Mumukshu Vachna | 31-03-20 | Navsari Tapovan

1 View
26 Min Read

નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો

વિકલ્પ અને વિચાર બે જુદી ઘટના છે. સાદો વિચાર હોય – જેમાં રાગ-દ્વેષ-અહંકાર ન ભળેલા હોય એવો – એને આપણે વિચાર કહીએ છીએ. અને જે વિચારમાં રાગ-દ્વેષ-અહંકાર ભળેલા હોય એને આપણે વિકલ્પ કહીએ છીએ. આપણી પરંપરા નિર્વિકલ્પ ઉપયોગને વધુ મહત્ત્વ આપશે.

વિભાવનો અંગારો સત્તામાં હોય એ ઉદયમાં આવે ત્યારે તમે એને વિકલ્પોની હવા નાંખીને એ અંગારાને ભડકામાં ફેરવી શકો છો અને જાગૃતિ કે દ્રષ્ટાભાવની રખિયા નાખીને એ અંગારાને શાંત પણ કરી શકો છો.

એટલે કદાચ વિચાર આવી જાય, તો પણ એ તમારી સાધનામાં અવરોધ નહિ નાંખે; વિકલ્પ જ તમારી સાધનામાં અવરોધ નાંખશે. ઉદયમાં તમે ભળી જાઓ, તો નવો બંધ બાંધશો. અને જો ઉદયની ક્ષણોમાં તમે નિર્વિકલ્પ દ્રષ્ટા બની રહ્યા, તો નિર્જરા કરશો..

અત્યારે આપણને પ્રભુના દર્શનનો આનંદ કેમ નથી મળતો? કારણ એક જ છે કે આપણી ભીતર વિચારો ચાલ્યા જ કરતા હોય છે. તમે totally પ્રભુની પાસે નથી હોતા. There should be the totality. જે કરો, એ સમગ્રતાથી કરો; સંપૂર્ણ અસ્તિત્વથી કરો

ગયા જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા હતા, આ જન્મમાં તમારા ગુરુ વ્યક્તિરૂપે જુદા છે; પણ ગુરુચેતના એક જ છે. તમને જે ગુરુ વ્યક્તિરૂપે દેખાય છે એ પોતાની બાજુ માટે ગુરુચેતના જ છે.


નવસારી તપોવન વાચના – 3 [31.3.2020]
નવા પદાર્થો આપ્યાં તો મનને ઓચ્છવ થઇ ગયો, પણ તમે ક્યાં? શંકરાચાર્યનું એક પ્રસિદ્ધ સૂત્ર છે – ‘તર્ક: અપ્રતિષ્ઠિત:’ સાધનામાર્ગમાં તર્કનું – વિચારનું કોઈ જ મૂલ્યાંકન નથી.
કિરણભાઈનું નામ તમે બધાએ સાંભળેલું છે. દર વર્ષે લગભગ પંન્યાસજી મ.સા. પાસે એ જતાં. અને સાહેબ પાસેથી તત્વજ્ઞાન મેળવતાં. એકવાર પૂછાવ્યું, સાહેબજી મારે આવવું છે, ક્યારે આવું? સાહેબજી લુણાવામાં હતાં. એમને કીધું પર્યુષણ પછી આવજે. પર્યુષણ પછીના જ દિવસે આવી પણ ગયા, સવારે. સાહેબજીને વંદના કરી. સાહેબજીએ કહ્યું; બપોરે ૩ વાગે આવજે. નાસ્તો કર્યો. પૂજા કરી. ત્રણમાં પાંચ મિનિટે હાજર થયા. ગુરુદેવને વંદન કર્યું.
તો એ વખતે ગુરુદેવે વાચના શરૂ કરી. એક યોગી પુરુષ હતાં. એ જંગલમાંથી જઈ રહેલા હતા. લોકોએ ના પાડી, ત્યાં આગળ ઝેરી સાપ છે… (અહીં ઓડિયો માં ખળભળ હોવાથી સંભળાતું નથી)
કિરણભાઈ ખાલી એક વાક્ય બોલી ગયાં. સાહેબજી, આપ ચંડકૌશિક વાળી વાત કહેવા માંગો છો? એ વખતે ગુરુદેવે કહ્યું. કિરણ, આજે વાચના સમાપ્ત. આવતી કાલે પણ નહિ રહે. પરમ દિવસે જોઇશ… તારે સદ્ગુરુને પીવાના હતા ને? તો બુદ્ધિને આવવાની જરૂર ક્યાં હતી?
મહેસાણા વચ્ચે હું ગયેલો, ઉનાળામાં, ઉપનગર સંઘમાં, તો એ વખતે ગચ્છાધિપતિ હેમપ્રભસૂરિ મહારાજનું ચોમાસું નક્કી થયું. તો મેં પ્રવચન આપતાં કહ્યું; સાહેબ આવવાના છે, સાહેબ જોડે વિદ્વાન ગુરુઓ પણ છે પણ તમારે પ્રવચન સાંભળવાનું નહિ. મેં કહ્યું; પ્રવચન સાંભળવાની વસ્તુ છે કે પીવાની વસ્તુ છે? પ્રવચનકાર તો હોતાં જ નથી; પ્રભુ જ એમના કંઠેથી બોલે છે.! એ પ્રભુને પીવાના છે..! એ પ્રભુને પીવો…! તમારું અસ્તિત્વ બદલાઈ જશે.! સાંભળવાથી કંઈ નહિ થાય.! સાંભળવાનું માત્ર conscious mind ના લેવલ ઉપર છે. નવા પદાર્થો આવ્યા, સારું થયું, મજા આવી ગઈ. તમારા અસ્તિત્વને હલાવી નાંખવું જોઈએ. એ ક્યારે બને? પ્રભુને પીવો ત્યારે.
મેઘકુમાર પહેલી જ વાર દેશનામાં ગયેલા.! એક જ વાર પ્રભુને પીધા; ક્લીન બોલ્ડ થઈને ઘરે આવ્યા. “માં પ્રભુ વિના હવે નહિ રહેવાય.!”
ગુરુદેવે કહી દીધું કે આ વાત ન ચાલે. તું બુદ્ધિ લઈને મારી પાસે આવે! અને બુદ્ધિના સ્તર પર તારે મારા શબ્દોને સાંભળવાના છે? કે હૃદયના સ્તર પર? અસ્તિત્વના સ્તર પર? આટલા બધા સદ્ગુરુઓ થઇ ગયાં, કદાચ આપણે એવા ને એવા રહી ગયાં. કારણ શું? કારણ આ – અસ્તિત્વના સ્તરે સદ્ગુરુને પીવાનું થયું નહિ. એ જ રીતે અસ્તિત્વના સ્તર પર પ્રભુનું દર્શન પણ ન થયું. અને એટલે જ કહ્યું; “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” નિર્વિકલ્પ દશા.
એક વાત તમારા ખ્યાલમાં હશે, વિકલ્પ અને વિચાર બે જુદી ઘટના છે. સાદો વિચાર હોય, રાગ-દ્વેષ, અહંકાર ન ભળેલ હોય એવો, એને આપણે વિચાર કહીએ છીએ. અને જે વિચારમાં રાગ, દ્વેષ, અહંકાર ભળ્યો હોય એને આપણે વિકલ્પ કહીએ છે. એટલે આપણી પરંપરા નિર્વિકલ્પ ઉપયોગ ઉપર વધુ ધ્યાન રાખશે.
ઉપાધ્યાય યશોવિજય મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું; “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો” વિચાર આવી જશે કદાચ, તો પણ તમારી સાધનામાં અવરોધ નહિ આવે. વિકલ્પ તો તમારી સાધનામાં અવરોધ નાંખશે.
એક શ્રાવક સામાયિક લઈને ઘરે બેઠેલો હોય. એક વ્યક્તિ આવી અજાણી છે. નજર ગઈ એના ઉપર. હશે કોઈ. વિચાર આવ્યો, વિચારમાં રાગ-દ્વેષ ભળેલા નહી. એ વ્યક્તિ ગઈ, અને બીજી વ્યક્તિ આવી. હવે એવી વ્યક્તિ આવી છે, જેના પ્રત્યે એને તિરસ્કાર છે. અને એના કારણે એના મનમાં વિચાર આવ્યો છે, સાલો, આ નાલાયક મારા ઘરે કેમ આવ્યો છે? આ જે વિચાર થયો ને, આપણે વિકલ્પ કહીએ છીએ. વિકલ્પ માટે આપણે ત્યાં બે વસ્તુ બતાવી છે. સત્તામાં કર્મ છે, ઉદયમાં આવશે. તો રાગનો અંગારો, દ્વેષનો અંગારો, ક્યારેક ફૂટશે. પણ એ અંગારા પ્રત્યે બે કામ થઇ શકે છે: વિકલ્પોના પંખાથી તમે હવા નાંખો, તો અંગારો ભડકામાં ફેરવાય. અને ચાલુ થયો ને રખિયા મૂકી દો ઉપર, તો અંગારો જે છે એ દબાઈ જાય. એટલે ઉદયમાં કર્મ આવે એની ચિંતા નહિ કરવાની. ઉદયમાં આવે; તમારે ઉદયમાં ભળવું નથી.
મહામુનીઓ થઇ ગયા. ભયંકર અશાતાનો ઉદય આવ્યો. પણ અશાતાના ઉદયમાં પણ એ પરમ શાતામાં ડૂબેલા હતાં. આ જ વાત અષ્ટપ્રવચનમાતાની સજ્ઝાયમાં દેવચંદ્રજી મહારાજે કહી. “મોહ ઉદયે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે” સાધકો કેવા હોય? મોહ ઉદયે, અમોહી એહવા – મોહનો ઉદય ચાલે છે, એ પોતે નિર્મોહી છે. ક્રોધનો ઉદય ચાલે છે, એ પોતે ક્રોધથી પર છે. કઈ રીતે બની શકે? તો મજાની વાત એ છે કે ક્રોધ આવ્યો. ક્રોધનો ઉદય થયો, ક્યાં સુધી? તમારા મન સુધી. ચિત્ત સુધી. લેશ્યા સુધી. તમારા શુદ્ધ સ્વરૂપમાં ક્રોધનો ઉદય ક્યાં છે? એટલે નૈશ્ચયિક રૂપે તમારું જે સ્વરૂપ છે આત્માનું, એનું વિભાવન તો રોજ તમારે કરવું જ પડશે. “अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारत:” માત્ર લિપ્ત લિપ્ત લિપ્ત કરીને બેસી રહેવાનું નથી. “अलिप्तो निश्चयेनात्मा” હું શુદ્ધ આત્મ-દ્રવ્ય છું.
