Mumukshu Vachna | 27-04-20 | Navsari Tapovan

22 Min Read

અરિહંત પદ ધ્યાતો થકો

અરિહંત પદ _ધ્યાતો_ થકો. _સુણતો_ થકો નહિ, _ચિંતવતો_ થકો નહિ, _ધ્યાતો_ થકો. અરિહંતપદની _અનુભૂતિ_ તમને થવી જોઈએ અને તમારી ચેતના થોડીક ક્ષણો માટે અર્હંન્મયી બની જવી જોઈએ. એના માટે ત્રણ વિકલ્પો આપ્યા: _દવ્વહ ગુણહ પજ્ઝાય રે_.

એક ક્ષણ એવી આવવી જોઈએ કે તમને પોતાને અનુભવ થાય કે રાગ-દ્વેષ-અહંકાર, વિભાવો, વિચારો બધું જ પૌદ્ગલિક છે અને એક પણ પૌદ્ગલિક ઘટના મારી ભીતર હોઈ શકે નહિ. પ્રભુનું જે નિર્મળ આત્મદ્રવ્ય છે એના જેવું જ નિર્મળ આત્મદ્રવ્ય મારું છે – આવો આંશિક પણ અનુભવ તમને થવો જોઈએ.

પ્રશમરસ, વીતરાગદશા વગેરે ગુણો જેવા પ્રભુમાં છે એવા તમારામાં પણ છે. એવા કોઈ પણ ગુણની તમે અનુભૂતિ કરો, તો એ પણ અરિહંત પદનું ધ્યાન થયું. અને પ્રભુના જે શુદ્ધ પર્યાયો છે – જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ – એ પર્યાયો દ્વારા પણ પ્રભુની શુદ્ધ ચેતનાનું આપણે ધ્યાન કરી શકીએ.




નવસારી તપોવન વાચના – 30 [27.4.2020]

વચનગુપ્તિની સજ્ઝાયનું એક પદ આપણે કાલે જોતા હતા. “અનુભવ રસ આસ્વાદતા, કરતા આત્મધ્યાન; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન.” ‘અનુભવ રસ આસ્વાદતા’ – સાધનાની અનુભૂતિ થવી જ જોઈએ.

આપણી સાધનાના ત્રણ આયામો છે: લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ. સ્વાધ્યાય એ લંબાઈ છે. ભગવાને કહેલા અનુષ્ઠાનો એ પહોળાઈ છે. પણ હું ઘણીવાર પૂછતો હોઉં છું, where is the depth? ઊંડાણ ક્યાં છે? અનુભૂતિ એ ઊંડાણ છે. સામાયિક લેવા માટે એક શ્રાવક બેસે. જે સુત્રો બોલે છે એનો અને સામાયિકની વિધીનો એને ખ્યાલ છે તો સ્વાધ્યાય આવ્યો. જે રીતે ખમાસમણ દેવાનું છે એ જ રીતે ખમાસમણ દો. મુહપત્તિના પણ ૫૦ બોલપૂર્વક પલેવી. આ રીતે અનુષ્ઠાન પરફેક્ટલી અને પ્રોપર્લી કરે તો બીજું આયામ આવી ગયું. પણ સમભાવ ન આવે, ઊંડાઈ ન આવે. એટલે આપણી પાસે સ્વાધ્યાય છે, અનુષ્ઠાન છે, અનુભૂતિ નથી.

મુનિત્વની અનુભૂતિ કેવી હોય? એની વાત શ્રીપાળરાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે લખી. શ્રીપાળ રાસ વિનયવિજય મહારાજે શરૂ કર્યો. એ પોતે કવિ હતા. કથા રસ એમણે સરસ જમાવ્યો. પણ એમની તબિયત લથડ્યા પછી એમણે એ રાસ પોતાના મિત્ર યશોવિજયજીને આપી દીધો. યશોવિજય મહારાજના હાથમાં કૃતિ આવ્યા પછી એક સાધનાકૃતિ બની ગઈ. એક બહુ જ વિશેષતા શ્રીપાળરાસની છે કે નવે પદોને ઉપાધ્યાયજી ભગવંતે ધ્યાનના સ્તર ઉપર ખોલ્યા છે. આપણે નવપદજીની ઓળી કરી લઈએ. એક ધાનનું આયંબિલ કરીએ, ક્રિયા કરી લઈએ. પણ મજાની વિધિ છે આપણી કે દુહા જે બોલીએ ખમાસમણ વખતે એમાં આખી જ ધ્યાનની વાત કરી છે. ‘અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્ઝાય રે, ભેદ છેદ કરી આતમા અરિહંત રૂપી થાય રે’. અરિહંત પદ ધ્યાતો થકો. સુણતો થકો નહિ. ચિંતવતો થકો નહિ. ધ્યાતો થકો. અરિહંતપદની અનુભૂતિ તમને થવી જોઈએ. અને તમારી ચેતના થોડીક ક્ષણો માટે અર્હંન્મયી બની જવી જોઈએ.

ત્રણ વિકલ્પ આપ્યા: ‘દવ્વહ ગુણહ પજ્ઝાય રે’. પ્રભુનું જે નિર્મળ આત્મદ્રવ્ય છે. એના જેવું જ નિર્મળ આત્મદ્રવ્ય મારું છે. આપણે લોકો આ અનુપ્રેક્ષા સુધી ક્યારેક પહોંચી જઈએ છીએ. કે પ્રભુની જેવી નિર્મળ ચેતના છે એવી જ નિર્મળ ચેતના મારી છે. પણ અનુભૂતિ ન થાય તો કેમ ચાલે? કેરીનો વિચાર જ તૃપ્તિ નથી આપતો, કેરી ખાઓ તો તૃપ્તિ મળે! તો એક ક્ષણ એવી આવવી જોઈએ કે તમને પોતાને અનુભવ થાય કે તમારું સ્વરૂપ બિલકુલ નિર્મળ છે. સ્ફટિક જેવું પારદર્શી… તમને લાગે કે રાગ-દ્વેષ-અહંકાર એ પણ પૌદ્ગલિક ઘટનાઓ છે; એ વિભાવો છે, વિચારો છે – પૌદ્ગલિક ઘટના છે. અને એક પણ પૌદ્ગલિક ઘટના મારી ભીતર હોઈ શકે નહિ! એટલે પ્રભુની જે નિર્મળ ચેતના છે, એવી જ નિર્મળ ચેતના મારી છે, માત્ર મારે એને ઉઘાડવાની છે. એટલે આંશિક પણ આ અનુભવ થાય ને તો ઉઘાડતા વાર નથી લાગતી પછી. રૂમમાં ખજાનો ભરેલો છે. ખબર પડી જાય. તો ઉઘાડતા વાર કેટલી લાગે?

આપણે ત્યાં એક કથા આવે છે. એક શ્રીમંત માણસ. એનો દીકરો દસેક વરસનો હતો અને એ expired થઈ ગયો. પતિના શોકમાં પત્ની પણ expired થઈ ગઈ. ૧૦ વરસનો દીકરો રહ્યો. કરોડોની સંપત્તિ. એના કાકા, બીજા બધા હતા, થોડી સંભાળ રાખતા. પણ કેટલાક તકસાધુઓને લાગ્યું કે “આકડે મધ” છે આ. કરોડો રૂપિયા આની પાસે છે ખંખેરો. એ  જુગારના પીઠામાં લઇ ગયા. દારૂના અડ્ડામાં લઇ ગયા. અને એ રીતે એને વ્યસનોમાં ચકચૂર કરી નાંખ્યો. એના સંબંધીઓએ ઘણું સમજાવ્યો. પણ ચસકો લાગી ગયો. એ જુગારમાં પોતાની બધી જ સંપત્તિ હોમી બેઠો. હવે એક પણ પૈસો એની તિજોરીમાં નથી. બધા મિત્રો ભાગી ગયા. હવે કંઇ છે નહિ આનામાં.

હવે છોકરો વિચાર કરે શું કરવું મારે? ત્રણ-ચાર વરસ વધી ગયા અને ૧૪-૧૫ વરસની ઉમર થઈ એની. શું કરવું? એટલું બધું ભણેલો નથી કે કોઈ બીજું કોઈ હુંન્નર કરી શકે, ઉદ્યોગ કરી શકે. તો પેટ તો ભરવું. તો વિચાર કર્યો કે મોટી હવેલી છે વેચી નાંખું. નાના ઘરમાં જતો રહીશ. અને હવે એક પણ વ્યસનમાં જઈશ નહિ. જે પણ પૈસા મળશે એમાંથી ધંધો કરીશ અને આરામથી ખાઇશ-પીશ. હવેલી વેચવાનો એને વિચાર આવ્યો.

એના પેલા અંકલને ખ્યાલ આવી ગયો. અંકલે એને બોલાવ્યો ખાનગીમાં. બેટા, તું હવેલી વેચવા ધારે છે? અંકલ શું કરું પણ? એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો દીકરો છું કે હાથ માંગવા તો જવાનો નથી કયાંય – હાથ લાંબો કરવા જવાનો નથી. તો પેટ કેમ ભરવું? બીજું કંઇ છે નહિ મારી પાસે, બધું જ ખતમ થઈ ગયું. પેલો અંકલ કહે છે જો તારા પિતા બહુ ડાહ્યાં હતા. તિજોરીમાં જે હતું ને એ તો બહુ ઓછું હતું. બીજું અપાર ધન એમને દાટેલું છે. અને મને કહેલું છે કે છોકરો કટોકટીમાં આવે ત્યારે એને કહેવાનું. હવે પહેલા તું પ્રતિજ્ઞા લેતો હોય કે કોઇ પણ વ્યસનમાં તું નહિ જાય. આ બધા મિત્રોને તું ઓળખી ગયો હવે. એક પણ મિત્રની સોબત તું નહિ કરે. આવું નક્કી કર તો હું બતાવું તારો ખજાનો ક્યાં છે? એમાં પણ હોશિયારી કરે છે અંકલ. એક જ ખજાનો બતાવે છે. ઘણા ખજાના દાટેલા છે. ઓહો મારા પિતા આટલા દીર્ઘદ્રષ્ટા હતા. ખજાનો દાટીને ગયા છે. ક્યાં છે? તો કહે જો આજે સવારે ૧૦ વાગે તારી હવેલી ઉપરની જે ધજા છે. એનો પડછાયો જ્યાં પડે ને એ જગ્યાએ તારે ખોદવાનું. કુદરતી આ જ દિવસ આવી ગયો છે. જે દિવસ એમણે કહેલું હતો. તો સવારે ૧૦ વાગે ધજાનો પડછાયો પડે. ત્યાં તારે ખોદકામ કરવાનું. તો સોનામહોરના ચરુના ચરુ તને દાટેલા મળશે. એક બે નહિ પણ સેંકડો. આ સાંભળ્યા પછી પેલો છોકરો શું કરે? પછી મજુરને લઇ જાય, ખાડો ખોદવા? હવેલીનું બારણું બંધ કરીને અંદરથી અને મંડી પડે અને ખજાનો મેળવી લે.

આપણને ખબર છે કે અનંત આનંદ આપણી ભીતર છે. કેટલીય વાર સાંભળ્યું! પણ એ ખજાનાને હસ્તગત કરવા માટે શું કર્યું? હવે ક્યાં આપણે અટકીએ છીએ, એ તો જુઓ. ભગવાને કહ્યું છે; હવે એ વચનમાં શ્રદ્ધા ન હોય એવું તો બને નહિ. તો શ્રદ્ધા હોય, શ્રવણ હોય; આચરણ આવે જ!

મનુષ્યત્વ પામ્યા પછી ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ ત્રણ વાતો દુર્લભ કરી: શ્રવણ, શ્રદ્ધા અને આચરણ. શ્રવણ છે પ્રભુના પ્યારા શબ્દોનું. શ્રદ્ધા છે. હવે આચરણ નથી તો એનું કારણ સમજાય છે કાંઈ? કાં તો તમે નિઃસ્પૃહ છો, તમારા ભીતરી ખજાના માટે. મોક્ષમાં જઈશું ત્યારે ખજાનો ખુલવાનો જ છે ને! અત્યારે શું ચિંતા? અત્યારે રતિ-અરતિમાં જીવી લો. ત્યાં ક્યાંથી રતિ-અરતિ મળવાની?

એક ભરવાડે પંડિતજીને પૂછેલું કે પંડિતજી આ અમારા ગામમાં કથાકાર આવ્યા હતા મોટા. અને મોક્ષ-મોક્ષ-મોક્ષની વાતો કરતા હતા. કથામાં તો ઘણા બધા માણસો હતા એટલે મારાથી પુછાય નહિ. પંડિતજી તમે આજે એકલા મળી ગયા છો જંગલમાં. તો મારે તમને પૂછવું છે મોક્ષ કેવો હોય? તો કહે; મોક્ષમાં બહુ આનંદ હોય, આમ હોય, તેમ હોય. પેલા રબારીને હોકો પીવાનું વ્યસન. હુક્કા વગર એને ચાલે નહિ. એ કહે મહારાજ બીજું બધું ખરું પણ મોક્ષમાં હુક્કો પીવા મળે કે ન મળે? ભાઈ મોક્ષમાં હુક્કો ન હોય. ત્યાં તો શરીર જ નથી ને! એ કંઇ નહિ. હુક્કો પીવા મળે કે ન મળે? કહે કે; ન મળે. તો મોક્ષ તમારી પાસે રાખો. આપણે ક્યાં અટકીએ છીએ, જુઓ તો ખરા! આટલી સરસ સિસ્ટમ મળી. આટલી સરસ કાર. સોફર તરીકે ગુરુ. તમે જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી જાઓ.!

ઢાકામાં એક ગુરુ રહે છે. બાંગ્લાદેશનું પાટનગર ઢાકા. અને એનાથી ૧૫૦ કિલોમીટર દુર જંગલમાં એક આશ્રમ છે. અને તેમાં એક યોગી રહે છે. એ ક્રિયાયોગના માસ્ટર છે. એક અમેરિકન યોગનો મુમુક્ષુ હતો. એ ઈન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતો હતો. ત્યાં એને ક્રિયાયોગના નિષ્ણાંત તરીકે આ યોગીનું નામ વાંચ્યું. એને નોંધ કરી દીધી. બાંગ્લાદેશનું પાટનગર ઢાકા. ત્યાંથી ૧૫૦ કિલોમીટર દુર આ છે. તેની બાજુમાં આશ્રમ છે. તરત જ પ્લેનમાં ઢાકા આવ્યો. ઢાકા એરપોર્ટ પર ઉતર્યો. ટેક્ષી સ્ટેન્ડ પર ગયો. અને એણે આ ગામની ચિઠ્ઠી બતાવી. બધા ડ્રાઈવરો એ ખભા ઊંચક્યા. કારણ કે એ બધી ટેક્ષીઓ હાઇવે ઉપર જનારી. હાઇવે ઉપરના મોટા-મોટા સેન્ટરો. આ તો ઇન્ટીરીયર ગામ હતું અને એકદમ ઇન્ટીરીયર હતું.

હવે શું કરવું? પેલો વિચારમાં પડી ગયો. મેં પૂરી માહિતી મેળવી નહિ. હવે પૂરી માહિતી મને કેવી રીતે મળે, વિચાર કરે છે. ત્યાં જ એક ટેક્ષી એમની પાસે આવી. અને એ ટેક્ષીવાળાએ સામેથી પૂછ્યું તમારે અહીંયા જવું છે? તો કહે, હા. બેસી જાઓ. પ્રોફેસર એમાં બેસી ગયા. ટેક્ષી ચાલી. ૧૦ કિલોમીટર પછી તો એકદમ ઇન્ટીરીયર રોડ. ખાબડ-ખોબડ રોડ. મેટલ પણ ઢાંકેલા નહિ. ખુલ્લાં મેટલ્સ. એમ કરતા કરતા માંડ પેલું ગામ આવ્યું. અને એ ગામ પછી તો જંગલ જ હતું આખું. જંગલમાં તો ખાલી રસ્તા જેવું પણ નહતું. તો બરોબર પેલા સોફરે ગાડી પેલા આશ્રમ પાસે લાવીને મૂકી દીધી. અને પછી સોફરે કહ્યું; તમે આરામથી અહીંયા રહો, ન્હાવો, ધોવો, નાસ્તો કરો. પેલાને એમ કે હમણાં નહિ જવાનો હોય ટેક્ષીવાળો. હું જરા નાહી-ધોઈ આવું, નાસ્તો કરી લઉં, પછી એનું બીલ ચૂકવી આવું. એણે સ્નાન કર્યું, નાસ્તો કર્યો. ટેક્ષીવાળો દેખાય નહિ. ટેક્ષી પડેલી. ડ્રાઈવર ન દેખાય. ઘણી તપાસ કરી ડ્રાઈવર ન મળે. ચાલો કહે કે ક્યાંય બહાર ફરવા ગયો હશે. આવશે હમણાં. હું ગુરુને તો મળી લઉં ત્યાં સુધી.

એટલે એણે પૂછ્યું કે ભાઈ ગુરુને મળાશે અત્યારે? હા મળાશે. એ ગુરુની ચેમ્બરમાં ગયા. તો જે કાર એની ડ્રાઈવીંગ કરીને આવેલા એ જ ગુરુ હતા.! ગુરુ હસ્યા. પછી ધીરે-ધીરે-ધીરે એમની પાસે યોગ શીખતા પ્રોફેસરને ખ્યાલ આવ્યો કે ટેલીપથી એમની એટલી વિકસિત હતી કે ઢાકા ભલે ૧૫૦ કિલોમીટર રહ્યું પણ કોઈ વ્યક્તિ ત્યાં આવવાની છે અને પોતાને મળવા માટે આવવાની છે, આવો ખ્યાલ આવી જાય, એટલે પોતે તરત જ કાર લઇને ત્યાં પહોંચી જતાં. ૨૦ દિવસ પ્રોફેસર ત્યાં રહ્યા. આખી સાધનાને હસ્તગત કરી લીધી. હવે જવાનું હતું. હવે ચિંતા ક્યાં હતી? ગુરુ પોતે જ સોફર હતા અને એ જ ટેક્સી હતી. એરપોર્ટ પર પહોંચી ગયો અને પોતાને સ્થાને પહોંચી ગયો. તમારી પાસે પણ આ જ છે ને? તમારે ડ્રાઈવિંગ કરવાનું નથી! ગુરુ સોફર તરીકે છે. તમારે તો ખાલી back seat journey કરવાની છે. પાછળ બેસી જવાનું છે ખાલી.

તો અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્ઝાય રે’. હવે ગુણથી મિલન કરો. પ્રભુમાં જે વિતરાગદશા છે એ જ મારામાં છે. પ્રભુમાં જે પ્રશમરસ છે એ જ મારામાં છે. ભલે મારી પાસે એકદમ નાનકડો હોય, ખાબોચિયા જેટલો પણ રસ એ જ છે. જે પ્રશમરસ પ્રભુની પાસે છે. ભલે સમુદ્ર જેવો છે. એ જ ખાબોચિયા જેટલો પ્રશમરસ મારી પાસે છે. પછી એને ઉઘાડીશ હું. તો ગુણ દ્વારા પણ મિલન થાય. એટલે મેં પહેલા બતાવ્યું હતું એમ. કોઇ પણ ગુણની તમે અનુભૂતિ કરો તો આ અરિહંત પદનું ધ્યાન થયું. અને પર્યાય – પ્રભુના તો શુદ્ધ પર્યાયો જ છે. દ્રવ્ય અને ગુણ બે માં જે સ્થિત્યંતરો થાય એને આપણે પર્યાય કહીએ છીએ. તો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ પ્રભુનો બદલાયા કરતો હોય છે ક્ષણે-ક્ષણે. એ રીતે પર્યાય દ્વારા પણ પ્રભુની શુદ્ધ ચેતનાનું આપણે ધ્યાન કરી શકીએ. અને એવું કરો તો શું થાય? ‘ભેદ-છેદ કરી આતમા અરિહંત રૂપી થાય રે.’

વિધિ કેટલી મજાની! અરિહંત પદના બાર ગુણ. બાર ખમાસમણ દેવાના. પ્રદક્ષિણા દેવાની. લોકો પાછા સિદ્ધચક્રજીને લઇ આવે. રંગમંડપમાં દેરાસરમાં. પ્રદક્ષિણા દેવાની છે. આટલી સરસ વિધિ! અને ગુજરાતી ભાષાનો દુહો. છતાં આપણે એનાથી બિલકુલ અપરિચિત!

એક ભાઈ મને મળેલો. મને કહે; જ્ઞાનપંચમીની આરાધના મારે પૂરી થઈ ગઈ. પાંચ વરસ અને પાંચ મહિના. બરોબર ઉપવાસ, બધી જ વિધિ, દેવવંદન, નવકારવાળી, ખમાસમણ, બધું. મેં એને પૂછ્યું પાંચ વરસમાં ગાથા કેટલી કરી? મને કહે; એ તો ક્યાં વિધિમાં છે જ? એટલે વરરાજા રહી ગયા અને જાન આગળ પહોંચી ગઈ. આટલા સરસ અનુષ્ઠાનો છે આપણી પાસે. હવે એનો સ્વાધ્યાય થાય; તરત એની અનુભૂતિ થાય.

ઉપાધ્યાયપદની પૂજામાં પણ શું લખ્યુ, એ દુહામાં? ‘દ્વાદશઅંગનો ધ્યાતા રે’. જ્ઞાતા નથી લખ્યું. એટલે ઉપાધ્યાયજી ભગવંત જે છે એ પણ બાર અંગના ધ્યાતા હોય છે. એટલે જ તમને ખબર છે? ૧૪ પૂર્વી પાછળની વયમાં ૧૪ પુર્વોનું સ્મરણ ન કરી શકે ત્યારે માત્ર નમસ્કાર મહામંત્રમાં આવી જાય છે. કારણ કે ‘નમો’માં આવ્યો; અને એ ‘નમો’ની અનુભૂતિ થઈ તો ૧૪ પૂર્વો દ્વારા જે મળવાનું છે એ એને મળી ગયું. પણ એ ક્યારે? ‘નમો’ પદ માત્ર બોલવાથી નહિ; ‘નમો’ની અનુભૂતિ થઇ. તો ‘અનુભવ રસ આસ્વાદતા’. અનુભૂતિ. ધ્યાન એટલે અનુભૂતિ. એ અનુભૂતિમાં જાઓ ને પછી ઘટનાઓ પ્રત્યેનો તમારો અભિગમ આખો બદલાઈ જાય. આખી life system તમારી બદલાઈ જાય છે.

૪૦૦  વરસ પહેલા દિલ્હીમાં મુસ્લિમ બાદશાહનું શાસન હતું. એ જ દિલ્હીમાં એક આશ્રમ હતો. એમાં એક હિંદુ સંત રહેતા હતા. નામ એમનું હરિદાસ. એ જન્મે મુસ્લિમ હતા. જન્મે મુસ્લિમ, પણ પૂર્વ જન્મમાં કૃષ્ણ ભક્તિ બહુ કરેલી, એ પૂર્વજન્મની ધારા ઉદિત થઇ; અને કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા, ચુસ્ત હિંદુ બની ગયા. નામ પણ હરિદાસ રાખી દીધું. અને એમના આશ્રમમાં ભજન અને કીર્તન ચાલ્યા કરે. કૃષ્ણ ભક્તિના પદો પોતે બનાવે.. ગાય… નાચે… બાદશાહને એક જણાએ કહ્યું કે આ મુસ્લિમ છે જન્મથી અને કાફીરોના જે ભગવાન છે, એમના ગુણગાન ગાય છે. બાદશાહ કહે; ચાલે જ નહિ આ! બોલાયા સંત ને. સંત આવ્યાં. આમ ઉભા રહ્યા આરામથી. સંતને કંઇ ઝૂકવાનું છે નહિ બાદશાહને. બાદશાહ કહે છે કે મારી આજ્ઞા છે કે આજથી તમારે કાફીરોના ભગવાનની સ્તુતિ નહિ કરવાની. એના જાપ કરવાના નહિ. નાચ એનો કરવાનો નહિ. એના ઉપર પ્રવચનો તમારે આપવાનું નહિ. સંત હસતા રહ્યાં. બાદશાહ કહે; સાંભળો છો કે નહિ. સંતે એટલું જ કહ્યું; હું સંત છું અને ઉપરવાળાની આજ્ઞામાં છું. બીજા કોઈની આજ્ઞામાં હું નથી. એટલે હુકમ, આજ્ઞા, ઓર્ડર માત્ર ઉપરવાળાનો હું માનું છું. ત્રણવાળા છે.

તમને ખબર છે? એક ઉપરવાળો, એક અંદરવાળો, બીજા બહારવાળા. હવે અંદરવાળો ઉપરવાળા જોડે જાય તો કલ્યાણ થઈ જાય; બહારવાળા જોડે જાય તો…?! દુનિયા ક્યારેય કોઈને સર્ટિફિકેટ આપતી નથી.

હું ઘણીવાર કહું છું કે પ્રભુને રીઝવીએ ને, પ્રભુ રીઝી જાય. પણ તમારી સોસાયટી ક્યારેય રીઝવાની નથી. સોસાયટીમાં માણસ ઉંચો ચડેલો હોય ને, લોકો ગીધ નજરે એને જોતા હોય. બેટો ઉપર ચડી ગયો છે. બેટો બહુ આગળ વધી ગયો. એમાં એનો છોકરો કે છોકરી રાત્રે ભાગી ગયા. તો જોઈ લો. આખા સમાજના મોબાઈલો ધણધણી ઉઠે. સાંભળ્યું? પેલાનો છોકરો ભાગી ગયો! લોકોને રસ ક્યાં છે? એ પડે એમાં છે! તો સોસાયટી ક્યારેય સર્ટિફિકેટ આપતી જ નથી. એટલે હવે અંદરવાળા એ નક્કી કરવું પડે કે ઉપરવાળા જોડે રહેવું છે કે બહારવાળા જોડે.

તો સંતે કહી દીધું, “હું ઉપરવાળાની આજ્ઞામાં છું.” “અચ્છા, મારી આજ્ઞાને  નહિ માનો એમ?” મેં સ્પષ્ટ તો કહ્યું; “માત્ર ઉપરવાળાની આજ્ઞા હું માનું છું. ઉપરવાળો મને ના પાડે કે ભજન નહિ ગાવાના તો નહિ ગાઉં. ઉપરવાળો મને કહે કે ભજન ગાવાના તો ગાઇશ જ!” બાદશાહ ગુસ્સે થઈ ગયા. પોતાના હુકમને ન માને એવો કોઈ માણસ જ મળેલો નહિ. આ પહેલો મળેલો. છતાં સંત છે એ ખ્યાલ હતો. એટલે ફાંસીના માંચડે તો એમને ચડાવાય નહિ. નહિતર હિંદુ લોકોમાં હો-હા થઈ જાય. પણ એમણે એક સજા ફટકારી. ચાબુક્યાને કીધું; ચાબુક ફટકારો. જ્યારે કહે કે બાદશાહની આજ્ઞા માનીશ ત્યારે ચાબુક મારવાનું છોડી દેવાનું.

ચાબુક મારવા માટેની નિયત જગ્યા હતી. ચાબુકીયો સંતને ત્યાં લઇ ગયો. પીઠ ઉપર જોશ શોરથી મારે છે. લગભગ જે છે ને ગુનેગાર જ માણસો જ રીઢા આવતા હોય આમાં. અને એ રીઢા માણસો જે છે ઘણીવાર ચાબુકનો માર ખાઈને પણ ખતમ થઈ જતા હોય છે. એટલાં જોરજોરથી પેલો મારતો હોય. અને સંતની કાયા તો એકદમ કોમળ હતી. એકદમ નાજુક. પાંચ સાત ચાબુક પડયા. ચાબુક્યાએ પૂછ્યું, બાદશાહની આજ્ઞા માનશો? નહિ.! બીજા બે-ત્રણ ચાબુક. અને સંતનો દેહ નીચે ઢળી પડ્યો.

હવે આનો અનુભવ એવો હતો કે લગભગ જોશથી હું ચાબુક મારું એટલે માણસ મરી જાય. એટલે એણે માન્યું કે કદાચ સંત પણ મરી ગયા. અને સંત આખરે તો પવિત્ર પુરુષ છે. દેહ પણ પવિત્ર કહેવાય. તો યમુના નદી બાજુમાં જ વહેતી હતી. તો ચાબુકીયાએ સંતનું આખું શરીર યમુના નદીમાં પધરાવી દીધું. અને બાદશાહને આવીને કહી દીધું કે સંતે કોઈ હિસાબે તમારી આજ્ઞા માનવાની હા નહિ પાડી. તો ચાબુકથી એ મરી ગયા. બાદશાહ કહે, વાંધો નહિ. પણ સંત મર્યા નથી. એમાં યમુનાના પાણીના પ્રવાહમાં એમનું શરીર તરવા લાગ્યું. ઠંડો પવન, પાણી. લોહી જે છે બંધ થવા માંડ્યું. દસેક કિલોમીટર પ્રવાહમાં ગયું હશે શરીર અને સહેજ આંખ ખૂલી. એ જ વખતે બાજુમાં કોઈ ગામ હતું. ગામનો કોઈ માણસ નદીએ આવેલો. એણે જોયું અરે! કોઈ માણસ જાય છે આ તો! તરત જ એને લઇ આવ્યો. જોયું તો જીવે છે આ તો! બે-ચાર જણાને બોલાવી ગાડામાં સંતને નાંખ્યા. પોતાના ઘરે લઇ ગયો. પાટાપિંડી કરી. ગરમા-ગરમ શીરો, દૂધ આ બધું પીવડાવ્યું, ખવડાવ્યું. ૧૫ દિવસમાં સંત હતા એવા ને એવા થઈ ગયા પાછા. પાછા આશ્રમમાં આવીને બેસી ગયા. એ જ ભજન-કીર્તન ચાલુ. અને બાદશાહને સમાચાર મળ્યા કે જે સંત મરી ગયેલા હતા ને એ પુનર્જીવિત થઈને આવી ગયા પાછા.! બાદશાહ ગભરાણો થોડો. કે એના ભગવાન ચમત્કારીક લાગે છે. મરેલો માણસ જીવતો થઈ ગયો. તો હું જીવતો છું મને મારી નઈ નાંખે ને એના ભગવાન.! ચમત્કાર ને નમસ્કાર.

હવે સંતને બોલાવતો નથી બાદશાહ. બાદશાહ પોતે સંતની પાસે જાય છે આશ્રમે.! અને સંતને કહે છે હું માફી માંગું છું. મેં તમારો બહુ મોટો અપરાધ કરેલો. તમે પવિત્ર પુરુષ છો. મારા અપરાધની માફી મને આપો. ભયનો મર્યો માંગે છે હો..! કે એના ભગવાન ઊંધું-ચત્તું ન કરી નાંખે. ત્યારે સંત કહે છે કે; માફી શેની હોય? કોઈએ અપરાધ કર્યો હોય તો માફી હોય. તમે કોઈ અપરાધ કર્યો જ નથી. મારું કર્મ હતું. અને મારા કર્મમાં ચાબુક મરાવાનું લખાયેલું હતું. તો ચાબુક લાગી ગયી! તમે તો ખાલી નિમિત્ત છો તમારો અપરાધ જ કોઈ નથી. માફી શી રીતે આપું?

આ હિંદુ સંત પાસે આ ફિલોસોફી છે. આપણે ક્યાં છીએ બોલો? કોઈ ગાળ બોલે, મારું કર્મ ઉદયમાં આવેલું છે.

લગભગ છે ને સંસારમાં લોકોને એક વચન પરિષહ નડતો હોય છે. એ દેરાણી-જેઠાણી, સાસુ-વહુ નો. હવે સંપન્ન ઘરો હોય છે. બીજો કોઈ ઝગડો છે નહિ. પણ વચન પરિષહ જીતાતો નથી. એક કડવું વચન કોઈ બોલે એટલે જોઈ લો પછી. ધમાધમ મચી જાય. એ વખતે આ દ્રષ્ટિ આવી જાય તો…! તો આ સંત આટલી મોટી ઘટનાથી પણ અપ્રભાવિત રહ્યા. એનું કારણ ભક્તિ હતી. એનું કારણ ધ્યાન હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *