Mumukshu Vachna | 15-05-20 | Navsari Tapovan

21 Min Read

નિર્મળ હૃદય + એકાગ્ર ચિત્ત = ધ્યાન

ધ્યાન માટેની બે સજ્જતા : નિર્મળ હૃદય અને એકાગ્ર ચિત્ત. હૃદયની નિર્મળતા વિનાનું ધ્યાન એ ધ્યાન છે જ નહીં; માત્ર પ્રાણાયામ છે. અને જો ચિત્તની એકાગ્રતા નથી, ધ્યાનમાં કોઈ વિચાર આવી ગયો અને તમે એમાં ભળી ગયા, તો પણ ધ્યાન ગયું.

કોમળતા અને પરમ વિરાગ – આ બેનું સંમિશ્રણ જ્યાં હોય એ નિર્મળ હૃદય. કોમળભાવ આવ્યો, એટલે તમને કોઈના પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ ન થાય. અને પરમ વિરાગ આવ્યો, એટલે કોઈના પ્રત્યે રાગ ન થાય.

એકાગ્ર ચિત્ત માટે મારી દ્રષ્ટિએ સૌથી સરસ ઉપાય છે જાપ. અર્હં કે નમો અરિહંતાણં જેવું નાનકડું પદ લેવાનું. એનો ભાષ્યજાપ કરો તો પણ ચાલે, અંતર્જપ કરો તો પણ ચાલે. કોશિશ એ જોઈએ કે જ્યારે જપ તમારો ચાલુ છે ત્યારે એક પણ વિચાર ન આવે.




નવસારી તપોવન વાચના – 48 [15.5.2020]

ધ્યાનનું ultimate goal શું એ કાલે આપણે જોયું – આત્મ-સ્મૃતિ, આત્માનુભુતિ. પણ,ધ્યાન કરવાનો પ્રારંભ કરીએ ત્યારે આપણી સજ્જતા શું જોઈએ? નિર્મલ હૃદય અને એકાગ્ર ચિત્ત – આ બે ધ્યાન માટેની પૂર્વ શરતો છે.

કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં કે તમારી પાસે જો નિર્મલ હૃદય નથી તો તમારી પાસે ધ્યાન નથી, માત્ર પ્રાણાયામ છે. તો ધ્યાન માટેની પહેલી આવશ્યક શરત નિર્મલ હૃદય. કોમળતા અને પરમ વિરાગ આ બેનું સંમિશ્રણ જેમાં હોય એ નિર્મલ હૃદય. પરમ વિરાગ તમારી પાસે નથી અને કોમળ ભાવ છે, તો કદાચ તમે આસક્તિ તરફ પણ ફંટાઈ શકો છો. એટલે કોમળ ભાવ જરૂર પણ એ કોમળ ભાવ પરમ વિરાગની સાથે હોવો જોઈએ. પરમ અનાસક્ત દશા તમારી પાસે છે. એક પણ વ્યક્તિ પર, એક પણ પદાર્થ પર કે even તમારા શરીર ઉપર તમને આસક્તિ થવાની નથી. હવે જે તમારો કોમળભાવ આવશે ને, એ વાસ્તવિક હશે.

એટલે જ આપણે સાક્ષીભાવ અને સમર્પણનું મિશ્રણ કરીએ છીએ. એકલો સાક્ષીભાવ ક્યારેક કોરો પડી જાય છે. અહંકાર પાછલા બારણેથી દાખલ થઇ જાય છે. હું સાક્ષીભાવમાં કેટલો આગળ આવ્યો! પણ જો સમર્પણ હોય પ્રભુ આજ્ઞા પ્રત્યેનું, તો સમર્પણ હોય ત્યાં અહંકાર આવવાનો નથી! એટલે એ સાક્ષીભાવ શુદ્ધ બની જશે. તો એ જ રીતે કોમળતા તમારી પાસે હોય, એટલું જ જરૂરી નથી, પરમ વિરાગ પણ તમારી પાસે હોવો જોઈએ. અને એટલે જ એક સાધક પરમ વિરાગી બનીને ગુરુ પાસે આવ્યો છે ત્યારે ગુરુ એને સાધના આપે છે; “सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्” તારી પાસે પરમ વિરાગની આધારશિલા છે? તો તને કોમળભાવ આપું છું. એમનેમ કોમળભાવ તું ટકાવી નહિ શકે. આપણા ત્યાં કહે ને સિંહણનું દૂધ હોય એ સુવર્ણપાત્રમાં જ ઝીલાય, બીજે ન ઝીલાય. તો કોમળતા + પરમવિરાગ આ બેનું મિશ્રણ જે હૃદયમાં છે એ હૃદય નિર્મળ હૃદય છે.

હમણાંની એક સરસ ઘટના વાંચેલી. એક સંત હતાં. પરમવિરાગી. શિષ્યો પણ એમના ઘણા હતાં. રોજ સવારે પ્રાર્થના કરવાની જ. અને એમાં બધા શિષ્યોએ compulsory હજાર રહેવાનું. ગુરુ પ્રાર્થનાના મંત્રો બોલે. છેલ્લે ગુરુ એક વાક્ય બોલે; પ્રભુ! મારા એ અપરાધની માફી આપજો. એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, મહિનો, બે મહિના, ચાર મહિના, વર્ષ, બે વર્ષ, ચાર વર્ષ રોજની પ્રાર્થનાની છેડે ગુરુ આ વચન બોલે છે: પ્રભુ! મારા એ અપરાધની માફી આપજો. શિષ્યો કેવા હશે વિચાર કરો કે શિષ્યોને એ જાણવાની ઈચ્છા નથી થતી કે આપણા આટલા મોટા ગુરુદેવ એમણે વળી કયો અપરાધ કર્યો હશે કે પ્રભુ પાસે માફી માંગે છે. અને એ પણ એકવાર માફી માંગે, બે વાર માફી માંગે, આ તો પાંચ, સાત, દસ વર્ષથી માફી માંગવાનું ચાલુ છે. કયો અપરાધ કર્યો હશે? પણ, આવો સવાલ શિષ્યને થાય નહિ.

ખરેખર શિષ્યત્વની પરિભાષા છે ને આપણે જાણતા જ નથી. હું ઘણીવાર કો’કને ગુરુ બનાવવાનો હોય ને વ્યવહારથી ત્યારે હું એને પહેલાં કહું; શિષ્ય તો બન પહેલા ! પછી ગુરુ બન! તું આખી જિંદગી મથીને મરીશ, તો પણ શિષ્યત્વ આવવાનું નથી. તો ગુરુ બનવાના આભરખા કેમ રાખ્યાં છે? તો શિષ્યને આ સવાલ થાય જ નહિ! ગુરુ બોલે છે કોઈ અપરાધ કર્યો હશે એમણે. જે હોય તે ગુરુ જાણે. ગુરુના સંબંધમાં કોઈ પ્રશ્ન અમારે કરવાનો નથી. અને બીજા કોઈના સંબંધમાં પણ અમારે કંઈ પૂછવાનું નથી. અમારે માત્ર ગુરુદેવ પાસે એટલું જ જાણવાનું છે, કે હું એક બરોબર છું કે કેમ? મારી સાધના બરોબર ચાલે છે કે કેમ? એ એક મારે ગુરુદેવને પૂછવાનું છે. Am I right sir? અને બીજું એ પૂછવાનું કે સાહેબજી! મારી સાધનાને જે રીતે વળાંક આપવાનો હોય, એ રીતે આપ આપ્યા કરજો. “करिष्ये वचनं तव”

એકવાર એવું બન્યું, કે એ જે ગુરુ હતાં, એમના સમકક્ષ બીજા ગુરુ આશ્રમમાં આવેલાં. એ પણ પ્રાર્થનામાં બેઠા. અને પ્રાર્થના પુરી થઇ એટલે ગુરુએ રોજની માફક કહ્યું; પ્રભુ! મારા એ અપરાધની માફી આપજો. હવે શિષ્ય તો ન જ પૂછી શકે. પણ આ તો ગુરુના સમકક્ષ હતાં. તો એમણે કહ્યું; મેં સાંભળ્યું છે, તમે ૮-૧૦ વર્ષથી રોજ આ બોલ્યાં કરો છો. શું અપરાધ તમે પ્રભુનો કરેલો હતો? વાત તો કરો? તો પણ શિષ્યોના મનમાં ચટપટી નથી, સાલું, આ મારે આજે જાણવા મળશે! તમે ક્યાં છો ને તમારે ક્યાં જવાનું છે? આ બે જ વસ્તુ તમારે જાણવાની છે. ન દુનિયાને જોવી છે, ન બીજા કોઈને જોવા છે. બીજાને જોવામાં ને જોવામાં અનંતા જન્મો બગાડ્યા. અનંતા જન્મોમાં સૌથી મોટી ભૂલ શું કરી? પેલો આમ કરે છે અને પેલો આમ કરે છે. તારું કીધું પેલો માનવાનો છે? તું ખાલી બળતરા કરે છે. પેલાએ આમ કર્યું ને પેલાએ આમ કર્યું. એ જે કરતો હોય એને. તારે શું છે? ‘ભેંસના શિંગડા ભેંસ ને ભારે’ તારે શું?

એક જગ્યાએ એક ગામમાં દુકાન વચ્ચે થઈને, બજાર વચ્ચે થઈને સાંજે બધા ઢોરો નીકળે. અને સવારે બધા બહાર જાય, જંગલમાં. એક ભેંસ હતી ને એના શિંગડા એકદમ ભરાવદાર. તો એક દુકાનમાં બેઠેલા વેપારીને વિચાર આવે કે આ શિંગડામાં માથું ઘાલ્યું હોય તો કેવું લાગે? વિચાર તો કરે પણ પાછો પડે. છ મહિના નીકળી ગયા. એક સાંજે ભેંસ આવતી હતી અને સીધું માથું નાંખ્યું. ભેંસ તો એવી ભડકી, સીધી ગામની બહાર. આ ભાઈ હલવાઈ ગયા. ન નિરં ન ધિરં. ઢસડાતા ઢસડાતા ચાલ ચાલે. અને પેલી ભેંસ આમથી આમ ને આમથી આમ દોડે. છેવટે પાંચ-સાત-દસ ભરવાડો આવ્યાં લાકડી લઈને અને જેમ-તેમ કરીને ભેંસને કાબુમાં લીધી. પેલા ભાઈને છોડાવ્યો. પછી કહ્યું; ભાઈ! વિચાર કર્યા વગરનું આવું કામ કરાય? તો કેમ આવું કહો છો? છ મહિનાથી વિચાર કરું છું. તમારે આવું જ છે ને! કેમ ભાઈ પરને જોવો છો? અરે સાહેબ અનંત જનમથી જોવું છું! પણ અનુભવ શું રહ્યો તમારો એ તો કહો?! બીજાના દોષોને તમે જોયાં. તમને શું લાભ થયો? હવે નક્કી કરો – કોઈના દોષ જોવા જ નથી.

તો પેલા ગુરુએ પૂછ્યું કે તમે આ વાક્ય કેમ બોલો છો? શું કારણ? તો એમણે પોતાના પૂર્વ જીવનની કથા કરી. પહેલા એ વેપારી હતાં. કાપડના વેપારી. ગામમાં પ્રતિષ્ઠિત. કોઈ ફંડ-ફાળો આવે, ટીપ આવે સૌથી પહેલું નામ એમનું હોય. ઉદાર માણસ. એકવાર બપોરના સમયે જમવા માટે ઘરે આવેલા. ગામડામાં દુકાન અહીં, ઘર અહીં. જમવાનું જ્યાં પૂરું થયું. એક જણ દોડતો દોડતો આવ્યો. દોડો દોડો દોડો શેઠ, તમારી દુકાનમાં આગ લાગી છે. તમારી દુકાનમાં આગ લાગી. હવે કાપડની દુકાન, એમાં આગ લાગી હોય શું થાય? એ જમાનામાં વીમો-બીમો તો હતો નહિ, બધું રાખમાં જ ફેરવાઈ જાય. દુકાને રાખમાં ફેરવાઈ જાય. કાપડ એ રાખમાં ફેરવાઈ જાય. આ ભાઈ દોડતા દોડતા જાય છે દુકાને. ત્યાં અધવચ્ચે બીજો એક ભાઈ મળ્યો. ગામડામાં બધા ય બધાને ઓળખતાં હોય. શેઠ ઉતાવળ નહિ કરતાં. બાજુવાળાની દુકાન સળગી ગઈ. લોકો ખુબ આવી ગયેલા. પાણી – બાણી ખુબ છાટ્યું. તમારી દુકાન આખી બચી ગઈ છે. જરાય નુકશાન થયું નથી. બાજુવાળાની સળગી ગઈ. અને એ વખતે એ વેપારીએ પ્રભુનો આભાર માન્યો. પભુ તારો આભાર. એક સેકન્ડ, તરત જ ધ્રુજી ગયા! અરે! મારી દુકાન સાબુત રહી. પાડોશીની દુકાન બળી ગઈ. મને આનંદ કેમ થયો?

કેટલી ઊંડી વાત છે? પ્રભુનો આભાર માન્યો એનો વાંધો નથી. પણ મારા મનમાં સહેજ આનંદ આવી ગયો. આહ! હું સાંભળું છું કે બાજુવાળાની દુકાન સળગી ગઈ છતાં મને આનંદ થાય છે, એનો મતલબ એ થયો કે હજુ હું બીજાના દુઃખની અંદર પુરેપુરો ભાગીદાર બની શકતો નથી. પછી તો દુકાને ગયા. બાજુવાળાને સાંત્વન આપ્યું. અને બે-પાંચ-સાત જણાએ ટેકો કરી અને બાજુવાળાની દુકાન પછી નવી કરાવી પણ નાંખી. પણ આ એક ઘટના એવી ઘટી. તો વેપારીને થયું કે સંસારમાં છું તો ઉપાદી આવી. મારું બચી ગયું અને બીજાનું સળગી ગયું. આ સંસાર જ છૂટી જાય તો! દીકરો મોટો થયો. દુકાન એને ભળાવી સંન્યાસ લઇ લીધો. અને એ ગુરુ કહે છે; કે પ્રભુની પાસે હું એ અપરાધની માફી માંગું છું કે બાજુવાળાની દુકાન સળગી, એવું સાંભળું છું, છતાં મારી બચી ગઈ એનો આનંદ મને આવ્યો, એ નહતો આવવો જોઈતો હતો. કેટલી કોમળતા બોલો?

અને આ કોમળતા ઉપર પરમવિરાગનું પડ ચડી ગયું, સંન્યસ્થ અવસ્થામાં. એટલે નિર્મલ હૃદય થઇ ગયું. એટલે નિર્મળ હૃદય તમારું ન થાય, ત્યાં સુધી ધ્યાન શક્ય જ નથી. એટલે સીધી વાત – કોમળભાવ આવ્યો. કોઈના પ્રત્યે તમને સહેજ પણ તિરસ્કાર કે દ્વેષ નહિ થાય. અને પરમ વિરાગ આવ્યો, કોઈના પ્રત્યે રાગ નહિ થાય. અહંકાર પણ નહિ આવે ને! કારણ કે સ્થૂલ ‘હું’ એ પણ તમારાથી પરની બાબત છે. તો પરમાં રાગ હોઈ શકે જ નહિ. એક તો નિર્મળ હૃદય, અને બીજું એકાગ્ર ચિત્ત.

આપણું મન કેટલું વિવરીગ છે તમે જાણો છો. દેરાસરમાં શરીર હોય અને મન ક્યાંય હોય. સ્વાધ્યાયની ચોપડી સામે હોય ને મન ક્યાંય હોય. મનને ખીટીએ ન બાંધીએ ત્યાં સુધી ધ્યાન શક્ય નથી. ધારો કે તમે બે મિનિટ બેઠા, શાંત ચિત્તે, વિચાર આવી ગયો, તમે વિચારમાં ભળી પણ ગયા. ધ્યાન પૂરું થઇ ગયું. રાગ-દ્વેષ કે અહંકાર ની ધારામાં પણ તમે હોવ, અને ધ્યાનની ધારામાં હોવ, બે તો સાથે બનવાનું નથી.

તો ચિત્તને એકાગ્ર બનાવવાની કોશિશ કરો. અને મારી દ્રષ્ટિએ એના માટે સૌથી સરસ છે જાપ. સ્વાધ્યાયમાં તમારું મન એકાગ્ર થાય છે. પણ મુશ્કેલી શું છે? કે નવા-નવા પદાર્થો આવે છે ને એટલે જાણવાની જિજ્ઞાસાને કારણે, એ જિજ્ઞાસાની તૃપ્તિને કારણે મજા આવે છે. એટલે મન સ્થિર થાય છે એવું નહિ. નવા નવા પદાર્થોમાં સર્યા કરે છે. જપમાં એક જ નાનકડું પદ લેવાનું. ‘અર્હં’ લો તો પણ ચાલે. ‘નમો અરિહંતાણં’ લો તો પણ ચાલે. એનો ભાષ્યજાપ કરો તો પણ ચાલે. અંતર્જપ કરો તો પણ ચાલે.

કોશિશ એ જોઈએ કે એ જ્યારે જપ તમારો ચાલુ છે ત્યારે એક પણ વિચાર ન આવે. એક નવકારવાળી આ રીતે ગણો છો ને? એક જ નવકારવાળી વધારે નહિ. ઘણીવાર લોકો મને કહે; સાહેબ! નવકારવાળીમાં ધ્યાન નથી રહેતું. પછી હું એને નવી નવી ટેકનીક બતાવું. એક ટેકનીક તો એ છે, કે માળા નહિ રાખવાની. આંગળીના વેઢા ઉપર આંગળી ફેરવવાની નહિ. આમ જ્ઞાનમુદ્રામાં બેસી જવાનું ટટ્ટાર. આંખો બંધ. નવકારમંત્રનો જાપ કર્યા કરવાનો. સંખ્યા પણ મનમાં ગણતાં જવાની. હવે મનને dual action મળ્યું. જો મન સહેજ બહાર ગયું. સાલું 98 થયા હતા કે 99 ? ચાલો પુન શ્રી હરિ ઓમ. 98 કે 99 ? તમારો ઉપયોગ ત્યાં નહતો. ઉપયોગ નહતો તો ખોટું થઇ ગયું. ફરીથી ગણો.

એ જ રીતે અનાનુપૂર્વી. એ પણ કંઠસ્થ ન થઇ ગયું હોય તો! મોઢે થઇ ગઈ હોય તો પાછી એ ય નકામી છે. પછી એ નવપદની અનાનુપૂર્વી આવે છે. પાંચ પદની કંઠસ્થ થઇ ગઈ હોય ને, એના માટે નવપદની છે. પણ આડા-અવળા પદો આવે, એટલે શું થાય તમારા મનને એમાં એકાગ્ર રહેવું પડે. આ નવકારવાળીમાં શું થાય છે; નવકાર રટાઈ ગયેલો છે. નવકાર રટાયા કરે છે. મન બહાર ફરે છે. કાઉસ્સગ કરો છો ત્યારે તમારું મન સ્થિર રહેતું જ નથી, મન બહાર જ હોય છે. લોગસ્સ ગણાઈ ગયા એમ માની લો છો. ઉપયોગ એટલો એમાં હોતો નથી. અને એટલે જ આપણો કાયોત્સર્ગ સાચો થતો નથી. ઠાણેણં, મોણેણં, ઝાણેણં આ ત્રણ વસ્તુ આવે તો જ કાયોત્સર્ગ સાચો બને. કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ – ત્રણે ગુપ્તિ આવેલી હોય, તો થાય. એટલે શુભ મનોગુપ્તિનો મતલબ એ જ છે – એકાગ્રતા. કોઈ પણ શુભ વિષયની અંદર મનનું એકાકાર થવું એ શુભ મનોગુપ્તિ.

તો આ એકાગ્રતા તમારી પાસે જોઇશે. પછી તો એના પછીનો ટારગેટ શુદ્ધ મનોગુપ્તિ છે – કે જ્યાં વિચારો જ નથી. પણ પહેલાં શુભ વિચાર છે, કે શુભ કોઈ જપ છે, તો એમાં તમે તન્મય, તલ્લીન બની જાવ, એ જરૂરી છે.

વિલાયતખાન બહુ મોટા સંગીતકાર થયા. પછી તો બહુ મોટું નામ થયું એમનું. પણ એ નાના હતા. તો એકદમ એ લોકો ગરીબ. નાનકડું ઝુંપડા જેવું ઘર. અને ખાવાનું પણ માંડ માંડ પૂરું થાય. પતિ નોકરી કરે તો માંડ માંડ ખાવાનું પૂરું થાય. અને વિલાયતખાનની મમ્મીને સંગીતનો શોખ. અને એની ઈચ્છા કે દીકરાને એક સરસ સંગીતકાર બનાવવો છે. સવારે ચાર વાગે દીકરાને ઉઠાડે. શિયાળાની રાત હોય. ચાર વાગેલા હોય. ટુટીયું વાળીને પડેલો હોય. કારણ કે ઓઢવાનું પૂરું નથી! માં એને જગાડે ચાલ ઉઠ! બેસી જા. રીયાઝ કર!  સા રે ગ મ. ‘સા..’ હું બોલાવું એમ તું બોલ. વિલાયતખાનની આંખમાં આંસુ. એ વખતે સાત વર્ષની ઉંમર એની. કે માં પણ બહુ ઠંડી લાગે છે મને. નથી મારી પાસે કોઈ ધાબળો કે શાલ. નથી તાપણું તપવા માટેની સગડી આપણી પાસે. એકલા કોલસા કે બળતણ આપણે વાપરી શકીએ એમ નથી. નથી અત્યારે કે ગરમ ખાવાનું મારી પાસે. હું શી રીતે ગાઉં, એ તો મને કહે? રિયાઝ શી રીતે કરું? ત્યારે એ માં કહે છે; બેટા! તલ્લીન બની જા એમાં, ઠંડી ભાગી જશે ઠંડી ક્યાં સુધી છે? તારું મન એમાં છે ત્યાં સુધી. સા…..! ડૂબી જા અંદર! અને પછી માં એ અદ્ભુત વાક્ય કહ્યું; કે તું પોતે જો નહિ ડૂબી શકે, તું બીજાઓને તું કેમ ડુબાડી શકીશ? તને મારે હોનહાર સંગીતકાર બનાવવો છે. તું જો તારામાં નહિ ડૂબે, તો તું બીજાઓને કેમ ડુબાડી શકીશ? આ એક જ વાત વિલાયતખાનને ગમી ગઈ. હવે ન ઠંડીનું ભાન છે, ન કોઈ ભાન છે. ન ભૂખ છે એનું ભાન છે. બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક, રોજ રિયાઝ કરવાના. સવારે- સાંજે. માં ને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે. અને એ નગરમાં પછી સારા સંગીતકારો પાસે ટ્રેનીંગ લીધી. અને એક વિખ્યાત સંગીતકાર એ બની ગયો.

તો તમે ભીતર ડૂબી શકો. બહુ જરૂરી છે. બીજાને ડૂબાડવા, ન ડૂબાડવા આપણા માટે બહુ મહત્વનું નથી. આપણે તો ડૂબવું જ છે! અનંતા જન્મો પરમાં ડૂબીને વ્યર્થ ગુમાવ્યાં. એક જન્મ માત્ર સ્વમાં ડૂબવા માટે છે. એટલે આપણે ગઈ કાલે પિંડસ્થ ધ્યાન જોતા હતાં. “ભેદ જ્ઞાન અંતર્ગત ધારે” જેમ-જેમ તમે સાંભળતાં જાવ, તેમ home work પણ કરતાં જાવ. Home work વિના તમને પણ છે ને આગળ જવાની મજા નહિ આવે! ખાલી સાંભળવાની મજા આવશે એટલું જ. હું ઘણીવાર કહું છું, કે હું મનોરંજનનો માણસ નથી, મનોભંજનનો માણસ છું. તમારા મનને, તમારી બુદ્ધિને તોડવાનું કામ મારે કરવાનું.

ઉપનિષદમાં પણ લખ્યું છે, ‘આચાર્યો હિ મૃત્યુ:’ કારણ કે વિભાવની ભીંતો જમીન દોસ્ત નહિ કરીએ તો સ્વભાવનો મહેલ ઉભો ક્યાંથી થશે? ભુજમાં ધરતીકંપ થયેલો. પછી બે-એક વર્ષ પછીની ઘટના છે. એક ખાલી પ્લોટ સારી જગ્યાએ પડેલો. પણ બાજુમાં એક ત્રણ માળનું બિલ્ડીંગ હતું, આખે-આખું તૂટી પડેલું. હવે એનો કચરો આમાં પડેલો. મલ્બો. પેલા લોકો નિર્વશ ગયેલા. બધા જ ખતમ થઇ ગયેલા. કોઈ હતું જ નહિ એમનામાં. અને મ્યુનિસિપાર્ટી વાળા પણ કેટલે પહોંચે બિચારા.! જ્યાં આખું ગામ જ ક્ષત-વિક્ષત થઇ ગયેલું, આટલું મોટું નગર..! અને એમાં પણ આખા કચ્છમાં.! આમથી આમ બુમો આવે અને આમથી આમ બુમ આવે. તો આ માણસે નક્કી કર્યું, કે હવે બધું થાળે પડી ગયું છે. મારે મારા પ્લોટમાં બંગલો બનાવવો. હવે પહેલા એને શું કામ કરવું પડે? મલ્બો હટાવવા પડે. પહેલા કડિયાને નથી લાવવાનો. પહેલા બુલડોઝર લાવવાનો છે. અને બુલડોઝર લાવી બધો મલ્બો ઉપાડી લેવાનો છે અને પ્લોટ સાફ કર્યા પછી બંગલાનું કામ કરવાનું શરૂ કરવાનું છે.

એમ ગુરુ આ કામ કરવા માંગે છે કે વિભાવનો બધો જ કચરો કાઢી નાંખો.! તો એના માટે તમારું નિરીક્ષણ એ જોઈએ, કે ‘હું’ વિભાવમાં ક્યારે ક્યારે અને કયા નિમિત્તે જાઉં છું? ધારો કે ખાવામાં એક આઈટમ છે અને તમને એ ટેસ્ટી લાગે છે. તમે એને છોડી શકો. જ્યાં જ્યાં તમને લાગે છે કે આનાથી હું વિભાવમાં જાઉં છું. દ્વાર બંધ કરતાં જાવ. શિયાળો હોય અને આપણે વિહારમાં હોઈએ, અને મકાન મળે, વેન્ટીલેશન બધા ખુલ્લા હોય, આપણે શું કરીએ પછી? ભાઈ કંઈ કાપડ-બાપડ હોય તો લગાવી દો ને ભાઈ. રાત્રે ઠરી જઈશું. એટલે આપણી ઈચ્છા એ હોય કે એક નાનકડો પણ હોલ ખુલ્લું ન રહે. એમ વિભાવ તમારી ભીતર આવે છે, અને એક પણ કાણું, એક પણ દ્વાર ખુલ્લું ન હોવું જોઈએ. તિરસ્કાર થાય છે કોઈના ઉપર. કેમ થાય છે તિરસ્કાર?

હકીકતમાં તિરસ્કારનું કારણ એ વ્યક્તિ છે જ નહિ. તમે જ છો. ધારો કે તમારી અપેક્ષા હતી. અપેક્ષા એ વ્યક્તિ દ્વારા પૂર્ણ ન થઇ. તમને તિરસ્કાર આવ્યો. એમાં એ ક્યાંથી ગુનેગાર થયો? ગુનેગાર તમારી અપેક્ષા છે. અને તમે કહો એમ બીજા બધા કરે એવું પુણ્ય તમારી પાસે ક્યાં છે? આજના જમાનામાં દીકરો બાપનું કહ્યું માનતો નથી. આપણે આજે તો થોડું સારું કહેવાય કે ગુરુનું શિષ્ય માને છે. તો બીજી વ્યક્તિ પાસેથી અપેક્ષા કેમ રાખી શકાય.! તમને જે તિરસ્કાર થાય છે એ અપેક્ષાને કારણે. બીજો તિરસ્કાર થાય છે એ વ્યક્તિના દોષ જોવાને કારણે. ભાઈ તમને કોને આ કામગીરી સોંપી છે? કે બીજાના દોષો જોયા કરશે. કોઈ ગુરુએ ક્યારેય કહ્યું છે આમ? લખીને આપ્યું છે? કે હું તને આટલા આટલા દોષ જોવાની કામગીરી સોંપું છું.

એટલે વિભાવ કયા કયા દ્વારેથી તમારી ભીતર આવે છે એ જુઓ તો ખરા તમે! અને આ જ નહિ જુઓ તો શું થશે? પેલી કહેવત છે ને; ખાળે ડૂચા ને દરવાજે ઉઘાડાં. આ વસ્તુ થશે. સાધક તરીકે છો તમે, ક્યાંક ક્યાંક ક્યાંક તમે કંઈક બંધ કર્યું છે. તો દરવાજો આખો ખુલ્લો છે એનું શું? પછી ખાળે ડૂચા મારે કે ન મારે શું ફરક પડે! વિભાવને આવવા માટેના રાજમાર્ગો ખુલ્લા રાખ્યાં છે! એટલે આ એક આજે આંતર-નિરીક્ષણ કરજો – કે વિભાવ કયા કયા દ્વારેથી આવે છે? Note down કરે એને. અને પછી એમાંથી કેટલું શક્ય છે એ નક્કી કરી અને એ દ્વાર બંધ કરતાં જાવ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *