Mumukshu Vachna | 31-05-20 | Navsari Tapovan

25 Min Read

उदासीन

ઉદાસીન સાધક ઘટનાઓથી બિલકુલ અપ્રભાવિત હોય છે. ઘટના ઘટના છે; તમે તમે છો. એક પણ ઘટના તમને પીડા આપવા માટે સમર્થ નથી. માત્ર ઘટના માટેના તમારા વિકલ્પો જે છે ને, એ જ તમને પરેશાન કરે છે. પણ હકીકતમાં એ વિકલ્પો સાવ નિરર્થક છે.

કોઈ ઘટના ઘટી ગઈ. કેમ ઘટી… કેમ આમ જ ઘટી… આવું એનું પોસ્ટમોર્ટમ કરીને શું કરશો! ઘટનાનું ઘટિત થવું એ માત્ર એક પર્યાય હતો; વીતી ગયો. અને બીજી વાત. ભવિષ્યના વિકલ્પો તમે કરો છો. પણ એ વિકલ્પોના મૂળનાયક એવા તમે પોતે કેટલો સમય રહેવાના (જીવવાના) એ તમને ક્યાં ખબર છે!

સાધકની ચેતના પ્રભુને વિશે અનન્ય અને પરમતત્ત્વ સિવાયના જે પણ તત્ત્વો છે, એ તરફ બિલકુલ ઉદાસીન છે. બીજા બધા જ આશ્રયો તમારા totally લુપ્ત થઇ જાય, એક જ આધારસેતુ તમારો રહે – પરમાત્મા – ત્યારે તમે પરમાત્મામાં અનન્ય બનેલા કહેવાઓ. આ ઉદાસીનતા એ સાધકની ચોથી સજ્જતા.


નવસારી તપોવન વાચના – 56 [31.5.2020]

દાદા ગુરુદેવના ગુણાનુવાદ એ રીતે કરવા છે કે એમના ગુણોનો એક નાનકડો અંશ પણ આપણને સ્પર્શે. જેમ પ્રભુ બધું જ આપવા માટે તૈયાર છે. એમ સદ્ગુરુ પણ તૈયાર છે. માત્ર આપણે જ તૈયાર થવાનું છે. એ સદ્ગુરુ ઉર્જા રૂપે અત્યારે આપણી વચ્ચે જ છે. અને માત્ર એ સદ્ગુરુને પ્રાર્થના કરીએ તો સાધનાનો જે પણ પડાવ આપણને જોઈએ છે એ આપણને મળી જાય.

ઉનામાં હું ગયેલો. એક કિલોમીટર દૂર, હીરસૂરિ સાહેબનો અગ્નિસંસ્કાર થયેલો એ ભૂમિ ઉપર ગયેલો. મોટો બગીચો છે. અને ત્યાં સાહેબની ચરણપાદુકા છે. ત્યાં ધ્યાન કરતાં મને લાગ્યું; કે દાદા તો અહીંયા પ્રત્યક્ષ બેઠા છે. એટલે સદ્ગુરુ ક્યારે પણ જતા નથી.

સદ્ગુરુની છે ને બે-ત્રણ પેટર્ન તમને બતાવું, એક સદ્ગુરુ એવા હતા; માંડોલીવાળા શાંતિસૂરિ મહારાજ જેવા જે પોતે જીવંત હતાં, ત્યારે પણ ભક્તોની કામનાને પુરી કરતાં હતા. દેવલોકમાં ગયા પછી પણ એ જ કામ એમનું ચાલુ છે. સેંકડો ભક્તો એમના મળ્યા, માત્ર એમનું નામ લઈએ અમારું કામ થઇ જાય છે. તો એક પ્રકારના ગુરુ આ હોય છે.

બીજા પ્રકારના ગુરુ એવા છે પ્રેમસૂરિ દાદા જેવા કે બિલકુલ નિઃસ્પૃહ હતાં. એટલે અહીંથી જ છેડો ફાડીને ગયેલા બધા સાથેનો. એટલે હવે એમની સાથેનું અનુસંધાન શક્ય ઓછું બને. ભક્તિથી આપણે યાદ કરીએ, સ્મરીએ એ બરોબર છે. પણ ત્યાંથી કંઈક વહેશે, એવી શક્યતા ઓછી.

ત્રીજા પ્રકારના ગુરુઓ છે સિદ્ધિસૂરિ દાદા જેવા એ એક વિલક્ષણતા છે એમના જીવનની કે પરમ નિઃસ્પૃહ હતા. કોઈ ભક્ત સાથેની એમનો કોઈ સંબંધ નહતો. છતાં ઉપર ગયા છે. ઘણા બધા ભક્તો આજે એમના સંપર્કમાં છે.

એકવાર દાદાની પુણ્યતિથી હતી. અને દશાપોરવાડ ચોમાસું હતું મારું. તો પુણ્યતિથી ઉપર હું ત્યાં ગયેલો. એ બપોરે જે જાપ ચાલે છે જોયું, ગુરુ મૂર્તિવાળો હોલ તો નાનકડો છે. પણ વિદ્યાશાળાનો મોટો હોલ આખો ભરાઈ ગયેલો. અને બીજે પણ ખૂણે ખાંચડે લોકો બેઠેલા. લગભગ યુવાન લોકો. મેં એ લોકોને પૂછ્યું; બે-ચાર જણાને, તમે દાદાને જોયેલા? તો કહે; કે ના, દાદાને જોયા નથી. પણ દાદાનો મહિમા સાંભળ્યો, અને દાદાની ભક્તિ કરી, આજે દાદાનું અનુસંધાન અમને છે. એક ભક્તે તો ત્યાં સુધી કહ્યું, કે હું સામાયિક જ્યારે લઉં છું ત્યારે ‘ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી’, બોલું છું. અને સિદ્ધિસૂરિ દાદા આવીને મને કરેમિ ભંતે ઉચ્ચરાવે છે. એ વ્યક્તિ એવી હતી, કે એ ખોટું બોલતી હોય એવું મને લાગેલું નહિ.

તો આપણા ભદ્રસૂરિ દાદા પણ આ પેટર્નમાં આવશે. કે એ બિલકુલ નિઃસ્પૃહ હતા. પરમ ઉદાસીન હતાં. પણ આપણે જો ઈચ્છીશું તો આપણે એનો સંપર્ક સાધી શકીશું. અને મને જેવો સંપર્ક છે, કે હું ક્યારેય પણ કહેતો નથી કે દાદા ગયા છે. દાદા અહીં જ છે. તમે પણ આ કરી શકો છો. માત્ર દાદાની માળા ગણો એમ નહિ. આંખ બંધ કરીને દાદાને પ્રાર્થના કરો કે દાદા હું તારું જ બાળક છું. મારી ભીતર દોષો હોય, એ તને ગમે છે?

સવાલ – સાધનાના ક્ષેત્ર સિવાય બીજે એવો કોઈ દાદાનો અનુભવ ખરો? અત્યારે જીવંત અનુભવ?

ગુરુદેવ – અત્યારે જીવંતમાં અનુભવમાં શું થઇ શકે? કે કોઈ કાર્ય કરવાનું હોય, તો એ નથી કરવું એવો સંકેત પણ મળી શકે.

તો દાદાની પાસે શું માંગવું છે? કાલે આપણે ત્રણ ગુણો જોયાં. ચોથો ગુણ છે – उदासीनो गतव्यथः. દાદા પરમ ઉદાસીનભાવમાં હતાં. પુરી દુનિયા જોડેનો સંપર્ક એમનો cut off થયેલો. મને ખ્યાલ છે, સાહેબ જોડે વિહારમાં હોઈએ, કે સાહેબજી વિહાર કરવાનો છે તો કહે, કે ચાલો. સાહેબજી વાપરવાનું છે તો કહે, વાપરી લઈએ. ક્યારે પૂછે નહિ આપણે કયા ગામમાં આપણે આવ્યા છીએ. એમને એની જોડે પણ નિસ્બત નથી. એમણે પરમાત્મા જોડે એવું અનુસંધાન કરી નાંખેલું કે બીજા બધા જોડેનો સંબંધ કપાઈ ગયો.

અને એટલે જ નારદઋષિએ ભક્તિસૂત્રમાં લખ્યું; “तस्मिन् अनन्यता तद्विरोधिषूदासिनता च”

‘तस्मिन् अनन्यता’ – ભક્ત કેવો હોય છે. પ્રભુને વિશે અનન્ય. એકાકાર જેની ચેતના થઇ છે એવો. અને પરમતત્વ સિવાયના જે પણ તત્વો છે, એ તરફ એ બિલકુલ ઉદાસીન છે. પછી ત્યાં પૂછ્યું; કે અનન્યતા એટલે શું? ‘तस्मिन् अनन्यता’ – એના માટે સૂત્ર આપ્યું; ‘अन्याश्रयाणां त्याग: अनन्यता’. બીજા બધા જ આશ્રયો તમારા totally લુપ્ત થઇ જાય, એક જ આધારસેતુ તમારો રહે પરમાત્મા ત્યારે તમે પરમાત્મામાં અનન્ય બનેલા કહેવાઓ. એટલે કે તમારી ચેતના પુરેપુરી પરમાત્મા સાથે ઓગળી ગઈ.

દાદા કેટલા બધા ઉદાસીન હતા. તમને બધાને તો ખ્યાલ છે. દાદાની એક આંખ ઝામરામાં ગઈ. બીજી આંખ મોતિયાના ઓપરેશનમાં ફેલ થઇ. આપણે વિચાર કરીએ આમ, બંને આંખોની રોશની ચુકાઈ જાય તો શું થાય? હું ભલે આટલો સાક્ષીભાવમાં હોઉં, પણ મને પણ સહેજ ધ્રુજારી થઇ જાય કે બંને આંખ જતી રહે તો શું થાય! દાદાનું ઓપરેશન ફેલ થયું. બીજી આંખની રોશની દેખાવાની બંધ થઇ ગઈ. અને એ વખતે દાદાની comment શું હતી? કે આ તો પ્રભુનો સંકેત છે. અનન્ય છે ને? ‘अन्याश्रयाणां त्याग:’ – પ્રભુનો સંકેત છે અત્યાર સુધી હું સ્વાધ્યાય કરતો હતો. હવે પ્રભુ કહે છે; કે તું જાપ અને ધ્યાનમાં જતો રહે. એટલે ઘટનાથી બિલકુલ અપ્રભાવિત હતાં. ઘટના, ઘટના છે; હું, હું છું.

અને હું ઘણીવાર કહું છું; એક પણ ઘટના તમને પીડા આપવા માટે સમર્થ નથી. એક પણ ઘટના. ઘટના માટેના તમારા વિકલ્પો જે છે ને, એ જ તમને પરેશાન કરે છે. ઘટનાથી કોઈ પીડા ક્યારે પણ ન થાય. પણ આ ઘટના ઘટી ગઈ. અરે કેમ ઘટી ગઈ? તે કેમ ઘટી એ જોવાનું જ ન હોય! એ પર્યાય હતો, પર્યાય વીતી ગયો.

ઉપમિતિ સિદ્ધર્ષીજી કહે છે : अत: अतित चिन्ता महामोह विलसितम् एव’. અતિતકાળની એક પણ ઘટનાની તમે વિચારણા કરો, તો એ તમારા મહામોહનો વિલાસ છે. ઘટના ઘટવાની જ હતી. ઘટી ગઈ. હવે એનું પોસ્ટમોટમ કરવાનો શું અર્થ? અને બીજી વાત. ભવિષ્યના વિચારો આવે છે તમને, ભવિષ્યમાં તમે કેટલું જીવવાના, તમને ખબર નથી. ભવિષ્યના બધા વિકલ્પોના મૂળનાયક તમે છો. પણ એ મૂળનાયક કેટલું રહેવાનું એ તમને ખબર નથી. તો એ વિકલ્પો પણ નિરાધાર છે.

હમણાં મેં એક સરસ વાત કરેલી. એક પ્રોફેસર હતા. અને એમને એક બહુ સરસ ભાષણ આપવા માટે એક શહેરમાં જવાનું હતું. સાંજે પોતાના શહેરમાંથી ઉપડે, ટ્રેનમાં તો સવારે ત્યાં પહોંચી જાય. ત્યાં પહોંચી, હોટલમાં ઉતરી, ફ્રેશ થઇ અને હોલ ઉપર પહોંચી શકે સમયસર. સાંજે સમયસર પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા. ગાડી પકડી લીધી. એર-કંડીશન કુપો જે હતો, એ કૂપેની અંદર એમણે ટિકિટ રિઝર્વ કરાયેલી. કુપેમાં ચાર યાત્રિકો હોય. એમાં એક યાત્રિક ગેરહાજર હતું. એક પતિ-પત્ની નીચેની બર્થ ઉપર બેસી ગયેલા. પ્રોફેસર ઉપરની બર્થ પર ચડી ગયા. એટલે આવતીકાલના ભાષણ માટે થોડા points જોવા છે નવા, થોડા પુસ્તકોને રીફર કરવા છે. બધું ખોલીને બેસી ગયા. કે બે-ચાર-પાંચ કલાક થોડું કામ કરી લઉં પછી આરામ કરી લઈશ. ત્યાં નીચેવાળા બેન જે છે ને, એ ચાલુ થઇ ગયા બોલવામાં, ‘હે ભગવાન કેવી તરસ લાગી છે, બાથરૂમમાં પાણી આવતું નથી. હે ભગવાન કેવી તરસ લાગી છે!’ પ્રોફેસર કહે; હવે આમાં કંઈ…! મારું ભાષણ લખવાનું કામ થશે નહિ.

સ્ટેશને ગાડી રહી એક. એટલે બેનનું, પેલા ભાઈનું, અને પોતાનું ત્રણેયનું વોટરબેગ લઈને ગયા. પાણી ભરીને આવ્યાં. બધાને વોટરબેગ આપી દીધું. તો થયું કે હવે શાંતિ રહેશે. ઉપર ચડી ગયા. ચોપડા ખોલ્યા. પેલા બહેને પાણી પીધું. પછી ચાલુ થઇ ગયા, ‘હે ભગવાન! કેવી તરસ લાગી હતી! હે ભગવાન! કેવી તરસ લાગી હતી!’ પેલા પ્રોફેસરે માથું પટક્યું હવે આના માટે કોઈ વોટરબેગ નથી! તો આમાં તમને એ બાઈ કેવી લાગી? કેવી લાગી?

હવે તમારી જાતને કલ્પો તો તમે શું કરો છો બોલો? હે ભગવાન! આમ કેમ થઇ ગયું? ભાઈ, થયું ગયું તો થઇ ગયું. સ્વીકારી લે!

તો દાદા ગુરુદેવ પરમ ઉદાસીન દશામાં હતા. એટલે ઘટનાથી બિલકુલ અપ્રભાવિત હતા. આમ પણ તમને ખ્યાલ છે, પ્રભુનો સંયમી કેવો હોય? ઉદાસીન હોય એ પ્રભુનો સંયમી – વ્યાખ્યા આટલી જ છે. એટલે જ દેવચંદ્રજી મહારાજ જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ માટે જાણંગભાવ શબ્દ વાપરે છે. અને ચારિત્ર માટે ઉદાસીનભાવ શબ્દ વાપરે છે. જે ઉદાસીન છે તે મુનિ. તે સાધ્વી.

‘मन्यते यो जगत्तत्वम्, स मुनि: परिकीर्तित’ જગતના તત્વો ત્રણ – ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. તો ઉત્પાદ અને વ્યય થતાં જ રહેવાનો છે. એ પર્યાયો ક્રમબદ્ધ ચાલ્યા કરવાના છે. અને છતાં હું તો નિત્ય રહેવાનો જ છું. એટલે ‘मन्यते यो जगत्तत्वम्’ નો નિષ્કર્ષ એ છે કે પર્યાયોમાં જે ન જાય, અને નિત્ય આત્મ-દ્રવ્યમાં જ જેનું મન સ્થિર થયેલું હોય એ મુનિ. આપણે બધાને મુનિ બની જવું છે ને!

યાદ રાખો, પહેલા ક્રમ શું હતો? તમે ભાવ દીક્ષિત થાવ, પછી તમને રજોહરણ મળે. સ્થાનકવસી પરંપરામાં તો આજે શબ્દ છે, આપણે જેમ મુમુક્ષુ કહીએ ને, એમ ક્યારેક વંદન કરવા આવે તો કહે, સાહેબ આ ભાવ દીક્ષિત છે. ભાવથી દીક્ષિત થઇ ગયો છે. હવે દ્રવ્યથી દીક્ષા લેવાની એને બાકી છે. તો ભાવ દીક્ષિત કોણ હવે બોલો? “કેવલ આતમ બોધ હૈ, પરમારથ શિવ પંથ; તામે જિનકી મગનતા, સો હી ભાવ નિગ્રન્થ” હી શબ્દ મુકે છે. ‘સો હી ભાવ નિગ્રન્થ’ – એ જ પ્રભુનો ભાવ નિગ્રન્થ છે. એટલે કે માત્ર સ્વરૂપદશા તરફ જ જેનું ચિત્ત ફોકસ થયેલું છે એ ભાવ નિગ્રન્થ. હવે ચોથા ગુણઠાણે ભાવ નિર્ગ્રંથ બની જવાય. પાંચમાં ગુણઠાણે પણ ભાવ નિર્ગ્રંથ બની જવાય. અને છટ્ઠે દ્રવ્ય-ભાવ બેઉ નિર્ગ્રંથતા આવે.

પણ આપણે તો હવે step by step જવું છે. કાલે કહ્યું હતું એમ, મિત્રા દ્રષ્ટિથી જ આગળ વધવું છે. હમણાં એક બહુ સરસ ઘટના વાંચેલી. એટલી સરસ ઘટના હતી, હું હલી ગયો હતો. તિબેટ પર ચીનનું આક્રમણ થયું. અને ચીને તિબેટ પર આધિપત્ય સ્થાપી દીધું. દલાઈલામા અને બધા જ રાતોરાત ભાગીને ભારતમાં આવી ગયા. આજે પણ દલાઈલામા ભારતમાં જ છે. બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ગુરુ. એક ભિક્ષુ ચીની સૈનિકોના હાથે પકડાઈ ગયો. ગુનો કંઈ હતો જ નહી. પકડાઈ ગયો. ૧૮ વર્ષ સુધી એને જેલમાં રાખ્યો. કોઈ અપરાધ નહિ. કોઈ ગુનો નહિ. બસ બૌદ્ધ ભિક્ષુ છે ને, એ વખતના શાસકો ચીનના ધર્મ વિરોધી હતાં. ૧૮ વર્ષ સુધી એને જેલમાં રાખ્યો. સુવિધા એકદમ નહીવત્. ખાવાનું પુરતું નહિ. પીવાનું ઠેકાણું નહિ. મચ્છરવાળી રૂમમાં રહેવાનું. પંખો પણ નહિ એમાં.

૧૮ વર્ષે એ મુક્ત થયો. અને ભારતમાં દલાઈલામા પાસે આવ્યો. દલાઈલામાના ચરણોમાં ઝૂક્યો. દલાઈલામાએ એક જ પ્રશ્ન કર્યો કે ૧૮ વર્ષ તું જેલમાં રહ્યો, એમાં તને સૌથી કપરામાં કપરી બાબત શું લાગી? તો એ વખતે બૌદ્ધ ભિક્ષુક એ કહે છે કે ગુરુદેવ! એક જ વાત મારા મનમાં હતી, કે આ લોકો પરનો મારો પ્રેમ ઓછો ન થાય! સતત આ એક ચિંતના હતી, એક ભય હતો કે જે લોકોએ વિના કારણે મને જેલમાં પૂર્યો છે. જે લોકો વિના કારણે મને હેરાન-પરેશાન કરી રહ્યા છે. એવા લોકો પ્રત્યેનો મારો પ્રેમ ઓછો ન થઇ જાય. એની ચિંતા હતી. બીજી કોઈ ચિંતા નહતી. અને ખરેખર બુદ્ધ ભગવાનની કૃપાથી અને આપની કૃપાથી ૧૮ વર્ષમાં એક મિનિટ પણ એ લોકો પ્રત્યે મને તિરસ્કાર નથી આવ્યો. મારી પ્રેમની જે ધારા આપે મને આપેલી હતી, એ જ ધારા ૧૮ વર્ષ સળંગ ચાલુ રહી છે.

આટલું સબળ કારણ સામે છે.અને છતાં પણ બૌદ્ધ ભિક્ષુ કહે છે; કે મારો તો ધર્મ છે માત્ર બધાને પ્રેમ આપવાનો. હું કોઈને ધિક્કારી કેમ શકું? સામી વ્યક્તિ શું કરે મારે જોવાનું નથી. હું ધિક્કારની પરિભાષા માં આવું, એટલે હું સાધુ ન રહ્યો. હું ધિક્કારની પરિભાષામાં આવ્યો. હું તિરસ્કારની ભૂમિકા ઉપર આવ્યો. હું સાધુ ન રહ્યો! તો આ મિત્રા દ્રષ્ટિની ભૂમિકા. લાગે આપણને કે આ ભૂમિકા આપણને મળી છે? કદાચ તમે સજ્જન હોવ, અને બહાર પણ તમારી પ્રતિષ્ઠા બહુ સારી જામેલી હોય, તો બહારથી કદાચ ન બોલો, પણ મનમાં તો ગુસ્સો આવી જ જાય.

એટલે શું થયું આપણે ઘટના અપ્રભાવિત થયા નથી. ઘટના પ્રભાવિત જ છીએ. એક-એક નાની ઘટનાની અસર થયા કરે છે. હવે ઘટના પ્રભાવિત તમે કેમ થાવ છો? તમે આંતર-નિરીક્ષણ કરો ને તો આ રીતે કરો. ચાલો હું ઘટના પ્રભાવિત છું. અને એનું મુખ્ય કારણ તો એ છે, કે સમાજે મને જે મન આપેલું, એ મન જ અત્યારે મારી પાસે છે. પ્રભુ જે મન આપવા માંગે છે, એ મન મારી પાસે નથી. પ્રભુ જે મન તમને આપવા માંગે છે એ મન તમારી પાસે આવી જાય, તમે ઘટના અપ્રભાવિત બની જ જાવ. તો હવે તમે ઘટના પ્રભાવિત બનો છો.

હવે તમે ઊંડા ઉતરો કે આ એક નાનકડી ઘટના હતી કે એક મહિનો પેલા ભાઈ ન આવ્યાં. તો કદાચ માંદા પણ પડેલા હોય, કદાચ બહારગામ ગયેલા હોય. જે હોય તે. આજે શાતા પૂછવા આવ્યો છે. મારો ધર્મ છે, પ્રેમથી દેવ-ગુરુ પસાય કહેવાનું. હું બહુ શાતામાં છું. પણ આ સહેજ જે બોલાઈ ગયું રફલી, એનું કારણ શું? અપેક્ષા હતી. આ કેમ ન આવે રોજ! આ અપેક્ષાને કારણે તમે ઘટના પ્રભાવિત થયા. અને ઘટના પ્રભાવિત થયા એટલે તિરસ્કાર તમારી ભીતર આવી ગયો. એ એક-એક દોષ તમારી ભીતર કેમ આવે છે, એનું પગેરું તમારે લેવું પડશે ને? એમનેમ તો કેમ ચાલશે!

દોષમુક્તિ. એટલે કે ઉપાદાન શુદ્ધિ. એ જ આપણું અવતારકૃત્ય છે. આ જન્મમાં foundation આ મળી જ જવું જોઈએ. એકવાર foundation મજબુત થઇ ગયું. મહેલ મજાનો ચણાશે. તો foundation વિના ચણતરનો કોઈ અર્થ ખરો? એક ભૂકંપ નો ચારનો આંચકો આવશે આખો મહેલ તૂટી પડશે. આપણે આવું જ થાય છે ને? નાનકડી ઘટના; અને જમીન દોસ્ત.

તો પરથી બિલકુલ ઉદાસીન આપણે બની જવું છે. આપણે ત્યાં રોલ મોડલ્સ કેટલા સરસ છે. પ્રભંજના રાજકુમારીની વાત આવે છે. ગામમાં સાધ્વીજીઓનું ચાતુર્માસ. અને એ રાજકુમારી સાધ્વીજીઓ પાસે તત્વજ્ઞાન લેવા માટે આવતી. મહિનો, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, કારતક મહિનો આવી ગયો. રાજકુમારી ઉંમરલાયક થઇ ગયેલી. એને યોગ્ય મુરતિયો મળતો નહતો. તો એ જમાનાની પ્રથા પ્રમાણે સ્વયંવર મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. કે સ્વયંવરમાં બધા રાજાઓ, રાજકુમારો આવે. રાજકુમારી જેને પસંદ કરે એના ગળામાં વરમાળા આરોપી દે. એ સ્વયંવર મહોત્સવની તારીખ નક્કી થઇ ગઈ. અને રાજાઓ-રાજકુમારો સેંકડોની સંખ્યામાં એ ગામમાં આવ્યાં. ગામની બહાર મોટા સમિયાણા બંધાયેલા. એ રાજાઓના રથો, નગરની શેરીઓમાં ઘૂમી રહ્યા છે. સાધ્વીજીઓ વહોરવા માટે જાય. બહાર પણ જાય. એક સાધ્વીજીને એક સવાલ થતો નથી કે આ શું ચાલી રહ્યું છે? આ પરની ઘટના છે. અને પરની ઘટનામાં અમારે જવાનું હોય નહિ.

આહારક શરીરવાળા મુનિને કદાચ ભગવાનની સમવસરણની ઋદ્ધિ જોવાનો વિચાર આવે તો શું થાય? અપ્રમત્તમાંથી પ્રમત્તમાં આવી જાય ને ! શું જોવાનું છે? શું જોવાનું છે? પરમાત્માની ઋદ્ધિ. પણ બાહ્ય ઋદ્ધિ જોવાનો વિચાર છે, પરમાત્માના બાહ્ય ઐશ્વર્યને જોવાનો વિચાર છે.

આજ સુધી આપણે પણ સમવસરણમાં કેટલીવાર જઈ આવ્યાં. માત્ર પ્રાતિહાર્યોને જોયા. માત્ર ચામરોને વીંઝાતા જોયાં. ભગવાનના ચહેરા પરની પરમ ઉદાસીનદશા આપણે ક્યારેય પણ જોઈ નથી. પણ હવે એક કામ કરી શકીએ, પ્રભુ ભલે નથી. પ્રભુની મૂર્તિ છે. અને જિનપડિમા-જિનસારિકી તો એ પ્રભુ પાસે જાવ ત્યારે પ્રભુની પરમ ઉદાસીનતાને બરોબર જુઓ. તમે સોનાના અલંકારો પહેરાવો કે હીરાના દાગીના પહેરાવો. પ્રભુ સ્વમાં જ છે. શંખેશ્વરમાં પૂનમે ૧૦,૦૦૦ માણસો આવે. એકમના ૨૦૦ ય ન હોય. ભગવાન સ્વમાં છે. ૧૦,૦૦૦ પણ આપણી બાજુ છે. અને ૨૦૦ પણ આપણી બાજુ છે. સોનાનો મુગટ કે હીરાનો મુગટ આપણી બાજુ છે. એમની બાજુ કાંઈ જ નથી. ત્યાં છે માત્ર પરમ ઉદાસીન દશા. એટલે સમવસરણમાં જઈ આવ્યાં. પણ કદાચ એકેય વાર પ્રભુની પરમ ઉદાસીનદશા દેખાઈ નહિ.

તો એક પણ સાધ્વીજીને વિચાર નથી આવતો કે ગામમાં શું થઇ રહ્યું છે આ? શેની ચહલ-પહલ છે આ? તમને કોઈને થાય નહિ ને? થાય? પરની દુનિયા છે, હવે તો બધું ચાલ્યા કરે બધું. અને આવું તો અનંતા જન્મોમાં જોયું છે. પરની જિજ્ઞાસા તમારા માટે ઘાતક છે. જેમ કાલે કહ્યું હતું કે પરનો પરિચય તમારા માટે ઘાતક છે. એમ પરની જિજ્ઞાસા એ પણ તમારા માટે ઘાતક છે. પરમાં કશું જ જાણવાનું નથી. કંઈ છે પણ નહિ. કચરો જ છે.

એટલે અધ્યાત્મ બિંદુમાં કહે છે એ જ કે બહાર શું જોવાનું છે? જોવાની તારી જાતને જ છે. તારા આનંદઘન ચૈતન્યને તું જો. બીજું કંઈ દુનિયામાં જોવાનું છે જ નહિ. દ્રષ્ટા પણ તું. અને દ્રશ્ય પણ તું. તારે તને જ જોવાનો છે. બીજા કોઈને જોવાનો નથી.

એક પણ સાધ્વીજીને સવાલ થતો નથી, અને એમાં જે દિવસે સ્વયંવર મંડપમાં જવાનું છે એ દિવસે પ્રભંજના બની-ઠનીને નીકળી ઘરેથી, ભગવાનના દર્શન કર્યા. અને સાધ્વીજીન ઉપાશ્રયે આવી. તત્વજ્ઞાન બહુ આપેલું છે એમને. એમનો ઉપકાર છે. એમના ચરણોમાં ઢળે છે. આટલા ઘરેણા વિગેરે પહેરીને આવી છે. ગામ બહાર આટલું બધું હતું, કોઈ કલ્પના પણ ન કરી શકે કે સ્વયંવર મહોત્સવ હશે. કોઈ જિજ્ઞાસા જ નથી. પ્રભંજનાની સખીએ કહ્યું; કે સાહેબજી! પ્રભંજનાનું આજે સ્વયંવર મહોત્સવ છે. ત્યાં એ જઈ રહી છે. મુખ્ય સાધ્વીજીએ એટલું જ કહ્યું; કે પરમાં જવાનો આનંદ હોઈ શકે ખરો? એક જ વાક્ય! ‘પરમાં જવું પડે એ જુદી વસ્તુ છે પણ પરમાં જવાનો આનંદ હોઈ શકે ખરો?’

બોલો તમને પણ પૂછું; કોઈ વ્યક્તિ મળવા આવી. તમારી મનગમતી વ્યક્તિ હતી. તમને રતિભાવ થયો. તો શું થયું? પર દ્વારા તમે રતિભાવ મેળવવાની કોશિશ કરી. તો સાધ્વીજી ભગવતીએ એક જ વચન કીધું; કે પરમાં જવાનો આનંદ હોઈ શકે ખરો? એક જ વચન! પ્રભંજનાજી ત્યાં ને ત્યાં સ્થિર થઇ ગયા છે. ત્યાં જ શુક્લ ધ્યાન. ત્યાં જ કેવલજ્ઞાન! એટલે વિનિયોગ થયો. સાધ્વીજી ભગવતી પરમ ઉદાસીન ભાવમાં હતાં. એ માત્ર સ્વના આનંદમાં ઝૂમતા હતાં. અને એટલે જ એ કહી શક્યા કે પરમાં આનંદ હોઈ શકે ખરો? આનંદ તો સ્વમાં જ હોય! એટલે ચાર મહિના, પાંચ મહિના, એ તત્વજ્ઞાન સાંભળેલું, આ જ સાંભળેલું કે આનંદ સ્વમાં જ છે. એક જ વચન અંદરની ધારા ચાલુ થઇ ગઈ. કેવલજ્ઞાન. ક્યાં દૂર છે કેવલજ્ઞાન?!

ઉપનિષદનું એક સરસ વાક્ય છે. “तद् दूरे तद्वन्तिके” ‘तद् दूरे’ – તમે પરમાં જ છો, આ બધું દુર જ છે તમારા માટે. तद्वन्तिके – તમે જો એકદમ સ્વમાં આવી ગયા, તો આ રહ્યું કેવલજ્ઞાન. આ રહ્યો મોક્ષ. મોક્ષ ક્યાં દુર છે?

‘आयओ गुरुबहुमाणो’. પંચસૂત્રકાર મહર્ષિનું આ વચન એક ગુરુબહુમાન આવી ગયું, મોક્ષ તમારા હાથમાં! મોક્ષ તમારી પાસે આવી ગયો. તમારે મોક્ષ લેવા જવાનું નથી. પણ એ ક્યારે બને? ‘आयओ गुरुबहुमाणो’ ગુર પ્રત્યેનું અત્યંત બહુમાન આવી જાય તો. આ એક ગુરુ બહુમાન નથી આવ્યું, total surrender નથી આવ્યું. માટે જ અગણિત જન્મોની સાધના આપણી નિષ્ફળ ગઈ. બાકી આ જન્મમાં ગુરુ બહુમાન ઠાંસી-ઠાંસીને આવી જાય, બે-ચાર જન્મમાં મોક્ષ નક્કી તમારો.

એનું ઊંડું કારણ એ છે, કે ગુરુ પ્રત્યેનો બહુમાન તમને થયો, તો જ તમે ‘तव्वयण-सेवणा’ કરવાના છો. ‘तव्वयण-सेवणा’ વાસ્તવિક ક્યારે થાય બોલો? ગુરુએ કહ્યું; બે ઘડા પાણી લઇ આવો. કે આમ કરી આવો. શરીરના સ્તરની વાત થઇ. પણ તમારી જે ઈચ્છા છે, એનાથી વિરુદ્ધ ગુરુની આજ્ઞા આવી, છતાં એટલા પ્રેમથી તમે ઝીલી શકો, આવું બન્યું છે? એટલે ગુરુ બહુમાન ન હોય ત્યાં સુધી ‘तव्वयण-सेवणा’ શક્ય જ નથી. અને ગુરુ દિલથી આજ્ઞા કોને આપશે? જે એ આજ્ઞાનો પાલક છે એને આપશે.

શાસ્ત્રની વાતો તમારા ખ્યાલમાં છે. ગુરુ પોતે મધરાતે શિષ્યના ગળા પાસે ચપ્પુ લગાડે. શિષ્યને કોઈ વિચાર નથી. આંખ ખોલી જોયું, ગુરુ મહારાજ છે બસ. એ કેટલું સમર્પણ હશે. એટલે મુમુક્ષુ માટેની સાધનામાં આ વસ્તુ થઇ. પણ આ ક્યારે બને? Foundation આવે તો. ઉપાદાન શુદ્ધિ નથી ત્યાં સુધી આ વાત શક્ય જ નથી. મને આ ગમે. મને આ ગમે. મને આ ગમે. ત્યાં ગુરુને આ ગમે છે એ વાત જ નથી આવતી પછી. એટલે મને ગમતું હોય એ ગુરુ કહે તો ગમે છે. એ તો મને ગમવાની જ વાત છે. મારી કોઈ choice નથી. હું totally choiceless person છું. જે સદ્ગુરુની આજ્ઞા હોય એને સ્વીકારવા હું તૈયાર છું.

તમે વિચાર તો કરો. આના ઉપર આંતર-નિરીક્ષણ રાત્રે કરજો. કે શું મોક્ષ નથી જોઈતો? અને આટલી નાનકડી સાધના ગુરુ બહુમાનની અને એ મોક્ષ સુધી મને સાંકળી આપે, તો શા માટે હું નથી કરતો? એક નોકર પણ બોસ પાસે ઝુકે છે. ભલે બહારથી ઝુકતો હોય, એ ઝૂકવું તો પડે જ છે એને.

તો સંસાર માટે અનંતીવાર આપણે ઝુક્યા. કોઈના ના ના કોઈના પગમાં. ગુરુના ચરણમાં આળોટવાનું છે. પણ એમ લાગે કે result મળતું નથી. આપણા દાદા ગુરુદેવ પાસે, પરમ દાદા ગુરુદેવ સિદ્ધિસૂરિ મ.સા. પાસે, આ બધાની પાસે, ગુરુદેવ ૐ કારસૂરિ મ.સા. પાસે આ ‘તવ્વયણસેવણા’ હતી. કોઈ વિચાર જ નહિ. ગુરુ મહારાજ કહે એટલે કરી જ લેવાનું છે બસ. No argument. Argument તો નહિ જ. તમે કદાચ નહિ કરતાં હોવ, પણ, શું પ્રેમથી કહો કેમ? સાહેબ આ તો ફાવે એવું નથી હવે.

એટલે અંદર માત્ર અને માત્ર અહંકાર ભરેલો છે. માત્ર પોતાના વ્યક્તિત્વ પરનો રાગ ભરેલો છે. માત્ર આ કીચડ અને કાદવ જ અંદર છે. આમાં ફૂલ ક્યાંથી ઉગશે, બોલો? એટલે બોલ તમારા તરફ ફેંકુ છું. વિચાર કરીને કાલે આવજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *