ચિત્તસ્થૈર્ય
ચિત્તસ્થૈર્યવાળા સાધક માટે ભગવદ્ગીતામાં સરસ શબ્દ આપ્યો – સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ સાધકની સજ્જતા આપી – दुःखेष्वनुद्विग्नमनाः. ચિત્તસ્થૈર્ય માટે પીડાની ક્ષણોમાં તમારે અનુદ્વિગ્ન રહેવું જોઈએ. કારણ? જો પીડાની ક્ષણોમાં તમને ઉદ્વેગ થયો, તો એ પીડાને કેમ હટાવવી એના વિચારો શરૂ થઈ જાય; ચિત્ત સ્થિર ન રહે.
અનુદ્વિગ્ન દશાના ત્રણ સ્તરો છે. પ્રારંભિક કક્ષાનો સાધક દુઃખ સમયે વિચારશે કે ક્રમબદ્ધ પર્યાયમાં પીડાનો પર્યાય ખૂલવાનો હતો માટે હું આ પીડાને રોકી શકવાનો નથી. એનો અસ્વીકાર કરું, તો કર્મનો બંધ થશે. સ્વીકાર કરું, તો નિર્જરા થશે. આવી વિચારણાથી એ મનને ઉદ્વિગ્ન થતું અટકાવશે.
બીજો જ્ઞાની સાધક છે જે દ્રષ્ટાભાવમાં આવેલો છે એટલે દુઃખને માત્ર જુએ છે: “દ્રશ્ય જગતમાં કંઇક થઈ રહ્યું છે પણ હું તો દ્રષ્ટા છું; દ્રશ્યથી અલગ છું”. ત્રીજો પ્રકાર યોગી નો છે; જેની પાસે પોતાના ઉપયોગ પરનું આધિપત્ય હોય છે; એ પોતાના ઉપયોગને ધારે ત્યાં મૂકી શકે છે. શરીરમાં પીડા હોય, તો યોગીપુરુષ પોતાના ઉપયોગને બીજે ફેરવી નાંખે છે!
નવસારી તપોવન વાચના – 59 [7.6.2020]
માનવિજય મહારાજ સાહેબે પાંચમાં સ્તવનની અંદર પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ આપ્યું છે. ભગવાનના મૂર્તિ દેહને બરોબર જોઇને સાધક સ્વાનુભૂતિ શી રીતે કરી શકે, એના સાત ચરણો એમણે આપ્યા છે.
પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન; અને બીજું ચરણ છે – ચિત્તસ્થૈર્ય.
આમ ઘણીવાર લાગે કે ચિત્તને સ્થિર કરવું મુશ્કેલ છે. બેઉ વસ્તુ છે. મુશ્કેલ પણ છે. સરળ પણ છે. આપણી પાસે તો એવી મજાની ટ્રેડીશન છે કે તમને બિનજરૂરી વિચારો આવે ને એ નવાઈની વાત કહેવાય. ભવિષ્યની કોઈ ઘટના માટે તમને ક્યારેય પણ વિચાર આવવાનો નથી. કારણ, તમારી પાસે તથાકાર સામાચારી છે. જે વખતે ગુરુ મહારાજ જેમ કહેશે એમ કરવાનું છે, મારે કાંઈ કરવાનું જ નથી! તો મારે વિચારવાનું પણ ક્યાં હોય? ગુરુદેવની જે આજ્ઞા હશે, એ પ્રમાણે મારે કરવાનું છે. એટલે હું ઘણીવાર કહું છું કે શિષ્યને મજા જ મજા.! શિષ્ય બિલકુલ નિર્ભાર. અને મારા જેવો ગુરુ હોય તો એ પણ નિર્ભાર. હું કાંઈ ટેન્શન બેન્શન રાખું નહિ મગજ પર. ફ્રી!
તો ભવિષ્યની એક પણ ઘટના વિશે તમને વિચાર આવવાનો નથી. ભુતકાળના પર્યાયોમાં જવાની શાસ્ત્રોએ તમને સ્પષ્ટ ના આપી કે જે પણ પર્યાયો વીત્યા છે એ પર્યાયો એ રીતે વિતવાના હતા એવું અનંત કેવલજ્ઞાનીઓએ જોયેલું હતું. તો અંનત કેવલજ્ઞાનીઓનું જ્ઞાન મિથ્યા થવાનું હતું?
અને ત્રીજી વાત વર્તમાનની. વર્તમાનમાં ઈર્યા વગેરે પૂર્વક ચાલો છો. તો ઈર્યાપૂર્વક ચાલો ત્યારે વિચાર હોય જ નહિ! એટલે નિર્વિચાર બનવું બહુ સહેલું છે. પણ આ ટેકનીક ન હોય તો અઘરું છે. અઘરું એટલાં માટે છે કે અંનત જન્મોથી આ શ્રુંખલામાં તમે વહીને આવ્યા છો. એટલે આ ટ્રેડીશન ખરેખર આપણા માટે બહુ જ, બહુ જ, બહુ જ મહત્વની છે. આ પરંપરા આપણને ન મળી હોત તો નિર્વિચાર બનવાનું સ્વપ્ન પણ કદાચ આપણને ન આવત. તો તમે પ્રભુની પરંપરામાં છો. પ્રભુની આજ્ઞામાં છો. શબ્દ તમારું રૂપ નથી. વિચાર તમારું રૂપ નથી. માત્ર સ્વરૂપદશાને કે સ્વગુણોને અનુભવવા એ જ તમારું સ્વરૂપ છે. તો તમે પરમાં જાઓ કેમ?
હવે તમે વિચારોમાં Division પાડો. શુભ વિચારો કેટલા? અશુભ કેટલા? શુભ વિચારો તમને શુદ્ધ તરફ મોકલશે. ઠીક છે. આપણે એણે સ્વીકારી લઈએ. પણ નક્કી એ કરો કે શુભ વિચારો કેટલા છે? અશુભ વિચારો કેટલા છે? અને શુભની ક્ષણો ચાલતી હોય વિચારોની ત્યારે પણ એકાદ નબળું નિમિત્ત મળી જાય; તમે અશુભમાં નથી જઈ શકતા ને એ બરોબર જોઈ લો.
એટલે અત્યારે તમારી સાધના એ છે કે શુભયોગની અંદર ધારાબદ્ધ રીતે વહેવું. ૨૪ કલાક શુભયોગમાં તમારે રહેવું છે. અને એ શુભમાંથી શુદ્ધમાં જવું છે. તો વિચારો automatically બંધ થઈ જ જવાના છે. કારણ ન ભૂતકાળ માટે વિચારોનું પ્રયોજન છે, ન ભવિષ્યકાળ માટે વિચારોનું પ્રયોજન છે, ન વર્તમાનમાં પ્રયોજન છે. પણ છતાં એ કાઢવા અઘરા છે. અઘરા એટલા માટે છે કે આ system ને આપણે follow up કરી શકતા નથી.
ભગવાનની કઈ કઈ આજ્ઞા મનાય બોલો? અહીંથી ખાલી ત્યાં જવાનું હોય. બે જ ડગલાં વચ્ચે ખુલ્લુ આકાશ હોય. ત્રણેય ઋતુમાં કામળીનો કાળ ફરતો રહે છે. છતાં તમારી પાસે જાગૃતિ છે કે બે ડગલાં ખુલ્લુ છે. કામળીનો કાળ થઈ ગયો છે. કામળી ઓઢ્યા વગર ન જવાય. કામળી ઓઢ્યા વગર કામળીકાળમાં ન જવાય, પરમાં જવાય?! કામળી કાળમાં જવું જ નથી બહાર પહેલી વાત તો એ છે. ઉત્સર્ગ તો આ જ છે – જવું જ નથી બહાર. અપવાદ એ છે કે જવું પડે તો કામળી બરોબર ઓઢીને જવું. એમ બહાર જવું જ નથી, પણ બહાર જવું પડે ત્યારે પણ પરભાવથી આપણે લિપ્ત ન થઈએ એની તો સાવધાની જોઇશે ને? તો કામળીકાળની વાત જેટલી સચવાઈ રહી છે. એટલું પરભાવમાં ન જવું. એ વાત સચવાયેલી છે ખરી?
અને એક વાત બરોબર સમજી લો તમને વિભાવમાં લઇ જનાર તમારાં વિચારો છે. વિચારો પર જો નિયંત્રણ હશે તો જ તમે તમારાં વિભાવો ઉપર નિયંત્રણ મૂકી શકશો. તમારાં રૂમમાં કોઈ વ્યક્તિ આવી. કદાચ તમને અણગમતી વ્યક્તિ છે. એને જોતાની સાથે કદાચ તિરસ્કારની ધારા ચાલુ થઈ ગઈ. આ માણસ કેમ આવ્યો? એ જ વખતે તમારી જાગૃતિ જો મુખરિત બની જાય; તિરસ્કારની ધારા નાબુદ થઇ જાય. પણ પેલા જો વિકલ્પો જ ચાલુ રહે તો તિરસ્કારનો અંગારો ભડકામાં ફેરવાઈ જાય. તો એકમાત્ર જાગૃતિની જરૂર છે.
એમ લાગે કે અસંખ્યવાર, અગણિતવાર પરમાત્માનો વેશ મળ્યો છતાં કશું જ નથી થયું, આ જનમમાં એ કામ કરી જ લેવું છે. તો એના માટે નિર્વિકલ્પ બનીને વિભાવમુક્ત આપણે બનવું છે. અને વિભાવમુક્ત બનીને સ્વભાવની દિશા તરફ આગળ વધવું છે.
તો ચિત્તસ્થૈર્યવાળા સાધક માટે સરસ શબ્દ ભગવદ્ગીતાનો છે: સ્થિતપ્રજ્ઞ!
સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય?
એક મજાનો શ્લોક છે. સ્થિતપ્રજ્ઞ અધ્યાયનો:
दु:खेषु अनु द्विग्नमना: सुखेषु विगतस्पृह: ।
वीतराग भय क्रोध: स्थित धीर मुनि रुच्यते ॥
(दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते॥)
સ્થિરબુદ્ધિ વાળો, સ્થિતપ્રજ્ઞ સાધક છે.
પહેલી સજ્જતા એની કહે છે – दु:खेषु अनु द्विग्नमना: દુઃખ આવી પડે તો પ્રેમથી એ સ્વીકારી લે છે. પીડાની ક્ષણોમાં ઉદ્વેગ એને ક્યારેય પણ થતો નથી. કારણ, પીડાની ક્ષણોમાં ઉદ્વેગ થાય તો એ પીડાને કેમ હટાવવી એના વિચારો શરૂ થઈ જાય.
આ કોર્સ આપે છે, સ્થિતપ્રજ્ઞ બનવા માટેનો, સ્થિર બુદ્ધિ બનવા માટેનો. પહેલી જ સજ્જતા કહે છે – दु:खेषु अनु द्विग्नमना: આમ પણ આપણી સાધના સર્વસ્વીકારની જ છે.
તો પીડાની ક્ષણોમાં અનુદ્વિગ્ન તમારે રહેવું જોઈએ. એ અનુદ્વિગ્ન દશાના ત્રણ સ્તરો છે. એક પ્રારંભિક કક્ષાનો સાધક છે. શરીરમાં કોઈ રોગ આવી ગયો. એ વખતે એ વિચારે છે કે મારા ભગવાનની આજ્ઞા છે. પરિષહોને પ્રેમથી સહન કરવાના. તો એ વેદનાની એ ક્ષણોને પ્રેમથી સહન કરી લે છે. કેમ? મને નિર્જરા જ થઈ રહી છે. હું પ્રેમથી આનો સ્વીકાર કરું છું ત્યારે મને ક્ષણે-ક્ષણે નિર્જરા થાય છે.
હું છે ને એક પ્રશ્ન ઘણીવાર પૂછતો હોઉં છું કે તમારે નિર્જરાના સ્વરૂપ જોડે સંબંધ કે નિર્જરાના આકાર જોડે સંબંધ?
નાનો દીકરો હતો. મહેમાન આવ્યા. તો ચુરમાના લાડુ બનાવેલા. નાના દીકરાને મીઠું-મીઠું ભાવે. સમજતો હતો કે આજે કંઈક મીઠું ખાવા મળશે. તો ૧૦ મહેમાન ધારેલા હતા. મહેમાન ૧૫ આવી ગયા. તો ચુરમાના લડ્ડુ તો તરત-તરત બની ન શકે. મહેમાનોને પીરસવામાં બધા લાડુ ખલાસ થઈ ગયા. પણ માઁ ના ખ્યાલમાં છે કે બાળકને જમવાનું બાકી છે. હવે, ચુરમાના લાડુ તરત થાય નહિ. ગરમ-ગરમ શીરો કરી નાંખ્યો. બાળકને આપ્યો. બાળક રાજી થઈ ગયો. એને મીઠાઈના આકાર જોડે સંબંધ ન હતો. સ્વરૂપ જોડે સંબંધ હતો. મીઠું-મીઠું હોવું જોઈએ બસ.
એટલે દરેક પરિષહ દ્વારા નિર્જરા થાય. તમને કયો પરિષહ ગમે બોલો? તમને લોકોને બાવીસે પરિષહ ગમતા નથી. અમુક જ ગમે છે. એટલે તમારે પણ આકાર જોડે સંબંધ થઈ ગયો, સ્વરૂપ જોડે નહિ. ઠંડીને, ગરમીને even સહન કરી પણ લો. પણ વચન પરિષહ આવે તો? કેમ એ વખતે યાદ ન આવે કે આનાથી પણ નિર્જરા થાય છે? જેને પણ નિર્જરા જોઈએ છે એ નિર્જરાર્થી માટે તો એક-એક પરિષહ એટલે જલસો!
અધ્યાત્મગીતામાં દેવચંદ્રજી મહારાજ કહે છે: ‘ઉદય ઉદીરણા તે પણ પુરવ નિર્જરા કાજ.’
સાધક માટે અશાતાનો ઉદય હોય કે શાતાનો ઉદય હોય. કોઈ ફરક પડતો નથી. અશાતાનો ઉદય આવ્યો તો કહે; કે જલસો થઈ ગયો. ચાલો કર્મો નિર્જરી જશે.
‘ઉદય ઉદીરણા તે પણ પુરવ નિર્જરા કાજ.’ આજે લોકો છે ને steam bath લે, sauna bath લે. ને steam bath લેવો કાંઈ સહેલી વસ્તુ છે? અત્યંત ગરમ વરાળો શરીર ઉપર સતત અડ્યા કરતી હોય પાંચ-દસ-પંદર મિનીટ સુધી, એમાં રહેવું એટલે, અઘરુ છે! પણ એના મનમાં છે, આનાથી મારું શરીર સારું રહેશે. તો શરીર સારું રહે એના માટે પરિષહોને સહન આજનો માણસ કરી શકે છે. તમે તમારી આત્મદશા નિર્મળ બને એના માટે પરિષહો સહન ન કરી શકો?
તો પ્રારંભિક સાધકની વાત આ છે કે કોઇ પણ પીડા આવી. એ પીડાની ક્ષણોની અંદર માત્ર પ્રેમપૂર્વક સ્વીકારની વાત છે. અસ્વીકાર નથી! પીડાની એક પણ ક્ષણનો અસ્વીકાર નથી! અસ્વીકાર કરશો એટલે કર્મનો બંધ. પીડા તો રહેવાની જ છે. એ ક્રમબદ્ધ પર્યાયમાં છે. તો ક્રમબદ્ધ પર્યાય તો ચાલવાનો જ છે. એ પીડાને તમે રોકી શકવાના નથી; પણ પીડાનો અસ્વીકાર કરશો તો કર્મબંધ કરશો, પીડાનો સ્વીકાર કરશો તમે તો નિર્જરા કરશો. Now choice is yours! બરોબર?
બીજો જ્ઞાની સાધક છે. એ દ્રષ્ટાભાવમાં આવેલો છે. અને એથી કરીને રોગને પણ જુવે છે માત્ર. શરીરમાં કંઇ થઈ રહ્યું છે. કારણ કે શરીર પણ દ્રશ્ય છે. દ્રશ્યમાં કંઇ થઈ રહ્યું છે. હું તો દ્રષ્ટા છું. હું દ્રશ્યથી અલગ છું.
બુદ્ધ એક સરસ વાત કરતા. બુદ્ધ કહેતા; કે તમારું શરીર, આ જીવન એટલે પરપોટો. અને ઘટના એટલે પરપોટાનો પણ પરપોટો. હવે એક-એક પરપોટાનો, એક-એક પરપોટાના પરપોટાનો તમે ખ્યાલ રાખ્યા કરશો? તમારી સાધના તમે ક્યારે કરશો? પરપોટો છે; થાય-વિસર્જિત થાય, થાય-વિસર્જિત થાય, એ ક્રમ ચાલ્યા કરવાનો છે. પર્યાય આવશે-જશે, પર્યાય આવશે-જશે. તમે માત્ર પર્યાયના દ્રષ્ટા છો. તો જ્ઞાની સાધક દ્રષ્ટા છે. એથી કરીને શરીરમાં ઉઠતાં રોગના પર્યાયને એ જુવે છે માત્ર. રોગ આવેલો છે, દ્રષ્ટા!
અને ત્રીજો પ્રકાર યોગીનો છે. યોગીપુરુષ પાસે પોતાના ઉપયોગ પરનું આધિપત્ય હોય છે. અને ઉપયોગ પરનું આધિપત્ય આવે તો જ યોગો પરનું આધિપત્ય આવે. અત્યારે તમારા યોગો પરનું આધિપત્ય તમારી પાસે કેમ નથી? ઉપયોગ તમારે અધીન નથી માટે! તો યોગીપુરુષ પાસે પોતાના ઉપયોગ પરનું આધિપત્ય છે. અને એથી કરીને એ ઉપયોગને ધારે ત્યાં મૂકી શકે છે.
ગજસુકુમાલ મુનિને મરણાંત પરિષહ આવ્યો. એ પરિષહની ક્ષણોમાં એમણે શું કરેલું? બાળજીવો માટે આપણે કહીએ કે પરિષહોને સહન કર્યા અને સિદ્ધ થયા. સહન કરવાને અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. પરિષહો સહન કરવા એ વ્યવહાર ચારિત્ર છે. નિજગુણ સ્થિરતા એ જ નિશ્ચય ચારિત્ર છે. એટલે સાતમાં ગુણઠાણે નિશ્ચય ચારિત્ર મળી જ જાય અને પછી જ તમે ક્ષપકશ્રેણી લગાવી શકો છો.
તો પ્રસિદ્ધ વચન છે આપણે ત્યાં:
‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા;
નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા.’
પદ્મવિજય મહારાજનું વચન આ છે.
‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા’ પરિષહ સહન એ બધું શું છે? વ્યવહાર ચારિત્ર છે. તો કહે; નિશ્ચય ચારિત્ર શું? ‘નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા’ – નિજગુણમાં સ્થિરતા એ નિશ્ચય ચારિત્ર છે.
તો ગજસુકુમાલ મુનિએ શું કરેલું? એ પોતાના ગુણોની ધારામાં આવી ગયા છે. અને એ વખતે બની શકે કે પોતાના આનંદગુણનું વેદન કરતા હોય! શરીરના સ્તર પર પીડા ચાલી રહી છે, એ પોતે ઉપયોગના સ્તરે આનંદનું વેદન કરતા હોય.
એટલે ઉપયોગને ક્યાં મુકવો? એની કળા યોગીપુરુષ પાસે આવી ગઈ.
એક સામાન્ય રીતે સામાન્ય માણસ પણ આ કામ કરી શકે છે. પણ એ વિભાવના સ્તર ઉપર કામ કરે છે. તાવ આવેલો હોય. ચાર ડીગ્રી તાવ હોય. બોડીએક હોય. હેડેક હોય. મેટાસીન લીધી હમણાં છતાં એની અસર થઈ નથી. ભયંકર દુ:ખાવો છે. એ વખતે સમાચાર મળે કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ છે. કરોડ રૂપિયા મળી ગયાં! ટેક્સ-બેકસ કાઢતા એ ૬૦-૭૦ લાખ તો રોકડા મને મળી જવાના. ઓહોહો.. એક કાર લેવાની વિચારણા છે. એક કાર લઇ લઈશું. એક સરસ મજાનો ફ્લેટ લઇ લઈશું. આ ફ્લેટમાં અને કારમાં ઉપયોગ જાય. તાવમાંથી ઉપયોગ જતો રહે!
એક સામાન્ય માણસ પણ ઉપયોગને બદલી શકે છે પણ એ વિભાવમાંથી વિભાવમાં ઉપયોગને બદલે છે. આપણે વિભાવમાંથી ઉપયોગને સ્વભાવમાં લઇ જવાનો છે. આનંદ તમારો ગુણ છે. રાગ કે દ્વેષની ક્ષણો હોય ને એ વિષમતાની ક્ષણો. સમભાવ તમારો ગુણ છે. તમારો ગુણ એટલે સહજગુણ. જે ક્યારેય પણ જવાનો નહિ. ક્રોધ જાય. સમભાવ જવાનો નથી. સમભાવ અનંત જન્મોથી તમારી જોડે છે, માત્ર તમે એને પ્રગટ કરી શકતા નથી. તમારી નિર્બળતા આ છે. તો ક્રોધની ધારા ઉદિત થવાની ક્ષણ આવી, સમભાવમાં જતા રહો!
આપણે ત્યાં છે ને ઉપયોગના આ રૂપાંતરણને કિલ્લો કહેલો છે. જુના જમાનામાં કિલ્લો એકદમ મજબુત હોય. એટલે વારંવાર એનું રિપેરિંગ પણ થયા જ કરતુ હોય. ક્યારેક દુશ્મનદળ આવે તો પણ કિલ્લો એવો મજબુત હોય કે અંદર આવી શકે નહિ. એમાં એક માણસ બહાર ગયો, કિલ્લાની બહાર. દુરથી એણે જોયું કે દુશ્મનનું લશ્કર આવી રહેલું છે. એ શું કરશે? અંદર જઈ દરવાજો પેક કરી નાંખશે બરોબર. હવે સેફ થઈ ગયા બધા અંદરવાળા.
એમ ક્યારેય પણ વિકારોનો હુમલો થઈ આવે ત્યારે શું કરવાનું? ઉપયોગને એમાંથી ઊંચકીને આમાં મૂકી દેવાનો. એટલે સતત ઉપયોગને સ્વભાવમાં મુકવાની એક પ્રેક્ટીસ તમને પડેલી હોવી જોઈએ.
જેમ પ્રશમરતિમાં શરૂઆતમાં કહ્યું; વારંવાર-વારંવાર-વારંવાર આનો સ્વાધ્યાય કરવો. આ એક બહુ મજાની વાત છે. વારંવાર શબ્દ મુકીને એક બહુ મજાની સાધના આપી. સાધના એ આપી કે તમે આનંદમાં છો તો પણ સ્વાધ્યાય કરો, પીડામાં છો તો સ્વાધ્યાય કરો, રોગ આવેલો તો પણ સ્વાધ્યાય કરો. એટલે શું થશે કે રોગની ક્ષણોમાં પણ તમે સ્વાધ્યાયમાં તમારા મનને મૂકી શકશો.
અત્યારે કમસેકમ એક કામ કરો. એક ગ્રંથ એવો અભ્યસ્ત હોય કે ગમે તેવી પીડા આવે. રાગ-દ્વેષનો હુમલો આવે. એ ગ્રંથને તમે પકડો; સીધા અંદર જતા રહો. અભ્યસ્ત ગ્રંથ એટલાં માટે જરૂરી છે. તમે ૫૦ વાર, ૧૦૦ વાર એનું રટણ કરેલું છે. એટલે તમને એ ગ્રંથ બહુ ગમે છે અને તમે તમારા મનને પુરેપુરો એ ગ્રંથમાં મૂકી શકો છો – ખાસ મહત્વની વાત આ છે. બીજો કોઈ ગ્રંથ વાંચશો ને તો Conscious mind ગ્રંથ વાંચશે, unconscious mind છે એ રાગ-દ્વેષની ધારામાં રહેશે પાછુ. એવો એક અભ્યસ્ત ગ્રંથ છે કે તમે એને વાંચો છો; સીધા એમાં ડૂબી જાઓ છો.
તો શુભમાં પણ આ રીતે તમે યોગોનું-ઉપયોગનું રૂપાંતરણ કરી શકો છો. અને શુદ્ધમાં પણ ઉપયોગનું રૂપાંતરણ કરી શકો છો.
અમારા દાદા ગુરુદેવ-ભદ્રસૂરીદાદા. સાહેબજીનું ૯૦ વરસનું વય હતું. તે વખતે અમે ભોયણી તીર્થે ગયેલાં. અઠવાડિયું રોકાયેલા ત્યાં. એમાં સાંજના સમયે ગુરુદેવના નખ નેઇલકટરથી ઉતારેલા પગનાં. તો ગુરુદેવની ચામડી એકદમ પાતળી, કાગળ જેવી. સાંજનો સમય. થોડું અંધારું થઈ ગયેલું. કદાચ નેઇલકટર ક્યાંક લાગી પણ ગયેલું હોય. શું થયું એ ખ્યાલ નથી. પણ બીજી સવારે જ્યારે દાદા ગુરુદેવનું પડીલેહણ કરવા ગયેલા. સાહેબનો એક પગ આંખો કાળો-કાળો. તો છ વાગી ગયેલાં. સહેજ અજવાળું. આ શું? કાળું-કાળું શું છે? ધ્યાનથી જોયું તો ખબર પડી સેંકડો-હજારો કીડીઓ ત્યાં આવી ગયેલી. હવે નેઇલકટર દબાયું એના કારણે કોઈ ચામડી ગઈ છે કે પાછળથી સહેજ દબાણમાં આવી હોય અને લોહી નીકળ્યું હોય અથવા એમને એમ પણ કદાચ કાંઇક લાગી ગયું હોય અને ચામડીમાંથી લોહી નીકળ્યું હોય. એ લોહીની ગંધે-ગંધે સેંકડો-હજારો કીડીઓ આવી ગઈ હોય.
તો ગુરુદેવને પૂછ્યું કે સાહેબ એક કીડી ચટકો ભરે તો પણ કેટલી બધી પીડા હોય? તો આટલી બધી કીડીઓ છે. આપે અમને કહ્યું પણ નહિ રાત્રે કાંઈ! કોઈ ગ્રહસ્થને બોલાવીને, લાઈટનો ઉપયોગ કરીને પણ જોઈ લેત. તો ગુરુદેવ ખાલી હસે છે. એ કહે કે હું ઊંઘી ગયેલો ત્યારે કાંઈ નહોતું. એક વાગે લગભગ જાગ્યો હોઈશ. ત્યારે સહેજ પગમાં થોડીક મને પીડા જેવું લાગેલું. પણ મને છે ને તણખ્યો વા છે. અને તણખ્યો વા ફરતો હોય. એટલે વા ના કારણે થોડી પીડા થતી હોય. તો માન્યું કે વા ના કારણે થાય છે. પણ એ તો બે-ચાર મિનીટ. પછી ઈરિયાવહિયા કરીને હું મારા જાપમાં લાગી ગયો. પછી તો મને ખ્યાલ જ ક્યાંથી હોય? છ વાગ્યા સુધી મારી આ ક્રિયા ચાલુ રહી. પાંચ-સાડા પાંચ સુધી જાપ રહ્યો. પછી પ્રતિક્રમણ કર્યું. હવે જાપમાં અને પ્રતિક્રમણમાં મેં મારા મનને મુકેલું હોય તો મને ક્યાંથી ખબર પડે કે પીડા થાય છે?
તો એ મહાપુરુષો ઉપયોગને કેવી રીતે હસ્તગત કરી ચુકેલા હતા! પછી ધીરે-ધીરે-ધીરે બધી કીડીઓને ઉતારી, અને ડ્રેસિંગ વિગેરે કરી નાંખ્યું. પણ દાદા ગુરુદેવના મનમાં કોઈ અસર નહિ! એ લોકો બધા જ ઘટનાઓથી અપ્રભાવિત મહાપુરુષો હતા. ઘટના, ઘટના છે; હું, હું છું.
તો સ્થિતપ્રજ્ઞ માટેનું જે ઘણી સજ્જતાની વાત કરે છે. એ પહેલી સજ્જતા આ કહી – दु:खेषु अनु द्विग्नमना: પીડા પીડાનું કામ કરે, તમારે તમારું કામ કરવાનું! તમારે કેટલું કામ કરવાનું છે? પીડામાં મન રાખવા જાઓ ક્યાંથી તમે, એ તો કહો? કેટલા ગ્રંથો વાંચ્યા અને કેટલા વાંચવાના છે? અને ગ્રંથો વંચાય એટલે કામ પૂરું થવાનું નથી! એક-એક ગ્રંથનું અનુપ્રેક્ષણ કરવાનું છે. અને અનુપ્રેક્ષણ કર્યા પછી અનુભૂતિ કરવાની છે. કેટલું કામ બાકી છે! સમય જ નથી! પીડા થઈ તો થઈ! હવે ખબર જ ક્યાંથી પડે?
તો પહેલા ચરણ ઉપર – દુઃખનો સ્વીકાર થાય. બીજા ચરણ ઉપર – પીડાને માત્ર જોવાની થાય અને ત્રીજા ચરણ ઉપર પીડા થાય ત્યારે ઉપયોગને બદલી નાંખવાનું કામ કરી શકાય.
તો આ રીતે પીડાઓની અંદર પણ તમે પીડાઓના સ્વીકારવાળા થાઓ તો તમે સ્થિતપ્રજ્ઞ બની શકો. નહિતર એક-એક પીડા આવશે. અરે આમ થઈ ગયું! અરે આમ થઈ ગયું! અરે આમ થઈ ગયું! પીડાની ક્ષણ કેટલી? પાછળની ક્ષણ કેટલી? અને શરીરની પીડા કરતાં તો મનની પીડા વધુ પાછી! મને પેલાએ આમ કીધું. એને કહેતા કેટલી સેકન્ડ લાગી? દસ સેકન્ડ, વીસ સેકન્ડ. હવે વીસ સેકન્ડ પછી એ મડદું થઈ ગયુ ઘટનાનું. અને ઘટનાના મડદાને ઊંચકીને પછી તમે ફરવાના પછી! કલાકો સુધી.. એણે મને આમ કીધું!
સાધક આવું કરી શકે નહિ! પીડા, પીડા છે! ઘટના, ઘટના છે! ઘટના થઈ ગઈ તો સ્વીકાર! શું થવાની છે ખબર નથી. જે પર્યાય ખુલશે એને જોઈ લઈશું. ન ભૂતકાળની ચિંતા, ન ભવિષ્યની ચિંતા, વર્તમાનકાળમાં ઉદાસીનભાવે રહેવાનું છે.
આ રીતે આપણે સ્થિર ચિત્ત – સ્થિતપ્રજ્ઞ બની શકીએ.
