मुक्तो यथास्थितिस्वस्थः
અષ્ટાવક્ર ઋષિએ औदासिन्यनिमग्न: સાધકનું મજાનું શબ્દચિત્ર આપ્યું: मुक्तो यथास्थितिस्वस्थः. જેવી પણ પરિસ્થિતિ હોય, એમાં તે સ્વસ્થ છે. એને કોઈ પણ પરિસ્થિતિ જોડે લેવા-દેવા નથી. કારણ? સ્વસ્થતા, આનંદ તો ભીતરની નીપજ છે ને; બહારની નીપજ છે જ નહિ!
અજ્ઞાન હતું, ત્યાં સુધી જીવ એમ માનતો હતો કે આનાથી સુખ મળે, તેનાથી સુખ મળે. પણ જ્ઞાનદશા આવી ગઈ અને ખ્યાલ આવી ગયો કે આનંદઘન હું પોતે જ છું; આનંદનો એક અજસ્ર પ્રવાહ મારી ભીતર સતત વહી રહ્યો છે. પછી એને કોઈ પણ પરિસ્થિતિ જોડે સંબંધ રહેતો નથી.
વૃક્ષનું સૂકું પાંદડું નીચે પડેલું છે. હવા આવી. હવાએ એને સીધું કર્યું તો સીધું પડ્યું રહેશે, ઊંધું કર્યું તો ઊંધું પડ્યું રહેશે. હવા જે દિશામાં લઇ જાય, ત્યાં જશે. આવો એ સાધક પણ चेष्टते शुष्कपर्णवत्. પોતે Choiceless છે. અને માટે કોઈ પણ પરિસ્થિતિ હોય, એનું આનંદનું વેદન ક્યારેય પણ ઓછુ થતું નથી.
નવસારી તપોવન વાચના – 15 [12.4.2020]
‘પ્રભુ નિર્મલ દરિશન કીજીયે’
તમે નિર્વિકલ્પ બનેલા હોવ, નિર્વિચાર બનેલા હોવ, તો જ તમે પ્રભુનું દર્શન કરી શકો. ધ્યાનમાં જવું હોય તો પણ નિર્વિકલ્પદશા જોઇશે. પ્રભુનું દર્શન કરવું હશે, તો પણ નિર્વિકલ્પતા જોઇશે.
એ નિર્વિકલ્પદશા શી રીતે મળે?
ત્રણ વાતો કરી : ઉદાસીનતામાં ડૂબેલો સાધક હોય, કર્તૃત્વની ભાવનાથી એ મુક્ત હોય અને સતત આનંદમાં ડૂબેલો હોય. આવો સાધક જે છે, એ નિર્વિકલ્પદશામાં પહોંચેલો હોય.
તો પહેલી વાત औदसिन्यनिमग्न: – ઉદાસીનદશામાં સાધક ડૂબેલો હોય.
અષ્ટાવક્ર સંહિતામાં અષ્ટાવક્ર ઋષિએ આવા સાધકનું મજાનું શબ્દ ચિત્ર આપ્યું છે: “मुक्तो यथास्थितिस्वस्थः” આવો જે સાધક છે એ તે ‘यथास्थितिस्वस्थः’ જેવી પણ પરિસ્થિતિ હોય એમાં એ સ્વસ્થ છે. એને કોઈ પણ પરિસ્થિતિ જોડે લેવા-દેવા નથી. કારણ આનંદ તો ભીતરની નીપજ છે ને…! બહાર એની નીપજ છે નહિ.! એ તો અજ્ઞાન હતું, ત્યાં સુધી જીવ એમ માનતો કે આનાથી સુખ મળે, આનાથી સુખ મળે. જ્ઞાનદશા આવી ગઈ, ખ્યાલ છે કે આનંદઘન હું જ છું. આનંદનો એક અજશ્ર પ્રવાહ મારી ભીતર સતત વહી રહ્યો છે. તો એને કોઈ પણ પરિસ્થિતિ જોડે સંબંધ રહેતો નથી. અને એવા સાધક માટે બહુ સરસ વાત લખી: ‘चेष्टते शुष्कपर्णवत्’ એ જીવન મુક્ત સાધક કેવો હોય? ‘चेष्टते शुष्कपर्णवत् ‘ – સૂકાં પાંદડાની જેમ રહેતો હોય. વૃક્ષનું સુકું પાંદડું નીચે પડેલું છે. હવા આવી. અને હવાએ સીધું કર્યું તો સીધું પડ્યું રહેશે, ઊંધું કર્યું તો ઊંધું પડ્યું રહેશે. એની પોતાની કોઈ Choice નથી. માત્ર પરિસ્થિતિઓનો સ્વીકાર.. કોઈ પણ પરિસ્થિતિ હોય, એનું આનંદનું વેદન ક્યારે પણ ઓછુ ન થાય.
નાગાર્જુન નામના એક બહુ જ મોટા બૌદ્ધ ભિક્ષુ બન્યા. બહુ મોટા વિદ્વાન. ૫૦૦-૧૦૦૦ કે ૫૦૦૦ ભિક્ષુ-ભિક્ષુણીઓની સભા હોય, તો સંબોધન એમને જ કરવાનું હોય. એટલા મોટા જ્ઞાની. સાધક પણ એટલી જ ઉંચી કક્ષાના. છેલ્લે એમને થયું; આ બધું પણ છોડી દેવું છે. એક એવી અવસ્થા આવે છે કે જ્યારે પરનો થાક લાગે છે. શબ્દ પણ પર છે. વિચાર પણ પર છે. આ બધાનો થાક લાગે. મારે આમ પ્રવચનો માટે વિચાર કરવાનો હોતો નથી. બોલ્યા કરવાનું હોય છે. પણ શબ્દોનો થાક તો લાગે છે. લગાતાર બે-ત્રણ કલાક બોલવાનું હોય, કે કદાચ સંઘોની જોડે મીટીંગમાં રહેવાનું હોય, મારું શરીર થાકી જાય. કારણ એક જ, કે શબ્દ પર છે, વિચાર પર છે; અનુભૂતિની દુનિયામાં તમે આવી ગયા, હવે એ શિખર પરથી નીચે ઉતરવાનું મન થતું નથી. એક સદ્ગુરુની ભૂમિકા છે કે તમને લેવા માટે નીચે આવવું પડે છે. તળેટી પર બેઠેલ હોય, ઉપર ચડાવવો હોય, તો શિખરથી નીચે આવવું પડે ને? તો ગુરુઓને શબ્દોની તળેટી ઉપર આવવું પડે છે.
વિચાર કરો – અનુભૂતિવાન સદ્ગુરુઓની પરંપરા કેટલી મોટી આપણી પાસે! ૨૬૦૦ વર્ષના ગાળામાં, હજારો-લાખો જે સાધકો થયા, એમાં અનુભૂતિવાન સાધકો કેટલા? ઘણા બધા. પણ ગ્રંથો કેટલા ભગવંતોના આપણને મળે છે? હરીભદ્રસૂરિ મહારાજ, સિદ્ધસેનદિવાકર, ઉપાધ્યાય યશોવિજય, આંગળીને વેઢે ગણીએ એટલા જ મહાપુરુષોના ગ્રંથો મળે છે. કેમ? અનુભૂતિની દુનિયામાં ગયા પછી શબ્દોની દુનિયામાં તમે આવી શકતા નથી.
અને એક બીજી મજાની વાત તમને કરું; કે એ તો કરુણાને કારણે શબ્દો ઉપર આવી પણ ગયા કે આ લોકો શબ્દ વિના કંઈ સમજી પણ નહિ શકે. પણ કોઈ પણ અનુભૂતિવાન ગુરુનો જે ગ્રંથ હોય છે, એમાં શબ્દ-શબ્દની વચ્ચે અશબ્દ હોય છે. એક પંક્તિ અને બીજી પંક્તિની વચ્ચે અશબ્દ હોય છે. કારણ કે શબ્દોમાં તો બહુ ઓછું કહી શકાય છે. જે કહેવાનું છે એ ઈંગિત રૂપે અશબ્દમાં કહેવાનું છે. અને એટલે જ યોગશતકમાં કહ્યું; ‘तित्थसवणम’ તીર્થ એટલે અનુભૂતિવાન સદ્ગુરુ. એમની પાસે જઈ અને ગ્રંથનું અધ્યયન કરવું.
હું મારી વાચનામાં ઘણીવાર કહું; કે તમે લોકો પાંચ કે સાત વાર હરીભદ્રસૂરિ મહારાજનો કોઈ પણ ગ્રંથ ઊંડાણથી વાંચીને આવો, ઓછામાં ઓછું પાંચવાર. પછી આપણે બેસીએ. એટલે between the lines જે છે, between the words જે છે એને આપણે ખોલીએ. પહેલી વખતે નહિ. પહેલી વખતે એ શક્ય નથી. કારણ કે તમે શબ્દમાં જ ઉલઝી જવાના છો. અર્થમાં જ ઉલઝવાના છો. આનો શું અર્થ થાય? આનો શું અર્થ થાય.? ત્રણ-ચાર-પાંચ વખત તમે વાંચ્યું, સ્થિર પરિપાટી તમારી થઇ ગઈ. હવે એવો એક અવકાશ છે, કે શબ્દ-શબ્દ વચ્ચેના અશબ્દને ગુરુ ખોલી આપે. કે શબ્દમાં તો બહુ ઓછું કહેવાયું છે; “જિન હી પાયા, તિન હી છિપાયા, ન કહે કોંઉ કે કાન મેં” કહી શકાતું છે જ નહિ શબ્દોમાં! ‘તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ શાન મેં’ એ અનુભૂતિની તન્મયતા તમારી પાસે આવી, ત્યારે જ તમે એ ગ્રંથને સમજી શકો.
મેં છે ને ગ્રંથોને બે રીતે વાંચ્યા. પહેલાં તો ચુસ્ત rationalist હતો. બુદ્ધિવાદી. એ વખતે ગ્રંથો વાંચ્યા. પછી પ્રભુએ મને શ્રદ્ધા આપી. સમર્પણની ધારા આપી. એ પછી મેં ગ્રંથો વાંચ્યા. તો એ વખતે લાગ્યું કે હું આ તો ખોટો અર્થ કરતો હતો. અને એના પછી ત્રીજીવાર જ્યારે અનુભૂતિ થઇ, અને પછી મેં ગ્રંથ વાંચ્યા, આખો જ અર્થ જુદો હતો! બુદ્ધિવાદી હતો ત્યારે સાવ કોરો માણસ; ખાલી લોજીકલી ચર્ચા હોય એમાં રસ, બીજો કોઈ રસ નહિ. શ્રદ્ધાવાળો થયો, ભીનાશ આવી. પ્રભુના પ્યારા શબ્દો. અને પ્યારા શબ્દોને વાંચતા આંખો છલછલાઈ પણ ઉઠે, એથી વધુ કંઈ નહિ. અનુભૂતિ થઇ, અને પછી ગ્રંથો વાંચે ત્યારે ખ્યાલ આવે કે ઓહો! હું સમજતો હતો કંઈ, અને આ તો છે કંઈક!
મને ગ્રંથોને કેમ વાંચવા, એની ટેકનીક મહાભારતની એક ઘટનાએ સમજાવી. આચારાંગ સૂત્ર દર વર્ષે હું સ્વાધ્યાયમાં લઉં. દર વર્ષે. 50 એક વર્ષ લીધું હશે. પણ એ આચારાંગ સુત્રને કેમ વાંચવું એની ટેકનીક મહાભારતની એક ઘટનામાંથી મળી. મહાભારતની ઘટના એવી છે; ઉદ્ધવજી વૃંદાવન ગયા છે. ઉદ્ધવજીને થયું વૃંદાવન જઈશ. રથ લઈને જઈશ. ગોપીઓને થશે, શ્રીકૃષ્ણ આવ્યાં. ગોપીઓ રથને ઘેરી વળશે. તો શ્રીકૃષ્ણ તો આવતાં નથી અત્યારે. તો ઉદ્ધવજીએ શ્રીકૃષ્ણને કહ્યું; કે ગોપીઓના નામ પર એક પત્ર લખીને આપો. શ્રીકૃષ્ણએ પત્ર લખીને આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન પહોંચી ગયા. અને ખરેખર ગોપીઓ ભેગી થઇ ગઈ. રથમાં બીજું કોણ આવે? શ્રીકૃષ્ણ. રથનું દ્વાર ખુલ્યું. ઉદ્ધવજી બહાર નીકળ્યા. ઉદ્ધવજીએ તરત જ કહ્યું; તમે કોઈ નિરાશ નહિ થતાં. શ્રીકૃષ્ણ આ વખતે નથી આવી શક્યા. પણ શ્રીકૃષ્ણએ પોતાના હાથે તમારા ઉપર પત્ર લખીને મોકલ્યો છે. જુઓ આ પત્ર. લઇ જાઓ. 50 ગોપીઓ સામે છે. એક પણ ગોપી આગળ પત્ર લેવા માટે આવતી નથી. ઉદ્ધવજીને ખ્યાલ નથી આવતો કે કૃષ્ણના નામ પર ઘેલી આ ગોપીઓ, કૃષ્ણનો પત્ર એમ કહું છું, લેવા એકેય આવતી નથી! ઉદ્ધવજી પંડિત હતા. જ્ઞાની હતાં. ગોપીઓ ભક્ત છે. અને એટલે જ ભક્ત હૃદયની વાતને જ્ઞાની ન પણ જાણી શકે. ભક્ત જ જાણી શકે.
સુરદાસજી એ એમના એક પદમાં આ ઘટનાનું વર્ણન કર્યું છે. શું ભાવ હતો, પત્રને ન લેવા માટેનો? ‘પરસે ઝરે’ સુરદાસજીના શબ્દો છે: ‘પરસે ઝરે’ જો અમે આ પત્રનો સ્પર્શ કરશું તો પત્ર બળી તો નહિ જાય? કારણ શ્રીકૃષ્ણ મળ્યા નથી. વિરહ વ્યથા તો છે જ અમારી પાસે. અને વિરહને શાસ્ત્રમાં અગ્નિ કહેલો છે. ‘વિરહાનલથી દાઝેલા છીએ આપણે’ તો વિરહનો અગ્નિ અમારા અંગ-અંગમાં છે. અમારા અસ્તિત્વમાં છે. અમે કાગળને લઈશું, touch કરીશું. કાગળ બળી નહિ જાય…!
ચાલો, કાગળને touch ન કરો. ઉદ્ધવજી કહે છે; મારા હાથમાં છે. તમે નજીક આવીને વાંચો તો ખરા. એક પણ નજીક આવીને વાંચવા તૈયાર નથી! શું કારણ? એક જ વાત હતી, નજીક આવશું અને એ પરમ પ્રિયના શબ્દોને, અક્ષરોને વાંચીશું, આંખોમાંથી આંસુની ધારા વહેશે. અને એના કારણે અક્ષરો ચહેરાઈ જશે. ‘બિલો કે ભીજે’ ‘પરસે ઝરે, બિલો કે ભીજે’ ત્યારે મને થયું કે ગોપીઓને શ્રીકૃષ્ણના પત્ર ઉપર આટલું બધું માન.! શ્રીકૃષ્ણના શબ્દો ઉપર આટલું બધું માન.! કે અમે નજીક જઈએ વાંચવા તો અમારી આંખો છલોછલ ઉભરાઈ જ જાય, અમારી આંખો કોરી કેમ રહી શકે? મને shock લાગેલો હું આચારાંગ દર વર્ષે વાંચું અને કોરી કોરી આંખે વાંચું તો કેમ ચાલે? એટલે એ વખતથી ભીની ભીની આંખે આચારાંગ વાંચવાનું શરૂ થયું.
ભગવતી સૂત્ર પહેલાં વાંચ્યું, બૌદ્ધિક તરીકે, ત્યારે સવાલ થતો; કે આટલો નાનો સવાલ અને ગૌતમસ્વામી ભગવાન જવાબ ન આપે? ચાર જ્ઞાનના સ્વામી, 50,000 કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ વહોરવા માટે જાય! અને કોઈ પૂછે કંઈ નાનોકડો સવાલ, તો કહે ભાઈ પછી કહું ચાલશે? સાહેબ જ્યારે આપને અનુકુળતા હોય ત્યારે…! કેટલો નાનો સવાલ હોય, એ વખતે મારા ભેજામાં સવાલ ઉઠેલો; કે આ તો એક સામાન્ય માણસ જવાબ આપી શકે એવો સવાલ છે. આ તો ચાર જ્ઞાનના સ્વામી છે. કેમ જવાબ નથી આપતાં..! એટલે મારા મનમાં સવાલ ઉઠેલો. પણ એ વખતે અહંકાર તો હોય ને આપણે.! અહંકાર હોય એટલે પૂછી તો શકીએ નહી કોઈને પાછુ! ઝુકીએ તો નહિ પાછા! પણ પછી શ્રદ્ધા અને સમર્પણની ભૂમિકા મળી. પછી ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ગૌતમસ્વામી ભગવાનની મનોદશા શું હતી. કોઈ પણ વ્યક્તિએ કોઈ પ્રશ્ન કર્યો. એમના માટે એ પ્રશ્ન એટલે પ્રભુની નજીક જવાનું બહાનું હતું. તમે પ્રભુની ઓરાફિલ્ડમાં, પ્રભુ દેવછંદામાં બિરાજમાન હોય ત્યારે વિના કારણે તો જઈ શકો નહિ. પણ પ્રશ્ન થઇ ગયો બહાનું. એટલે સ્વસ્થાને ગયા. પાત્રા મુક્યા, ગોચરી આલોચી. સીધા પ્રભુની પાસે. વંદન, ત્રણ પ્રદક્ષિણા, સાહેબજી આનો જવાબ શું?
એટલે પહેલી વાત એ હતી, કે પશ્ન પ્રભુની પાસે જવાનું બહાનું. બીજી વાત એ પણ મનમાં હતી, કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું તો મારી બુદ્ધિનો ઉપયોગ હું શા માટે કરું? અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું. તો મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર શું? અને ત્રીજી વાત એ હતી, કે મારો પ્રશ્ન ભલે સામાન્ય રહ્યો, અનંત જ્ઞાની પ્રભુ એનો ઉત્તર આપશે, ત્યારે કંઈક નવીનતા એમાંથી આપી દેશે. ક્યારેક તમે બહુ મોટા જ્ઞાની પુરુષને સામાન્ય પ્રશ્ન પૂછો ને તો પણ એટલો સરસ જવાબ મળે તમને કે તમારી સાધનાની ઘુંચ કદાચ ઉકેલાઈ જાય.
તો શાસ્ત્રોને તમે કદાચ અત્યારે શ્રદ્ધાની ભૂમિકા ઉપર તો વાંચી જ રહ્યા છો. પણ એ પછી અનુભૂતિના સ્તર ઉપર જઈ પછી શાસ્ત્રને વાંચવાનું છે. અને ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર પ્રભુએ શું કીધું છે.
આચારાંગ સુત્રનું પહેલું શ્રુતસ્કંધ જે છે ને આપણે આમ બધા અંગ ગ્રંથો સુધર્માસ્વામી ભગવાને રચેલા કહીએ. ભગવાન બોલે અને ગણધર ભગવંતો એને શબ્દોમાં ગૂંથે. પણ આચારાંગજીના પહેલા શ્રુતસ્કંધ માટે વાત એ બની છે, કે ભગવાનના શબ્દો inverted comma માં લગભગ મુકાયા છે. જેથી editing થયું નથી.
એક સૂત્ર તમને આપું; ‘आणाए मामगं धम्मं’ આ કોણ લખી શકે? આ સૂત્ર ક્યારે આવે? આજ્ઞામાં ‘મારો’ ધર્મ છે! પ્રભુએ કહ્યું છે કે આજ્ઞામાં મારો ધર્મ છે તો ય બરોબર છે. આજ્ઞા એ જે છે પ્રભુએ કહ્યું છે, પણ ‘आणाए मामगं धम्मं’ તું આજ્ઞા પર જ ચાલે એ મારો ધર્મ છે, મેં કહેલો ધર્મ છે. આવું કોણ કહી શકે? પ્રભુ જ કહી શકે!
અને આચારાંગજીના ઘણા બધા સુત્રો બહુ જ અદ્ભુત છે. એક સૂત્ર છે: “पडीलेहाए णावकंखति एस अणगारेत्ति पवुच्चति” પૂછવામાં આવ્યું કે સાહેબ! તમે અણગાર કોને કહો? તમારો મુનિ કે તમારી સાધ્વી કોણ? બે જ શબ્દો આપ્યા છે; “पडीलेहाए णावकंखति एस अणगारेत्ति पवुच्चति ” આ મારો અણગાર.
તો બે શબ્દો આપ્યા – ‘“पडीलेहाए णावकंखति’ જે મુનિ પોતાના મનનું પ્રતિલેખન કરે છે. હવે પ્રતિલેખન કરો તો શું થાય બોલો? ક્યાંક ધૂળની જગ્યાએ આપણે ગયા છીએ, છેક સંઘમાં છીએ, અને બપોરે પડીલેહણ કરીએ, તો સંથારામાં ય ધૂળ ભરાઈ ગઈ હોય અને ઘૂળને આપણે ખંખેરીએ. પડીલેહણ કરીએ એટલે જીવજંતુનું જે છે એ પણ આપણને બરોબર ખ્યાલ આવી જાય અને ધૂળ વિગેરે હોય તો પણ ખંખેરાઈ જાય. તો ભગવાન કહે છે કે તું વસ્ત્રનું પડીલેહણ કરે છે, મનનું પડીલેહણ તે ક્યારે કર્યું? અને ભગવાન કેટલી શ્રદ્ધાથી કહે છે, ‘पडीलेहाए णावकंखति’ તું જો મનનું પ્રતિલેખન કરીશ; તારો રાગ, તારો દ્વેષ, તારો અહંકાર બિલકુલ નહિ રહે! એ ખરી જશે.
એક વાત તમને કહું; તમે બૌદ્ધિક માણસો તો છો જ. બીજાને તમે તરત પકડી પણ પાડો છો. કોઈ અહંકારી ચેતના છે તમને ખ્યાલ પણ આવી ગયો. તમે શું કહેવાના? હવે મુકો ને એનું ડાચું. સાલો અહંકારથી ભરેલો માણસ છે. શું એની પાસે જવાનું…! તમને ખ્યાલ આવે છે, બરોબર. કોઈ બીજાનો જ ખ્યાલ આવે છે! કારણ કે અનંત જન્મોથી છે ને આ કેમેરા ખોટો ગોઠવાઈ ગયો છે. હવે બારી પાસે કેમેરા મુકો તમે, લેન્સ આમ હોય તો વૃક્ષોનું ચિત્ર જ આવવાનું છે. હોલનું અંદરનું વ્યાખ્યાન ચાલતું હોય એનું ચિત્ર ક્યાંથી આવવાનું? એટલે અનંત જન્મોથી કેમેરો ખોટો ફીટ કરેલો છે, એટલે બહારનું જ પ્રતિબિંબ આવ્યા કરે છે. પેલો અહંકારી! અને પેલો ક્રોધી! પણ તું કોણ છે, એ તો કહે? એટલે તમારી પાસે પ્રબુદ્ધતા છે પણ બીજાને ઓળખવા માટે છે. તમારી જાતને ઓળખવા માટેની પ્રબુદ્ધતા તમારી પાસે નથી.!
હું ઘણીવાર કહું છું કે બીજાના ગુણોને જોવા, અને આપણા દોષોને જોવા એ પ્રાયશ્ચિત્ત છે. અનંતા જન્મોમાં આપણે પ્રભુનો અપરાધ કર્યો. કે સિદ્ધના જે આત્માઓ હતાં, એમાં તમે માત્ર ને માત્ર દોષો જોયા. હવે એ જે દોષો જોયેલાં છે, એનું પ્રાયશ્ચિત્ત આ – હવે એમના ગુણો જોવો.
એક હોલ હોય. એમાં ૧૫-૨૦ બહેનો સુતેલી હોય, બપોરના ટાઈમે. કોઈ પ્રસંગે આવેલી છે. એમાં એક દીકરી ત્યાંથી નીકળી. બહેનો બધી સુતેલી હતી. દીકરી નીકળી. થોડી એની સાવધાની ઓછી રહી. એક બહેનને થોડો પગ એનો touch થઇ ગયો. પાટું લાગી ગયું. પેલી બહેન એકદમ ગુસ્સે થઇ ગઈ. આંધળી છે? જોતી નથી? પગે ઠેસ મારીને નીકળે છે. પેલી દીકરીએ કહ્યું; માસી, ‘મિચ્છામિ દુક્કડમ્’ મારી ભૂલ થઇ ગઈ. તો ય માસીનો કોલર તો ઉંચો જ. દીકરી તો ગઈ માફી માંગીને. પછી એ બાઈની પડોશણ હતી એને કહ્યું; તને ખબર છે આ કોણ હતી એ? ના, એ તો કંઈ ખબર નથી મને. અરે એ કહે આ વૈશાખ સુદ ૬ ના એની દીક્ષા છે. મુર્હત નીકળી ગયું છે. આ દીક્ષાર્થી છે. ઓહો દીક્ષા લેવાની છે એમ..! તો કહે, મારી ભૂલ થઇ ગઈ. એ બહેન જાય, અને દીકરીની માફી માંગે. તો ભવિષ્યમાં દીક્ષા લેવાની હોય. એના માટે આટલું ઝુકી શકે કોઈ. તો ભવિષ્યમાં સિદ્ધ થવાનો હોય તો, એના માટે કેટલું ઝુકી શકાય બોલો.? એક નમસ્કાર મહામંત્ર આવે ને? અહંકાર રહે જ ક્યાં! ‘નમો સિદ્ધાણં’ બધાને ઝૂકો. બધાને ઝૂકો. બધાને ઝૂકો.
એના માટે દશવૈકાલિકના ચોથા અધ્યયનમાં સાધના આપી. “सव्वभूयऽप्पभूयस्स” સુધર્માસ્વામી ભગવાને કહ્યું; શય્યંભવસૂરિ મહારાજને કે ભાઈ તું બધા પ્રાણીઓનો મિત્ર બની જા. “सव्वभूयऽप्पभूयस्स” તો શિષ્ય સવાલ કરે છે; સાહેબ વાત તો તમારી બરોબર. તમારી આજ્ઞા હું શિરોધાર્ય કરું છું. પણ, બધાના મિત્ર મારે બનવું કેમ? એના માટેની કોઈ ચાવી આપો…? તો ગુરુએ કહ્યું; “सम्मं भूयाइं पासओ” તું સમ્યક્ રીતે બધા પ્રાણીઓને જો. અત્યાર સુધી તે ખોટી રીતે જોયા છે. તમે છે ને મનુષ્યોમાં, પ્રાણીઓમાં વર્ગીકરણ કર્યું છે: સારા અને ખરાબ. સારા કોણ? તમારા અહંકારને પંપાળે એ સારા. ખરાબ કોણ? તમારા અહંકાર ને ખોતરે એ.
હું ઘણીવાર હસતાં હસતાં કહું, કે તમે આમ દુનિયાનું કેન્દ્રબિંદુ બની ગયા છો આમ? કે તમારા આધારે આખી સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ થાય! તમને ખરાબ લાગે એ ખરાબ, તમને સારા લાગે એ સારા!
એ વખતે શય્યંભવસૂરિ મહારાજે કહ્યું; “सम्मं भूयाइं पासओ” તું સમ્યક્ રીતે બધાને જો! અત્યાર સુધી તે અસમ્યક્ રીતે જોયા છે. મારે કામનું છે આ. મારે કામમાં આવશે આ માણસ? તો એને પંપાળી લઉં, એ સારો છે. મારા અહંકારને પંપાળે છે, સારો છે.
ઘણીવાર છે ને તમે ગુણાનુરાગ કહો ને, એમાં પણ તમારો ભ્રમ હોય. તમે કહો શું આ મહાત્માનો ગુણ! શું મહાત્માનો ગુણ! ઊંડાણથી જુઓ, એ મહાત્માના ગુણો તમને દેખાયા, બીજા મહાત્માના ગુણો તમને દેખાયા નથી! હવે એ મહાત્માના ગુણો કેમ દેખાયા છે? ઊંડાણથી જુઓ. કદાચ એવું પણ બની શકે કે એ વ્યક્તિ તમને ગમે છે માટે એના ગુણો તમને ગમે છે. હવે એ વ્યક્તિ તમને કેમ ગમે છે? એ તમારા અહંકારને પંપાળે છે માટે. બોલો આ ગુણાનુરાગ થયો કે અહંકારાનુરાગ થયો? આ ગુણાનુરાગ છે? આ મહાત્મા તો બહુ ગુણિયલ, બહુ ગુણિયલ, બહુ ગુણિયલ. પણ એનાથી ચડિયાતા છે બાજુમાં, ના, એ તો છે ને, એની જોડે મારે આમ છે! એટલે ગુણ પણ તમે ખરેખર કોઈના જોયા જ નથી! એ તો સ્વાર્થ આધારિત તમારી દુનિયા હતી. અહંકાર આધારિત દુનિયા હતી. સંસારી માણસો બધાને જે છે ને ઊંચકી લે, સ્વાર્થ હોય ત્યાં.
તો “सम्मं भूयाइं पासओ” સમ્યક્ રીતે બધા પ્રાણીઓને જુઓ. અને બધા જ આ પ્રાણીઓ સિદ્ધના સાધર્મિક છે. બધા જ ગુણોથી યુક્ત છે, અનંત ગુણોથી, દોષોથી ભરેલ હોય તો માત્ર એક હું છું. મારી દ્રષ્ટિએ બધા જ, સારા જ છે, ખરાબ હોય તો એક હું જ છું – આ માન્યતા વિના નૈશ્ચયિક રૂપે પ્રભુ શ્રામણ્ય મળવું અઘરું છે. વ્યવહાર શ્રામણ્ય છે પણ એનાથી કંઈ રાજી થવાનું નથી. નિશ્ચય શ્રામણ્ય ન મળે તો કોઈ રાજીપો રાખવાની જરૂર નથી. વ્યવહાર શ્રામણ્ય તો અગણિત વાર આપણે જે છે તે પાળી નાંખ્યા છે. તો બધા જ સારા જ છે, ખરાબ હોય તો એક હું જ છું – આ માન્યતા અસ્તિત્વના સ્તરની હોય તો જ તમે નિશ્ચયથી પ્રભુના શ્રામણ્યના પથ ઉપર છો.
નાગાર્જુન પ્રખર બૌદ્ધિક, પ્રખર સાધક. પણ એમને પણ શબ્દોનો થાક લાગ્યો. કારણ કે એ હોય ત્યાં સુધી બધાની ઈચ્છા એ હોય કે આ સાહેબ જ વાચના આપે, બીજા નહિ. અને એમની વાચનામાં તો આખો હોલ ભરાઈ જાય, બીજા આપે તો દસ જણા એ માંડ આવે. એટલે એમને થયું કે ઘણા બધા મહાત્માઓ છે ને, ઘણા બધા શબ્દો આપી દેશે. મારે હવે આથી પણ ઊંડાણમાં જવું છે. અને એટલે આપણે ત્યાં જેમ પરંપરા છે ને? “गियत्थो य विहारो बीओ गियत्थमीसिओ भणिओ” એવી જ પરંપરા ત્યાં છે. ગીતાર્થ હોય. જ્ઞાની હોય તો એકાકી વિચરી શકે. તો એ એકાકી નીકળી ગયા. આટલા મોટા સાધુ. એમના પોતાના સેંકડો શિષ્યો હશે. એ સાધક એકલો નીકળી જાય છે. પહેરેલા કપડાં બે. એક કમંડળ પાણી રાખવા માટે. અને એક લાકડાનું વાસણ રોટલી-શાક લેવા માટે. બીજું કાંઈ જ નથી. એક ગામમાં ગયા, સાંજના ટાઈમે. તો સામાન્ય ભિક્ષુ લાગે. કોઈને ખબર નથી કે આ બહુ મોટા ભિક્ષુ છે. સામાન્ય ભિક્ષુ છે અને ત્યાં મઠ વિગેરે ન હતો કંઈ. ખુલ્લા ચોરામાં એમને ઉતારો આપ્યો. આમને તો કંઈ વાંધો હતો નહિ. ખુલ્લો ચોરો ન હોય તો ઝાડ પણ ચાલે એમ. મસ્ત ફકીરને શું હોય? જેને કશું જોઈતું જ નથી એ બાદશાહ છે ને…!
સ્વામી રામતીર્થ હતા ને, એવા ને એવા રહેતાં. માત્ર નીચેનું વસ્ત્ર પહેરતા. લંગોટી જેવું. કોપિન. હિમાલયની એ ઠંડીમાં શરીર આખું ખુલ્લું! એટલી મસ્તીમાં..! એક યુરોપિયને એમને પૂછેલું;”કૈસે હો મહારાજ?” ત્યારે એમણે કહ્યું; “હમ તો બાદશાહ હૈ”. “રામ તો બાદશાહ હૈ.” પેલો યુરોપિયન માણસ બહુ મોટો ઠાઠ ઠઠારો હોય, તો મોટો મઠ હોય તો મોટા મહારાજ મણિ શકાય. આ તો કાંઈ નથી પાસે.! કે તુમ્હારે પાસ તો કુછ ભી નહિ હૈ, એક સિર્ફ લંગોટી તુમ્હારે પાસ હૈ, ઓર તુમ કહતે હો કી મેં બાદશાહ હું. તો કહે કે હા, બાદશાહ મેં ઇતની કમી રહ ગઈ હૈ વો ભી છૂટ જાયેગી તો પુરા બાદશાહ બન જાયેંગે! કેવી એ નિઃસ્પૃહતા હશે ને ! અને પરનો સંગ આટલી હદે તમે છોડો ને, તો પરનો સંગ થાય નહિ.
મહોપાધ્યાયજીનું એક પદ છે; “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકુરા; નિજ અનુભવ રસ લાગે મીઠા, જિમ ઘેબર મેં છુરા” “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે” – પરનો સંગ છોડી અને હવે તું તારી દુનિયામાં આવી જા. “આનંદવેલી અંકુરા” તારી દુનિયા કેવી છે? આનંદની વેલી માટે અંકુરા જેવી છે. “નિજ અનુભવ રસ લાગે મીઠા” – તું સ્વાનુભૂતિ કરી જો એકવાર, કેવો આનંદ આવે છે! તો પેલો પૂછે છે કેવો આનંદ પણ? અને હવે એ આનંદને સમજાવવો શી રીતે પણ? Beyond the words. Beyond the expectation. ઉપમા આપી – “જિમ ઘેબર મેં છુરા” રાજસ્થાનમાં ઘેબર બહુ બને. અને ઘી અને ખાંડથી લથપથ હોય. ચાસણીથી લથપથ. તો મોટું ઘેબર હોય, ટુકડા કરવા પડે. છરીથી કાપે, ત્યારે છરી પણ ચાસણીથી લથપથ થઇ જાય. “જિમ ઘેબર મેં છુરા”
તો નાગાર્જુનની વાત બહુ મજાની છે આવતી કાલે આપણે આગળ કરશું.
