Mumukshu Vachna | 10-05-20 | Navsari Tapovan

22 Min Read

ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે




નવસારી તપોવન વાચના – 43 [10.5.2020]

‘ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે’.
કલાપૂર્ણસૂરી દાદાને ચૈત્યવંદન કરતા જોયેલાં. એમનું જે નમુત્થુણં જોયું છે ને આજે પણ એની છાપ મારા મનમાં તાજી છે. નમુત્થુણં જીવંત હોય તો કેવું હોય, એ એમના ચહેરા પરથી દેખાતું હતું. એક-એક પદ બોલે અને જે ભાવ ચહેરા પરથી, અંગભંગીમાંથી પ્રગટે… અદ્ભુત્ત.!
એક મજાની ઘટના છે હમણાંની. એક હિંદુ સંત હતા. ભાગવત ઉપર બહુ સરસ એ બોલતા. ભાગવત ભક્તિનો ગ્રંથ છે. એમના જીવનમાં પણ એ ભીનાશ છવાઈ ગયેલી.
ભાગવતમાં એક જગ્યાએ એક ભક્ત કહે છે; त्वया हृषीकेश हृदि स्थितेन यथा नियुक्तोsस्मि तथा करोमि’. પ્રભુ તમે અંતર્યામી છો. મારા હૃદયમાં સ્થિત છો. તમારી આજ્ઞા પ્રમાણે હું બધું કરું છું.
બીજો એક બહુ મજાનો શ્લોક છે ભાગવતનો:
‘आसामहो चरणरेणुजुषामहं स्यां
वृन्दावने किमपि गुल्मलतौषधीनाम्।
ભક્ત કહે છે; કે આવતાં જન્મની અંદર વૃંદાવનમાં એક વૃક્ષની વેલડી રૂપે જન્મવાનું મળશે ને તો પણ એ મારું સદ્ભાગ્ય હશે. ગોપીઓ પોતાના ઘરેથી આમથી તેમ જતી હશે અને એની ચરણરજ મને મળશે, જન્મ પાવન થઈ જશે.
આપણે ત્યાં પેથડ મંત્રીની આવી જ એક પ્રાર્થના છે. એ કહે છે; પ્રભુ! આવતા જનમમાં દેવ થાઉં એવી કોઈ મારી મહેચ્છા નથી. પંખીનો અવતાર પણ મને ચાલશે. પણ તારા દેરાસરમાં કોઈ ગવાખની ટોચ ઉપર હું રહી શકું, સતત તને જોઈ શકું, તારી સ્તવનાઓને સાંભળી શકું અને જે ભક્તો તારા દર્શન માટે આવે છે એમનું પણ હું દર્શન કરી શકું.
(પેથડ મંત્રીની પ્રાથર્નાનું ગાથા સૂત્ર)
તો આ સંત ભાગવત ઉપર બોલતાં હતા. નિ:સ્પૃહ સંત હતા. એકવાર એક ભક્તે એમને 300-૪૦૦ વરસ પ્રાચીન ભાગવતનું પુસ્તક આપ્યું હસ્તલિખિત અને સચિત્ર. 300-૪૦૦ વરસ પહેલાનું હોય અને સચિત્ર ગ્રંથ હોય; એન્ટીકમાં આવી ગયો. અને એન્ટીક પીસ તરીકે લાખોમાં એની કિંમત હોય છે. આજે આપણું કલ્પસૂત્ર બ્લેક શાહીમાં લખાયેલું, રંગીન ચિત્રો એમાં હોય, તો ૧૦ થી ૧૨ લાખમાં મળે, જુનું. અને સુવર્ણાક્ષરી હોય તો ૬૦-૭૦-૮૦ લાખ સુધી એની કિંમત થાય છે. નવું સુવર્ણાક્ષરી સચિત્ર ૮-૧૦ લાખમાં થઈ જાય. પ્રાચીન લેવા જાઓ – ૭૦-૮૦ લાખ કદાચ કરોડ સુધી પણ ખર્ચવા પડે.
આવી જ આપણે ત્યાં એક વિજ્ઞપ્તિપત્રોની પરંપરા હતી. તમે કદાચ નહિ જોયેલ હોય વિજ્ઞપ્તિપત્ર. એમાં શું હોય છે? ધારો કે નવસારીમાં શિષ્યનું ચોમાસું છે. સુરતમાં ગુરુદેવનું ચોમાસું છે. તો નવસારીનો સંઘ વિજ્ઞપ્તિપત્ર ગુરુને મોકલે. એમાં વંદના હોય, પોતાના ત્યાં થયેલી આરાધનાનું વર્ણન હોય, ગુરુદેવના ચરણોમાં ક્ષમાપન હોય અને ચાતુર્માસ ઉતરે, આપ અમારા નગરને પાવન કરજો, એવી વિજ્ઞપ્તિ પણ હોય. એટલે એને વિજ્ઞપ્તિપત્ર કહેતાં; એ ૫ ફૂટ લાંબો પણ હોય અને ૧૦-૧૨ ફૂટ લાંબો પણ હોય છે. એમાં એ નગરના અને સામેના નગરના ચિત્રો ચિતરાયેલા હોય છે. પહોળાઈ આટલી જ પોણો ફૂટ જેટલી, લંબાઈ ૭ ફૂટ, ૮ ફૂટ, ૧૦ ફૂટ, ૧૨ ફૂટ. હવે એ જમાનામાં એની કિંમત શું હોય? કાગળ પર કે વસ્ત્ર ઉપર એ બનાવેલું હોય. પેઈન્ટરને બે-ચાર દિવસ લાગે. એ વિજ્ઞપ્તિપત્ર, એની કિંમત અત્યારે બે લાખ, ચાર લાખ, પાંચ લાખ, દસ લાખ. આપણું પ્રાચીન આવું ઘણુ બધું હતું જે ખતમ થઈ ગયું.
તમે વિદેશની લાયબ્રેરીઓના કેટલોગ્સ વાંચો તો ખબર પડે કે કેટલાય જૈનગ્રંથો સચિત્ર હસ્તપ્રતો ત્યાં છે.! આપણા લોકો થોડા સાવધાન બન્યા છે હવે. પણ જ્યાં સુધી આપણે અસાવધાન હતા ત્યાં સુધી આપણું ઘણુ બધું પહોંચી ગયું. જ્યારે બ્રિટીશરોનું શાસન હતું ત્યારે તો બહુ જ પોલ ચાલી.
બીજું મંદિરોની પણ એક કળા હતી આપણી પાસે. લાકડાની પુતળીઓ. પિત્તળના દરવાજાઓ. આંખને પણ ગમતું બધું. હું ઘણીવાર કહું, કે જૈનો પાસે પૈસા બહુ થયા ને એટલે કળા ગઈ. ધોળાધબ આરસના દેરાસરો બનાવી નાંખ્યા. ક્યારેક રંગકામ પણ કેટલું સરસ રહેતું.! રાંદેરમાં હું ગયેલો. એક દેરાસર બહુ સરસ. બહુ જ ગમી ગયેલું. લાકડાના મોટા મોટા પટો. ૧૦-૧૦ ૧૨-૧૨ ફૂટ લાંબા. એવી જ લાકડાની શિલિંગો. થાંભલા લાકડાનાં. પાંચેક વરસ પછી ફરી ત્યાં ગયો. એ જગ્યાએ સપાટ મેદાન થઈ ગયેલું. દેરાસરના પાયા ભરાતા હતા. મેં પૂછ્યું ટ્રસ્ટીઓને શું થયું? મને કહે સાહેબ! આપે દેરાસર જોયેલું બરોબર. લાકડાનું કામ હતું પણ ભીંત આખી ઝુકી ગયેલી. એટલે દેરાસર ઉતરાયા વિના કોઈ છુટકો જ નહતો. દેરાસર ઉતારી નાંખ્યું. મેં કીધું, ઉતારી તો નાંખ્યું. લાકડાની સામગ્રી હતી એનું શું કર્યું? સાહેબ! સાચવીને મૂકી છે. મેં કીધું, બહુ સરસ. પછી મેં પૂછ્યું; કે નવા દેરાસરમાં એનો યુસ તમે કરશો? તો કહે; ના સાહેબ, નવા દેરાસરમાં અમે એ મુકવાના નથી. તો મેં કહ્યું કે કોઈ સારી જગ્યાએ, સારું ટ્રસ્ટ વ્યવસ્થિત રીતે એને સાચવવા તૈયાર હોય તો તમે આપવા તૈયાર છો? મને કહે; તૈયાર છીએ. અને એ બધી જ સરસ કળાની સામગ્રી આજે ભીલડીયાજીમાં લાવી દીધી. અને એકદમ સરસ રીતે ગોઠવાઈ પણ ગઈ. ગામે-ગામ શત્રુંજયના પટો હતા. આપણને ખ્યાલ જ ન રહ્યો. Even મારી પોતાની વાત કરું. મને પણ એવી કળાની સૂઝ નહતી. જે ગામોમાં અમે ફરતા હતા. ત્યાં ૧૦૦-૧૦૦ ૧૫૦ વરસ જુના પટો તો હોય જ શત્રુંજયના. થોડા ઝીર્ણ થયા હોય. પણ પેલા કળાના વેપારીઓ એકદમ સસ્તા ભાવમાં બધું લઇ ગયા. એટલે ઘણુ બધું ગયું છે આપણું. પણ હજુ એક કલાદ્રષ્ટિ આપણી પાસે આવી જાય તો હજુ પણ ઘણુ બધું સાચવી શકીએ એમ છીએ.
હજુ પણ ગોરજીઓના પર્સનલ કલેક્શનોમાંથી વેચાવવા માટે બહુ જ આવે છે. અને હવે આપણા બધા મહાત્માઓ પાસે સૂઝ પણ છે. અને જ્ઞાનદ્રવ્યના પૈસા તો અખૂટ હોય જ છે આપણે ત્યાં. ને ઘણુ બધું ખરીદાઈ પણ રહ્યું છે. એટલે માત્ર માઈનસ પોઈન્ટ નથી, પ્લસ પોઈન્ટ પણ છે. ઘણુ બધું સારું અત્યારે લેવાઈ પણ રહ્યું છે. એમાંય કોબાનું કલેક્શન તો માર્વેલસ. અદ્ભુત્ત.! એલ.ડી માં પણ જે કલેક્શન છે, બહુ સરસ.! આવા પર્સનલ કલેક્શનો બીજા પણ અત્યારે ઘણા છે. એટલે આ એક સૂઝ થઈ. બહુ મોટી વસ્તુ છે. એટલે આ કળાની સામગ્રી એ બહાર જવી ન જોઈએ.
અમે લોકો લગભગ ત્રિસેક વરસ પહેલા રાધનપુરમાં ચોમાસું હતા. એ વખતે એક દેરાસરનો જીર્ણોદ્ધાર શરૂ થયો. દેરાસર સામાન્ય જ હતું. ઘર દેરાસર જેવું. એની ઉપર રૂમ જેવું હતું. હવે લોકો કહેતા કે ગોરજી મહારાજના પુસ્તકો અંદર છે. એટલે ટ્રસ્ટીઓએ કહ્યું; કે ભાઈ અમારી હાજરીમાં જ આ રૂમ ખોલવાનો છે. ટ્રસ્ટીઓની હાજરીમાં રૂમ ખોલાયો એમાં એક પટારો નીકળ્યો. પટારામાંથી ઘણા બધા ગ્રંથો નીકળ્યા. ચિત્રો પણ સારા નીકળ્યા. એ બધું કલેક્શન પછી લાવવામાં આવ્યું ઉપાશ્રયમાં. હવે ચિત્રોની અંદર એક રાગમાલાનો સેટ હતો. એ સેટ પૂરો નહતો એટલી જ તકલીફ હતી.
આપણા ચિત્રજગતમાં છ રાગ અને ત્રીસ રાગિણીઓ બનાવી છે. એક-એક રાગની પાંચ-પાંચ રાગિણીઓ. એ છત્રીસ ચિત્રોનો સંપુટ હોય. અને 300-૪૦૦ વરસ પહેલાનો હોય, દસ લાખ, પંદર લાખ, વીસ લાખ, પચ્ચીસ લાખ. તમે કિંમત બોલો. તો આ સેટ તુટક હતો. તો ટ્રસ્ટીઓ કહે; સાહેબ! અમારે રાખીને શું કરવાનું આને? આપણા ધરમનું હોય તો બરોબર છે. આ તો અમારે રાખવું નથી. એ કળાના વેપારીઓને ખ્યાલ આવ્યો. આવ્યો. બે-ચાર જણા આવ્યા. એ કહે, આ set ખંડિત છે. પુરા ૩૬ ચિત્રો નથી. ૩૬ હોત તો હું ઘણી કિંમત આપત. છેવટે હા-ના કરતા ચારેક લાખમાં લઇ ગયો. પછી સમાચાર એવા મળ્યા. એ માણસે શું કર્યું? જેટલા ચિત્રો ઓછા હતા, પાંચ કે સાત, નવા ચિતરાઈ નાંખ્યા, બિલકુલ તમને જુના જેવા જ લાગે એ રીતે! અને ૩૬ નો set કરી, ૧૫-૨૦ લાખમાં વહેંચી નાંખ્યા!
આજે એક કળાનું આ માર્કેટ પણ નીકળ્યું છે કે જુના ચિત્રો, તમને અસલ ચિત્ર જેવું જ લાગે અને નવું જ હોય. જે રવિ વર્માનું ચિત્ર હોય તો એ ચિત્ર ૧૦ લાખ રૂપિયામાં હોય. અને એની અનુકૃતિ તમે ૨૫,૦૦૦માં આપવા તૈયાર હોવ. પણ તમને ખબર પડે તો? અને તમને ખબર ન પડે તો ૧૦ લાખમાં ઠોકી જાય.!
એટલે કળાની દ્રષ્ટિએ પણ આપણે બહુ જ સમૃદ્ધ હતા. તમે આજે પણ જુઓ, કોઇ પણ જુનું ગામ હશે ને? ત્યાં ચાંદીની આટલી મોટી ઠવણી હશે. ટેબલ નાનું હોય, ઠવણી આટલી મોટો હોય, સાહેબના મસ્તક સુધી આવી જાય. એ ચાંદી એટલે નગદ ચાંદી હોય અને કોતરકામ પણ કરેલું હોય અંદર. આવું ઘણુ બધું રહેતું. આપણા છોડો, એ પણ એક આર્ટ જ છે. હવે ૩૦ વરસ પહેલાનો છોડ હોય એ ચાંદીનો જ હોય. એટલે એનું મુલ્ય તો બહુ જ થઈ જાય.
આપણે ત્યાં જેમ છોડ છે. એમ શ્રીનાથ પરંપરામાં પીછવાઈ છે. એ પણ એક બહુ સારી કળા છે. વસ્ત્ર ઉપર ચિત્રો દોરવાના. ભગવાનની પાછળ રાખે. જેમ આપણે છોડ રાખીએ એ રીતે. એટલે પીછવાઈ એ લોકો કહે. ભગવાનની પાછળ રહે એટલે પીછવાઈ. તો એ પીછવાઈઓ પણ ૨૦૦-૪૦૦ વરસ પહેલાની હોય તો અમુલ્ય થઈ ગઈ. તો આપણે ત્યાં આવું ઘણુ બધું હતું. ઘણુ બધું છે. એટલે કળાની દ્રષ્ટિએ પણ આપણે બહુ જ સમૃદ્ધ હતા.
તમે અમદાવાદ જાઓ ને. તો વિશાલાનું ધાતુપાત્ર મ્યુઝીયમ ખાસ જોવા જેવું છે. વાસણા સર્કલની આજુબાજુમાં જ છે. તો એ કલેક્ટરને એટલો સરસ વિચાર આવ્યો કે પૂજા માટે અને શોખ માટે જે ભિન્ન-ભિન્ન ધાતુપાત્રો વપરાતા હતા, એનું કલેક્શન કરો. અત્યારે આપણે કળાથી દરિદ્ર થઈ ગયા સાવ. કળશ તો એક સરખાં.! પૂજાની પેટી તો બસીતમાં બનાવેલી એકસરખી. એ વખતે ફૂલદાની પણ અલગ-અલગ હતી. એક-એક કળશ અલગ હતો.! અને એક-એક કળશ ઉપર કોતરકામ હતું. ફૂલદાની છે એના ઉપર કોતરકામ છે. ધાતુના ભગવાનને મુકવાનું સિંહાસન છે પિત્તળનું તો એ પણ કાર્વીનવાળું છે. એ રીતે હિંદુઓની અંદર પણ જે પૂજા પદ્ધત્તિઓમાં વપરાતા એ બધા વાસણો ભેગા કર્યા. એ જ રીતે રાજા-મહારાજોને ત્યાં જે હુક્કા વપરાતા હતા, એ હુક્કા ભેગા કર્યા. એટલું મોટું કલેક્શન છે કે આપણે જોતા થાકી જઈએ. એકમાત્ર ધાતુપાત્રો જ, બીજું કાંઈ નહિ.!
વિશ્વમાં આવા ઘણા બધા મ્યુઝીયમો છે. અમુક માત્ર ચિત્રો પરના હોય. અમુક અલગ થીમ પરના હોય, અમુક અલગ થીમ પરના હોય. મને તો શોખ. જ્યાં પણ જઉં. મ્યુઝીયમ વિગેરેમાં હું પહોંચી જ જાઉં. આપણા ખંડિત પરમાત્માઓ એટલાં બધા જોવા મળે. કારણ? જમીનમાંથી નીકળ્યું એટલે સરકારનું થઈ ગયું. ખબર ન પડી, ગુપચુપ તમે લઇ લીધું તો તમારું.! ખબર પડી ગઈ તો પુરાતત્વખાતાનું.
હવે બીજી વાત – ખંડિત મૂર્તિ હોય. આપણે શું કહીએ, સમુદ્રમાં પધરાઈ નાંખો. એ દરિયામાં રહે છે કોઈ દિવસ? ખબર છે તમને? તમે નાવિકને આપો ને દરિયામાં પધરાવવા. થોડે દુર જઈને દરિયામાં નાંખી દે તમારી હાજરીમાં. થોડી વાર પછી આવીને કાઢી લે. એનેય ખબર છે આનું શું મુલ્ય છે. એટલે પરમાત્મા ખંડિત થઈ ગયા. દર્શનીય તરીકે રાખો. ભલે અંજન ખેંચી લો. આટલા મોટા ભગવાન હોય, છ-છ ફૂટના કાઉસગ્ગજી કે ચાર ફૂટના બેઠેલા ભગવાન, અત્યંત અપ્રતિમ સૌંદર્યવાળા. સહેજ અહીં ઘસરકો પડ્યો હોય કે કદાચ અહીંથી આમ થયેલું હોય. એ તો બહુ અત્યારે સારી રીતે પૂરી શકાય છે.
તો કળાનો એક જીવંત પુરાવો આપણી પાસે. અને એમાં પણ વિશિષ્ટ રૂપે જો શિલાલેખ હોય. એ તો ઐતિહાસિક સામગ્રી બની ગઈ. ફલાણા નગરમાં પ્રતિષ્ઠિત થયેલી છે અને ફલાણા આચાર્યના હાથે. તો એ નગર આટલા વરસ જુનું હતું એ નક્કી થઈ ગયું. તો કળા પણ સચવાય. ઈતિહાસ પણ સચવાય. અત્યારે કોઇ પણ વ્યક્તિ કહે; કે ધાતુની મૂર્તિ છે. પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ખંડિત છે, એવું કહે તો મને આપી દેજો. ક્યાંય દરિયા-બરિયા માં નાંખતા નહિ તમે.!
એટલે આ રીતે આપણામાં એક સૂઝ જનમશે ને તો આપણે આપણા કળા વારસાથી પરિચિત બનીશું. એમ લાગે કે આપણા પૂર્વજોને કેટલું વિશિષ્ટ જે છે એ કલા પ્રત્યેનું સન્માન હતું. આપણી પાસે અત્યારે છાપેલાં કલ્પસુત્રો દરેક સાધુ પાસે હોય. એ પહેલા હસ્તલિખિત હતા. બીજું તો કંઈ હતું જ નહિ. પણ લગભગ દરેક સાધુ પાસે સચિત્ર કલ્પસૂત્ર હોય. એક કળાનો શોખ હતો.
તો આ સંત પાસે ભાગવત આવ્યું. પ્રાચીન ભાગવત. સંતે સ્વીકારી પણ લીધું. પણ એટલા માટે કે હું નહિ સ્વીકારું તો ક્યાંક કળાના વેપારી પાસે જશે તો એ ક્યાંક ફોરેન મોકલી આપશે. પરદેશમાં શું છે, તમને સમજાવું. એક-એક જે મ્યુઝીયમ હોય ને એના ક્યુરેટર પાસે વાર્ષિક વીસ લાખ, પચ્ચીસ લાખ, પચાસ લાખ ડોલરનું બજેટ હોય છે. એ પચાસ લાખ ડોલરમાં એણે શું ખરીદવું, એ ક્યુરેટર પોતે નક્કી કરી શકે. એથી વધુ કિંમતી મળી જાય તો એને પાછું ગવર્મેન્ટ જોડે વાતચીત કરવી પડે. પણ દરેક ક્યુરેટરને આટલી સત્તા આપેલી હોય કે પચાસ લાખ કે વીસ લાખ કે પચ્ચીસ લાખ, એ ડોલર સુધીનું તમને જે કંઈ પણ મળે એ તમે લઇ લો. આપણે ત્યાં એવી વ્યવસ્થા નથી. અને એટલે જ્યાં આપણે સાંભળીએ. ૭૦ લાખ રૂપિયા આના? ૭૦ લાખ તો કેમ અપાય? સીધું ફોરેનમાં લઇ લો. આપણે આપણા ગ્રંથો જો નહિ લીધા, સમજજો કે ફોરેન જ પહોંચી જવાના છે. તો ભારતના મ્યુઝીયમો પાસે પણ આટલું મોટું બજેટ નથી. એ બજેટ વિદેશના મ્યુઝીયમો પાસે જ છે. એટલે આપણું જે પણ હોય એ આપણે સીધું જ વસાવી જ લેવું છે. આપણી પાસે જ રાખવું છે.
તો સંતે રાખ્યું ભાગવત. એકવાર એક કળાનો ચોર હતો. એ આ રીતે ફરતો બધે. ક્યાંક ખાખા ખોળા કરતાં મળી જાય જૂની વસ્તુ. એમાં એની નજર પડી કે ઓહો.. આમ પાનું ખોલેલું, ચિત્ર. એ સમજી ગયો. જુનો ગ્રંથ છે. સચિત્ર છે. પચાસેક વરસ પહેલાની વાત છે. એ જમાનામાં પણ બે-પાંચ લાખનું મુલ્ય તો એનું હોય જ. હવે ચોરને થયું કે આ ગ્રંથ આપણે ઉઠાવવો. અને બાપજી ફકીર જેવા હતા. ખુલ્લામાં મૂકી રાખેલું. એકવાર બાપજી ક્યાંક ગયેલા. પેલાએ ઉઠાવી લીધું. પણ આ ચોર હતો. એ ચોરીને શું કરે? વેપારીને આપે. વેપારી પછી ફોરવર્ડ કરે. નાણા રોકી પણ વેપારી શકે. ચોર પાસે શું હોય?
એટલે આ ચોર કળાના વેપારી પાસે ગયો. રોજ જેની પાસે જતો હતો એ કે આ ભાગવદનો ગ્રંથ, સચિત્ર, આટલો જુનો છે. કિંમત બોલો? તો પેલાએ કહ્યું; કે ઉપર ભાગવત લખ્યું છે બરોબર પણ ખરેખર ભાગવત છે કે નહિ એ મારે ચેક કરાવવું પડે. આ ખરેખર જુનો છે કે નહિ એ પણ મારે ચેક કરાવવું પડે. અને નિષ્ણાંતો પાસે ચેક કરાવ્યા પછી હું લઉં એટલે આવતીકાલે આ સમયે મારી પાસે આવ. ત્યાં સુધી ચેક કરાવી આવું. સારું. બીજે દિવસે ફરી પાછો ચોર આવ્યો. વેપારીએ કહ્યું, ભાગવત છે, અસલી છે, પ્રાચીન છે. એટલે બે લાખ રૂપિયા હું તને આપું. પેલો હા-ના કરતો હતો. ત્રણ લાખ, ચાર લાખ. છેવટે અઢી લાખમાં સોદો પતાવ્યો. સોદો પતી ગયો. ગ્રંથ પેલા વેપારીને મળી ગયો. અઢી લાખ ચોરને મળી ગયા.
હવે ચોરને એક વિચાર આવે છે. એટલે ચોરે પૂછ્યું કે આ ગ્રંથ અસલી છે, ભાગવત જ છે, બીજો ગ્રંથ નથી. (ઘણીવાર એવું બને ઉપર નામ લખેલું આ હોય, અંદર ગ્રંથ જુદો જ હોય.) આ તમે ચેક કોની પાસે કરાવ્યું? તો પેલો કહે; બાપજી પાસે.! તો બાપજી પાસે તમે ચેક કરાવ્યું? કહે; હા. બાપજીએ શું કીધું? બાપજીએ જ કીધું, ગ્રંથ જુનો છે અને ભાગવતનો જ છે. બાપજી બીજું કાંઈ બોલ્યા નહિ? તો કહે; કે ના, બીજું કાંઈ બોલ્યા નહિ.
કેવું ભાગવત અંદર ઉતર્યું હોય.! વેપારીને ખાલી ઈશારો કર્યો હોત કે આ તો મારું જ છે, કોઈક ઠોકી ગયો છે. તો શું થાત? પેલો જેલમાં પુરાત અને ભાગવત સંતને આપત. કોઈને પણ હેરાન કરીને એ કરવું નથી. જે પ્રમાણે થવાનું હોય દેશ – કાળ પ્રમાણે એ થશે. જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની છે! હવે એમાં એ ભાગવતને પાછુ લાવવાનો કોઈ અર્થ નથી. જ્યાં જવાનું હશે ત્યાં જશે. અને એ ચોર એ બાપજીનો ભક્ત બની ગયો.! આવા સંત એમ?! જે ધારત તો મને પકડાવી શકત. હું જેલમાં જાત. બધું જ થાત…
આ શું થયું? ‘ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે’. આ જ આપણે ત્યાં પરિણતિ શબ્દથી કહેવાયેલી ઘટના છે. જ્ઞાન હોય એટલું પુરતું નથી! પરિણતિ તમારી પાસે કેટલી છે?
લોકમાન્યતિલકનું નામ તો તમે સાંભળ્યું છે. એમને ઘોષણા કરી, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. એ રાજકીય નેતા તો હતા જ પણ આધ્યાત્મિક રીતે ભીતર બહું ઉતરેલા હતા. એમને જ્યારે જેલમાં પુરાયા. ત્યારે જેલમાં એમણે ભગવદ્ગીતા ઉપર કર્મયોગ નામનું પુસ્તક લખ્યું છે. જે બહુ જ પ્રસિદ્ધ છે. એકવાર તિલક પોતાના ઘરે બેઠેલા સવારે. એ વખતે કોંગ્રેસમાં પણ બે ભેદ – ઉદ્દામ અને મવાડ. હવે પરસ્પર ગાળાગાળી ચાલે. અને તિલકજી બહુ પ્રભાવશાળી નેતા. એટલે બધાના પત્ર એના ઉપર જાય. મહારાષ્ટ્રના બધા જ છાપાઓ સવારમાં આવે ત્યારે હેડિંગમાં તિલક અને તિલક પરની ગાળો જ હોય. ફલાણા નેતાએ તિલકને આમ કહ્યું. તિલક ઉપરની ગાળોથી ભરાઈ ગયેલા છાપાઓ આવતા.
એક સવારે ચા પીતા-પીતા તિલક છાપું વાંચી રહ્યા છે. એમનો એક મિત્ર આવે છે. મિત્રએ કહ્યું, તમે છાપું વાંચી શકો છો? આ હેડિંગ્સ તો જુઓ પણ તમે.! તિલક હસે છે. જરા એ તો કહે. ચા-નાસ્તો કરીને આવ્યો છે કે બાકી છે? ચા-નાસ્તો કરીને આવ્યો. અચ્છા, અચ્છા. પણ ચા પીવો હોય તો વાંધો નહિ. ચા તો ગમે ત્યારે પીવાય. ચલો ભાઈ એક ચા લાવો. ચા આપી મિત્રને. પછી પૂછ્યું; કે ચા જોડે નાસ્તો શેનો કરેલો? તો કહે; પૌંઆનો, ઉપમાનો. તો કહે; જો તમે લોકો છે ને ચા જોડે પૌંઆ, ઉપમા આ બધો ગરમ નાસ્તો કરો છો. હું ચાની જોડે ગરમ ગરમ ગાળો ખાઉં છું. ક્યારે બની શકે બોલો? તમને કોઈ એક શબ્દ કહે છે ને, એકદમ આમ ચચરે છે. મને આમ કીધું.!
પણ ખરેખર તો પ્રસંશાના વાક્યોને ભૂલી જવાનાં અને ટીકાના વાક્યોને યાદ રાખવાના. એ આમ કહે છે, તો ખરેખર આવું હશે ખરું? કારણ કે તમે તમારી જાતનું એકદમ કોમળ નિરીક્ષણ કરવાના છો. સોફ્ટ.. બીજાનું શાર્પલી કરશો! તમારું સોફ્ટલી કરશો.! અને એટલે જ ખરેખર તમે ક્યાં છો? અને ખરેખર તમારામાં કયા દોષો છે, એ જાણવા માટે કલ્યાણમિત્રની વ્યવસ્થા આપી. સદ્ગુરુ પાસે તમે જાઓ. ત્યારે સદ્ગુરુ જરૂર કહે; પણ કલ્યાણમિત્ર તો સાથે ને સાથે જ હોય. ગુરુ મોટા હોય. આપણે રોજ એમનો સમય બગાડી પણ ન શકીએ. કલ્યાણમિત્ર આપણી સાથે જ છે. એ કલ્યાણમિત્રને કોરો ચેક આપી દેવાનો કે જ્યાં મારામાં સહેજ પણ દોષ દેખાય ત્યાં તરત જ તારે મને ટોકી દેવાનો. કેમ આમ કર્યું? આમ ન ચાલે.!
એટલે આપણે ત્યાં ત્રણ વાત કરી છે: આંતર-નિરીક્ષણ, કલ્યાણમિત્ર દ્વારા જાતનું નિરીક્ષણ અને સદ્ગુરુ દ્વારા નિરીક્ષણ. પહેલા તમે આંતર-નિરીક્ષણ કરો – કયા કયા દોષ છે તમારામાં? દોષોનું લિસ્ટ બનાવો. સામે બાજુ હવે એ રીતે દોષોને લખો કે હલકામાં હલકો દોષ કયો? પછી એનાથી ભારે કયો? એનાથી ભારે કયો? એનાથી ભારે કયો? આ રીતે આંતર-નિરીક્ષણ કરો. એકદમ હલકો દોષ છે. ઓહો આમાં તો કોઈ વાંધો નથી. હું એઠાં મોઢે બોલું છું. હવે ન જ બોલાય ને.? મારે પાણી પીને જ બોલવાનું હોય. ચલો આ દોષ ગયો આજે. આ રીતે નાના નાના દોષ છે એ ફટાફટ જતા રહે. પણ કેટલાક દોષો તમારી પકડમાં નથી આવતાં. તમને ખ્યાલ નથી આવતા. કારણ કે તમે તમારી જાતનું સોફ્ટ રીડિંગ કરો છો. એ વખતે કલ્યાણમિત્રને તમે કહી શકો કે મારામાં તને કયા-કયા દોષો દેખાય છે? તું એ દોષો મને બતાવ. પણ કલ્યાણમિત્ર પણ આખરે તમારી સમકક્ષ જ છે. એની પાસે પણ વિશિષ્ટ જ્ઞાન તો છે નહિ. એટલે પછી આપણે સદ્ગુરુ પાસે જઈએ કે ગુરુદેવ મારામાં કયા-કયા દોષો છે, મને કહો ને?
આજે મારી પાસે ઘણા બધા સાધકો આવે. એક જ હેતુથી આવતા હોય છે. સાહેબજી! પ્રસંશા તો અમારી ઘણા બધા કરે છે પણ આપની પાસે માત્ર અમારા દોષો સાંભળવા માટે અમે આવીએ છીએ. રોજના છ સામાયિક કરીએ છીએ. લોકો કહે છે; બહુ સરસ ધાર્મિક આત્મા. પણ એ સામાયિક કરવા છતાં સમભાવ અંદર ઉતરતો નથી અને આપની પાસે આવ્યાં છીએ. Where is our fault? અમે ક્યાં ચૂકીએ છીએ? તો પહેલા આંતર-નિરીક્ષણ, પછી કલ્યાણમિત્ર દ્વારા તમારું નિરીક્ષણ થવું જોઈએ અને પછી સદ્ગુરુ દ્વારા તમારું નિરીક્ષણ થવું જોઈએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *