નહિ અચાહ, નહિ ચાહના
ન રાગ, ન દ્વેષ. સાધકના સ્તર ઉપર આનું નાનકડું edition આપણે એ લાવી શકીએ કે કદાચ નિમિત્ત મળી ગયું અને રાગ-દ્વેષ-અહંકારમાં તમે ચાલ્યા પણ ગયા, તો પણ તમારી જાગૃતિ એવી પ્રબળ હોય કે થોડી જ ક્ષણોમાં એ નિમિત્તની અસરમાંથી તમે મુક્ત થઇ જાઓ; દિવસો કે મહિનાઓ સુધી એની અસર ન ચાલે.
એના માટેનો એક practical approach. તમારી પાસે એક ડાયરી હાથવગી હોય જેમાં રાગ, દ્વેષ, અહંકારને ખતમ કરી શકે તેવા સશક્ત વચનો લખાયેલા હોય. જેવો તમને ખ્યાલ આવે કે વિભાવનો ઉદય થયો છે કે તરત એ ડાયરીના એક સૂત્રની અંદર તમે તમારા મનને પરોવી દો અને એ નિમિત્તની અસરથી બચી શકો.
આ રીતે તમે નિમિત્તોની દુનિયામાં હોવા છતાં ધીરે ધીરે નિમિત્તોની અસર ઓછી થતી જશે. અને પછી તમે એવા સાધક બનશો, જેની dictionary માં નિમિત્ત નામનો શબ્દ જ નહિ હોય! _નિમિત્ત વળી શું? મારા ઉપાદાનની અશુદ્ધિ એ જ નિમિત્ત; બીજું કોઈ નિમિત્ત છે જ નહી!_
નવસારી તપોવન વાચના – 37 [4.5.2020]
સુક્ષ્મ તપાચારમાં અભ્યંતર તપના પ્રકારો. વિનય અને વૈયાવચ્ચ દ્વારા અહંકાર શિથિલ બને અને સમર્પણની ધારામાં આપણું પ્રયાણ ચાલુ રહે. એના અનુસંધાનમાં કબીરજીનું એક પદ આપણે કાલે જોતા હતા; “ભક્તિ કા મારગ ઝીણા ઝીણા રે, નહિ અચાહ નહિ ચાહના, ચરનન લય લીના રે”. આમાં એક બહુ મજાની વાત છે. કબીરજી તો કહે છે; ‘નહિ અચાહ, નહિ ચાહના.’ ન રાગ, ન દ્વેષ. પણ સાધકના સ્તર ઉપર એક નાનકડું edition આપણે લાવી શકીએ. અને એ edition એ હોય કે કદાચ નિમિત્ત મળી ગયું. રાગમાં, દ્વેષમાં કે અહંકારમાં તમે ચાલ્યા ગયા. તો પણ કેટલી મિનીટ? હવે જાગૃતિ તમારી પ્રબળ બને તો નિમિત્તો તો રહેવાના જ છે. પણ નિમિત્તોની અસર ઓછી, ઓછી, ઓછી થતી જશે.
બુદ્ધ ભગવાન વિહારમાં હતા. પટ્ટશિષ્ય આનંદ પણ જોડે. જુના જમાનાનો રસ્તો. વચ્ચે એક વહોળો આવ્યો પાણી ભરેલો. થોડી વાર પહેલા એક ગાડું તેમાંથી પસાર થયેલું હશે. એટલે નીચેનો કચરો બધો ઉપર આવી ગયેલો. એટલે પાણી મઠમેલું થઈ ગયેલું. જેમ-તેમ કરીને એ વહોળાને પસાર કર્યો. થોડેક દુર ગયા. બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા. આનંદની પાસે તો એક જ કાર્ય છે – પ્રભુ કહે તેમ કરવાનું, પ્રભુની આજ્ઞા પ્રમાણે એક-એક ક્ષણને વિતાવવાની. બુદ્ધ બેઠા વૃક્ષ નીચે. આનંદ પણ બેઠો. અને બુદ્ધે કહ્યું; આનંદ તરસ લાગી છે. પાણી જોઈએ. એના માટે તો એ ભગવાન.! મારા પ્રભુએ મને કહ્યું! કમંડળ હાથમાં લઈને પાણીની ખોજમાં જાય છે. પણ થોડું દુષ્કાળનું વાતાવરણ. કુવા પણ સુકાઈ ગયેલા. બીજું બધું સુકાઈ ગયેલું. હા, પેલા વહોળામાં પાણી હતું. એ તો કેટલું ગંદુ હતું? એટલે બે-ચાર ખેતરોમાં ફરે છે. અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. ક્યાંય તળાવ નથી.. છે તો સુકાઈ ગયેલા તળાવો છે.
અડધો પોણો કલાકે આનંદ નિરાશ થઈને પાછા આવે છે. એટલી બધી ગ્લાની મનમાં છે. મારા ભગવાને કહ્યું હોય અને હું ન કરી શક્યો હોઉં આ પહેલી વાર બન્યું છે. મારા ભગવાનને પાણી પીવું છે. હું એમને પાણી ન આપી શકું? એની આંખમાં આંસુ આવે છે. બુદ્ધની પાસે આવ્યો, કહ્યું, પ્રભુ! ખુબ ફર્યો અડધો કલાક પણ ક્યાંય કોઈ પાણીનો સ્ત્રોત નથી. બુદ્ધ હસ્યા. બુદ્ધે કહ્યું; કેમ? આપણે પેલા વહોળામાંથી આવેલા, એમાં પાણી નહતું? દૂધ હતું?! તું કહે છે, પાણી ક્યાંય નથી! જા, ત્યાંથી લઇ આવ! આજ્ઞા એટલે આજ્ઞા. એક ક્ષણ સામે બોલવાની ઈચ્છા નથી થતી. કે ગુરુદેવ એટલું ગંદુ પાણીને આપણે શી રીતે પી શકીએ! થોડા આગળ જઈએ, ક્યાંક પાણી મળી જશે. નહિ! મારા ભગવાન બોલ્યા એટલે વાત પૂરી થઈ ગઈ! એ કમંડળ લઇ અને વહોળા પાસે ગયો. અને શું થયું? અડધો-પોણો કલાક જે થયો ને. એટલે કચરો બધો નીચે જતો રહ્યો. ઉપરનું પાણી થઈ ગયું સ્વચ્છ. એટલું સ્વચ્છ નિર્મળ પાણી કમંડળમાં ભરીને આવ્યો. બુદ્ધે પીધું. પછી આનંદને આપ્યું. આનંદે પીધું. કોપરા જેવું મીઠું પાણી. નિર્મળ પાણી.
એ વખતે બુદ્ધે કહ્યું; આનંદ! તું એક વાત સમજ્યો? આપણે ઉતર્યા ત્યારે વહોળાનું પાણી કેવું હતું? અને અત્યારે કેવું હતું? આપણે ઉતર્યા એ પહેલા થોડી ક્ષણો પહેલા. ભાર વહેનારું ગાડું એમાંથી પસાર થયું, એના કારણે કીચડ ઉપર આવતો રહ્યો. પણ એ ગંદકીને નીચે જતા વાર કેટલી લાગી? એમ સાધકનું મન પણ આવું જ હોવું જોઈએ. નિમિત્તનો પથરો પડે. કચરો ઉપર આવી પણ ગયો. પાંચ-દસ મિનિટ – પંદર મિનિટ થાય, એકદમ નિમિત્તની અસરમાંથી તમે મુક્ત થઈ જાઓ. અને જો તમને પણ નિમિત્તોની અસર દિવસો સુધી, મહિનાઓ સુધી રહેતી હોય, તો સાધકના મનમાં અને અસાધકના મનમાં ફરક શું થયો? એટલે સાધકનું મન આવું છે. કદાચ નિમિત્તની અસર થઈ ગઈ. પાંચ મિનીટ, સાત મિનીટ.