આપણે ત્યાં યોગવિંશીકા ટીકામાં મહોપાધ્યાયજીએ લખ્યું, કે અનાલંબન ધ્યાન શ્રેણીમાં હોય છે. પછી ત્યાં પ્રશ્ન થયો; કે સંપૂર્ણતયા નિર્વિકલ્પ બનેલા જિનકલ્પી મુનિઓને આ અનાલંબન હોય કે ન હોય? તો એમણે કહ્યું; કે મુખ્ય અનાલંબનનું પ્રાપક અનાલંબન એટલે હું છું. પણ એ વખતે એમણે ત્યાં આ વાત મૂકી છે; કે મુખ્ય અનાલંબનનું પ્રાપક અનાલંબન પણ ક્યારે હોય? નૈશ્ચયિક રૂપે આત્મસ્વરૂપનું વિભાવન ચાલતું હોય ત્યારે. “હું શુદ્ધ આત્મ-દ્રવ્ય છું.” દ્રવ્ય કર્મ અને ભાવકર્મ. રાગ-દ્વેષ ભાવકર્મો છે, કર્મના પરમાણુ એ દ્રવ્ય કર્મો છે. હું કર્મ છું જ નહિ.! કર્મને અને મારે શું લેવા-દેવા?!
આપણી શ્વેતાંબરીય પરંપરામાં એક ગ્રંથ છે – અધ્યાત્મ બિંદુ, હું એને શ્વેતામ્બરીય સમયસાર કહું છું. એટલી હાઈટનો છે. એમાં લેખક હર્ષવર્ધન ઉપાધ્યાય લખે છે, “बन्धोदयोदीरणसत्त्वमुख्या:
भावा: प्रबन्ध: खलु कर्मणां स्यात् I”
બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા, ખરી; પણ એ કર્મની, મારે શું?
તો એક વસ્તુ સમજાવું બરોબર. કર્મનો ઉદય ચાલુ થયો છે. તમે અત્યારે એ ઉદયમાં ભળી જાઓ છો. ઉદયમાં ભળો તો શું થાય? નવો બંધ તમે બાંધશો. અને ઉદયની ક્ષણોમાં તમે દ્રષ્ટા બની જાવ, તમે નિર્જરા કરશો. અશાતાનો ઉદય છે, તમે શાંતભાવે અશાતાને જોઈ રહ્યા છો, સમભાવે માણી રહ્યા છો, Enjoy કરી રહ્યા છો – તો નિર્જરા. મને તાવ આવ ગયો. મને આમ થઇ ગયું. મને આમ થઇ ગયું. કાલે શું થશે? આ કોરોના આટલો બધો વ્યાપી ગયો છે… આ ભળ્યા કહેવાય.! તો કર્મનો ઉદય આવે, સત્તામાં છે ઉદયમાં આવશે જ.! ઉદય કે ઉદીરણા વિના ખતમ શી રીતે થશે? ઉદયમાં આવે એની જોડે આપણે કોઈ વાંધો નથી, પણ એ વખતે તમારે તમારી ચેતનાને ઉદયાધીન બનાવવાની નથી, સ્વસત્તાધિન બનાવવાની છે – આટલું જ કીધું.
એટલે આપણે ત્યાં શું થયું; પ્રવચનનું સ્તર એકદમ નીચે આવી ગયું છે. આપણા યુવાનો કે આપણા શ્રોતાઓ બહાર કેમ જાય છે? મેં એકવાર યુવાપ્રવચનકારોની મીટીંગમાં કહેલું; કે તમે લોકો એકદમ નીચેથી બોલો છો ને, એ બરોબર નથી કરતાં. સહેજ ઉંચેથી તમારે બોલવું જોઈએ. અને તમે જો સભાને create કરશો ને, તો જ અમારા જેવા માણસો બોલી શકશે. નહીંતર અમે શું બોલશું! એ લોકોએ ફરિયાદ કરી કે સાહેબ બોલીએ તો ખરા પણ સભા છૂટી જાય છે. ઊંડાણથી બોલીએ અમે તો સભા છૂટી જશે. મેં એનો રસ્તો બતાવ્યો. મેં કહ્યું; જુઓ, તમે બધા રત્નસુંદર નથી કે પાંચ મિનિટ પહેલા તમારો ઓડીટોરીયમ ભરાઈ ગયેલો હોય. પાંચ-સાત જણા સામાયિક લઈને બેઠેલા છે. પાંચ-દસ બૈરાઓ બેઠી છે. સાહેબ ચાલો ને, શરૂઆત તો કરો. તો મેં કીધું; એક કામ તમે કરો, અધ્યાત્મસાર, અધ્યાત્મ ઉપનિષદ કોઈ પણ ગ્રંથ લો. અને એક શ્લોક લઈને to the point ૧૫-૨૦ મિનિટ ઊંડાણમાં ચાલ્યા જાવ, પછી લાગે કે સભા ભરાઈ ગઈ છે, નીચે ઉતરી જાવ. એમાં બે કામ થશે; મેં એમને કહ્યું; કે એક તો અભિવ્યક્તિ આ ઊંચા ગ્રંથોની કઈ રીતે આપવી, એની કળા તમારા ખ્યાલમાં આવશે. અને બીજું સભા થોડી create થશે. એટલે આપણા લોકોએ નિશ્ચયના ગ્રંથો તો વાંચવા જ જોઈએ. વ્યવહાર અને નિશ્ચય ઉભેયાત્મક જ પ્રભુશાસન છે.
“નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર” વ્યવહાર બહુ સારો છે આપણો, શ્રેષ્ઠતમ. પણ વ્યવહારમાં બળ ક્યારે ઉમેરાશે? નિશ્ચય હશે તો.! મેલા કપડાં હું પહેરી પણ લઈશ, એકાસણા હું કરી પણ લઈશ, પણ નિશ્ચય દ્રષ્ટિ નહિ હોય તો આ બધું હું અહંકારમાં ફેરવી નાખીશ. એકે એક વસ્તુ. ખલાસ. નિશ્ચય દ્રષ્ટિ જો નથી તો વ્યવહાર શું કરશે? તમારો વ્યવહાર વ્યવહારાભાસમાં જતો રહ્યો છે. લગભગ જોયું, જ્ઞાની બન્યા એટલે અહંકાર આવ્યો. ચારિત્રમાં આગળ ગયા, અહંકાર આવી ગયો, હું કેવું પાળું છું! પછી ત્યાં સુધી નીચે ઉતરી જાય ઘણા લોકો, બીજાની નિંદા કરવા મંડી પડે.! જોયું? અમારી પાસે કેવું છે? ત્યાં કેવું છે? એટલે વ્યવહાર બહુ સારો, શ્રેષ્ઠ! પણ એ વ્યવહારને એ રીતે લેવાનો હતો, કે તે નિશ્ચય તરફ જાય. વ્યવહાર નિશ્ચય તરફ જાય તો જ સાચો.!
માર્ગની વ્યાખ્યા શું? કોઈ પણ માર્ગની વ્યાખ્યા શું? જે કોઈ પણ યાત્રિકને મંઝિલ તરફ લઇ જાય તે માર્ગ. નવસારી કે તપોવન આવવું છે તો અલગ માર્ગ. હું આ બાજુથી આવ્યો નાહર બાજુથી તો અલગ માર્ગ. પણ મંઝિલ હતી. મંઝિલ નક્કી હતી એટલે માર્ગ નક્કી થઇ શકે. પણ મંઝિલ જ ન હોય તો માર્ગ ક્યાંથી હોય? જેમ માર્ગ ન હોય તો મંઝિલ નથી. વ્યવહાર ન હોય તો નિશ્ચય પણ નથી. એમ મંઝિલ નથી તો માર્ગ પણ ક્યાં છે?! તમારી મંઝિલ શું છે?
હું ઘણીવાર કહેતો હોઉં, ડોક્ટરે કહ્યું; હાઈપર ટેન્શન છે, ડાયાબીટીસ છે. પાંચ કિલોમીટર રોજ ચાલો. એ માણસ અઢી કિલોમીટર ઘરેથી જાય. પછી અઢી કિલોમીટર પાછો. એની કોઈ મંઝિલ નથી. એને ક્યાંય જવાનું નથી. ઘરે જ રહેવાનું છે. અઢી કિલોમીટર જઈ આવો, કોઈ પણ બાજુ. પછી પાછું. અને એની સામે કો’ક યાત્રિક છે. એને સુરતથી પાલીતાણા જવું છે. સુરતથી અમદાવાદ જવું છે. તો એ બરોબર પૂછે છે કે મારો માર્ગ કયો? મંઝિલ સુધી લઇ જનારો માર્ગ કયો?
હવે ઘણીવાર મારા પ્રવચનોમાં લોકોને પૂછું; કે તમે morning walk કરવાવાળા છો કે ખરેખર? કે સાધક છો? મોર્નિગ વોકવાળો ક્યાંય પહોંચતો નથી, ઘરે જ રહે છે. તમે પણ કહી દો – એકાસણું કર્યું આજે, આયંબિલ કર્યું આજે, ૫૦૦ ગાથાનો સ્વાધ્યાય કર્યો, પ્રતિક્રમણ બે ટાઈમ કર્યા, સામાયિક કર્યું. બરોબર. કર્યું. પણ એના દ્વારા ફળ શું મળ્યું? શ્વાસ ચડતો હોય, અશક્તિ હોય, ડોકટરે કહ્યું; કે ૧૦૦ ટેબલેટ વિટામીન અને મિનરલ્સની લો. સરસ થઇ જશે. ૭૫ ટેબલેટ ગળાઈ ગઈ, છતાં બે ડગલાં ચાલે ને શ્વાસ ચડે છે. એ પેશન્ટ ડોક્ટર પાસે જવાનો કે નહિ? કે સાહેબ તમે તો કહેતાં હતા ને ૧૦૦ ટેબલેટ લો, અને બધું દર્દ ખતમ થઇ જાય. ૭૫ ટીકડી તો ગળી ગયો હું, કોઈ ફરક નથી.!
એમ હું સાધકોને પૂછું છું, રોજ એક સામાયિક કરો છો, તમારો સમભાવ કેટલો વિસ્તૃત બન્યો એ તો કહો? સહેજ નિમિત્ત મળે ને ગુસ્સો આવી જ જાય છે. તો સામાયિક દ્વારા તમને શું મળ્યું? એટલે કોઈ પણ સાધનાને પરિણામ જોડે અનુસંધાન વાળી રાખજો કે મને આના દ્વારા શું મળ્યું? તમારી દીક્ષા તિથીએ પણ તમારે એ જ વિચાર કરવો જોઈએ; what’s my achievement? આ એક વર્ષમાં મને શું મળ્યું? મારી જે મંઝિલ હતી, એ મંઝિલ તરફ હું સહેજ પણ આગળ વધ્યો? આપણી મંઝિલ પોઝેટીવલી જોઈએ તો સ્વાનુભૂતિ છે, અને નેગેટીવલી જોઈએ તો રાગ, દ્વેષ, અહંકારની વધુમાં વધુ શિથિલતા. તો તમે ક્યારેય જોયું, કે સાધના કરતાં ગયા ગયા, કરતાં ગયા, રાગ પાતળો પડ્યો? દ્વેષ શિથિલ બન્યો? અહંકાર શિથિલ બન્યો? તમે જોયું ક્યારેય? તમે proper માર્ગ પર છો કે નહિ, ખબર શું પડે? રાગ, દ્વેષ અને અહંકાર તમારા શિથિલ બને તો ‘જ’ માની શકાય કે તમે પ્રોપર વે પર છો.
એટલે વ્યવહાર- નિશ્ચય ઉભેયાત્મક ચિંતન કરવું જ પડશે. વ્યવહાર આપણો the best છે. મેં દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ, પણ વ્યવહારનું આટલું સરસ ફોરમેટ દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં નથી. તમે એકદમ તમારા સ્વમાં ઉતરી જાવ એવું ફોરમેટ પ્રભુએ આપ્યું છે. આપણી આખી દિનચર્યા જુઓ. ક્યાંય કોઈ રાગદશાને અવકાશ છે? ક્યાંય કોઈ જીવદ્વેષ કે અહંકારને અવકાશ છે? આપણી સામાચારી જ એટલી મઝાની છે.
એકવાર સાધુ-સાધ્વીઓની વાચના હતી અને મેં નિર્વિકલ્પ દશા ઉપર ભાર મુક્યો. ત્યારે એક મુનિરાજે પૂછ્યું; કે સાહેબ આપ તો હસતાં હસતાં કહો છો કે નિર્વિકલ્પ બની જાવ. પણ નિર્વિકલ્પ બનવું શી રીતે? તો મેં સામેથી પૂછ્યું; શું આ પ્રભુનો મુનિ પૂછે છે? નિર્વિકલ્પ કેમ બનવું? પેલો કહે, તમે આઠ મહિના વિહાર કરતાં હોવ. ચોમાસાની અંદર પણ અહીંથી ક્યાંય જવાનું તો છે જ. ગોચરીએ, દેરાસરે. તો તમે જ્યારે પણ ચાલશો, ઈર્યાપૂર્વક ચાલશો. ઈરિયાસમિતિની શરત શું છે? “મુત્તુણ પંચવિઅ સજ્ઝાય” પાંચે પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર માર્ગને જોતા જોતા ચાલવું એ ઈરિયાસમિતિ. તો તમે ગાથા ગોખી શકો નહિ, નવકારવાળી ગણી શકો નહિ, શુભ અનુપ્રેક્ષા પણ કરી શકો નહિ! અનુપ્રેક્ષા પણ સ્વાધ્યાય છે. તો માત્ર માર્ગ જોવાનો… કલાક, બે કલાક, ચાર કલાક સુધી. વિકલ્પો ક્યાં રહ્યા તમારી પાસે?
એક તો ઈર્યાસમિતિ તમને નિર્વિકલ્પ બનાવે. બીજું તથાકાર સમિતિ અલગ. તથાકાર સામાચારી – ગુરુએ કહ્યું; ‘તહત્તિ’; કોઈ વિચાર કરવાનો જ નથી! કાલે વિહાર છે કે તમને ખબર નથી. ગુરુ કહે વિહાર છે તો વિહાર; નથી તો નથી.
એકવાર હું ચાણસ્મા ગયેલો વિહાર કરતાં. અને યશોરત્નસૂરિ અને એ બધા આવવાના હતા. એમના એક મુનિરાજ હતા. મારા પુસ્તકો વાંચતા હતા. મને કહે, સાહેબ મને થોડો ટાઈમ જોઈએ છે. સારું, સાંજે અમે બેઠા હતા. એકાદ કલાક ગોષ્ઠી થઇ. છેલ્લે મેં એમને પૂછ્યું; કે કાલે તમારો વિહાર છે કે કાલે અહીં રોકાવાના છે? કહે કે સાહેબજી મને કોઈ ખ્યાલ નથી. પણ ગુરુદેવ જો ચાર વાગે મને જગાડશે તો હું માનીશ કે વિહાર હશે. પાંચ વાગે જગાડશે તો માનીશ કે વિહાર નથી. કાલે સવારે જવાનું છે કે નહિ, એના માટે નિર્વિકલ્પ છે! ગુરુ કહે એમ કરવાનું છે ને, મારે ક્યાં મારી બુદ્ધિ ચલાવવાની છે? મારે ક્યાં મારો વિચાર કરવાનો છે?! એટલે એક ઈર્યાસમિતિ, એક તથાકાર સામાચારી, અને ત્રીજું વર્તમાન યોગ. આ ત્રણ વસ્તુ આપણી પાસે છે.
વર્તમાન યોગ. તમે વહોરીને આવતાં હો અને કોઈ કહે સાહેબ મારા ત્યાં લાભ આપો. તમે શું કહો? વર્તમાન યોગ. તમે કોઈ commitment નથી આપતાં કે હા પછી હું આવું છું. અથવા નહિ આવું, એમ પણ કહેતાં નથી. “વર્તમાન યોગ” – મને અત્યારની વર્તમાન ક્ષણ જોડે જ સંબંધ છે. એટલે ભવિષ્યમાં ખપ હોય તો આવી પણ શકું. ન હોય તો ન આવું. અને તમે ગોચરી વહેંચતા હોવ, બહારથી કોઈ શ્રાવક કે શ્રાવિકા કહે; સાહેબજી મારા ઘરે તો લાભ મળ્યો જ નથી. પધારો. તો પણ તમારે કહેવાનું, વર્તમાન યોગ. ગોચરી ખૂટશે કે નહિ ખબર નથી હો. ખૂટી તો આવવાનું. ન ખૂટે તો નહિ આવવાનું. વર્તમાન યોગ. મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. વર્તમાન ક્ષણ જોડે જેને સંબંધ હોય એ નિર્વિકલ્પ બની જ જાય ને.
શંકરાચાર્યે આ વર્તમાન યોગ માટે જીવનમુક્ત દશા શબ્દ વાપર્યો છે. એમનો બહુ જ પ્યારો શ્લોક છે;
“अतिताSननुसन्धानं भविश्यदविचारणम् I
औदासीन्यमपि प्राप्ते जीवन्मुक्तस्य लक्षणम् ‖”
अतिताSननुसन्धानं – ભૂતકાળ સાથેનો છેડો ફાટી ગયો. તમે અતિત તો વિચાર કરો કોઈ, ઘટના ઘટી ગઈ એનો? કેમ ઘટી? કોને ઘટાડી? પોસ્ટમોટમ કરો? ઘટી ગઈ તો ઘટી ગઈ; સ્વીકાર કરી લો.
ઉપમિતિમાં એક વાક્ય લાલ લીટી દોરીને કહેવામાં આવ્યું છે; “અત: અતિત ચિંતા મહામોહવિરસિતં એવ” જે પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય હતો, એ પ્રમાણે ક્રમબદ્ધ પર્યાય ખૂલ્યો. ઘટના ઘટી ગઈ… ઘટી ગઈ તો ઘટી ગઈ – એનો સ્વીકાર કરી લો. એમાં તમારા વિચારને ક્યાં અવકાશ છે?! “અત: અતિત ચિંતા મહામોહવિરસિતં એવ” તો કાલની ચિંતા નહિ, ભવિષ્યકાલનો વિચાર નહિ.
મેં હમણાં જ એક વાચનામાં કહ્યું; કે ભવિષ્યકાળનો વિચાર કરો તો કોના વધારે કરો? તમારા ‘હું’ ના વધારે કરો. મારે શું બનવું છે.. મારે શું કરવું છે.. મારું શું થશે… પણ એ ભવિષ્યકાળની બધી વિચારણાઓનો મૂળનાયક જે છે, એ મૂળનાયક કેટલો રહેવાનો, કોને ખ્યાલ છે! તમે કેટલું રહેવાના, તમને ક્યાં ખબર છે? भविश्यद् अविचारणाम्
औदासीन्यम् अपि प्राप्ते – જે ક્ષણ મળી એમાં ઉદાસીનદશામાં હોવું. વર્તમાન યોગ એટલે એક ક્ષણ છે એમાં રાગ-દ્વેષ આવ્યો એ વર્તમાન યોગ નહિ. જે ક્ષણમાં ઉદાસીનદશા ભરાયેલી છે, એ ક્ષણ એ વર્તમાન ક્ષણ – શુદ્ધ વર્તમાન ક્ષણ.
તો ઈર્યાસમિતિ તમારી પાસે છે. તથાકાર સામાચારી તમારી પાસે છે. અને આ મજાનું વર્તમાન યોગ તમારી પાસે છે. હવે વિકલ્પો આવે ક્યાંથી? તો આ બધું વ્યવહારની ઘટના છે. તો વ્યવહારને પણ આપણે ઘૂંટ્યો નથી.
આજના જે દિગ્ગજ સંગીતકારો છે ને એ કહેતાં હોય છે કે એ લોકોએ એકમાત્ર ‘સા’ ને દસ-દસ વર્ષ સુધી ઘુટ્યો છે. સાત સુરોની વાત નથી કરતાં! એક ‘સા’ ને…! દસ-દસ વર્ષ સુધી ઘૂંટ્યો છે..! ભીમસેન જોશી હમણાં જ ગયાં. અનુરાધા પોંડવાલે એમને પૂછેલું; કે કોઈ ભી બડા સંગીતકાર હોતા હૈ દિગ્ગજ સંગીતકાર, તો અપને નામ સે નયે રાગ કા સર્જન વો કરતાં હૈ. આપને કૌન સે રાગ કા સર્જન કિયા? ત્યારે ભીમસેન જોશી કહે છે; બેટી! હમ તો ‘સા’ સે ‘રે’ તક ભી નહિ પહુંચે હૈ.! રાગ કે સર્જન કી ક્યાં બાત કરતી હો? આવો દિગ્ગજ સંગીતકાર એ માને છે કે હું હજી ‘સા’ માં છું.! એ લોકો ‘સા’ ને દસ વર્ષ ઘૂંટે.!
હમણાં સુરતની વાચનામાં મેં પૂછેલું; ઈર્યાસમિતિને દસ વર્ષ ઘૂંટી હોય એવા કેટલા મહાત્મા? મુંબઈ ગોવાલિયા ટેંકમાં સવારની વાચના ચતુર્વિધ સંઘની રહેતી. એમાં એકવાર મેં ઈર્યાસમિતિની વાત કરી. તમે ઈર્યાસમિતિ પાળો, તો ભગવાનની આજ્ઞાનું પાલન થાય, તમે નિર્વિકલ્પ બની જાવ, દ્રષ્ટિ સંયમ તમને મળે. ૧૫ દિવસ પછી એક શ્રાવક બપોરે આવ્યાં. કે સાહેબ એક્સીલેંટ. આપે ઈર્યાસમિતિની વાત કરી, અને એ જ દિવસથી મેં એને અમલમાં મૂકી. ઓફિસે તો હું કારમાં જ જાઉં છું. દૂર છે. પણ ઘર મારું નજીક છે. તો સવારે દેરાસર અને વાચના માટે આવું છું ત્યારે ફૂટપાથ ઉપર બરોબર ઈર્યાપૂર્વક ચાલતો ચાલતો આવું છું. ખાલી દસથી-પંદર મિનિટ થતી હોય છે આવતાં, દસ-પંદર મિનિટ જતાં, પણ, પંદર દિવસનો મારો અનુભવ એટલો સરસ છે, હું કહી શકું કે જે વિકલ્પો માટે કોઈ લાકડી મને હજી સુધી અત્યારે મળી નથી. આજે વિકલ્પો માટેની લાકડી મળી ગઈ. નિર્વિકલ્પ દશા મને મળી ગઈ!
તો “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” વિચારો આવે છે દેરાસરમાં? સ્તવન તમે આમ છે ને, તમારો કંઠ સારો હોય ને મોટેથી ગાવ ને, એ વખતે વિચારોની સ્પીડ ઓછી થઇ જશે. એમાં પણ કરવાનું એ કે એવા સ્તવનો લેવા કે જેનો અર્થ તમારા ખ્યાલમાં હોય. હું તો ઘણીવાર કહું છું, કે સ્તવન શરૂ થાય શબ્દોથી, પૂરું થાય ડુંસકામાં. શબ્દોમાં પૂરું થાય?! “બાળપણે આપણ સસ્નેહી, રમતાં નવ-નવ વેશે રે” બાળપણે આપણે… એ વેદનાની ટીસ ન ઉપડે? પ્રભુ એક સમય એવો હતો કે આપણે સાથે રમતાં, સાથે જમતાં, સાથે હરતા ને ફરતાં. આજે એવું શું થયું કે તમે અમારો સંગ છોડીને સિદ્ધશિલા ઉપર પહોંચી ગયા? આંખમાંથી આંસુની ધાર ટપકે.. એટલે સ્તવના શરૂ થાય શબ્દોથી, પુરી થાય ડુંસકામાં. માત્ર શબ્દોમાં પુરી ન થવી જોઈએ. ડુંસકા આવવા જ જોઈએ.
પ્રતિક્રમણ કરો, અને વંદિતું બોલો ત્યારે પણ ડુંસકા આવવો જોઈએ. આંખો ભીની થવી જોઈએ. ‘તં નિંદે તં ચ ગરિહામી’ ‘તં નિંદે તં ચ ગરિહામી’ તમે જુઠું બોલી નાંખેલું છે, એની જ ગાથા આવી, ‘તં નિંદે તં ચ ગરિહામી’તમારી આંખમાં આંસુ આવે. વિના કારણે પભુની આજ્ઞાનો ભંગ થયો.
મુંબઈ ગોવાલિયા ટેંકમાં પર્યુષણના પ્રવચનો ચાલે. અને ત્યાં પ્રતિક્રમણમાં સાંજે ૧૦૦૦ એક માણસો આવે, પર્યુષણમાં. તો મેં પર્યુષણમાં કહ્યું; કે મારે તમારું વંદિતું ડુંસકાની પ્લે-બેક પર સાંભળવું છે. સંગીતકાર ગમે એટલો સારો હોય, પણ રીધમ ન હોય તો, પ્લેબેક ન હોય તો? મેં કહ્યું; વંદિતું આમ કેમ બોલી જાવ છો, મેં કીધું! ને એમનેમ સાંભળી જાવ છો! ૧૦૦૦ લોકો તમે છો. જે બોલતો હોય, એના ગળામાં પણ ડુંસકા હોય, ૯૯૯ સાંભળનાર જે છે એના ગળામાં ડુંસકા હોય. એ શું થયું? અહોભાવ તીવ્ર હોવો જોઈએ એ પણ થયું.
એટલે હું છે ને ‘હું’ ના ત્રણ રૂપ કહું છું – એક અહંકારના લયનો ‘હું’. બીજો અહોભાવના લયનો ‘હું’ અને ત્રીજો શુદ્ધ લયનો ‘હું’ આનંદઘન. પણ આનંદઘન ના ‘હું’ ને પહોંચવા માટે થોડો સમય લાગશે. પણ અહોભાવના ‘હું’ ને અત્યારે તમે પહોંચી શકો છો. એટલે શ્રાવકોને ખાસ કહું છું, અહોભાવને જેટલો ઘૂંટાય એટલો ઘૂંટો. જ્યાં શુભ ને તમે ઘુટ્યું, શુદ્ધમાં તમે પહોંચી જ જવાના. શુભ, શુભનો વેગ, અને શુદ્ધ આ જ આપણી પરંપરા છે. અને શુભ જ્યાં બરોબર ઘૂંટાય; શુદ્ધમાં તમે છલાંગી જવાના. પણ શુભમાં વેગ નથી આવતો, માત્ર શરીરના સ્તર પર ક્રિયા થઇ રહી છે.
તો “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે” વિચારોને બહાર મુકીને જવાનું. વિકલ્પોને બહાર મુકીને જવાનું.. બરોબર… સાથે લઈને નહિ જવાનું કાંઈ. એકદમ ખાલી થઈને જવાનું; પછી પ્રભુ ભરી આપશે! તમે જ ખાલી ન કરો તો ભરી આપે કઈ રીતે…! પહેલા ખાલી થવું પડે ને?
એક શિષ્ય ગુરુ પાસે આવેલો. સાધક હતો. એને સાધના દીક્ષા લેવાની હતી. ગુરુને કહ્યું; સાધના દીક્ષા આપો. ગુરુએ જોયું; અહંકાર તો ઘણો બધો છે. હું વિદ્વાન છું. ભણેલો-ગણેલો છું. અહંકાર ઘણો છે. અહંકાર એના હૃદયમાં ઠસોઠસ ભરેલો છે. હવે સાધના આપવી ક્યાં? અને આપીશ તો રહેશે ક્યાં? પણ ગુરુ મજાના હતા. આ તિબેટની ઘટના છે. તિબેટમાં ઠંડી બહુ હોય. એટલે સવારથી સાંજ સુધી ચા ની કીટલી ઉભરે. ગુરુએ કહ્યું; તું સાધક તો પછી. મારો મહેમાન તો છે ને? તને ચા આપીશ. ગુરુએ કપ-રકાબી એની સામે મુક્યા. ગુરુ પોતે ચા serve કરે છે. કપ ભરાઈ ગયો, ચા રેડાવાનું ચાલુ. રકાબીમાં ચા રેડાઈ. રકાબી ભરાઈ ગઈ. ચા રેડાવાનું ચાલુ. જાજમ ઉપર ચા. પેલો કહે; સર, સર, સર, શું કરો છો? પેલો કહે તું કંઈ સમજ્યો? કપ-રકાબી ભરાઈ ગયાં અને આપણે ચા નાંખીએ તો જાય ક્યાં? એમ તારું હૃદય અહંકારથી ભરાયેલું છે હું સાધના નાંખીશ તો જશે ક્યાં? એટલે ખાલી થઈને જવાનું સમજી ગયા ને. હવે….!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *