निंदक नियरे राखिए
સંસારની દોડમાં હોવ, ત્યારે અહંકાર હોય કે આવો બંગલો મારી પાસે છે, આવા પૈસા મારી પાસે છે. સાધનામાં આવ્યા પછી પણ જો જ્ઞાનનો અહંકાર હોય, તપસ્વીને તપનો અહંકાર હોય, તો મૂળ વાત તો એની એ જ રહી; ત્યાં પણ અહંકાર હતો, અહીં પણ અહંકાર છે.
તમારો અહંકાર શિથિલ બન્યો છે એની પારાશીશી એ કે તમારી પ્રસંશા થાય એ તમને ઝેર લાગે અને તમારી કોઈ નિંદા કરે એ તમને અમૃત લાગે. શરીરની મલિનતા જેને ખટકે એને દર્પણ ગમે. તેમ મનના ભીતરના દોષો જેને ખટકે એને સદ્ગુરુ અને કલ્યાણમિત્રો જેવા દર્પણો ગમે અને પ્રસંશકોથી દૂર ભાગવાની ઈચ્છા થાય.
સ્વકલ્યાણ વિના પરકલ્યાણમાં ક્યારેય પણ જવાનું નથી. તમે સ્વનિયંત્રિત હોવ, ગુરુ દ્વારા નિયંત્રિત હોવ અને તમને એ ખ્યાલ હોય કે હું હજારો લોકો જોડે કદાચ કામ પાડીશ તો પણ મને અહંકાર પેદા નહિ થાય. આવો સ્વકલ્યાણનો એક ફાઉન્ડેશન તમારી ભીતર હોય, પછી જ તમારે પરકલ્યાણમાં જવું જોઈએ.
નવસારી તપોવન વાચના – 34 [1.5.2020]
તપાચારમાં બાહ્યતપના પ્રકારો એ સ્થૂળ તપાચાર. અભ્યંતર તપના પ્રકારો એ સુક્ષ્મ તપાચાર એમાં આપણે વિનય અને વૈયાવચ્ચની વાત કરતાં હતાં. સાધનાનો મુખ્ય અવરોઘ છે અહંકાર. અને એ અહંકાર delate ન થાય ત્યાં સુધી આપણી સાધના ખરેખર આગળ વધી શકે એમ છે જ નહિ. સંસારમાં હતા ત્યારે અહંકાર હતો. આવો બંગલો મારી પાસે છે, આવા પૈસા મારી પાસે છે. અહીં આવ્યા પછી હવે જ્ઞાનનો અહંકાર થયો. તપસ્વી હોય તો તપનો અહંકાર થાય. વાત તો એની એ જ રહે. ત્યાં પણ અહંકાર કરતા હતા, અહીંયા પણ અહંકાર કરો છો.
એટલે જ માનવિજય મહારાજે કહ્યું કે પ્રભુ તારી આજ્ઞાપૂર્વકની સાધના હું કરું તો જ તારા પંથ ઉપર હું ચાલી શકું. તો હવે જેમ-જેમ વિનય અને વૈયાવચ્ચ કરીએ તેમ-તેમ અહંકાર શિથિલ બને છે કે કેમ, એ જોતા જઈએ. અહંકાર શિથિલ બનશે ત્યારે શું થશે? બે ઘટના ઘટશે – પ્રસંશકોથી દુર રહેવાની ઈચ્છા થશે અને નિંદકો તમને ગમશે.
કબીરજીનું એક પદ છે, “નિંદક નિયરે રાખીએ, અંદર કુટિયા બિછાય.” તમારા આંગણામાં એક નાનકડી ઝુંપડી બનાવજો અને એમાં નિંદકને રાખજો. એટલે સતત તમારી ટીકા એ કર્યા કરે. હું ઘણીવાર પ્રવચનોમાં લોકોને પૂછું કે તમારે રીસેપ્શનમાં જવાનું હોય. તૈયાર થઈ ગયા. અને એ દર્પણમાં મોઢું જોયું. RAZER થી વાળ સાફ કરતા થોડા વાળ રહી ગયા છે. કાનમાં થોડો સાબુ ભરાઈ રહ્યો છે. દર્પણ આ દેખાડે પછી દર્પણ પર ગુસ્સો કેટલો આવે? સાલા, હરામખોર…! મારા જેવો માણસ સર્વગુણસંપન્ન! એના તું દોષો બતાવે! એ વખતે દર્પણ કેવો લાગે? સારું થયું દર્પણમાં મોઢું જોયું, આમને આમ ગયો હોત તો ગગા જેવો લાગત.
તો શરીરની મલિનતા જેણે ખટકે એને દર્પણ ગમે. મનના ભીતરના દોષો જેને ખટકે એને સદ્ગુરુ અને કલ્યાણમિત્રો જેવા દર્પણો ગમે. અને પ્રસંશકોથી દૂર ભાગવાની ઈચ્છા થાય. મેં પહેલા તમને કહેલું એમ ખરેખર ગુણાનુરાગી વ્યક્તિ તો બહુ ઓછા મળશે. કાં તો તમે ઉંચી પોસ્ટ ઉપર છો, સંસારમાં કે અહિયાં; તો જી હજૂરિયાઓ કે ચમચાઓ આજુ-બાજુ ગોઠવાઈ જાય. એ ચમચાઓની પ્રસંશા સાચી ક્યારેય પણ ન હોય. એટલે તમારો અહંકાર શિથિલ બન્યો છે એની પારાશીશી આ – કે પ્રસંશા તમને ઝેર લાગે છે, નિંદા તમારી તમને અમૃત લાગે છે.!
મહારાજ સાહેબ તમે પેલાની જોડે વાત કરી ત્યારે સહેજ ગુસ્સે થઈ ગયા હતા. એકદમ સાચું હો. મારે ગુસ્સે ન થવું જોઈએ. હું સાધુ પુરુષ છું. મારે એકદમ પ્રેમથી જ વાત કરવી જોઈએ. હું ગુસ્સે થયો એ મારી ભૂલ હતી. તે મને બતાવી THANKS. અને હું ઘણીવાર એક વાત કરું છું કે આમ પણ છે ને લાલ આંખ વાળાનો જમાનો પૂરો થઈ ગયો હવે. ૧૦૦ વરસ પહેલા હતો. ૫૦ વરસનો દીકરો હોય અને ૭૦ વરસનો એનો બાપ જોશથી બોલે ને ગુસ્સાથી તો ૫૦ વરસના દીકરાને પરસેવો વળી જતો. એટલે લાલ આંખ વાળાનો એક જમાનો હતો. હવે એ જમાનો પૂરો થઈ ગયો. ન સંસારમાં કે ન અહીંયા. હવે માત્ર અને માત્ર smiling face નો જમાનો ચાલુ થયો છે. red eyes નહિ, smiling face. હસતો ચહેરો.
મને લોકો ઘણીવાર પૂછે કે તમે ગુસ્સે કેમ નથી થતા? હું કહું, તમે લોકો એટલાં બધા ગુણીયલ છો કે ખાલી તમને હસતા-હસતા કહું તો પણ તમે સ્વીકારી લો છો. એટલે હું ગુસ્સો નથી કરતો એમાં તમારી કૃપા. સમજી ગયા…!
હકીકતમાં છે ને આપણે આંતરનિરીક્ષણમાં કાચા પડીએ છીએ. એટલે અનાદિની સંજ્ઞાની ધારા ચાલી આવી છે એ ધારામાં તમે દોડો છો. પણ વિચાર તો કરો કે આનાથી ફાયદો કોને? તમે અત્યંત ગુસ્સે થશો, એથી ફાયદો કોને થવાનો છે? અને તમે પ્રેમથી વાત કરશો તો તમારી વાત સ્વીકારશે જ. મારા માંડલી નિયામકને હું કહું કે કોઇ પણ વાત તારે કહેવી હોય તો તારે પ્રેમથી કહેવાની બધાને. કોઈની જોડે પણ સહેજ ઊંચા અવાજે પણ બોલવાનું નહિ. તું માંડલી નિયામક છે. બધાની જોડે તારે કામ પડશે. બધાને કામ તારે સોંપવાનું છે. એક પણ વ્યક્તિ જોડે ઊંચા અવાજે તારે બોલવાનું નથી. માત્ર હસતા-હસતા જ તારે વાત કરવાની છે. અને એને મને કહેલું કે સાહેબ! આપે કહેલું મેં સ્વીકાર્યું, મને પણ એટલો બધો આનંદ છે, બીજાઓને ય એટલો આનંદ છે. તમારા જીવનની સાર્થકતા છે શેમાં?
એક ફિલોસોફરે બહુ સરસ લખેલું છે કે એક પિતા છે, ૩૦ વરસનો છોકરો, બે-ત્રણ બાળકોનો પિતા છે. એ પિતા ઘરમાં આવે, દીકરાઓ ધ્રુજવા માંડે તો પિતાની નાલાયકી છે. અને પિતા કારમાંથી બહાર નીકળે અને દીકરાઓ દોડતા એને ભેટી પડે એ પિતાની ખરેખર લાયકાત છે. ઘણા ઘરમાં તો પપ્પા કે જાણે વાઘ આવ્યો. શું કર્યું આ? કોણે કરી નાંખ્યું? કોણે ફોડ્યું? આપણે આપણા નેચરને એકદમ વ્યવસ્થિત રાખવાનો છે.
એક વિદ્વાનને એક સાધકે કહ્યું કે સાહેબ આમ મને ગુસ્સો આવતો નથી એવું મને લાગે છે. પણ તમારાં જેવા પરીક્ષા કરે તો મને ખબર પડે. તમે જરા ક્રોધથી મને બોલાવો. બે-ચાર ગાળો ચોપડાવો. પેલા વિદ્વાને કહ્યું; આવી પરીક્ષા કરવા હું તૈયાર નથી. મારા પગને મારે કાદવમાં ડુબોડવાના અને તારું કલ્યાણ કરવાનું? ના એ વાત નથી મારી પાસે.
આપણે ત્યાં એક બહુ વાત સરસ કરી છે. સ્વકલ્યાણ વિના પરકલ્યાણમાં ક્યારેય પણ જવાનું નથી. પરકલ્યાણ તમે ક્યારે કરી શકો? તમે સ્વનિયંત્રિત હોવ. ગુરુ દ્વારા નિયંત્રિત હોવ. અને કઈ રીતે કામ કરવું એનો તમને ખ્યાલ હોય. તમને એ ખ્યાલ હોય કે હું હજારો લોકો જોડે કદાચ કામ પાડીશ તો પણ મને અહંકાર પેદા નહિ થાય. આવો સ્વકલ્યાણનો એક ફાઉન્ડેશન તમારી ભીતર હોય પછી જ તમારે પરકલ્યાણમાં જવું જોઈએ.
બુદ્ધના એક શિષ્ય હતા. અંકમાલ. અંકમાલે દીક્ષા તો લીધી. પણ બહિર્વૃતિ બધાની નષ્ટ થતી નથી. કો’ક ભાગ્યશાળી હોય અને એ જ પ્રભુની કૃપાને ઝીલી શકે અને અંતર્મુખ બની જાય. તો અંકમાલ બહિર્મુખ હતો. એની ઈચ્છા કે કયાંક અલગ ચાતુર્માસ કરવા મળે ને તો આપણો પણ એક ભક્તવર્ગ તૈયાર થાય. આમાં તો સાલું કોઈ મને ઓળખતું જ નથી. આ હજાર-હજાર સાધુઓનું ટોળું ચાલ્યું આવે. એમાં અંકમાલને કોણ ઓળખે? આપણી એક identity થવી જોઈએ ને.. એ બુદ્ધ પાસે આવ્યો. એ કહે; ભગવાન ચાતુર્માસની વિનંતીઓ આવે અને આપને botheration જેવું લાગે, કોને મોકલવો?! તો મને યાદ કરજો.! બુદ્ધ હસ્યા. એ જ સાંજે બુદ્ધને આમ્રપાલીને ત્યાં પ્રવચન માટે જવાનું હતું. આમ્રપાલી એટલે મગધની રાજનર્તિકા. પણ એ બુદ્ધની ઉપાસિકા બની ગયેલી. તો બુદ્ધે વિચાર કર્યો અંક્માલને જોડે લઇ જાઉં આજ. અંકમાલ ને જોડે લઇ ગયા. એક કલાક પ્રવચન ચાલ્યું. બુદ્ધ થોડી થોડી વારે અંકમાલની સામે જોતા હતા. શિષ્ય સામે જ બેઠેલો હોય ને. એ ચહેરા સામુ જોતા હતા. અને પેલો જે છે ને બુદ્ધની નજર ન પડે ને ત્યારે સાઇડમાં બેઠેલી આમ્રપાલી પર નજર નાંખી દેતો. આ તો બુદ્ધ હતા. પછી આવી ગયા. બુદ્ધ તો કાંઈ બોલ્યા નહિ. રાતના સમયે બુદ્ધે પોતે એક ભિક્ષુને મોકલ્યો. જરા અંકમાલને કહે ને તું, કે પેલા સાધુ તારી નિંદા કરતા હતા અને તારા માટે બહુ ખરાબ બોલતા હતા. સાવ ખોટે ખોટું હતું. જ્યાં અંકમાલ પાસે વાત ગઈ. અંકમાલ ગુસ્સે થઈ ગયો. કોણે મારા માટે આવી વાત ફેલાઈ? હું ક્યા આવો છું? હું આવો છું.. હું આવો છું… બીજી સવારે અંકમાલ બુદ્ધને વંદન કરવા માટે આવ્યો. બુદ્ધે કહ્યું, કેમ અલગ જવાય એવું છે હવે? તું એવો ક્રીટીકલ પેશન્ટ છે કે મારી ગેરહાજરીમાં તને રખાય નહિ. એટલે સ્વકલ્યાણ માટે પહેલા મહેનત કરવી છે, પરકલ્યાણ તો થઈ જાય છે.
કલાપૂર્ણસૂરી દાદા છેલ્લે વાચના આપતા કે પ્રવચન આપતા હતા. ૧૦-૧૫ આગળના માણસો સાંભળી શકતા. પણ એમને જોવા માટે હજારો લોકો રોજ ઊમટતા. પાલીતાણામાં જોતો. એક-એક સમારોહ હોય, ત્રણ-ત્રણ કલાકનો. દાદા તો જોઈએ જ. દાદા વચ્ચે ખુરશી ઉપર બેઠેલા હોય. અને આયોજકની વિનંતી હોય કે દાદા તમારે છેલ્લે જ પ્રવચન આપવાનું. તમે જો આગળ બોલશો ને તો લોકો જતા રહેશે. ભલે સંભળાય કે ન સંભળાય, દાદા બોલી ગયા. પતી ગયું. એ જે આકર્ષણ હતું. શેનું હતું? સાધનાનું આકર્ષણ હતું. તમે બોલો તો, ન બોલો તો; પરકલ્યાણ તમે કરી શકશો. પણ સ્વકલ્યાણ પહેલા તમારી પાસે હોવું જોઈએ. અને એના માટેની આ વસ્તુ છે – કે અહંકાર એકદમ આપણો શિથિલ થવો જોઈએ.
તો ગઈકાલવાળા પેલા ગુરુની વાત. એક અઠવાડિયા સુધી ગુરુએ how to bow? કેમ ઝૂકવું એ સમજાવ્યું. હવે એક મહિના સુધી તો પ્રોફેસર રહેવાના જ છે. ગુરુ કઈ રીતે કામ કરે છે, એ જુઓ. બીજું અઠવાડિયું શરૂ થયું. ગુરુએ કહ્યું કે તું માત્ર મને વંદન કરી લે એ ચાલે નહિ. આશ્રમના બધા જ ભિક્ષુઓને તારે પ્રણામ કરવાના, અને આ જ રીતે કરવાના. એટલે એ ક્રિયાને બહુ સરસ રીતે ઊંડાણમાં લઇ ગયા. પચાસેક ભિક્ષુ આશ્રમમાં હશે. તો રોજ પચાસે ભિક્ષુઓને વંદન કરવાનું અને પછી ગુરુ પાસે આવી વાચના લેવાની. એટલે પહેલા ત્રણની વાચના હતી, પોણા ત્રણે આવતા હતા. હવે એક વાગે આવવાનું શરૂ કરી દીધું. એકથી પોણા ત્રણ સુધી બધા જ ભિક્ષુઓને વંદન. છેલ્લે ગુરુ પાસે આવી. વંદન કરી. અને સાંભળવાનું.
અમે લોકો પાલીતાણા હતા ને અરવિંદસૂરી દાદાની નિશ્રામાં. રત્નસુંદરસૂરીજી પણ અમારી જોડે હતા. તો હિંમતભાઈ બેડાવાળા પણ એ ચોમાસામાં હતા. ઘણીવાર બપોરે મારી પાસે આવે વાચના લેવા માટે. પણ પહેલા ગુરુમહારાજને વંદન કરી લે. પછી મને કરે. ક્રમસર બધા સાધુઓને વંદન કરે અને બધાને વંદન કરીને ફરી મારી પાસે આવે. ફરી વંદન કરીને વાયણાનો આદેશ લઈને બેસી જાય. ક્યારેક તો મારો કોઈ શિષ્ય કહી દે કે હિંમતભાઈ, સાહેબ પોતે તમારી સાધનાની એટલી પ્રસંશા કરે છે, ને તમારી સાધના એટલી ઊંચકાયેલી છે કે તમે અમને વંદન કરો છો, અમને શરમ આવે છે! ત્યારે હિંમતભાઈ કહેતા; સાહેબ! તમારી પાસે પંચમહાવ્રત છે, મારી પાસે ક્યાં છે? આ જન્મમાં મળી શકે એમ છે નહિ શરીરની નાદુરસ્તીને કારણે. પણ તમને બધાને વંદન એટલાં માટે કરું છું કે આવતા જન્મમાં આઠ વરસની વયમાં મને આ સાધુનો વેશ મળે.
તો બીજું આખું અઠવાડિયું આ ચાલ્યું. બધા જ ભિક્ષુઓને વંદન કર્યું. તો શું થયું? એક નમસ્કારભાવ જે છે ને એ સઘન થતો ગયો. એટલે ગુરુ ધીરે ધીરે શબ્દ ઓછા કરતા જાય છે. પ્રેક્ટીકલી વધારતા જાય છે. ઉપધાનની આખી આરાધના કઈ છે બોલો? હિંદુ પરંપરામાં ઉપનિષદ શબ્દ છે. આપણી પરંપરામાં ઉપધાન શબ્દ છે. ઉપનિષદનો જે અર્થ છે એ જ ઉપધાનનો અર્થ છે – કે ગુરુના ચરણોમાં બેસવું, અને ગુરુ જ્ઞાન આપે એને સ્વીકારવું. પણ શિષ્ય તરીકે તમારું કર્તવ્ય માત્ર ગુરુના ચરણોમાં બેસવાનું છે. જ્ઞાન કયું આપવું? કેવું આપવું? શી રીતે આપવું? એ ગુરુ તરફ ખુલતી વાત છે. તમારે તો માત્ર સમર્પિત થઈને ગુરુના ચરણોમાં બેસવાનું. વિચાર તો કરો. આપણે એક છોકરાને કે કિશોરને સંસારની અંદર હોય ત્યારે પણ આ એક ટેકનીકમાં લઇ ગયા. ઉપધાન… તું ગુરુના ચરણોમાં જા. અને ગુરુ કહે એ રીતે જ્ઞાનને પ્રાપ્ત કર. રોજના ૧૦૦ ખમાસમણ દે. ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરે. ઉપવાસ-નિવિ બધું કરે. અને ત્યારે એનો તપ પૂરો થાય ત્યારે પહેલા પાંચ પદ આપે નવકારના. છેલ્લાં પછી ચાર પદ આપે. ત્યારે એને મહત્તા સમજાય કે નવકાર ગુરુ પાસેથી મેળવવો એટલે શું? હું શા માટે અહીંયા આવ્યો છું? નવકાર તો મને આવડે છે. અને નવકારવાળી મારે ગણવાની છે. રોજ ગણું છું હું. ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ પણ કરું છું. તો ગુરુ પાસે શા માટે આવ્યો? નમસ્કાર મહામંત્રનું જે ઊંડાણ છે, એ ઊંડાણ મને સ્પર્શે માટે હું આવ્યો છું.
એટલે તમે લોકો પણ અઢારીયુ કરાવો ને, તો અઢારમાં દિવસે. ઓગણીસમાં દિવસે જયારે વિદાય થાય ત્યારે એના અહંકારને તમારી જોડે – તમારાં ચરણોમાં મુકીને જનારો હોવો જોઈએ. એ નમસ્કારભાવ લઈને જનારો હોવો જોઈએ. એને તમે સમજાવો કે એક નવકારમંત્ર લેવા માટે અઢાર દિવસ શા માટે? શા માટે? એને આપતા એક મિનીટ પણ ન થાય! તો એક મિનીટની પ્રોસેસ માટે અઢાર દિવસ? Why? શા માટે? પછી તમે એને સમજાવી શકો કે માત્ર તમે શબ્દોથી એને લઇ લો, એથી કામ ન ચાલે. ખરેખર એ શું છે, એ તમારે સમજવું પડે.
અને એ સંદર્ભમાં પંન્યાસજી ભગવંત કહેતા કે નમસ્કાર મહામંત્રમાં ‘નમો’ એ જ મહત્વની ઘટના છે, અરિહંતાણં, સિદ્ધાણં, આયરિયાણં પછી છે. અરિહંતાણં નમો નથી કહ્યું; ‘નમો અરિહંતાણં’. પહેલા ‘નમો’ છે. ઝુકી જાઓ! કોને ઝૂકો છો એ બીજી વાત છે. ઝુકી જાઓ!
આપણી વાત કરીએ. ‘નમો લોએ સવ્વસાહુણં’ કેટલી વાર બોલ્યા હોઈશું? જ્યાં પ્રભુનો વેશ દેખાય ત્યાં ઝૂકવાનું મન થઈ જાય. ભલે વ્યવહારથી વંદન ન કરી શકીએ. પણ અહોભાવના લયમાં.. આંખો ભીની બને.. અત્યારે પણ કોઈ બાલસાધુને હું જોઉં. નાનકડી ૧૦ વરસની સાધ્વીજીને કોઈને જોવું. મારી આંખો આંસુથી છલકાઈ જાય છે. કેટલો બડભાગી દીકરો? કેટલી બડભાગી આ દીકરી? કે આ યુગમાં એને દીક્ષા મળી ગઈ? એના માતપિતાનું આ સમર્પણ પણ કેટલું મહત્વનું છે? કે પોતાના કલેજાના ટુકડાને પ્રભુ શાસનને આપી દીધો. એટલે એક પણ મહાત્માને જોતા આંખમાં અમી છલકાય. મારા ભગવાનનો વેશ છે! એટલે તિથી પૂછવાની નહિ. ગચ્છ પૂછવાનો નહિ.
આનંદઘનજી મહારાજના સમયમાં પણ આ ગચ્છના ભેદોને કારણે ગુંગળામણ હતી. અને એટલે જ એમણે સ્પષ્ટ કર્યું; ચૌદમાં સ્તવનમાં. ‘ગચ્છના ભેદો નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાર્ય કરતાં થકા, મોહ નડીયા કલિકાલ રાજે’ એ લોકોને વાત કરવાનો અધિકાર શું છે, કહે છે! ‘ઉદર ભરણાદિ નિજ કાર્ય કરતાં થકા’ આપણે ત્યાં વચ્ચે ગોરજીઓની પરંપરા હતી. હવે ગોરજીઓની પરંપરા હતી. શિથિલાચારી જરૂર હતી. પણ એમની પાસે અમુક સાત્વિક વિદ્યાઓ હતી. અને શાસનનિષ્ટતા એ લોકો પાસે હતી. એટલે હમણાં ઘણા-ઘણા લોકોને લાગ્યું છે, ચિંતકોને, કે ગોરજીસંસ્થાનો આપણે એકદમ વિરોધ કરી નાંખ્યો અને સમાજમાંથી એમને નિર્મૂળ કરી નાંખ્યા એ ખોટું કર્યું છે. એમની પાસે જે સારું હતું ને એ લઇ લેવાની જરૂર હતી. કારણ કે એમની પાસે એક પરંપરા હતી. અને એ પરંપરા દ્વારા એમને મળતું હતું.
એક સંતની વાત આવે છે. જતા હોય છે વિહારમાં. મુસ્લિમ બાદશાહનું શાસન છે. અને એ બાદશાહનો જે દીકરો છે શાહજહાંનો. એ સાધુ-સાધ્વીઓનો ભયંકર દુશ્મન. કોઇ પણ ધર્મના સાધુ હોય એટલે સીધા જ એની મશ્કરી, ટીખળ. હવે એ બાજુ જતા હતા. ત્યાં શાહજાદાનો મહેલ આવતો હતો. લોકોએ ના પાડી. સાહેબ તમે એ બાજુ ન જાવ. તમારે જાનનું જોખમ થઈ જશે. પણ સાધુ સાત્વિક હતા. પ્રભાવશાળી હતા. કંઇ વાંધો નહિ આવે. ગયા. શાહજાદાને ખબર પડી, કોઈ સંત આવે છે. આહ્હ્હા, ઘણા દિવસે, આ જ તો મજા આવી જશે. બરોબરના હેરાન કરી નાંખીએ. એ ઘોડા ઉપર બેસીને આવે છે. સંત એવા ને એવા, એકદમ મજામાં! પાંચ ફૂટ દુર ઘોડો ઉભો રહ્યો. આજુ બાજુ લોકો સ્તબ્ધ. કે હમણાં શું કરશે શાહજાદા? પાંચ ફૂટ દુર ઘોડો ઉભો રહ્યો. ત્યારે સંતે કહ્યું, “બાદશાહ કા બેટા ખડા રહેજા. બાદશાહ કા બેટા ખડા રહેજા! તું ભી ખડા રહેજા. તેરા ઘોડા ભી ઠહર જાયેગા.” બસ. પછી તો પેલાનો હાથ ન હલે કે પગ ન હલે. ઘોડો પણ થઈ ગયો સ્થિર. હવે સંત તો રવાના થઈ ગયા. કલાક – બે કલાક. અગ્યાર વાગ્યા, બાર વાગ્યા. બપોરનો તડકો. ન ઘોડો હલે. ન પેલાને ઉખાડી પણ શકાય. ચોંટી ગયેલો.!
બાદશાહને ખબર પડી. સાલું આ તો કોઈ પ્રભાવશાળી સાધુ લાગે છે. એમની પાસે જવું પડશે. બાદશાહ ગયો ત્યાં. સંતને કહે; સાહેબ! તમે તો કરુણાના સાગર છો. મારા દીકરાને મુક્ત કરી દો. મુક્ત કરી દઉં પણ એક શરતે. તમારે પણ શરત કરવી પડશે ને, દીકરાને પણ બોલાવો અહીંયા. દીકરાને હું બોલાવી દઈશ મારા મંત્રથી. એક પણ સંતને, કોઇ પણ પંથના સંત હોય, એ સંતને ક્યારેય પણ હેરાન નહિ કરવાના, એની પ્રતિજ્ઞા તમે જણા લો, લેવા તૈયાર હોવ; ખોલી દઉં. સાહેબ, હું તૈયાર, મારા દીકરા વતી પણ કહી દઉં. સાધુ એટલું જ બોલ્યા, “બાદશાહ કા બેટા યહા આજા.” “યહા આજા.” ઘોડો ચાલવા માંડ્યો.! અને સંત હતા એ ત્યાં જઈને ઉભો રહ્યો. સંતે કહ્યું, “અબ નીચે ઉતરજા.” ઉતરી ગયો નીચે! હવે શરીર એકદમ હરવા-ફરવા માંડ્યું. પછી બંને જણાએ પ્રતિજ્ઞા લીધી. પછી ગયા..
આવી એક ગોરજીની વાત આવે છે. એક ગામમાં આપણું દેરાસર. એક અટકચાળો છોકરો હતો. જે દેરાસરની પાછળ જ પેશાબ કરે. ઘણો સમજાવ્યો. પણ સમજવા તૈયાર નહતો. એના માતપિતા પણ અડબંગ હશે. દીકરાને સમજાવતા નહતા. એમાં એક ગોરજી આવ્યા. ગોરજીને લોકોએ વાત કરી સંઘના આગેવાનોએ કે સાહેબ આ વાત છે. “અચ્છા, અચ્છા ઇસમેં ક્યાં હે? હો જાયેગા.” ઉપાશ્રય હતો દેરાસરની પાછળ જ હતો. જ્યાં પેલો છોકરો આવ્યો. ગોરજી તરત આવી ગયા. “યહાં પેશાબ નહિ કરને કા હે ચલો જાઓ.” પેલો તો માથાભારે. કેમ? તુમ્હારે બાપ કી જગહ હે? ગોરજી કહે, “અચ્છા! અચ્છા! પેશાબ કરના હે ના, કરો.” ચાલુ ને ચાલુ જ…! અડધો કલાક, કલાક… એના મા-બાપ, સગા-વહાલા બધા આવ્યા. ગોરજીના ચરણોમાં પડયા. ગોરજી કહે, “પહેલા બધા પાણી લો. હાથમાં પાણી લો. પ્રતિજ્ઞા લો કે ક્યારેય પણ દેરાસરની આશાતના અમે નહિ થવા દઈએ.” પ્રતિજ્ઞા લીધી. “ચલો અબ બંધ કરો.”
એટલે શક્તિ હતી પણ મહદ્અંશે એનો ઉપયોગ એ લોકો શાસનસેવા માટે કરતા. ક્યારેક કો’ક રાજશી કે તામસી માણસ આવી જાય તો પોતાના માટે ઉપયોગ કરી નાંખે એ બે નંબરની વાત છે. પણ નહીતર લગભગ શાસનસેવા માટે એ લોકો પોતાની શક્તિ વાપરતા. એ આખી જે મંત્ર-તંત્રની પરંપરા એમની પાસે હતી ને એ આપણે લેવાની હતી. આપણે લઇ ન શક્યા. સીધો વિરોધ કરી નાંખ્યો. અને એ સંસ્થા ખતમ થઈ ગઈ.
કોણ જાણે આપણા બ્લડમાં જ વિરોધ આવી ગયો છે. આનો વિરોધ ને, આનો વિરોધ. જૈન સાધુ કોઈનો વિરોધ ન કરે. હકીકતમાં અનેકાંતવાદી હોય તો બૌદ્ધોને પણ કહી દે, You are also right. ચાર્વાકને પણ કહી દે you are also right. અપેક્ષાએ બધા સાચા છે. તમે બધાને ખોટા ઠેરવવા મંડી પડયા! જેનું જે સારું હોય એ લો. ઉપાધ્યાયજી મહારાજને તમે વાંચો તો એમની ખબર પડે તમને કે ભગવદ્ગીતાની એમણે કેટલી quote કરી છે! અધ્યાત્મસારમાં ડગલે અને પગલે ભગવદ્ગીતા છે. એ સિવાય ઉપનિષદોની ઘેરી છાપ એમના ઉપર છે. જ્યારે બે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. ઉપનિષદો વાંચ્યા અને ઉપાધ્યાયજીને વાંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ઉપનિષદોની છાપ એમના ઉપર બહુ છે. એટલે એમણે શું કર્યું? જ્યાં પણ સારું મળે એ ત્યાંથી લઇ લીધું. દિગંબર-શ્વેતાંબર છેલ્લે આમ જ હતું ત્યારે. પણ સમયસારમાંથી એમણે સારું લીધું છે.
એકવાર જંબુવિજય મહારાજ સાહેબ મળ્યા શંખેશ્વરમાં. દિગંબર-શ્વેતાંબરની વાતો નીકળી. મને કહે; જો યશોવિજય! મારું તો આખું દ્રષ્ટિબિંદુ અલગ છે. પણ જાહેરમાં હું કહેતો નથી. કારણ કે કહું તો લોકો સ્વીકારે એમ નથી. મારું તો દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ છે. દિગંબર મંદિર હોય તો પ્રેમથી જાઉં અને અડધો કલાક- કલાક ભક્તિ કરું. મારા બાપા એટલે બાપા જ છે હવે. હું એમ કહું કે બાપા તમે આંખ બંધ કરો એટલે મારા બાપા નહિ, અને આંખ ખોલો તો મારા બાપા!
એટલે શું થયું? આપણી જે treatment છે ને એમાં કંઇક અધૂરપ છે. નહીતર અનેકાંતવાદ જેણે ગળથુંથીમાંથી મળેલો હોય એની વિચારણા કેટલી વ્યાપક હોય? આપણી વિચારણા બહુ સંકુચિત થઈ ગઈ. અને આપણે આપણને ડબ્બામાં પૂરી દીધા! જૈનોની સંખ્યા કેટલી થઈ ગઈ? ભારતની વસ્તીનો એક ટકો પણ નથી! એમાં પાછુ વિભાજન. દિગંબર, શ્વેતાંબર, તેરાપંથી, સ્થાનકવાસી. આ રાજકીય નેતાઓ. સડેલા માણસો. તો ય એક મીનીમમ પ્રિન્સીપલ નક્કી કરીને એક થઈ શકે છે મંચ ઉપર. અત્યારે તો મોદીનું પોતાનું વર્ચસ્વછે. પણ એના પહેલાની સરકાર હતી. UPA ની. ૨૩ પક્ષો ભેગા થઈને સરકાર રચાઈ હતી. પણ છતાં એ લોકો પાસે વ્યવસ્થા હતી કે એક માણસ એ આગેવાની કરી શકે. પાંચ હજાર કરોડ અહીંયા વાપરવાના છે, એ જાહેરાત એક માત્ર પ્રાઈમ મીનીસ્ટર જ કરી શકે. ૨૩ પક્ષોનો શંભુ મેળો, એમાં નિમાયેલો પ્રાઈમ મીનીસ્ટર, એના હાથમાં આટલી સત્તા! તો આપણે ત્યાં તો નથી તપાગચ્છમાં કોઈ વ્યવસ્થા કે નથી બીજે ક્યાંય વ્યવસ્થા.
તો તમારે લોકોએ હવે છે ને અવિરોધમાં આવવાનું છે. વિરોધ નહિ આવે. કોઈનો પણ વિરોધ નહિ. જેમાંથી સારું છે. એમાંથી લેવા માંડો.
