ધ્યાન
પહેલા વૃત્તિશોધન અને પછી ધ્યેય સ્વરૂપે વીતરાગ પરમાત્માને નિશ્ચિત કરવા – આ બે વસ્તુ થયા પછી ત્રીજા ચરણમાં _ધ્યાન_. ધ્યાનની વ્યાખ્યા આપી : _ભાસન વીર્ય એકતાકારી_. જ્ઞાન તો હતું; એમાં મોહનીયનો ક્ષયોપશમ અને આત્મશક્તિ / આત્મોપયોગ ભળે ત્યારે ધ્યાન થાય.
ધ્યાન એટલે અનુભૂતિ. પર અને સ્વ બે જ છે તત્ત્વ – બીજું કંઈ છે જ નહિ. પરની અનુભૂતિ અનંતકાળથી છે તમારી પાસે. હવે માત્ર સ્વની અનુભૂતિ કરવી છે – સ્વરૂપદશાની અથવા સ્વગુણની. પ્રારંભિક સાધક સ્વગુણની અનુભૂતિથી શરૂઆત કરે.
પરમાત્મા જ્યોતિર્મય. તમારું શુદ્ધ આત્મતત્ત્વ પણ જ્યોતિર્મય. જ્યોતિર્મયનું ધ્યાન જ્યોતિર્મય બનીને જ કરાય. શબ્દો અને વિચારો તો પૌદ્ગલિક – અજ્યોતિર્મય – ઘટના. જ્યોતિર્મય ઘટના કઈ? પ્રભુના ગુણોની આંશિક પણ અનુભૂતિ તમારી ભીતર આવે તો તમે જ્યોતિર્મય બન્યા કહેવાઓ.
નવસારી તપોવન વાચના – 28 [25.4.2020]
વૃત્તિશોધન, ધ્યેય સ્વરૂપે વિતરાગ પરમાત્માને નિશ્ચિત કરવા – આ બે વસ્તુ થયા પછી; ધ્યાન ત્રીજા ચરણમાં આવે છે.
એ ધ્યાનની વ્યાખ્યા આપી; ‘ભાસન વીર્ય એકતાકારી’. જ્ઞાન તો હતું. એમાં મોહનીયનો ક્ષયોપશમ અને + આત્મશક્તિ / આત્મોપયોગ, આ ભળે છે ત્યારે જ ધ્યાન થાય છે. અને આની જ વાત શીતલનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી. ‘જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા’. ‘હોવત નહિ તબ ન્યારા’ – પરમાત્મા સાથે અથવા તમારી નિર્મળ ચેતના સાથે તમારો અભેદાનુભવ. અભેદાનુભુતી બે પ્રકારની – એક તો શાશ્વતીના લયની, આપણે કેવળજ્ઞાની થઈશું, સિદ્ધશિલા ઉપર જઈશું, પછી સ્વ સાથેનું મિલન શાશ્વતીના લયનું થઈ ગયું; બીજું એક મિલન છે, થોડા સમય માટેનું, તાદાચિત્તતાનું મિલન.
એના માટે આ સૂત્ર આપ્યું. ‘જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા’. પરમાત્મા જ્યોતિર્મય. તમારું શુદ્ધ આત્મતત્વ એ પણ જ્યોતિર્મય. હવે જ્યોતિર્મયનું ધ્યાન તમે શી રીતે કરશો? તો બહુ મજાનું સૂત્ર આપ્યું: કે જ્યોતિર્મયનું ધ્યાન જ્યોતિર્મય બનીને જ કરાય. તો શબ્દ પૌદ્ગલિક ઘટના એટલે અજ્યોતિર્મય ઘટનાં. વિચારો પૌદ્ગલિક ઘટના એટલે અજ્યોતિર્મય ઘટના. તો હવે તમે જ્યોતિર્મય બનો એનો મતલબ શું થયો? કે તમારી ભીતર પ્રભુમાં રહેલાં ગુણની આંશિક અનુભૂતિ આવે તો તમે પણ જ્યોતિર્મય બન્યાં.
એક ઝરણું હોય ને એ દરિયાને મળે કે મોટી કોઈ નદીને મળે તો એકાકાર બની જશે. ઝરણું નદીમાં ભળ્યા પછી ઝરણાના પાણીને આપણે અલગ કરી શકતા નથી. એકાકાર થઈ જાય છે. પણ નદીમાં પથ્થર પડેલો હોય તો એ અલગ જ રહે છે. તો શબ્દ અને વિચાર એ પથ્થર જેવા છે. તમારી ભીતર અનુભૂતિ ચાલુ થાય એ ઝરણું છે.
એના માટેની આપણી પદ્ધતિ બહુ સરસ છે. ભક્તિયોગ જે આપણને મળ્યો છે ને અદ્ભુત્ત ઘટના છે. કારણ, બધા જ સાધકો ઉંચી સાધનાને તરત પકડી લે એવું બની શકે નહિ. મારા પ્રવચનોમાં અને વાચનામાં પણ એક સ્થાનકવાસી મહાસતીજી આવતાં. હું દેવલાલી હતો. ત્યાં પણ એ કુદરતી રીતે હતાં. તો વાચનામાં રોજ આવે. એકવાર બપોરે મળવા માટે આવ્યાં. ત્યાં એમણે એક સરસ વાત કરી. કહે; કે સાહેબ! સ્થાનકવાસી પરંપરામાં જન્મેલી છું, અને ઉછરેલી છું. મૂર્તિપૂજક મહાત્મામાં તમને એકલાને જ મેં સાંભળેલા છે. પણ તમારી આખી ધારા ભક્તિ દ્વારા સાધનાની છે. તમે સાધનાને ઊંડાણમાં લઇ જાઓ છો સાધકોને પણ ભક્તિ દ્વારા લઇ જાઓ છો. પણ મારી કમનસીબી એ છે કે સાધનાનું ઊંડાણ મને મળી શકે છે પણ ભક્તિધારામાં હું પ્રવાહિત નથી થઈ શકતી.
અને એ વખતે એમણે એક માર્મિક વાત કરી – કે અમે લોકોએ મૂર્તિનો ખાલી વિરોધ નથી કર્યો; ભક્તિધારાનો વિરોધ કર્યો છે, આ એમના શબ્દો હતા! કારણ કે અમે કહીએ કે ઈશાન દિશામાં બેસો, સિમંધરસ્વામી ભગવાન સામે છે, પણ એ રીતે કંઇ સામાન્ય વ્યક્તિ અનુસંધાન કરી શકતો નથી. એક મંદિરનું પવિત્ર વાતાવરણ હોય, વિતરાગ પરમાત્માની મૂર્તિ સામે હોય, અને જે અસર થાય છે, એ અસર અરૂપમાં સિદ્ધિ થઈ શક્તિ નથી. એટલે એમણે કહ્યું; અમે માત્ર મૂર્તિનો વિરોધ કર્યો છે એમ નહિ; આખી જ ભક્તિધારાનો વિરોધ કર્યો છે. એટલે આપણી ભક્તિધારા બહુ જ મજાની ધારા છે.
દેવચંદ્રજી મહારાજમાં, આનંદઘનજીમાં શું છે? સાધનાનું ઊંડાણ જબરદસ્ત. પણ સાધનાની ઊંડામાં ઊંડી વાત કરતા કરતા ભક્તિધારામાં લઇ જાય. યા તો ભક્તિધારામાં વાત ઉપાડે અને સાધનાના ઊંડાણ સુધી લઇ જાય. ઓશોએ કહેલું કે આદ્ય શંકરાચાર્ય જેમણે અદ્વેતવાદની આખી સ્થાપના કરી. “ब्रह्म सत्यं जगन्मिथ्या” અને એ શંકરાચાર્ય શિવની મૂર્તિ સામે નાચતા હોય! ત્યાં એમણે કહ્યું; કે આ ભારતની વિશેષતા છે. એક ભક્તિની ધારા આપણા હ્રદયમાં એટલી બધી ઓતપ્રોત થયેલી છે કે અનાયાસે પણ તમે એ ધારામાં જતા રહો. મહાપુરુષોએ આ જ કામ કર્યું છે. હું છે ને ક્રાંતિકારી માણસોનો વિરોધી છે. ઘણા માણસો એવા હોય. જૂની સિસ્ટમ તોડી નાંખો બધી. નવી સિસ્ટમમાં જાઓ. જૂની સિસ્ટમ તૂટવાની નથી અને નવી જે છે એ શરૂ થવાની નથી. મેં કામ શું કર્યું? લોકો જ્યાં જઈ રહ્યા છે. એમની આગળ હું ઉભો રહ્યો. અને મારે જવું હતું એ રસ્તે એમને દોરી ગયો. મેં એમને ક્યારેય પણ નથી કહ્યું કે તમે બરોબર નથી એમ. You are right. અત્યાર સુધી તમે કર્યું તે બરોબર છે. હવે આ રીતે કરવાનું છે.
એટલે આપણા લોકોએ પણ કોઈ ક્રાંતિ-બ્રાંતિની વાતો કરવાની નથી. જે સિસ્ટમ મળી છે, જે પરંપરા મળી છે. અદ્ભુત્ત છે! અત્યારે હું ચુસ્ત ટ્રેડીશનાલીસ્ટ માણસ છું. પરંપરાવાદી. એક-એક પરંપરા માં ઊંડું રહસ્ય છે. એટલે ક્યારેય પણ પરંપરાનો વિરોધ નહિ કરતા. પરંપરાને સમજવાની કોશિશ કરજો. પણ પરંપરાને તોડવાની કોશિશ ક્યારેય નહિ કરતા.
એક આંધળો માણસ હતો. મિત્રના ત્યાં ગયો. રાતના નવ-સાડા નવ થઈ ગયા, વાતો કરતા કરતા. હવે એ અંધજનને ઘરે જવાનું છે. તો મિત્રએ એને ફાનસ પકડાવ્યું. લે આ ફાનસ લઇ જા ને. પેલો કહે મારી મશ્કરી કરે છે તું? મારા માટે રાતના સાડા નવ કે દિવસના સાડા નવ. શું ફરક પડે? તું મારી મશ્કરી કરે છે! તો કહે; ના, મશ્કરી નથી કરતો. પણ સ્ટ્રીટ લાઈટ બુઝાઈ ગઈ છે. એકદમ ઘોર અંધારું છે. તારા હાથમાં ફાનસ હશે ને તો સામાવાળાને તું દેખાશે. હું પરંપરા ને આવો ફાનસ જેવી કહું છું. એ ૭૦ વરસના ડોશીમાં ભલે કાંઈ સમજતા ન હોય. સામાયિક કરવું છે મારે. સામાયિક એ આવડતું નથી. સામાયિક લઈને બેસી જાય. પણ એ પણ પરંપરાનું વહન કરે છે. એને ભલે ખ્યાલ નથી પણ એક જીવંત દીપ એની પાસે છે. અને દેખતા માણસ પાસે દીપ આવશે એટલે એની રાત દિવસમાં પલટાઈ જશે. એટલે પરંપરા બહુ જ મજાની વસ્તુ છે.
તો ‘જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહિ તબ ન્યારા’. તો ભક્તિની પરંપરા દ્વારા આપણે જ્યોતિર્મય બનવું છે. અને જ્યોતિર્મય બનીને, જ્યોતિર્મયનું ધ્યાન કરવું છે.
ક્ષમા ગુણની એક નાનકડી આવૃત્તિ તમારી ભીતર આવી ગઈ. બની શકે, મહાવીર પ્રભુની સામે તમે બેઠેલાં. ‘કૃતાપરાધેsપિ જને’ એ તમારા મનમાં યાદ આવ્યું અને તરત જ તમને થયું, ઓહો! આ મારા ભગવાન! એમના કાનમાં અનાડી માણસ ખીલાં ઠોકે અને પ્રભુના આંખમાં આંસુ આવે! આ મારા પ્રભુની કરુણા! આ મારા પ્રભુની ક્ષમા! અને એ વખતે પ્રભુ પાસે માંગવાનું મન થાય કે પ્રભુ તારી આ ક્ષમાના સમુદ્રમાંથી મને ચાંગળું પાણી તો આપી દે? ખોબો ભરીને પાણી તો આપ મને? એ પ્રાર્થના બની શકે કે તમને ક્ષમાની અનુભૂતિ તરફ દોરી જાય.
કઈ રીતે દોરી જાય, એ સમજાવું. અહોભાવની ધારા બહુ જ મહત્વની ધારા છે. શુભનું ખંડન ક્યારેય પણ કરતા નહિ. આપણે ત્યાં પણ નિશ્ચયના બોલનારા તૈયાર થયા છે પણ એમને હું સ્પષ્ટ કહું છું. પરમયશવિજય હોય કે લબ્ધિવલ્લભજી હોય. હું એ લોકોને સ્પષ્ટ કહું છું કે વ્યવહારનો ક્યારેય પણ અપલાપ નહિ કરવાનો. શુભનો અપલાપ ક્યારે પણ નહિ કરવાનો. સામાન્ય સાધક શુભમાંથી જ શુદ્ધમાં જઈ શકે છે. શુભની બહુ જ મહત્વપૂર્ણ વાત એ છે કે શુભની ક્ષણોમાં પણ વિભાવ નથી. ભલે unconscious માં વિભાવ હોય જ છે પણ તમારા conscious mind ને તમે એકદમ અહોભાવથી ભરી દો. પરમાત્માને જોયા; આંખમાંથી આંસુ ઝરી રહ્યા છે – એ જે અહોભાવ તમારી પાસે આવ્યો ને, એ અહોભાવની ક્ષણમાં વિભાવ નહિ હોય. અહોભાવ અને વિભાવ બે સાથે ન રહી શકે. અને વિભાવ નથી, માટે અહોભાવ તળેટી બની ગયો. વિભાવ ખીણ, અહોભાવ તળેટી, અને અનુભૂતિ / શુદ્ધ એ શિખર.
તો આપણે પ્રભુને જોયા. પ્રભુનો એક ગુણ લો રોજ. અને એક ગુણનું ચિંતન કરતા ભીના-ભીના થઈ જાઓ. કોરી અનુપ્રેક્ષા નથી જોઈતી આપણને. ભીની અનુપ્રેક્ષા. પ્રભુ તું મારો નાથ! ભક્તોએ જે વાતો કરી છે કે પ્રભુ તું મારો નાથ છે! અને તું મારી માઁ છે! એક માઁ બાળકનો ખ્યાલ નહિ રાખે તો બાળક ક્યાં જશે?
વીરવિજય મહારાજાએ તો લડાઈ કરી ભગવાન સાથે. “સુલસાદિક નવ જણને જીનપદ દીધું રે.” સુલસાને તીર્થંકર પદ આપ્યું, રેવતીને આપ્યું, શ્રેણિકને આપ્યું, મને કેમ નહિ? લાવો મારો ભાગ લાવો? કેમ તમે ભેદભાવ કરો છો? લડતાં આવડે છે ને? ફાઈટીંગ નથી આવડતી?
હું ઘણીવાર લોકોને કહું કે હવે ફાઈટીંગ કરતા હોવ ને ઘરે એ બંધ કરી દેજો. ફાઈટીંગ બે જ જગ્યાએ કરવાની – એક દેરાસરમાં અને એક ઉપાશ્રયમાં. ઉપાશ્રયમાં સંતો જોડે કરવાની કે સાહેબ આટલા બધાને દીક્ષા આપી અમને કેમ ઓઘો નહીં આપ્યો? આ સ્તવનાઓ છે ને પ્રભુ સાથેનો સીધો જ વાર્તાલાપ છે. અને એ વાર્તાલાપની ક્ષણોમાં તમે સરી જાઓ. હું તો ઘણીવાર કહું છું કે સ્તવના શરૂ થાય શબ્દોથી, પૂરી થાય ડૂસકાંમાં. શબ્દોથી શરૂ થયેલી સ્તવના, શબ્દોમાં જ જો પૂરી થાય તો ભક્ત તરીકે આપણે total fail ગયેલા માણસ છીએ. ડૂસકાં જ ડૂસકાં…. પ્રભુ તું મને મુકીને કેમ જતો રહ્યો? ‘બાળપણે આપણ સસ્નેહી, રમતા નવ નવ વેશે રે’. તો આ જે અહોભાવ છે ને બહુ જ મૂલ્યવાન છે કે એ ક્ષણોમાં તમારું પૂરું મન પ્રભુ સાથે જોડાય છે. ભલે પ્રભુના ગુણો સાથે તમે નથી જોડાયા. તો પ્રભુના બાહ્યસ્વરૂપ સાથે તમે જોડાઈ ગયા છો. મારા ભગવાન.. મારા ભગવાન.. મારા ભગવાન.
હવે એ જે અહોભાવની ભૂમિકા આવી એ foundation થઈ ગયું, એના ઉપર અનુપ્રેક્ષાના પગથિયા ચડી અને અનુભૂતિના શિખરને આપણે પામવાનું છે.
તો ‘જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત’. જ્યોતિર્મયનું ધ્યાન તમે જ્યોતિર્મય બનીને ‘જ’ કરી શકો. તમે શબ્દમય છો; જ્યોતિર્મય સાથે તમારું અનુસંધાન નહિ થાય. તમે વિચારોમાં છો; તો જ્યોતિર્મય સાથે તમારું અનુસંધાન નહિ થાય. જે ક્ષણે તમે જ્યોતિર્મય બન્યા; એ ક્ષણે જ જ્યોતિર્મય સાથેનું અનુસંધાન થશે. હા, એ બનશે કે તમારી પાસે અત્યારે જે ક્ષમા છે, ક્ષાયોપશમિક ભાવની છે. પ્રભુની એ ક્ષમા ક્ષાયિકભાવની છે. આપણી પણ ક્ષાયોપશમિક ભાવમાં પણ એકદમ નીચેના સ્તરની છે. તો આપણી પાસે કદાચ ક્ષમા ભાવનું નાનકડું ઝરણું જ છે. પણ એ ઝરણું દરિયાને મળી શકશે. ઝરણું નદીને મળી શકશે.
તો અનુભૂતિ સામાન્યતયા પણ આપણી ભીતર ન આવે તો ધ્યાન નથી! અનુભૂતિ એ જ ધ્યાન. અને એટલે બહુ જ સ્પષ્ટ કરી નાંખ્યું. અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં. ધ્યાન એથી અલગ વસ્તુ છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયમાં આવશે, ધ્યાનમાં નહિ. ધ્યાનમાં માત્ર અનુભૂતિ છે.
તમે ખાસ કરીને યોગશાસ્ત્રનો ૧૨મો પ્રકાશ વાંચો. એની સાથે હરિભદ્રસુરીના ગ્રંથો વાંચી લો. તો ધ્યાનશતક, કાયોત્સર્ગ નિર્યુંક્તિ. આ બધું વાંચી લો ને, એકદમ ઓથેન્ટિક ગ્રંથો છે. તો એ ગ્રંથોમાં તમને ખ્યાલ આવશે કે આચાર્ય ભગવંતોએ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડવાની વાત કરી છે.
તો અનુભૂતિ એ જ ધ્યાન. અને અનુભૂતિ પરની નહિ સ્વની જ. પરની અનુભૂતિ તો અનંતકાળથી છે જ તમારી પાસે. એ ક્યાં કરવાની જ છે? પર અને સ્વ બે જ છે તત્વ, બીજું કંઈ છે જ નહિ! નવતત્વમાં બે જ તત્વો છે: જીવ અને અજીવ. સંક્ષેપતામાં બે જ તત્વો છે. તો પર અને સ્વ બે જ ખાના છે. પરની અનુભૂતિ કરીને આવ્યા છો. હવે અનુભૂતિ કોની બચી? પરની કરીને આવ્યા છો, સ્વની બચી. તો માત્ર સ્વની અનુભૂતિ કરવી છે. સ્વરૂપદશાની કરો કે સ્વગુણની કરો. પ્રારંભિક સાધક સ્વગુણની અનુભૂતિ કરશે. જેમ કે સમભાવ.. તમે સીધો જ એનો અનુભવ કરી શકો. તમે એકદમ અંદર જતા રહો તો સમભાવનો અનુભવ કરો.
આપણે એમ માનીએ કે કરેમિ ભંતે આપણને મળેલો છે. ૨૪ કલાક સમભાવ હોવો જોઈએ, પણ રહેતો નથી. હું એના માટે છે ને સાધુ-સાધ્વીઓને પણ સામાયિક કરવાની વાત કરું છું. કે આ કરેમિ ભંતે તમે લીધું. પણ તમે એનું પાલન કરી શકતા નથી. હવે સામાયિક કરો તમે. ૧૫ મિનીટ માટે બેસી જાઓ. પરનો કોઈ જ વિચાર નહિ. કદાચ કોઈ વિચાર આવી ગયો તો જાપનું કોઈ પદ લઇ અને વિચારને હાંકી કાઢવાનાં. કે વિચાર દ્વારા તમે પરમાં જશો. પરમાં તમારે જવું જ નથી. માત્ર તમારે તમારી ભીતર જવું છે. તો ૧૫ મિનિટનું સામાયિક કરો. અને આવા સામાયિક રોજના કેટલા થયા, એ ગણો. આ જ આપણું નિશ્ચય સામાયિક થશે ને? બાકી તો વ્યવહાર સામાયિક પણ ક્યાં છે? નિશ્ચય સામાયિક નથી. તો વ્યવહાર કોને કહેવાય? જે તમને નિશ્ચયમાં લઇ જાય એ વ્યવહાર. જો આ વ્યવહાર દ્વારા આટલા વર્ષોમાં તમે નિશ્ચયની સ્પર્શના નથી કરી તો વ્યવહારાભાસ થઈ ગયો. એટલે નિશ્ચય સમભાવનો સ્પર્શ આપણને મળે એટલાં માટે, ૧૫-૧૫ મિનિટનું સામાયિક કરવું. ૧૦ મિનીટ ફાવે તો ૧૦ મિનિટનું અને એમ કરતા ૪૮ મિનિટનું થાય તો ભયા-ભયો પછી.
તો ‘ભાસન વીર્ય એકતાકારી, ધ્યાન સહજ સંભારી’. ધ્યાન એટલે સહજ ઘટના. સંસાર અસહજ ઘટના. ધ્યાન તે સહજ ઘટના. તમારું તમારામાં હોવું. વર્તમાનયોગમાં તમારું હોવું એ ધ્યાન.
એક સંતની વાત આવે છે. સાંજના સમયે એક ગામની શેરીમાં એ ચાલી રહ્યા છે. થોડું અંધારું થઈ ગયું છે. પાછળથી એક ગુંડા જેવો માણસ આવ્યો. લાકડી એના હાથમાં. અને એણે જોશથી લાકડી સંતની પીઠ ઉપર ઠોકી. હકીકતમાં અંધારાને કારણે એ ગુંડાની પણ ગેરસમજુતી થયેલી. એણે કો’કને મારવાનો હતો. સંત આવી ગયા ઝપાટામાં. ખ્યાલ આવી ગયો સંત છે આ તો. એ તો નાસી ગયો. સંત ત્યાં પડી જાય છે. બાજુમાં દુકાન છે. વેપારી આવ્યો. બે-ચાર જણા ભેગા થઈ ગયા. દુકાનમાં સંતને લઇ ગયા. લોહી નીકળતું હતું ત્યાં પાટાપિંડી કરી દીધી. થોડો શેક વિગેરે કર્યો. દૂધ વિગેરે પાયું. સંત સ્વસ્થ બની ગયા.
એક વાત તમને કહું. મનથી જે સ્વસ્થ હોય છે ને એને શરીરથી સ્વસ્થ થતા વાર નથી લાગતી. મારું શરીર રોગોનું ઘર છે. એટલાં બધા ઓપરેશન થયા છે અને એટલી બધી હોસ્પિટલો જોઈ નાંખી છે. પણ મન એકદમ સ્વસ્થ છે એટલે તરત જ પાછો સ્વસ્થ બની જાઉં છું.
સંત સ્વસ્થ બની ગયા. પેલો વેપારી પૂછે છે; સાહેબ તમારાં જેવા સંતને લાકડી કોણે લગાવી હશે? તો સંત કહે છે, જે ઘટના ઘટી ગઈ એનો વિચાર હું ક્યારેય કરતો નથી. ઘટના ઘટી ગઈ એ ઘટી ગઈ! હવે વિચાર શું? વેપારી કહે, સાહેબ અમે તો ભૂલીએ જ નહિ! ગમે ત્યાંથી પગેરું મેળવી લઈએ. અને એને પણ ઠોકીને જ છુટકો કરીએ. ત્યારે સંત એક મજાની વાત કરે છે કે મહિના પહેલા હું એક જંગલમાં હતો. જંગલમાં એક વૃક્ષ નીચે હું બેઠેલો ધ્યાન કરવાં. મને ખ્યાલ નહિ. અને એ ઝાડની એક ડાળી હતી. વાવાઝોડાના કારણે લગભગ તૂટી જવાની અણી ઉપર. અને હું એ જ ડાળી નીચે બેઠેલો. સહેજ હવાનો ઝપાટો આવ્યો. ડાળ તૂટી. અને સીધી મારા માથા ઉપર. અત્યારે વાગ્યું ને એના કરતા વધારે વાગેલું. પણ મને કોઈ વિચાર નહિ આવેલો. એટલે વેપારી કહે; સાહેબ એમાં તો વિચાર ન આવે કારણ કે સામે માણસ નહતો! આ કેવી વાત છે, તમારે વાગવા જોડે સંબંધ છે કે સામાનાવાળા જોડે સંબંધ છે? સંબંધ કોની જોડે? વર્તમાનયોગ. બસ.
એક ગામની બહાર નદી કાંઠે મંદિર હતું. નાની ધર્મશાળા. ઘણા બધા યાત્રિકો આવતાં. સવારે આવે. સાંજે આવે. ધર્મશાળામાં ઉતરે. સદાવ્રત ચાલતું હોય એમાં જમી લે. અને પાછું આગળ જવું હોય તો નદી ઉતરીને આગળ જાય. પુલ-બુલ કશું નહિ. એક સાંજે ૫ યાત્રિકો આવ્યા. જમી લીધું. મંદિરમાં આરતી ઉતારી. પછી પુજારી જોડે બેઠાં. એક જણાએ પુજારીને પૂછ્યું કે નદીમાં કેટલું પાણી? પુજારી કહે હું તો ઘણી વાર જાઉં છું. ઢીંચણ જેટલું પાણી છે એથી વધારે પાણી નથી. બીજાએ ફરી પૂછ્યું કે ક્યારેક પુર-બુર આવે ત્યારે વધી જતું હશે. રાત્રે નદીમાં પાણીની આવક વધી જાય તો એકદમ ફલો વધી જાય એવું બને? પુજારી કહે કોઈ ચિંતા નહિ કરતા. હું વહેલી સવારે પણ નદીને ઉતર્યો છું. મોડી સાંજે પણ નદીને ઉતર્યો છું. સામે ગામ મારે ઘણીવાર જવાનું થાય છે. એટલે તમે કોઈ જ ચિંતા નહિ કરતા. સવારે નાસ્તો આરામથી અહીં કરી લેજો અને આરામથી નદીને ઉતરી જજો. તોયે પેલા લોકોના પ્રશ્નો ચાલુ. ત્યારે પૂજારીએ સરસ વાત કરી. એક ફિલોસોફરની અદાથી. એ કહે; ભાઈ જુઓ, હું નદી ઉતર્યો છું ઘણીવાર. પણ તમને કહું સાચું કે નદી ઉતરતા પહેલા હું નદીને નથી ઉતરતો. નદીને ઉતરું છું ત્યારે જ હું નદીને ઉતરું છું. આટલા બધા વિકલ્પો તમે કરો છો!
“નદીને ઉતરતા પહેલા નદીને ઉતરતો નથી.” “નદીને ઉતરું ત્યારે જ ઉતરું છું.” આ વર્તમાનયોગ મળી જાય તો?
તો ધ્યાન એટલે અનુભૂતિ. ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય અલગ છે. સમાધિમાં ધ્યાતાની ચેતના ધ્યેયમાં ડૂબી જાય છે. આ ચોથું ચરણ સમાધિ. ‘ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ક્ષીર નીર પરે તુમશું મિલશું, વાચક જશ કહે હેજે હળશું’. આ સમાધિ એટલે સંપૂર્ણ અભેદ અનુભૂતિ.
