે ઊર્જા અંદર ક્રિએટ થઈ છે. એ ઊર્જા બહાર જાય જ નહિ. અને એ મંદિરમાં તમે જાઓ. ખાલી ન્યુટ્રલ થઈને. ખાલી થઈને. તમને ઉર્જા ભરી કાઢે.
હું એક જગ્યાએ ગામમાં ગયેલો. ભોંયરાવાળું દેરાસર. અને લગભગ ૨૦૦-300 વરસ પહેલાનું હતું. હું ગયો અંદર. તમને છે ને પ્રવેશતા જ ખ્યાલ આવી જાય. ઊર્જા સીધી જ તમને મળવા માંડે. બહુ મજાની ઊર્જા મને મળી. વિહાર કરીને ગયેલો. સવારે અડધો કલાક-કલાક બેઠો. નવકારશી કરીને ફરી પાછો ત્રણેક કલાક બેઠો.
બપોરના બે-અઢી વાગે ગામના આગેવાનો આવ્યાં. અને એમણે કહ્યું કે સાહેબ દેરાસર જુનું થઈ ગયું છે. અમારે નવું બનાવવું છે. મેં એમને કહ્યું, તમે દેરાસર નવું તો બનાવશો. પાંચ કરોડ ખર્ચી પણ નાંખશો. પૈસા ગામના લાવશો કે બહારના લાવશો. એ કંઇ બહુ મોટી વસ્તુ નથી. પણ તમે જો દેરાસર તોડી નાંખો આ. અને એ જ જગ્યાએ બનાવો. તો 300 વરસથી જામેલા જે ઊર્જાના પરમાણુઓ છે એનું શું થશે? એ ઊર્જા તમને ક્યાંથી મળશે? તમને ખ્યાલ છે મેં કીધું. તમે બીજા દેરાસરમાં જાઓ અને અહીંયાં જાવ. ભાવમાં ફરક પડે છે? તો કહે; હા, ફરક તો પડે છે. એ ભાવ ઊર્જાને કારણે આવે છે. તો ઉર્જાને તોડી નાંખો તો કેમ ચાલે? મેં કીધું. તો કહે; સાહેબ શું કરવાનું? મેં કીધું તમારી ઈચ્છા બહુ હોય. નાનું ગામ હતું. બાજુનો જમીનનો પ્લોટ ખરીદી નાંખો. બાજુમાં થોડે દુર નવું દેરાસર તમે બંધાવો. પણ આ ભોંયરું તો as it is રહેવું જોઈએ. આ પરમાણુઓને તોડવાનું પાપ તમે કોઇ પણ સંયોગોમાં કરી ન શકો.
હું તો ઘણીવાર શહેરોમાં કહું છું કે દેવદ્રવ્યના પૈસા વધ્યા એટલે નુકસાન મોટું થયું છે. બધા આરસના ધોળા-ધબ મંદિરો બનાવી નાંખ્યા. જુના મંદિરો કલાત્મક હતા. બહુ સારા હતા. જ્યાં પૈસા વધ્યાં દેવદ્રવ્યના. તોડી નાંખો બસ. અરે, મંદિર તોડશો?! ઊર્જાને તોડી નાંખો છો તમે.! ઊર્જાને ક્યાંથી લાવશો? એ ૨૦૦ વરસનું મંદિર તમે તોડી નાંખ્યું. હવે એ ઊર્જાને પાછી એકત્રિત થતા કદાચ ૨૦૦ વરસે એ એટલી ઊર્જા ભેગી નહિ થાય. કારણ કે એ લોકોની ઊર્જા – ભક્તોની પણ પવિત્ર હતી. આપણી એટલી પવિત્ર નથી.
તો ગુરુના એ શિષ્યોના મનમાં ભાવના હતી કે ગુરુદેવ રહેવા જોઈએ. જેથી દવા લે તો સારું. ગુરુનો એંગલ ફિક્સ છે. દવાની જરૂરિયાત નથી. શા માટે લઉં? અડધો કલાક પછીની ઘટના, કે ઉપાશ્રયમાં બધા સાધુઓ સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય કરતા અટકી ગયા. આ વયમાં પણ ગુરુદેવની જાગૃતિ કેવી? કેમ ભાઈ સ્વાધ્યાય કરતા બંધ થઈ ગયા આ લોકો બધા? સૂત્રપોરસી અને અર્થપોરસીનો યુગ હતો.
મેં હમણાં સુરતની વાચનામાં કહેલું કે સૂત્રપોરસી અને અર્થપોરસી ચાલતી હોય, એવા કેટલા વૃંદો મને મળે? મેં એમને કહ્યું, તમે એક કામ તો કરો. આઠનું કે દશનું વૃંદ છે. બની શકે એક મહાત્મા વયોવૃદ્ધ છે. એમને કદાચ સવારે વાપરવાનું છે. એમના માટે નવકારશીનું એક સાધુને ભળાવી દો. આઠ જણા તો સૂત્રપોરસીમાં કેમ ન લાગી શકે? તમને એ પણ ખ્યાલ છે કે સૂત્રપોરસી પહેલા અને અર્થપોરસી પછી એનું શું કારણ? સૂત્રપોરસી પહેલા, અર્થપોરસી પછી, એનું કારણ શું? આપણને સામાન્ય રીતે લાગે. એકદમ માઈન્ડ ફ્રેશ હોય ત્યારે ચિંતન કરીએ કે ધ્યાન કરીએ. સવારે ઉઠ્યા છીએ. માઈન્ડ ફ્રેશ છે. ત્યારે ગોખવાનું ત્રણ કલાક. શા માટે?
બહુ મજાની વાત છે. એ ગોખવાનું એટલા માટે કે તમારા વિકલ્પો ખરી જાય. આપણે ત્યાં ઘોષહીણં અતિચાર છે. તમે એવી રીતે સૂત્ર ગોખો કે તમારા કાન પર એ શબ્દો ન અથડાય તો તમને અતિચાર લાગે છે. કેમ અતિચાર લાગ્યો? કે એ ધ્વનિ તમારા કાન પર ન પડ્યો. તો એ ધ્વનિમાં એ તાકાત છે. કે તમારા વિચારોને તોડી નાંખે.
તો ધ્વનિ બે કામ કરે – એક વિચારોને તોડે, અને બીજું સાધનાને બેઝ આપે. પક્ખીસુત્ર છે. પહેલા આલાવમાં એ જ શબ્દગુચ્છ. બીજા આલાવમાં પણ એ જ શબ્દગુચ્છ. ત્રીજા આલાવમાં પણ એ જ શબ્દગુચ્છ રિપીટ થાય. કેમ ભાઈ? શા માટે? એ ધ્વનિ એના માટે ત્યાં મુક્યો છે કે પહેલા મહાવ્રતને ઉદ્દીપ્ત કરવા માટે મનની જે સ્થિતિ જોઈએ એ સ્થિતિ માટેનો બેઝ આ ધ્વનિ છે. તો બીજા મહાવ્રતને ઉદ્દીપ્ત કરવા માટે જે તમારી માનસિક ભૂમિકા જોઈએ એને ઉદીપ્ત કરવા માટે પણ આ જ ધ્વનિ છે. અને એટલે જ બ્રાહ્મી લિપી પ્રભુ ઋષભદેવના સમયથી હતી. અને છતાં પ્રભુ મહાવીરદેવના શાસનમાં ગ્રંથો ન લખવાનો આગ્રહ વર્ષો સુધી- સદીઓ સુધી રહ્યો. કેમ? ખ્યાલ હતો કે જ્યારે ગ્રંથો લખાશે; ધ્વની ખતમ થઈ જશે. ગુરુ તમને સૂત્ર આપે છે ત્યારે ધ્વની આપે છે. આરોહ-અવરોહ બધું આપે છે.
આપણી પાસે દેવનાગરી લિપી હતી. તો દેવનાગરી લિપી એકદમ વૈજ્ઞાનિક લિપી છે. પણ છતાં ક્યાં ગરબડ થાય, તમને સમજાવું. ઋષિ શબ્દ છે. તમે ઉચ્ચારણ શી રીતે કરો? રિશી અથવા રૂષિ. પાછો બે ય જોરદાર હોય હો! એક કહે સંસ્ક્રીત જ ઉચ્ચાર થાય. બીજો કહે ના સંસ્કૃત જ થાય. બેઉ ખોટા. ઋષિ ની જે સ્વરની ઋ છે, એનો ઉચ્ચાર રી પણ નથી, રુ પણ નથી. કેમ? તમારે જો ‘રી’ ઉચ્ચાર કરવો હતો તો ર ની બારાખડી તમારી પાસે હતી જ વ્યંજનમાં. તો સ્વરની ઋ કેમ લાવ્યા? રૂ જ બોલવું હતું તો ર ની બારાખડી હતી. ર ને હ્રસ્વ રુ. ર નો દીર્ઘ રૂ. એટલે રી અને રૂ ની વચ્ચે થોડો એનો થડકાર અલગ હોય છે. તમે સિદ્ધહેમ વ્યાકરણ ભણેલાં હોવ ને. તો ત્યાં વિલક્ષણ ઋ અને વિલક્ષણ હ્રી ની વાત આવે છે. હવે કોઇપણ પંડિત હોય એ એમ જ કહે છે કે વિલક્ષણ ઋ. હવે સાચા ઋ નો ઉચ્ચાર ખબર નથી તો આ ઋ નો ઉચ્ચાર તો ક્યાંથી ખબર હોય? પણ સિદ્ધહેમમાં તો એક જ વિલક્ષણ ઋ અને હ્રી ની વાત છે. તમે પાહીણી વાંચો તો ખબર પડે. કેટલાય હ્રી અને કેટલાય ઋ છે. કારણકે પાહીણી છે ને વેદો પછી થયું વ્યાકરણ. અને વેદોના બધા ઉચ્ચારોને સમાવી લેવાની કોશિશ કરી. તો હ્રી ના ઉચ્ચાર ૫-૧૦-૧૫ થતા હોય છે. એ પાહીણી એ નોંધ્યા છે.
હમણાં અમદાવાદની વેદ ઇન્સ્ટીટ્યુટે એક બહુ સરસ કામ કર્યું. કામ એ કર્યું કે ગુરુ પરંપરાથી જેમણે વેદ લીધા હોય. મુખપાઠ. પુસ્તકોમાંથી નહિ. એવા પંડિતોને ભેગા કર્યા. માત્ર ગુરુ પરંપરા. એના ગુરુએ પણ ગુરુ પાસેથી લીધેલા. એના ગુરુએ પણ ગુરુ પાસેથી લીધેલા. કોઈ જ પુસ્તક નહિ. મોઢે જ લીધેલા. આવા વેદપાઠીઓને ભેગા કર્યા. અને એમાંથી પણ ઉચ્ચાર જેમના બહુ સરસ હતા. એમને અલગ પાડ્યા. અને એમના ધ્વનીનું રેકોર્ડીંગ કરી નાંખ્યું. કારણ કે એમને ખ્યાલ હતો કે ધ્વનિ ખોવાઈ જવાનો છે હમણાં. પણ એ ધ્વનિ એમણે સાચવી રાખ્યો. આપણે ત્યાં તો ધ્વનિ ઉપર જ હતો મંત્ર.
મંત્રની ચાવી શું? ધ્વનિ. એટલે ધ્વનિ ખોવાઈ જાય તો મંત્ર ક્યાં છે!
કોઇપણ માણસ શાંતિ બોલતો હોય ને તો એને આપણે કહીએ, ‘ઇતિ પૂર્વસુરિદર્શિત’ બોલ તો. તો શું બોલશે? ‘ઇતિપુર્વસુરિદર્શિત’. પણ ખોટો ઉચ્ચાર થઈ ગયો ને? ‘ઈતિ પૂર્વ સુરિ દર્શિત’. ધ્વનિ ખોવાઈ ગયો.
તમને એકવાત ખ્યાલ છે? સિદ્ધસેન દીવાકરજીએ બહુ જ સારો વિચાર કરેલો. કે નમસ્કાર મહામંત્રનું જેમ ‘નમોર્હતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:’ થયેલું છે. એ રીતે બીજા સુત્રોનો અનુવાદ સંસ્કૃતમાં હું કેમ ન કરું? કેમ આજે પણ વિચાર આવ્યો તમને. કે તમે અંગ્રેજીમાં શા માટે ન લખો? અંગ્રેજીમાં કેમ ન બોલું? ભાષા જોડે કંઇ વાંધો હોતો નથી. એ વખતે પ્રાકૃતભાષા ચલણમાં હતી. તો પ્રાકૃતમાં લખાયા સુત્રો. હવે સંસ્કૃત વિદ્વાનોની ભાષા છે તો સંસ્કૃતમાં કેમ ન અનુવાદ થઈ શકે? એ અનુવાદ કર્યો. એમને પારાંચિત પ્રાયશ્ચિત આપવામાં આવ્યું. મેં પોતે વિચાર કર્યો કે આમાં કોઈ આશાતના એમણે કરી નથી. વિચાર કોઈ ખોટો નથી. મારા ભગવાનના, ગણધર ભગવાનના રચેલા સુત્રો એ વિદ્વાનો સુધી જાય. એના માટે આમાં મૂકું. એમાં હું શું ખોટુ કરું છું? હું ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાં લખું છું તો પછી મારા ભગવાનની વાતો ને આ લોકો સુધી પહોંચાડું તો ખોટું શું છે આમાં? આવું પ્રાયશ્ચિત્ત કેમ આપ્યું? ધ્વનિ તુટ્યો માટે. ‘પંચિંદિય સંવરણો’ નો એક ધ્વનિ છે પણ ‘પંચેન્દ્રિય સંવારક:’ કરો તો ધ્વનિ બદલાઈ જાય. એટલે એ ધ્વનિ જે choose કરેલો હતો એ ધ્વનિને ખોરવી નાંખવાનું કામ કર્યું માટે પ્રાયશ્ચિત આવ્યું કે હવેથી આવી ભૂલ કોઈ ન કરે. તો આખું ધ્વનિ ઉપર આપણા મંત્રોનું શાસ્ત્ર છે.
ઓશો એ એકવાર લખેલું કે વેદોના અર્થ કરનારા મુર્ખોના સરદાર છે. વેદ તો phonetism (phonetic) છે. માત્ર phonetism – ધ્વન્યાત્મકતા જ છે. એ ધ્વનિ જે છે તેને તમે ઉચ્ચારો. ઉચ્ચારો એટલે કામ થઈ જાય! તો આખું જ આપણે ત્યાં ઊર્જાશાસ્ત્ર હતું. ધ્વનિશાસ્ત્ર હતું. આ બધા જ શાસ્ત્રો હતા. તમારે બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
તો હીરસૂરીમહારાજની ઈચ્છા એ હતી. એ જીવન-મૃત્યુ પ્રત્યે ઉદાસીન હતા. મૃત્યુ આવે તો ભલે ને આવે, શું વાંધો છે. પછી જોયું એમણે, સ્વાધ્યાય નથી કરતા શિષ્યો. એક શિષ્યને બોલાવ્યો. કહે, “સ્વાધ્યાય કેમ નથી કરતા?” “સાહેબ, અસજ્ઝાય છે અત્યારે.” “અત્યારે અસજ્ઝાય શેની? આજે કયો દિવસ છે? અસજ્ઝાય શેની?” “સાહેબ આજુબાજુમાં શ્રાવકોના ઘર છે. નાના દીકરાઓ રડે છે. એ રડવાનો અવાજ અમને સંભળાય છે માટે અસજ્ઝાય.” સાહેબને તો એ ઉંમરે કાનની શક્તિ ઓછી થઈ ગયેલી એટલે ન સંભળાતું હોય. “અચ્છા, નાના બાળકો કેમ રડે છે?” કહે સાહેબ, એ શ્રાવિકા માતાઓને ખબર પડી કે આપે દૂધ લેવાની ના પાડી. દવા લેવાની ના પાડી. એટલી બધી ભક્ત શ્રાવિકાઓ છે કે એમણે પોતાના બચ્ચાઓને દૂધ આપવાનું બંધ કરી દીધું. અરેરે આવું છે! લાવો-લાવો દૂધ લઈ આવો! એટલે rigidness ત્યાં ન હોય પાછી! ગીતાર્થતા નો મતલબ જ આ હતો. દેશ-કાળ ને સાપેક્ષે જોઈ શકે બધું. આપણે તો ખરેખર કમભાગી છીએ કે ગીતાર્થોમાં એકમતતા નથી. બાકી ગીતાર્થોને બધી જ છુટ આપેલી છે.
શાસ્ત્રોમાં આમ લખ્યું છે તમે આમ કરી શકો દેશ-કાળ સાપેક્ષે. પણ બધા ગીતાર્થો ભેગા થઈને કરી શકે. મને એક સાધ્વીજીએ પૂછેલું સાહેબ, હવે આ યુગની અંદર ૪૫ આગમ અમારાથી કંઠસ્થ કેમ ન થાય? એટલી બધી સાધ્વીજીઓ પાવરફુલ છે અમારી. ૪૫ આગમોને કંઠસ્થ કરાવીએ. ક્યારેક સભામાં બોલાવીએ. લોકોને એટલો બધો અહોભાવ થાય કે આગમગ્રંથોનું શ્રવણ એમને મળ્યું. સાહેબ આવું કેમ ન થાય? મેં કીધું ભાઈ જુઓ સૈધાંતિક ઘટના આ નથી કે સાધ્વીજીને ન ભણાય. સાધ્વીજીઓ ભણતી જ હતી. અને તો જ વજ્રસ્વામી એ ઘોડીયાની અંદર પણ અંગગ્રંથોનો અભ્યાસ કરી ચુક્યા હતા. આર્યરક્ષિતસુરિએ કોઇ પણ કારણસર ના પાડી. પણ અત્યારે હું તમને એકલો હા ન પાડી શકું. અત્યારે ગીતાર્થોની પેનલ ભેગી થઈને હા પાડે તો અત્યારે થઈ શકે. આરામથી સાધ્વીજીઓ ભણે, મેં કીધું. પણ એક ગીતાર્થ કોઈ ન કરી શકે. ગીતાર્થોની પેનલ ભેગી થઈને કરી શકે. પણ હવે કોઈનો દોષ જોવાનો નથી આપણે. કાળનો જ દોષ જોવાનો છે. ગીતાર્થ ભગવંતો ઘણાંય છે. એકમતતા આવતી નથી.
નહિતર હું ઘણીવાર કહું છુ, દસ હજાર સાધુ અને સાધ્વી શું કરે એમ નહિ? શું ન કરે? એમ. શું ન કરી શકે? એ તો મને કહો! સુક્ષ્મની જો તાકાત તમારી પાસે હોય. ખૂણામાં બેઠેલો એક યોગી જો હજારો સાધકોને પાવર આપી શકતો હોય. દસ હજાર સાધુ અને સાધ્વીજીઓ શું ન કરી શકે? પૂરી સમાજની કાયાપલટ કરી શકે! છતાં નિરાશ નથી થવું. વ્યક્તિગત પ્રયત્ન આપણે કરવા જ છે. અને વ્યક્તિગત પ્રયત્ન માત્ર ભીતર જવાનો જ કરવાનો છે. તમારા ગુરુદેવે પણ છેલ્લે આ જ વાત કરી છે. સૂક્ષ્મની શક્તિ જે છે એનું જ ઉત્થાન કરવું છે. શબ્દોની શક્તિ, વિચારની શક્તિ બધી સ્થૂળ શક્તિ છે એનાથી કાંઈ થવાનું નથી. મૌનમાં ઉતરો. ધ્યાનમાં ઉતરો. અને સૂક્ષ્મની શક્તિને બહાર લાવો. એમાં આ જગ્યા બહુ સરસ લાગી મને. એકદમ એકાંત… કોઈ આવે નહિ કે જાય નહિ.
આપણી પાસે કેટલા તીર્થો છે આવા! હું એકવાર મેત્રાણા ગયેલો. વર્ષીતપનું પારણું હતું. પારણા તો બે-ચાર હતા. ટ્રસ્ટીઓ આવેલાં. વાતચીત નીકળી. ટ્રસ્ટીઓ કહે; સાહેબ! રોડથી બહુ અંદર છે. લોકો કોઈ આવતા નથી.. આમ છે… મેં કીધું લોકો નથી આવતા ને મારા માટે બહુ સારું છે, મેં કીધું! ગાડીઓનો કાફલો હોય સાથે અને લોકો ઘણા આવતા હોય તો વાતાવરણ બગાડી નાંખે. તો અહીનું વાતાવરણ સચવાયું છે એનું કારણ એ છે કે રોડથી દુર છે. ઠીક છે લોકો નથી આવતા. તમારે સાધારણમાં તોટો હોય એના માટે તમે ફંડિંગ કરી શકો મેં કીધું. એ એક અલગ વસ્તુ છે. પણ રોડ ઉપર નથી એનો વસવસો નહિ કરતા. એ સારું જ છે મેં કીધું. આપણું મુછાળા મહાવીર, રાણકપુર બધા શહેરોથી દુર-દુર. ગામડાઓથી દુર. એમાં મુછાળા મહાવીર તો પ્યોર જંગલમાં જ છે. બિલકુલ જંગલમાં. રાણકપુરમાં તો હોટલ્સ ને એ પણ થયું છે આજુબાજુમાં. પણ અહિયાં તો પ્યોર જંગલ છે. સાધના કરવાની કેવી મજા આવે!
