Mumukshu Vachna | 29-03-20 | Navsari Tapovan

1 View
21 Min Read

ગુરુ વ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના

તમારી પ્રાર્થનાના base પર પરમચેતના તમને select કરે છે અને ગુરુચેતનાને initial stage નું કામ શરૂ કરવા સંદેશો મોકલે છે. ગુરુના તમારી તરફ ખુલતા બે જ કાર્યો છે – તમારામાં પ્રભુમિલનની પ્યાસ જગાવવાની અને પ્યાસ જાગી જાય એટલે પ્રભુનું મિલન કરાવી દેવાનું!

ગુરુચેતનાની વ્યાખ્યા શું? જેણે પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું છે અને અસ્તિત્વના એ ખાલીપામાં પરમચેતના ઊતરી આવી છે – એ ગુરુચેતના. આવી ગુરુચેતના એ અખંડાકાર ઘટના છે અને જન્મોથી તમારી ઉપર કામ કરી રહી છે.

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.


નવસારી તપોવન વાચના – 1 [29.3.2020]
ચક્ખુદયાણં – પરમાત્માના માર્ગને અને પરમાત્માને જોવાની આંખ સદ્ગુરુ દ્વારા આપણને મળે છે. ‘નમુત્થુણં’ માં પ્રભુને ચક્ષુ આપનાર કહ્યાં. બહુ મજાની આ વાત છે કે ગુરુચેતના અને પરમચેતના કંઈક અંશે અભિન્ન છે.
એટલે જ ઉપાધ્યાયજી ભગવંતે એક જગ્યાએ લખ્યું છે, ‘જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’. પ્રભુએ પોતે મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. ઘટના એ છે કે સદ્ગુરુએ આજ્ઞાચક્ર દબાવ્યું છે, પણ ત્યાં સદ્ગુરુ ચેતના અને પરમ ચેતનાને એકાકાર થયેલી ઘટના તરીકે વર્ણવેલી છે.
એટલે ક્રમ એવો છે – ગુરુવ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના. તમારી બાજુ જે ગુરુ વ્યક્તિ છે એ પોતાની તરફ ગુરુચેતના છે. તમને લાગે અમારા ગુરુદેવ આ, અમારા ગુરુદેવ આ, અમારા ગુરુદેવ આ. તમે ગુરુ વ્યક્તિમાં ભિન્નતા રાખી શકો, પણ તમને જે ગુરુ વ્યક્તિ દેખાય છે એ પેલી બાજુ ગુરુચેતના જ છે.
ગુરુચેતનાની વ્યાખ્યા શું? જેણે પોતાના હૃદયને ખાલી કરી નાંખ્યું હોય, અને અસ્તિત્વના એ ખાલીપામાં પરમચેતના ઉતરી ગયેલી હોય – એને આપણે ગુરુચેતના કહીએ છીએ. એટલે એક વચન હું ઘણીવાર કહું છું – There is a same fragrance, and same taste, in all the respected gurus. એનું કારણ આ છે કે કોઇ પણ સદ્ગુરુના ચરણોમાં તમે બેઠા છો, એ સદ્ગુરુની ભીતર પરમચેતનાનો અવકાશ ઉતરેલો છે. અને માત્ર સદ્ગુરુના હૃદયમાં જ પરમચેતનાનો અવકાશ ઉતરે એવું નથી, તમારા હૃદયમાં પણ ઉતરી શકે છે.
એકવાર એક ભક્ત મને મળેલો. મને કહે સાહેબ અંતરાયકર્મ નિવારણની પૂજામાં કેટલી વાર ભગવાનની સામે પ્રાર્થના કરી, ‘મનમંદિર આવો રે’ પણ પ્રભુ તો આવ્યા જ નહિ! હું જરા હળવા મુડમાં હતો. મેં કીધું પ્રભુ આવેલા પણ જતા રહ્યા પાછા! તો મને કહે; શું થયું? કેમ પ્રભુ પાછા જતા રહ્યા?
મેં કહ્યું; તને એક ઘટના સંભળાવું એના પરથી તને ખ્યાલ આવશે. હું એક ગામમાં ગયેલો, જૈનોના ઘર નહિ, પણ મારું ત્યાં જવાનું થયું, લોકો બધા બહારથી આવી ગયેલા. સવારે સ્વાગતયાત્રા હતી. પ્રવચન હતું. બપોરે પણ પ્રવચન રાખેલું. રાત્રે પણ ભાઈઓની સંગોષ્ઠી હતી. પ્રવચન લગભગ બારેક વાગે પૂરું થયું. નાનો ઉપાશ્રય. એક રૂમ એમાં, એ રૂમમાં એક પાટ ને, હોલમાં એક પાટ જેમાં વ્યાખ્યાન આપવાનું. બે જ પાટ. મારા એક શિષ્યને તાવ આવેલો હતો. હું એની શાતા પૂછવા ગયો બાર વાગે, વ્યાખ્યાન ઉઠ્યા પછી. એ વખતે એને એકદમ સારું હતું. એને અચાનક એ યાદ આવ્યું. બપોરે પણ પ્રવચન છે. રાત્રે પણ સંગોષ્ઠી છે. તો સાહેબ થાકી જશે. મને કહે સાહેબ! ગોચરી પછી આ રૂમમાં જ આપ આરામ કરી લેજો. પાટ પડેલી છે. બધું તૈયાર છે. આપ અહીંયા આરામ કરજો. કારણ હોલ એક જ છે. સાધુ ભગવંતો ઘણા. લોકો ભાવુક બહુ છે. એટલે વારંવાર બોલાવવા આવશે-કરશે. એટલે આપને આરામ નહિ મળે. મેં કહ્યું; સારું, જોઈશ.
ગોચરી વાપર્યા પછી મને પણ થયું કે હોલમાં તો આરામ નહિ મળે. રૂમમાં જ જઉં, રૂમમાં હું ગયો. તો એવું થયું કે પેલાનો તાવ એકદમ વધી ગયેલો. ફરસ હતી નીચેની ઠંડી. એને યાદ ન રહ્યું કે મેં ગુરુ મહારાજને આમંત્રણ આપ્યું છે. એ પોતે જ પાટ ઉપર સુઈ ગયો. હું ગયો. પાટ એક જ. હોલની પાટ તો રૂમમાં આવે એવી જ નહતી. એટલી મોટી હતી કે રૂમમાં પેસે એવી જ નહિ. એક જ પાટ અને એના ઉપર એ સુઈ ગયેલો. તાવવાળા સાધુને જગાડાય કેમ? ને હું જો નીચે સુઈ જાઉં તો એના પસ્તાવાનો પાર ન રહે, ગુરુદેવ નીચે સુઈ ગયા! એટલે હું પાછો ફરી ગયો. મેં પેલા ભાઈને કીધું. તને વાત સમજાઈ ગઈ હવે? ભગવાન આવેલા, પણ હૃદયના સિંહાસન ઉપર ચડીને તું બેસી ગયેલો, ભગવાન પાછા જતા રહ્યાં.!
એટલે જ કબીરજીએ કહ્યું, ‘પહલે હમ થે, પ્રભુ નહિ, અબ પ્રભુ હે હમ નાહિ’. કેમ? પ્રેમ ગલી અતિ સાંકળી તામે દો ન સમાય. પ્રેમની ગલી સાંકળી ગલી છે, એમાં બે નો સમાવેશ શક્ય નથી.
તો ગુરુવ્યક્તિ, ગુરુચેતના અને પરમચેતના. આ જે ગુરુચેતના છે ને એ અખંડાકાર ઘટના છે. તમારા ઉપર જન્મોથી કામ કરનાર ગુરુચેતના છે. વ્યક્તિઓ બદલાય છે. પણ ચેતના એ જ હોય છે. ગયા જનમમાં તમારા ગુરુ જુદા હતા. આ જનમમાં તમારા ગુરુ વ્યક્તિ રૂપે જુદા છે, પણ ગુરુચેતના એક જ છે. જેમ કલેકટરની પોસ્ટ છે. MR.SHAH ગયા એટલે MR.VYAS આવ્યા અને MR.VYAS ગયા એટલે MR.PATEL આવ્યા. પોસ્ટ એ જ છે. શક્તિ એની એ જ છે. તો ગુરુચેતના આપણા ઉપર ઘણા બધા જન્મોથી કામ કરી રહી છે.
હું ઘણીવાર મારી વાચનામાં કહું કે ગુરુને રાહ તો જોવડાવો પણ કેટલી?! એનો કોઈ હિસાબ ખરો કે નહિ? ૪૦૦-૫૦૦-૬૦૦ જનમ પહેલા એવું બનેલું, આપણે બિલકુલ કોરી સ્લેટ જેવા હતા. પ્રભુ એટલે શું, એ પણ આપણને ખ્યાલ નહતો. અને એમાં એક સદ્ગુરુના ચરણોમાં બેસવાનું થયું. તમને ખ્યાલ છે? સદ્ગુરુના લોકો તરફ ખુલતા બે જ કાર્યોં છે. પોતાના તરફ ખુલતું કાર્ય એક જ છે – પોતાની ભીતર ઉતરી જવું, સ્વાનુભૂતિ સંપન્ન બની જવું. પણ લોકો તરફ-શ્રીસંઘ તરફ ખુલતા સદ્ગુરુના બે કાર્યો છે. માત્ર બે. પ્રભુની પ્યાસ એમને નથી જાગી તો પ્યાસ જગવી દેવી એ સદ્ગુરુનું કાર્ય, અને પ્યાસ જાગેલી છે તો પ્રભુનું મિલન કરાવી દેવું એ સદ્ગુરુનું કાર્ય. આ સિવાયનું કોઈ કાર્ય સદ્ગુરુનું નથી. ઉપધાન કરવાના છે. તો ભાઈઓને ક્યાં રાખવા ને બહેનોને ક્યાં રાખવી, મેનેજમેન્ટવાળાનો સવાલ છે, અમારો સવાલ નથી. શું કરવું, શું નહિ, એ બધું મેનેજમેન્ટ વાળા જાણે.
મારી સાધના શિબિરો ચાલે છે. એ શિબિરની શરૂઆત થઈ ત્યારે મુંબઈના ૫-૭ ભાવુકોએ કહ્યું કે સાહેબ આ રીતે શિબિર આપણે રાખીએ. મેં કહ્યું, શિબિર રાખવાનો મને વાંધો નથી, પણ આગળ-પાછળનું બધું કાર્ય તમારે કરવાનું હોય તો. હું તો માત્ર સુધર્માપીઠ ઉપર બેસી વાચના આપી દઈશ. ન કોઈ આગળનું કાર્ય મારે કરવું છે. ન પાછળનું કાર્ય મારે કરવું છે. મારે માત્ર લોકોને પ્યાસ જગાવવાની છે, પ્યાસ જાગે એને પ્રભુમિલન કરાવવાનું છે, એ સિવાયનું કોઈ કાર્ય મારું નથી, આટલી તમારી તૈયારી હોય તો તમે કરો. હું કશું જ કરતો નથી. મેનેજમેન્ટના ક્ષેત્ર ઉપર મારે કશું જ કરવાનું નથી. આ બે જ કાર્યોં માત્ર મારા છે.
તો ૫૦૦-૬૦૦ જનમ પહેલા એવું બન્યું. આપણે કોઈ સદ્ગુરુ ચેતનાના ચરણોમાં બેઠાં. ખુબ પ્રેમથી સદ્ગુરુએ પરમાત્માના ઐશ્વર્યની મોહક વાતો કરી. આવા પ્રભુ હોય.. આવા પ્રભુ હોય.. સદ્ગુરુ કહેનારા.. આપણી ભવિતવ્યતા થોડી નીખરેલી.. આપણને તે વાત ગમી ગઈ! શું આવા ભગવાન છે? મને તો ખ્યાલ પણ નહતો! અને એ પછી એક મિનીટ માટે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ! તું શું મને ન મળે? આ એક જ મિનીટની તમારી પ્રાર્થના ઉપર પ્રભુએ તમને select કરી લીધા. પણ પછી શું થાય, એ તમને સમજાવું. ગુરુચેતના અને પરમચેતનાના કાર્યોં વહેંચાયેલા છે. Initial stage નું જે કામ છે, પ્રારંભિક કક્ષાનું, એ ગુરુચેતના કરે છે, પછીનું કામ પરમચેતનાનું છે. પણ પરમચેતના તમને સિલેક્ટ ન કરે ત્યાં સુધી ગુરુચેતના તમારી ઉપર કામ શરૂ કરતી નથી. તો પરમચેતનાનો સંદેશ મળે છે. I have selected him. I have selected her. અને એ વખતે ગુરુચેતના કામ શરૂ કરે છે. હવે સદ્ગુરુને ખ્યાલ છે કે મારે શું કરવાનું છે? પ્યાસ જગાવવાની, પ્રભુનું મિલન કરાવવાનું પણ એમાં મહદ્દ અંશનું કાર્ય શું છે? મહદ્દ અંશનું કાર્ય એ છે કે એ વ્યક્તિ પ્રભુની કૃપાને ઝીલતો થવો જોઈએ. પ્રભુની કૃપા નહિ ઝીલાય ત્યાં સુધી બીજી બધી વાતો અસંભવિત છે. તો પ્રભુની કૃપાને એ ઝીલી શકે એના માટે initial stageમાં મારે શું કરવાનું? એ સદ્ગુરુ વિચારે છે.
હું ઘણીવાર કહું છું. એક ગ્લાસ છે. ટોચ સુધી ધૂળથી ભરાયેલો છે. તમે એમાં પાણી નાંખશો. તો સિવાય કીચડ શું થશે? એમ સદ્ગુરુને ખ્યાલ આવી ગયો કે પ્રભુની કૃપા તો હર ક્ષણે વરસી રહી છે પણ આનું હૃદયનું પાત્ર રાગ-દ્વેષ-અહંકારથી છલકાયેલું છે. હવે આમાં પ્રભુ કૃપા વરસે તો પણ શું થાય? એને અનુભવ થવાનો શી રીતે? એટલે એના હૃદયના પાત્રને મારે સ્વચ્છ કરવું જોઈએ. એટલે ગુરુચેતના મારા અને તમારા ઉપર ૫૦૦-૬૦૦ કે ૧૦૦૦ જનમથી એક જ કામ કરી રહી છે – આપણા હૃદયના પાત્રને નિર્મળ બનાવવાનું.
બાઈબલમાં ઈસુખ્રિસ્તે કહ્યું; Empty thy vessel and I’ll fill it. માત્ર તારું વાસણ ખાલી હોવું જોઈએ; ભરવા માટે હું બેઠો જ છું! પણ એ તો એથી પણ સરલીકરણ થઈ ગયું, ઇઝીએસન. કે ખાલી પણ તમારે કરવાનું નહિ, ગુરુ ખાલી કરી આપે.! ગુરુની કેવી મજાની ટ્રીક્સ હોય છે?
હું ઘણીવાર કહું છું કે જે શ્રેષ્ઠ ગુરુઓ હોય છે ને એ બધા જ smiling face વાળા જ રહેવાનાં. હસતા મોઢાવાળા. બહુ જરૂરી છે. કારણ કે હસતું મોઢું હોય. તમે નજીક આવો. તો જ પાછળ હાથમાં જે છરી રાખેલી છે, એને કાઢીને, ઓપરેશન કરી શકે.
હું સદ્ગુરુ કોને કહું છું? ખબર છે? સદ્ગુરુ એ બહુ પહોંચેલી માયા છે. તમે આંગળી આપો તો તમારો પોચો પકડે. પોચો આપો તો હાથ પકડે. હાથ આપો તો આખા ને આખા તમે ગયા પછી.! તો સદ્ગુરુ પાસે એક સંમોહક વ્યક્તિત્વ છે. કારણ? અનાદિકાલીન સંમોહનમાંથી તમને પ્રભુના સંમોહનમાં લઇ જવા છે, અને એના માટે ગુરુ પાસે સંમોહક વ્યક્તિત્વ છે. પણ ગુરુ ચેતના એ સંમોહક વ્યક્તિત્વ દ્વારા કોઈને પોતાની પાસે નહિ રાખે, એ પ્રભુ સાથે જ એને પ્રભુની પાસે જોડી આપશે.! કોઇ પણ સદ્ગુરુની એ ઈચ્છા નથી હોતી કે આ સાધક કે આ ભક્ત મારો શિષ્ય બને અથવા મારી પાસે રહે; નહિ એ પ્રભુનો બને.!
તો સદ્ગુરુએ initial stageનું કામ શરૂ કર્યું – ખાલી કરવાનું. પણ કેટલા પ્યારથી ખાલી કરે છે! કે બેટા! તું નિમિત્ત-નિમિત્ત-નિમિત્ત શું કરે છે? નિમિત્ત તું પોતે જ છે, બીજો ક્યાં નિમિત્ત છે? તું ખરા નિમિત્તને જોતો જ નથી.! ઘણીવાર એવું બને. પેટ્રોલપંપ હોય. No smoking please લખેલું હોય. કોઈ માણસને સિગરેટની તલપ લાગી. સળગતી દીવાસળી ફેંકી દીધી. પેટ્રોલપંપ સળગી જાય. પેટ્રોલપંપ સળગ્યો, દીવાસળી જવાબદાર ખરી. પણ પેટ્રોલપંપ જવાબદાર ખરો? નહિ! ચલો એ જ માણસ દીવાસળીના બાકસના બાકસ લઈને, પાણી ભરેલા હોજ પાસે જાય છે. દીવાસળી સળગાવી-સળગાવી ને પાણી ભરેલા હોજમાં નાંખે છે? શું થાય હોજમાં? એટલે હું ઘણીવાર લોકોને કહું, તમને સામાની દીવાસળી દેખાય છે, તમારો પેટ્રોલપંપ દેખાતો નથી. તમે જ જો પાણી ભરેલો હોજ હોવ તો દીવાસળી શું કરશે?!
એક તળાવ હોય. તળાવની પાળ ઉપર ૫-૭ જણા બેઠેલા હોય. કાંકરાવાળી પાળ છે. ૫ જણા બેઠેલા છે. એક જણાએ કાંકરો હાથમાં લીધો અને નાંખ્યો તળાવમાં. કુંડાળા ઉપર કુંડાળા. એ શાંત થાય એટલે પાછો બીજાએ ફેંક્યો. પાછા કુંડાળા. તળાવે શું કરવું જોઈએ? પથ્થર ફેંકનારાને, કાંકરા ફેંકનારા ને તળાવ રોકી શકતું નથી. તો તળાવે શું કરવું જોઈએ? તમારા મનનું તળાવ છે, અને કાંકરા ફેંકનારાઓનો તોટો નથી. છે તોટો? આજુબાજુમાં બધા એ જ રાખ્યા છે ને? અને કેવા હોશિયાર માણસો હોય આજુબાજુમાં, બે બાજુના કાંકરા ફેંકતા હોય. તમારી આગળ તમારી પ્રસંશા કરે, અને તમારા અહંકારના ફુગ્ગાને ફૂલાવે. બહાર જઈને શું કહે? સાલા એનામાં કાંઈ છે જ નહિ.!
તો કાંકરા ફેંકનારાઓનો તોટો નથી. અને મનનું તળાવ લઈને તમે બેઠેલા છો. હવે તળાવ શાંત ક્યારે થાય બોલો? શાંત ત્યારે થાય, જયારે -૫ કે ૧૦ ડીગ્રી ગરમી થઈ જાય ત્યારે ઉપરની ચાદર બરફ વાળી થઈ જાય. પછી કાંકરા ગમે તેટલા પડે કે પથ્થર ગમે એટલાં પડે; પથ્થર તૂટે તો ભલે, બરફની ચાદર તૂટવાની નથી. બોલો આ કામ તમે કરી શકો? તમારી નજર છે ને કાંકરા ફેંકનારા ઉપર જ છે. આણે આમ કર્યું, અને આણે આમ કર્યું. તારા મનનું તો તળાવ કેવું છે, એ તો તું જોઈ લે પહેલા.
તો સદ્ગુરુચેતનાએ આ બધું આપણને સમજાવ્યું – કે બેટા, તું નિમિત્ત નિમિત્ત નિમિત્ત કરે છે, નિમિત્ત જેવું કોઈ છે જ નહિ! તારા ઉપાદાનની અશુદ્ધિને કારણે તું નિમિત્તને પકડી લે છે.
હું ઘણીવાર કહું છું કે તમે જો ભક્ત હોવ તો તમારી dictionary માં પાને પાને નિમિત્ત શબ્દ છે. અને તમે જો સાધક છો તો તમારી vocabulary માં નિમિત્ત શબ્દ છે જ નહિ. તમે ભક્ત છો તો તમારા જીવનકોશમાં પાને-પાને નિમિત્ત શબ્દ છે. પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો.! કોઇ પણ સારું કાર્ય થયું; તમે નથી કર્યું, પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા છે.!
હું મારા દરેક પ્રવચનમાં કહેતો હોઉં છું. I have not to speak a single word; He has to speak. અને પ્રવચન આપ્યા પછી હું જ્યારે ઉભો થઉં ત્યારે મારી આંખ ભીંજાયેલી હોય, અને મારી આંખની ભીનાશ પ્રભુને કહેતી હોય કે પ્રભુ તારી પાસે અગણિત sound system હતી, અને છતાં તે મારા જેવા નાચીજ માણસની sound system પસંદ કરી.! તું મારા કંઠમાંથી પ્રગટ થયો પ્રભુ.! હું તારો બહુ આભારી છું.!
રવીન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં કહ્યું; કે પ્રભુ હું તો બાંસુરી જેવો હતો. ચુપ-ચુપ થઈને પડ્યો રહેનારો. તે એ બાંસુરીને તારા હાથમાં ઉઠાવી. તે તારો હોઠ એને ટચ કર્યો અને બાંસુરીમાંથી સંગીત સર્જાયું. પણ એ જે સંગીત સર્જાયું એની માલીકીયત તારી છે પ્રભુ. એટલે સંગીત એનું, અને ઘોંઘાટ આપણો. તમારા જીવનની બાંસુરી, ‘એ’ના હોઠ.! બસ બેનું મિલન થઈ ગયું – જીવન એકદમ સંવાદી બની ગયું. જીવનમાં પછી ક્યાંય વિસંવાદ નથી, માત્ર આનંદ જ આનંદ છે.
ભગવાનનો સાધુ કેવો હોય? કેફથી છલકાતો..! હું ઘણીવાર કહું શરાબખાનામાંથી કોઈ ચકાચક પી ને નીકળ્યો હોય શરાબી. આપણે એની લડખડાતી ચાલ જોઈએ. આપણે એને પૂછવું ન પડે કે કેટલો પીધો છે? તમને જોઇને શું લાગે આમ? તમારા ચહેરાને જોઇને? કેફ..! મસ્તી..!
આપણી પરંપરામાં એક સરસ ઘટના છે. આચાર્ય ભગવંત ગામમાં પધારેલાં. મહાત્માઓ ગોચરી ગયેલાં. એક મુનિરાજ વહોરીને આવ્યા, ગુરુદેવ પાસે, ત્યારે એમના ગાલમાંથી લોહી દદળતું હતું. કોઈ અનાડી માણસે પથ્થર માર્યો હશે. ગાલમાંથી લોહી દદળે છે. પણ મોઢા ઉપર એ જ સ્મિત છે. લોહી દદળે તો દદળે, એમાં શું છે? પથ્થર વાગ્યો તો વાગ્યો.. શું છે! ચહેરા ઉપર એ જ સ્મિત છે.! ગુરુ એને પૂછતાં નથી કે બેટા! તને કોણે પથ્થર માર્યો? કારણ કે પ્રશ્ન જ નકામો છે ને? પથ્થર કોણે લગાવ્યો? કોણે લગાવ્યો? આપણા કર્મે.! કોણે? એના હાથમાંથી પથ્થર છુટ્યો એવું દેખાણું તમને. પણ એ તમારો ભ્રમ હતો. એની પાછળ કોણ હતું? તમારું કર્મ હતું. એટલે ગુરુ પૂછતા નથી કે બેટા તને કોણે માર્યું? પણ ગુરુ સંઘના નાયક છે. એમણે વિચાર થયો કે આજે તો આ સાધુ છે. કાલે કોઈ સાધ્વીજી મહારાજ હોય. વહોરવા માટે જાય. કોઈ અનાડી માણસ હોય. અને એમને હેરાન-પરેશાન કરે તો? એટલે મારે સંઘના અગ્રણીઓને સુચના આપવી પડે. પણ કયા ઘરેથી અને કઈ શેરીએથી પથ્થર વાગેલો એ તો પૂછું? અને પૂછ્યું કે બેટા! તું ૫-૭ શેરીમાં ગયેલો. કઈ શેરીમાંથી, કયા ઘર પાસેથી પથ્થર છુટેલો તને ખ્યાલ આવે છે? એ વખતે એ શિષ્ય કહે છે. ગુરુદેવ! પ્લીઝ બે મિનીટ – ત્રણ મિનીટ મને આપો. હું જરા યાદ કરી આવું. એને યાદ કરવું પડે છે…! કારણ? પથ્થર લાગવાની ઘટનાથી એ બેખબર છે.! પથ્થર લાગ્યો તો લાગ્યો.. એથી શું!
ઘટનાઓના સંસારમાં તમે છો. ઘટનાઓ ઘટ્યા જ કરવાની છે. પણ તમારે ઘટના પ્રભાવિત તરીકે રહેવાનું નથી, તમારે પ્રભુ પ્રભાવિત તરીકે રહેવાનું છે. તમે ઘટના પ્રભાવિત કે પ્રભુ પ્રભાવિત બોલો? એક સામાન્ય માણસ પણ ઘટના પ્રભાવિત છે. તમે પણ ઘટના પ્રભાવિત હોવ. What’s the difference? ફરક ક્યાં પડ્યો?
તો સદ્ગુરુચેતનાએ આપણને આ સમજાવ્યું કે બેટા નિમિત-નિમિત્ત-નિમિત્ત જેવું કાંઈ છે જ નહિ. તું જો સાધક છે તો તારી dictionary માં નિમિત્ત જેવો શબ્દ જ નથી. પેલાએ મને માર્યું એ વાત જ નથી.! સામું નિમિત્ત છે જ નહિ.! મારી ઉપાદાનની અશુદ્ધિને કારણે હું એને નિમિત્ત તરીકે કલ્પું છું, બાકી એ નિમિત્ત નથી; નિમિત્ત તો મારું કર્મ જ છે, એ વ્યક્તિ કાંઈ નિમિત્તરૂપ છે જ નહિ. અને પછી ગુરુ આપણા ઉપાદાનની શુદ્ધિ માટે મહેનત કરે. ઉપાદાનશુદ્ધિ એ જ હૃદયના પાત્રને નિર્મળ કરવાની પ્રક્રિયા.
તો સદ્ગુરુચેતના કદાચ ૧૦૦૦ જનમથી તમારા ઉપર કામ કરી રહી છે. પણ તમે એને સહકાર નથી આપ્યો. ગુરુ પાસે બેઠા ત્યાં સુધી ઠીક હતું, બહાર ગયા નિમિત્તોના સંસારમાં; હતા એના એ પાછા.! આ જનમમાં ગુરુચેતનાને એવો સહયોગ આપો. ગુરુ તમને ખાલી કરી દે; ખાલી થઈ જાઓ.! સદ્ગુરુ તમને ખાલી કરી દે; પ્રભુ તમને ભરી દે, કામ પૂરું થઈ ગયું.!
ઉપાદાનશુદ્ધિ માટે બહુ સરસ વાત દેવચંદ્રજી મહારાજે મહાવીરપ્રભુની સ્તવનામાં કરી. ‘સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે; દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા સહી નિકટ લાશે’. એ ઉપાદાનની અશુદ્ધિની બે રીત બતાવે છે, બે પ્રકાર. એક તો ઉપાદાન એટલો બધો અશુદ્ધ છે, એટલો બધો ગડબડિયો છે કે ઉપાદાનને શુદ્ધ કેમ કરવો? એની વિમાસણમાં ગુરુ પણ મુકાય અને તમે પણ મુકાવો. બીજું એવું અશુદ્ધ ઉપાદાન છે કે થોડીક તમે જાગૃતિ રાખો – થોડોક અપ્રમાદ તમારી પાસે આવી જાય, તો તમે એ અશુદ્ધ ઉપાદાનને શુદ્ધ કરી શકો એમ છો.
‘દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો’ – કાં તો ઉપાદાન એટલું ગડબડિયું છે કે એને કેમ સુધારવું? એની વિમાસણ થાય છે. કાં તો ઉપાદાન એટલું બધું અશુદ્ધ નથી પણ મારો પુરુષાર્થ પાંગળો પડ્યો છે. તો બંને પરિસ્થિતિમાં કરવું શું? બે પરિસ્થિતિ માટે ઉપાય એક જ આપ્યો – ‘સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મલો’ બસ પ્રભુનું દર્શન કર.! આપણે પ્રભુનું દર્શન ક્યારે કર્યું બોલો?
આનંદઘનજીએ કહ્યું; ‘વિમલજીન દીઠાં લોયણ આજ’. આજે તમને જોયા મેં.! આપણે પ્રભુને જોયા છે ક્યારેય? આંગીને જોઈ. પ્રભુની મૂર્તિમાં જે સંગેમરમર વપરાયો છે એને જોયો. White છે, black છે, yellow છે. પ્રભુનું દર્શન ક્યાં કર્યું? તમે કહો શું? પ્રભુનું દર્શન કરીને આવ્યા. પ્રભુનું દર્શન ક્યાં થયું છે? એમની વિતરાગદશા દેખાણી? એમનો પ્રશમરસ દેખાણો? શું દેખાણું?
આપણે ત્યાં એક ક્રમ છે- દર્શન, સ્પર્શન, નિમજ્જના. જિનગુણ દર્શનથી નિજગુણ દર્શન, જિનગુણ સ્પર્શનથી નિજગુણ સ્પર્શન અને જિનગુણ નિમજ્જનથી નિજગુણ નિમજ્જન. આખી જ આપણી ત્યાં ની પ્રક્રિયા છે. કાલે આપણે જોઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *