Mumukshu Vachna | 30-03-20 | Navsari Tapovan

1 View
23 Min Read

પ્રભુ નિર્મલ દરિશન કીજીયે

નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. નિર્વિકલ્પ દશા એટલે જ્યાં વિચારો નથી અને જોનાર તરીકે તમે છો. વિચારો ન હોય અને તમે માત્ર દ્રષ્ટા હોવ – આ ભૂમિકા આવે એ પછી જ નિર્મલ દર્શન મળે; જિનગુણ દર્શન મળે.

તમે નિર્વિચાર બની શકો એ માટેનો એક ઉપાય : વિસ્મય. આશ્ચર્ય (વિસ્મય) એ યોગભૂમિકામાં પ્રવેશવાનું દ્વાર છે. આશ્ચર્યકારક ક્ષણ જ્યારે આવે, ત્યારે તમારું conscious mind બાજુમાં જતું રહે, વિચારો બાજુમાં રહે; માત્ર તમે હોવ.

અત્યારે આપણને પ્રભુના દર્શનનો આનંદ કેમ નથી મળતો? કારણ એક જ છે કે આપણી ભીતર વિચારો ચાલ્યા જ કરતા હોય છે. તમે totally પ્રભુની પાસે નથી હોતા. There should be the totality. જે કરો, એ સમગ્રતાથી કરો; સંપૂર્ણ અસ્તિત્વથી કરો

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.


નવસારી તપોવન વાચના – 2 [30.3.2020]
પહેલો તબક્કો જિનગુણદર્શન. પદ્મવિજય મ.સા.એ નવપદ પૂજામાં, સમ્યગ્દર્શન પદની પૂજામાં, શરૂઆતમાં જ કહ્યું; “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” પહેલીવાર એ વાંચ્યું, હું નવાઈમાં પડેલો. પ્રભુનું દર્શન કરો એવું તો ઘણા બધાએ કહેલું; “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” નિર્મલ દર્શન એટલે શું? પછી ખ્યાલ આવ્યો કે નિર્વિકલ્પ દર્શન – એ નિર્મલ દર્શન છે.
અત્યારે આપણને દર્શનનો આનંદ કેમ નથી મળતો! કારણ એક જ છે, આપણી ભીતર વિચારો ચાલતાં જ હોય છે. તમે totally પ્રભુની પાસે નથી જતાં. હું ઘણીવાર કહું છું, there should be the totality. જે કરો એ સમગ્રતાથી કરો, સંપૂર્ણ અસ્તિત્વથી કરો. ભલે દેરાસરમાં 15 મિનિટ જ બેસો, પણ દર્શન બરોબર થવું જોઈએ.
તો નિર્વિકલ્પ દશા – એનો અર્થ એ થયો કે વિચારો નથી, અને જોનાર તરીકે તમે છો. વિચારોની ભૂમિકા સમાપ્ત થાય પછી જ જિનગુણદર્શન થશે. એટલે નિર્વિકલ્પ દર્શનનો અર્થ થયો – વિચારો નથી; અને તમે છો, દ્રષ્ટા તરીકે.
વિચારોને કઈ રીતે કાઢવા? એના માટે ઘણા બધા પ્રયોગો થયા છે. શિવસૂત્ર – આપણી ભારતીય પરંપરાનું એક અનોખું યોગસૂત્ર છે. જેમાં પાર્વતીજી પ્રશ્નો પૂછે છે અને મહાદેવજી જવાબ આપે છે. એક ઉત્તરમાં મહાદેવજીએ કહ્યું છે; “विस्मयो योगभूमिकाः।” પાર્વતીજીએ પૂછ્યું; કે યોગમાં પ્રવેશવું છે. સાધનામાં પ્રવેશવું છે. દ્વાર કયું? તો સૂત્ર આવ્યું; “विस्मयो योगभूमिकाः।”. આશ્ચર્ય – એ જ યોગભૂમિકામાં પ્રવેશવાનું દ્વાર છે. આશ્ચર્યની ક્ષણ જ્યારે આવે છે ને ત્યારે તમારું conscious mind બાજુમાં જતું રહે છે. એ conscious mind બાજુમાં ગયું, વિચારો બાજુમાં ગયા; અને તમે છો – આ ક્ષણ અદ્ભુત છે.
ઝેન કથા આવે છે. એક ભિક્ષુ ગુરુ પાસે ગયો. ગુરુને વંદન કર્યું અને પછી પૂછે છે કે સાહેબ! બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે? કોઈ પણ સદ્ગુરુ હોય ને, એ face reading ના master હોય છે. Face reading ના master, eye-brow reading ના master, fore head reading ના master, અને છેલ્લે third -eye reading ના master. તો ગુરુ જોઈ ગયા કે આ માત્ર જિજ્ઞાસાના સ્તર પરનો સવાલ છે. કોઈ પણ ગુરુને તમારા જિજ્ઞાસા ના સ્તરના પ્રશ્નનો ઉત્તર આપવામાં કોઈ રસ હોતો નથી. તમારો પ્રશ્ન મુમુક્ષાના સ્તરનો હોવો જોઈએ. એ ચટપટાહટ; કે સાહેબજી મારે પણ પ્રશમરસ જોઈએ છે, જરા વાત તો કરો, એ પ્રશમરસ કેવો હોય? પણ પાત્ર જિજ્ઞાસાનું સ્તર છે. સાહેબ બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે?
ગુરુએ એક કામ કર્યું; હોલમાં બેઠેલા હતાં. બાજુમાં બારી હતી, ખુલ્લી બારી, સળિયા વગરની. શિષ્યને બોચીથી પકડ્યો, નીચે નાંખ્યો. લગભગ સાત-આઠ ફૂટ નીચે પછડાયો પેલો. પણ નીચે રેત હતી એટલે વાગે એવું હતું નહિ. પેલો જોશથી પડ્યો. હવે કેટલો મોટી અણધારી ઘટના હતી, સદ્ગુરુને તમે પૂછવા જાવ, કદાચ ઉત્તર આપે, કદાચ ન પણ આપે કદાચ. બોચીથી પકડીને સીધો નીચે…! પેલો અફાંગ કરતો પટકાણો.. ચત્તો-પાટ પડેલો છે. બસ એ ક્ષણ મહત્વની હતી – આશ્ચર્યને કારણે conscious mind બાજુમાં ખરી ગયું; અને એ વખતે ગુરુ બારીમાંથી ડોક્યું કરે છે. પેલો આમ ચત્તો-પાટ પડેલો છે. ગુરુ પૂછે છે; કેમ ભાઈ! હવે ખ્યાલ આવે છે કે બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર કેવો પ્રશમરસ હશે! પેલો કહે; જી ખ્યાલ આવી ગયો, કહે છે! પછી એ ગુરુની ચેમ્બરમાં આવ્યો. ખુબ ખુબ આભાર માન્યો..
શું થયું? આશ્ચર્યને કારણે conscious mind નીકળી ગયું. તમારું જે આ conscious mind છે, અને unconscious mind છે, એ અનાદિના સંસ્કારોથી એકદમ જોડાયેલું છે. conscious mind છે ને આપણું અત્યારનું, એ તો હિમશિલાનું ટોપચું કહેવાય છે. Unconscious mind આખી હિમશિલા અંદર છે. અને એટલે જ ક્યારેક તમે ભક્તિમાં ગયા. ભગવાન પાસે બહુ જ રડવાનું થયું. અહોભાવથી ભરાઈ ગયા. ઉપાશ્રયમાં આવ્યાં. સામાન્ય નિમિત્ત મળ્યું, અને તરત જ તમે ગુસ્સે થઇ જાવ છો. એક કલાક કે બે કલાકની ભક્તિધારા ક્યાં ગઈ.?! તો એ ભક્તિધારાને પણ તમે conscious mind ના લેવલ ઉપર લઇ ગયેલા. એટલે unconscious mind માં તો માત્ર સંજ્ઞાઓ જ હતી. એટલે conscious mind ની સામે unconscious mind નો વિજય થવાનો જ છે. તમારે કામ એ કરવું છે; કે તમારા unconscious mind માં – તમારા અસ્તિત્વના સ્તરમાં તમારે સાધનાને, ભક્તિને મુકવી છે. Conscious mind and unconscious mind, બેયમાં માત્ર સંજ્ઞાઓનું પ્રાધાન્ય છે. ખાવા-પીવાની વાત આવે એટલે મજા પડી જાય. પ્રતિક્રમણ આવે ત્યારે છું થઇ જાય મન બહાર.!
તો એ conscious mind ને આપણે દૂર કરી શકીએ, થોડી ક્ષણો માટે પણ. તો એ વખતે તમે છો…! મન બાજુમાં હટ્યું. Unconscious છે ને storage છે, અને conscious જે છે, એમાંથી થોડું થોડું મેળવીને વેપાર કરનારો છે. તો હવે conscious mind જે છે એને તમે બાજુમાં મૂકી દો. conscious mind જો રાખ્યું તમારી પાસે, તો એમાં સંજ્ઞાઓ પછી રેલાવવાની જ છે. થોડી વાર માટે આજ્ઞા પ્રધાન ચિત્ત બન્યું. જ્યાં સંજ્ઞાઓ આવી સામે, એટલે સંજ્ઞાઓનો ઉદય થવાનો જ છે. એ મનને જો બાજુમાં મૂકી દો એકવાર, કે unconscious માંથી conscious માં આવે નહિ, અને conscious બાજુમાં ખરેલું છે. તો એ ક્ષણ બહુ જ મહત્વની છે.
તો પેલો ચત્તો-પાટ પડેલો, conscious mind બાજુમાં ખરી ગયું; અને જોનાર એ પોતે છે! આજ સુધી એણે ખરેખર ગુરુને જોયા નથી.!
મેં હમણાં જ મારા પ્રવચનોમાં એકવાર પૂછેલું; કે સુરતમાં આટલા બધા સદ્ગુરુઓ છે. તમે ખરેખર એકેય સદ્ગુરુનું દર્શન કર્યું છે? સદ્ગુરુના ચહેરા ઉપર જે આનંદની ઝલક હોય છે, એનું દર્શન ક્યારેય થયું છે?
તો very first time શિષ્યએ ગુરુના ચહેરાને જોયો; કારણ – conscious mind હટી ગયું છે. અને એ વખતે ગુરુના ચહેરા ઉપર જે પ્રશમરસ રેલાતો હતો, એ જોઇને એને થયું કે સદ્ગુરુના ચહેરા ઉપર આટલો બધો પ્રશમ રસ છે તો ભગવાનના ચહેરા પર તો કેવો હશે! એટલે દર્શન કરવા માટેની પહેલી શરત આ છે, અને અનિવાર્ય શરત – કે નિર્વિકલ્પ દર્શન થવું જોઈએ.
હમણાંના યોગાચાર્ય થયા ગુર્જિએફ. ગુર્જિએફ પાસે એક સાધક સાંજના સમયે આવેલો. અને એણે ગુર્જિએફને કહ્યું; ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુ તૈયાર હતાં. પણ શિષ્ય ક્યાં તૈયાર હતો…?! તકલીફ તો આજ છે ને આપણી.! ગુરુઓ બધા તૈયાર હોય..! ગુરુ તૈયાર હતા; પણ શિષ્ય તૈયાર નહતો.
ઘણીવાર શું થાય, તમારો અહંકાર છે ને તમને ગુરુ પાસે પણ લાવે. કેમ? આ મારા ગુરુ, બહુ જ પ્રતિષ્ઠિત ગુરુ છે! આપણા સમાજના નંબર વનના ગુરુ છે, અને એનો હું શિષ્ય છું! આખરે તમારે અહંકાર જ પોષવાનો હોય છે. એકવાર ગુરુ નક્કી થઇ ગયા કે આ ગુરુ છે જ. પછી next to guru કોણ, એની હરીફાઈ ચાલતી હોય! એ ગુરુ પછી કોણ?! એટલે ખરેખર સાધનાની ઝંખના થવી ને એ જ બહુ જ મોટું કામ છે. ‘જિજ્ઞાસા અપિ દુર્લભા’ યોગશતકમાં લખ્યું. યોગમાર્ગમાં જવાની સાધનામાર્ગમાં જવાની ઝંખના પણ થતી નથી.!
તો આ માણસ એટલા માટે આવી ગયેલો કે ગુર્જિએફ બહુ મોટા ગુરુ છે. ચાલો ને જઈ આવીએ, શું સાધના આપે છે, લેતા આવીએ. ગુરુએ જોયું કે તૈયાર નથી, તો તૈયાર કરી દઈએ. ગુરુએ કહ્યું; એક કામ કર બેટા. આ હોલમાં લાકડાના બિંબ સુથારો ગોઠવી રહ્યા હતા. એમનો ટાઈમ થયો એટલે એ લોકો જતાં રહ્યા. પણ આ એક બિંબ છે ને સેન્ટરમાં નથી, કદાચ પડી જાય. તું ઉપર ચડી જા. બિંબને સેન્ટરમાં ગોઠવી નાંખ. પેલો ઉપર ચડ્યો. વ્યવસ્થિત જગ્યાએ બેસી ગયો. ગુરુએ કહ્યું; થોડું right લે, એને જમણું લીધું. ગુરુ કહે અરે, અરે, વધી ગયું આ તો. પાછું ડાબું લાવ, પેલો ડાબું લાવે. અરે થોડું ડાબું વધારે આવી ગયું કહે છે. થોડું જમણું લે. નહિ, નહિ હજી જમણું થોડું વધારે. હજી થોડું વધારે. અરે વધારે આવી ગયું.! એમ ડાબું-જમણું, ડાબું-જમણું, ડાબું-જમણું અડધો કલાક કરે.! શું ગુરુઓની ટેકનીક હોય છે.! ગુરુઓ પાસે અપાર ટેકનીકો હોય છે. કારણ કે પ્રભુએ કહેલું છે કે બેટા! તને સિદ્ધિ થઇ છે, તારે વિનિયોગ કરવાનો છે. તો કોઈ પણ સદ્ગુરુ તમારા ઉપર કામ કરશે તો એ માત્ર અને માત્ર પ્રભુની આજ્ઞાથી કરશે. અને એટલે હું ઘણીવાર કહું છું; કે પરમચેતના પરમ સક્રિય છે, ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય છે. ગુરુએ પોતાના તરફથી કશું કરવું જ નથી.!
આનંદઘનજીએ સરસ વાત કરી, ‘ગુરુ નિરંતર ખેલા’ ‘ગુરુ નિરંતર ખેલા’ જે નિરંતર સ્વમાં રમતો હોય તે ગુરુ. આ તો ગુરુની કરૂણા છે, કે શબ્દોના સ્તર પર ગુરુ આવે છે. ગુરુની કરુણા છે કે આંખથી તમને જોઇને વાત્સલ્ય આપે છે! ગુરુની મોટામાં મોટી કરુણા તો એ છે કે તમારા દોષોને જુએ છે, અને દોષોને pin point કરીને બતાવે છે, અને દોષોને કઢાવવાની મથામણ કરે છે.
હું ઘણીવાર કહું કે તમે બધા ઉદાર માણસો હોવ, દોષો લઈને ભરે અને ફરે આપણા બાપનું શું જાય છે! પણ તમારા દોષોને કારણે તમારા સદ્ગુરુ ને કેટલી પીડા થતી હશે ખબર છે? વિચાર તો કરો.. પ્રભુના ગુણોમાં કે સ્વના ગુણોમાં જે નિરંતર ડૂબકી મારતા હોય, એવા ગુરુને તમારા માટે દોષોના ખાબોચિયામાં ડૂબકી મારવી પડે, એ કેટલું મુશ્કેલ કાર્ય હશે! ક્યાં પ્રભુના ગુણોના બગીચામાં રમતાં ગુરુ, અને ક્યાં તમારા દોષોના ઉકરડાંમાં ફરજના ભાગ રૂપે આવતાં ગુરુ! તમને ક્યારેય ખ્યાલ આવે કે ગુરુને મારા માટે સ્વમાંથી ચ્યુત થઈને પરમાં આવવું પડે છે! જો હું ખરેખર યોગ્ય શિષ્ય હોવું તો, પરમાં તો ન જનારો જ હોઉં. હું પરમાં જઈશ, સદ્ગુરુને સ્વમાંથી બહાર આવવું પડશે, મારા માટે.! તો ગુરુની આ કરુણા છે – શબ્દોના સ્તર પર આવે, સ્મિતના સ્તર પર આવે, કદાચ લાલ આંખ પણ કરે તમારા દોષોને કાઢવા માટે.! આ બધી જ સદ્ગુરુની કરુણા છે.! અને એ ગુરુ ચેતનાની કરુણા અગણિત જન્મોથી આપણા ઉપર વહી રહી છે. પણ એ કરુણાને ઝીલવાના ખરેખર હકદાર આપણે હજી સુધી બન્યા નથી. એકવાર એ ગુરુની કરુણા ઝીલાઈ ગઈ હોત ને; કામ થઇ ગયું હોત.!
યોગિક દુનિયામાં એક સારું પુસ્તક છે હમણાં – “Autobiography Of A Yogi”, બહુ સારું પુસ્તક છે. અને લગભગ દરેક યોગીઓને વાંચતા હોય છે. એના લેખક યોગાનંદજી છે, બહુ જ પ્રસિદ્ધ યોગી આપણા યોગીનાથ. એ યોગાનંદજી ૧૭-૧૮ વર્ષના હતાં. ત્યારે પોતાની પરંપરાના જે ગુરુ હતાં, યુક્તેશ્વરગિરિ એમની પાસે ગયાં. ગ્રહસ્થ જ છે. સાધના દીક્ષા માટે ગયાં. ગુરુદેવ મને સાધના દીક્ષા આપો. ગુરુએ કહ્યું; હમણાં તું ભણ મારી પાસે, પછી આગળ આગળ જોઈએ. એક મહિના સુધી ગુરુ એને ભણાવતાં રહ્યા. સાધનાનું હાર્દ, સાધનાનો મર્મ એને આપતાં રહ્યા. એકવાર યોગાનંદજીને રાત્રે થયું, મહિના પછી. કે ગુરુ તો બહુ જ ધીમે ભણાવી રહ્યા છે. અને આ સ્પીડે ગુરુ ભણાવે, તો સાધનાના શિખર ઉપર હું ક્યારે પહોંચું? અને સાધનાની સમજુતીમાં જો વર્ષો ચાલ્યા જાય, તો સાધનાના શિખર ઉપર ક્યારે પહોંચું? એટલે એક રાત્રે ગુરુને કહ્યા વિના ભાગી જાય છે, બીજા ગુરુના આશ્રમે. ત્યાં અઠવાડિયું રોકાણા, ત્યાં પણ મજા ના આવી. ત્રીજા ગુરુ. બે મહિનામાં પાંચ ગુરુ કરી નાંખ્યા. આખરે થયું કે મારા ગુરુ પાસે જ હું ઠીક હતો.
ફરીથી એક રાત્રે યુક્તેશ્વરગિરિના આશ્રમમાં આવી ગયો. સવારે જે પોતાનો ટાઈમ હતો એ ટાઈમે ભણવા માટે આવી ગયાં. વંદન કર્યું. ગુરુ એ જ પ્યારથી એને ભણાવવા મંડી પડ્યા. જ્યારથી સૂત્ર બાકી હતું ત્યાંથી. યોગાનંદજી માને છે, કે આજ તો પહેલો દિવસ છે એટલે ગુરુ મને લડશે નહિ. પણ બે-ત્રણ દિવસ પછી મારી ખો કાઢી નાંખશે. પણ બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર દિવસ થયા. ગુરુ એટલા જ પ્રેમથી ભણાવી રહ્યા છે. તો પાંચમાં દિવસે યોગાનંદજીની આંખમાં આંસુ આવ્યાં. એમણે કહ્યું; ગુરુદેવ! મેં સાધના દીક્ષા તમારી પાસે લીધેલી. ગુરુને પૂછ્યા વિના કશું કરી શકાય નહિ. હું તમને પૂછ્યા વિના બે મહિના માટે ભાગી ગયેલો. તમે મને લડતાં કેમ નથી? માત્ર પ્રેમ આપ્યા કરો છો? એ વખતે ગુરુએ કહેલું; કે બેટા! ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતાં. ગુરુના પ્રેમની નદી કિનારા વગરની છે. બસ એ વહ્યા જ કરશે… વહ્યા જ કરશે.. વહ્યા જ કરશે… તમે કેટલું લો, એ તમારા તરફ ખુલતી વાત છે. ગંગા ગંગોત્રી પોઈન્ટથી ગંગા સાગર સુધી વહેવાની જ છે. એના કાંઠે જે ગામ છે, અને એ ગામવાળો માણસ તરસ્યો રહેશે, એમાં ગંગા શું કરશે?!
તો સદ્ગુરુની કરુણા હોય છે. તો આ પણ એક સદ્ગુરુની કરુણા હતી. અડધો કલાક પેલાને left-right કરાવ્યું. પેલો થાકી ગયો. કારણ કે કંટાળા જેવું કામ હતું ને, આ તો.. આમ કરો ને આમ કરો.. આમ કરો ને આમ કરો.. અને આખો દિવસ કામ કરીને આવેલો માણસ, એ અડધો કલાક થયો, સહેજ એને ઊંઘ આવી ગઈ. ગુરુને આ જ જોઈતું હતું. ગુરુને એ પણ ખ્યાલ હતો, કે ઊંઘમાં એ પડશે નહિ. કારણ કે વ્યવસ્થિત રીતે બેઠો છે. બે મિનિટ, પાંચ મિનિટ, છ મિનિટ. ઊંઘમાં એને જવા દીધો. પછી ગુરુએ જોશથી રાડ પાડી. એય, શું કરે છે? પેલો ચમકીને જાગ્યો એકદમ. હવે આ ક્ષણ હોય છે ને બહુ મૂલ્યવાન હોય છે.
તમે જોજો, વિહારમાં તમને અનુભવ થાય. તમે કોઈ ગામમાં ગયા. સવારે ગયા. આખો દિવસ ત્યાં રોકાયા બાથરૂમ કઈ બાજુ છે તમને ખબર પણ છે. પરઠવવાનું ક્યાં છે તમને ખબર છે. રાત્રે તમે ૧૦ વાગે કે ૧૨ વાગે ઉઠો છે. દંડાસન સીધું તમારા હાથમાં પકડાય છે. તો તમને તરત ખ્યાલ નથી આવતો કે એ ગામમાં તમારે કઈ બાજુ જવાનું છે? કારણ શું? તમે જોજો બરોબર, ૩૦ સેકંડ કે ૪૦ સેકંડ પછી તમને ખ્યાલ આવી જશે. તત્ક્ષણ તમને ખ્યાલ નથી આવતો. Conscious mind એ વખતે બાજુમાં હટેલુ છે એટલે memory નથી આવતી. Memory- યાદશક્તિ Conscious mind ની નીપજ છે. ૩૫મી સેકંડે પાછી memory આવી જાય. તમને ખ્યાલ આવી જાય કે ઓહો સવારે અહીં ગયો હતો. બપોરે અહીં ગયો હતો. ત્યાં જ જવાનું છે. એ જે ૩૦ સેકંડ આવી ને એ મહત્વની એટલા માટે થઇ કે વિચારો નથી ને તમે છો. આપણે ત્યાં ઉજાગરની વાત જે કહેવાય છે ને, એ વાત આપણે આવતી કાલે કરશું. ખરેખર ઉજાગર શું છે? અને ઉજાગર કઈ રીતે આવે?
ભગવાને આચારાંગમાં સ્પષ્ટ કહ્યું; “सुत्ता अमुणी, मुणिणो सया जागरन्ति” “सुत्ता अमुणी” – ગ્રહસ્થ સૂતેલો જ છે. “मुणिणो सया जागरन्ति” મારો સાધુ, મારી સાધ્વી હંમેશ માટે જાગૃત હોય છે. હંમેશ જાગૃત તમે કઈ રીતે હોવ? એ જાગૃતિ એટલે ઉજાગરની વાત છે. એ આપણે જોઈશું આગળ.
તો ગુરુએ બુમ મારી. એય શું કરે છે? પેલાએ આંખ ખોલી. કશું યાદ નથી આવતું. Memory બાજુમાં ગઈ છે, Conscious mind બાજુમાં છે, અને એ ગુરુના ચહેરાને જોવે છે. બસ એ ૩૦ સેકંડ, ગુરુનું જે સદ્ગુરુનું મુખ જોવાઈ ગયું; આખો સાધનામાર્ગ સ્પષ્ટ થઇ ગયો! આખરે તો સાધના દ્વારા પામવાનું શું છે? શાંતિ, આનંદ જે તમારો ગુણ છે. નિર્વધી આનંદ તમારી ભીતર છે, તમે આનંદઘન જ છો! તો એ આનંદને માણવાનો છે. એ જ આનંદ એણે સદ્ગુરુના ચહેરા ઉપર જોયો; એને ખ્યાલ આવી ગયો કે આ જ આખો સાધનામાર્ગ છે. નીચે ઉતર્યો. ગુરુના ચરણોમાં પડ્યો. અને ગુરુએ એને સાધના દીક્ષા આપી પણ દીધી.
એટલે “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે”. નિર્વિકલ્પ દર્શન. અને આપણી આ જ તો પરંપરા હતી, નિસીહી કહીને જવાનું. તમને ખ્યાલ છે? બહારથી આવો ઉપાશ્રયમાં, તમે નિસીહી બોલો. રાત્રે સંથારાપોરસી ભણાવો ને ત્યારે પણ નિસીહી બોલો છો. એ નિસીહી શેના માટે? ત્યાં કોનો નિષેધ કરવાનો છે?
સામાચારી પ્રકરણમાં અને ગુરુતત્ત્વવિનિશ્ચયમાં ઉપાધ્યાય યશોવિજય મહારાજે લખ્યું છે; એ નિસીહી એટલા માટે છે કે તમે સામાન્ય વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી કદાચ શુભવૃત્તિ અને શુભ પ્રવૃત્તિમાંથી પણ નીકળી જાવ; કારણ – સંથારાપોરસી ધ્યાનનું સૂત્ર છે, અને સંથારાપોરસી ભણાવ્યા પછી તમારે ધ્યાનમાં જતા રહેવાનું છે. “एगोSहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ” “एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ આ શું છે? ધ્યાનનું સૂત્ર છે.
હું ઘણીવાર વાચનામાં કહું; કે પેલા મેરેથોનની દોડ હોય ને, એમાં દોડવિરો તૈયાર થઈને ઉભા હોય. રનર્સ બધા એક લક્ષ્મણ રેખા ઉપર ઉભા હોય. રેફરી આદેશ આપે ત્યારે એમને દોડવાનું હોય. એ લોકો બધા સતર્ક થઈને જોતા હોય, રેફરી ક્યારે વન, ટુ, અને થ્રી કહે. જ્યાં રેફરી બોલે – વન, ટુ, થ્રી; બધા જ દોડવા મંડી પડે. મેં કહ્યું આપણે લોકો એવા દોડવીરો છે કે રેફરીનું વન, ટુ, થ્રી થાય એટલે સંથારામાં સુઈ જાય! “एगो मे सासओ अप्पा” તો એ નિસીહી જે છે ને! એ શુભમાંથી શુદ્ધમાં જવા માટે છે.
આખરે આપણું ultimate goal તો શુદ્ધ જ છે. કરેમિ ભંતે શુદ્ધની જ પ્રક્રિયા છે. શુદ્ધ એટલે સ્વગુણની અનુભૂતિ અથવા સ્વરૂપદશાની અનુભૂતિ. તમે સમભાવનો અનુભવ કરો, એ શુદ્ધ થયું. આનંદનું વેદન કરો એ શુદ્ધ થયું. વિતરાગદશાનું સહેજ પણ વેદન કરો, તો એ શુદ્ધ થયું. આ શુદ્ધમાં પહોંચવા માટેનો માર્ગ શુભ છે. એટલે ભગવાને આપેલી એક-એક શુભ ક્રિયા તમને શુદ્ધ તરફ લઇ જાય છે; અને જે શુભ ક્રિયા તમને શુદ્ધમાં લઇ ન જાય એ શુભાભાસ જેવી પણ બની જાય. આપણે છે ને નિશ્ચયાભાસ વાળાઓની ટીકા કરીએ છીએ, અને એ ખોટું જ છે. નિશ્ચયાભાસ એ ચાલી શકે જ નહિ. ખાલી ખોટી નિશ્ચયની વાતો હોય અને વ્યવહારને ઉડાડવાની વાતો હોય. વ્યવહાર એટલે સીડી છે, સીડી વિના પગ જ તમે ન મૂકી શકો તો તમે પહોંચવાના શી રીતે? સીડી ઉડાવો, first floor ક્યાંથી તમને મળશે? એટલે નિશ્ચયાભાસ જેમ ખોટો જ છે, એમ વ્યવહારાભાસ.
આપણો વ્યવહાર પ્રભુએ કહેલો વ્યવહાર છે કે વ્યવહારાભાસ છે? સ્વાધ્યાયની ક્રિયા; અનુપ્રેક્ષા કરી, તો તમે સીધા શુદ્ધમાં ચાલ્યા ગયા. આપણે ત્યાં પહેલી સૂત્રપોરસી, બીજી અર્થપોરસી, બરોબર? આમ, ઉત્તરાધ્યયન તમે કર્યું હોય ને, ઉત્તરાધ્યયનમાં શું લખ્યું; पढमं पोरिसि सज्झायं बीए झाणं झियायए” મૂળ પરંપરા એ હતી કે બીજી પોરસીમાં ધ્યાન. પણ એમ લાગે છે કે ધ્યાનની પરંપરા થોડી શિથિલ બની ત્યારે અર્થ પોરસી આપી. પણ એમાં પણ એક વસ્તુ હતી, કે તમે અર્થના ઊંડાણમાં એટલા જાવ, એટલા જાવ, એટલા જાવ કે તમે એ વિચારને પણ છોડીને નિર્વિચાર દશામાં – ધ્યાનમાં પહોંચી જાવ.
અને એટલા માટે સાડા ત્રણસો ગાથાના સ્તવનમાં એક સરસ વાત આવે છે; કે અગિયાર સવા અગિયાર નો સમય છે. એક મુનિરાજ અર્થ પોરસીમાં બેઠેલા છે. અને એક શબ્દ ‘अत: आत्मा – अतति, गच्छति सततं तांस्तान् पर्यायान् इति आत्मा ‘ તો હું શા માટે પર્યાયોમાં વહું છું? હું શા માટે નિત્ય દ્રવ્યોમાં જતો નથી?! આ જે છે ને અર્થ, એનું ઊંડાણ-અનુપ્રેક્ષા લો; અને એમ કરતાં તમે અનુભૂતિમાં પહોંચી જાવ. પર્યાયોમાં મારે જવાનું જ નથી; મારે શુદ્ધ આત્મ-દ્રવ્યમાં જવાનું છે.
તો એ મુનિરાજ અર્થાનુપ્રેક્ષામાં ધ્યાનદશાની નજીક જતાં રહે છે; અને એમાં માંડલી નિયામકે કહ્યું કે તમારે ગોચરી વહોરવા જવાનું છે. એ તો આજ્ઞા એટલે આજ્ઞા હોય છે. મુનિરાજ વહોરવા માટે જાય છે. ત્યાં બે શક્યતા બતાવી – કે ભિક્ષાના દોષ પ્રમાણે નિર્દોષ ભિક્ષા દૂર-દૂરથી લઇ આવે, તો એટલી ભિક્ષા લાવવામાં દોઢ કલાક થાય. દોઢ કલાકે આવે તો અનુપ્રેક્ષા દ્વારા ધ્યાનની ધારા સંધાય એમ નથી. અને જો નજીકના ઘરોમાંથી થોડી દોષિત ગોચરી પણ લઇ આવે, પાંચ-સાત મિનિટમાં અને ગોચરી આલોચીને પાત્રા મૂકી દે અને ઈરિયાવહિયા કરીને ફરી અર્થાનુપ્રેક્ષામાં જાય, તો ધ્યાન પકડી શકે એમ છે. તો શું કરવું? તો કહે કે દોષિત ગોચરી લાવીને પણ એણે ધ્યાનની ધારા સાધવી જોઈએ.! એટલે આપણે મૂળ પરંપરા જાણો ને તમને થાય કે આપણી મૂળ પરંપરા કઈ હતી.! કેટલી મજાની હતી..! બરોબર…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *