ધ્યાન
કોઈ પણ ભાવનાને લઈને તમે ધ્યાનમાં જાઓ. એ ધ્યાન અંત:મુર્હૂતથી વધારે નહિ ચાલે, પણ જેવું એ ધ્યાન પૂરું થાય એટલે તરત ફરીથી એ જ ભાવનામાં આવી જાઓ. ૫-૧૦ મિનિટ ભાવનાને ઘૂંટીને ફરીથી ધ્યાનમાં જાઓ. આ રીતે ભાવના-ધ્યાન, ભાવના-ધ્યાન કરીને તમે કલાકો સુધી રહી શકો.
સ્વાધ્યાય, અનુપ્રેક્ષા અને અનુભૂતિ – આ ક્રમ પણ લઈ શકાય. _આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે_. આ પંક્તિનો સ્વાધ્યાય કર્યો. હવે અનુપ્રેક્ષા કરતા ખ્યાલ આવે કે પરનો ઉપયોગ ભલે થાય પણ પરભાવમાં મારે નથી જવાનું. અને પરભાવથી અટકવાનું થાય એટલે સ્વની અનુભૂતિ શરૂ થઈ જાય.
શરૂઆતમાં તમને ધ્યાન ઘૂંટાવવું હોય, તો આંખો બંધ કરાવવી પડે અને ચિત્તને શાંત કરાવવું પડે. પણ આ બધું માત્ર શરૂઆતમાં. આગળ જતાં ૨૪ કલાકની તમારી જાગૃતિ એ જ ધ્યાન; સ્વની અનુભૂતિ સતત ચાલ્યા કરે એ જ ધ્યાન.
નવસારી તપોવન વાચના – 16 [13.4.2020]
“औदसिन्यनिमग्न:’ કાલે આપણે નાગાર્જુનની વાત કરતાં હતા. એકાકી વિચરી રહ્યા છે. એકાંતનો જે આનંદ હોય ને, અદ્ભુત! મેં મધ્યપ્રદેશમાં બાઘની ગુફાઓ જોઈ અને આ બાજુ ધર્મરાજેશ્વરની ગુફાઓ જોઈ. પણ ગુફાની સંસ્કૃતિનો એક અલગ જ આસ્વાદ હોય છે.
અમે લોકો ધર્મરાજેશ્વર ગયા, શ્યામગઢ સ્ટેશનની બાજુમાં છે. તો નવ એક વાગે અમે ત્યાં પહોંચ્યા. ગુફાઓનો સમૂહ છે. પ્રોગ્રામ એવો હતો કે નવથી અગિયાર ગુફાઓ જોવી. અગિયાર વાગે આગળ નીકળી જવું. અમે ત્યાં ગયા. સદ્ભાગ્યે કોઈ visitor નહિ. માત્ર અમે એકલા જ હતાં. એમાં એક ગુફા સમૂહ બહુ મજાનો હતો, એલ આકારનો. આગળ પરસાળ, અંદર રૂમો અને visitor કોઈ નહિ! મેં કહ્યું; ભાઈ આજે પ્રોગ્રામ ફેરવી નાંખો. આજે આપણે ગુફાવાસી થઇ જઈએ. મેં કહ્યું; અગિયાર વાગે વિહાર-બિહાર કંઈ નથી. સાંજે ૫-૬ વાગે નીકળીશું. સામે ગામ પહોંચી જઈશું. અગિયાર વાગ્યા સુધી ગુફાઓ જોવામાં સમય ગયો. થાક્યા. બેઠા એક જગ્યાએ. પણ રહેવા માટે આ આખી એલ આકારની જે હતી ગુફા એ પસંદ કરી. ક્રમસર ઓરડાઓ અંદર, બહાર પરસાળ અને થોડો ખુલ્લો ચોક.
એ લોકોનું એટલું સીસ્ટમેટીક બાંધકામ હતું કે ચોક એ લોકો બહુ થોડો રાખે. એટલે ગરમીને આવવાનો અવકાશ બહુ ઓછો રહે. તમે જેસલમેરમાં જશો ને તો તમને ખ્યાલ આવશે. હવેલીઓ જે છે ને એકદમ બાજુ-બાજુમાં. અને જેસલમેરની લગભગ ગલીઓ સાવ સાંકડી. ચાર-ચાર ફૂટની, પાંચ-પાંચ ફૂટની. કારણ એક જ હતું કે તડકો અંદર આવે નહિ. એટલે બેઠી ઠંડક એમાં રહ્યા કરે.
તો વાપરીને ગોચરી અને આરામ કરતો હતો હું થોડો. એટલી મજાની ઘટના ઘટી, બે-અઢી વાગ્યા હશે, અને કો’ક મુનિરાજ પાત્રા પલેવતા હશે. કો’ક પડીલેહણ કરતાં હશે. કો’ક સ્વાધ્યાય કરતાં હશે. હું તંદ્રાવસ્થામાં 1000 વર્ષ પહેલા પહોંચી ગયો. એટલે એવું જ લાગે જાણે કે એક બૌદ્ધ ભિક્ષુ, બીજા બૌદ્ધ ભિક્ષુને બોલાવી રહ્યો છે. ભાઈ તારો સ્વાધ્યાય થયો કે નહિ? એક અડધો કલાક તન્દ્રાવસ્થામાં રહ્યો. અને લાગ્યું કે એ સમયમાં હું જઈને આવ્યો. આંખ ખોલી તો વર્તમાનમાં પાછો આવી ગયો.
એટલે જ આ લોકો space અને time ને એકાકાર થયેલી ઘટના કહે છે. અને એમ કહે છે અત્યારે કે તમે journey in the time કરી શકો છો. ૨૫૦૦ વર્ષ પાછળ પણ જઈ શકો. ૨૫૦૦ વર્ષ આગળ પણ જઈ શકો. ઋજુવાલિકને કિનારે તમે બેઠા હોવ અને તમે એકદમ ધ્યાનદશામાં ઊંડાણમાં જાવ, તો તમે ખરેખર પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો ઉત્પન્ન થયેલા એનો અણસાર મેળવી શકો છો. માત્ર એ આંદોલનોને પકડવા માટે ધ્યાન જોઈતું હોય છે. ધ્યાન વગર ચાલતું નથી.
ઈલોરામાં તો આપણી જૈન ગુફાઓ છે. એટલે આપણા મુનિઓ ત્યાં જઈને સ્વાધ્યાય કરતાં હશે. ઈર્ષ્યા ન આવે આમ? તપોવનમાં રહેનારની ઈર્ષ્યા આવે, એ પણ વેકેશનના ટાઈમે. અત્યારે કોરોના વેકેશન છે..!
તો નાગાર્જુન નીકળ્યા છે. એક સાંજે એક ગામમાં પહોંચ્યા. ચોરા ઉપર ઉતર્યા. એમની ઊંઘ કેટલી હોય? ધ્યાનમાં ગયેલો જે માણસ હોય ને, એને લગભગ ઊંઘ નથી હોતી. તમને લાગે સુતા છે, સુતા નથી હોતાં. એના માટે એક સરસ શબ્દ આપણી પરંપરામાં છે; યોગનિદ્રા. જેને અત્યારના યોગાચાર્યો conscious sleep તરીકે ઓળખાવે છે. યોગનિદ્રાનો મતલબ આ જ છે કે શરીર કદાચ થાકી ગયું છે તો સુઈ જાય છે, તમે જાગ્રત છો – આ યોગનિદ્રા છે.
તો નાગાર્જુન તો બહુ મોટા સાધક છે. એટલે સુવાની કોઈ વાત છે નહિ. રાત્રે એક-બે વાગે તો ધ્યાનમાં લાગી જાય છે. પછી ધ્યાન એટલે શું ખબર છે? સહજદશા. આખરે ધ્યાન છે ને સહજદશા છે. શરૂઆતમાં તમને ઘૂંટાવવું હોય ને તો આંખો બંધ કરાવવી પડે અને ચિત્તને શાંત કરાવવું પડે. આ બધું પહેલા. તમને જો ધ્યાન લાગી જાય, તો ૨૪ કલાકની તમારી જાગૃતિ એ જ ધ્યાન છે. જાગૃત છો તમે! અને જાગૃત છો એટલે સ્વનો અનુભવ તમે કર્યો છે. અને સ્વનો અનુભવ જેણે કર્યો, સ્વનો આનંદ જેણે મેળવ્યો, એ પરમાં જવાનો નથી. વાત પુરી થઇ ગઈ. ધ્યાન એટલે મૂળ તો અનુભૂતિ જ છે. અને એ અનુભૂતિ સતત ચાલ્યા કરે છે.
આપણે જેને ધ્યાન કહીએ છીએ એ અંતર્મુહુર્તે બદલાય છે. અને એના માટે ધ્યાનશતકમાં એક સરસ વાત લખી છે. કે ધ્યાન પૂરું થાય ત્યારે સાધક ભાવનામાં પણ જઈ શકે અને સાદા વિચારોમાં જઈ શકે. એક સરસ ક્રમ ત્યાં બતાવ્યો છે. કે કોઈ પણ ભાવનાને લઈને તમે ધ્યાનમાં જાઓ.
હવે જુઓ, ૧૨ ભાવના છે અનિત્યાદિ. પણ એ અનિત્ય ભાવનાનું પર્યવસાન તમારે ક્યાં કરવું છે? હું નિત્ય છું, એમાં કરવું છે. આ અનિત્ય, આ અનિત્ય, આ અનિત્ય ત્યાં અટકવાનું નથી! આ બધા અનિત્યોની વચ્ચે નિત્ય કોણ છે? હું છું! તો ભાવનાએ શું કર્યું? બધા જ અનિત્યથી તમને મુક્તિ અપાવી. અને ધ્યાનમાં ગયા એટલે શું થયું? એ નિત્ય ચૈતન્યનો તમને અનુભવ થયો!
દિગંબરોમાં છે – ‘કાર્તિકેયે’ એ અનુપ્રેક્ષાની વાત કરી છે. એમાં આ theme પકડી છે. જે પણ ભાવના હોય એ ભાવનાની લીટી પકડી અને પછી એની વિરુદ્ધ દશામાં એને પર્યવસિત કરી. એટલે અનિત્ય ભાવનાને નિત્ય ભાવનામાં પર્યવસિત કરી. અશુચિ ભાવનાને શુચિમાં પર્યવસિત કરી.
તો ધ્યાનશતકે માર્ગ એ આપ્યો; કે ભાવનાને ઘૂંટો. એટલે base તૈયાર થઇ ગયો. હું અનિત્ય છું. હું અનિત્ય છું. હું અનિત્ય છું. Base તૈયાર થઇ ગયો. Base તૈયાર થઇ ગયો તો આ બધું અનિત્ય છે. શરીર પણ અનિત્ય, નામ પણ અનિત્ય, આજુબાજુના પદાર્થો અનિત્ય, તો નિત્ય કોણ? નિત્ય તો કોઈ હોય ને? હંમેશા અનિત્ય શબ્દ ક્યારે આવે બોલો? નિત્ય ન હોય તો અનિત્ય શબ્દ જ ન આવે ને? ઠંડું અને ગરમ. પણ ગરમ ન હોય તો ઠંડું શબ્દ જ ન આવે! એટલે કોઈ પણ શબ્દ આવે એનો વિરોધી શબ્દ હોય. આ બધું અનિત્ય છે તો નિત્ય કોણ? તો નિત્ય હું છું! તો આ રીતે નિત્યત્વની અંદર તમારે પર્યવસિત થવાનું છે. એટલે નિત્યત્વમાં તમે પર્યવસિત થયા એ ધ્યાન.
હવે એ ધ્યાન અંતર્મુહુર્ત થી વધારે નહિ ચાલે. પણ એ ધ્યાન પૂરું થાય તો તમે શું કરશો? ભાવનામાં આવી જશો. જે ભાવનાને પકડી તમે ધ્યાન લીધેલું એ ભાવનામાં આવી જાવ. પાછું હવે વધારે ઘૂંટવાની જરૂર નથી. ૫-૧૦ મિનિટ ભાવનાને ઘૂંટો. પાછા ધ્યાનમાં આવી જાઓ. ફરી અંતર્મુહુર્ત થયું, ભાવનામાં આવો. ભાવનાને ઘૂંટી ધ્યાનમાં જાવ. એ રીતે ભાવના-ધ્યાન, ભાવના-ધ્યાન, ભાવના-ધ્યાન કરી તમે કલાકો સુધી રહી શકો.
આપણે અત્યારે ધ્યાનનો અર્થ શું કરીએ? જાગૃતિ. જાગૃતદશા. તમે ખાવ છો ત્યારે તમારા મનમાં સ્પષ્ટ છે, શરીર ખાઈ રહ્યું છે.
હું ઘણીવાર કહું કે કોઈ શેઠ હોય – boss નોકરને કહે; પાણી લઇ આવ. નોકર ફ્રીજ પાસે જશે પાણી લેવા. ત્યારે boss એની પાછળ – પાછળ જવાનો પાણી લેવા? એ નોકરનું કામ છે. Peon નું કામ છે. એ peon ફ્રીજમાંથી પાણી કાઢી, ગ્લાસ ભરી, સાહેબના ટેબલ ઉપર મૂકી દેશે. તો એ જ રીતે ખાવાનું કામ કોનું? શરીરનું છે. તો તમે તમારા ઉપયોગને કેમ અંદર મુકો છો? શરીર જો માત્ર ખાઈ લે ને, તો એટલી મજા આવે ને, કે રાગ અને દ્વેષ બેય ઓછા થઇ જાય. શું ખાધું એ જ કોને ખબર છે? પાત્રમાં મુકાઇ ગયું અને ખવાઈ ગયું. મન તો બીજે જ ક્યાંક હતું. આ જાગૃતિ હોવી જોઈએ. એ ૨૪ કલાકની જાગૃતિ. અને આ જ સહજદશા.
અને એના જ સંદર્ભમાં પ્રભુએ કહ્યું; ‘सुत्ता अमुणी, मुणिणो सया जागरन्ति’ મારો મુનિ સદાને માટે જાગૃત છે. તમે રાગમાં ગયા ને ઊંઘી ગયા. સ્વભાવમાં રહ્યા એટલે જાગૃત રહ્યા. પરભાવમાં ગયા એટલે ઊંઘી ગયા. એક ક્ષણ માટે રાગમાં ગયા ને તમે ઊંઘી ગયા. એક ક્ષણ દ્વેષમાં ગયા ને તમે સૂઈ ગયા. અહંકારમાં ગયા, તમે સૂઈ ગયા. એટલે પરભાવમાં જવાનું નથી.
શ્રીપાલરાસમાં 45 આગમનો સાર મુક્યો છે. એક જ કડીમાં! માત્ર આગમનો જ નહિ, નોઆગમ – એટલે આપણી સાધના પદ્ધતિનો પણ સાર મૂકી દીધો. કડી છે; “આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે; આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” હવે છે ને આમાં તમે અનુપ્રેક્ષા દ્વારા અનુભૂતિ સુધી પણ જઈ શકો છો. અડધી જ કડી છે. પૂર્વાર્ધ તો ખાલી સમજુતી માટે છે. “આગમ નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે” પણ 45 આગમનો સાર અડધી લીટીમાં આવ્યો; “આતમભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” હવે બે સાધના આવી: આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં જવું નહિ. તો હવે આમાં કાર્ય-કારણભાવ શું છે? તો કાર્ય-કારણભાવ એ રીતે છે; કે પરભાવમાં ન જવું એ કારણ છે અને આત્મભાવમાં જવું એ કાર્ય છે. કારણ કે પરભાવમાં જ તમારું મન ગયેલું હશે તો આત્મભાવમાં જશે કોણ?
તો હવે અનુપ્રેક્ષા અહીંયા લાવો. કે પરભાવમાં હું શા માટે જાઉં છું? હું જો સાધક છું. પ્રભુએ આપેલી સાધનાને ઘૂંટનારો હું સાધક છું, તો પરમાં હું કેમ જાઉં છું? એટલે પર અને પરભાવ બે શબ્દો અલગ છે. ભગવાને પરના ઉપયોગની ના નથી પાડી. તમે વસ્ત્ર વાપરી શકો છો. પાત્ર વાપરી શકો છો. પરનો ઉપયોગ કરવાની છૂટ. પણ પરભાવમાં ન જવાનું કહ્યું છે. તો આમ જુઓ તો આપણી આખી સીસ્ટમ જ આ છે. આપણને ક્યાંય ગમો થાય કે અણગમો થાય એવું કશું જ આપણી આજુબાજુમાં રહેવા દીધું નથી. આપણે કઈ રીતે રાગ-દ્વેષમાં જઈએ છીએ, એ સમજાતું નથી.! તમારી આજુબાજુમાં કોઈ situation એવી નથી, કોઈ atmosphere એવું નથી કે તમે રાગમાં કે દ્વેષમાં જઈ શકો કે અહંકારમાં જઈ શકો. તમારી પાસે કોઈ પણ ગુણ છે. અને એ ગુણની કોઈએ પ્રશંસા કરી તમે શું કરવાના? પ્રભુને જઈને કહી આવવાના, તે આપેલો ગુણ એની પ્રશંસા થઇ છે તું સ્વીકારી લે. તમારે શું આમાં? તમારે શું લેવાને-દેવા!
તો ઊંડાણથી વિચારો. કે તમે સવારે તમે વહેલા ઉઠો. રાત્રે સુઈ જાવ. એવી કઈ ઘટના છે જે તમને રાગ-દ્વેષ ને અહંકારમાં લઇ જાય. એટલે જ પ્રભુએ આપેલી સામાચારી ઉપર આપણું મસ્તક ઝુકી જાય. એવી એક ક્ષણ નથી રાખી, જ્યાં તમે પરભાવમાં જઈ શકો! વસ્ત્ર પર રાગ ન થાય એના માટે નિયમ આપ્યો છે શાસ્ત્રમાં કે એક વસ્ત્ર ફાટી જાય કદાચ તો એ વસ્ત્ર કદાચ યાચીને લેવું પડે. પહેરવું પડે. પણ નીચેનું વસ્ત્ર જુનું જ રાખવું પાછુ. નીચેનું વસ્ત્ર સહેજ ફાટેલું છે, તો ઉપરનું વસ્ત્ર જુનું જ રાખવાના. મેલું છે. એટલે આપણા વસ્ત્ર ઉપર પણ આપણને સહેજ પણ રાગ ન થાય. મલ મલિન કાયા ને, મલ મલિન વસ્ત્રો, એની પાછળનો મૂળ ઉદ્દેશ આ જ છે કે તમે ગમા કે અણગમા ન જાવ.
હવે એક વાત શાસ્ત્રમાં સરસ આવી કે બંને વસ્ત્ર એકસાથે ફાટી ગયા. હવે બંને નવા લીધા. એ વખતે લગભગ વાપરેલા જ લેતા. ગ્રહસ્થોએ વાપરેલા હોય એ જ. એવા લીધા, હવે શું કરવું? બે ઉજળા વસ્ત્ર પહેરવા નથી. તો ઈંટ ઉપર એ વસ્ત્રને ઘસી નાંખે. ઈંટનો કલર એમાં આવી જાય. મેલા દાટ જેવા થઇ જાય પછી પહેરી લે. એટલે એવી એક ક્ષણ નથી રાખી જ્યાં તમે પરભાવમાં જઈ શકો. એ અનુપ્રેક્ષા એ કરવાની આ રીતે પ્રભુએ તો મજાની સીસ્ટમ આપી દીધી. હવે હું ક્યાં-ક્યાં રાગ-દ્વેષ, ને અહંકારમાં જાઉં છું? ભગવાને બારી-બારણા બંધ કરી આપ્યા છે પણ છીંડા ખુલ્લા રાખ્યા છે. હવે છીંડાને પુરવા પડશે ને..? નહિતર ઉંદરડાઓ ત્યાંથી આવી જશે. તો કયા કયા છીંડાઓ પુરવાના બાકી રહી ગયા. રાગ કોના ઉપર થાય છે?
નિશ્કોલાનંદજી સ્વામીનારાયણ સંપ્રદાયના બહુ મોટા ગુરુ થયા. એમણે એક ભજન રચ્યું છે; “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” ત્યાગ હોય પણ વૈરાગ્ય ખરો? જેમ એક બેન હોય, આયંબિલનું પચ્ચક્ખાણ એણે લીધું. અને નક્કી છે કે આયંબિલશાળાએ જઈને આયંબિલ મારે કરવાનું છે. ઘરની રસોઈ એને જ બનાવાની છે. ૧૦ વાગે રસોઈ બનાવી રહી છે. અને એમાં એને ખ્યાલ ન રહ્યો, અને ભૂલથી શાકનું પતીકું મોઢામાં મૂકી દીધું ચાખવા માટે. કેવું થયું છે? તરત યાદ આવ્યું કે મારે આયંબિલ છે. એ ગુરુદેવ પાસે આવીને પ્રાયશ્ચિત્ત લઇ જશે. કે આયંબિલનું પચ્ચક્ખાણ લીધેલું, ભૂલથી એક શાકનું પતીકું મોઢામાં નાંખી દીધું. એટલે ત્યાગ રોજ અમર રહેશે. હવે એ જોઈએ કે એ આયંબિલખાતાએ જાય આયંબિલ કરવા એના મનમાં નક્કી છે કે ઘી ન ખવાય, ગોળ ન ખવાય, વિગઈઓ ન ખવાય, એ સિવાય વનસ્પતિ વિગેરે લીલોતરી ન ખવાય, ફ્રુટ ન ખવાય. પણ આયંબિલશાળામાં જે ખવાય છે, એ ટેસ્ટી બધું ખાવું, ગરમાગરમ રોટલો! ગરમાગરમ ઢોકળું! ગરમા ગરમ પુડલો!
આપણે પણ સાધુ – સાધ્વી છીએ. તો યુનિફોર્મ નક્કી જ છે આપણો. એમાં કંઈ બદલાહટ થવાની નથી. હવે આ યુનિફોર્મ સાદામાં સાદા કપડાં રાખીએ. પણ ૫૦૦૦ની પશ્મીનાની કામળી હોય, તો ખરેખર ન લેવી જોઈએ. અને તમે એ દશા ઉપર હોય પશ્મીનાની કામળી હોય કે જાડી જોમની કામળી બેય તમારા સરખી છે તો વાંધો નથી.
એક સંત હતા. એક ભક્ત કાશ્મીર ગયેલો એમનો. તો કાશ્મીરી પશ્મીનાની શાલ બહુ ભારે લઈને આવ્યો. અને સંતને એણે અર્પણ કરી. સંત ખાખી બંગાળી હતાં. એક પણ વસ્ત્ર વધારાનું ન લે. ઠંડીનો સમય હતો. જે શાલ ઓઢતા હતાં બે-ચાર વર્ષથી, એ એકદમ ફાટી ગયેલી હતી. ફાટી ગયેલી હતી, બીજી કોઈ શાલ હતી નહી. અને પેલાએ આપી તો લેવી પડી. પણ જો કદાચ સાદી શાલ કોઈ આપવા આવ્યો હોત, તો સાદી શાલ જ લેત, પશ્મીનાની શાલ reject કરી દેત. સાદી શાલ મળી નહિ. જે મળે એ લેવું પડે સંતને.
બીજા દિવસે પેલો ભક્ત વંદન કરવા આવે છે, એના મનમાં એક આનંદ છે કે ગુરુદેવે આજે તો મેં આપેલી શાલને ઓઢી હશે. ઠંડી બહુ છે અત્યારે. ગયો, ખરેખર ગુરુએ એ જ શાલ ઓઢેલી. પણ છાતી પાસે મોટો ધબ્બો શાહીનો.. પેલો નવાઈમાં પડી ગયો. ફાઉન્ટેન પેનમાંથી શાહી ઝરે ને કદાચ તો છાંટા ઉડે. આ શું થયું? એને પૂછ્યું; ગુરુદેવ આ શું થયું? ગુરુ કહે; તમારું રૂપાળું બાળક હોય તો તમે શું કરો? ગાલે ટપકું કરો ને? એમ મેં ટપકું કર્યું. કે મને આ શાલ ગમી ન જાય! કેટલી એમની જાગૃતિ હશે બોલો!
એટલે હવે આપણે અનુપ્રેક્ષામાં એ જવું છે પરભાવમાં જવા માટેના કયા દ્વાર ખુલ્લા છે? એ દ્વાર બંધ કરી નાંખો! તમે સ્વમાં જ છો પછી!
લોકસંપર્ક કદાચ તમને ગમે છે. શા માટે ગમે છે? ભગવાને હા પાડેલી છે? ગુરુદેવે હા પાડેલી છે? તમને ખ્યાલ છે? તમે માત્ર પ્રભુદત્તને સ્વીકારી શકતા નથી. પ્રભુદત્ત ગુરુદત્ત થઈને આવે ત્યારે જ તમે એનો સ્વીકાર કરી શકો. એટલે ચાર અદત્તમાંથી આ બે અદત્ત જે છે ને, એ ૨૪ કલાક માટે છે. માત્ર ગોચરી માટે નહિ. તમારી એક-એક ક્ષણ પ્રભુદત્ત અને ગુરુદત્ત જોઈએ. કોઈની જોડે ઔપચારિક વાતો કરતાં હોવ, તરત મનમાં હેમરીંગ થાય કે મારા પ્રભુએ આની છૂટ આપી છે ખરી? શું આ ક્ષણ પ્રભુદત્ત છે? અને પ્રભુદત્ત ક્ષણ હોય, તો પણ ગુરુદત્ત ક્ષણ એ ખરી?
દશવૈકાલિકની હારિભદ્રી ટીકામાં એક સરસ શબ્દ છે: “धर्मलाभमात्राभिधायी” સાધુ ભિક્ષા માટે ગયો છે. એ ‘માત્ર’ ધર્મલાભ શબ્દ બોલી શકે બસ. બહુ, બહુ તો વર્તમાનયોગ. બાકી કોઈ શબ્દો એ બોલતો નથી. કારણ કે એની પુરી જાગૃતિ છે. ક્યાંય કોઈની જોડે સંપર્ક કરવો નથી. ક્યાંય કોઈની સાથે જોડાવવું નથી. એટલે પાંચમું અધ્યયન ભિક્ષાનું આવ્યું. અને છટ્ઠું અધ્યયન આચારકથાનું આવ્યું.
આપણે ત્યાં છે ને અવતર્ણીકા આપે કે પાંચમાં અધ્યયનને અને છટ્ઠા અધ્યયનને સંબંધ શું? તો સંબંધ એ આપ્યો કે પાંચમું અધ્યયન ભિક્ષાનું હતું. એક મુનિરાજ વહોરવા માટે ગયા છે. એ ગામમાં જૈન સાધુથી લોકો અપરિચિત હતા. આવો યુનિફોર્મ જોયેલો જ નહિ. તો એક જણાએ પૂછ્યું; સાહેબ! તમારી શું આચરણા હોય? તમારા સિદ્ધાંતો શું હોય જરાક સમજાવશો. તો મુનિરાજ કહે છે; ભાઈ please, મને એવી કોઈ આજ્ઞા નથી. અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં સમવસરેલા છે. તમે એમને ત્યાં પૂછી શકો. હું ન કહી શકું. પછી એ વ્યક્તિ ઉદ્યાનમાં આવે ગુરુ પાસે. અને ત્યારે ગુરુ આચારકથાની વાત કરે. એ સંદર્ભ ત્યાં આપ્યો છે. એટલે મૌન એ તો આપણા માટે પાયાની વસ્તુ છે. ‘સંપૂર્ણ મૌન.’
બહુ સરસ વાત કરી દેવચંદ્રજી મહારાજે; “વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય; તેહ સર્વથા ગોપવે, પરમ મહારસ થાય” “વચનાશ્રવ પલટાવવા” – તમે ગોખો છો, શા માટે ગોખો છો? બોલવાની ઈચ્છા થઇ, બોલો ને ભાઈ, ગોખો, ત્રણ કલાક ગોખો. વચનોનો આશ્રવ જે છે એ ન થાય એના માટે મુનિ સ્વાધ્યાયમાં જતો રહે છે. જેમ ડોક્ટર હોય, ડાયાબિટીક પેશન્ટને કહી દે, કે તમારે બિલકુલ ખાંડ નહિ ખાવાની. ચા પણ sugar free નાંખીને જ પીવાની. મીઠાઈને બિલકુલ અડવાનું પણ નહી. પણ કહ્યું; સાહેબ એમ તો કેમ ચાલે! સાવ ગળપણ ન હોય કેમ ચાલે? સારું એકાદ apple લેજો. ફ્રુટની સર્કરા જે છે, એ વધારે પડતી તકલીફ નથી કરતી. એમ પેલો કહે સાહેબ મારે બોલવું છે. બોલ્યા વગર રહેવાતું નથી. બોલ ચાલ. તો “વચનાશ્રવ પલટાવવા, મુનિ સાધે સ્વાધ્યાય” પછી શું લખે છે? “તેહ સર્વથા ગોપવે” હવે શુદ્ધ વચનગુપ્તિમાં આવી જાય. શબ્દને બિલકુલ મૌનમાં બદલી નાંખે. તો શું થાય – “પરમ મહારસ થાય.” પરમરસ.
તો નાગાર્જુન ધ્યાનમાં હતા. સવારે છ-સાડા છ એ આંખો ખુલી. પછી તરત નજર ગઈ. પોતાનું કમંડળ અને પાત્ર બેઉ છૂં! ખુલ્લો ચોરો હતો, કોઈ હાથ મારી ગયેલું. પોતે એકલા જ છે, બીજું પાત્ર-બાત્ર છે નહિ. પણ એવા એ જીવનમુક્ત સાધક હતાં. ભિક્ષા તો ૧૨ વાગે લેવી છે ને. ૧૨ વાગ્યાની વાત ૧૨ વાગે. અત્યારે શું? બરોબર ને…? ૧૨ વાગ્યાની ચિંતા છ વાગે હોય?! કદાચ કો’ક આવી પણ ગયું, અને ખબર પડે કે મ.સા. પાસે નથી ને, આપી જાય, તો ય ઠીક છે, નહીતર જોઈશું. એ પોતાના ધ્યાનમાં લાગી જાય છે કારણ કે સ્વાધ્યાય એમનો છૂટી ગયો. સ્વાધ્યાય બહુ કરેલો. વાચનાઓ પણ બહુ આપી. હવે ધ્યાનમાં રહેતાં. સતત ધ્યાનમાં રહેતાં. ૧૨ વાગ્યા. આંખ ખોલી. કમંડળ કે પાત્ર તો છે નહિ. કોઈ આપી પણ નથી ગયું. ગામનો ચોરો હતો. કોઈને ખબર પણ નથી કે સંત આવ્યા છે, ચાલો કંઈ નહિ, જઈએ. મારી પાસે પાત્ર નથી, એમને સહેજ પણ જે છે ને, વિચાર પણ નથી!
પહેલો જ એક બંગલો આવ્યો. બંગલાની બહાર એક શ્રેષ્ઠી ઉભો હતો. એક બૌદ્ધ ધર્મનો બહુ મોટો ઉપાસક. એણે છે ને નાગાર્જુનને જોયાં. ચમકી ગયો! નાગાર્જુન! આટલા મોટા સંત! આટલા મોટા ગુરુ! અહીંયા છે! દોડતો ગયો અને પધારો, પધારો, પધારો, મારા ઘેર પધારો. કારણ કે એ ઘણીવાર ગયેલો એમની પાસે. અને એને ખ્યાલ હતો કે હજાર-બે હજાર ભિક્ષુ-ભિક્ષુણીઓ હોય ત્યારે વાચના માત્ર ને માત્ર નાગાર્જુન આપતાં, એટલા મોટા એ વિદ્વાન હતા! આટલા મોટા વિદ્વાન! આટલા મોટા સાધકગુરુ મારે ત્યાં..! એ તો હર્ષઘેલો થઇ ગયો. આસન ઉપર બિરાજમાન કર્યા. વંદન વિગેરે કર્યું. અને એ સમજી ગયો કે સાહેબ પાસે કોઈ પાત્ર-બાત્ર છે નહિ. એ કહે સાહેબ મને ભિક્ષાનો લાભ આપો. પ્રસાદ. લાવો, કહે છે. લાવો. પેલો સમજી ગયો, સાહેબ પાસે કંઈ નથી. કમંડળ તો લાકડાનું એને મળી ગયું. ભિક્ષા માટેનું પાત્ર લાકડાનું નહિ મળ્યું. એક ડબ્બા જેવું પાત્ર હતું સોનાનું, હીરા મઢેલા ઉપર, બાઉલ જેવું, એ પડ્યું હતું. અબજોપતિ માણસ હતો. સાહેબ આ ચાલશે? હા ચાલશે. એમાં રોટલી-શાક લઇ લીધા. ગયા ચોરા ઉપર. એક હાથમાં કમંડળ. એક હાથમાં ડબ્બો.
એમાં એ ગામમાં ચોર રહેતો હતો. એ ખાલી ફરવા નીકળ્યો. દિવસે તો ખાલી રખડવાનું જ હોય. રાત્રે એનું કામકાજ શરૂ. ખાલી જતો હતો ને, એમાં એને આ ભિક્ષુને જોયાં. એની નજર ભિક્ષુ ઉપર ક્યાં પડવાની હતી? સોનાના ડબ્બા ઉપર! સોનાનો ડબ્બો હીરા જડેલો! ઓહો આ બાપજીને આ શું કરવાનું? આ તો મારા જ કામનું છે. હવે આજે હાથ બીજે નહિ મરાય. હાથ આજે અહીંયા જ મારવાનો. બાપજી ક્યાં ઉતર્યા છે જોઈએ. ગયો. ખુલ્લા ચોરામાં ઉતર્યા છે. ઓહો આ તો બહુ મજાની વસ્તુ છે. જો બપોરે બાપજી ઊંઘી જાય, બપોરે કોઈ આજુબાજુમાં ન હોય તો બપોરે. છેવટે રાત્રે, આજે ડબ્બો મારા ઘરે આવવો જ જોઈએ.
અને નાગાર્જુન બહુ જ ચકોર માણસ. ખાલી પેલો સામે આવ્યો એક મિનિટ માટે, ઓળખી ગયા! હું કહું છું ને ગુરુ face reading ના master હોય. કે આ ચોર છે. કંઈ વાંધો નહિ. ચોરનો ભય કોને હોય? અકિંચનને ભય શું? તો પેલો તો ચોરાની પાછળ બેસી ગયો. હવે તો બીજે ક્યાંય જવાનું હતું જ નહિ. ઘરેથી ખાઈને આવેલો. હવે તો અહીંયા ધામા નાંખવાના હતા. હવે લીધે જ છૂટકો કરવાનો. એમાં બાપજીએ ભોજન પૂરું કર્યું. પાત્રું ધોઈ નાંખ્યું. એમને ખબર હતી કે પેલો ચોર ક્યાં બેઠેલો છે, અને પ્રેમથી ત્યાં ગયા, લે ભાઈ, લઇ જા. પેલો તો આભો થઇ ગયો! પગમાં પડ્યો. સાહેબ, સાહેબ મને તમે આપો છો? હું તો ચોર છું જ. મારી તો નજર હતી જ. તમે મને સામેથી આપવા આવ્યાં! નાગાર્જુન કહે ભાઈ હું તો સાધુ છું. સાંજે બીજે ક્યાંક જઈશ. સવારે બીજે જઈશ. આને ક્યાં સાચવું હું? હું આને સાચવું તો મારો જીવ જોખમમાં પડે! તું જ લઇ જા. મારે તો કાલે બપોરે ૧૨ વાગે જમવાનું છે. ત્યારે કોઈ હરિનો લાલ મળવાનો જ છે મને. ચોર પગમાં પડ્યો. ભારતનો ચોર હતો ને.! સાહેબ ચોર છું, ચોરી ન કરવાનો નિયમ નહિ આપતાં, બાકી એકાદ નિયમ આપી દો. સંત પાસેથી ખાલી હાથે ન જવાય.
એ વખતે સંતે કહ્યું, નાગાર્જુને કહ્યું; જે કરે તે હોંશપૂર્વક, જાગૃતિપૂર્વક કરજે. રાત્રે આદતને વશ, ચોરી કરવા જવા માટે તૈયાર થયો. અને ત્યાં સંતનું વચન યાદ આવ્યું. “જે કરે એ હોંશપૂર્વક કરજે.” અરે! મારે ચોરી કરવાની જરૂર ખરી? મારે જમીન પણ છે. મોટું ખેતર છે. અને આજે તો આ જે પાત્ર મળ્યું છે મને સોનું કેટલું બધું છે એમાં! એ તો ખ્યાલ આવી જ જાય. અને એક-એક હીરાની કિંમત હજારો રૂપિયાની છે. તો આ હું ભલે અહીંયા ન વેચું, હું કોઈ મોટા શહેરમાં જઈને વેચી નાંખું તો લાખો રૂપિયા મને મળી જવાના છે. અને લાખો રૂપિયા મળી જાત, ભલે આ ગામને છોડી દઉં, કોઈને વહેમ આવે એટલા માટે. બીજા ગામમાં જઈને મોટો બંગલો લઈને આરામથી ન રહું! તો ચોરી કરવાની જરૂર શું મારે? અને એ વખતનો યુગ, જો ચોરી કરતાં જો રંગેલા હાથે પકડાઈ ગયો કોઈ તો સીધી ફાંસી. તો આવા ભયમાં જીવવું, એના કરતાં, ચોરી છૂટી ગઈ! બે દિવસ પછી આવ્યો; નાગાર્જુન પાસે, ફરતો ફરતો, ગોતતો ગોતતો, સાહેબ તમે તો મારી ચોરી છોડાઈ દીધી.!
બસ, બધું હોંશપૂર્વક કરવાનું…