એક શું કામ કરવું જોઈએ, તમને સમજાવું, પ્રેક્ટીકલ. રાગના નિમિત્તો આવવાના. દ્વેષના નિમિત્તો આવવાના. અહંકારના નિમિત્તો આવવાના. તો તમારી પાસે એક ડાયરી હાથવગી જોઈએ. રાગ ઉત્પન્ન થાય ત્યારે એ રાગને ખતમ કરી શકે એવા સશક્ત વચનો એ ડાયરીમાં લખાયેલા હોવા જોઈએ. તમને ખ્યાલ આવ્યો. રાગનો ઉદય થયો છે. તરત એ ડાયરીના એકાદ સૂત્રની અંદર તમારા મનને પરોવી દો. દ્વેષ આવ્યો છે. એના માટે પણ સુત્રો લખી દો. અહંકાર માટે પણ સૂત્ર લખી દો. અહંકાર માટેનું બહુ મજાનું સૂત્ર છે, આચારાંગજીનું, “णो लोगस्सेसणं चरे।” બેટા! તારે લોકેષણામાં જવાનું નથી. ભગવાનને ખ્યાલ હતો કે કદાચ મારા પંથ ઉપર આવેલો આ સાધક પદાર્થોના, વ્યક્તિઓના કે શરીરના રાગથી પણ ઉપર ઉઠેલો હશે. અને રાગ શિથિલ બનેલો હશે તો દ્વેષ પણ શિથિલ બનેલો હશે. પણ એ લોકસંજ્ઞામાં, અહંકારમાં નીચે પડી જવાનો છે. એટલે ભગવાને લાલ લીટી કરીને કહ્યું: “णो लोगस्सेसणं चरे” – તારે લોકેષણામાં જવાનું નથી.
તો નિમિત્તની દુનિયામાં તમે છો. નિમિત્ત આવશે. એની અસર ઓછી-ઓછી-ઓછી થતી જાય. અને પછી તમે એવા સાધક બનશો, જેની dictionary માં નિમિત્ત નામનો શબ્દ નહિ હોય. નિમિત્ત વળી શું? નિમિત્ત કંઇ છે જ નહિ! તમારા ઉપાદાનની અશુદ્ધિ એ જ નિમિત્ત, બીજું કોઈ નિમિત્ત છે જ નહી! બોલો તમે કેટલું જુઓ? વહોરવા જાઓ તો પણ? અને અવધિજ્ઞાની મહાત્મા કેટલા દ્રશ્યો જોઈ શકે? પાંચ-દસ કિલોમીટરની ત્રિજ્યામાં એમનું અવધિજ્ઞાન છે. તો શું ન જોઈ શકે, એ મને કહો. પણ એ જાગૃત છે. જ્ઞાની છે. માટે એમને એની અસર નથી થતી. હા, ક્યારેક જાગૃતિ એમની પણ નબળી પડે તો એ સહેજ ચુકી પણ જતા હોય છે.
જ્ઞાનપંચમી ના દેવવંદનમાં એક સરસ પંક્તિ છે; ‘કાઉસગ્ગમાં મુનિ હાસ્યતિ વિઘટ્યો અવધિ ઉપયોગ’. એવું બન્યું – મહાત્માએ કાજો લીધો. પરઠવ્યો. તો પછી પારિષ્ઠાપનિકા ના ઈરિયાવહિયા આવે. એ ઈરિયાવહિયાનો કાઉસગ્ગ કરે છે. એમાં એટલી નિર્મળ પરિણતિ થઈ કે અવધિજ્ઞાન એમને થયું. અવધિજ્ઞાન થયું અને પહેલા દેવલોક સુધીનું અવધિજ્ઞાન થયું.! તો દેવલોકનું દ્રશ્ય પકડાયું. દેવલોકમાં એ વખતે એવું થયેલું કે ઇન્દ્રાણી રિસાઈ ગયેલાં. ઈન્દ્ર એમને મનાવે છે. પણ ઇન્દ્રાણી માનતા જ નથી. ઈન્દ્ર એને બહુ જ પ્રેમથી મનાવે છે. ઇન્દ્રાણી છંછેડાય છે. અને પગની પાટું ઇન્દ્રને મારે છે. ૩૨ લાખ વિમાનોનો સ્વામી સૌધર્મેન્દ્ર એને એની ઇન્દ્રાણી પગની પાટું મારે છે! અને એ વખતે મોહાધીન એ ઈન્દ્ર પોતાની પત્નીના પગને પંપાળે છે કે તને કંઇ વાગ્યું તો નથી ને? આ દ્રશ્ય જોતા હસવું આવી ગયું.
હકીકતમાં તો એમ થાય કે મોહ ભલભલાને કેવું ભાન ભુલાવે છે! ઈન્દ્ર એટલે સમ્યગ્દ્રષ્ટિ જ છે. છતાંય એનામાં પણ મોહનો ઉદય આટલો બધો! કે આટલી હદે એ નીચે ઉતરી જાય! એટલે મોહની જે કારમી દશા છે એનો અનુભવ થવો જોઈતો હતો, એના બદલે હસી ગયા. આ આવું? જ્યાં હસ્યા, નિર્મળ મનોદશા ગઈ, અવધિજ્ઞાન ગયું.
કેવળજ્ઞાની ભગવંતની વાત તો સિધ્ધી છે. એ સર્વજ્ઞ છે. એમને બધું જણાયા કરે છે. ભગવાન બધું જાણે છે, એ બાળજીવો માટેની વાત છે. બધું જણાઈ રહ્યું છે, એ આપણા માટેની વાત છે. જાણે છે એનો મતલબ તમે એવો કરશો કે પ્રભુનો ઉપયોગ એ પદાર્થોમાં છે. પ્રભુનો ઉપયોગ માત્ર સ્વમાં છે. સ્વને છોડીને ક્યાંય છે નહિ, હોઈ શકે પણ નહિ.
ને દિગંબર ગ્રંથોએ આની બહુ જ સરસ સ્પષ્ટતા આપી છે કે બધું જણાયા કરે છે. દર્પણ સામે છે તો સામે વ્યક્તિ આવશે, એના પ્રતિબિંબ પડયા કરશે. એટલે દર્પણને કાંઈ નથી. એમ પ્રભુના જ્ઞાનમાં બધું દેખાયા કરે છે પણ પ્રભુનો ઉપયોગ માત્ર સ્વમાં છે. એ જે કેવળજ્ઞાન છે ને એનું નાનકડું edition એટલે જ્ઞાતાભાવ. અને એ અત્યારે તમારી પાસે હોવું જોઈએ.
જ્ઞાતાભાવનો મતલબ શું થયો? તમે જાણો છો, પણ તમારો એમાં રસ નથી. એટલે એ જાણવાને કારણે રાગ કે દ્વેષ તમને ઉભા થતા નથી. તમને એ ખ્યાલ તો છે કે મારું કપડું છે. મારા ચશ્માં છે એ ખ્યાલ આવે છે. એટલે તમે જાણો છો ખરા, પણ મારા ચશ્માં બહુ સારા છે, એની ફ્રેમ બહુ સારી છે – એવી આસક્તિનો ભાવ જન્મતો નથી.
તો શું થયું? એ જાણે છે, એમ કહેવાને બદલે, જણાઈ રહ્યું છે, એમ કહેવું વધારે સારું પડે કારણ કે એનો ઉપયોગ એ પદાર્થોમાં નથી. અજ્ઞાન અને જ્ઞાનમાં તફાવત આટલો જ છે. તમે કોઇ પણ પદાર્થ કે વ્યક્તિને જાણો, જાણ્યા પછી સારા-નરસાની વિભાવના કરો, અને રાગ-દ્વેષ કરો – એ અજ્ઞાન. અને જણાઈ જાય, પણ એ પદાર્થ માત્ર પદાર્થ છે, અને વ્યક્તિ હોય તો અનંતગુણોથી યુક્ત છે – આ રીતનું દર્શન થાય છે; એના કારણે રાગ-દ્વેષ થતો નથી, અને રાગ-દ્વેષ નથી થતો માટે જ્ઞાતાભાવ છે.
તો ચોથા ગુણઠાણે જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ આવે છે. પાંચમે પણ એ જ જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવ. છઠ્ઠે પણ એ જ. સાતમે પણ એ જ. માત્ર ઉદાસીનદશા ઉમેરાતી જાય એમ જ્ઞાતાભાવ તીક્ષ્ણ બનતો જાય. એટલે કહ્યું; ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ’.
સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું; ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ’. જ્ઞાનમાં જેટલી તમે ઉદાસીનદશા વધુ ભેળવો, એમ એ ચારિત્ર તરફ જતું જાય. ચોથા ગુણઠાણાવાળા પાસે જ્ઞાતાભાવ છે. છતાં અવિરતિમાં છે. મોહના ઉદયને અધિન છે. તો સમજાવવા છતાં એ રાગમાં જતો રહે છે. એને એકબાજુ ખ્યાલ છે કે આનો કોઈ અર્થ નથી. આ બધું નકામું છે. છતાં મોહનું દબાણ એટલું હોય કે એ વખતે થોડો વશમાં આવી જાય. બાકી એને ખ્યાલ હોય કે આ નકામું જ છે.
શાસ્ત્રોએ કહ્યું; કે ક્ષાયિક સમકિતીની મનોદશા કેવી હોય? તો ઉપમા આપી. કોઈને ખરજવું થયું છે. ખરજવામાં ખણ બહુ આવે. તમે ખણો એટલે સારું લાગે. તો એક ક્ષાયિક સમકિતી આત્મા છે. એ કેવો છે? એની મનોદશા કેવી છે? કે એક જાગૃત માણસ હોય, એને બહુ જ ખણ ઉપડી, તો ખણશે ખરો, સોફ્ટલી ખણશે. કારણ કે એને ખબર છે કે જેટલું વધારે હું ખણીશ એટલી પીડા મારે જ ભોગવવાની છે.
પણ અજ્ઞાની માણસ કેવો હોય? એનું પણ દ્રષ્ટાંત શાસ્ત્રમાં આપ્યું; કે એક માણસ રણના કાંઠે એક ગામમાં રહેતો હતો. માટીના બનાયેલા ઝુંપડા ત્યાં. નળિયા-બળિયા પણ ઉપર ન હોય. હવે એમાં એ માણસને ખરજવું થયું. બાજુમાં જ રણ. રણમાં ખાલી રેત. ખણતા-ખણતા નખના ટેરવા પાકી ગયા. નખના ટેરવા પાકી ગયા. હવે શું કરવું? કોઈ સાંચીક્ડું હોય, એવું કંઇક હોય એનાથી ખણી શકાય. ત્યાં તો એવું કંઇ હતું જ નહી. એમાં એક વૈદ્ય એ રણને પસાર કરીને જઈ રહ્યા છે. એને તરસ લાગેલી. તો આ માણસ પોતાની ઝુંપડીની બહાર બેઠેલો. ત્યાં વૈદ્ય બેઠા. પેલાએ પૂછ્યું કે પાણી આપું. તો કહે; પાણી આપો. પાણી પીધું.
એ વખતે પેલાએ વૈધની ઝોળીમાં જોયું. વૈદ્યની ઝોળીમાં શું હોય? દવાઓ હોય. પહેલા લોકો ઓસળીયા રાખતા – બોળીયા. વાટી-વાટીને આપે. તો આને થયું ઓહો, આ તો બહુ સુખી માણસ છે. જો ને ખણવા માટે કેટલું બધું રાખ્યું છે? જબરદસ્ત સુખી માણસ છે આ. મેં પાણી પણ આપ્યું છે એને. તો થોડા માંગી લઉં એની પાસેથી. ખણવા કામ આવે. એણે વૈદ્યને કહ્યું મને થોડા આપી દો ને? વૈદ્ય કહે શેના માટે પણ? જુઓ ને મને આ ખરજવું થઈ ગયું છે. ઓહો ખરજવું થયું છે ને? દવા આપું તો મટી જાય. ના, ના એમ તો નહિ ભાઈ. પછી મટી જાય તો ખણવાનું ન રહે. તો મજા શું જીંદગીની? બીજો રસ કયો રહે? એટલે આપી શકાતા હોય તો આ ત્રણ સાંચીકડા આપી દો. બાકી મટાડવા કરવાની વાત નહિ કરતાં! એ છે તો મજા છે. બાકી છે શું? એ ખણું છું એટલે મજા આવે છે. આ ભવાભિનંદી આત્માની મનોદશા. અને પેલી ક્ષાયિક સમકિતીની મનોદશા.
તો કેવળજ્ઞાનમાં બધું જણાયા કરે છે. જ્ઞાતાભાવમાં પણ બધું જણાયા કરે. કોઈ આવી ગયા. કોઈની જોડે વાત થઈ ગઈ. તમે ભૂલી જાઓ. કોઈ પૂછે શું વાત હતી? કંઇ ખ્યાલ નથી. કંઈક વાત હતી. શું વાત હતી ખબર નથી. એક વાત તમને કહું, તમારો રસ જ્યાં નથી ને, ત્યાં તમારું મન ચોંટતું નથી. સવારથી મારી પાસે પેપર આવેલું હોય. અને આપણી આંખની એક કુટેવ હોય. કે સામે પડેલું હોય તો હેડીંગ જોયા કરે. મેં દસ વાર એના હેડીંગ જોયેલાં હોય, પહેલા પાને. તો કદાચ હું આંખો બંધ કરીને વિચારુ ને કે શું સમાચાર છે પહેલા પાને? તો મને ખ્યાલ નહિ આવે. પણ વચલા પાને જિનશાસનના કોઈ સમાચાર હોય અનુમોદનાના. તો મારી આંખ રહી જાય કે ઓહ પાંચમાં પાને આ સમાચાર છે. કો’કને કહું પણ ખરો કે પાંચમું પાનું વાંચજે.
એટલે જ્યાં મારો રસ હતો ત્યાં જ મારું મન સ્થિર થયું. બીજું વંચાઈ ગયું અને ગયું. અને હવે તમારો રસ ક્યાં છે? અને એ રસ ક્યાં રહેવો જોઈએ એની વાત કરી; “ભક્તિ કી રસધાર મેં નિશદિન ભીના રે”. માત્ર ભક્તિની રસધારામાં તમે રાત-દિવસ ભીના રહો…
નારદઋષિએ એક સરસ સૂત્ર આપ્યું છે ભક્તિસૂત્રમાં. “तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च l” તે પરમાત્માને વિશે અનન્ય ચિત્તની દશા. અને એ પરમાત્મા સિવાયના જેટલા પણ તત્વો છે એ બધા પ્રત્યે ઉદાસીનદશા. ખરો સાધક એ છે. જેણે નિમિત્તો પ્રત્યે દ્વેષ નથી આવતો. કોઈ ઘોંઘાટ કરતું હોય. તમારો સ્વાધ્યાય નથી થતો. અને તમને જો એના પ્રત્યે દ્વેષ આવે. સાલા, શું મંડી પડયા છે? તો એ ચાલી શકે નહિ! ઉદાસીનદશા જ જોઈએ! તમે સ્થાન બદલી શકો. તમે બીજે જઈ શકો. પણ એ નિમિત્ત ઉપર દ્વેષ ન કરી શકો. એટલે “तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च l” પછી પૂછ્યું કે, અનન્યતા એટલે શું? તો કહે, “अन्या श्रयाणां त्याग: अनन्यता” (अन्याश्रयाणां त्यागोऽनन्यता।।) બીજા બધા જ આશ્રયો છોડી દો તમે. માત્ર એક પરમાત્માના આધારે તમારું જીવન હોય તો તમે અનન્ય કહેવાઓ.
વિનોબાજીના દસ ભૂદાન યાત્રીઓ એક ભૂદાન યાત્રા માટે જવાના હતા. દસેક દિવસનો રૂટ હતો. વિનોબાજી પાસે છેલ્લે આશીર્વાદ લેવા માટે આવ્યાં. વિનોબાજીએ પૂછ્યું; કે કંઇ પૈસા-બૈસા લઈને નીકળ્યા છો કે ખાલી હાથે? તો એ લોકોએ કહ્યું કે સાહેબ! દસે-દસ ગામ જે છે ને એ સારા ગામ છે, પહેલા એકવાર ગયેલા પણ છીએ. લોકો ભાવુક છે. એટલે રોટલી-દાળનો વાંધો બે ટાઈમ આવવાનો નથી. તો સવારે ચાલવામાં મોડું થઈ જાય. અને કદાચ નાસ્તો-બાસ્તો ન મળે તો ચણા-મમરા ફાકવા માટે થોડા રૂપિયા રાખ્યા છે. ત્યારે વિનોબાજીએ સરસ વાત કરી; કે કાં તો પુરા પૈસા લઈને જાવ. કાં તો બિલકુલ લીધા વગર જાઓ. તમને સમાજ પર, પ્રભુ પર વિશ્વાસ છે. રોટલી-દાળ આપશે. નાસ્તો નહિ આપે એમ? વિશ્વાસ રાખો તો પૂરો રાખો, નહીતર છોડી દો. અડધો વિશ્વાસ નહિ ચાલે.
દશવૈકાલિક સૂત્રમાં આ જ વાત કરી. પહેલા અધ્યયનમાં. ‘जे भवन्ति अणिस्सिया’. આમ ભિક્ષાનું સૂત્ર છે એ. પણ જીવન વ્યાપિ સૂત્ર છે. ‘जे भवन्ति अणिस्सिया’. ખાસ યાદ રાખજો. પ્રભુના મુનિઓ, પ્રભુની સાધ્વીઓ કેવી હોય? અનિશ્રિત. એ કોઈની પણ નિશ્રામાં ન હોય. એટલે કે કોઈના ઉપર આધાર રાખીને બેઠેલી ન હોય. આ મને કંઇ આપશે કે આ મને કંઇ આપશે. આનાથી મને કંઇક મળશે કે આનાથી મળશે. કોઈ જ ઈચ્છા એની પાસે ન હોય. અત્યારે તો સંઘ એટલો ઉદાર છે. તમારે જોઈએ એના કરતા વધુ પડતું આપી રહ્યો છે. હવે તમે માત્ર પ્રભુબદ્ધ થઈ જાઓ. પ્રભુ પ્રતિબદ્ધ. તમારી ચેતના પુરી ની પુરી પ્રભુ પ્રતિબદ્ધ હોવી જોઈએ. પ્રભુ રોટલી-દાળ આપે. પ્રભુ કપડાં આપે. પ્રભુ સરસ મજાનું આશ્રય સ્થાન આપે. તો બીજું શું જોઈએ છે?
એટલે જ દશવૈકાલિકમાં લખ્યું, (‘ગાથા સૂત્ર’ ) તમારું ભોજન હોય, કોઇ પણ ક્રિયા હોય. શેના માટે છે? ભોજન પણ રસ માટે નહિ સાધના માટે. તમે સ્વાધ્યાય કરો છો એ પણ તમારી સ્વાનુભૂતિની માટે જ. એ નિતાંત તમારી સાધના તરફ જ ખુલવું જોઈએ. તમારી કોઇ પણ ક્રિયા તમારી સાધના તરફ જ ખુલવી જોઈએ. પ્રવચન આપો તમે એ પણ તમારી સાધના છે. ખરેખર જો સિદ્ધિ તમારી પાસે હોય અને એનો વિનિયોગ તમે કરતા હોવ તો પ્રભુની આજ્ઞાનું પાલન તમે કરો છો. તો પ્રવચન એ પણ તમારી સાધના તરફ જાય. પણ વિનિયોગ કરતા પહેલા એ સિદ્ધિ તમારી પાસે હોવી જોઈએ.
એટલે આપણે ત્યાં સરસ વાત આવે છે કે એક છોકરો ગોળ બહુ ખાતો હતો. ગોળ બહુ ખાય એટલે ગરમી ફૂટે. ગોળનું પાણી ઠંડુ અને ગોળ ગરમ. એની માં એ એને બહુ સમજાવ્યો પણ સમજે નહિ. કે તને બેટા ગરમી થઈ જશે. આ થઈ જશે. આપણે શ્રીમંત છીએ. ખાવાનો વાંધો નથી. પણ તારી તબિયત માટે કહું છું. છોકરો માને નહિ. એમાં એક સંત આવ્યા. સંતની પાસે એ બહેન દીકરાને લઈને ગઈ. મહારાજ આને સમજાવો ને કે ગોળ ન ખાય. તો કહે; જરા ત્રણ દિવસ પછી આવજો કહે છે. સારું મહારાજ, ત્રણ દિવસ પછી આવશું. ત્રણ દિવસ પછી આવ્યા. સંતે એટલું જ કહ્યું, ભાઈ ગોળ તારે નહિ ખાવો જોઈએ હો. તું ગોળ નહિ ખાય એ મને ગમશે. તારી માને પણ ગમશે. હવે, બોલ સંતને ગમે, માં ને ગમે એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? પેલો કહે; કે હા કરવું જોઈએ. તો હવે એમ કરજે. દીકરો માની ગયો. બેય ચાલ્યા પણ ગયા. માં ને ચટપટી થઈ કે આટલી જ વાત કરવાની હતી તો પહેલા કેમ ન કરી? બીજા દિવસે એકલી ગઈ પૂછવા માટે. તો સંતે કહ્યું; હું પણ એ દિવસે ગોળ ખાતો હતો. રોટલી જોડે થોડો ગોળ મારે જોઈતો હતો. પણ હવે આ વાત આવી. મેં કીધું હું ટ્રાય કરી લઉં. એટલે ત્રણ દિવસ બિલકુલ ગોળ વગર હું રહ્યો. અને ગોળની મેં પ્રતિજ્ઞા કરી કે જીંદગીમાં મારે ગોળ ખાવાનો નહિ. પછી મેં એને કહ્યું તો એને અસર થઈ.
તો “ભક્તિ કી રસધાર મે નિશદિન ભીના રે”.
