ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે
નવસારી તપોવન વાચના – 40 [7.5.2020]
“ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે”
એક સાધકનું ચિત્ત કેવું હોય? એમાં સતત પરમાત્માના પ્યારા પ્યારા શબ્દોનું વિભાવન ચાલ્યા કરતું હોય. એક આચાર્ય ભગવંતે કહેલું; કે આ વખતે આચારાંગ સૂત્ર ૭૮મી વાર મેં વાંચ્યું અને આ વખતે આ શબ્દનો નવો અર્થ મને શીખવા મળ્યો. આ ક્યારે આવે છે? એક રમમાણતા-રમણતા…
તો “ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે”
એના માટે આપણે ત્યાં આવર્તનની વાત છે. વારંવાર વારંવાર વારંવાર સુત્રોને ઘૂંટો. સૂત્રપોરસીનો મતલબ આ જ હતો. એક તો ધ્વનીનું મજાનું સ્તર તમને મળે. અને એ ધ્વનિના મજાના સ્તર ઉપર તમે તમારી સાધનાને વિસ્તારી શકો. એટલે સૂત્રપોરસી પણ બહુ જ મહત્વની ઘટના છે. ત્રણ કલાક ગોખવાનું શું મળે? શું મળે નહિ! અનુભવ કરો!
હું ઘણીવાર કહું છું; જે પણ પરંપરા છે ને, પરંપરાના ઊંડાણમાં જાવ. સદ્ગુરુઓ આ જ કામ કરતાં. આપણને વિદ્યા તો આપતાં જ. પણ એ વિદ્યા કેટલી પરિણત થઇ એ પણ એ જોતાં. એમનો Goal નક્કી હતો, કે મારી પાસે આવેલો સાધક અંતર્મુખ બની જ જવો જોઈએ. એક સદ્ગુરુ પાસે એક સાધક રહે, અને એ જો બહિર્મુખ હોય તો સદ્ગુરુની credit ને પણ થોડો ધોકો પહોંચે છે. શા માટે એક વર્ષ એમણે પેલાને રાખ્યો! જો ખ્યાલ હતો કે કામ થઇ શકે એમ નથી તો રવાના કરી દેવો જોઈએ.
પહોંચેલા કોઈ પણ સદ્ગુરુ પાસે છ મહિના – આઠ મહિના કે બાર મહિના તમે રહો, તમે અંતર્મુખ ન બનો, સવાલ જ નથી.! એકાદ વર્ષે તમે અંતર્મુખ બની જાવ; અને પછી તમે અંતર્લીન બની જાવ.
આપણી પરંપરામાં એક સરસ ઘટના છે, ધર્મઘોષ સૂરિ મહારાજ હતાં. એમના શિષ્ય હતાં સોમપ્રભ. બિલકુલ અંતર્મુખ સાધક. ગુરુ પણ એકદમ અંતર્લીન સાધક હતાં. શિષ્ય અંતર્મુખ બની જ જાય.
હિંદુ પરંપરામાં શિષ્ય માટે બે વિશેષણો આપ્યાં – ગુરુમુખી અને મનમુખી. હિંદુ પરંપરામાં શિષ્ય માટે મોટામાં મોટી ગાળ કઈ? ગાળનું extreme point કયું? મનમુખી હોવું તે. એ તો મનમુખી છે. જવા દો એને. શિષ્ય ગુરુમુખી જ હોવો જોઈએ. અને એ સદ્ગુરુના જ્ઞાનને એવી રીતે ઝીલે, કે ધીરે ધીરે ધીરે એ પરિપક્વ બને.
તમને ખ્યાલ છે? જ્ઞાનસારે જ્ઞાનની પરિપક્વદશા માટે બે વિશેષણો આપ્યાં; “विकल्पविषयात्तीर्ण:, स्वभावालंबन: सदा । ज्ञानस्य परिपाको य:” તમારું જ્ઞાન પરિપક્વ છે કે નહિ, એ તમે આ રીતે જાણી શકો કે વિકલ્પો જે વારંવાર થયા કરતાં હતાં, એ અટક્યા? થોભ્યા? અને સ્વ તરફ જવાની યાત્રા ચાલુ થઇ? આ બે થયેલ હોય તો જ માનવાનું કે જ્ઞાન તમારું પરિપક્વ નહિતર અપરિપક્વ.
એકવાર એક ગુરુએ મજાની વાત કરેલી; ગુરુએ કહેલું કે તારો શબ્દ શું કરે? તારો શબ્દ હથોડા જેવો છે, અને એ ભીંતને તોડી નાંખે. અને મારા શબ્દો જે છે ને એ ઈંટ પર ઈંટ મુકાતા જાય અને મહેલ ચણે છે. એટલે શિષ્ય માત્ર વિકલ્પોમાં જઈને પોતાની રહી-સહી સાધનાની ભીંતને પણ તોડી નાંખે છે.
તો સોમપ્રભ બહુ જ જ્ઞાની હતાં. ગુરુ પરીક્ષા કરે છે. આચાર્ય પદવી આપવી છે. તો ગુરુ પરીક્ષા કરે છે કે આનામાં સહેજ પણ બહિર્મુખતા રહી તો નથી ને! શું એ ગુરુઓ હતાં…! આપણે થાય આપણે બહુ મોડા જન્મ્યા.
બપ્પભટ્ટજીની આચાર્ય પદવીની ક્રિયા શરૂ થઇ. અને ગુરુ વિચારમાં પડ્યા કે આને આચાર્ય પદવી અપાય કે ન અપાય? એ વિદ્વાન છે એ ખ્યાલ હતો. પણ તત્કાલીન બધા જ રાજાઓ અને મંત્રીઓ એના ભક્ત છે આ તો ગુરુને ખ્યાલ નહિ. ગુરુ તો અંદર રહેતાં હતાં. પણ એ આચાર્ય પદના મહોત્સવના સાવિયાણામાં જોયું તો મોટા મોટા રાજાઓ અને મંત્રીઓ બધા આવી ગયેલા છે. ગુરુ વિચારમાં પડી ગયા કે આને આચાર્ય પદવી અપાય ખરી હવે?
અત્યારે શાસન પ્રભાવક શબ્દ બહુ ખોટો નીકળ્યો છે. આપણે કોઈને શાસન પ્રભાવક બનાવવાના જ નથી. શાસન પ્રભાવિત બનવું છે. તમે કોણ શાસનની પ્રભાવના કરવાવાળા? એટલે કોઈને પણ, કોઈ આચાર્ય હોય ને તો પણ એની દીક્ષા તિથી ઉપર આશીર્વાદ પત્ર લખું, તો ક્યારે પણ એમ ન લખું કે શાસનની પ્રભાવના તમારી બહુ સરસ ચાલે છે. નહિ! Never! તમારી શાસનની સેવા સરસ છે, એ સેવાની ધારામાં આગળ વધજો.
હમણાં જ ભાગ્યેશસૂરિજીની દીક્ષા તિથી હતી. મેં આ જ લખ્યું; કે શાસન સેવાની તમારી ધારા સારી છે. અને પ્રભુ તમારા હાથે સારા કાર્યો કરાવે છે. તો એ સેવાની ધારામાં જ વહેજો. પ્રભાવનાની, એ વાત છોડી દેવાની.
ખરેખર શાસનની સેવા કરી શકીએ ને આપણે, તો પણ આપણું સદ્ભાગ્ય છે. વિચાર કરો, શાસને તમે શું આપ્યું? તમે શાસનને શું આપ્યું? આ શાસન ન હોત તો આપણે ક્યાં હોત.! રખડતાં, ભટકતા માણસો હોત.! આ શાસન આપણને શુભ યોગોની ધારામાં લાવ્યું. શુદ્ધની ધારામાં લાવ્યું. આટલી બધી મજાની ધારામાં પ્રભુ શાસન આપણને લઈને આવ્યું, આપણે એ પ્રભુશાસન માટે શું કર્યું? અને બીજું કશું કરવાનું પણ નથી. માત્ર અંતર્મુખ બની જાવ.
ઘણીવાર આપણા સાધ્વીજીઓની વાચનામાં હું કહું કે સંઘ બહુ જ ઉદાર છે. તમારી ભક્તિ બહુ જ કરે છે. આ શ્રીસંઘને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. તમે અડધો કલાક પ્રવચન આપો, એવી પણ અપેક્ષા આ સંઘ પાસે નથી, તમારી પાસેની! હવે તમે સંઘ તમને જે આપે છે vvip treatment એનો અનુવાદ શેમાં કરશો? માત્ર અંતર્મુખ બની જાઓ બસ.
તો ગુરુ પરીક્ષા કરે છે. ગુરુ પાસે એક મંત્રપોથી હતી. સિદ્ધ થયેલા મંત્રો. ખાલી ગુરુ આપે. તમે બોલો એટલે કામ થવા માંડે. ગુરુએ કહ્યું; આ મંત્રપોથી છે મારી. મારે તને મારો ઉત્તરાધિકારી તરીકે મુકવો છે. તો મંત્રપોથી તને આપવા માંગુ છું. ગુરુ આપવા માંગે, ના તો પડાય નહિ. પણ શિષ્યની આંખમાં આંસુ છે. એ કહે, સાહેબજી! આપને એમ લાગતું હોય કે હું ચારિત્ર અને મંત્રપોથી બેઉ સાચવી શકીશ, તો મને આપો. આપને એવો વિશ્વાસ હોય કે આ મંત્રો આપ્યા પછી પણ આ માણસ ચારિત્રમાં દ્રઢ રહી શકશે, આપ તો જ્ઞાની છો, તો મને આપો. પણ ગુરુદેવ હું ઈચ્છું છું કે જો ચારિત્રના ભોગે આ મળતું હોય તો મારે નથી જોઈતું! આ અંતર્મુખ દશા! અને કોઈ પણ સદ્ગુરુ શિષ્યને આ અંતર્મુખ દશા ઉપર જ પસંદ કરે છે.
૧૦૦ વર્ષ પહેલાંની ઘટના કહું. મુક્તિવિજય મહારાજ, છાણીમાં ચોમાસું. અને એમના શિષ્ય વિનોદવિજયજી, વડોદરામાં ચોમાસું. એ વખતે છાણી એટલે ધર્મની પીઠ કહેવાતી. એકવાર પર્યુષણ પછીનો સમય ચાલે. ભાદરવો મહિનો. વ્યાખ્યાન લગભગ સાડા દસ – પોણા અગિયારે પૂરું થયું. એક શ્રાવકે છાણીમાં ગુરુ મહારાજને પૂછ્યું કે સાહેબજી! વડોદરા જાઉં છું કંઈ કામકાજ? તો કહે હા, ત્યાં મારો શિષ્ય છે ને વિનોદવિજય, એને કહેજો ગુરુ મહારાજ યાદ કરે છે. પેલા ભાઈ ૧૧ એ નીકળ્યા. સવા અગિયાર – સાડા અગિયારે ત્યાં પહોંચ્યા હશે. ઉપાશ્રય ગયા, મ.સા.ને ત્યાં વંદન કર્યું. સાહેબજી ગુરુ મહારાજ આપને યાદ કરે છે. સાઢપોરસી પચ્ચક્ખાણ આવવાનું હતું. તરસ લાગેલી હતી. પણ હવે બીજી કોઈ વાત નહિ. ગુરુની આજ્ઞા આવી ગઈ. વચ્ચે બીજું કંઈ થઇ શકે નહિ.
એક શિષ્યને લઈને એ ભાદરવાના ખરા તડકામાં પોણા બાર વાગે ચાલ્યાં. લગભગ દોઢેક વાગે છાણી પહોંચ્યા. ગુરુ મહારાજને વંદન કર્યું. પચ્ચક્ખાણ લીધું એકાસણાનું. ગુરુ મહારાજે કહ્યું પચ્ચક્ખાણ પારી લે. પચ્ચક્ખાણ પાર્યું. ગોચરી વાપરી. પડીલેહણ થયું, પછી ગુરુદેવની વાચના હતી. વાચના પુરી થઇ લગભગ ચાર એક વાગે, ત્યાં ગુરુ મહારાજે કહ્યું; હવે તું જા. વડોદરા. ત્યાં તારા શિષ્યો પણ છે. અને સંઘની પણ જવાબદારી છે તારે. તું જા હવે. આટલા ખરા તડકે બોલાવે છે.! ગુરુ કહેતાં નથી કોઈ કામ.!
અઠવાડિયા પછી એ જ ટાઈમ પાછો. સવારે નહિ. સવારે કોઈ જતું હોય તો બોલાવવાના નહિ. એ જ પોણા અગિયાર – અગિયારનો ટાઈમ. સાહેબજી વડોદરા જાઉં છું. મારા શિષ્યને કહેજો. બીજી વાર આવ્યાં. બીજીવાર પણ એ જ ક્રમ. ચાર વાગે વાચના થઇ. ગુરુદેવે કહ્યું, હવે તું જા. કેટલી નિરપેક્ષ દશા હશે! વિચારો..! આ ખરા તડકામાં મને બોલાવે છે, અને પાછો મોકલે છે. કારણ શું? ત્રીજીવાર બોલાવ્યાં. ત્રીજીવાર પણ એ જ ઘટના. ચાર વાગ્યા ને ગુરુએ કહ્યું; હવે તું જા વડોદરા. એ વખતે ધીરજ સહેજ તૂટી. કે ગુરુદેવ! આપ મને બોલાવો છો. મારી ફરજ છે, આપ જ્યારે પણ બોલાવો, હું હાજર થઇ જ જાઉં. પણ ગુરુદેવ આપ મને કોઈ કારણસર બોલાવતાં હશો. આપ કોઈ મને સેવા આપશો તો મને આનંદ થશે. ત્યારે ગુરુએ કહ્યું; તું નાપાસ થયો આજે. તું નાપાસ થયો.! છાણી ચોમાસા પછી અમદાવાદ આપણે જવાનું વિચાર્યું હતું. અમદાવાદના ટ્રસ્ટીઓની બહુ વિનંતી હતી, અને વિચારેલું કે તને ભગવતીજીના જોગ હું કરાવી લઉં. અને એના માટે આ વિચાર કરેલો, કે ત્રણવાર એને આ રીતે બોલવું, અને એના મનમાં પ્રશ્ન ન થાય તો એને select કરીશ. આજે તે પૂછી લીધું; તું disqualified થઇ ગયો. તો પણ મનમાં સહેજ રંજ નથી.! ગુરુદેવ મારી ભૂલ થઇ ગઈ. મનમાં પણ એ જ ભાવ.. મારે પૂછવાની જરૂર ક્યાં હતી?
પછી આસો મહિનામાં અમદાવાદથી ટ્રસ્ટીઓ આવ્યાં. અને એમને પણ અણસાર હતો કે ગુરુ મહારાજ શિયાળામાં પધારે અને વિનોદવિજયજીને ગણિ પદવીના જોગ કરાવે. છ મહિના અમને લાભ મળે. તો સાહેબજી અમદાવાદ પધારો. ચોમાસું ઉતરીને. તો કહે; કે ભાઈ! જો વાત એવી છે, કે મેં આ રીતની પરીક્ષા વિચારી હતી. એમાં એ નાપાસ થયો છે એટલે હવે કોઈ જોગ-બોગ કરાવવાના નથી. Guru is the supreme boss.!
આપણે ગુરુને કેવા કલ્પીએ? સાચી કહેજો. Supreme boss? ટ્રસ્ટીઓ કહે; તહત્તિ સાહેબ. પછી એ લોકો વડોદરા ગયાં. અફસોસ જાહેર કર્યો કે સાહેબ ગુરુ મહારાજે તો ના પાડી કે હું નહિ આવું. નહિતર અમારી ભાવના હતી; છ મહિના ગુરુદેવ રોકાશે અમારા ત્યાં. એ વખતે પણ વિનોદવિજયજી એક શબ્દ બોલતાં નથી. કે આવી તો ગુરુ મહારાજની પરીક્ષા હોય કંઈ! આમ છે ને પોતાને થોડું સારું લગાડવા માટે માણસ મહેનત કરે. બોલો, આમાં મારી ભૂલ છે એકલાની કંઈ? પહેલીવાર ખરા તડકે બોલાવ્યો, ગયો. બીજીવાર ગયો. આમાં મારી ભૂલ શું? આ બુદ્ધિ અને અહંકાર આવ્યો એટલે આપણો મોક્ષ અટકી ગયો.
ચંડરુદ્રાચાર્યના શિષ્યની ઈર્ષ્યા તમને આવે છે? આચાર્ય ભગવંત અત્યંત જ્ઞાની. પણ સહેજ નિમિત્ત મળે, ગુસ્સો આવી જતો હતો. જ્ઞાની તો હતાં જ. એટલે કહે છે શિષ્યોને, મારા માટે એક રૂમ રાખી લેવાની. એ રૂમમાં હું રહીશ. ખાસ તમારે વાચના વિગેરે લેવી હોય ત્યારે મારી રૂમમાં આવી જવાનું. બાકી મારી રૂમમાં તમારે આવવાનું નહિ. મને ગોચરી વપરાવવા, પડીલેહણ માટે આવવાનું, બાકી નહિ આવવાનું. કારણ – હું કોઈને કંઈ જોઇશ, કોઈનામાં કંઈ સ્ખલન જોઇશ, મને ગુસ્સો આવે છે. મારે ગુસ્સે થવું નથી.
એમાં ગુરુ મહારાજ ઓરડીમાં. પાછળ થોડા પેલા થોડા છોકરાઓ આવ્યાં. અને એક જણાને તો એ દિવસે લગન થવાનું હતું. મ.સા. આનો ભાવ બહુ છે દીક્ષા લેવાનો. ગુરુ મહારાજ તો પહેલા કંઈ ગુસ્સે થતાં નથી. ભાઈ જાવ! મને મારું કામ કરવા દો. તમે તમારું કામ કરો. દીક્ષા લેવી હોય બહાર મળજો, મારા મહાત્માને. બીજીવાર, ત્રીજીવાર, મ.સા. બહુ ભાવ છે આપી દો ને પણ.! બહુ ભાવ છે, એમ? લે! મુંડી નાંખ્યું!
કેવો એ જાતવાન શિષ્ય.! દીક્ષા લઇ તો લીધી. સાંજનો સમય થયો. એણે કહ્યું ગુરુદેવ! અહીંયા રહેવામાં જોખમ છે. જ્યાં મારા ઘરવાળાને ખબર પડશે, લ્હાવો-લશ્કર લઈને એ લોકો આવશે. અને આ મારી દીક્ષા એવી રીતે સહન નહિ કરે એ લોકો. અને આપને પણ કદાચ એ મારી બેસે. તો ગુરુ કહે, શું કરશું? સાહેબ કંઈ વાંધો નહિ. આપણે નીકળી જઈએ. એ ગીતાર્થ ગુરુ હતાં. એટલે આવી રીતે અપવાદમાં રાત્રે નીકળવું પડે તો કંઈ વાંધો હતો નહિ. પણ ગુરુ કહે; અંધારામાં તો મને દેખાય પણ નહિ બેટા. સાહેબ કંઈ વાંધો નહિ, તમને ઊંચકી લઈશું. ઊંચકીને ચાલે ગુરુને.!
હવે, અંધારું છે, ખાડો દેખાય નહિ. ક્યાંક ખાડામાં પગ આવી જાય તો ઉપર રહેલા ગુરુને સહેજ આંચકો આવે. એટલે ગુરુ એના માથા પર ડંડો ઠોકે કે ખ્યાલ નથી આવતો તને.! અને ગુરુનો દંડનો પ્રહાર એને મોક્ષના કોડિયા જેવો લાગે છે…! અને વિહારમાં ને વિહારમાં કેવલજ્ઞાન..! પછી સરસ રીતે ચાલે. કેમ? દંડા લાગ્યા એટલે બરોબર ચાલે છે.! સાહેબ આપની કૃપા.! આપની કૃપા.! કેમ મારી કૃપા એટલે? આપની કૃપાથી જ્ઞાન થયું છે. જ્ઞાન થયું છે તને? પ્રતિપાતી કે અપ્રતિપાતી? અપ્રતિપાતી. એ જ દિવસે દીક્ષા, એ જ દિવસે કેવલજ્ઞાન.! શું હતું? નહતી બુદ્ધિ, નહતો અહંકાર.! એમની પાસે એ બે નહતા; કેવલજ્ઞાન પામી ગયા.! આપણી પાસે આ બે છે એટલે કેવલજ્ઞાન અટકી ગયું આપણું. !
તો વિનોદવિજયજી ટ્રસ્ટીઓને કહે છે; કે ભાઈ મારી ભૂલ થઇ. મારાથી પુછાય જ નહિ.! ગુરુ મહારાજ બોલાવે તો જવાનું. ગુરુ મહારાજ કહે કે પાછો જા તો પાછા જવાનું. મારે વિચાર કરવાનો જ ન હોય.! તે દિવસે જે મેં વિચાર કર્યો, એ ખરેખર મોટું પાપ થયું છે.! આ ૧૦૦ વર્ષ પહેલાના મહાત્માઓ આપણા.! કેટલા હળુંકર્મી.!
તો “ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે” એવી રીતે ઘૂંટામણ થવો જોઈએ, કે તમારો સ્વાધ્યાય સ્વાનુભૂતિ સુધી પહોંચે.
રત્નસુંદરજી એક વખતે સુરત આવેલા. થોડા સમય પહેલાં. એમને ઝગડિયાજી જવાનું હતું. પ્રોગ્રામ નક્કી થઇ ગયેલો. તડકેશ્વર ગામના હિંદુ ભાઈઓને ખ્યાલ આવ્યો. જૈનના ઘર તો બે-ચાર હશે કદાચ. પણ હિંદુ ભાઈઓ એમના નામથી પરિચિત. તો આપણા જૈન અગ્રણી ને કહ્યું; કે મ.સા. અહીંયા પધારવાના છે? આપણે આમંત્રણ આપવા જવું પડે. સુરત ગયા. આમંત્રણ આપ્યું. સાહેબ કહે; હું તો આવવાનો જ છું આ તારીખે. તારીખ નોંધી લીધી. પછી કાર્યક્રમ નક્કી કર્યો. સવારે નવ વાગે વ્યાખ્યાન રહેશે. બપોરે ત્રણ વાગે પણ પાછું વ્યાખ્યાન રહેશે. આ નક્કી કર્યું.
હવે એવું બન્યું કે સુરતથી schedule પ્રમાણે વિહાર તો થઇ ગયો. તડકેશ્વર જે દિવસે સવારે આવવાનું હતું, એની આગળની સાંજે આગળના પડાવમાં રત્નસુંદરસૂરિ હતાં. ત્યાં એમને રાત્રે સાત- સાડા સાતે સમાચાર મળ્યાં કે તડકેશ્વરના ૨૦ યુવાનો હોડી લઈને તાપીમાં જતા હતાં. હોડી ઉંધી વળી. ૨૦ એ ૨૦ યુવાનો ત્યાં ને ત્યાં on the spot ખતમ થઇ ગયા. અને એ તાપી નદીની રેતમાં એક સાથે ૨૦ નવયુવાનોના અંતિમ સંસ્કાર થયા. આખું ગામ હિબકે ચડેલું. આ સમાચાર એમને રાત્રે આઠ વાગે મળી ગયેલાં. હવે એમને તો schedule નક્કી જ હતું. ઝગડીયાજીનો પણ schedule હતું અને જવું જ પડે એમ હતું. પણ વિચાર્યું કે જે ગામના ૨૦ નવયુવાનો આગળના દિવસે ખતમ થયા હોય, એ ગામમાં બીજા દિવસે પ્રવચન હોય જ શી રીતે? થોડા મોડા નીકળ્યા. સાડા સાત – આઠે પહોંચ્યા. દર્શન કર્યું. નવકારશી વાપરવા બેઠા. હોલ મોટો લીધેલો આ લોકોએ બાજુમાં. હવે તો પ્રવચન છે જ નહિ, એવું માની લીધેલું. આરામથી નવકારશીની સંગોષ્ઠીમાં બેઠેલા. પોણા નવ વાગે એક શિષ્ય કંઈક વહોરવા માટે ગયો. ત્યાં બાજુમાં જ હોલ હતો. ત્યાં નજર ગઈ. હોલ ખીચોખીચ ભરાઈ ગયેલો, પોણા નવ વાગે.! એ તરત જ દોડતો આવ્યો. ગુરુદેવ! ગુરુદેવ! હોલ તો ભરાઈ ગયો છે. મેં એક જણાને પૂછ્યું તો કહે; કે વ્યાખ્યાન છે જ.! રત્નસુંદરસૂરિ નવાઈમાં પડી ગયા.
નવ વાગે વ્યાખ્યાન શરૂ પણ કર્યું. પંદરેક મિનિટ વ્યાખ્યાન ચાલ્યું. ત્યાં એક ચિટ્ઠી આવી કે આ પ્રવચન અમે enjoy કરી રહ્યા છીએ પણ આનાથી ઊંડું તત્વજ્ઞાન આપો તો વાંધો નથી. રત્નસુંદરસૂરિએ આપણી વાચનાના પદાર્થો લેવા માંડ્યા. ફરી ૨૦ મિનિટ પછી ચિટ્ઠી આવી કે આને પણ અમે enjoy કરી શકીએ છીએ. આનાથી પણ ઊંડા જશો તો વાંધો નથી. રત્નસુંદરજી તો નવાઈમાં ડૂબી ગયા. વ્યાખ્યાન પૂરું થયું. પછી બધા બેઠેલા. તો રત્નસુંદરસૂરિએ પૂછ્યું; કે આટલું ઊંડું તત્વજ્ઞાન તમે કઈ રીતે સમજી શકો છો? તો એ લોકોએ કહ્યું; કે સાહેબ! અમે બધા હિંદુ લોકો સ્વાધ્યાય મિશનમાં જોડાયેલા છીએ. અને પાંડુરંગ દાદાને રોજ અમે સાંભળતા હોઈએ છીએ. કેસેટોમાં, ટીવીમાં. તો પાંડુરંગજી દાદા ઉપનિષદો ઉપર, વેદો ઉપર, ગીતા ઉપર બહુ જ ઊંડાણથી બોલે છે. એટલે આ ઊંડાણનું તત્વજ્ઞાન અમને એકદમ માફક આવી ગયું છે. અને અમે લોકો એની અનુભૂતિ સુધી પણ ગયા છીએ.
પછી એક ભાઈએ કહ્યું; સાહેબ આપને ગઈકાલની ઘટના તો ખ્યાલ છે? તો કહે હા, ખ્યાલ છે. આ આગળ બેઠા સાહેબ પટેલ, ટોપીવાળા, એમના બે જુવાન દીકરા કાલે ખતમ થઇ ગયા. રત્નસુંદરજી પૂછે; એ ભાઈને, કે તમને શું થયેલું? તો કહે, બે દીકરા ગયા. સમાચાર મને મળ્યાં. ત્યાં પાંડુરંગ દાદાને પણ સમાચાર મળી ગયા. એમનો ફોન આવી ગયો કે ભગવાને પોતાના કામ માટે દીકરાઓને બોલાવી લીધા છે. શોક કરવાનો હોય નહિ. બસ આ વચનો સાંભળ્યા, મેં પ્રભુને એટલું જ કહ્યું; કે પ્રભુ! દીકરાઓને ભલે બોલાવ્યાં. મને પણ બોલાવી લે.
આ શું થયું? સ્વાધ્યાય અંતર્મુખ દશા તરફ, અંતર્લીન દશા તરફ વહ્યો. એટલે જ હું અસ્તિત્વના સ્તરના એક ગ્રંથની વાત કરું છું. તમે ભલે ૨૫-૫૦ ગ્રંથો વાંચતા હોવ, જો કે કોઈ પણ ગ્રંથ ગુરુની આજ્ઞા વિના તમે શરૂ ન કરી શકો. પણ ભલે ૨૫-૫૦ ગ્રંથ તમે વાંચો, પણ એક ગ્રંથ અસ્તિત્વના સ્તરનો જોઈએ. એ વારંવાર વારંવાર વારંવાર વારંવાર રટાયા જ કરે… રટાયા જ કરે… રટાયા જ કરે… તો એના મૂળિયાં અસ્તિત્વ સુધી જશે. એ માત્ર શબ્દો સુધી નહિ રહે, અને માત્ર અનુપ્રેક્ષા સુધી નહિ રહે; એના મૂળિયાં અસ્તિત્વના સ્તર પર એવા જશે કે આ જન્મમાં થોડી ઘણી અનુભૂતિ હશે, આવતાં જન્મમાં એ મૂળિયાં બહાર આવશે. અંકુરિત થશે. અને પછી છેલ્લે એ વૃક્ષમાં પણ એ પરિણમશે. એટલે “ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે”
