વીર પ્રભુનું અવતરણ
સાધકની ચેતનામાં પરમચેતનાનું અવતરણ થઈ શકે એ માટેની સાધના ત્રિપદી : સ્થળ, સમય અને સાધકની સજ્જતા. વીર પ્રભુના કલ્યાણકનો સમય હોય, ઊર્જાવાન સ્થળ હોય અને સાધક જો સિદ્ધાર્થ-ત્રિશલ્યાતીત બનેલો હોય, તો એની ચેતનામાં વીર પ્રભુનું અવતરણ થઈ શકે.
સિદ્ધાર્થ એટલે જેના બધા જ કાર્યો પરિપૂર્ણ થઇ ગયા છે, જેને કંઈ કરવાનું નથી, એવું વ્યક્તિત્વ. સાક્ષીભાવની ટોચ ઉપર બેઠેલો સાધક, જે કહે છે કે મારે કંઈ કરવાનું નથી! Doing ગયું, ત્યાં માત્ર being છે; એ સિદ્ધાર્થ.
ત્રિશલ્યાતીતા એટલે ત્રણેય શલ્યથી દૂર ગયેલો. મનનું કોઈ શલ્ય નથી; એટલે કોઈ દુર્વિચાર, હિંસાનો ભાવ, તિરસ્કારનો ભાવ એના મનમાં નથી. વચનથી બીજાને પીડવાનો કોઈ ભાવ નથી. અને કાયાના શલ્યથી પણ એ અતીત છે; પોતાની કાયા દ્વારા વધુ પડતી વિરાધના ન થાય એ જોનારો છે.
નવસારી તપોવન વાચના – 9 [6.4.2020]
આજે પરમતારક પ્રભુ મહાવીરદેવનું જન્મ કલ્યાણક.
આપણી ચેતનામાં પરમચેતનાનું અવતરણ કઈ રીતે થાય એના માટે એક સાધના ત્રિપદી બતાવવામાં આવી છે – સ્થળ, સમય અને સાધકની સજ્જતા.
સ્થળ બહુ જ મહત્વની ઘટના છે. તમે ક્ષત્રિયકુંડમાં આ દિવસે હોવ કે દિયાણાજીમાં આ દિવસે હોવ, તો તમને એક powerful spot મળી ગયેલો કહેવાય.
એક ભાઈ સમેતશિખરજીની યાત્રાએ જતાં હતાં. મારી પાસે હિતશિક્ષા લેવા આવ્યા. તો મેં એમને કહ્યું કે જો તમને સમય મળે ને, તો ઋજુવાલિકાના કાંઠે અડધો કલાક – કલાક ધ્યાન કરજો.
તમને ખ્યાલ છે? પ્રભુની દીક્ષા વૃક્ષની નીચે. પ્રભુનું કૈવલ્ય વૃક્ષની નીચે. કારણ શું? ધરતીમાં પણ receptivity હોય છે, આંદોલનોને પકડવાની. પણ વૃક્ષમાં એ receptivity વધુ હોય છે. તો હવે એ વૃક્ષ કદાચ અત્યારે નથી આપણી પાસે, એ જગ્યા તો છે. અને ૨૫૦૦ વર્ષનો ગાળો એ કાળના મહાસાગરમાં tiniest portion છે – નાનકડી ચમચી! એટલે સાડા પચ્ચીસો કે પોણા છવ્વીસો વર્ષ પહેલાં જે ઘટના છે. એ ઘટનાની અંદર આપણે પ્રવાહિત થઇ શકીએ.
શત્રુંજય મહાતીર્થમાં ઉપર સૌથી મહત્વની ઘટના રાયણવૃક્ષ. મંદિરો તો પાછળથી ભરત ચક્રવર્તીએ બનાવ્યા. અને પછી ઉદ્ધારો થયા કર્યા કે ભાઈ મંદિરો હશે તો લોકો પૂજા કરવા આવશે. પણ મૂળ મહત્વની ઘટના રાયણ વૃક્ષની છે. કૈવલ્યપ્રાપ્તિ પહેલાં પ્રભુએ જે ધ્યાન કર્યું. એ રાયણ વૃક્ષની નીચે કર્યું. કૈવલ્ય અવસ્થામાં પછી ધ્યાન ન હોય. પણ કૈવલ્યની પૂર્વાવસ્થામાં ધ્યાન કર્યું. પછી છેલ્લે શુક્લ ધ્યાનના બીજા બે પાયા આવે પણ છેલ્લે અયોગી બનતી વખતે.
તો પ્રભુએ જે ધ્યાન કર્યું. એ ધ્યાનની ઉર્જા રાયણ વૃક્ષે પીધેલી છે. આપણે ત્યાં કોણ જાણે આ વાતની નોંધ ગંભીરતાથી લેવાઈ નથી. બૌદ્ધોએ આ વાતને બહુ જ ગંભીરતાથી લીધી છે. બૌદ્ધ ગયામાં જે બોધિ વૃક્ષની નીચે બુદ્ધને ધ્યાન થયું, એ વૃક્ષનો મહિમા એટલો બધો છે, પણ એક ગુરુ દર્શિતા હતી, કે આ વૃક્ષ કેટલો સમય ટકશે? કદાચ ક્યારેક એને નુકશાન તો નહિ પહોંચે. તો શું કરવું જોઈએ…? એ જ વૃક્ષની ડાળી એમણે જાપાનમાં મોકલી. અને મજાની વાત તો એ હતી, કે એક પ્રખર ભિક્ષુ મહેન્દ્ર એ એને લઈને જાય છે. જેવા તેવાના હાથમાં તો અપાય પણ નહિ. એ અહીંથી જાય. વાજતે-ગાજતે દરેક ગામમાં સામૈયું થાય. બોધિવૃક્ષ જઈ રહ્યું છે. એ ત્યાં રોપાય. અને એ વૃક્ષમાં પણ એ જ પરમાણુઓ હોય. એની નીચે તમે બેસો તો ધ્યાન થઇ શકે. રાયણવૃક્ષમાં આપણને તકલીફ શું છે, કે શિયાળામાં જઈએ ત્યારે નવ્વાણુંવાળાનો પ્રવાહ ઘણો હોય. આમ પણ યાત્રિકો ઘણા હોય. અને ઉપર આપણે વધુ સમય રહી શકતા નથી. આપણું શરીર એવું છે કે વધુ સમય આપણે રહી શકતા નથી.
એટલે એકવાર મેં વિચાર કરેલો. અને અમદાવાદની એક બહુ મોટી સભામાં મેં વિચાર મુકેલો. કે રાયણ વૃક્ષની જે ડાળ નાનકડી આમ પણ વાવાઝોડાને કારણે પડું પડું થવાની જ છે. આપણે એનું એક પાંદડું તોડી શકતા નથી. પણ લાગે છે કે ઉપર હવા તો ખુબ જ છે. અને કોઈ પાતળી ડાળ છે તો તૂટી જ પડવાની છે. તો તૂટી પડવાની અણી પર જે ડાળ હોય એ આપણને લાગે છે, એ સજીવંત હોય ત્યાં સુધી એને લઇ લઈએ અને નીચે એને ક્યાંક સરસ જગ્યાએ વાવી દઈએ. તો મેં કહ્યું; કે અમારા જેવા સાધકો રાતોની રાતો અમે ધ્યાન કરી શકીએ. તો સ્થળની બહુ જ મહત્તા છે.
બીજી એક વાત તમને કહું; કે આપણા પૂર્વજોની દ્રષ્ટિ કેટલી ઊંડી હતી! જ્યાં આગળ કૈવલ્ય થયું છે ને એ બરોબર spot ઉપર એ લોકો મંદિર નથી બંધાવતા. કારણ – એ spot જે છે, એમાંથી vibrations નીકળી રહ્યા છે એટલે એ જગ્યાને દબાવી શકાય નહિ. થોડી દૂર મંદિર બનાવે છે. એ થોડે દૂર મંદિર શા માટે બનાવે છે? એટલા માટે કે મંદિરને કારણે જાગૃત સાધકને ખ્યાલ આવે, કે હા, આજુબાજુ કોઈ ઘટના ઘટી રહી છે. એ ભાઈ આજુબાજુમાં ફરે અને જ્યાં vibrations મળે ત્યાં બેસી જાય.
તો આપણા આખા જ તીર્થોની વાત જે છે, એ vibrations ઉપર જ રચાયેલી છે. એક મહાન આચાર્ય પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરે. અને એના કારણે જેથી vibrations ફેલાવા લાગે. પછી હજારો ભક્તો આવે. એ હજારો ભક્તોની ભક્તિના આંદોલનો જે છે, એ પણ ભેગા હોય.
એકવાર રાજસ્થાન પાડીવમાં ચોમાસું હતું. તો ત્યાં સંવત્સરીના દિવસે એક ચડાવો બોલાયો. કે કાલે પારણા પાંચમ. કાલે દ્વાર ઉદ્ઘાટનનો ચડાવો બોલવાનો. હું પહેલાં માત્ર rationalist હતો. ૩૦ વર્ષ સુધી પ્રખર બુદ્ધિવાન. પણ અત્યારે હું ચુસ્ત traditionalist છું. પરંપરાવાદી. Emotionalist, traditionalist. તો પરંપરા હતી એ ચડાવો બોલાયો. બપોરે મેં ભાઈને પૂછ્યું; બહુ જુના હતાં. મેં કહ્યું; આ ચડાવો તમે બોલો છો. એની પાછળનું કારણ કોઈ ખરું? સામાન્ય રીતે પ્રતિષ્ઠા પછીના દિવસે આપણે બોલતાં હોઈએ છે. પણ ગુજરાતમાં આવો કોઈ રીવાજ નથી, મેં કીધું. “કે સાહેબ અમને ખ્યાલ નથી. પણ જુના ચોપડા ખોલ્યાં ને, તો ૫૦-૬૦ વર્ષથી આ ચડાવો ચાલતો આવે છે એટલે અમે બોલીએ છીએ.”
પણ હું પરંપરાવાદી. મેં કહ્યું; પરંપરા છે તો રહસ્ય હોવું જ જોઈએ. પછી રહસ્ય શોધી કાઢ્યું કે પ્રતિષ્ઠા પછીના દિવસે દ્વાર-ઉદ્ઘાટનનો મહિમા કેમ હોય? કે પ્રતિષ્ઠાના દિવસે પ્રભુની ઉર્જા તો નીકળતી જ હોય. પણ હજારો ભક્તો એ દિવસે આવેલા. ભગવાનની પ્રતિષ્ઠા છે. સામાન્યમાં સામાન્ય માણસ, થોડોક નાસ્તિક કહેવાતો માણસ પણ ઝુકી આવેલો હોય. તો એ બધા ભક્તોની જે ભકિત જે છે ને એના પણ પરમાણુઓ જે છે એ મંદિરમાં ભેગા થયેલા હોય. રાત્રે ૯-૯.૩૦-૧૦ સુધી ભક્તો આવ્યા જ કરતાં હોય. અને પ્રભુની ઉર્જા અને ભક્તોની ભક્તિના સ્પંદનો આ બંનેનું મિલન થાય. હવે વિધિ કેવી રાખીએ આપણે? કે ભાઈ દ્વાર-ઉદ્ઘાટનનો ચડાવો બોલે ને, એને જ પહેલા અંદર જવાનું. મ.સા. પણ અંદર નહિ જાય. એ માણસ કાજો કાઢશે. એ બધું કરશે પછી બધા અંદર જશે. એનું કારણ સમજ્યા તમે? એ ચડાવો બોલ્યો એને લાભ શું? કે પહેલા જ જશે અને આખી રાત ઘુમરાઈ-ઘુમરાઈને જે આખા પરમાણુઓ charge થયેલા હશે એ પરમાણુઓનો સ્પર્શ એને સીધો મળશે. એટલે સ્થળનું મહત્વ છે.
બીજી વાત – સમયનું પણ મહત્વ છે. કલ્પસૂત્રમાં તમને ખ્યાલ છે; સમયની વાત બે રીતે કરી; “तेणं कालेणं तेणं समएणं”. ‘કાળ’ શબ્દ દ્વારા સમયનો બહુ મોટો ખંડ પકડાય છે – અવસર્પિણી, ઉત્સર્પિણી. અને ‘સમય’ શબ્દ દ્વારા એ જે ઘટના હતી, ચ્યવનની કે જન્મની કે દીક્ષાની એ proper કયા ટાઈમે ઘટી એનું વર્ણન આવે છે. વિક્રમ સંવત ફલાણી કે વીર સંવત ફલાણી એ તો આપણે પાછળથી કરી. પણ પહેલા કોઈ સંવત ચાલી નથી. કલ્પસૂત્રમાં એવું આવે કે ઋષભદેવ ભગવાનથી આટલા વર્ષે અજીતનાથ. પછી આટલા વર્ષે…! પણ કોઈ સિલસિલો સંવતનો નથી. એટલે બહુ મજાની વાત છે કે એ વર્ષની કોઈ જરૂરિયાત છે જ નહિ. વર્ષ- આ વર્ષમાં આ ઘટના ઘટી, એની જોડે કોઈ સંબંધ નથી. એ ઘટના કયા સમયમાં ઘટેલી? એ proper સમય કયો હતો? અને એ proper સમય જે છે એ proper સમયે એ જે ઘટના ઘટેલી, એના આંદોલનો તમને મળી શકે. જેમ proper સ્થળમાં આંદોલનો મળે, એમ proper સમયમાં પણ આંદોલનો મળે.
હું ઘણીવાર આ સમજાવું છું કે રૂમમાં એક કબાટ હોય, અને કબાટમાં perfumesની શીશીઓ છે બધી. પણ કબાટ બંધ છે તો રૂમમાં કોઈ માણસ છે, પણ એને કંઈ સુગંધની અસર થતી નથી. કબાટ ખુલે તો? કબાટ ખુલીને એકવાર બંધ પણ થઇ ગયું. પણ, ૫-૧૦-૧૫ મિનિટ સુધી કોઈ આવશે તો એને સુગંધ વર્તાશે. એમ એ proper ટાઈમ જ્યારે આવે છે, એ proper ટાઈમે એ જે ઘટના ઘટેલી એના અમુક સંકેતો આપણને મળે છે, અમુક આંદોલનો આપણને મળે છે. અને એટલે જ સમયનું મહત્વ છે. ચંદ્રમાં આ નક્ષત્રમાં હતો. મધ્યરાત્રિનો સમય હતો. આમ હતું. તેમ હતું. ત્યારે પ્રભુનો જન્મ થયો.
એટલે હવે આપણા લોકો ચુકે છે ક્યાં? સ્થળ તો પકડી લે બરોબર. પોષ દસમી હોય તો શંખેશ્વરમાં જાય. તો વારાણસીમાં જાવ કે શંખેશ્વરમાં જાવ. શંખેશ્વર પણ સરસ ક્ષેત્ર છે. પ્રભુ પાર્શ્વનાથની ઉર્જા મૂર્તિ ચૈતન્યના તજગુરુના હિસાબે બહુ જ જોરદાર છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ગિરના પોતાના vibrations છે. જ્યારે શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ અને ગિરનારમાં નેમિનાથની મૂર્તિ, આ બંને મૂર્તિ ચૈતન્યના તજગુરુ માટે બહુ જ મહત્વની છે. કોઈ એવા સમયે અને એવા આચાર્યના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે કે બસ એ ઉર્જા નિરંતર વહ્યા જ કરે છે.. વહ્યા જ કરે છે.. તમે વારાણસીમાં હોવ કે શંખેશ્વર માં ફરક પડતો નથી.
પણ થાય શું… પોષ દશમીની આરાધના કરે આખો દિવસની જે માળા જપે, મધ્યરાત્રિએ સુઈ જાય. અરે પણ આ મધ્યરાત્રિએ શા માટે લખ્યું છે? સંકેત છે. પ્રભુનો જન્મ થયો એમ નહિ. પ્રભુનો જન્મ કરવાનો છે હવે! આપણી ચેતનામાં પ્રભુ ચેતનાનું અવતરણ કરવાનું છે. તો એના માટે proper સમય પકડાવવો જોઈએ. તો સ્થળ proper હોય, સમય proper હોય. પણ એ બે proper હોય પણ એને પકડવાની receptivity તમારી પાસે ન હોય તો નકામું છે.
તો સાધકની સજ્જતા શું જોઈએ ? ભગવાન મહાવીર. માતા ત્રિશલાદેવી. પિતા સિદ્ધાર્થ. તો સાધકની સજ્જતા આ છે કે સ્થળ અને સમયની ઉર્જાને એ પકડી શકે એવો હોવો જોઈએ. એ ઉપરાંત એની ચેતના અમુક હદે ઊચકાયેલી હોવી જોઈએ. એટલે એનું ચૈતન્ય સિદ્ધાર્થ બનેલું હોવું જોઈએ. સિદ્ધાર્થ નો મતલબ શું થયો? જ્યાં બધા જ કાર્યો પરિપૂર્ણ થઇ ગયા છે, જેને કંઈ કરવાનું નથી, એ સિદ્ધાર્થ. એટલે કે સાક્ષીભાવની ટોચ ઉપર બેઠેલો સાધક, એ કહે છે મારે કંઈ કરવાનું નથી! Doing ગયું being છે મારી પાસે. તો તમે સિદ્ધાર્થ બનો. તમારી ચેતનામાં સાક્ષીભાવની આ એક લહેર જે છે એ ઉઠે. તો તમારી સજ્જતા આવે. પણ તમે સિદ્ધાર્થ બની શકશો ક્યારે?
માતા ત્રિશલા એટલે ત્રિશલ્યાતીતા. ત્રિશલાનું મૂળ શું છે? ત્રિશલ્યા નહિ. ત્રિશલ્યાતીતા. ત્રણે શલ્યથી દૂર ગયેલો. મનનું કોઈ શલ્ય નથી. એટલે કોઈ દુર્વિચાર એના મનમાં નથી. કોઈ હિંસાનો ભાવ. કોઈ તિરસ્કારનો ભાવ નથી. વચનમાંથી બીજાને પીડવાનો કોઈ ભાવ નથી. કદાચ એણે સારું માનીને કહ્યું હોય. સામાન્ય મશ્કરી રૂપે લાગ્યું હોય. એને પીડા થઇ હોય. પાછળથી ખબર પડે તો એ સાધક આંખમાં આંસુ સાથે ત્યાં જાય. માફી માંગે. મારી ભૂલ થઇ ગઈ. અને કાયાના શલ્યથી પણ અતિત હોય. એક ઈર્યાસમિતિ આદિનું પાલન કરનારો હોય. અને પોતાની કાયા દ્વારા વધુ પડતી વિરાધના ન થાય એને જોનારો હોય. તો તમારી ચેતના ત્રિશલ્યાતીતા બની. તમારી ચેતના સિદ્ધાર્થ બની.
તો સાધક તરીકેની સજ્જતા તમારી પાસે આવી. તો સ્થળ, સમય અને સાધકની સજ્જતા – આ ત્રણે ભેગા થાય તો ઘટનાનું રિપીટેશન થાય.
આપણું જે આ ભારતીય વર્ષ છે ને, બહુ જ અદ્ભુત ઘટના છે. આપણું ભારતીય પંચાંગ સૂર્ય અને ચંદ્ર બંનેને સાથે રાખીને ફરે છે. અંગ્રેજોનો વર્ષ છે – જાન્યુઆરીથી ડીસેમ્બર. માત્ર સૌરવર્ષ છે – માત્ર સૂર્ય જોડેનો સંબંધ છે. એટલે ૧૫મી તારીખે કંઈ ચંદ્ર ઉગવાનો નથી. આપણું ચાંદ્ર સૌર કેલેન્ડર કહેવાય. એટલે પૂનમ હોય ત્યારે ચંદ્રમાં પૂરો ઉગેલો જ હોય. અમાવસ્યાએ એ ડૂબેલો જ હોય. અને એમાં પણ છે ને રાજસ્થાનની પદ્ધતિ અત્યારની સાવ સાચી છે અને એ જ શાસ્ત્રીય છે. પૂર્ણિમાસી એટલે માસ પૂર્ણ થયો. અમાવસ્યા એટલે અડધો માસ થયો. અને શાસ્ત્રમાં એ જ આવે છે; આપણે પોષ વદ દશમ કહીએ પણ માગશર વદ દશમ, એટલે વદમાં રાજસ્થાન જુદું હોય, સુદમાં પાછા ભેગા થઇ જાય. સુદ એક જ છે. તો આ રીતે તમે ઊંડાણમાં જાવ.
તો હવે આ ચાંદ્ર અને સૌર વર્ષ કેમ કીધો? મુસ્લિમોનું માત્ર ચાંદ્ર વર્ષ છે. એટલે એમનું વર્ષ આગળ ખસકતું જ જાય. ૨૭ દિવસે જે ચંદ્રમાં છે એ આટો મારી લે. એટલે ચંદ્રમાંને સંબંધ આપણી જોડે પણ છે. દરિયાને અને ચંદ્રને સંબંધ છે એ તમને ખબર છે. પૂનમે દરિયો છલકાય છે. અહીંયા પણ પાણી જ છે અંદર . ૬૦-૬૫ ટકા પાણી છે અંદર. એ પાણીને પણ ચંદ્ર જોડે સંબંધ છે. એટલે આપણી સાધનાને બરોબર કેન્દ્રમાં રાખીને આ ચાંદ્ર સૌર વર્ષની ગણતરી કરી. હવે માત્ર ચાંદ્ર વર્ષ હોત તો શું થાત? કે રિપીટેશન ન થાત. સૌર વર્ષ છે ને તો આપણે કેટલું એકદમ બેઝીકલી જોઈએ છીએ, વચ્ચે થોડો એક મહિનો વધારી દો. વચ્ચે તિથી ઘટાડી દો. વચ્ચે મહિનો ઘટાડી દો. પણ માપ એ રીતે રહે કે એ નક્ષત્રો અને એ ચંદ્રમાંનું મિલન થવું જ જોઈએ જેથી કરીને ઘટના રૂપાંતરિત થઇ શકે. ઘટના ફરીથી અવતરિત થાય. એટલે આ માટે આ આપણું ચાંદ્ર અને સૌર કેલેન્ડર છે.
હવે પાર્શ્વનાથ ભગવાનનું આપણી ચેતનામાં અવતરણ કરવું છે. તો અશ્વસેન-વામા. આપણે ઇન્દ્રિયોને તેજીતોખાર કહીએ છીએ. અશ્વ એટલે ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયોની સેના જેના વશમાં છે એ અશ્વસેન. વામા એટલે પ્રતિકૂલન. તો મનની ઇચ્છાઓ હોય, એને અનુકુલન નહિ સાધતા પ્રતિકુલનમાં જવું એ વામા. એટલે ઇન્દ્રિયોનો વિજેતા અને મનનો જે વિજેતા હોય એ સાધક સજ્જ થયો, તો પોતાની ચેતનામાં પાર્શ્વનાથ પ્રભુનું અવતરણ કરી શકે.
એ જ રીતે નેમનાથ ભગવાન, પિતા સમુદ્રવિજય, માતા શિવા. સમુદ્રવિજય. આપણી અંદર છે ને વૃત્તિઓનો સમુદ્ર ખળભળી રહ્યો છે. વિચારોનો સમુદ્ર. તો સાધકે શું કરવું પડે? નિર્વિકલ્પ બનવું જ પડે. વિકલ્પો ઉપર વિજય પ્રાપ્ત કરવો જ જોઈએ. તો વૃત્તિઓના સમુદ્ર ઉપર, વિકલ્પોના સમુદ્ર ઉપર જેને વિજય મેળવ્યો એવો સાધક એ સમુદ્રવિજય. અને આવો સાધક હોય તો એની ચેતના કેવી હોય? શિવા.. મંગલમય..
ઋષભદેવ પરમાત્મામાં નાભિરાજા-મરૂદેવા માતા. ત્યાં આપણે આખું વિભાવના એ કરી શકીએ કે જેણે કુંડલીનીને ઊંચકી છે અને જે સહસ્રાર સુધી લઇ ગયો છે, પોતાની કુંડલીની શક્તિને; એ સાધક પોતાની ચેતનામાં પરમચેતનાનું અવતરણ કરાવી શકે. એટલે મૂલાધારથી કુંડલીની શરૂ થાય. મૂલાધારમાં કુંડલીની સુષુપ્તપણે રહેલી છે. અને એ પછી જાગે ત્યારે સળવળ કરતી ઉપર ચડે. એટલે નાભિ એટલે સંકેત આપ્યો મૂલાધારનો – કે જ્યાં આગળ કુંડલીની સુષુપ્ત છે.
મરૂદેવા- સહસ્રાર છે ને હજાર પાંખડીઓવાળું ફૂલ છે. તો હવે એક ઉપમા આપી છે આમાં. મરૂદેવા- મરૂભૂમિના રણમાં દેવ તરીકે કોણ ગણાય? ફૂલો, વનસ્પતિઓ. ત્યાં રણનું રણ છે ત્યાં ફૂલ એ તો ઓચ્છવ કહેવાય. એટલે મરૂદેવા. રણને વિશે દેવ સમાન જે પુષ્પ. એટલે નાભિથી સહસ્રાર સુધીની યાત્રા કુંડલીની જેને કરેલી હોય એ સાધક પોતાની ચેતનામાં પરમચેતનાનું અવતરણ કરાવી શકે. આમ છે ને આજ્ઞાચક્રની નીચે સંસાર કહ્યો છે. અને આજ્ઞાચક્ર ઉપર મોક્ષ છે.
આપણે ત્યાં ગુરુઓની બે પરંપરા થઇ. એક ગુરુઓએ પરંપરાએ આજ્ઞાચક્રને ઉત્તેજિત કર્યું પછી સહસ્રારમાં ગયા. બીજી એક પરંપરા એવી હતી કે જેમને આજ્ઞાચક્રને બહુ ઉત્તેજિત ન કર્યું, સીધા સહસ્રારમાં ગયા. તો હવે જે ગુરુઓને શિષ્યો પાસેથી કામ લેવું છે. સારણા, વારણા, ચોયણા, પડીચોયણા કરાવવાની છે, એક ફરજના ભાગ રૂપે, તો ત્યાં સુધી એ સદ્ગુરુ આજ્ઞાચક્રને ઉત્તેજિત કરી પણ શકે છે. અને આજ્ઞાચક્ર ઉત્તેજિત એટલા માટે કામનું છે, કે એ બોલે એટલે એમનું વચન જે આદેય જ હોય. કોઈ પણ શિષ્ય એમાં ના પાડી શકે નહિ. પણ જે આચાર્ય ભગવંતો અંદર જ ઉતરી ગયા છે. પોતાના અનુયાયીને ગચ્છ આખો ભળાવી દીધો. ગચ્છાધિપતિ પદથી પોતે નિવૃત્ત થઇ ગયા છે. એ આચાર્ય ભગવંત પોતે છે ને એ સીધા સહસ્રારમાં જશે.
શાસ્ત્રમાં એક સરસ વાત છે, કે ગચ્છાધિપતિ પોતાના અનુગામીને ગચ્છ સોંપી દે. બરોબર? શા માટે સોંપે? કેટલી ઊંડી વાત છે તમે જોજો. એ ગચ્છાધિપતિ હતા ને ત્યારે પણ એટલા બધા જાગૃત હતાં, “સારણાદિક ગચ્છમાંહિ કરતાં, પણ રમતાં નિજ ઘર હો” સારણા, વારણા, ચોયણા બધું થતું હતું પણ પોતાના ઘરમાં રમવાનું બરોબર ચાલુ હતું. તો હવે ગચ્છાધિપતિ પદ છોડવાની જરૂર શું? આટલી ભૂમિકા છે તો…? એટલી ઊંડી વાત છે કે ભલે એમણે બધું છોડી જ દીધેલું છે. પણ હજુ મારું ગચ્છ એ વ્યવહારથી પણ એક વસ્તુ એમની પાસે છે. અને એથી એમના ગચ્છનો કોઈ સાધુ કે સાધ્વી એવું નિંદિત કાર્ય કરે કે જે પુરા જૈન સમાજને વગોવેલું હોય, તો એ વખતે એ ગચ્છાધિપતિને થોડીક વાર માટે અસમાધિ થશે. કે આવું કેમ થયું? આટલી પણ અસમાધિ એ ન થાય માટે પોતાનો અનુયાયી તૈયાર થયો. એને ગચ્છ આપી દીધો. પોતે ગચ્છાધિપતિ પદથી નિવૃત્ત થઇ ગયા.
પછી એ ગચ્છાધિપતિ પદથી નિવૃત્ત થયેલા આચાર્ય ભગવંત હોય ને વિહાર નવા ગચ્છાધિપતિ જોડે કરે. જે ગામમાં જવાનું હોય, ત્યાં લોકોને પણ ખ્યાલ હોય, લોકો વંદન કરી લે. બહુ બહુ તો માંગલિક સંભળાવી દે. દર્શન કરી લીધું. એમના માટે નિયત ખંડ હોય ત્યાં સાહેબ જતા રહે. નવા ગચ્છાધિપતિ વ્યાખ્યાન આપશે. આ ગચ્છાધિપતિજી સીધા રૂમમાં જતા રહેશે. એ રૂમમાં બેસીને માત્ર ધ્યાનના ઊંડાણમાં જશે. એક સાધુ એમના રૂમની બહાર બેસશે, રૂમની અંદર નહિ. અને સાહેબને જ્યારે જરૂર હોય, ખબર પડે ગોચરી વપરાવવાની છે, પડીલેહણ કરવાનું છે, પાણી આપવાનું છે, એ વખતે રૂમમાં જાય, બાકી બહર બેઠેલો હોય, બહાર સ્વાધ્યાય કરે. આટલી આપણી સૂક્ષ્મની સાધના હતી! ફરજ ખરી પણ ફરજ ક્યાં સુધી? મારો અનુગામી તૈયાર ન થાય ત્યાં સુધી. અનુગામી તૈયાર થઇ ગયો. ફરજ એને સોંપી દીધી. નિવૃત્ત. મારે માત્ર મારી ભીતર જ જવું છે.
અરવિંદસૂરિ દાદા હતા. કોઈ પણ કંઈ પણ પૂછે ને, યશોવિજયને પુછજો. એ કહે મને કોઈ વાત પૂછવાની જ નહિ. મારે તો મારી અંદર જ રહેવાનું છે બસ. બહારની કોઈ વાત મને પૂછવાની જ નહિ. તો સ્થળ, સમય, અને સાધકની આ સજ્જતા. આ ત્રણ ભેગું થાય એટલે પરમ ચેતનાનું અવતરણ તમે કરાવી શકો.
તો આજ્ઞાચક્રની આપણે વાત કરતાં હતા. કે આજ્ઞાચક્ર જેમણે ઉત્તેજિત કર્યું હોય ને, એમની આજ્ઞાને તમે ઉત્થાપી ન શકો. બાયજીદ નામના એક સંતની વાત આવે છે. એ સિદ્ધ હતાં પણ લૌકિક કક્ષાના. એટલે અહંકાર એમની ભીતર પડેલો જ હતો. સિદ્ધિ ઘણી બધી હતી. જંગલમાં જાય તો વાઘ અને સિંહને પણ કહ્યાગરા બનાવી દે. વાધ અને સિંહને પણ એ કહે એમ કામ કરવું પડે. ઘણી બધી સિદ્ધિઓ હતી.
એકવાર એવું બને છે, કે બાયજીદ જંગલમાંથી પસાર થઇ રહ્યા છે. અને વૃક્ષ નીચે એક સ્ત્રી સંત બેઠેલા હતાં. જેમનું આજ્ઞાચક્ર એકદમ સતેજ હતું. બાયજીદ જઈ રહ્યા હોય છે. એ બેને બુમ મારી, અહીં આવ. એટલે પેલો અહંકારી માણસ. આ તો સાદી સીધી બાઈ લાગતી હતી. કોઈ પણ ગુરુ છે ને એનું શરીર તમારા જેવું જ હોય. માત્ર આંખને જોતા આવડે તો જ ખબર પડે. બાકી તમને ખબર ન પડે. એટલે ગુરુના દેહની સુગંધ તો બહુ પાછળથી પારખી શકો તમે. આંખ જોતા આવડે તો પણ ખબર પડે કે આ સદ્ગુરુ છે. પણ આંખ જોઈ જ નથી. આ એક સાદી સીધી બાઈ પોતાને બોલાવે છે. પણ આકર્ષણ એવું હતું કે બાયજીદને જવું પડ્યું. અને એ પછી એ બાઈએ બાયજીદને કહ્યું; લે આ પોટકી. પૂર્વ દિશામાં પાંચ માઈલ દૂર પેલો આશ્રમ છે ત્યાં સંતને આપી આવ. લીધી એણે પોટકી! થોડે દૂર ગયો.
હું જે ઓરાફિલ્ડની વાત કરું છું ને. એ બહેનના ઓરાફિલ્ડમાં હતી ત્યાં સુધી બરોબર રહ્યું, ઓરાફિલ્ડની બહાર ગયો, પાછળ અહંકાર ફલીભૂત થઇ ગયો. ‘હું’ મજુર છું હું?! પોટલી આપવા માટે જાઉં એમ…! ધોળો દિવસ, પણ એક વાઘ ત્યાંથી પસાર થતો હોય છે. આની પાસે સિદ્ધિ હતી, વાઘને ઉભો રાખ્યો. એની પીઠ પર પોટલી બાંધી દીધી દોરડીથી. અને ઈશારો કર્યો, આવા કપડાં અને આ દિશા. આપી આવ. વાધ ઉપડ્યો.
એ વખતે પેલી બાઈએ ફરી બાયજિદને નજીક બોલાવ્યો. અને કહ્યું; “તારા જેવો નાલાયક, હરામ હાડકાંનો, દુષ્ટ માણસ મેં જોયો નથી આજ સુધી!” આ એવો શબ્દ શક્તિપાત થયો, બાયજીદનું બધું અહંકાર સરી પડ્યું. “તારા જેવો નાલાયક!” તું મારી પાસે શક્તિનું પ્રદર્શન કરવા માંગે કેમ કે વાઘ મારા વશમાં છે એમ? શક્તિનું પ્રદર્શન મારી પાસે કરે છે તું? નાલાયક! હરામ હાડકાંનો! તારા ટાટીયા ભાંગી ગયા હતાં? કેમ તું ના ગયો? કેમ વાઘને હેરાન કર્યો? એટલે હરામખોર! મારી પાસે તું આટલી અવળચંડાઇ કરે? આજ્ઞાચક્ર જેનું ઉત્તેજિત હોય ને, એ આ કામ કરી શકે. પણ જેને ખરેખર સાધનામાં જવું છે, એ લોકો આજ્ઞાચક્ર પર બહુ કામ નહતા કરતાં. એ સીધા જ અંદર જતાં રહેતાં.
ઓશોનું એક પુસ્તક બહુ સરસ છે. “गहरे पानी पैठ” એમાં તિલકનો સંબંધ એમણે આજ્ઞાચક્ર જોડે બાંધ્યો છે. બૌદ્ધ પદ્ધતિમાં એને third eye કહેવામાં આવે છે. ત્યાં તો આખી પદ્ધતિ છે, કપાળના અહીંયા ભાગને ચીરવાનો, કઈ રીતે ચીરવાનો? કોણ ચીરી શકે? અંદર શું હોય એ જોવાનું. એક પુસ્તક છે, ‘Third Eye’ બહુ જ bestseller પુસ્તક છે. કદાચ ગુજરાતીમાં પણ અનુવાદ એનું થઇ ગયું હશે. પણ એ બહુ સરસ પુસ્તક છે. તો આપણે જેને આજ્ઞાચક્ર કહીએ એને એ લોકો third eye કહે છે. તો એ રજનીશે આખો સંબંધ જોડી આપ્યો છે, કે તિલક આપણે શા માટે કરીએ છીએ? એનો સંબંધ આજ્ઞાચક્ર જોડે છે.
એટલે આપણી પરંપરાની બહુ જ ઊંડી વાતો છે. જેમ-જેમ તમે ઊંડાણમાં જાવ, તેમ જ તમને આ બધું પકડાય. તો તીર્થો આટલા માટે જ હતાં. દિયાણા મને બહુ ગમે છે આમ પણ, એકદમ જંગલમાં. કોઈ આવે કે જાય! સ્ટેશનથી એક ગાડી દિવસમાં આવે, બે-ચાર યાત્રિકો હોય તો લઈને આવે નહીતર ખાલી આવે અને એમ ખાલી જતી પણ રહે. ભગવાન અને તમે એકલા જ હોવ બસ. અને atmosphere બહુ મજાનું. ચારે બાજુ જંગલ. તો આવા સ્થળો આના માટે હતા, કે પરમચેતનાનું અવતરણ આપણે કરી શકીએ. આજે તેરસ હજી પુરી નથી થઇ. મધ્યરાત્રિએ.. પ્રભુનું અવતરણ આપણે કરવાનું.
