Mumukshu Vachna | 09-05-20 | Navsari Tapovan

25 Min Read

જ્ઞાન અને ધ્યાનનો સૂવર્ણયુગ

આજનો યુગ એ ધ્યાનનો સૂવર્ણયુગ છે. છેલ્લા 300 વરસના ગાળામાં ધ્યાનની આવી લહેરો આપણે જોઈ નથી. પહેલાં હતી જ; પણ કોણ જાણે કેમ એ લહેર થોડી સૂકાઈ ગયેલી. આપણા યુગમાં ધ્યાનની એ લહેરો પુનર્જીવિત થઈ છે. આજે લાખો નહિ, કરોડો લોકો ધ્યાન કરી રહ્યા છે.

ભલે એવું બની શકે કે ધ્યાન કરનારા, યોગમાં જનારા એ લોકો કદાચ શરીર-સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે જ જતા હોય; પણ ધ્યાનનો રાજમાર્ગ તો ખૂલ્યો જ છે. આપણે જે ધ્યાન કરીએ છીએ એ માત્ર અને માત્ર આત્મિક નિર્મલતા માટે; બીજો કોઈ ઉદ્દેશ નહિ. એ અર્થમાં ધ્યાનના મામલે બહુ જ આગળ છીએ આપણે.

અને સ્વાધ્યાયનો પણ સૂવર્ણયુગ. પોતાની આંતરિક અનુભૂતિને વર્ણવતા એટલા બધા પુસ્તકો આજે બહાર પડયા છે કે વાંચવાનો સમય પણ ઓછો પડે! પોતાની અનુભૂતિનો નિચોડ લેખકે પુસ્તકમાં ઠાલવેલો હોય છે. ઘણા બધા પુસ્તક તો એવા છે જે કદાચ અંગ્રેજીમાં જ મળે; અનુવાદ પણ ન થયેલો હોય. પણ વાંચતા તમને લાગે કે ખરેખર કંઇક મળ્યું; માત્ર કોરો સ્વાધ્યાય ન થયો.




નવસારી તપોવન વાચના – 42 [9.5.2020]

“ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જેસે જલ મીના રે”.

અમે લોકો વર્ષો પહેલા રાજસ્થાન ગયેલાં. બેડાની બાજુમાં જ તીર્થ દાદા પાર્શ્વનાથનું. એ વખતે ગુણરત્નસૂરી ત્યાં બિરાજમાન હતા. શિબિર ચાલતી હતી. એમના અત્યંત મેધાવી શિષ્ય મોક્ષરત્નવિજય, એ મારી પાસે બેઠેલાં. સવારથી સાંજ સુધી સ્વાધ્યાય એમનો ચાલુ જ હોય. જયારે પણ જુઓ હાથમાં પુસ્તક જ હોય! મને એમણે પૂછ્યું કે સાહેબ હવે મારે શું વાંચવું? હરીભદ્રસૂરી મહારાજના, ઉપાધ્યાયજી મહારાજના બધા જ ગ્રંથો વંચાઈ ગયેલાં. મેં એમને કહ્યું; કે તમારા ગુરુ મહારાજ અનુજ્ઞા આપે તો ૪૫ આગમ ગ્રંથો સટીક તમે વાંચી નાંખો. તમે જોગ નથી કર્યા પણ ગુરુ આજ્ઞા આપે તો વાંચી શકાય છે. બે વરસ પછી ફરી મને મળ્યા. સાહેબ ૪૫ આગમ ગ્રંથો તો વંચાઈ ગયા. હવે શું કરું? કેટલો સ્વાધ્યાયનો રસ..! અને એ સ્વાધ્યાય માત્ર શબ્દોમાં જ નહતો, જીવનમાં ઉતરેલો હતો.

આપણે અત્યારે પણ કુલચંદ્રસૂરિ મહારાજને જોઈએ છીએ. સતત સ્વાધ્યાયમાં લીન હોય છે. જીવન પણ એટલું જ નિર્મળ. મને એ કહેવાનું મન થાય કે આજનો યુગ જ્ઞાન અને ધ્યાન માટે સુવર્ણયુગ છે. Golden period. છેલ્લાં 300 વરસના ગાળામાં ધ્યાનની આવી લહેરો આપણે જોઈ નથી. પહેલાં હતી જ. પણ કોણ જાણે કેમ એ ધ્યાનની લહેર થોડી સુકાઈ ગયેલી. આપણા યુગમાં એ ધ્યાનની લહેરો પુનર્જીવિત થઈ છે. આજે લાખો નહિ, કરોડો લોકો ધ્યાન કરી રહ્યા છે. કરોડો લોકો..! ભલે એવું બની શકે કે એ ધ્યાન કરનારા, એ યોગમાં જનારા કદાચ શરીર સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે જ જતા હોય. પણ ધ્યાનનો એક રાજમાર્ગ તો ખુલ્યો જ છે. આપણે જે ધ્યાન કરીએ છીએ એ માત્ર અને માત્ર આત્મિક નિર્મલતા માટે. આપણો બીજો કોઈ ઉદ્દેશ છે પણ નહિ. ધ્યાનના મામલે પણ બહુ જ આગળ છીએ આપણે. પોતાની આંતરિક અનુભૂતિને વર્ણવતા એટલા બધા પુસ્તકો આજે બહાર પડયા છે કે વાંચવાનો સમય આપણને ઓછો પડે.

Mister M આવા ઘણા બધા લેખકો છે કે જેમણે યોગસાધનાના પોતાના અનુભવોને લોકાર્પિત કર્યા. કેટલા-કેટલા સંતો પાસે પોતે ગયા, અને કઈ રીતે એમની જોડે સત્સંગ કર્યો, આ બધી જ વાતો લખી છે. એ શ્રી.એમ  એટલે મૂળ મુસલમાન છે. મુઝફ્ફર કે એવું નામ છે. પણ એ હિંદુ સંત બની જાય છે. તો આવા એટલા બધા લોકોએ પોતાની આત્મકથાઓ લખી છે. આપણને થાય કે અનુભૂતિ એ લોકોએ કરી. આપણા માટે arm chair travel. આરામ ખુરશીમાં બેઠા-બેઠા આપણે એનું અધ્યયન કરી શકીએ છીએ.

અને એક મજાની વાત એ છે કે ઈન્ટરનેટના આ યુગમાં પુસ્તકોનું મહત્વ ઓછું નથી થયું. આ પુસ્તક છે – ‘સોફી કા સંસાર’, નોર્વેના લેખક છે. અને નોર્વેજન ભાષામાં એમણે લખેલું છે. અને આજે વિશ્વની ૬૦ ભાષામાં એ અનુદિત થયું છે. અને ૫ કરોડથી વધારે કોપીઓ એની વેચાઈ ગઈ છે. એટલે સારા પુસ્તકો આજે લોકો ખુબ ખુબ વાંચી રહ્યા છે. આજે ગુજરાતીમાં બેસ્ટ સેલર બનનારા પુસ્તકો બહુ ઓછા છે પણ અંગ્રેજીમાં તો બેસ્ટ સેલર બનનારા પુસ્તકો ઢગલાબંધ. અને એમાં ઝેન ઉપર હોય, યોગ ઉપર હોય, ધ્યાન ઉપર હોય, અને એ પણ બેસ્ટ સેલર બને ત્યારે આપણને આનંદ થાય. કે માત્ર એણે પોતાની ધ્યાન સાધનાની જ વાત કરી છે, અને એ પુસ્તક બેસ્ટ સેલર થઈ જાય!

એકવાત ખરી કે તમારી પાસે અનુભૂતિ હોય પણ પ્રેજન્ટેશનની કલા ન હોય તો તમે માર ખાઈ જાઓ. એટલે અભિવ્યક્તિ તમારી પાસે જોઈએ જ. અનુભૂતિનું પ્રેજન્ટેશન કેમ કરવું, એની પણ કળા તમારી પાસે જોઈએ. એ તમે જે ભાષામાં બોલો, જે ભાષામાં લખો, એ ભાષા પર તમારું પૂરું પ્રભુત્વ હોવું જોઈએ. મેં લખવાનું શરૂ કર્યું એની પહેલા સેંકડો પુસ્તકો વંચાઈ ગયેલા. પણ લખવાનું જયારે શરૂ કરવાનું વિચાર્યું ત્યારે મકરંદ દવે, હરીન્દ્ર દવે જેવા ગુજરાતીના બહુ સારા લેખકોને સામે રાખ્યાં. એટલાં માટે કે આ લોકો રજૂઆત કઈ રીતે કરે છે? એટલે પહેલા પુસ્તકો માત્ર વાંચી ગયેલો. હવે આ લોકોનું પ્રેજન્ટેશન જે છે એ કેવું છે? એ રીતે આખું સ્ટડી કર્યું અને એ સ્ટડી કર્યા પછી મેં લખવાનું શરૂ કર્યું.

તમે જે ભાષામાં બોલો છો, જે ભાષામાં લખો છો, એ ભાષા પરનું પ્રભુત્વ તમારી પાસે હોવું જ જોઈએ. આપણે ત્યાં ઘણીવાર શું થયું? સંસ્કૃત ભાષામાં જ આપણે લગભગ વાંચતા હોઈએ, અને ગુજરાતીમાં બોલવાનું છે તમારે! અને તમારી ગુજરાતી કેવી છે, એ તો જુઓ.! એકવાર મને મારા એક મિત્ર મુનિએ કહેલું કે મારે છે ને બધા મોટા-મોટા મહાત્માઓને એક પુસ્તક ભેટ આપવાનું છે. મેં કીધુ કયું? મને કહે; ગુજરાતી ભાષાનું વ્યાકરણ. તમે ભાષાને રમાડી શકો, નચાવી શકો, આ એક કળા તમારી પાસે જોઈએ જ. અને એટલાં માટે કે લોકોને તમે એક પ્રવાહમાં લાવી શકો. શરૂઆતના શ્રોતાઓ માટે crowd puller orators જોઇશે જ. કારણ કે એ લોકો માત્ર તત્વજ્ઞાનથી પ્રભાવિત થવાના નથી. એ લોકોને એકદમ ધારદાર રીતે બોલીને ખેંચી લેનારો માણસ જોઇશે. એટલે crowd puller orators શરૂઆતના શ્રોતાઓ માટે. પરિણત શ્રોતાઓ માટે ગમે તે વક્તા ચાલે પછી.

હું ઘણીવાર શહેરોમાં કહું. મોટા-મોટા સંઘોમાં કે તમને લોકોને શ્રેષ્ઠ વક્તાઓની જરૂર ક્યાં છે? સભા આખી કેળવાયેલી છે. અને મહાત્મા ગણી કહેશે, મારા પ્રભુએ આમ કહેલું, અને આખી સભા સમવસરણમાં પહોંચી જશે. Crowd puller orators જે છે એમને તો સામાન્ય લોકો માટે રહેવા દો, તમારા માટે નહિ.

તો સ્વાધ્યાય અને ધ્યાન બેઉના ક્ષેત્રોમાં એક સુવર્ણયુગ ચાલુ થયો છે. અને સ્વાધ્યાય એટલે કોરો સ્વાધ્યાય નહિ. ઘણા બધા પુસ્તક આજે એવા છે જે કદાચ અંગ્રેજીમાં જ તમને મળશે. કદાચ એનો અનુવાદ નહિ પણ થયેલો હોય. પણ એટલાં બધા સરસ હોય છે કે એ પુસ્તક વાંચતા તમને લાગે કે તમને કંઇક મળ્યું છે. પોતાની અનુભૂતિનો નિચોડ એ લેખકે પુસ્તકમાં ઠાલવેલો હોય છે. અને સાધકો પણ એવા છે આજે કે જે લોકો અનુભૂતિની દુનિયામાં ગયેલા હોય.

બે સંત એકવાર ભેગા થયેલા. રાબિયા અને હસન. રાબિયા બહુ જ ઊંડા ઉતરેલા સાધક. હસન ચમત્કારિક સંત હતા. શક્તિઓ મળ્યા પછી અહંકાર ને પેલે પાર જવું બહુ મોટી ઘટના છે. એટલે ખરેખર તો પ્રભુની પાસે એ માંગો કે શક્તિ નહિ, હું આ શક્તિથી અપ્રભાવિત થાઉં એવું વરદાન મને આપો.

એક દેવી(એ) એક સંતને વરદાન આપ્યું કે તમે જ્યાંથી પણ પસાર થશો ને તમારા બોડીમાંથી નીકળતા તરંગો દ્વારા ગમે તેવો રોગી માણસ હશે એ પણ સ્વસ્થ બની જશે. સંતે કહ્યું; વાંધો નહિ. મારા દ્વારા લોક કલ્યાણ થતું હોય તો હું કંઈ ના પાડતો નથી. અને હું તો વિહાર કરનારો યાયાવર માણસ છું. અને હજારો કિલોમીટર વર્ષમાં ફરું છું. તો આ રીતે હું ફરું. તો જ્યાંથી હું પસાર થાઉં અને ત્યાંના લોકો સ્વસ્થ બની જાય તો મારા માટે સારું છે પણ એ વરદાનમાં થોડોક ઉમેરો મારે જોઈએ છે. અને ઉમેરો એ જોઈએ છે કે હું પસાર થાઉં, લોકો સ્વસ્થ થાય, કોઈ વાંધો નહિ; પણ હું પસાર થયો માટે લોકો સ્વસ્થ થયા, એવો લોકોને ખ્યાલ ન આવવો જોઈએ. એવું કોઈ સંયોગી નિમિત્ત મળી જાય આ વૈદ્યની દવા હતી, આ ડોક્ટરની દવા હતી, આ હતું, આમ હતું. એના કારણે એ સ્વસ્થ બની ગયો. એટલે મારા કારણે એ સ્વસ્થ બન્યો છે એવો ખ્યાલ એને આવવો જોઈએ નહિ, નહિતર મારી સાધના જ નહિ રહે. લાખો લોકો દુઃખી છે, મારી પાછળ પડશે બધા. એટલે શક્તિ મળવી કોઈ મુશ્કેલ વસ્તુ નથી. પણ એ તમારી શક્તિથી, તમારી લબ્ધિથી તમે અપ્રભાવિત હોવ એ મજાની વાત છે.

સનતકુમાર મુનિને રોગ. ખબર છે આપણને. પુરા શરીરમાં કોઢનો રોગ. દેવ આવ્યો વૈદ્યનું રૂપ ધારણ કરીને. સાહેબ તમને સ્વસ્થ બનાવી દઉં. અચ્છા, અચ્છા, અચ્છા તું મને સ્વસ્થ બનાવી દઈશ? બહુ સરસ. કર્મનો રોગ મને બહુ લાગુ પડ્યો છે. સ્વસ્થ બનાવી દે. સાહેબ એ નહિ, આ રોગ મટાડી દઉં શરીરનો. એ વખતે સનતકુમાર મુનિએ પોતાનું થુંક લઈને આમ લગાડ્યું. આખી ચામડી સોનાવર્ણી થઇ ગઈ. એમના થુંકમાં એટલી તાકાત હતી કે થુંક ચોપડે, બધા રોગો દુર થઈ જાય. પણ આ લબ્ધિ હતી એ મોટી વાત નહતી. આ લબ્ધિ હોવા છતાં ૭૦૦ વરસ સુધી રોગને એમને માણ્યો.! સહન કર્યો નહિ કહું. Enjoy કર્યો.! એ વખતે પણ કોઈએ પૂછ્યું કે સાહેબ શાતામાં? અરે શાતાની વાત ક્યાં કરે છે? પરમ શાતામાં.! જલસો છે અહીં તો.!

એટલે તમને પણ લાગે કદાચ કે સંઘ માટે વકતૃત્વ શક્તિ મારી પાસે જરૂરી છે. તો પ્રભુની પાસે પહેલી પ્રાર્થના કરજો કે વકતૃત્વ શક્તિ આપતા પહેલા એ શક્તિનો અહંકાર મને ન આવે, એ પહેલા આપી દેજો. નહિતર બીજાનું તો કલ્યાણ થશે, હું જઈશ અધોગતિમાં. સંભાળનારા તરી જાય; અને બોલનારો ડૂબી જાય.!

તો રાબિયા અને હસન બે ભેગા થયા. હસન જ્ઞાની જરૂર હતા. મંત્રવિદ પણ હતા. પણ માત્ર બાહ્ય સિદ્ધિમાં લોભાઈ ગયેલા. એટલે અહંકારની પેલે પાર જઈ શકેલા નહિ. યાદ રાખો; અનંત જન્મોમાં, અનંતી શક્તિઓ, અનંતી વાર આપણને મળેલી છે. તમે ઈન્દ્ર બન્યા હશો, દેવ બન્યા હશો, કેટલી શક્તિ મળેલી તમને? શક્તિ મળી, શક્તિનો કોઈ મતલબ પણ નથી. એ શક્તિ જ તમને નરક અને નિગોદમાં લઇ ગયેલી. એ શક્તિ હતી; અને તમે ખરાબ કામો કર્યા અને તમે નરકમાં ગયા. શરીર સ્વસ્થ હોય અને એનાથી સાધના કરવાની હોય તો તો બરોબર છે. પણ શરીર સ્વસ્થ કરીને બીજા જોડે લડવાનું જ હોય તો? એટલે શક્તિથી કોઈ મતલબ નથી. એ શક્તિ તમારા આત્મકલ્યાણ તરફ જાય છે કે નહિ એ જોવાનું છે. એટલે પરકલ્યાણ પણ એટલું જરૂરી પહેલા નથી જ!

વિચાર તો કરો, તમને વક્તા બનવાની ઈચ્છા કેમ થાય આમ? કેમ થાય? અનંતા તીર્થંકર ભગવંતો થઈ ગયા. અનંતીવાર એમની દેશના થઈ. સમવસરણ થયા. અને એ સમવસરણમાં આવનારા એવા હતા. કે વાહ, ઋદ્ધિ બહુ સરસ છે હો.! ઠાઠ-ઠઠારો મજાનો છે! હરામ બરાબર જો પ્રભુનો એક શબ્દ જો એણે લીધો હોય તો. ન  પ્રભુની પરમ ઉદાસીનદશાને એ જોઈ શક્યો, ન પ્રભુના એક પણ શબ્દને એ પામી શક્યો, માત્ર બાહ્ય વિભૂતિ જોઈ અને એ નીચે ઉતરી ગયો.

તો અનંત તીર્થંકર ભગવંતો થયા. એક-એક તીર્થંકર ભગવંતે કેટલી દેશનાઓ આપેલી હોય? પોતાના આયુષ્ય પ્રમાણે આપેલી હોય. આટલી બધી દેશનાઓથી કામ થયું નથી તો મારા પ્રવચનોથી શું થવાનું છે? છે ને તમારી પાસે આ એન્ગલ નથી. તમારી પાસે એન્ગલો છે, બીજા એન્ગલો છે. અને તમારા એન્ગલો છે એ પણ સાપેક્ષ રૂપે સાચા હોઈ શકે, પણ એની પાછળ ઊંડી વાત આ છે. વક્તા બનો એનો વાંધો નથી પણ એક પણ પ્રવચન આપ્યા પછી મનમાં અહંકાર થાય છે? હું તો ત્યાં સુધી કહું; પ્રવચનની વાત અલગ છે, તમે સંગોષ્ઠીમાં બેઠેલા હોય, પાંચ જણા બેઠેલા છે કે સાત જણા બેઠેલા છે. તમે બોલી રહ્યા છો. તમારી અભિવ્યક્તિ બહુ સારી છે. તમે જે વાત કરો છો એ વાત તો ઘણી બધી વાર એ લોકોએ સાંભળેલી છે. પણ તમારું પ્રેજન્ટેશન બહુ જ અદ્ભુત્ત છે. સોફેસ્ટીકેટેડ લેન્ગવેજ અને સરસ મજાના લયમાં તમે બોલી રહ્યા છો. અને એ સાંભળતા શ્રોતાઓ પ્રભાવિત થાય છે. અરે, વાહ અદ્ભુત્ત! આવું તો સાંભળ્યું પણ નથી! એ વખતે જો તમારા મનમાં અહંકાર આવે ને તો તમારે ત્યાં બોલવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે સંગોષ્ઠી છે. પ્રવચનમાં કદાચ બંધ ન કરો. પણ સંગોષ્ઠીમાં બંધ કરી શકો. અને કદાચ કોઈ કહે, સાહેબજી કેમ બંધ કર્યું? રોજ તો અડધો કલાક બોલો છો, આજ તો પાંચ મિનીટ જ થઈ. હા, એ વાત ખરી. તમને આનાથી લાભ થઈ રહ્યો છે પણ મને ગેરલાભ થઈ રહ્યો છે. મારા મનમાં અત્યારે આ મારી સ્પિચને કારણે અહંકાર ઉદિત થયો છે અને મને અહંકાર તરફ જે લઇ જાય એ કાર્યમાં ન જોડાવાનું મારા પ્રભુનું ફરમાન છે.

હમણાં જ આજે જ મારા એક શિષ્યે પત્રમાં લખેલું કે સાહેબ વેસ્મામાં લગભગ ૪૫ સાધુ ભગવંતો છે. તો મુનિચંદ્રસૂરિ મહારાજે કહ્યું; કે ૫-૫ મિનીટ બોલતા બધા શીખો. સાધુઓની સભા છે. ૫-૫ મિનીટ બોલો. આજે એ મારો સાધુ છે એ બહુ જ ધ્યાનમાં ઊંડો ઉતરેલો છે. તો એણે મને પૂછાવ્યું કે સાહેબ પ્રવચન મારા માટે જરૂરી ખરું? મેં એને જવાબ આપ્યો કે તારા માટે જરૂરી નથી. તું નહિ કરતો. તારે એ તરકટમાં જવાની જરૂર નથી. તું તારી ધારામાં છે એ બરોબર છે. પછી મેં સમજાયુ કે મુનિચંદ્રસૂરી મહારાજ પણ એક એન્ગલથી બરાબર છે, એ પ્રવચનનું પણ કહી રહ્યા છે, એ ગ્રંથોના સ્વાધ્યાયનું કહી રહ્યા છે. વિવિધ ભાષાઓ અને લિપીઓ શીખવાનું કહી રહ્યા છે. એ એટલા માટે કે બધા જ સાધકો આત્માભિમુખ નથી હોતા. એટલે આત્માભિમુખ સાધક જે નથી તે પર તરફ ખેંચાઈ ન જાય એટલા માટે આ બધું છે. તમને ગ્રંથોમાં રોકી રાખવા, સ્વાધ્યાયમાં રોકી રાખવા, વૈયાવચ્ચમાં રોકી રાખવા બહુ જ જરૂરી છે. અને એમાં પણ આજના યુગમાં તો બહુ જ જરૂરી છે. યુવાન સાધુઓને આપણે લઈએ. આ એની યુવાનીનો કાળ. આ પડતો કાળ સામે. એ વખતે એનો યોગક્ષેમ સાચવવો કે એ પિરીયડ એનો જે છે એટલો સરસ રીતે સચવાઈ જાય કે એ માત્ર અને માત્ર શુભની અભિમુખ તો બની જ જાય. ભલે સ્વાભિમુખ હમણાં ન બને. પણ શુભની અભિમુખ બનશે તો પણ પરથી તો છૂટી જશે.

એટલે મેં કહ્યું; કે સાહેબ પણ સાચા છે કે એ તમને લોકોને કામ ભળાવવું જોઈએ. અને તમને લોકોને સતત વ્યાપૃત રાખવા જોઈએ. નહિતર તમારું મન નવરું પડ્યું અને તમે ક્યાં પહોચી જશો, ખબર નહિ પડે. પણ મેં આ શિષ્યને કહ્યું, તું ધ્યાનની ધારામાં છે, તારે પ્રવચન આપવાની જરૂર નથી, તું સાહેબને કહી દેજે. એટલે આપણે એક તો જીવનનો ultimate goal પસંદ કરવો પડશે કે આપણે શું મેળવવા માંગીએ છીએ? દીક્ષાના આટલા વરસ થયા. એક જ પ્રશ્ન વિચારો – What’s my achievement? શું મળ્યું મને? ક્યાં ખોયા? ક્યાં પાયા? શું મળ્યું?

તો મારો ultimate goal શું હતો? હું સવારે morning walk માટે જાઉં છું. પણ વીરવાળી હનુમાનજી જઈને પાછો અહિયાં આવી જાઉં. મારે માત્ર શરીર માટે ડોકટરે કહ્યું છે એટલે morning walk કરવાનું છે. એટલે ચાલવા માટે મારે કોઈ લક્ષ્ય નથી કે આ બાજુ જ મારે જવું. બીજી બાજુ રોડ સારો હોય તો બીજી બાજુ જતો રહું. લક્ષ્ય નથી. તો લક્ષ્યવિહીન યાત્રા જે છે ને એનો કોઈ મતલબ નથી. ભલે એ શુભની હોય યાદ રાખો. ભલે શુભની યાત્રા હોય પણ લક્ષ્યવિહીન છે તો શું આપશે તમને? અનંતા જન્મોમાં ચારિત્ર લેવાયું. શું થયું? કેમ? ક્યાં ગરબડ થઈ? શુભ નહોતું એમ નહિ કહી શકો તમે. ક્રિયાઓ હતી, ભક્તિ હતી, સ્વાધ્યાય હતો, જાપ હતો. કોઈ લક્ષ્યાંક નક્કી નહોતું. એટલે રાગ-દ્વેષ અને અહંકારને મારે શિથિલ કરવા એ લક્ષ્ય પણ એની પાસે હતું નહિ.! અને સ્વાધ્યાય કરીને અહંકાર વધાર્યો! વકતૃત્વ કળા બહુ સારી હતી તો પણ અહંકાર વધારી નાંખ્યો. એટલે કહેવાતુ શુભ તમારી માટે શુભ છે કે નહિ, એ જોવું પડે.

એટલે બહુ મજાની વાત કહું. અશુભ સારું. અશુભ સારું. પણ શુભ જે છે એ અશુભનું મહોરું પહેરીને આવે તો ખરાબ, અને અશુભ શુભનું મહોરું પકડીને આવે તો ખરાબ. સીધું અશુભ ખરાબ નથી. તો તો તમને ખ્યાલ આવે કે ઓહો રાગ ગયો, દ્વેષમાં ગયો; મારે જવાય નહિ. પણ બહારથી શુભની ક્રિયા હોય અને અંદરથી અશુભ હોય. તો અશુભ શુભનું મહોરું પહેરીને આવે એ ખતરનાક ગણાય છે. અને તમારે અહંકાર પુષ્ટ કરવો છે અને તમે કહો લોકોનું કલ્યાણ કરી રહ્યો છું વ્યાખ્યાન આપીને. બસ આમાં જ આપણે અટવાઈ ગયા. શુભ ખરેખર શુભ છે? કે શુભનું મહોરું પહેર્યું છે? છે અશુભ.! તમારા માટે અશુભ જ છે. શુભનું મહોરું પહેરીને આવ્યું છે. એટલે નિતાંત અશુભ જેટલું ખતરનાક નથી. એટલું આ શુભના મહોરમાં આવેલું અશુભ ખતરનાક છે. અને તમે આત્મસંતુષ્ટ હોવ તો બહુ સરસ કરો છો. આટલા શુભમાં રહો છો. બે કલાક ભક્તિ કરી, બે કલાક જાપ કર્યો. But what’s your achievement? તે મેળવ્યું શું, એ તો કહે.!

તો એક-એક વર્ષનું લક્ષ્યાંક કરો. આ વર્ષના અંતે હું ક્યાં સુધી હોઈશ. આજની મોટી-મોટી કંપનીઓ હોય છે ને એમના CEO ને લાખો રૂપિયાનું પેકેજ મળે છે. શા માટે મળે છે? માત્ર એમની બુદ્ધિને કારણે. એમની કાર્યદક્ષતાને કારણે. એ કંપની લોસમાં ગઈ છે. કરોડોના ફડચામાં ગયેલી છે. એક અત્યંત નિષ્ણાંત માણસને CEO તરીકે લાવવામાં આવે છે. એ માણસ સીધો બેસી જાય છે, ટેબલ વર્ક કરવા માટે. લેપટોપ લઈને બેસી જાય છે, શું કરવું જોઈએ? અત્યારે આટલું પ્રોડક્શન છે. પ્રોડક્શન શી રીતે વધારવું? પ્રોડક્શન વધ્યા પછી સેલ કઈ રીતે કરવાનું? અને મજુરો જે છે એ કર્મચરીઓ એ કામ ન કરે તો શું કરવું જોઈએ? કામ કરે તો ઉત્તેજન કઈ રીતે આપવું? એક મહિનામાં તો લોસ કરતી કંપની ને પ્રોફિટ કરતી કંપનીમાં ફેરવી નાંખે. લક્ષ્યાંક છે એની પાસે. આપણી કંપની અનંતા જન્મોથી લોસ કરતી આવી છે. હવે એને પ્રોફિટ બનાવતી કંપનીમાં ફેરવવાની છે? અને એના માટે ઊંડાણ સિવાય, અનુભૂતિ સિવાય કોઈ માર્ગ નથી.

શુભ, શુભનો વેગ અને શુદ્ધ. આ જ આપણી સાધના પદ્ધતિ છે. શુભમાં જ તમે રહી ગયા તો પગથિયામાં ઘર કરીને બેસી ગયા. તો તમને કહ્યું, ખબર છે પૂજામાં: ‘સાંભળજો મુનિ સંયમ રાગે, ઉપશમ શ્રેણી ચડીયા રે’. શ્રેણીમાં ચડીને અટકી કેમ ગયા? સંયમનો પણ રાગ આવ્યો હતો. સંયમનો રાગ છે. નહિ ચાલે. એટલે આ રીતે તમારે શુદ્ધમાં જવું છે. એટલે હવે શુભનો વેગ જરૂરી છે એના માટે. શુભના વેગનો મતલબ શું થશે? શુભમાં અત્યંત તમારી તન્મયતા. અત્યારે શુભ કરો છો ને, તમે ફોર્સ નથી. દેરાસર જઈ આવ્યા. અડધો કલાક બેસી આવ્યા. શું લઈને આવ્યા પણ? તમે દસ મિનીટ નવકારશી કરવામાં ગાળો છો તો ભૂખ લાગેલી હોય છે, શાંતિ થાય છે, અનુભવ થાય છે. તમે અડધો કલાક પ્રભુની પાસેથી આવ્યા. What’s your experience? શું અનુભવ લઈને આવ્યા તમે? સ્તવનમાં કહ્યુ ને; ‘ખોટ ખજાને કો નહિ, દીજીયે વાંછિત દાનો રે’. ભગવાન કહે; મારે ખજાને ખોટ નથી બરોબર છે. હું તો આપવા તૈયાર જ બેઠેલો છું, તું લેતો નથી એનું શું કરું? પ્રભુ તો અક્ષય ખજાનો છે. કોઈ ગમે એટલું લે ને. ક્યાં ખૂટવાનું છે!

હું ઘણીવાર કહું, એક માણસ મંદિરે જાય છે. ૧૦૦ રૂપિયાની નોટ લઈને જાય છે, રૂપિયા-રૂપિયાની. સો ભિખારીઓને આપે છે. એટલે એનું ખિસ્સું ખાલી થઈ જાય છે. એક સંત હજારોને જ્ઞાન આપશે, એનું જ્ઞાન ખતમ નહિ થાય.! પેલું નશ્વર ધન છે, આ અનશ્વર ધન છે. તો શુભમાં માત્ર રહેશો એ ચાલશે નહિ. શુભના વેગમાં જવું પડશે. એક-એક શુભનો યોગ એવો હોય એમાં તમે તન્મય થઈ જાઓ, ડૂબી જાઓ, તલ્લીન થઈ જાઓ આમ. એ વખતે બીજો કોઈ વિચાર ન હોય. બીજો કોઈ ખ્યાલ ન હોય. તમને કદાચ કોઈ બુમ પાડે કોઈ એક-બે તો પણ ખ્યાલ ન હોય એટલાં તમે ઊંડા પહોંચી ગયેલા હોવ.! એટલે આ જે શુભનો વેગ છે ને, એ જ શુદ્ધમાં લઇ જાય છે.

એટલે અર્થપોરિસીમાં ધ્યાન કહ્યું, એ એટલા કારણે જ કહ્યું કે એક શબ્દના અર્થના તમે ઊંડાણમાં જાઓ, ઊંડાણમાં જાઓ, ઊંડાણમાં જાઓ. શબ્દો છૂટે, વિચાર છૂટે, અને ધ્યાન આવવા માંડે. એટલે માત્ર શુભમાં બેસી રહેવાથી કામ નહિ ચાલે. એક-એક શુભમાં ફોર્સ જોઇશે. અને એ શુભનો ફોર્સ જે છે ને, એ જ તમને શુદ્ધમાં લઇ જશે, પછી શુભ નીકળી જશે. પછી શુભને કાઢવાની જરૂર નથી પછી. શુદ્ધ મળ્યું ને એટલે શુભ ઓટોમેટીક નીકળી જાય છે. અને એ શુદ્ધનો આનંદ એકવાર માણો ને તમે; તમે પરમાં જઈ નહિ શકો.!

આપણી કક્ષાએ શુભ આપણે રાખવાનો જ છે. કારણ કે આપણે એવો વિશ્વાસ ન કરી શકીએ કે સતત શુદ્ધમાં આપણે રહીશું. એટલે શુભનું આલંબન તો છોડવાનું જ નથી. વ્યવહારધર્મ આપણે છોડવાનો જ નથી. પણ એ વ્યવહારધર્મમાં ઊંડાણ લાવીને નિશ્ચયનો સ્પર્શ તો કરવાનો જ છે. ‘નિશ્ચયદ્રષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર’. આપણે કડીનો ઉત્તર ભાગ લઇ લીધો અને પૂર્વ ભાગ જવા દીધો.! ‘નિશ્ચયદ્રષ્ટિ હૃદયે ધરીજી’ એ તો ચોપડીમાં રાખ્યું. ‘પાળે જે  વ્યવહાર.’ અને એ વ્યવહાર પાલન પણ કેવું છે પાછુ? એ ય ઠેકાણા વગરનું છે.!

તો આંતર-નિરીક્ષણ કરશો તો તમને ખ્યાલ આવશે કે લક્ષ્યાંક શું છે? અને એ લક્ષ્યાંક ને મારે કઈ રીતે પામવું છે?

તો હસન ચમત્કારિક સંત, રાબિયા અંદર પહોંચેલા સંત. બેઉ ભેગા થયા. તો હસને કહ્યું; કે રાબિયા આપણે ચર્ચા કરીએ. હવે હસન પાસે ઘણી બધી લબ્ધિઓ હતી. એવી એક લબ્ધિ હતી કે પાણી ઉપર પણ એ જમીનની જેમ ચાલી શકે. પાણી ઉપર જમીનની જેમ બેસી શકે. તળાવ હોય એના ઉપર ચટ્ટાઈ પાથરીને એના ઉપર બેસી જાય. એટલે હસને રાબિયાને કહ્યું; અહીં તો લોકોનો અવાજ બહુ આવે છે. ચાલો ને પેલું તળાવ છે ને, એ તળાવની અંદર બેસીને આપણે ચર્ચા કરીએ. રાબિયાને ખબર હતી કે હસન પાસે આ સિદ્ધિ છે. રાબિયા પાસે બીજી સિદ્ધિ હતી. હવામાં ઉડવાની. તો કહે કે તળાવમાં વાત કરવી એના કરતા હવામાં ઉડીને વાતો કરીએ ને આપણે.! હવામાં ઉડીએ અને પછી ક્યાંક સ્થિર બેસી જઈશું અને તત્વચર્ચા કરશું. હસન પાસે એ સિદ્ધિ નહતી. હસનનું મોઢું પડી ગયું. રાબિયા કહે છે; ભાઈ મારા! મારી પાસે સિદ્ધિ છે એ એક માખી પાસે પણ છે.! અને ચકલી અને કબુતર પાસે પણ છે.! અને તમારી પાસે સિદ્ધિ છે એ એક માછલી પાસે છે.! એ સિદ્ધિનો ગર્વ ક્યારેય કરતા નહિ.! એટલે આજે એટલું તો પ્રભુની પાસે માગજો કે પ્રભુ કોઇ પણ શક્તિ તું મને આપે તો એ શક્તિના કારણે અહંકાર મને ન આવે એવું વરદાન ભેગું તું આપી દેજે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *