Mumukshu Vachna | 24-04-20 | Navsari Tapovan

23 Min Read

વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ

વૃત્તિ નિયંત્રણ માટે _શમન_ એ તો માર્ગ છે જ નહિ; બે જ માર્ગ છે – પ્રારંભિક સાધક માટે _દમન;_ ઊંચકાયેલા સાધક માટે _ઉર્ધ્વીકરણ_. દમન એટલે પ્રત્યાહાર; ઇન્દ્રિયને એના વિષયના વિકાર સાથે ન જોડવી, તે. અનંત જન્મોની અભ્યસ્ત સંજ્ઞાઓ આપણને ક્યારે હચમચાવી દે એ ખબર ન પડે; એટલે પ્રારંભિક સાધક પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી, એમાં લઇ જનારા નિમિત્તોથી દૂર રહેશે.

એ પછી આવે ઉર્ધ્વીકરણ; વૃત્તિઓનું રૂપાંતરણ. જેને આપણી પરિભાષામાં આપણે ઉપાદાનશુદ્ધિ કહીએ છીએ. આપણું ઉપાદાન, આપણું હૃદય એટલું નિર્મળ બની જાય કે એમાં રાગ-દ્વેષ-અહંકારની કોઈ શક્યતા જ ન રહે.

પ્રારંભિક માર્ગ દમન હોઈ શકે; ઠેઠ લગીનો નહિ. કારણ? દમન તમે આ જન્મમાં છેડા સુધી કરી લેશો; પણ દબાયેલી અનાદિની એ સંજ્ઞા આવતા જન્મમાં ઉત્તેજિત થયા વગર રહેવાની નથી. પણ જો આ જન્મમાં વૃત્તિઓને શુદ્ધ કરી નાંખી, ઉર્ધ્વીકરણ થઈ ગયું, તો પછી એ જન્મોજન્મમાં પણ અશુદ્ધ નહિ થાય; નિમિત્ત મળશે તો પણ.




નવસારી તપોવન વાચના – 27 [24.4.2020]

સુબાહુ જિન સ્તવનામાં ચાર ચરણો આપ્યા: વૃતિ નિયંત્રણ, ધ્યેયનું નિશ્ચિતીકરણ, ધ્યાન અને સમાધિ.
પહેલી વસ્તુ હતી – વૃત્તિ નિયંત્રણ. તમારા વિચારો ઉપર તમારું પ્રભુત્વ સ્થાપિત થાય. એના માટે શમન તો કોઈ માર્ગ છે જ નહિ. વૃત્તિઓ ક્યારેય પણ શમતી નથી. એટલે શમન એ તો માર્ગ છે જ નહિ. બે માર્ગ છે – દમન અને ઉર્ધ્વીકરણ. પ્રારંભિક સાધક માટે દમન; ઊંચકાયેલા સાધક માટે ઉર્ધ્વીકરણ.
દમન એટલે પ્રત્યાહાર. પ્રત્યાહારની વ્યાખ્યા આપી; ‘વિષય વિકારે ઇન્દ્રિય ન જોડે, તે ઇહાં પ્રત્યાહારો’. કોઇ પણ ઇન્દ્રિયોને એના વિષયના વિકાર સાથે ન જોડવી એ પ્રત્યાહાર. વિષય સાથે જોડાય એનો વાંધો નથી. આ આંખ છે ને પ્રભુનું દર્શન કરે તો કોઈ વાંધો નથી. પણ એ વિષય એવી રીતે ઇન્દ્રિયો પકડે જેના કારણે વિકાર દશા કે ક્રોધ વિગેરે ઉભો થાય તો ચાલી શકે નહિ. એટલે પ્રત્યાહારનો અર્થ આ – ‘વિષય વિકાર ન ઇન્દ્રિયો જોડે, તે ઇહાં પ્રત્યાહારો રે.’
તો પ્રારંભિક સાધક જે છે એ આ રીતે આગળ વધશે. અને એટલાં માટે એને નિમિત્તોથી દુર જ રહેવું જોઈએ. કારણ અનંત જન્મોની અભ્યસ્ત સંજ્ઞાઓ જે છે, તમને ક્યારે હચમચાવી નાંખશે, તમને ખબર નહિ પડે. એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી, એમાં લઇ જનારા નિમિત્તોથી તમારે અલગ રહેવું જોઈએ. અને એ માટે જ આપણી આખી સિસ્ટમ છે. સ્વાધ્યાય, ભક્તિ, જાપ. એટલા બધા શુભયોગો છે અને એમાં તમે તન્મય થઈ જાઓ. અને એમાંથી તમને આનંદ મળવા લાગે પછી તમે આમાં જવાના પણ નથી.
ભગવદ્ગીતામાં લખ્યું છે:
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥
તમે નિરાહાર બનો. તો બીજા બધા વિષયોની શક્તિ ક્ષીણ થઈ જાય છે. પણ રસનેન્દ્રીય જે છે એ એવી ને એવી ઉત્તેજિત રહે છે. તો એ રસનેન્દ્રીય જે છે, એના વિષય ને સમાપ્ત કરવા માટે શું કરવું પડે? તો ‘रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते’
બે રસ છે: એક પર રસ, એક અપર રસ. આમ કહું તો એક પરમ રસ, એક અપરમ રસ. તો પરમ રસનો આસ્વાદ મળી જાય; અપરમરસ છૂટી જ જવાનો છે! એટલે દમનના સ્તરે સાધક પ્રક્રિયા એ કરે છે કે પરમરસને પામવો છે. એ હજુ પમાયો નથી. પણ એનાથી ઉતરતા જે નિમિત્તો જે છે શુભના એને પણ બરોબર આત્મસાત્ કરીને મારી ઇન્દ્રિયોને વિષય વિકારમાં હું ન લઇ જઉં. આ દમનનું કાર્યક્ષેત્ર.
એ પછી ઉર્ધ્વીકરણ. તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ. એટલે જે શક્તિ તમારી નિમ્નગામિની હતી એ ઉર્ધ્વગામિની થઈ જાય. વેદમાં ઊંચકાયેલા સાધક માટે એક વિશેષણ છે: ‘ઉર્ધ્વરેતસ્’. આ ઉર્ધરેતસ્વ ક્યાંથી આવે છે? ઉર્ધ્વરેતસ્વ ઉર્ધ્વીકરણમાંથી આવે છે. એટલે એક-એક વૃતિને રૂપાંતરિત કરી નાંખવી છે. પેલામાં તો વૃતિઓને નિયંત્રિત કરી, દબાવી. આમાં તો વૃત્તિઓને બદલી નાંખવી. ખાસ કરીને મન જે છે મોટું ગુનેગાર છે. મન અશુભમાં રહેતું હતું શુભમાં આવી ગયું. તો શુભમાંથી તમે એને શુદ્ધમાં લઇ જવાની કોશિશ કરો. તો તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થઈ જશે. એટલે કે સાધનાનો શ્રેષ્ઠ માર્ગ આ ઉર્ધ્વીકરણ જ છે. તમારે તમારી વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ કરવું જોઈએ. ઘણા બધા મહાપુરુષોના ફોટા તમે જુઓ. એમના ચહેરા ઉપર જે તેજ હોય છે ને એ તેજ આ ઉર્ધ્વીકરણનું છે.
એટલે આપણા માટેનો પ્રારંભિક માર્ગ દમન હોઈ શકે, ઠેઠ લગી નો નહિ. કારણ, દમન તમે આ જન્મમાં છેડા સુધી કરી લો સમજો. આવતા જન્મમાં શું? સ્પ્રિંગ ઉછળવાની જ છે! આવતા જનમમાં તમારા કાબુમાં કંઇ છે નહિ. ક્યાં જન્મ મળશે? અને અનાદિની સંજ્ઞા ઉત્તેજિત થયા વગર રહેવાની નથી. ઉર્ધ્વીકરણ થયેલું હશે, વૃત્તિઓમાં રૂપાંતરણ થયેલું હશે તો બસ પછી જનમોજનમ સુધી એ ચાલશે. આ જનમમાં જેટલી તમે વૃત્તિઓને શુદ્ધ કરી નાંખી, એ અશુદ્ધ હવે નહિ થાય, નિમિત્ત મળશે તો પણ. દમનમાં નિમિત્તોથી બચવાનું હતું. પછી ઊંચકાયેલા સાધક માટે નિમિત્ત જેવું કંઇ છે નહિ. પણ ઊંચકાયેલા સાધક માટે હો! પ્રારંભિક સાધક કહી દે, મારા માટે કોઈ નિમિત્ત નથી એ ન ચાલે.
તો ઉર્ધ્વીકરણ એટલાં માટે જરૂરી છે કે આવતા જનમમાં શું? માત્ર દમન વૃત્તિઓનું કરી નાંખ્યું. આંખથી બીજું કંઇ જોવું નથી, દ્રષ્ટિ સંયમ રાખી દીધો. કાનથી કંઇ સાંભળવું પણ નથી. આયંબિલ વિગેરે કરવું છે એટલે રસનાનું પણ ઉત્તેજન ન થાય. બધું કર્યું. દમન કર્યું. પણ કેટલું ટકશે? ઉર્ધ્વીકરણ જે છે ને, તમારી સાથે ને સાથે આવશે. પાંચ વરસનો દીકરો હોય. અને પરમ વિરાગી તમે એને જુઓ છો. એ શું છે? ગયા જનમનું વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ છે.
વજ્રકુમારને રમકડા ન ગમ્યા અને ઓઘો જ ગમ્યો. એ શું હતું? વૃત્તિઓનું રૂપાંતરણ છે. એટલે સૌથી મોટું કામ આ વૃત્તિઓના રૂપાંતરણનું કરવાનું છે – જેને આપણી પરિભાષામાં આપણે ઉપાદાન શુદ્ધિ કહીએ છીએ. ઉપાદાનશુદ્ધિ કહો કે વૃત્તિઓનું રૂપાંતરણ કહો.
તો આપણું ઉપાદાન, આપણું હૃદય એટલું નિર્મળ બની જાય કે એમાં રાગ-દ્વેષ-અહંકારની કોઈ શક્યતા જ ન રહે. એવા ઘણા સાધકોને જોયા છે મેં પણ. જન્મજાત વિરાગી. એ ગ્રહસ્થ અવસ્થામાં હોય. ક્યાંય એને આકર્ષણ નથી. યુવાવસ્થામાં પણ, કિશોરાવસ્થામાં પણ. ન કોઈ પદાર્થોનો, ન કોઈ વિજાતીયનો. કશું જ નહિ. કોઈ આકર્ષણ જ નહિ! એટલે એના માટે નિમિત્ત જેવી ઘટના રહી જ નહિ. તો એ જન્માન્તરીય ઉર્ધ્વીકરણને કારણે થયું છે.
તો આપણે લોકોએ મહેનત ઉર્ધ્વીકરણ માટે કરવાની છે. તમે બધા પરિણત થઈ ગયા છો. દમનનો તબક્કો પૂરો થઈ ગયો હોય. ઇન્દ્રિયો તમારા હાથમાં નિયંત્રિત થઈ ગઈ હોય. તો સીધું જ કામ આ કરવાનું છે. એટલે ખરેખર કહું; એક પણ ઇન્દ્રિયો ગુનેગાર નથી. ગુનેગાર તો મન છે. આંખનું કામ તો માત્ર લેન્સ જેવું છે કે એ બહારના પદાર્થોનું રૂપ જે છે એને અંદર પહોંચાડે. પછી સારા-ખોટાનું વર્ગીકરણ તમારું મન કરે છે. રાગ-દ્વેષ કરનાર આંખ નથી. આંખ સહાયક બની. પણ રાગ-દ્વેષ કરનાર તમારું મન છે. કાન શબ્દને લાવશે. અંદર પહોંચાડશે. પણ સારો કે ખોટો એનું વર્ગીકરણ તમારું મન કરે છે. એ મનને જ બદલી નાંખો. ઇન્દ્રિયોને કોઈ તોડવાની નથી કે મરોડવાની નથી. આ જ ઇન્દ્રિયો દ્વારા આપણે શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલ્યા જઈશું. અને કોઈ ઇન્દ્રિયોનું તોડમરોડ કરવાનું નહિ રહે. Even શરીર પણ ગુનેગાર નથી. ગુનેગાર મન જ છે.
તો પહેલું ચરણ વૃત્તિઓનું રૂપાંતરણ એટલે ઉર્ધ્વીકરણ. આના માટે અભ્યાસ જોઈશે. પતંજલિ, પાતંજલ યોગસૂત્રમાં બે ઉપર ભાર મુકે છે: ‘अभ्यासवैराग्याभ्यां’ બે વસ્તુ જોઇશે – એક તો વૈરાગ્ય એટલે પરની અનાસ્થા. વૈરાગ્યનો મતલબ શું છે? પરમાંથી સુખ મળે છે આવી જે શ્રદ્ધા હતી, એનો છેદ ઉડ્યો – એનું નામ વૈરાગ્ય. એ જો વૈરાગ્ય આવી ગયો. તો પરમાં જવાનું કામ ન રહ્યું હવે. કારણ કે એનાથી જે સુખ મળે છે એ આસ્થા જ ખતમ થઈ ગઈ. ઠીક છે, શરીર છે, ભૂખનું દુઃખ છે તો રોટલી ને શાક ખાઈ લઉં. પણ રોટલી-શાક સુખ નથી આપતું મને. એટલે કોઇ પણ વસ્તુ મને સુખ ન આપી શકે. એટલે પર પ્રત્યેની સુખ આપવાની આસ્થા જે અનંત જન્મોની હતી, એ તૂટી, એનું નામ વૈરાગ્ય. એ વૈરાગ્ય આવ્યો. પછી તો, હવે સ્વમાં જવાનો અભ્યાસ કરો. હવે ઘૂંટો. અભ્યાસ. વારંવાર. વારંવાર. વારંવાર. શરૂઆતમાં વારંવાર તમારે અભ્યાસ કરવો પડશે. કારણ કે સંજ્ઞાવાસિત મન તમને પછાડી જ દેવાનું છે. આ સારું અને આ ખોટું કરવાનું જ છે. પણ જો અભ્યાસ તમારો પ્રબળ હશે; તમે વિજેતા બની શકો છો. You can do it, if you desire. તમે કરી શકો છો પણ સંકલ્પશક્તિ જોઇશે ને. મારે આ કરવું જ છે.
એટલે હું પૂછું છુ કે સંકલ્પ શું છે તમારો? દીક્ષાનું વર્ષ ઊજવો, દીક્ષાતિથી દ્વારા. એ વખતે દીક્ષાતિથીએ નક્કી કરો કે એક વરસનો પ્રોગ્રામ શું છે? અને એમાં જે આપણે જોઈ રહ્યા છીએ એ રીતે જ્ઞાનાચારમાં સુક્ષ્મમાં હું કેટલો જઈ શકું? દર્શનાચાર સુક્ષ્મમાં હું કેટલો જઈ શકું? પ્રભુના વચનોને આત્મસાત્ હું કેટલા કરીશ? એક ગ્રંથ લો, અને એ ગ્રંથનું એક પ્રકરણ લો, વાંધો નથી, પણ એને આત્મસાત કરી લો. તો અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ.
હું ઘણીવાર કહું છું મારી વાચનામાં કે શ્રી સંઘ vvip treatment આપણને આપે છે. પણ એ vvip treatment નો અનુવાદ આપણે તીવ્ર સાધનની ઝંખના માટે કરવાનો છે. ૨૪ કલાક માત્ર તમે સાધનામાં જ રચ્યાં-પચ્યા હોવ. કોઈ આવી ગયું. વાત કરી લીધી. પૂરું થઈ ગયું. બે શબ્દો બોલાઈ ગયા. વાત પૂરી થઈ ગઈ. એ બે શબ્દોનું સ્મરણ પણ ન રહે, હું શું બોલ્યો?
મેં એકવાર કહેલું કે મારી દ્રષ્ટિએ સફળ વક્તા કોણ? કે પ્રવચન આપ્યા પછી મેં શું આપ્યું તે ભૂલી જાય. મારે ઘણીવાર એવું બને. પ્રવચન આપતા પહેલા નોંધ નહિ કરવાની. પ્રવચન આપ્યા પછી હું નોંધ કરી લઉં. આ પોઈન્ટ ઉપર હું બોલ્યો હતો. ફરીથી એ રિપીટ ન થાય ચોમાસામાં. કારણ કે મને યાદ નથી રહેવાનું. આમાં બોલ્યો હતો કે નહતો બોલ્યો. તો પહેલું ચરણ વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ.
બીજું ચરણ છે – ધ્યેયનું નિશ્ચિતીકરણ. ધ્યેય તરીકે પ્રભુની નિર્મળ ચેતના અથવા પ્રભુના નિર્મળ ગુણ. આમાં શું છે? એક આલંબન રૂપે છે. પછી એ લઈને આપણે જવાનું આખરે આપણી ભીતર જ છે. પ્રભુની નિર્મળ ચેતનાનું અનુપ્રેક્ષણ કરીને અનુભવ તો આપણે આપણી નિર્મળ ચેતનાનો જ કરવાનો છે. તો ધ્યેય રૂપે પ્રભુને આપણે નિશ્ચિત કર્યા.
હવે આવે છે ધ્યાન. એ ધ્યાનની વ્યાખ્યા આપી; ‘ભાસન વીર્ય એકતાકારી’. દેવચંદ્રજી મહારાજ જ્ઞાન માટે ભાસન શબ્દ વાપરે છે. દર્શન માટે વાસન શબ્દ વાપરે છે. તો ‘ભાસન વીર્ય એકતાકારી.’ તમારું જ્ઞાન અને તમારો આત્મોપયોગ એ બેઉ એક થઈ ગયા – એ ધ્યાન. આત્મા કેવો છે? એનું જ્ઞાન તમારી પાસે છે. તમને કલાક સુધી આત્મા ઉપર પ્રવચન આપો. ચોમાસામાં આખું ચોમાસું આપી દઉં. એ જે આત્મજ્ઞાન છે એમાં અનુભૂતિ નથી. શાબ્દિકજ્ઞાન છે. માહિતીજ્ઞાન છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તમને શબ્દજ્ઞાન આપી શકે. મોહનીયનો ક્ષયોપશમ જે છે એ જ તમને અનુભૂતિમાં લઇ જાય.
ઉપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાળરાસમાં છેલ્લે લખ્યું, ‘હરવ્યો અનુભવ જોર હતો જે, મોહ મલ્લ જગ બાંઠો’. અનુભવે શું કર્યું? મોહનો જે મલ્લ હતો એને પરાસ્ત કર્યો. અને એ જ ઢાળમાં એમણે લખ્યું; ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને.’ શ્રુતજ્ઞાન જે છે ને એ અનુભૂતિ નથી કરાવી શકતું. એટલે તમારા સંદેહો ટળી શકતા નથી. આમ હશે કે આમ હશે? તપોવન કોઈએ જોયું જ ન હોય. તપોવનમાં શું હશે? આમ હશે કે આમ હશે? એમ શ્રુતજ્ઞાન તમારી પાસે છે. શ્રુતજ્ઞાન દ્વારા તમે આત્માનું સ્વરૂપ જાણો છો. પણ ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને રે’.
એમની છે ને છેલ્લી ઢાળ શ્રીપાળ રાસની બહુ સરસ છે. એક છેલ્લી ઢાળ અને બીજી વચ્ચે આવે છે અજીતસેન મુનિની સ્તવના થઈ છે ત્યાં. આખી ઉદાસીનદશાની એમાં બહુ જ સરસ વાતો કરી છે. તો છેલ્લી ઢાળમાં લખે છે; ‘તુઠ્યો તુઠ્યો રે મુજ સાહિબ જગનો તુઠ્યો, એ શ્રીપાળનો રાસ કરંતા અનુભવ અમૃતરસ વુઠ્યો’. ઉપાધ્યાયજી ભગવંત સ્પષ્ટ કહે છે હું પણ કોરો હતો. શ્રીપાળરાસની રચના ન થઈ ત્યાં સુધી હું પણ કોરો હતો. ‘એ શ્રીપાળનો રાસ રચંતા અનુભવ અમૃતરસ વુઠ્યો.’
અને પછી એ અનુભવની મહત્તા બતાવે છે. અને અનુભૂતિ શું એ તો કહી શકાય એવી વસ્તુ છે નહિ પણ એનો મહિમા તો બતાવી શકાય. ‘પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો, જ્ઞાન માંહિ તિમ અનુભવ જાણો, તે વિણ જ્ઞાન તે જુઠ્ઠો રે’. ‘પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગુઠો’ – ગૌતમસ્વામીનો અંગુઠો પડ્યો એટલે પછી એ પછી વધવા જ લાગ્યું. ‘જ્ઞાનમાંહિ તિમ અનુભવ જાણો’ – એ જ્ઞાનની ખીરમાં ગૌતમના અંગુઠા જેવો અનુભવ જે છે એ ભળવો જોઈએ.
એટલે હું પણ કહી શકું કે ન કહી શકું એ શબ્દો એમણે કહ્યાં – ‘તે વિણ જ્ઞાન તે જુઠ્ઠો રે.’ અનુભૂતિ નથી તમારી પાસે તો શબ્દજ્ઞાન બીજાના માટે કામનું. તમારા માટે શું કામનું? આપણી ગુજરાતીમાં એક કહેવત છે: “રાંધનારીને ધુમાડો.” પહેલા તો ચુલા ઉપર રસોઈ થતી હતી. એટલે ધુમાડો-ધુમાડો હોય. ૨૦-૨૫-૩૦ મહેમાન આવી ગયા. બનાયે રાખ્યું, બનાયે રાખ્યું, બનાયે રાખ્યું. બધાએ ખાઈ ગયા. એના માટે ધુમાડો જ રહ્યો બાકી. એમ આવો માણસ હોય, શબ્દજ્ઞાની. આપ્યા જ કરે આપ્યા જ કરે. બીજાને તો મળશે કંઇક કદાચ. તને શું મળ્યું ભાઈ? એટલે ‘ભાસન વીર્ય એકતાકારી’.
આત્મજ્ઞાન જે છે એમાં ઉપયોગ ભળવો જોઈએ. હું એટલે આ ‘જ’ છું. દેહ એટલે ‘હું’ નહિ, એ બોલી નાંખવાનો કોઈ મતલબ નહિ. નિર્મલ ચેતના એ ‘હું’ એ બોલી નાંખવાનો કોઈ અર્થ નથી. વાસ્તવિક રૂપે તમને એનો અનુભવ થાય. એ અનુભવ ક્યારે થાય? જ્ઞાન અને આત્મ-ઉપયોગ બે ભેગા થાય ત્યારે.
ધ્યાન આમ પણ બહુ મજાની ઘટના છે. એકવાર ધ્યાનની તમને દિશા મળી ગઈ ને; બહારનું બધું જ છૂટી જાય છે.
એક ઘટના કહું સરસ. નદી કાંઠે એક આશ્રમ હતો. બહુ જ મોટો આશ્રમ. ડઝનબંધ શિષ્યો. સેંકડો સાધકો અને જિજ્ઞાસુઓ ત્યાં રહેતાં. અને ભક્તો દ્વારા બધી વ્યવસ્થા થતી. ગુરુ જે હતા એકદમ નિઃસ્પૃહ. માત્ર સ્વમાં ડૂબેલા. બે-ત્રણ-ચાર વાર વાચના આપે. એક સાધક બહુ જ ઉંચકાયેલો હતો. એણે નામના સાંભળી કે આ ગુરુ બહુ ઉંચી કક્ષાના છે. એ ગયો. ત્યાં બધી જ સુવિધા હતી. તમને રૂમ આપી દે. જમવાનું ફ્રી છે. બધી જ વ્યવસ્થા. પેલો સાધક એક મહિના સુધી ત્યાં રહ્યો. એટલું સરસ એને લાગ્યું. સેંકડો સદ્ગુરુઓને જોયેલાં. અને માત્ર Aura દ્વારા ખ્યાલ આવી ગયો કે આ સદ્ગુરુ ખરેખર પરમને પામી ચુકેલા છે. આમાં ક્યાંય પરની વાત છે જ નહિ! માત્ર સ્વની જ વાત છે!
એમાં એ સાધકને સમાચાર મળ્યાં. કે અહીંથી દસ કિલોમીટર દુર પેલો પહાડ દેખાય છે ને એ પહાડની તળેટીમાં પણ એક મોટા ગુરુ છે. અને એ ગુરુ તો બહુ જ ઊંચા છે. આવા સમાચાર કો’કે આપ્યાં. હવે આ સાધક અત્યારે તો આ ગુરુની નિશ્રામાં હતો. એટલે એણે એના ગુરુને પૂછ્યું કે એ પહાડની તળેટીમાં આશ્રમ છે એ મેં સાંભળ્યું. ત્યાં પણ ઉંચી કક્ષાના ગુરુ છે. તો હું ત્યાં જાઉ? આ ગુરુએ ના પાડી. “ના પાડી. ત્યાં જવાનું નથી.” આખી રાત પેલાના મગજમાં એકદમ ઘમસાણ યુદ્ધ માંડ્યું. જો અહીં સુધી આવ્યો છું આટલી લાંબી ખેપ કરીને. ખાલી દસ કિલોમીટરે બીજા ગુરુ હોય. હું શા માટે ના જાઉં? ભલે આ ગુરુએ ના પાડી પણ હું ક્યાં એમનો શિષ્ય બન્યો છું? હું કંઇ સમર્પિત તો છું નહિ એમને!
એટલે વહેલી સવારે ઉઠ્યો એટલે ચાર વાગે, પહોંચી ગયો પેલા આશ્રમમાં. એ આશ્રમનું એટલુ સરસ વાતાવરણ. માત્ર પાંચ-સાત શિષ્યો. ગુરુ જે હતા, માત્ર ધ્યાનમાં રહેતાં. રોજ પ્રવચન જેવું કશું જ નહિ. શિષ્યો જે હતા એ પણ ધ્યાનમાં રચ્યાં-પચ્યા રહેતા. માત્ર જાગૃતિ. માત્ર હોંશ. ગુરુએ સમજાવી દીધેલું, હું જે ૨૪ કલાકનું ધ્યાન કહું છું ને, એવી જાગૃત્તિમાં, awareness માં, એ લોકો હતાં. આ માણસ ખરેખરનો સાધક હતો. એને તો આ વાતાવરણ એટલું બધું અપીલ કરી ગયું. ઓહો! આ તો અદ્ભુત! આ તો સ્વર્ગ ઉતરી ગયું! રહ્યો, મહિનો-બે મહિનો ત્યાં રોકાણો. અને એને ગુરુની ઊર્જાને બરોબર માણી. ક્યારેક ક્યારેક કો’ક પ્રશ્ન પૂછતો તો ગુરુ જવાબ પણ આપી દેતા. ક્યાંક સાધનામાં અવરોધ આવે તો ગુરુને પૂછી લેવાનું. શિષ્યો પણ બધા એવા જ હતા. રોજનું પ્રવચન કશું જ નહિ. સાધનામાં અવરોધ આવ્યો, પૂછી લો ગુરુને.
હું પણ ઘણીવાર કહું છે કે ડોક્ટર પાસે કોઈ પેશન્ટ જાય. ડોક્ટરનું પ્રવચન સાંભળવું પડે આમ? કોરોના બહુ ભયંકર છે. અડધો કલાક લેકચર સાંભળવું પડે ખરું? સાહેબ, જોઈ આપો ને જરા, પોઝીટીવ છે નેગેટીવ છે?નેગેટીવ છે ચાલો રવાના. પોઝીટીવ છે તો દવા આપી દો. કદાચ તકલીફ થઇ વળી પાછો આવી ગયો. સાહેબ, જરા જોઈ લો ને. પહેલા મેં કહેલું ને વર્કશોપના રૂપમાં ગુરુ કામ કરતા. વર્કશોપ આ રીતે કે તમને કામ સોંપી દીધું. અઠવાડિયા સુધી આ ઘૂંટો. પછી ઘૂંટ્યા કરવાનું. પછી એમાં અવરોધ આવે તો પૂછવા આવી શકો. ઘૂંટાયુ. બીજા અઠવાડિયે બીજું લેશન આપવા માટે તમને બોલાવીએ પાછા. આ રીતે આખું કામ ચાલતું.
તો મહિનો-બે મહિના માણસ રોકાયો. એને લાગ્યું કે અત્યારે તો મારે જવું પડે એમ છે. પણ ફરી આવું તો હવે અહીં જ આવું. પણ એક સવાલ એને થયો. આ ગુરુ આટલી ઉંચી કક્ષાના છે એ ખબર પેલા ગુરુને ન હોય એવું બને નહિ. એ ગુરુએ ના કેમ પાડી હશે? હજુ એનું મન કહે છે કે સામાન્ય સાધુઓમાં જે રાગ-દ્વેષ કે અહંકાર હોય, એ એમનામાં નહતો. એટલે મારો ભક્ત કે મારો સાધક બીજા પાસે જશે ને બીજાનો થઈ જશે. આવી કોઈ ગ્રંથિવાળા એ મનુષ્ય હતા જ નહિ. બિલકુલ નિઃસ્પૃહ માણસ હતો. તો પછી મને અહીં આવવાની ના કેમ પાડી? એટલે એના ગુરુને પૂછ્યું, હું નદી કાંઠે વાળા આશ્રમમાં એક મહિનો રોકાયેલો. ત્યાં પણ બહુ સરસ. ખરેખર ગુરુ એટલે ગુરુ હતા એ પણ. નિ:સ્પૃહ, ચારિત્રવાન, જ્ઞાની. પણ મેં એમને જ્યારે પૂછ્યું ને કે હું અહીંયા આવું? તો એમણે ના પાડેલી. તો ના કેમ પાડી હશે?
તો એ વખતે આ પહાડની તળેટીવાળા ગુરુ કહે છે, હવે તારે ઘરે જવું છે ને, તો તારે ઘરે જવાનો રસ્તો તો એ જ છે ને? તો તારો પહેલો પડાવ એ જ આવશે. એ નદી કાંઠાવાળો આશ્રમ. હવે તું એ ગુરુને પૂછી લેજે કે હું જઈને આવ્યો છું. તમે મને ના કેમ પાડેલી? ગુરુ જવાબ આપી દેશે. પેલો કહે; તહત્તિ.
નદી કાંઠાવાળા આશ્રમમાં આવ્યો. નાહ્યો, ધોયો, જમ્યો. બપોરે ગુરુ પાસે ગયો. એક જ સવાલ કર્યો. સાહેબજી હું તો ત્યાં જઈને આવ્યો બે મહિના, અદ્ભુત્ત વાતાવરણ ત્યાંનું. મેં ત્યાં ગુરુ મહારાજને પૂછેલું; કે મને આ ગુરુ મહારાજે ના કેમ પાડેલી? તો મને કહે; તું ત્યાં જાય છે ને, એને જ પૂછી લેજે, આપી દેશે જવાબ. હવે આપશે જવાબ. એટલે મારે તમને પૂછવું છે તમે કેમ ના પાડી? તો આ ગુરુ કહે છે; મને પણ ખબર નથી કે હું કેમ ના પાડું છું. એ મારા ગુરુ છે. પહાડની તળેટીવાળા ગુરુ મારા ગુરુ છે. એ ગુરુએ જ મને કહ્યું છે તું અહીંયા આશ્રમ બાંધીને રહે. અને કોઇ પણ સાધક કહે કે મારે ત્યાં જવું છે, તારે ના પાડવાની. ગુરુ કેમ ના પાડવાનું કહીને ગયા છે મને ખબર નથી. કારણ કે ‘आज्ञा गुरूणाम् अविचारणीया’. ગુરુની આજ્ઞા છે વિચાર કરી શકાય નહિ. આપણે સમજી જઈએ કે એ ગુરુ માત્ર એકાંતમાં એવી રીતે રહેવા માંગતા હતા. પાંચ-સાત સાધકો પણ એવા જ કે જેમના ઉપર પોતાનો સમય આપવો ન પડે.
આપણે ત્યાં છે ને બે જાતના ગુરુઓ યોગ્ય સાધકને પણ શિષ્ય તરીકે સ્વીકારતા નથી. એક તો એવા ગુરુ જે એકદમ ભીતર પહોંચી ગયા છે. બહારનું બધું જ પૂરું થઈ ગયેલું છે. કોઈ વ્યક્તિ આવશે એમની જોડે. યોગ્ય પણ છે. પણ એ સમજે છે કે શરૂઆતમાં એનું યોગક્ષેમ મારે કરવું પડે. એને વાચના પણ આપવી પડે. અને શિક્ષણ પણ આપવું પડે. એ હું કરી શકું એમ નથી. હું માત્ર ભીતર જ જવાનો છું. તો કહી દે કે ભાઈ તારે દીક્ષા જ લેવી છે ને? તો આ ગુરુ તારા માટે શ્રેષ્ઠ છે, તું ત્યાં પહોંચી જા. એટલે એકદમ ભીતર ગયેલા ગુરુઓ તમને શિષ્ય તરીકે રીજેક્ટ કરી નાંખશે.
હવે બીજા એવા ગુરુઓ છે કે જેમને પોતાને ખ્યાલ છે. પોતે આના ઉપર કામ કરી શકશે કે નહિ કરી શકે. ગુરુ એ જ છે કે જે શિષ્યો ઉપર કામ કરે અને એને વ્યવસ્થિત રીતે આગળ પહોંચાડે. નિષ્ણાંત ડોક્ટર આપણે કોને કહીશું? જે ગમે એવા દર્દીને પણ દર્દ મુક્ત કરી આપે એ. તો આવા સદ્ગુરુ જે છે એ જોઈ લે પેલા સાધકને. અને લાગે કે આને હું જે છે ને બરોબર ઉપયોગી નથી. મારા દ્વારા આને કંઇ ખાસ મળી શકે એમ નથી. એની ધારા આ છે. અને એટલે કહી દે કે આ મહાપુરુષ પાસે તું જા. જેમ મહેસાણાવાળા ડોક્ટર હોય, કેસ ફોરવર્ડ કરે ને?એમ આ ફોરવર્ડ કરી દે. કે ભાઈ મારી પાસે નહિ, તું ત્યાં જા.
કેવી એક પરંપરા હતી આપણી પાસે! શિષ્યની કોઈ ઈચ્છા જ નહતી! એ તો બંધન છે. તમે શિષ્યને તૈયાર કરો, રાખો, એની અપેક્ષા હશે. તમે પૂરી ન કરો તો પણ ગુનેગાર બનો. પૂરી કરો તમારી સાધના ખોરવાઈ શકે. એટલે આપણો અલ્ટીમેટ ગોલ માત્ર આ છે – આત્મોપયોગમાં સતત રહેવું.
આપણે હિંમતભાઈ બેડાવાળાને જોયેલાં છે. રાતોની રાતો કાઉસગ્ગ ધ્યાનમાં.! એવો આત્મોપયોગ હતો, ભીતર ઉતરી જતા હતા. તો ‘ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી રે’.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *