Mumukshu Vachna | 16-04-20 | Navsari Tapovan

21 Min Read

દર્શનાચાર

_નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતા હો લાલ_. જડ જગત જોડે સાધકની સાધના છે જ્ઞાતાભાવની અને ચૈતન્ય જગત જોડે સાધના છે મૈત્રીભાવની. જે પણ આત્માને સાધક જુએ એને બધા જ ગુણોથી પરિપૂર્ણ જુએ.

_બધા જ ગુણવાન છે; નિર્ગુણ હોય તો માત્ર એક હું છું_ – આ ભાવ આવ્યો; પછી અહંકાર ક્યાંથી ટકે? અને જો બધામાં રહેલા ગુણો જ દેખાય છે, કોઈ દોષ દેખાતો જ નથી, તો પછી જીવદ્વેષ પણ કેવી રીતે થવાનો? અને માત્ર ગુણો દેખાય છે, તો પછી કદાચ ગુણાનુરાગ હોઈ શકે; પણ વ્યક્તિરાગ ક્યાંથી થવાનો?

_પરપરિણતિ અદ્વેષપણે ઉવેખતા હો લાલ._ કોઈ વ્યક્તિમાં ક્રોધનો ઉદય થયો અને એ ક્રોધને કારણે એણે તમને કંઇક કહ્યું, તો એમાં એનો શું વાંક, બોલો! ક્રોધનો ઉદય આવ્યો અને એ ભળી ગયો કારણ કે એ જાગૃત સાધક નહતો. તમે એ વખતે એના એ કર્મકૃત દોષને જુદો પાડો અને એના અનંત ગુણવાન આત્માને જુદો જુઓ.




નવસારી તપોવન વાચના – 19 [16.4.2020]

દર્શનાચારને સુક્ષ્મ રીતે પાળવો હોય તો પ્રભુના વચનોની અનુભૂતિ જોઈએ. અને એ પ્રભુના વચનોની અનુભૂતિ માટે એક વર્ષના કોર્સમાં સુવિધિનાથ ભગવાનનું સ્તવન છે.

કલાપૂર્ણસૂરી દાદાનું છેલ્લે દર્શન મને રાજસ્થાનમાં થયેલું. જસવંતપુરાની બાજુમાં નાનકડું ગામ ક્લાપુરા. સાંજે સાહેબના ચરણોમાં હું બેઠેલો હતો. એમણે મને એક જ વાત કરી; કે દેવચંદ્રજીને ઘૂંટો. પ્રભુની આખી સાધનાનું હાર્દ દેવચંદ્રજીમાંથી તમને મળી જશે. દેવચંદ્રજી મહારાજે ચોવીસ સ્તવનો તો લખ્યા પણ એ ચોવીસ સ્તવનો ઉપરનો ગુજરાતીમાં સ્તબક પણ એમણે પોતે લખ્યો છે. અને વિહરમાન વીસી પણ એમણે લખી છે. અષ્ટપ્રવચનમાતાની સજ્જાય પણ એમની છે. ઘણા બધા ગ્રંથો છે. તો સુવિધિનાથ ભગવાનનું સ્તવન અનુભૂતિ માટે બહુ મજાનું છે.

એક સાધક મને મળેલાં. કલાપૂર્ણસૂરી દાદા અમદાવાદમાં બિરાજમાન. સાહેબજી વ્યસ્ત તો રહેતા જ આમેય. રૂમ ખુલી નથી કે ટોળું પેઠું નથી. તો એ સાધક ગુરુદેવ પાસે ગયા. કહે સાહેબ, મને એવું કંઇક આપો અમૃત તત્વ કે મારું જીવન બદલાઈ જાય. સાહેબજી આવા સાધકોને રાત્રે ૯ વાગે બોલાવતાં. કહે ૯ વાગે તું આવજે. ૯ વાગે ભાઈ આવ્યા. ૨-3 મુનિરાજો હશે. એ ભાઈએ મને કહ્યું કે માત્ર આ સુવિધિનાથનું સ્તવન ગુરુજીએ એવી રીતે લીધું કે હું અનુભૂતિની નજીક પહોંચી ગયો. કારણ કે દેવચંદ્રજીની પરાવાણી અને એ પરાવાણી ઉપર ભાષ્ય કરનાર અનુભૂતિવાન ગુરુ!

તો આપણે એક કડી જોતા હતા. એ કડીમાં ત્રણ સાધનાઓ આપી: જડ જગત જોડે સાધકની સાધના છે જ્ઞાતાભાવની, ચેતના જગત જોડે સાધકની સાધના છે મૈત્રીભાવની. ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતાં હો લાલ’. જે પણ આત્માને સાધક જુએ એને બધા જ ગુણોથી પરિપૂર્ણ રૂપે જુવે. બોલો આ એક દ્રષ્ટિ મળી જાય તો? બધા જ ગુણવાન છે, નિર્ગુણ હોય તો માત્ર એક હું છું.

સુરદાસજીએ પદ લખ્યું; “મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહો તો પાર કરો” “મેરો અવગુણ ચિત્ત ન ધરો”. એવા ભક્તને પણ લાગે કે બીજા બધા જ આત્માઓ ગુણવાન છે, ગુણહીન હોય તો માત્ર એક હું છું!

હવે આ ભૂમિકા જો આપણને મળી જાય તો અહંકાર ક્યાં રહે બોલો? હું ગુણહીન છું, બધાથી હીન છું. આ ભાવ આવ્યો; અહંકાર ક્યાંથી આવશે? જીવદ્વેષ ક્યાંથી આવવાનો? અને બધામાં રહેલાં ગુણો જ તમને દેખાય છે દોષ તો દેખાવાનો જ નથી તમને. જીવદ્વેષ કઈ રીતે થવાનો? અને માત્ર ગુણો દેખાય છે. રાગ પણ ક્યાં થવાનો? વ્યક્તિ રાગ અલગ ચીજ છે, એ હેય છે. પણ ગુણાનુરાગના સ્તર ઉપર તમે વ્યક્તિરાગ કરો તો ચાલી શકે. પણ વ્યક્તિરાગ તમારો સ્વાર્થાંધારિત કે રાગાધારિત હોય તો એ ચાલી શકે નહિ. આ એક સાધના આપણી પાસે આવી જાય. ‘નિજ સત્તાએ શુદ્ધ સહુને લેખતાં હો લાલ’. બધા જ આત્માઓ પોતાની અનંત શક્તિથી યુક્ત છે. પોતાના અનંતગુણોથી યુક્ત છે. પણ દેવચંદ્રજી મહારાજને ખ્યાલ હતો કે તમે કદાચ અમેરિકાવાળા માણસો હશે ને એને સિદ્ધના આત્મા માની લેશો. તમારાથી દૂર ચેન્નઈ કે બેંગલુરુમાં રહેતો હશે એના પ્રત્યે પણ એ સિદ્ધનો સાધર્મિક છે એવો ભાવ આવશે. પણ જે નજીકમાં રહે છે એનું શું? એકદમ મનોવૈજ્ઞાનિક આયામમાં હવે પછીનું ચરણ ખોલે છે. એમને ખ્યાલ છે કે આ જો ખરેખર પૂરો સાધક નથી તો જીવદ્વેષ એને થઈ જ જવાનો છે.

પંન્યાસજી ભગવંત કહેતા કે પ્રભુના બે અપરાઘો આપણે અનંત જન્મોથી કરેલા છે – જડ પ્રત્યેનો રાગ, ચેતના પ્રત્યેની શત્રુતા. શીર્ષાશન કરવું હોય હવે તો? જડ પ્રત્યે ઉદાસીન ભાવ, ચેતના પ્રત્યે મૈત્રીભાવ. આમ જુઓને તો પહેલી દ્રષ્ટિએ આ ભાવ તમને મળેલો હોવો જોઈએ. મિત્રાદ્રષ્ટિની અંદર તમે મૈત્રસાધક બનો છો. મૈત્ર્યયોગી બનો છો. અને એ વખતે તમને લગભગ બધા ઉપર મૈત્રીભાવ જ રહેતો હોય છે. અને તમે તો છઠ્ઠી દ્રષ્ટિમાં આવી ગયા ને, વ્યવહારથી? નિશ્ચયથી પહેલીમાં પણ નથી આપણે!

યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ ઊંડાણથી તમે વાંચોને તમે હલી જાઓ. કે પહેલી દ્રષ્ટિ પણ મારી પાસે નથી.! ત્યાં લખ્યું છે કે એક મૈત્ર્યયોગી બીજાની ચિંતા ક્યારેક કરે તો કરુણાના લયમાં જ કરે, ઈર્ષ્યાના લયમાં કે દ્વેષના લયમાં બીજાનો એને વિચાર પણ આવતો નથી! પણ દેવચંદ્રજી મહારાજને ખ્યાલ હતો કે આ સાધક સાધના પથ ઉપર હોંશે-હોંશે આવી તો ગયો છે, અહિયાં એ ફસાઈ જવાનો છે. મને એણે ગાળો આપી.! મને એણે ખરાબ વચનો કહ્યાં.! એટલે એ વ્યક્તિ ઉપર તમને સીધો ગુસ્સો આવવાની સંભાવના થઈ જાય.

એ વખતે બહુ જ મજાની વાત એમણે કરી – “પરપરિણતિ અદ્વેષપણે ઉવેખતા હો લાલ.” એનામાં જે દ્વેષ આવ્યો, ક્રોધનો ઉદય થયો, અને એ ક્રોધને કારણે એણે તમને કંઇક કહ્યું તો તમે એના ક્રોધના ઉદયને જુઓ. કે એ પણ બિચારો શું કરે? જો તમારા જેવા સાધકો પણ ક્રોધના હવાલે થઈ શકતા હોય. તો એ બોલનારો માણસ ક્રોધના હવાલે કેમ ન જઈ શકે? હવે એમાં એ વ્યક્તિનો શું વાંક બોલો? ક્રોધનો ઉદય આવ્યો અને એ ભળી ગયો. કારણ કે જાગૃત સાધક નહતો. તો હવે એમાં એનો દોષ શું? એટલે દેવચંદ્રજી મહારાજ એક ઊંડી વાત કરે છે. કે એ વખતે કર્મકૃત એના દોષને જુદો પાડો, અને એના અનંત ગુણવાન આત્માને છુટો પાડો.

હું ઘણીવાર કહું છું સ્વસ્થ સંબંધી હોય આપણો. કોઈ મહાત્મા જ છે. અને આપણને ખ્યાલ હોય કે એનું શરીર એકદમ સ્વસ્થ છે. મેટાસીન ની ટીકડી પણ એમણે જીંદગીમાં લીધી ન હોય. અને એમના માટે સાંભળીએ કે third stage નું કેન્સર detect થયું છે તો આપણો પ્રતિભાવ કેવો હોય? સંવેદનાત્મક હોય. કે અરે! એમને કેન્સર થઈ ગયું છે! આવો જ કોઈ સામાન્ય માણસ હોય ને એ પણ સામાન્ય માણસ માટે સાંભળે પોતાના સંબંધી માટે કે એને કેન્સર detect થયું છે. Third stage નું છે તો એને પણ પ્રતિભાવ કેવો આપો? સાલાને કેન્સર થયું એવો વિચાર આવે કદી? ન જ આવે ને? અરે! એને પણ કેન્સર થઇ ગયું.! બિચારો..! તો શરીરમાં કેન્સર લાગુ પડ્યું. તમારો પ્રતિભાવ સંવેદનાત્મક-લાગણીસભર હોય છે. તો દોષોનું કેન્સર કો’કને લાગુ પડ્યુ તો તમારો પ્રતિભાવ કેવો હોય? બોલો તો તમારો પ્રતિભાવ કેવો હોય? એ આત્મા શું કરે? હું પણ જો કર્મના ઉદયની અંદર આવી જાઉં છું. તો એ માણસ તો મારા જેટલો જ્ઞાની પણ નથી. તો એ કર્મના ઉદયમાં આવે એમાં નવાઈ શું?

અને બીજી વાત તમે એમ માનો છો કે એ મને અપશબ્દો બોલી રહ્યો છે. એ મને રફલી બોલી રહ્યો છે. એ બોલી રહ્યો છે કે તમારું કર્મ બોલે છે? કોણ બોલે છે?

હું ઘણીવાર પ્રવચનમાં કહું છું કે પ્રભુના કાનમાં ખીલા ઠોકાણા અને પ્રભુની આંખમાં આંસુ આવ્યા. ‘કૃતાપરાધેSપિ જને, કૃપામંથર તારયો’. પ્રભુની આંખો ભીની કેમ બની? પ્રભુને થયું કે કાનમાં ખીલા ઠોક્નારો તો મારો મિત્ર છે! એ તો મારો ઉપકારી છે ને.? એ મારા કર્મોને ખેરવી રહ્યો છે, તો મારા કર્મોને ખેરવનાર હોય તો એ તો મારો મિત્ર કહેવાય, મારો ઉપકારી કહેવાય. પણ અત્યારે એ ક્રોધના આવેગમાં છે અને એના કારણે એ જે કર્મ બાંધશે. એના ઉદયને કારણે શું એને દુર્ગતિમાં જવું પડશે? મારો આ મિત્ર. મારો આ ઉપકારી. એ દુર્ગતિમાં જશે? પ્રભુને આ ભાવ થાય છે અને એના કારણે પ્રભુની આંખમાં ભીનાશ છલકાય છે. આપણે પ્રભુ પાસે માંગ્યુ? કે પ્રભુ મારા કાનમાં ખીલા ઠોકવા આવે ને કોઈ તો હું કાં તો એને ઉભી પૂંછડી એ નસાડું, કાં તો હું ઉભી પૂંછડી એ નાસુ. મારા ગાલ પર કોઈ ચમચમતી તમાચ ઠોકે તો પણ એને સહન ન કરી શકું. પણ પ્રભુ એટલી તો શક્તિ તું મને આપ કે કડવા શબ્દો મને કોઈ કહે તો પ્રેમથી સહન કરી શકું.

મેં હમણાં એક સવાલ કરેલો કે ભાઈ કોઈ લાકડી મારે ને પીઠ પર તો પીઠ સુજી જાય. પણ કોઈ કડવા શબ્દો કહે તો શું થાય? કોઈ કાનમાં સોજો-બોજો આવે? એટલે પેલો કહે, સાહેબ કાનમાં ન આવે મનમાં સોજો આવે, મને કહે! ત્યારે મેં એક સરસ વાત કરી. મેં કહ્યું કે ભાઈ તું પ્રભુનો સાધક છે. તો ભગવાને પ્રભુના સાધકની વ્યાખ્યા શું આપી એ તને ખબર છે? મને કહે કે; ના મને ખબર નથી. મેં કહ્યું; પ્રભુએ કહ્યું છે કે મારો સાધક આકાશ જેવો હોય. તમે હાથ આમથી આમ ફેરવો. આકાશ ના પાડશે? ભીંત ના પાડશે. તમારી આંગળી કદાચ તમે જોશથી આમ દબાવો તો આંગળી બટકી જાય. ભીંત પ્રવેશવા નહિ દે આંગળીને. આકાશ ક્યાંય ના પાડે? તો પ્રભુ કહે છે, મારો સાધક આકાશ જેવો છે!

બીજી વાત કુશળ painter હોય. રંગનું ડબલું ખોલેલું હોય. બ્રશને એમાં નાંખ્યું. ભીંતને રંગી શકે. બારી-બારણાને રંગી શકે. આકાશને રંગો તો? “आकाशमिव पङ्केन, नासौ पापेन लिप्यते” તો તમે પ્રભુના સાધક છો. તમે આકાશ જેવા છો. કોઈ ગમે તેમ ચેષ્ટા કરે તમને શું થાય?

એટલે હું એક વાત ઘણીવાર કહું છુ કે તમે જો સાધક હોવ તો તમારી dictionary માં નિમિત્ત શબ્દ છે જ નહિ. નિમિત્ત તરીકે તમે પોતે જ છો. બીજો નિમિત્ત છે જ નહિ. તમે કર્મ બાંધેલું અને ઉદયમાં આવેલું. પેલો માણસ તો બિચારો ભેરવાઈ ગયો તમારા કર્મના કારણે! એ તો નિર્દોષ છે. તમને એ વખતે ભાવ થવો જોઈએ કે મારું કર્મ કેટલુ ખરાબ, કે આવા સજ્જન માણસ પાસે એ આવા ક્રોધના વાક્યો બોલાવે છે. મારું કર્મ કેટલું ખરાબ! અને એક સંસારી માણસ હોય. અને એના મનમાં આવો વિચાર હોય. અડધો કલાક પેલા અંકલ બોલી દે. પછી કહે અંકલ તમે મને સુધારવા માટે ઘણી મહેનત કરી, આ ઠંડુ પાણી જરા પીવો. ગળાને સોસ પડ્યો હશે. મતલબ એ છે કે તમારું જે મન છે એ તમારું નથી, સોસાયટી એ hypnotize કરેલું છે. બધા જ લોકો mass  hypnotism ના શિકાર છે. સમાજે કહ્યું આ સારું ગણાય; તમે કહો કે હા સારું. સમાજ કહે આ ખરાબ કહેવાય; તમે કહો છો ખરાબ.

J. Krishnamurti બહુ મોટા ચિંતક. એમણે એક જગ્યાએ લખ્યું છે કે આપણે આપણા બાળકને શું શીખવીએ છીએ. તમે બાળકને શીખવાડો કે સ્કુલમાં તારે first rank પર first number પર આવવાનું છે. હવે એને ખબર છે કે બીજા બધાને ગબડાઈએ -topple કરીએ તો પહેલા નંબર ઉપર અવાય. હવે સ્કૂલમાંથી જો શીખી ગયો હશે કે બધાને ન્હવડાવીને પણ ઉપર પહોંચી જવું, એ માણસ વેપારી બનશે, આખી બજારને નવડાવશે! એટલે સોસાયટીએ આપેલું મન જે છે એ સાધના માટે બિલકુલ નકામું છે. એ મન દ્વારા તમે સાધના કરી શકશો ‘જ’ નહિ! “આણે મને આમ કીધું!” અરે! તમે કહી શકો કે આણે મને આમ કીધું?! મારા કર્મે કીધું, એમ બોલો. કર્મગ્રંથ છ ભણેલ હોય. પંચસંગ્રહ અને કમ્મપયડી કરેલી હોય. અને કો’ક બે કડવા શબ્દો કહે. એટલે છ એ છ કર્મગ્રંથ હવા થઈ જાય! તારા કર્મગ્રંથ ક્યાં ગયા પણ? અનંત જન્મોમાં આ પ્રભુની સાધના આપણને મળી. આપણે ચુક્યા ક્યાં? અહિયાં જ! મનને બદલી શક્યા નહિ. માત્ર તમારા મનમાં એક ઝંખના પેદા કરો કે આ મન ચાલી શકે નહિ, પ્રભુએ આપેલું મન જોઈએ.

સદ્ગુરુઓ હોય ને એ mind transplantation ના નિષ્ણાંત હોય છે. તમારું જુનું મન આપો, નવું મન લઇ જાઓ. – અમારી exchange offer! જુનું મન આપી દો, નવું fresh મન તમને આપી દઈએ!

તો જ્યાં સુધી આ વાત મનમાં નહિ ઘુમરાવે. ત્યાં સુધી એ જ મન રહ્યા કરશે. એ જ બહારથી સાધના કર્યા કરશે. અને ભીતરની પરિણતિમાં zero હશે. આ કેમ ચાલશે? મનને totally બદલવું પડશે. સોસાયટી એ મન આપ્યું છે. એ મનમાં તો એક જ વાત છે: ‘tit for tat.’ ‘જેવાની સાથે તેવા’. ‘ઈંટનો જવાબ પથ્થરથી આપો’. પણ એ મન આપણી પાસે ચાલશે ખરું?

હું એક પ્રશ્ન ઘણીવાર પુછુ છું, કે સ્વભાવની દુનિયામાં તો પ્રભુ તમને લઇ જાય. પણ પહેલા મને એક વાત સમજાવો કે વિભાવો તમને ડંખ્યા છે ખરા? ક્રોધ વિભાવ છે. ક્રોધ તમને આવી જાય છે. તમને ડંખે છે ખરો? ખરેખર ડંખે છે? જો ડંખતો હોય તો વારંવાર રિપીટ એ થઈ ન શકે! તો વિભાવો ડંખ્યા; તો વિભાવો ગયા. અને ગુણો ગમ્યા; તો મળ્યા.

ગુણો કેમ નથી મળતાં? બરોબર ગમ્યા નથી! કોઈ વ્યક્તિ ગમી ગઈ. પણ એના ગુણો? એક મહાત્મા મને મળેલાં. મને કહે સાહેબ, કલાપૂર્ણસૂરી દાદા મુંબઈ તો પધાર્યા નહિં. પણ મુંબઈની બહારથી નીકળી ગયા. એ વખતે એમના દર્શન માટે આખું મુંબઈ રોડ ઉપર હતું. પોલીસના આંકડા પ્રમાણે દોઢેક લાખ માણસો ખાલી સાહેબના દર્શન માટે ભેગા થયેલાં. એ મહાત્માએ મને કહ્યું કે સાહેબ, કેટલું પ્રચંડ એમનું પુણ્ય હતું? મેં એમને કહ્યું કે તમને સાહેબનું પુણ્ય દેખાય છે. સાહેબની સાધના દેખાઈ? એ પ્રશંસાથી બિલકુલ પર બની ગયા, બિલકુલ નિરહંકારી બની ગયા, એમનું ‘હું’ જે હતું, એ બિલકુલ પ્રભુમાં વિલીન થઈ ગયું; એના કારણે આ પ્રચંડ પુણ્યનો વિસ્ફોટ થયેલો. અને આપણને શું થાય? એમનું પુણ્ય ગમી જાય. તો પુણ્યનું કારણ શું ?

એકવાર એક ભક્ત મને કહે, સાહેબ! દાદા જતા રહ્યા. દાદાનું મિશન અધૂરું રહી ગયું. તો મેં કહ્યું; કે કલાપૂર્ણસૂરી દાદાનું મિશન તો ક્યારનું ય પૂરું થઈ ગયેલું. એમને પ્રભુ જોઈતા હતા. પ્રભુનો સાક્ષાત્કાર થયો ત્યારે એમનું મિશન તો પૂરું થઈ ગયેલું. પછી પ્રભુનું મિશન ચાલુ થયેલું. પ્રભુનું મિશન ચાલુ થયું. પ્રભુ કહેતા હતા કે જુઓ જે મને મળે છે એને કેવો હું બદલી નાંખું છું! જુઓ, આ મારું સેમ્પલ! જે મને મળે છે, જે મને સમર્પિત થાય છે, એને કેટલી હદે હું ઊંચકું છું, એ જોઈ લો! બહારથી અને ભીતરથી! તત્કાલીન બધા મહાપુરુષો એમના ચરણોમાં હતા એનું કારણ હતું. પુણ્યપ્રભાવ નહતો. પુણ્યપ્રભાવ તો સામાન્ય લોકોને આંજી શકે. કે સાહેબની પાછળ ગાડીઓ દોડે છે કે આમ થાય છે. જે મહાપુરુષો એમના ચરણોમાં બેઠેલા એની પાછળ આ જ કારણ હતું – સાહેબનો આંતરિક વૈભવ.

તો ખરેખર કોઈ પણ મહાપુરુષ પાસે ગયા ત્યારે આપણને એમનો આંતરિક વૈભવ દેખાયો? અને એ આંતરિક વૈભવ તમને ગમ્યો ખરો? માત્ર પુણ્યના પ્રભાવને જોઇને તમે પાછા ફરો. તો તો દેરીએ હાથ દઈને પાછા ફર્યા એવું કહેવાય. આપણે ત્યાં વાત આવે છે ને, હીરો દેલીએ હાથ દઈને પાછો ફર્યો.

શેઠ રાત્રે વાત કરતા હતા કે હીરાને સવારે ઘોઘા મોકલવાનો છે. પેલો કહે; સવારે શું મોકલે! શેઠ શું કહે; હું જ જઈ આવું. ગયો રાત્રે ઘોઘા. ડેલીના દરવાજા બંધ. બારણે થાપ મારીને આવતો રહ્યો. સવારે ઊંઘી ગયો પાછો. શેઠ કહે ઊઠ. તારે ઘોઘા જવાનું છે. હવે શું ઘોઘા જવાનું? હું રાત્રે જઈને આવ્યો. કર્યું શું?

પંન્યાસજી ભગવંતને તમે જોયા હશે. ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને. એમ લાગતું કે સાક્ષાત તીર્થંકર જેવા હોય. આજે છે ને મારા પુસ્તકમાં કોઈ પણ reference મારે લેવો હોય. કોઈ પણ પુસ્તક વાંચું સારું. Reference સારો મળે. પણ મારા પુસ્તકમાં એ reference હું ત્યારે જ ટપકાવું જયારે હું મૂળ જોઈ લઉં. અને મૂળ જોયા પછી મને સંતોષ થાય તો જ એ reference ટાંકું. કેમ કે પેલો માણસ ખોટું સમજ્યો હોય તો? પણ પંન્યાસજી ભગવંતના એક-એક શબ્દોને હું આગમ માનું છું. એમના શબ્દો, બસ પછી જોવાનું જ નહિ! એ ખરેખર ઋષિ હતા. એમની ભાષા પણ તમે જુઓ, મંત્રાત્મક ભાષા છે. બહુ જ નાના-નાના શબ્દો. નાના-નાના વાક્યો. એક ઋષિની વાણી એમના શબ્દોમાં ગુંજે છે. આપણું સદ્ભાગ્ય છે કે એમનું લખાણ બધું જ આપણી પાસે આવી રહ્યું છે. ૨૦૦ ડાયરીઓમાં વહેંચાયેલું લખાણ પણ આજે આપણી પાસે આવી રહ્યું છે. ખરેખર આપણું સદ્ભાગ્ય છે. મારા તો સાધુ અને સાધ્વીઓ તમે જુઓ. અક્ષયપાત્ર લઈને જ બેઠેલા હોય. કારણ કે એક પરિણતિવાન મહાપુરુષને આપણે વાંચીએ ને તો આપણી ભીતર પણ પરિણતિની એક શક્યતા રહે છે. જેણે ઉપલબ્ધિ થઈ જ નથી. માત્ર જેની પાસે અભિવ્યક્તિની કરામત હતી. એને વાંચવાથી તમને કંઇ મળી ન શકે. અનુભૂતિવાન પુરુષોએ શબ્દોમાં પણ એ બળ મુકેલું હોય છે.

આનંદઘનજીનું સ્તવન આજે ગાવું તમને ગમે છે. 300 વરસ પહેલાનું. અને એ જુનું થવાનું પણ નથી. ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’, ક્યારેય પણ જુનું થવાનું નથી. પણ સિનેમાની તર્જ ઉપરનું આજનું એક નવું ગીત હશે ને તો છ મહિનામાં જુનું થઈ જશે. Out of date. ભાઈ હવે તો બહુ સાંભળી લીધું. પેલું કેમ જુનું નથી થતું? નિત્ય નૂતન રહે છે – પરાવાણી છે.

તો આ રીતે ગુણો જો ગમ્યા; તો મળી ગયા! અને દોષો ખટક્યા; તો ગયા! બે સુત્રો બરોબર યાદ રાખો. દોષો કેમ જતા નથી? ખટક્યા નથી માટે! કાંટો વાગ્યો પગમાં. પછી કેટલા દિવસ સુધી આમ બેસો આરામથી? કાંટો વાગ્યો છે હો. ચાલવામાં તકલીફ પડે છે. પણ અહીંથી દેરાસર જ જવું છે. બીજે જવું નથી ને. ચાલશે. કાંટો ભલે ને પગમાં રહ્યો. આપણે ઉદાર માણસો ને. કાંટો વાગ્યો નથી કે કાઢ્યો નથી! તમને દોષ તમારા કાંટા જેવા લાગે છે? લાગે છે કાંટા જેવા? શું? દોષો ખટકે; નીકળી જ જાય.! અને ગુણ ખરેખર ગમે; તો ગુણ મળી જ જાય.!

અને મેં કહ્યું તેમ ગુણવાન પુરુષો પાસે ગયા આપણે તો બાહ્ય પુણ્યવૈભવ જોઇને પાછા ફર્યા. સમવસરણમાં કેટલી વાર આપણે ગયા? પ્રભુની ઉદાસીનદશા લગભગ આપણે ન જોઈ શક્યા. માત્ર ૬૪ ઇન્દ્રો પગમાં પડેલા એ જોયું. અરે વાહ! ૬૪ ઇન્દ્રો પ્રભુના પગમાં પડયા છે. અપ્સરાઓ નાચી રહી છે. ઓહોહો મણીરચીત સિંહાસન ઉપર પ્રભુ બેઠા છે. ચામરો વિંઝાઈ રહ્યા છે. આ બધું જોઇને પાછા ફરી ગયા. એટલે આપણે હીરો ઘોઘા જઈને આવ્યો એવું જ કર્યું છે. સમવસરણમાં ગયા પછી જે પ્રભુની પરમ ઉદાસીનદશા જોવાની હતી, એ ઉદાસીનદશા તો જોવાઈ જ નહિ!

અને એટલે જીનવિજય મહારાજ કહે છે, ‘મારે તો સુષમાથી દુષમો અવસર પુણ્ય નિધાનજી’. પ્રભુ સુષમ કાળમાં તમે સાક્ષાત હતા. તમારા સમવસરણમાં હું આવતો. તમને સાંભળ્યા પણ હશે. બધું ઉપરથી નીકળી ગયું. તમારી પરમ ઉદાસીનતાને હું માણી નહિ શક્યો! આજે દુષમ કાળમાં હું છું. સાક્ષાત્ તમે મને મળ્યા નથી. તમારું પ્રતિરૂપ મારી સામે છે. પણ એ પ્રતિમાની અંદર જે ઉદાસીનભાવ છે. એને જોઇને હું ઉદાસીનભાવમાં આગળ વધુ છું. એટલે મારા માટે સુષમ કાળ કરતા દુષમ કાળ વધુ સારો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *