Mumukshu Vachna | 11-04-20 | Navsari Tapovan

22 Min Read

औदासिन्यनिमग्न:




નવસારી તપોવન વાચના – 14 [11.4.2020]

“પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પતાની પૃષ્ઠ ભૂમિકા ઉપર થયેલું દર્શન.

નિર્વિકલ્પ શી રીતે બનવું?

એના માટેનું એક સરસ સાધના સૂત્ર યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞશ્રીએ આપણને આપ્યું:

“औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा L

भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥“

પહેલું ચરણ : “औदसिन्यनिमग्न:” સાધક ઉદાસીનદશામાં ડૂબેલ હોય. આપણી તો એ પરંપરા જ છે. આપણી પરંપરા એટલી મજાની છે કે હું ઘણીવાર કહું છું કે વ્યવહાર અને નિશ્ચયનો આવું format દુનિયાની કદાચ કોઈ સાધનામાં નથી. કેટલી બધી સુવિધાઓ આપણને મળે છે!

હું નાનો હતો. સ્વાધ્યાયનો રસ લાગી ગયો. ૩૦ વર્ષ સુધી હું લગભગ એકાંતમાં રહ્યો. દાદા ગુરુદેવનું વય લગભગ એ વખતે ૮૫-૮૬ વર્ષનું, મેં દીક્ષા લીધી ત્યારે. એટલે વિહાર બહુ ઓછો થતો. ચોમાસું હોય ત્યાં જ મહા-ફાગણ સુધી રોકાવાનું. બીજું ચોમાસું હોય ત્યા નીકળી જઈએ અને પંદર દિવસમાં પહોંચી જઈએ. હવે આપણે ત્યાં ઉપાશ્રયોની સુવિધાઓ બહુ સારી. મોટા ઉપાશ્રયો. ગુરુદેવની ઉદારતા, એમને લાગ્યું કે આને સ્વાધ્યાયનો રસ છે. ભલે એકાંતમાં સ્વાધ્યાય કરે, કોઈ વાંધો નથી આના માટે. મને છૂટ આપી.

તો ૩૦ વર્ષ મેં પ્રવચનો નથી આપ્યાં. કશું જ કર્યું નથી. માત્ર હું એકાંતમાં જ રહ્યો છું. કામ માટે બહાર આવી જાઉં. વહોરવા પણ જઈ આવું. પણ ૨૨ થી ૨૩ કલાક તો મારા એકાંતમાં જ વિતતા. તો આ જે પરંપરા આપણી છે ને, એ બાહ્ય સંપર્કોથી આપણને disconnect કરી નાંખ્યા; અને એટલે ઉદાસીનદશામાં જવું બહુ સરળ થઇ જાય.

હમણાંની એક વાત કરું; ગુર્જિએફ હમણાંના યોગાચાર્ય થયા. એમણે રશિયાના ટીફનીસ શહેરમાં એક સઘન સાધના કરાવવાનો વિચાર કર્યો. આમ દસ-દસ દિવસની સાધના કરાવતાં. અઠવાડિયાની સાધના કરાવતાં. પણ એવી સાધના જેમણે વર્ષો સુધી ઘૂંટેલી હોય, એવા ચુનંદા સાધકોને એક પ્રગાઢ સાધનામાં એમને જોડવા હતાં. તો ૩૦ સાધકોને એમણે પસંદ કર્યા. એક હોલ આટલો મોટો લઇ લીધો. એક મહિનાની સાધના હતી. એ સાધનાની પૂર્વ સંધ્યાએ ગુરુએ એ બધા શિષ્યોને કહ્યું; કે આવતી કાલ સવારના છ વાગ્યાથી ૩૦ દિવસ માટેની તમારી પ્રગાઢ સાધના શરૂ થાય છે. એમાં ભીતર જવાનું તમને ફાવે છે. પણ આ સાધના એવી કરવી છે કે બહાર તમારું મન બિલકુલ ન જાય. એટલે કે એક જ હોલમાં તમે ૩૦ જણા હશો. કોઈ એકને પણ વિચાર આવી જાય કે પેલાએ આમ કેમ કર્યું – આટલો વિચાર આવી જાય, એણે હોલ છોડી દેવાનો, એની સાધના પુરી થઇ ગઈ. બીજાનો વિચાર કરવાનો જ નથી. બીજાના કોઈ ક્રિયા-કલાપને તમારે જોવાના નથી. માત્ર અને માત્ર તમારે તમારી ભીતર ઉતરવું છે. અઠવાડિયામાં 25 સાધકો નીકળી ગયા. સાધકો પણ નિષ્ઠાવાળા હતાં. કે ગુરુએ કહ્યું છે; એ જ રીતે સાધના કરવાની છે. મને તો વિચાર આવી ગયો પેલાએ કેમ આમ કર્યું? ખલાસ. આ વિચાર આવ્યો. મારે હોલની બહાર નીકળી જવું જોઈએ. પાંચ સાધકો રહ્યા. અને એ સાધકોએ મહિનાની પુરી સાધના પુરી કરી. એ પાંચમાં પણ શ્રેષ્ઠ સાધક તરીકે ઓસ્પેન્સ્કી હતા.

ગુર્જિએફના વિચારદેહને પુસ્તકોમાં આપનાર ઓસ્પેન્સ્કી છે. તો ૩૧ની સવારે સાધના પુરી થઇ. નાસ્તો થઇ ગયો. ગુર્જિએફ ઓસ્પેન્સ્કીને લઈને બજારમાં જાય છે. એ જોવા માંગે છે કે આ સાધના દ્વારા શું પરિવર્તન આવ્યું છે? ઓસ્પેન્સ્કી કહે છે; સાહેબ! મહિના પહેલા આવ્યાં હતાં, એ જ શહેર આ છે? શહેર તો બદલાઈ ગયું છે! શહેર તો બદલાઈ ગયું છે! સવારના ૯ વાગેલા હતાં. દુકાનો ખુલ્લી હતી. વેપારીઓ માલ આપતાં હતા. ગ્રાહકો લેતા હતા. પણ આ સાધના પછી એને બધું જ meaningless લાગે છે. અને કહે છે; આખું શહેર બદલાઈ ગયું કે શું? ઓસ્પેન્સ્કીને આનંદ થયો. મૂંઝવણ પણ આ હતી. ગુરુ પાસે મૂંઝવણ મૂકી દીધી. ગુરુએ કીધું; શહેર નથી બદલાયું, તું બદલાઈ ગયો છે! 30 દિવસની સાધના દ્વારા તારી મનોદશા ભીતર એટલી ઝુકી છે કે બહારની બધી ક્રિયાઓ હવે તને meaningless લાગે છે.

આવી જ એક ઘટના છે; એક ગુરુએ પોતાના એક શિષ્યને બીજા ગુરુ પાસે મોકલ્યો. આપણે તો ઉપસંપદા સામાચારી હતી ને, મારા શિષ્યને દર્શન શાસ્ત્ર ભણવા માટે હું બીજા આચાર્ય ભગવંત પાસે મોકલું. બીજા આચાર્ય ભગવંત એમના શિષ્યને મારી પાસે મોકલે. એવી ઉપસંપદા હિંદુ પરંપરામાં પણ હતી. તો એ ગુરુએ શિષ્યને બ્રહ્મવિદ્યાના આગળના અભ્યાસ માટે બીજા ગુરુ પાસે મોકલ્યો. એ શિષ્ય આવી ગયો બીજા ગુરુ પાસે. ગુરુના ચરણોમાં ઝૂક્યો. પોતાના ગુરુની ચિઠ્ઠી આપી. હવે બ્રહ્મ વિદ્યા એને શીખવાની છે. અને બ્રહ્મ વિદ્યાનું મુખ્ય સૂત્ર છે : “ब्रह्म सत्यं जगन्मिथ्या” પૂરું જગત જેને મિથ્યા લાગે એને જ આત્મતત્વ જે છે એની અનુભૂતિ તરફ જવાનું મન થાય. તો ગુરુ પૂછે છે; તું નગરને વિંધીને મારા આશ્રમમાં આવ્યો, તે આ નગરમાં શું જોયું? એને કહ્યું; ગુરુદેવ! માટીના પૂતળા માટી માટે દોડતાં હતા એ મેં જોયું. ગુરુએ કહ્યું ok. પણ હજુ ગુરુ ઊંડા ઉતરે છે. કારણ, સાધક તરીકે તમારું બાહ્ય જગતનું દર્શન કદાચ સાચું પણ હોય. તમારા પોતાના માટે તો દર્શન ખોટું પડવાનું. એટલે સાધનાજગતમાં મોટામાં મોટું ભયસ્થાન એક જ છે; over estimation. તમે તમારી સાધનાને હોય એના કરતાં ૧૦-૧૫ ગણી ચડિયાતી કરીને જોઈ લો.

એટલે ગુરુ એને આગળનો સવાલ પૂછે છે; અચ્છા, નગરની વાત તો તે કરી. આ ખંડમાં અત્યારે શું થઇ રહ્યું છે? ત્યારે એ કહે છે, સાહેબજી! એક માટીનું પુતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. ત્યારે ગુરુએ એને select કર્યો. અને એને બ્રહ્મ વિદ્યાના આગળના અભ્યાસમાં જોડી દીધો. આ આખી પરંપરા આપણે ત્યાં હતી. માત્ર હિંદુઓની પાસે નહિ, કે શીખોની પાસે નહિ, આપણી પાસે આ પરંપરા ચુસ્ત રીતે હતી.

એક આચાર્ય ભગવંત ભિન્ન-ભિન્ન ગ્રંથો ઉપર વાચના આપતાં, ક્યારેક અધ્યાત્મ બિંદુ ઉપર, ક્યારેક અધ્યાત્મસાર ઉપર, ક્યારેક અધ્યાત્મ ઉપનિષદ ઉપર. વાચના સતત એમની ચાલતી. એકવાર વાચનામાં એમણે પ્રશ્ન કર્યો શિષ્યોને કે તમને ખ્યાલ છે કે આ બધા ગ્રંથોની કહેવાની વસ્તુ એક જ છે – પરને છોડો અને સ્વમાં જાવ. આ ભિન્ન-ભિન્ન ગ્રંથો છે એટલું જ. બધા ગ્રંથોનું કહેવાનું એક જ છે; તું પરમાં ન જા, તું માત્ર સ્વમાં જા. તો ગુરુએ પૂછ્યું; કે તો પછી તમને એક જ ગ્રંથમાં ઊંડા ઉતારવાને બદલે હું ભિન્ન-ભિન્ન ગ્રંથો ઉપર શા માટે બોલું છું? પ્રશ્ન મજાનો હતો. તમે અધ્યાત્મ બિંદુ વાંચો તો પણ એ જ વાત આવવાની છે. અને સમાધિશતક વાંચો તો પણ એ જ વાત આવવાની છે. ખરેખર તમારી બુદ્ધિ જોડે cheating છે આમ જુઓ તો! તમને લાગે કે નવો ગ્રંથ ભણ્યા. એ લોકોને નવું કશું કહેવું જ નથી. શબ્દો જ નવા થોડા આમથી આમ મૂકી દેશે. વાત એક જ એમને કહેવાની છે અને એક જ વાત એ લોકો કહેવાના છે.

તો પ્રશ્ન મજાનો હતો કે દરેક ગ્રંથોનો કહેવાનો સાર એક જ છે. તો પછી હું ભિન્ન-ભિન્ન ગ્રંથો ઉપર શા માટે બોલું છું? શિષ્યોને ખ્યાલ નહિ આવ્યો. એટલે શિષ્યોએ ગુરુના મુખ સામે જોયું. આમ પણ શિષ્ય કેવો હોય? ‘ગુરુમુખદર્શી.’ બરોબર ને? એ વિશ્વદર્શી નહી. માત્ર ને માત્ર એ ગુરુ દ્રષ્ટિક છે. ગુરુમુખપ્રેક્ષી છે. શિષ્યોએ ગુરુની સામે જોયું; ત્યારે ગુરુએ કહ્યું, કે તમે બધા નવા નિશાળિયા થોડા છો! તમે બધા જુના જોગી છો. એટલે બની શકે કે કોઈ સાધક ગયા જનમમાં કોઈ સુત્રને ઘૂંટીને આવેલો હોય. બીજો સાધક બીજા સુત્રને ઘૂંટીને આવેલો હોય. હું એ ગ્રંથ ઉપર બોલું તો, જેની જન્માન્તરીય ધારાનો એ ગ્રંથ હોય એને આખા સંસ્કારો ખુલી જાય એના માટે હું આ રીતે બોલું છું.

અને એ સંદર્ભમાં હું એક વાત કરું છું. કે અસ્તિત્વના સ્તરનો એક ગ્રંથ તમારી પાસે જોઈએ. જેમ એક મંત્ર આપણી પાસે હોય છે. એમ એક ગ્રંથ આપણી પાસે જોઈએ. બીજા બધા ગ્રંથ ગુરુની આજ્ઞાથી ભલે તમે વાંચો, પણ સદ્ગુરુ તમારી અસ્તિત્વની ધારા પ્રમાણે એક ગ્રંથ તમને આપશે. અને એ ગ્રંથ તમારી અસ્તિત્વની ધારાનો ગ્રંથ. હવે એ ગ્રંથને રોજ ઘૂંટવાનો. એક-બે કલાક તો રોજ એ ગ્રંથ માટે રાખવાના. હવે ધારો કે તમે ૪૦-૫૦ વર્ષ સુધી એક ગ્રંથને ઘૂંટ્યો છે. બીજા જનમમાં આવા કોઈ સદ્ગુરુ મળ્યાં. એમની પાસે આ ગ્રંથ તમે સાંભળો છો. જાતિસ્મરણ તમને થઇ જાય છે. આખો ને આખો ગ્રંથ તમને મળી જાય છે. પણ એ ગ્રંથ મળે છે એ પણ બહુ મોટી હકીકત નથી. મોટી હકીકત કઈ છે? ગયા જનમમાં ૪૦ વર્ષ સુધી તમે એ ગ્રંથ ઘૂંટેલો. એ વખતે તમારી સાધના પણ ચાલુ હતી. તો એ તમે જે ગ્રંથને ઘૂંટ્યો એના શબ્દોની અંદર તત્કાલીન સાધનાનું પ્રતિબિંબ પડે.

જેમ આવી કોઈ જગ્યાએ આપણે જંગલમાં પ્રવચન આપીએ, તો પ્રવચનના શબ્દો પણ સંભળાય. અને playback માં પક્ષીઓનો મધુર નીરાગ પણ સંભળાય, બે mix થઇ જાય. એમ તમારો એ ગ્રંથ અને તમારી તત્કાલીન સાધના બે એકાકાર થઇ ગયા. તમારા એ ગ્રંથના ઘૂંટામણમાં સાધનાની છબી પડી. એટલે તમારી સાધના 24 કલાકની હતી. એ વખતની તમારી સાધના ૨૪ કલાકની હતી. તમે ગ્રંથ ઘૂંટતા હતા એ વખતે સાધના તો ચાલુ જ હતી. તમે મનોગુપ્તિમાં હતા, વચનગુપ્તિમાં હતા, કાયગુપ્તિમાં હતાં. જેમાં પણ હતા, એ સાધનાનું પ્રતિબિંબ આ ગ્રંથના શબ્દોમાં પડ્યું. એટલે બીજા જનમની અંદર માત્ર આ ગ્રંથ મળશે એમ નહિ, 40 વર્ષની બેઠી સાધના આ જનમમાં તમને એમને એમ મળી જશે! એટલે એક ગ્રંથ અસ્તિત્વના સ્તરનો હોવો જોઈએ.

ગૌતમસ્વામી ભગવાને જે વજ્રસ્વામીના આત્માને-દેવને પુંડરિક-કંડરિક અધ્યયન આપ્યું ને એ આ લયમાં આપ્યું. પેલો કહે સાહેબ દીક્ષા લેવી છે. દેવના જનમમાંતો દીક્ષા શક્ય નથી. પણ મનુષ્યના જન્મમાં હું જાઉં અને મારે દીક્ષા લેવાની છે એવું મને યાદ આવે એના માટે મારે શું કરવું જોઈએ? ત્યારે ગુરુએ આ સૂત્ર આપ્યું. અને કહ્યું; કે રોજ 500 વાર તારે આનો સ્વાધ્યાય કરવાનો. એ વખતે દેવ તરીકે એનું 500 વર્ષનું આયુષ્ય એનું બાકી હતું. 500 વર્ષ સુધી રોજ 500 વાર એ સુત્રનો સ્વાધ્યાય થયો. અસ્તિત્વના સ્તર સુધી ગ્રંથ પહોંચી ગયો. દીક્ષા..દીક્ષા..દીક્ષા.. અને એ વજ્રકુમાર તરીકે ઉત્પન્ન થાય. ઘોડિયામાં દીક્ષા શબ્દ સાંભળે. જાતિસ્મરણ જ્ઞાન થાય, ત્યાં જ નક્કી કરે, મારે દીક્ષા લેવાની છે. એટલે અસ્તિત્વના સ્તરનો ગ્રંથ, અસ્તિત્વના સ્તરની સાધના એક તમારી પાસે જોઈએ જ.

તો ઉદાસીનદશા જે છે, એને બરોબર કેળવવા માટે આપણું આ મુનિત્વ છે. એટલા બધા સરસ ગ્રંથો આપણી પાસે છે, આપણું જીવન ઓછું પડે. મેં એક પ્રવચનમાં કહેલું; કે હરીભદ્રસૂરિ મહારાજ કદાચ યુરોપમાં થયેલા હોત ને તો એક હરિભદ્ર સ્કુલ ચાલતી હોત. સ્કૂલનો મત પરંપરા. એક હરીભદ્ર પરંપરા ચાલતી હોત અને એમાં સેંકડો students હોત, જે માત્ર હરીભદ્રાચાર્યને બરોબર આત્મસાત્ કરત. મારી દ્રષ્ટિએ આપણી સાધનાને આત્મસાત્ કરવી હોય તો હરીભદ્રાચાર્યના ગ્રંથો વિના ચાલી શકે નહિ. એકદમ મનોવૈજ્ઞાનિક આયામના એ આચાર્ય છે.

તમને એક example આપું. પ્રણિધાનની વ્યાખ્યા કોઈ પણ કરે તો શું કરે? કોઈ પણ આચાર્ય ભગવંત પ્રણિધાનની વ્યાખ્યા કરે તો વ્યાખ્યા શું હોય? તે-તે ક્રિયામાં મનનું જોડાણ એ પ્રણિધાન. હરીભદ્રસૂરિ મહારાજે એ વ્યાખ્યા તો રાખી પણ એમાં ઉમેરણ કર્યું. “હીનગુણ દ્વેષાભાવ પરોપકાર વાસના વિશિષ્ટતા” મૂકી દીધી. (‘हीनगुणद्वेषाभावपरोपकारवासनाsविशिष्टोधिकृतधर्मस्थानस्य  कर्तव्यतोपयोग:’ ) કારણ એમને જોયું; કે સાધના માટે આવેલો આ સાધક છે. એ સાધના કરી રહ્યો છે. છતાં એનું મન સાધનામાં ન હોય એવું કેમ બની શકે? કારણ શું? બે કારણ એમણે પકડી લીધા. ક્યાંક તમને તિરસ્કાર આવી જાય છે. અને એમાં પણ તમે જો ક્રિયા perfectly કરતાં હોય ને, તો આની ક્રિયા આવી છે અને આનું ખમાસમણ આવું છે. નહિ, આપણને આ જોવાનો અધિકાર જ નથી. ગુરુ જ જોઈ શકે, તમે ન જોઈ શકો. તો તિરસ્કારનો અભાવ થવો જોઈએ. ક્યાંય તિરસ્કાર નહિ.

અને પરોપકાર વાસના વિશિષ્ટતા – સ્વાર્થીય બુદ્ધિ આપણી પાસે રહેલી છે. અને એ બુદ્ધિ સતત જોયા કરે, મારો સ્વાર્થ શી રીતે સધાશે? વૈયાવચ્ચ કરીએ ને આપણે ત્યારે પણ માત્ર નિર્જરાના ભાવથી કરીએ છીએ કે થોડી અપેક્ષા એમાં રહી જાય છે? હું આમની સેવા કરું, તો પ્રસંગે એ પણ મારી સેવા કરશે, આવો ભાવ ખરો મનમાં? કે માત્ર ને માત્ર નિર્જરા માટે તમારે વૈયાવચ્ચ કરવી છે.

અનંત જન્મોથી બે દોષો આપણી ભીતર છે – એક તો જીવદ્વેષ, બીજું સ્વાર્થીય વાસના. આ બંને તૂટે તો જ તમે તમારી સાધનામાં દત્તચિત્ત બની શકો. ઘણા લોકો કહે, સાહેબ મન નથી રહેતું એકાગ્ર. હું કહું કેમ ન રહે ભાઈ? કેમ ન રહે? તમારા ચંચળ મનને બાંધવા માટે કેટલા દોરડાં આપ્યાં? સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન. ચાર દોરડાં તો આપી દીધા! મન જાય ક્યાં હવે? ભાગે ક્યાં?

તો મનને શાંત બનાવવું છે. અને શાંત મન જે છે એમાં જ ઉદાસીન દશા આવશે. અને એટલે જ ચિદાનંદજી મહારાજે કહ્યું; “સમરસભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્થાપન હોઈ; અવિનાશી કે ઘરકી બાતા, જાનેંગે નરસોઈ” પ્રભુના ઘરની વાતો, ગ્રંથોમાં મુકાયેલા પદાર્થો કોણ જાણી શકશે?યાદ રાખો – માત્ર બુદ્ધિથી શાસ્ત્રોને સમજી શકાય નહિ!

અમે એકવાર પાલીતાણામાં હતાં. હું નાનો એ વખતે. અમે લોકો પન્નારૂપામાં હતા. અભયસાગર મ.સા. ની વાચના ગિરિવિહારમાં ચાલતી હતી. રોજ બપોરે અમે ત્યાં જતાં. સાહેબ મીશનરી પુરુષ હતાં. એક મિશન લઈને બેઠેલા. તો સતત અમને કહ્યા કરતાં કે તમે લોકો જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ માટે આટલો બધો ભાર મુકો છો, મોહનીયના ક્ષયોપશમ માટે તમે શું કર્યું?

પછી એક example આપતાં; કે ધારો કે તમે એક કલાકમાં 50 ગાથા કરી. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કર્યો. અને મેં 50 ગાથા કરી – એવો અહંકાર કર્યો, તો તમે જ્ઞાનાવરણીય નો ક્ષયોપશમ અને મોહનીયનો ઉદય. સાધનામાર્ગમાં આગળ જવા માટે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ બહુ જરૂરી નથી, મોહનીયનો ક્ષયોપશમ જ જરૂરી છે.

શાસ્ત્રમાં એક વાત આવે છે; કે કોઈ શિષ્યને દીક્ષા લેવી છે. તો એની પાસે basic knowledge કેટલું હોવું જોઈએ? તો સરસ વાત કરી કે દીક્ષા લીધા પહેલા કદાચ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો દીક્ષા લીધા પછી પણ આવશ્યક ક્રિયાઓનું જ્ઞાન એની પાસે હોય તો basic knowledge થઇ ગયું. કારણ એ ગુરુના supervision માં છે. ગુરુએ જે શાસ્ત્ર વાંચેલા છે, એનો અર્ક એને મળી જવાનો છે. તમારે મુંબઈમાં બ્રીચકેન્ડી હોસ્પિટલમાં એડમીટ થવું હોય તો તમને પૂછે; કે મેડીકલ બુલેટીન્સ કેટલા વાંચ્યા છે તમે? તમે અંગ્રેજી ભણેલા છો કે નહિ? ત્યાં એક જ વાત છે – હોસ્પિટલમાં એડમીટ તમે થયા તો મેડીકલ supervision ના તાબા નીચે તમારે રહેવાનું અને એ લોકો જે કહે એ તમારે કરવાનું. આ જ વાત આપણે ત્યાં છે. આપણી આ હોસ્પિટલ જ છે. દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોસ્પિટલ અને એમાં તમે એડમીટ થયેલા છો.

તો શાસ્ત્રોએ કહ્યું; કે basic knowledge તરીકે માત્ર આવશ્યક ક્રિયાઓનું જ્ઞાન છે ચાલી જશે. કારણ એને શું કરવું, શું ન કરવું, ગુરુ એને કહી રહ્યા છે. સારણા, વારણા, ચોયણા, પડીચોયણા ગુરુ કરી રહ્યા છે. બીજી એક હોસ્પીટલની પરંપરા છે, મોટા ડોક્ટર હોય ને round માં નીકળે. એ સામાન્ય દર્દી પાસે સ્વસ્થ થઇ ગયો હોય તો બે મિનિટ ઉભા રહે. કેમ છો અંકલ મજામાં? ક્રીટીકલ પેશન્ટ છે તો ત્યાં પા કલાક પણ ઉભા રહે. મોનીટર્સ જુએ. નર્સોને બધી સુચના આપે, દવાઓમાં ફેરફાર શું કરવો એની વાત કરે. હવે જનરલ વોર્ડમાં જ પેલો પેશન્ટ છે, અને આ પેશન્ટ છે, પેલા પેશન્ટ પાસે ડોકટર બે મિનિટ ઉભા રહ્યા. કેમ છો અંકલ મજામાં? પેલાની પાસે ડોકટર પા કલાક ઉભા રહે. પેલા પેશન્ટને શું થાય, બોલો? સાહેબ પક્ષપાતી જ છે ને આમ તો! મારી પાસે બે મિનિટ બેઠા અને એની પાસે..!

તમને ગુરુ માટે આવું થાય છે? ગુરુએ પેલા શિષ્યને કલાક ભણાવ્યો અને મને અડધો કલાક ભણાવ્યો…! પછી હોસ્પિટલનું એક મજાનું તંત્ર છે; કે મોટા ડોકટર roundમાં નીકળે. એક જ વાર દર્દીઓને જોઈ લેશે. તે-તે વોર્ડમાં, તે-તે rooms ની અંદર અલગ-અલગ નર્સો છે. અને બધી ડોક્ટર જોડે ફરતી હોય. ડોકટર કહે એ સુચના લખી દેતી હોય. અને પછી ડોક્ટરના ગયા પછી એ બધી જ સુચનાઓને follow up કરાવવાનું કામ જે છે ને એ નર્સીસનું છે. આપણે ત્યાં આ જ વાત છે, એક ગીતાર્થ ગુરુ જે છે, એમનું કામ સાધના આપવાનું છે. અને એ જે સાધના તમને અપાઈ એને તમે બરોબર follow up કરો છો કે નહિ, એ જોવાનું કામ તમારા ગુરુનું છે. મારો શિષ્ય હોય અને કોઈનો ગુરુ થવાનો હોય તો હું એને કહી દઉં કે જો તું વ્યવહાર ગુરુ છે, તારી જાતને નિશ્ચય ગુરુ તરીકે સમજતો નહિ. નિશ્ચય ગુરુ, સાધના ગુરુ એ તો આપણા ગીતાર્થ ગુરુ જ હોય છે.

કેટલી મજાની પરંપરા હતી, એક ગીતાર્થ ગુરુ હોય એ તમને બધાને સાધના આપે. અને એ સાધનાને follow up કરાવવાનું કામ પાછળનું આખું તંત્ર જે છે એ કર્યા કરે. એમ થાય કે કેવો એક સ્વર્ણિમ ભૂતકાળ આપણો હતો. એક tradition, એક પરંપરા એવી હતી કે જેમાં સામાન્ય માણસ પણ ઊંચકાઈ જાય. શ્રેષ્ઠ સાધક તો ઊંચકાઈ જાય, સામાન્ય સાધક પણ ઊંચકાઈ જાય! ભલે આપણે આખા શ્રમણ સમૂહમાં આના માટે કાંઈ કરી ન શકીએ. આપણા વૃંદમાં આપણે કરી શકીએ.

તો તમારી સાધના કેવી રીતે follow up કરાવવી એ તમે જોઈ લો. નિશ્ચય ગુરુ છે ને, શું કરે છે ખબર છે – વ્યવહાર અને નિશ્ચય નું balancing કરે છે. ગીતાર્થ ગુરુનું કામ શું સમજી લો – વ્યવહાર અને નિશ્ચય સાધનાનું balancing કરવાનું. તમારી કક્ષા કઈ છે એ જોઈ લે છે, તમારી કક્ષાને અનુરૂપ એ વ્યવહાર અને નિશ્ચયનું balancing આપે છે. એકદમ પ્રારંભિક સાધક છે તો ૯૦% વ્યવહાર સાધના એની પાસે છે ૮ કે ૧૦ કલાકની એની સાધના છે, એમાં લગભગ ૬ થી ૭ કલાકમાં આટલો સ્વાધ્યાય, આટલો જાપ, આટલી ભક્તિ, આ બધી જ વ્યવહાર સાધના આપી દે છે અડધો- પોણો કલાક કે કલાક અનુપ્રેક્ષાનો આપે છે, જેમાં એને નિશ્ચયમાં જવાની તૈયારી કરવાની છે. કે હું આ બધું શા માટે કરું છું? મારું ઉદેશ્ય શું છે? – આ પ્રારંભિક સાધક માટે. પછી ratio બદલાતો જાય. ૯૦-૧૦ હતું. ૮૦-૨૦ થઇ શકે. ૭૦-૩૦ થઇ શકે. એ રીતે ratio બદલાતો જાય.

તો ગીતાર્થ ગુરુ તમારી કક્ષાને જોઇને તમને સાધના આપે છે. ગીતાર્થ ગુરુ face reading ના માસ્ટર. તમારા ચહેરાને જોઈને અત્યારની તમારી સાધનાને નક્કી કરી લે. અને આ જન્મના અંત સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય છે એ પણ એ જોઈ લે છે. કદાચ તમારામાં એ સંભાવના ઓછી છે, તો એ સંભાવનાઓને પેદા કેમ કરવી, એ પણ સદ્ગુરુ જાણે.

એકવાર હું બોલતો હતો વાચનામાં. ‘બધું સદ્ગુરુ કરી લે.’ સાધના આપે સદ્ગુરુ. તમારી સાધનાની અંદર અવરોધ આવે તો હટાવે પણ સદ્ગુરુ. બધું જ સદ્ગુરુ કરી લે. એક ભાવક મને કહે; તો અમારે શું કરવાનું? બધું જ સદ્ગુરુ કરે તો અમારે શું કરવાનું? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું; કે ભાઈ તારે પથરા નહિ નાંખવાના, આટલું જ કામ કરવાનું! અનંત જન્મોથી આ થયું. પ્રભુની આજ્ઞા હતી એટલે સદ્ગુરુ ચેતના તો તમારા ઉપર કામ કરતી જ આવી છે. પણ તમારી પાસે બે પથ્થર મોટા હતાં- એક બુદ્ધિ અને એક અહંકાર. અને એ પથ્થર તમે સાધનાના ઝરણામાં નાંખતા જ ગયા. અને તમારી સાધનાના ઝરણાને અટકાવનાર તમે પોતે ‘જ’ છો.

તો સદ્ગુરુ તરફથી કોરો ચેક છે. તમારા તરફથી કોરો ચેક? કોરી સ્લેટ? હું ઉપધાન કરાવું ને ત્યારે મને માળવાળા કે પહેલા-બીજા અઢારીયાવાળા ગમે. આયોજકોને પણ એ ગમતું હોય. પણ આયોજકોનું આખું દ્રષ્ટિબિંદુ અલગ છે. કે ઠેઠ સુધી આ લોકો રહે. માળ વખતે જરા મહોત્સવ થાય. મારી આખી ઈચ્છા એ કે પહેલી જ વાર જે ઉપધાનમાં આવે છે. એ કોરી સ્લેટ હોય. અને એ જો કોરી સ્લેટ હોય ને, તો એના ઉપર બધું સરસ રીતે લખી દઉં કે એના અસ્તિત્વ સુધી એ શબ્દો જાય. હું ઉપધાનમાં પુરી મહેનત કરતો હોઉં છું. અઢારીયાવાળા ઉપર. પહેલા ઉપધાનવાળા ઉપર. પછી બીજા પણ બેસે. પણ બે-બે , તન-ત્રણ, ચા-ચાર વાચના આપતો હોઉં છું. એટલા માટે જ કે કોરી સ્લેટ જો આવી છે મારી પાસે તો મારે એને ભરી દેવી જોઈએ. તો તમે બધા કોરી સ્લેટ જેવા થઇ જાવ! કોરો ચેક લઈને કાલે આવી જજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *