ભાવનાજ્ઞાન
પ્રભુના શબ્દોને એ રીતે આત્મસાત્ કરવા છે કે એ શબ્દો આપણા મનનો, આપણા હૃદયનો, આપણા અસ્તિત્વનો કબજો લઇ લે. એક ગ્રંથ અસ્તિત્વના સ્તરનો હશે ને, તો તમે એ ગ્રંથ વાંચો છો – એમ નહિ; પણ તમે એ ગ્રંથને જીવી રહ્યા છો. પ્રશમરતિ તમે કરી એટલે તમારા ચહેરા ઉપર, તમારી આંખોમાં, તમારા અસ્તિત્વના સ્તર ઉપર માત્ર પ્રશમ જ પ્રશમ દેખાય.
એક એક ગુણને આત્મસાત્ કરવો છે. ક્ષમા ગુણ એટલો આત્મસાત્ થઈ જાય કે ગમે તે વ્યક્તિ, ગમે તેવું આચરણ કરે તમારા પ્રત્યે, તમને સહેજ પણ ક્રોધ ન આવે. મૈત્રીભાવ તમે એટલો પ્રગાઢ બનાવેલો હોય કે કોઇ પણ વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ સપનામાં પણ તિરસ્કાર ન આવે.
શ્રુતજ્ઞાન એ બાકસમાં રહેલી દીવાસળી જેવું છે. શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન માંથી આપણે ભાવનાજ્ઞાન સુધી જવું છે. ભાવનાજ્ઞાનનો મતલબ એ થયો કે તમે બાક્સમાં રહેલી દીવાસળીને ઘર્ષણપથમાં લાવ્યા અને સીધો પ્રકાશ આવી ગયો! ભાવનાજ્ઞાનમાંથી જ અનુભૂતિ પ્રગટશે.સે જલ મીના રે
નવસારી તપોવન વાચના – 41 [8.5.2020]
“ચિત્ત મૈ શ્રુત ઐસે બસે, જેસૈ જલ મીના રે”. પ્રભુના શબ્દો આપણા મનનો, આપણા હૃદયનો, આપણા અસ્તિત્વનો કબજો લઇ લે.
ઘણીવાર એવું બને એક માણસ શેરીમાંથી પસાર થતો હોય. T.v પર એક ગીત ચાલતું હોય. એ આગળ ને આગળ ચાલી રહ્યો છે અને એ જ ગીતનું અનુસંધાન ચાલ્યા કરે છે. ત્રણ મિનીટ પછી એના હોઠમાંથી એ જ ગીત સરવા માંડશે. પ્રભુના શબ્દોને એ રીતે આત્મસાત્ કરવા છે કે આપણું જીવન જ પ્રભુમય બની જાય.
જાપાનમાં એક બૌદ્ધ ધર્મગુરુએ એકવાર કહ્યું કે ભગવાન બુદ્ધના વચનોને છપાવવા છે. માટે એક ફંડ જોઈએ છે. ફંડ ભેગું પણ થઈ ગયું. એ ફંડ ભેગું થયું. છપાવવાની તૈયારી શરૂ થાય છે. ત્યાં જ ભયંકર અતિવૃષ્ટિ. નદીઓમાં પુર… સેંકડો ગામો ક્ષત-વિક્ષત.. એ જ વખતે ગુરુએ કહ્યું; એ આ બધું જ ફંડ આ અતિવૃષ્ટિ પીડિતો માટે વાપરી નાંખો. વપરાઈ ગયું પૂરું ફંડ. છ મહિના પછી ગુરુએ બીજીવાર હાંકલ પાડી. બુદ્ધ ભગવાનના વચનો પ્રકાશિત કરવા છે. ફરી ફંડ ભેગું થયું; અને દુષ્કાળ… ભયંકર દુષ્કાળ… ગુરુએ કહ્યું; આ ફંડને દુષ્કાળ પીડિતો માટે વાપરી નાંખો. ત્રીજીવાર ફરી ફંડ એકઠું થયું. લોકોની એક શ્રદ્ધા હોય છે ને ગુરુ પરની. અને લાગે છે કે આ સદ્ગુરુ, એમના હાથે એક પણ પૈસો આમથી આમ થવાનો નથી.
આજે આપણે ત્યાં કુમારપાળ ભાઈને ત્યાં લાખો રૂપિયા લઈને લોકો દોડ્યા આવે છે. કુમારપાળ ભાઈને ના પાડવી પડે છે. હું શી રીતે ખર્ચી શકીશ?
ત્રીજીવાર ફંડ એકઠું થયું. પુસ્તકો છપાયા. એની પ્રસ્તાવનામાં બહુ જ મજાનું લખવામાં આવ્યું કે બુદ્ધ ભગવાનના વચનોનું આ સંકલન છે. બે અદ્રશ્ય આવૃત્તિ પછીની આ ત્રીજી દ્રશ્ય આવૃત્તિ છે. કારણ, બુદ્ધ ભગવાને માત્ર કરુણા ઉપર જ કહ્યું છે. તો કરુણાની અંદર એ ફંડ વપરાયું. તો એ પહેલી વાર અદ્રશ્ય રૂપે એ ગ્રંથ છપાઈ ગયા. બીજી વાર પણ અદ્રશ્યરૂપે એ ગ્રંથો છપાયા. આ ત્રીજી દ્રશ્ય આવૃત્તિ આવી.
આપણે પણ ગ્રંથોની જીવંત આવૃત્તિ બનવું છે. એટલે જ ગઈ કાલે કહેલું એક ગ્રંથ અસ્તિત્વના સ્તરનો હશે ને, તો તમે એ ગ્રંથ વાંચો છો એમ નહિ કહું તમે એ ગ્રંથને જીવી રહ્યા છો. એ ગ્રંથનો શબ્દ-શબ્દ તમારામાંથી બોલકો થઈને બહાર આવે.
પ્રશમરતિ તમે કરી. બસ, તમારા ચહેરા ઉપર, તમારી આંખોમાં, તમારા અસ્તિત્વના સ્તર ઉપર માત્ર પ્રશમ દેખાય.
દલાઈલામાં ભારત આવ્યા તિબેટથી. અને ચીને તિબેટ ઉપર કબજો કર્યો. એક બૌદ્ધ ભિક્ષુ રહી ગયેલા તિબેટમાં. ચીની સત્તાવાળાઓએ એમને પકડ્યા. જેલમાં પૂરી દીધા. કારણ કોઈ જ નહિ બસ. અઢાર વરસ સુધી એ બૌદ્ધ ભિક્ષુને ચીનની જેલોમાં રાખવામાં આવ્યા. ખાવાની પણ તકલીફ, પીવાની તકલીફ, બધી જ તકલીફો. અઢાર વર્ષે મુક્ત થયા. ભારત આવ્યા દલાઈલામા પાસે. દલાઈલામાને વંદન કર્યું.
તમને ખ્યાલ છે, બૌદ્ધ પરંપરામાં? એક દલાઈલામા હતા. એ અવસાન પામ્યાં. હવે નવા ગુરુ કોણ બનશે? તો પુરા તિબેટની અંદર પાંચેક વરસ પછી શોધ ચાલે કે દલાઈલામા ફરીથી પુનર્જીવિત થયા હોય એવું કોઈ બાળક મળે છે? ઘણા લોકો પોતાનું બાળક લઈને આવે. આવું શુકન થયેલું ને, આવું સપનું આવેલુ ને, આમ થયું. હવે દલાઈલામા એટલે, માત્ર સર્વશ્રેષ્ઠ ગુરુ જ નહિ, તિબેટના શાસક પણ એ! રાજ્યગુરુ અને ધર્મગુરુ બેઉ! પણ એના માટેની આખી સિલેકશન કમિટી હોય. એ કમિટી નક્કી કરે કે આ બાળકની અંદર દલાઈલામાના અંશો અવતર્યા છે. એ બાળકને પસંદ કરે. પાંચ વરસની વયે એ ગુરુ બની જાય. પછી એને શિક્ષણ આ તે બધું જ આપવામાં આવે.
તો દલાઈલામા પાસે શિષ્ય આવ્યો. ચરણોમાં પડ્યો. તો ગુરુએ પૂછ્યું; કે અઢાર વરસ તું ચીનની જેલમાં રહ્યો. તકલીફો તો પડી જ હશે. તો સૌથી મોટી તકલીફ કઈ પડી? એણે એટલી સરસ વાત કરેલી. મેં આ ઘટના વાંચી ને મારી આંખો ભીની થઈ ગઈ. એ બૌદ્ધ ભિક્ષુ કહે છે; ગુરુદેવ! અઢાર વરસમાં એક જ ભય મને સતાવતો હતો. અને એ ભય એ હતો કે આ ચીની લોકો પ્રત્યેની મારી કરુણા ઓછી તો નહિ થઈ જાય?! એ લોકો તરફથી મારા કોઈ અપરાધ વિના જેલમાં મને પુરવામાં આવ્યો ત્યાં સુધી ઠીક છે. ત્યાં પણ કોઈ સુવિધા મને આપવામાં ન આવે. પણ એક ભય સતત સતાવે, બીજા કોઈ ભય નહતા, બીજી કોઈ તકલીફ નહતી, એક જ ભય હતો કે આ લોકો પ્રત્યેની મારી કરુણા ઓછી ન થાય. લાગે કે પ્રશમરતિ જીવંત થઈ ગયા. અઢાર-અઢાર વરસ સુધી જે લોકો સતત પીડા આપી રહ્યા છે, એના પરની પણ કરુણા ઓછી ન થાય એની ચિંતા એમને છે! આ શું થયું? એ ધર્મગ્રંથનું જીવંત સંસ્કરણ.
આપણે ત્યાં પરંપરામાં એક ઘટના આવે છે. ધર્મઘોષસૂરી મહારાજ. બહુ જ જ્ઞાની ગુરુ. એકવાર રાતના સમયે સાપ કરડી ગયો. એ વખતના ઉપાશ્રયો. પાછળ જ જંગલ વિગેરે હોય. જંગલમાંથી સાપ નીકળેલો. આચાર્ય ભગવંત બહાર ક્યાંક ઉભા હશે. સહેજ અંધારું થયેલું. સાપ કરડી ગયો. હો-હા થઈ ગઈ. સાહેબજીને પાટ ઉપર બિરાજમાન કર્યા. શ્રાવકો બહુ જ ભક્તિવાળા. બધા ભેગા થઈ ગયા. આને બોલાવો; આ ઝેર ઉતારી નાંખશે. નહિ-નહિ પેલો ગારુડીક બહુ સારો છે, એને બોલાવો. ગુરુદેવ એટલા બધા કરુણામય અને જીવો પ્રત્યેની કરુણા એમણે આત્મસાત્ એટલી કરેલી કે એમને થયું કે આ લોકો મારા માટે વિરાધના કરે બરોબર નથી. આને લેવા જાય ને આને લેવા જાય, આને મુકવા જાય. કે ભાઈ તમે ચિંતા નહિ કરો. આ ઝેર ઉતરી જશે. પણ એમ પેલા થોડી માને? ત્યારે ગુરુએ કહ્યું; કે ભાઈ જુઓ બીજી કોઈ રીતે આ ઝેર ઉતરવાનું નથી. કાલે સવારે નગરના પૂર્વ દરવાજે તમારે ઉભા રહેવાનું બે-ચાર શ્રાવકોએ. પહેલી જ જે કઠીયારણ બાઈ લાકડાને લઈને આવે, એના લાકડાના ભારાને ઇંઢોણી સહીત તમારે લઇ લેવાનો. એ ઇંઢોણી કાંઈ સામાન્ય નથી. એની ઇંઢોણી તૂટી ગયેલી હશે. એટલે જંગલમાંથી જ એક વેલીની એ ઇંઢોણી બનાવશે. અને એ ઇંઢોણી ઉપર એ ભારો ચડાવશે. એટલે ભારાને ઇંઢોણી સાથે તમે લઇ લેજો. અને એ જે વેલીની ઇંઢોણી બનાઈ છે એને, એ સર્પહર વેલી છે. વિષહર વેલી છે. એને સહેજ ઘસવામાં આવશે, અને ડંખની જગ્યાએ લગાવવામાં આવશે, ડંખ ઉતરી જશે, ઝેર ઉતરી જશે. ગુરુના વચનોમાં પૂરો વિશ્વાસ. ચાલો રાત જવા દો. સવારે એ જ રીતે બાઈ આવી. ભારો અને ઇંઢોણી ખરીદી લીધા. એને કહ્યું, એના કરતા ડબલ ભાવ આપી દીધો, અને એ વેલી ઘસી ગુરુદેવને લગાડી, ઝેર નીકળી ગયું.
તમે વિચાર કરો કે કરુણા કેટલી આત્મસાત્ થયેલી હશે! કે આવા મોટા જ્ઞાની ગીતાર્થ, એમના માટે તો અપવાદ સેવવો પડે તો પણ કાંઈ વાંધો હતો નહિ. કારણ કે એમનું જીવન હજારો માટે ઉપકારી બનતું હોય છે. તો એમને તો આમ જુઓ તો લાંબો કોઈ અપવાદ પણ સેવ્યો નથી. માત્ર એક વનસ્પતિની વિરાધના એ પણ થોડી થઈ છે. એમણે પોતે એનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું. યાવજ્જજીવન છ વિગઈનો ત્યાગ.! એ ગુરુ હતા. Guru is the supreme boss. શિષ્યો કહી ન શકે કે સાહેબજી આપે આમ કેમ કર્યું? પણ કરુણા કેટલી આત્મસાત્ થયેલી, બોલો!
એટલે આપણે આંતર-નિરીક્ષણ એ કરવું છે કે કયા ગુણને મેં આત્મસાત્ કરેલો છે? કોઇ પણ ગુણ કરો, વાંધો નથી. એક ગુણને આત્મસાત્ કરવાની વિધિ જો હાથમાં આવી ગઈ તો ફટાફટ બીજા ગુણો ઉપર પ્રભુત્વ તમારું સ્થપાઈ જશે. મહેનત એક માં જ હોય છે. શરૂઆતમાં જ તકલીફ હોય પછી તો મજા જ હોય. એટલે એક ગુણને આત્મસાત્ કરો. ક્ષમા એટલો આત્મસાત્ થઈ જાય કે ગમે તે વ્યક્તિ, ગમે તેવું આચરણ કરે તમારા પ્રત્યે, તમને સહેજ પણ ક્રોધ ન આવે. મૈત્રીભાવ તમે એટલો પ્રગાઢ બનાવેલો હોય કે કોઇ પણ વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ સપનામાં પણ તિરસ્કાર ન આવે.
મેં આ માર્ક કરીને જોયું કે મુખ્યતયા બે દર્દો આપણને પીડે છે. બે દોષો. જડ પ્રત્યેનો રાગ અને જીવ પ્રત્યેનો દ્વેષ. એમાં પણ એવું લાગે કે સાધક તરીકે તમે આવ્યા છો, ત્યારે જડ પ્રત્યેનો રાગ તમારો થોડો ઓછો થયો હશે. પણ હું જે સેંકડો આલોચના વાંચું છું. એ પરથી મને લાગે કે ચેતના પ્રત્યેનો દ્વેષ કાઢવો બહુ અઘરો છે. એ વ્યક્તિએ કશું જ ખરાબ કર્યું નથી હોતું. હવે તમારી અપેક્ષા આમ હતી કે એણે આમ કરવું જોઈએ. હવે એ કયો એવો જ્ઞાની હતો કે તમારી અપેક્ષાનું એનું જ્ઞાન થાય? એ એની રીતે વર્ત્યો. તમારી અપેક્ષા પ્રમાણે ન વર્ત્યો. તમને એના ઉપર ગુસ્સો આવે છે. છે તમને રાઇટ ગુસ્સો કરવાનો? કોઈ ગાળ બોલે તો ગુસ્સે થવાનો તમને અધિકાર નથી. ગાળ એ વ્યક્તિ બોલતી નથી, મારું કર્મ બોલે છે. તો તિરસ્કાર ક્યારેય પણ ન આવે. આ એક આપણે આત્મસાત્ કરીએ તો થઈ જાય. મૈત્રીભાવને આત્મસાત્ કરવાનો છે.
એકવાર પંન્યાસજી ભગવંત ભદ્રંકરવિજય દાદાને મેં પૂછેલું; હું તો નાનો એ વખતે. બાવીસેક વરસની ઉંમર હશે. રાજસ્થાન લુણાવા ગયેલા. સાહેબજી ત્યાં હતા. મેં સાહેબજીને પૂછ્યું; કે સાહેબજી આપના પુસ્તકો મેં વાંચ્યા. આપ માત્ર મૈત્રીભાવની વાત કર્યા કરો છો. કેમ બીજા ઉપર આટલું ફોકસિંગ નથી હોતું? એટલા પ્રેમાળ પોતે. મૈત્રીભાવ ઉપર લખતાં હતા કે બોલતા હતા એમ નહિ. મૈત્રીભાવ એમના જીવનમાં વણાઈ ગયેલો હતો. મને કહે બેટા; ગુરુ છે ને ડોક્ટર હોય છે. ડોક્ટર પેશન્ટમાં શું જુવે? કે કયું તત્વ ખૂટે છે? રોગ તો આવ્યો. રોગ થવાનું કારણ શું છે? વિટામીન a ખૂટ્યું, d ખૂટ્યું, c ખૂટ્યું, શું ખૂટ્યું? મિનરલ્સ ખૂટ્યા? તો ડોકટર એ જુવે છે, અને એ તત્વની પૂર્તિ કરી નાંખે છે. એ ઇન્જેક્શન આપે કે દવા આપે. એ જ રીતે ગુરુ જે છે એ ડોકટરના સ્થાને.
તો મેં આપણા શ્રીસંઘનું અવલોકન કર્યું. શ્રીસંઘ દાનધર્મમાં ખુબ આગળ છે. તપધર્મમાં એટલો આગળ છે. શીલધર્મમાં જોઈએ તો દીક્ષાઓ એટલી વધી રહી છે. પણ ભાવધર્મમાં આપણી કચાશ છે. મૈત્રીભાવ જે આપણામાં જોઈએ એ નથી. અને મૈત્રીભાવ ઓછો થઈ ગયો છે, એના કારણે જે સંઘની શક્તિ, આ યુગમાં પણ હોવી જોઈએ, એ દેખાતી નથી.
હું ઘણીવાર કહું છું કે ૧૦,૦૦૦ કે ૧૫,૦૦૦ સાધુ-સાધ્વીઓ શું કરે એમ નહિ, શું ન કરી શકે, એ મને કહો? તમે આખી દુનિયાની કાયાપલટ કરી શકો.! એક રમણ મહર્ષિ ગુફામાં બેઠા હોય. તો એ સેંકડોના હૃદયનું પરિવર્તન કરી શકતા હોય. ૧૦,૦૦૦ કે ૧૫,૦૦૦ સાધુ-સાધ્વીઓ શું ન કરી શકે, મારે કહેવું છે! એક મૈત્રીભાવનું આંદોલન આપણું ચાલે અને અહિંસાની આવી એક સરવાણી આપણે ચલાવીએ કે પૂરી દુનિયાના લોકોના મનમાં અહિંસા પ્રસ્થાપિત થાય.
તમને ખ્યાલ છે. રેકી આજે બહુ જ પ્રતિષ્ઠિત વિદ્યા છે. હવે રેકીમાં જે ફર્સ્ટ ડીગ્રીમાં હોય એ લોકો ૧૦૦ કિલોમીટર દુર રહેલા પેશન્ટને પણ પોતાનો ભાવ આપી શકે છે. એ વ્યક્તિનું નામ લે. એ સ્વસ્થ થાઓ, એ સ્વસ્થ થાઓ, એ સ્વસ્થ થાઓ, અને થઈ જાય છે! એ જ રીતે મૂઠ મારવાની વિધિ છે. આદિવાસી લોકોમાં વધારે હોય. કોઈના પ્રત્યે ગુસ્સો આવી ગયો, દ્વેષ આવી ગયો. એ લોકોને સીધી મારવા-કૂટવાની જ વાત હોય. એના ત્યાં સીધું તલવાર લઈને પહોંચાય એમ નથી. એનું માટીનું પુતળું બનાવે. અને એમાં પ્રત્યારોપણ કરે કે આ પેલો માણસ છે. વિચાર કરો. મૂર્તિ બનાવવી સહેલી વસ્તુ છે? આપણે આપણા ગુરુની મૂર્તિ બનાવતા હોઈએ છીએ ને આપણને ખ્યાલ છે. દસ મૂર્તિ બનાવીએ તો એક મૂર્તિમાં ફેસિયલ એક્શ્પ્રેશન નથી આવતું. તો આદિવાસી-અનગઢ માણસ એ માટીનું પુતળું બનાવે તો એમાં કંઇ પેલાની શકલ તો આવવાની નથી. માત્ર મન દ્વારા એ પ્રત્યારોપણ કરે છે – આ પેલો માણસ છે. અને પછી એના મંત્રો એ કામ કરે છે. અત્યારે પણ આ વિધિ ચાલુ જ હોય છે. એનો હાથ કાપે, પેલાનો હાથ કપાઈ જાય. આનું માથું કાપે એટલે પેલાનું માથું કપાઈ જાય. તો આ શું થયું? વિચારોની તાકાત.! તો જેમ સારા વિચારોની તાકાત છે, અહિંસાના વિચારોની તાકાત કેમ ન હોય?
કોરોના જેવી મહામારીનું મુખ્ય કારણ તો પ્રબળ હિંસા જ છે. કેટલી હિંસા વધી ગઈ? આપણે પેપરમાં વાંચીએ જ છીએ બધું. જીવંત પશુઓને ખાઈ જાય છે. માણસ જેવો ક્રૂર પ્રાણી બીજું કોઈ નથી. અમુક તો પ્રજાતિઓ સાફ કરી નાંખી.! વનસ્પતિ વિદોને, પક્ષીવિદો અને પશુવિદો ચિંતામાં છે. કે આટલા-આટલા પક્ષીઓ ખતમ થઈ ગયા.! બે-ચાર પણ ન રહ્યા કે આખી પ્રજાતિ નષ્ટ થઈ ગઈ.! તો આ જે હિંસાના વિચારોનું તાંડવ ચાલ્યું છે, એની સામે અહિંસાના વિચારનું આપણે એક મજાનું સંપ્રેશણ કરી શકીએ.
તો પંન્યાસજી ભગવંતે કહ્યું કે આપણા શ્રીસંઘમાં માત્ર મૈત્રીભાવ ખૂટે છે. તો મને પોતાને લાગ્યું કે મૈત્રી ભાવ ખૂટે છે તો મૈત્રીભાવ વધારવા માટે ઉપદેશ આપું છું. ને સાચો ગુરુ આ જ છે. જે શ્રોતાને, શ્રોતાની ભૂમિકાને પકડે છે, અને એને અનુરૂપ દવા આપે છે. કોઈ સાધુને આયંબિલ ગમે છે. ને બધાને આયંબિલ આપ્યા કરે તો એમાં જે છે ને દોષ લાગે છે. જે ‘વિવરીય પરોવયણાએ’ કહ્યું ને, તે આ છે. તમને ગમે છે અને તમે બીજાને આપો એ વાત નહિ, એની જરૂરિયાત છે એ તમે એને આપો તો તમે ગુરુ છો.
ઘણીવાર છે ને અત્યારે ડોકટર અને કેમિસ્ટની સાંઠ-ગાંઠ હોય છે. અને કેમિસ્ટ કહેશે, સાહેબ! આ દવા જરા પડી રહી છે, અને ખપાવવાની છે. ડોક્ટર દરેક પ્રિસ્ક્રીપ્શનમાં એ દવા તો લખી આપે. તો એ ડોકટરે ગુનો કર્યો. મેડિકલ એથીક્સ પ્રમાણે ગુનો છે. એને જરૂર નથી અને તમે એને દવા આપી અને ખાડામાં ઉતારી નાંખ્યો.
તો એ જ રીતે સામાને શું જરૂરિયાત છે? એનો તમને ખ્યાલ ન આવે. ત્યાં સુધી તમે ધર્મ શી રીતે આપો? એટલે સાધનાદાતા બનવું સહેલું નથી. તમે સાધનામાં પરિપક્વ બનેલાં હોવ એટલું જ નહિ. તમને બીજાનું face -reading કરતા આવડે છે. બીજાની સાધના ક્યાં પહોંચી, એ જોતા તમને આવડે છે. એની સાધનામાં ક્યાં અવરોધ આવ્યો એ પિછાણતા તમને આવડે છે. અને પછી તમે એને appropriate સાધના આપો છો ત્યારે તમે સાધનાદાતા છો.
એટલે આપણી પરંપરા એ છે. “ગુરુણં અંતિએ સિઆ” ગુરુ મહારાજની નજીક શિષ્ય બેઠેલો હોય. ઘણીવાર એવું બને. ગુરુ મહારાજ ગયા. શિષ્યને એક પરિસ્થતિ આવે. તરત વિચારી લે. આવું ક્યારેક બન્યું હશે ને? ત્યારે ગુરુ મહારાજે શું કર્યું હતું? યાદ કરે. હા, આવું બનેલું ત્યારે ગુરુ મહારાજે આમ કર્યું. હા બરોબર. એટલે આ રીતે ગુરુગમ દ્વારા તમને ઘણું બધું મળે. શાસ્ત્ર, પરંપરા અને ગુરુગમ ત્રણ વસ્તુ છે. અને ત્રણથી મળેલું જે જ્ઞાન છે એ પરિપૂર્ણ છે. પરંપરા પણ જોઇશે. તમને પરંપરાઓનું જ્ઞાન પણ જોઇશે. કોઇ પણ પરંપરા જે વર્ષોથી ચાલી આવી છે. એનું અધ્યયન કરવાનું. અધ્યયન કરશો એટલે એની ખૂબી તમને જાણવા મળી જવાની. એટલે ક્યારેય પણ પરંપરાને જાણ્યા વિના, પરંપરાનો વિરોધ નહિ કરવાનો.
૮૦ વરસના માજી સામાયિક કરે છે. એનો નવકાર પણ સાચો નથી. શું સામાયિક તમારું લે? પરંપરા તોડવી નથી. તમે પરંપરાને તોડી શકતા નથી. વિધિનું જ્ઞાન આપવાની કોશિશ પણ કરો. બધું જ કરો. વિધિપૂર્વક પેલો કરે તો તમે રાજી પણ થાઓ. પણ એથી કરીને એક પરંપરા જે ચાલે છે એને દુર કરવાનો તમને અધિકાર નથી.
ગુરુવેશીકામાં હરિભદ્રસૂરી મહારાજે આ વાત લખી છે. અને ઉપાધ્યાયજી એ એને સ્પષ્ટ કરી કે તમે વિધિનું સ્થાપન કરી ન શકો અને અવિધિનું ખંડન કરી નાંખો; તમે તો ક્યાંયના ન રહ્યા.! જે માર્ગ ચાલતો હતો એનું ખંડન કરી નાંખ્યું. માર્ગમાં ક્યાં શુદ્ધિ જરૂરી છે એની વાત તમે કરી શકો. માર્ગનું ખંડન કોઈ હિસાબે ન કરી શકાય. એટલે આ રીતે પરંપરાનો અનુભવ, ગુરુગમ અને શાસ્ત્રજ્ઞાન. આ ત્રણ આપણી પાસે જોઇશે. એ હશે તો જ ‘ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જેસૈ જલ મીના રે’. આત્મસાત્ થઈ ગયો પછી.
ઓશોની વાત છે. એ તો અતિશયોક્તિ પણ કરી શકે. પણ એકવાર એવું બનેલું કે ઓશો બુદ્ધ ઉપર બોલતા હતા. દુનિયાના બધા મહાપુરુષો ઉપર એ બોલી ચુક્યા છે. ‘एस धम्मो सनंतनो’ ના દસ વોલ્યુમ છે, ‘धम्मपद’ ઉપરના. સરસ છે. ‘धम्मपद’ એટલે આપણા ઉત્તરાધ્યયન જેવો જ ગ્રંથ છે. એવી જ શૈલી.. અને એવી જ ભાષા.. તો એ બોલ્યા. એકવાર એ કંઇક બોલ્યા. આ તો રેકોર્ડ બધું થાય. ધર્માનંદ કૌશામ્બી બૌદ્ધ ધર્મના બહુ જ નિષ્ણાંત બન્યા મોટા. એમને પૂછવામાં આવ્યું કે ઓશોએ આમ કહ્યું છે. તો કહે; નહિ, આ વાત શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં આ વાત ક્યાંય છે જ નહિ. અને બૌદ્ધ ધર્મ ઉપર ઓથોરીટી હતા એ. બીજા દિવસે પ્રવચનમાં પ્રશ્નોત્તર ચાલે, ત્યાં એક જણાએ પ્રશ્ન કર્યો કે આપે કાલે આમ કહ્યુ હતું. ધર્માનંદ કૌશામ્બી કહે છે કે બૌદ્ધગ્રંથોમાં આ વાત છે નહિ. તો એ શું બોલે છે? ધર્માનંદ કૌશામ્બીને કહી દેજો કે બુદ્ધ આમ જ બોલ્યા હતા, ભલે શાસ્ત્રોમાં ન લખાયું હોય. આ તો એક અતિશયોક્તિ પણ હોઈ શકે. પણ તમારી પાસે એક આત્મવિશ્વાસ આવે. તમે જકારપૂર્વક કહી શકો કે તું આટલું કરીશ તો તને મળશે જ આવું. કેમ ન મળે? ‘ઇતને સે હરિ ના મિલે, તુલસીદાસ જબાન’ તું આટલું કરે તને ભગવાન મળવા જ જોઈએ. ન કેમ મળે? હું વચ્ચે છું ને! એ ગુરુના વચનોમાં તાકાત ક્યાંથી પ્રગટે છે? આમાંથી પ્રગટે છે.!
તો પ્રભુના વચનો છે ને એને બોક્ષમાં મુકાયેલી દીવાસળી કહેવાય છે. બાકસમાં મુકાયેલી દીવાસળી. દીવાસળી એમ ને એમ પડી રહેવાની. તમે એને બહાર કાઢો. અને બાકસની દીવાલ સાથે અથડાવો. ઘર્ષણપથમાં લાવો અને સીધી જે છે તે અગ્નિ પ્રગટશે. એમ શ્રુતજ્ઞાન જે છે એ બાકસમાં રહેલી દીવાસળી જેવું છે. ચિંતાજ્ઞાને પણ આપણે અટકવાનું નથી. આપણે ભાવનાજ્ઞાન સુધી જવાનું છે. એ ભાવનાજ્ઞાન જે છે એનો મતલબ એ થયો કે તમે દીવાસળીને ઘર્ષણપથમાં લાવ્યા, સીધો પ્રકાશ આવી ગયો. એટલે અનુભૂતિ માટે માત્ર શ્રુતજ્ઞાન કે માત્ર ચિંતાજ્ઞાન નહિ ચાલે. અનુભૂતિ માટે ભાવનાજ્ઞાન જોઇશે.
અને એટલે જ શાંતસુધારસમાં કહ્યું, ‘भावय रे वपुरिदमतिमलिनं’ ‘ચિંતય રે’ એમ નથી કહ્યું. ‘શ્રુણુંતે’ નથી કીધું. ‘भावय रे वपुरिदमतिमलिनं’ એટલે બહુ મજાની વાત છે. સો વાર એક માણસે સાંભળ્યું છે, કે દેહ આવો છે, એ તો ખબર જ છે એને પણ હવે. વ્યાખ્યાનમાં ના આવે તો પણ ખબર જ છે, પરસેવો જે હોય છે, ગંદો જે હોય છે. અને શરીરમાં બીજું કંઇ છે પણ નહિ ગંદકી સિવાય. છતાં દેહાધ્યાસ જતો નથી કેમ?
હું ઘણીવાર કહું છું, સો વાર તમે સાંભળ્યું છે કે શરીર ગંદકીનો ખજાનો છે. મોહ-માયા એ કચરાની વાડ છે. અને છતાં એના પરનો પ્રેમ તમારો મટવાનો નથી, એકસો એકમી વાર હું તમને સંભળાવું તો પણ.! અનુભૂતિ વિના કોઈ માર્ગ નથી! અને આપણે કોણ જાણે અનુભૂતિનો માર્ગ જ છોડી જ દીધો છે! માત્ર સ્વાધ્યાયમાં રચ્યાં-પચ્યા રહીએ છીએ. એ નહિ ચાલે. ધ્યાન વિના કેમ ચાલશે? ધ્યાન તો આપણી જીવંત પરંપરા હતી. ને ધ્યાન વિના અનુભૂતિ શક્ય નથી.
તો સ્વાધ્યાયને ધ્યાનની ભૂમિકા ઉપર મૂકી દો તો શું થાય? ‘ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે”.
