Mumukshu Vachna | 16-05-20 | Navsari Tapovan

22 Min Read

ધ્યાન એટલે જાગૃતિ

ધ્યાનનો ultimate goal – આત્મ-સ્મૃતિ અને આત્માનુભૂતિ. ધ્યાનમાં પ્રવેશવાના દ્વાર – હૃદયની નિર્મળતા અને ચિત્તની એકાગ્રતા. અને ધ્યાન એટલે શું? જાગૃતિ. કેવળ જાગૃતિ.

ભેદજ્ઞાન અંતર્ગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે – આવી વાતો આપણે આ જન્મમાં જ નહિ, ગત જન્મોમાં પણ ઘણીવાર સાંભળી. પણ પરિણામ શૂન્ય. કારણ? આ સ્વ અને આ પર – એવી જાગૃતિ આપણી પાસે નહતી. સ્વમાં જ મારે જવાનું છે; પરમાં નથી જવાનું – આ જાગૃતિ નહતી.

શરીર એટલે હું નહિ. નામ એટલે હું નહિ. નામ સાથે સંકળાયેલી નિંદા, પ્રસંશા – એની જોડે મારે કોઈ સંબંધ નથી. મારે સંબંધ માત્ર મારા ચૈતન્ય સ્વરૂપ જોડે છે. આ વાત જાગૃતિના સ્તર પર, ધ્યાનના સ્તર ઉપર ઊતરવી જોઈએ.




નવસારી તપોવન વાચના – 49 [16.5.2020]

ધ્યાનનો ultimate goal – આત્મ-સ્મૃતિ અને આત્માનુભૂતિ.
ધ્યાનમાં પ્રવેશવાના દ્વાર – હૃદયની નિર્મળતા અને ચિત્તની એકાગ્રતા.
આજે એ વિચારીએ કે ધ્યાન એટલે શું?
ધ્યાનનો પર્યાય છે કે માત્ર જાગૃતિ. કેવળ જાગૃતિ.. પિંડસ્થ ધ્યાનને આપણે જોતા હતા. એની શાબ્દિક વ્યાખ્યા થઈ શકે. અનુપ્રેક્ષાત્મક ચિંતન થઈ શકે. પણ જાગૃતિ ન હોય તો ધ્યાન નથી, અનુભૂતિ નથી. ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે’. ભેદજ્ઞાન અસ્તિત્વના સ્તર પર પહોંચી જવું જોઈએ; માત્ર કોન્શિયસ માઈન્ડના લેવલ ઉપર નહિ, અસ્તિત્વના સ્તર ઉપર.
આપણને લાગે કે શું આ વાતો આપણે પહેલા સાંભળી નહિ હોય? ઘણીવાર સાંભળી હશે. આ જનમમાં તો ખરી, ગયા જન્મોમાં પણ ઘણીવાર સાંભળેલી હશે. પરિણામ શૂન્યમાં કેમ આવ્યું? કારણ એક જ – કે જાગૃતિ આપણી પાસે નહતી. તો ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે’. બંને ખાના જ અલગ થઈ જાય. આ પરનું ખાનું. આ સ્વનું ખાનું. સ્વમાં જ મારે જવાનું છે; પરમાં મારે જવાનું નથી.
એક ગુરુ પાસે એક શિષ્ય ભેદજ્ઞાનની સાધના લેવા માટે આવેલો. ગુરુએ પહેલો જ પાઠ આપ્યો: તું એટલે તારું શરીર નહિ. તું એટલે તારું નામ નહિ. અને કહ્યું બેસ પેલી બાજુ. જરા અંદર ઉતાર એને. કલાક પછી ગુરુએ બુમ મારી, ‘રમ્યઘોષ.’ એનું નામ રમ્યઘોષ હતું. ગુરુએ કહ્યું; રમ્યઘોષ. પેલો કહે; જી. ગુરુ હસવા માંડ્યા. તું ફેઈલ ગયો. તું તારું નામ નહિ, હમણાં જ તો કહ્યું છે. નામ તો એક સોસાયટી માટે જરૂરી વસ્તુ છે. કે નામ વગર સમાજનો વ્યવહાર ન ચાલે. આપણે ત્યાં જે નામ આપવામાં આવે છે ને એ સાધનાના સંદર્ભમાં અપાય છે. એટલે જ નામન્યાસ ને શક્તિપાત કહ્યો છે.
હું ઘણીવાર કહું છું કે તમને બીજી સાધના યાદ રહે કે ન રહે, તમારું નામ તો યાદ રહે છે ને? કે ભૂલી ગયા છો? નામ યાદ રહી ગયું એ જ તમારી સાધના.! પદ્મદર્શન. પદ્મ એટલે કમળ. એકદમ કોમળ-કોમળ. જેનું દર્શન જ કોમળ-કોમળ હોય. તો જાગૃતિ બરોબર જોઇશે. આપણી સામાચારી એટલી સરસ છે કે ખરેખર પરમાં આપણે જઈ શકીએ નહિ. ખરેખર તમે પરમાં જાઓ છો ને પરમવીર ચક્ર તમને આપવું જોઈએ. આ બહાદુર છાતીવાળો.! કોઈ શક્યતા જ નથી.! શી રીતે જાઓ છો તમે? એક પણ વિચાર તમારે કરવાનો છે નહિ. તમારા વતી ગુરુદેવ પોતે વિચાર કરે છે અને વિચાર કરીને તમને આજ્ઞા આપશે. તમારે માત્ર આજ્ઞાને follow up થવાનું છે. તમારા માટે વિકલ્પોની દુનિયા જ ક્યાં છે? એક તથાકાર સમાચારી આવી ગઈ. તમે નિર્વિકલ્પ બની ગયા.
તો સતત જાગૃતિ જોઇશે કે આ જન્મ શેના માટે છે? પરની અંદર અનંતા જન્મો ગયા. આ જન્મને મારે માત્ર અને માત્ર સ્વની ધારામાં આગળ લઇ જવા માટે મુકવાનો છે. જ્યાં પર ખુલ્લુ થયું. ચોકડી લગાવો. નહિ જોઈએ. કોઈએ તમારી પ્રસંશા કરી, સહેજ અહંકાર મનમાં આવ્યો; તરત જ કહી દો કે આ નહિ ચાલે. તારે નિંદા કરવી હોય મારી, તો કરી દે. મારા દોષ તને દેખાય, તો બતાવી દે. પણ આવી સ્તુતિ તું કરે એ મને બરોબર લાગતું નથી. અને મારી પાસે તો ક્યારેય પણ મારી પ્રસંશા તારે કરવાની નહિ. આ શું થયું? સાધકની જાગૃતિ. નિંદા એટલી ખતરનાક નથી જેટલી પ્રસંશા ખતરનાક છે. નિંદા કરી. મનમાં થોડો સમય કદાચ એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ પણ આવી ગયો. સમી જશે. પણ પ્રસંશા સાંભળવાને કારણે અહંકારની જે ધારા ચાલે છે ને, એ disturb થતી જ નથી. તમે વારંવાર એનું સ્મરણ કર્યા કરો છો. ઓહ, પેલા ભાઈ. બહુ હોશિયાર માણસ. એમણે કહ્યું કે સાહેબ તમારું પ્રવચન તો બહુ સરસ.! Extra ordinary.!
બુદ્ધની પાસે એક શિષ્ય આવેલો. દીક્ષા લેવી છે બુદ્ધની પાસે. બુદ્ધ તો face reading ના master છે. જોયું કે કોઈ એની નિંદા કરે ને તરત અકળાઈ જાય છે. કોઈ એની પ્રસંશા કરે તો ફુલાઈ જાય છે. સાધના જીવનમાં આ ચાલી શકે જ નહિ. પણ પેલાની બહુ ઈચ્છા સાહેબ ગમે એમ કરો મને દીક્ષા આપો. ગુરુ કહે; એમ તો હું તને સિલેક્ટ કરી શકતો નથી. પહેલા હું કહું એ કામ કર. બોલો સાહેબ. તો બુદ્ધે કહ્યું; બાજુમાં કબ્રસ્તાન છે અને લગભગ ૫૦-૧૦૦ જેટલી કબરો હશે. એક-એક કબરમાં જે પોઢેલો માણસ છે. ત્યાં તારે જવાનું અને નિંદા કરવાની. તમે હરામખોર હતા, નાલાયક હતા. પેલો કરી આવ્યો. બીજી સવારે બુદ્ધે સાધના આપી. હવે બધાની પ્રસંશા તું કરી આવ. તમે બહુ સારા હતા, તમે બહુ ભલા માણસ હતા. કરી આવ્યો એ પણ.
પછી બુદ્ધે પૂછ્યું; કે એ લોકો ઉપર તારી નિંદાની કે તારી પ્રસંશાની અસર શું થઈ? સાહેબ! એમના ઉપર શું અસર થાય?! એ તો મડદા હતા.! They were dead. તો બુદ્ધ કહે છે કે સંન્યાસી બનવાનો મતલબ એ છે કે દુનિયાથી તમે મરેલા હોવ. દુનિયામાં પણ તમારે જીવવું છે. પ્રસંશા અને નિંદાની લહેરોમાં તમારે તણાવવું છે અને સાધના કરવી છે – બે સાથે બની શકે નહિ. અને આ બધામાંથી બચવા માટે માત્ર એક જાગૃતિ જોઈએ. કોઈએ નિંદા કરી, તરત પકડી લો કે હા, મારામાં આ દોષ છે. એને રફલી કહ્યું તો કોઈ વાંધો નહિ. એની જીભનો દોષ છે. પણ એણે કહી એ વાત તો સાચી છે. તો પછી મારે જો સ્વમાં જવું જ છે. તો દોષને મારે દુર કરવો પડે. કોઈએ ખોટી પ્રસંશા કરી. તમે સમજશો કે ખોટી પ્રસંશા કરે છે, મતલબ નથી આનો કાંઈ. એટલે તમને એની અસર નહિ થાય. એટલે સતત-સતત-સતત જાગૃતિ તમારી પાસે જોઇશે. Total awareness. અને એ અઘરું કંઈ નથી.
હું ઘણીવાર મારી વાચનામાં કહું કે પરમાં તમે એટલે ડૂબેલા છો કે સ્વમાં જાગૃત બનવું અઘરું ક્યાં છે? માત્ર ત્યાં ડૂબ્યા છો એ ડૂબવાનું સ્થળ જ ફેરવવાનું છે. પહેલા ગંદા તળાવમાં ડૂબકી મારતા હતા. તો હવે ગંગા નદીમાં તમારે ડૂબકી લગાવવાની છે. ને ડૂબકી લગાવતા તો આવડે જ છે. પરમાં મગ્ન થતાં તમને આવડે છે ને.? ડૂબતા આવડે છે ને.? એટલે મગ્ન થતાં તો આવડી ગયું ને.? તો પર એટલે શું, આટલો જ ફરક રહ્યો ને.! ફરક શું રહ્યો? પરમાં મગ્ન હતા, હવે સ્વમાં મગ્ન બની જાવ. તો એના માટે જોઈએ માત્ર જાગૃતિ.
૪૦૦ વરસ પહેલાંની અમદાવાદની એક ઘટના છે. એ વખતે મુસ્લિમ બાદશાહનું શાસન હતું. એકવાર બાદશાહની સવારી બજારમાંથી નીકળી. નિયમ એવો હતો કે રાજાની સવારી આવવાની હોય તો બધા જ વેપારીઓ દુકાન પરથી નીચે ઉતરી જાય. અને બાદશાહને સલામ ભરે. હવે સવારી નીકળે. એટલે પહેલા ઊંટ ઉપર ઢોલકા વાગતા હોય. પછી ગાડા હોય ત્રણ-ચાર. તો પીપુડીવાળા બેઠેલા હોય. છેલ્લે બાદશાહનો હાથી આવે. હાથી ઉપર એ બેઠેલા હોય. એટલે દસ મિનિટ પહેલા લોકોને ખબર પડી જાય કે બાદશાહની સવારી આવે છે. આખી બજારના બધા જ વેપારીઓ ઉભા થઈ ગયા. એક રતનચંદ નામના શેઠ. આજે બોણી સવારે બહુ સરસ થયેલી. એટલા સરસ પૈસા મળી ગયેલાં. વિચારમાં ગરકાવ થઈ ગયા. આજ તો જલસો પડી ગયો. એ વિચારમાં એટલાં ખોવાઈ ગયા, એટલા ખોવાઈ ગયા કે ઢોલકાનો અવાજ કોણ સાંભળે.! આખી સવારી નીકળી ગઈ. બાદશાહ તો ભલો માણસ હતો. પણ ચમચા જોરદાર હોય છે. એક ચમચો રાજાની જોડે હાથી ઉપર બેઠેલો. બાદશાહ જોયું તમે? આ બધા વેપારીઓ ઉઠી ગયા. તમને સલામ ભરી. પેલો વેપારી જુઓ કહે છે, દુકાનમાં બેઠો છે અને મારા બેટાની હાથ મૂછ ઉપર છે, કહે છે. એટલે આને તો તમારું અપમાન કર્યું છે કહે છે. બાદશાહ કહે; સારું જોઈએ પછી. સવારી ચાલી. અને પછી બધા વેપારી, રતનચંદ! તે શું કર્યું, કહે છે આ? સવારી આખી નીકળી ગઈ અને તું બેઠો અને બેઠો રહ્યો. સવારી નીકળી ગઈ? હા, સવારી નીકળી ગઈ. આવું પરમાં ખોવાવાનું મેં અને તમે અનંતીવાર કર્યું છે. એટલા ગરકાવ થઈ ગયા કે આજુબાજુ ઢોલકા વાગ્યા કે ઢોલ વાગ્યો. ખબર જ ન પડી.!
હવે વાણીયા હોશિયાર હોય. હમણાં બાદશાહને ત્યાંથી તેડું આવશે. હું મુછ ઉપર રાખીને બેઠો હતો. કદાચ બાદશાહ કહે; તારી મુછ મુંડાઈ નાંખવી છે. અને એ જમાનામાં મુછ મૂંડાવી એટલે મોટામાં મોટું અપશુકન ગણાય. એકદમ નજીકનો માણસ મરી ગયેલો હોય તો જ હજામત કરાવે અને એમાં મુછ મૂંડાવી પડે. બાકી તો સવાલ જ નહિ. રતનચંદ હોશિયાર હતો. અને બાજુમાં પૂનમચંદ નામનો વેપારી હતો. એની જોડે થોડી વાતચીત કરી નાંખી. બાદશાહ તો ગયા સભામાં અને ભૂલી ગયા પાછુ આ. પેલો ચમચો ભૂલે એવો નહતો. સાહેબ! પેલા વાણીયાનું શું કરવું છે? હા હા હા અચ્છા ! ઉસકો બુલાઓ.
ચમચાનો તો વટ પડી ગયો. બે-ચાર પોલીસ અને જમાદાર લઈને પહોંચી ગયો બજારમાં. ચલો શેઠજી ! આપકો રાજાજી બુલાતે હે. બાદશાહ બુલાતે હે. ચાલો ભાઈ. બાદશાહ બોલાવે તો આવવું જ પડે ને. ત્યાં ગયા. બાદશાહે કહ્યું; અમારી સવારી નીકળી. બધા લોકો ઉભા થઈ ગયા. કુરદિશ બજાવતા હતા. તમે દુકાન પર બેઠા રહ્યા અને મુછ પર હાથ હતો. આજ તમારી મુછ મૂંડાવી પડશે. આ જ દહેશત હતી. હોશિયાર માણસ હતો. કહે સાહેબ! અમારી વેપારી લોકોની વાત તો તમને ખ્યાલમાં છે. માલ સસ્તો મળતો હોય ને ત્યારે અમે સ્ટોક ભેગો કરી રાખીએ. અને માલ સસ્તો મળતો હોય પણ સસ્તો આપનાર રોકડેથી આપવા તૈયાર હોય. ઉધારી આપવા તૈયાર ન હોય. એને રોકડા પૈસા જોઈતા હોય. અમે લોકો શું કરીએ? એ વખતે કોઈની અને કોઈનીય પાસેથી ઉછીના પૈસા લઇ લઈએ. એટલે એક બહુ સરસ item મળતી હતી કાપડની સસ્તામાં. મેં એનો સ્ટોક કરવાનો વિચાર્યો. તો ઘરના ઘરેણા તો મેં બધા કાઢી નાંખ્યા. તોયે મારે એકાદ લાખ રૂપિયાની જરૂરત પડી. હવે શું કરવું? મારી બાજુમાં પૂનમચંદ શેઠ છે એને મેં કહ્યું કે એક લાખ રૂપિયા જોઈએ. તો કહે; કે લાખ તો આપું પણ શેના ઉપર આપું? ગિરવે મુકે તો કંઇક ગિરવે મુકવું પડે ને? શેના ઉપર આપું? તો કહે; મારી મુછ ઉપર આપી દે. એટલે માત્ર મારા બોલથી, મારી મુછ ઉપર એ પૂનમચંદ શેઠે લાખ રૂપિયા મને આપેલા છે. એટલે સાહેબ! આ મુછ અત્યારે મારી નથી, એની છે. બાદશાહ કહે અચ્છા, અચ્છા ઇસમેં ક્યાં હે? ખજાનચીને બોલાવ્યો. લાખ રૂપિયા લાવો.
એ વખતે ખડખડતા સિક્કા પેલા રાણી છાપના. કોથળે-કોથળા લાવ્યા. બગીમાં ભર્યા. પેલો ચમચો જે છે એ અને બે-ત્રણ અધિકારીઓ ગયા. કહે; પુનમચંદ શેઠ કોન હે? પેલો કહે હું છું. યે લાખ રૂપિયા લે લો, વો રતનચંદ શેઠકી મુછ તુમ્હારે વહાં ગીરવે હે, ઉસે છોડ દો. લાખ રૂપિયા લઇ લીધા અને મૂકી દીધા પેલાએ. લખી આપ્યું કે રતનચંદ શેઠની મુછ મારે ત્યાં ગીરવે હતી. આજે બાદશાહ સલામતે પૈસા મોકલ્યા છે. એટલે એ મુછ હવે બાદશાહ સલામતની થાય છે. થઈ ગયું. પતી ગયું. વાત પૂરી થઈ ગઈ. બાદશાહ કહે; હવે બોલો? સાહેબ! તમારે જે કરવું હોય તે કરો. તમે બાદશાહ છો તમારે કરવું હોય તે કરી શકો. આ તો મુછની વાત કરી. તમે માથું ઉડાડો તો પણ ના કોણ પાડી શકવાનું. પણ એકવાત તમને કહું કે કદાચ પાછળથી તમારા માટે કોઈ ખરાબ બોલે નહિ એટલા માટે, નહિતર તમે મારા ઉપર નારાજ થશો. તો કહે; આમાં નારાજ થવાની શું વાત આવી? જુઓ સાહેબ મુછ મારી હતી. પૂનમચંદને ત્યાં મૂકી એટલે એની થઈ ગઈ. તમે લાખ રૂપિયા આપ્યા એટલે તમારી મુછ થઈ ગઈ હવે. મારી પાસે લાખ રૂપિયા છે નહિ, હું તમને આપવાનો નથી. મુછ તમારી થઈ ગઈ. પછી પાછળથી કો’ક કહે કે ગુજરાતના બાદશાહની મુછ મુંડાઈ. તમે મારા ઉપર નારાજ નહિ થતા. બાદશાહે માથું ખજવાળ્યું. અરે, વાણિયો તો જોરદાર નીકળ્યો. જા ભાગી જા.!
તો પરમાં આટલા ગરકાવ આપણે ઘણીવાર થયા છીએ. આ જનમમાં નક્કી કરો. માત્ર સ્વમાં જ ડૂબવું છે. તો ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે’. શરીર એટલે હું નહિ એ તો બરોબર છે. નામ એટલે હું નહિ. નામ સાથે સંકળાયેલી નિંદા, પ્રસંશા કોઇ પણ ચીજ હોય, એની જોડે મારે કોઈ સંબંધ નથી. મારે સંબંધ માત્ર મારા ચૈતન્ય સ્વરૂપ જોડે છે. તો ‘ભેદજ્ઞાન અંતર્ગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે’. હવે આ જે છે ને જાગૃતિના સ્તર પર, ધ્યાનના સ્તર ઉપર સૂત્ર ઉતરવું જોઈએ. આ સ્વ અને આ પર, આ સ્વ અને આ પર, આ સ્વ અને આ પર. એક છોકરો ABCD શીખેલો હોય ને, તો પણ અક્ષર ઓળખવામાં ભૂલ નથી કરતો. આ Z જ છે ને આ M છે. આપણે કેમ ભૂલ કરીએ? એટલે પહેલા મેં કહેલું, પર જે છે એ સ્વનું મહોરું પહેરીને આવે ને ત્યારે પણ છેતરાવાનું નથી. કદાચ તમે એટલા જાગૃત બનો કે પરને પર તરીકે ઓળખી લો. આ નિંદા છે, આ પ્રસંશા છે. આ, આ છે. આ, આ છે. પણ પર તરફ ખુલતી વાત હોય અને તમે સ્વનું મહોરું ચડાવી દો તો શું થાય?
તમે વૈયાવચ્ચ કરી. વૈયાવચ્ચ માત્ર અને માત્ર નિર્જરા માટે હોય છે. પણ એ વૈયાવાચ્ચ દ્વારા બીજાને ખુશ કરવાની વૃત્તિ આવી. અથવા સ્વાર્થીય વૃત્તિ સળવળી. આજે એનું કામ હું કરું. કાલે એ મારું કામ કરશે. તો શું થયું? મહોરું સ્વનું પહેરઈ ગયું, છે પર! પ્રભુએ કહેલી સાધના, પ્રભુએ કહી છે, એ રીતે કરો તો સ્વ. પ્રભુએ કહેલી સાધના કરું છું, તેથી કરીને સ્વ થઈ જતું નથી. પ્રભુએ કહ્યું છે એ રીતે કરો છો? સામાયિક કર્યું ને સમભાવ સ્પર્શ્યો જ નહિ. કટાસણા ને શરીરનો સ્પર્શ થયો; સમભાવ ને સ્પર્શ થયો જ નહિ! કેમ ચાલી શકે? એટલે તમારું જે સ્વ છે એ વાસ્તવિક સ્વ છે કે આભાસી સ્વ છે? એ પણ જોઈશે. પણ આ ક્યારે બનશે? જો જાગૃતિ આવશે તો.
એક ગુરુએ એક શિષ્યનું નામ રાખેલું. ચૈતન્ય સ્વરૂપ. એનું નામ યાદ કરે અને તારું ચૈતન્યસ્વરૂપ છે એ ખ્યાલ આવી જાય. એકાદ વરસ એને દીક્ષાને થયેલું હશે. અને એ શિષ્ય ગુરુથી નજીકમાં બેઠેલો.
આચારાંગજીમાં લખ્યું છે; કે શિષ્ય ગુરુદ્રષ્ટિક હોય. પણ ગુરુદેવ બહાર ગયેલા છે. અને બીજા શિષ્યને લઈને ગયેલા છે. તો એ વખતે શિષ્ય શું કરે? તો મજાનો શબ્દ ત્યાં આપ્યો. ‘पंथ निज्झाई’. ગુરુ જે માર્ગે આવવાના છે એ માર્ગનું એ ધ્યાન કરે છે. એવું ન બને કે ગુરુદેવ ઉપાશ્રયમાં આવી જાય અને એને ખ્યાલ સુદ્ધાં ન રહે. સામે જવાનું છે, દાંડો વિગેરે હાથમાંથી લઇ લેવાનું છે અથવા તો પગ ધોવાના છે. જે પણ કરવાનું હોય એમાં એ સહેજ પણ ચૂક ન થાય એના માટે ગુરુ બહાર ગયા છે ત્યારે ગુરુ જે માર્ગે આવવાના છે એના માર્ગનું ધ્યાન કરે.
એમાં આખા બહુ સરસ શબ્દો છે. ક્યારેક ખોલીશ. “तद्दिट्ठीए तम्मुत्तीए तप्पुरक्कारे तस्सन्नी” ‘तस्सन्नी’ – ગુરુના જ્ઞાનથી જ જ્ઞાની હોય. તમારી બુદ્ધિનું કોઈ પ્રયોજન જ નથી. ગૌતમસ્વામી મહારાજ. ચાર જ્ઞાનના સ્વામી. નાનકડો પ્રશ્ન આવે. પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરે. શું હતું આ?’ तस्सन्नी’ – મારા ગુરુના જ્ઞાનથી જ મારે જ્ઞાની બનવું છે, મારા જ્ઞાનથી નહિ.
તો ચૈતન્યસ્વરૂપ નામ આપેલું. એક વરસ થઈ ગયું દીક્ષા પર્યાયનું. ને શિષ્ય ગુરુથી થોડે દુર બેઠેલો. ગુરુએ હાંક મારી. ચૈતન્યસ્વરૂપ ! એટલે પેલો વિનયથી ઝૂકીને ગુરુ પાસે આવ્યો. એના મનમાં એ ધારણા હતી કે ગુરુદેવે કોઇ પણ કારણસર મને બોલાવ્યો છે. કામસર બોલાવ્યો છે. નજીક આવીને વિનયથી ઝૂકીને ઉભો છે. હમણાં ગુરુદેવ કોઈ કામ સોંપશે પોતાને. તો ફરી ગુરુ બોલ્યા. ચૈતન્યસ્વરૂપ ! પેલો નવાઈમાં પડી ગયો. દુર બેઠેલા હોય તો તમે નામથી સંબોધન કરો ને? નજીક આવી ગયો છે તો? તું આમ કર એવું કહેવાનું હોય. ચૈતન્યસ્વરૂપ! પેલો મૂંઝવણમાં પડ્યો. એક મિનિટ એની મૂંઝવણ ગુરુએ રહેવા દીધી. પછી મિનિટ પછી ગુરુ ફરીથી બોલ્યા, ચૈતન્યસ્વરૂપ! પેલો કહે; હાજી. ખરેખર પામી ગયો! પહેલી વાર બોલાવ્યો ત્યારે સમજ્યો કે મને બોલાવે છે. પણ બીજીવાર જ્યારે કહ્યું; ત્યારે એને સમજવાની જરૂર હતી કે નજીક આવેલા માણસને કોઈ સંબોધિત ન કરે. તો મને સંબોધિત કેમ કરે છે? ગુરુ પૂછવા માંગે છે કે ચૈતન્યસ્વરૂપ જ છે ને પાછો, જડસ્વરૂપ નથી ને?
તો એક મિનિટ અવઢવ માં રહ્યો. તરત એને ખ્યાલ આવ્યો કે ઓહો ગુરુ આ પૂછવા માંગે છે. તરત જ ગુરુએ ત્રીજી વાર બોલે છે, ચૈતન્યસ્વરૂપ! તો કહે; હાજી! એટલે ગુરુએ ખાલી ત્રણ શબ્દો બોલીને શિષ્યને ચૈતન્યની ધારામાં મૂકી દીધો! તો શિષ્ય પાસે પણ એક જાગૃતિ હતી. આપણે શું વિચારીએ? કે બોલાવ્યો તો બોલાવ્યો, હવે કામ સોંપી દો ને! શું કરવાનું છે, એ કહી દો.!
એટલે એક વાત બહુ મજાની છે કે ગુરુ તમારા ઉપર કામ ક્યારે કરી શકે છે? જ્યારે તમારું શિષ્યત્વ નીખરેલું હોય છે ત્યારે. કોઇ પણ સાધક કે શિષ્ય સમર્પિત ન હોય તો ગુરુના હાથ બંધાયેલા છે. અગણિત જન્મોમાં અગણિત સદ્ગુરુ આપણને મળ્યા. કેમ કોઈ આપણા ઉપર કામ ન કરી શક્યું? કેમ આપણું ભવભ્રમણ ચાલુ રહ્યું? કારણ આ જ હતું, આપણે totally surrender થઈ શક્યા નહિ. તમારી બાજુથી માત્ર totally surrender છે. અને ગુરુ તમારા આખા જ જીવનનું યોગ અને ક્ષેમ સંભાળવાની જવાબદારી લેશે. એક-એક પડાવે તમારે શું કરવું? તમે કર્યું એ બરોબર કર્યું કે ન કર્યું? આ બધું જ ગુરુ જોશે. પોતાની ભીતર જ માત્ર એમને જવું છે છતાં પ્રભુની આજ્ઞાને ખાતર એ તમારા સામે આટલું જોશે. પણ એ ક્યારે જુવે? શિષ્યત્વ તમારું નીખરેલું હોય તો~ તમે totally surrender નથી. તો સદ્ગુરુ શું કરે? એટલે જ પહેલા ‘સુહગુરુજોગો’ કહ્યું, પછી ‘તવ્વયણસેવણા’ કહી. સદ્ગુરુ સમર્પણ નથી તો ગુરુના વચનોની સેવા તમે શી રીતે કરી શકો? પછી તો ભાવતી આજ્ઞા બહુ મજાની લાગે. કઈ આજ્ઞા સારી લાગે બોલો? ગુરુ જાહેરમાં તમને ઠપકો આપી દે ૫૦ જણાની વચ્ચે. કેટલા ખુશ હોવ તમે બોલો? કેટલા ખુશ હોવ.? શું ગુરુની કૃપા ઉતરી.!
લગભગ કુલચંદ્રસૂરિ મહારાજ સાહેબ માટેની વાત છે અથવા બીજા કોઈની હોય. પ્રેમસૂરી દાદાને કો’કે કહ્યું; કે કુલચંદ્ર વિજય આ રીતે રફલી બોલેલા, કે આવું કંઈક કર્યું. હવે કદાચ બોલનાર જે છે એને સાંભળવાની ભૂલ થઈ હશે. એને બીજા પાસેથી સાંભળ્યું હશે. સાહેબે તરત જ કુલચંદ્ર વિજયજીને બોલાવ્યા, એ વખતે મુનિ પદે. અડધો કલાક સુધી ખખડાવ્યા. શું સમજો છો તમે? દીક્ષા લીધી છે કે શું કર્યું છે તમે? આવી ભાષા તમારી હોય? આવું વર્તન તમારું હોય? હકીકતમાં એમણે કરેલું જ નહતું! અડધો કલાક સુધી બોલ્યા. બે હાથ જોડીને નમ્રતાથી સાંભળી રહ્યાં. આંખમાં આંસુ. અને ગયા. પેલા બોલનાર શિષ્યને ખબર પડી કે આ તો બીજાની વાત હતી. પછી ગયા સાહેબ પાસે. સાહેબજી, સાહેબજી મારાથી ભૂલ થઈ ગઈ. આ કુલચંદ્રવિજય મહારાજની વાત નહતી, બીજાની વાત હતી. સાહેબ તો મોટા માણસ, તરત જ કુલચંદ્ર વિજયને બોલાવ્યા. ‘મિચ્છામી દુક્કડમ’. અરે સાહેબ! ‘મિચ્છામી દુક્કડમ’ શેનું? આપની કૃપા ઉતરી આજે. આપ આટલા મહાપુરુષ. સ્વમાં ઉતરેલા. મને સુધારવા માટે આટલી વાત કરો. મારા માટે તો ઓચ્છવ હતો. આ શિષ્યત્વ આવે. તો ગુરુ તમારી સંપૂર્ણ જવાબદારી સંભાળે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *